આવો મારી સાથે
September 17, 2007 by pravinash1
આજમાં હજુ શ્વાસ લઊં અને ઉચ્છવાસ કાઢું ત્યાં તો આવતીકાલ આવી જાય છે.
આજે જો નિરાંત હોય તો હું તમને એવા સ્થળે લઈ જઈશ જ્યાં તમે અને હું નિરાંતે
ગુફ્તગુ કરીશું. ત્યાં ડર જેવી વસ્તુ નહીં હોય. આતંકવાદી શબ્દ જાણે કયા વિશ્વમા
વિહરતો હશે તેની જાણ નહી હોય. જ્યાં ટેલિફોન પણ દુર્લભ હોય તો પછી સેલ
ફોન કે કમપ્યુટર તો ક્યાંથી જડવાના. વરસને વચલે દહાડે તમને વિમાન દર્શન દે.
આગગાડી આવે ત્યારે નાનામોટા ટોળે વળીને છેલ્લો ડબ્બો દેખાય ત્યાં સુધી તાકી રહે .
તમે જ્યાં બેઠા છો ત્યાંજ રહેજો. તમારે ઉઠીને ક્યાંય જવાનું નથી. અરે, તમને
ભૂખકે તરસ પણ નહીં લાગે. મા જમવા બોલાવવા રાડૉ નાખશે પણ તમને નહીં
સંભળાય. ભણવાનું પણ તમે ભૂલી જશો. જો તમે ભણી પરવાર્યા હશો તો નોકરી
ધંધો યાદ નહીં આવે.
આજે હું તમને એવા પ્રદેશમાં લઈ જઈશ જ્યાં તમને ખૂબ આનંદ આવશે. તમારા
મુખ પર સ્મિત છવાઈ જશે. તમે એવા તો ગુલતાન થઈ જશો કે સમય અને સ્થળનું
પણ તમને ભાન નહીં રહે. ચાલો ત્યારે તૈયાર છો? આવો મારી સાથે , અમેરિકાથી
હજારો માઈલ દૂર. આપણા મલકમાં , અને એમાંય વળી વર્ષોના વહાણા વાઈ ગયા
તેવા સીધા સાદા આપણા બાળપણમાં. કેટલી નિર્દોષતા હતી. સીધું સાદુ છતાંય મસ્ત
જીવન હતું. ઘરમાં પ્યાર ભર્યું વાતાવરણ. મમ્મીને નોકરીએ જવાની ખટખટ નહી.
સવાર પડી નથીને નિત્યકર્મ પતાવીને ભણવા બેસી જવાનું. પલાખાં લખવાના. સાંજે
પિતાજીના પગ દબાવતા જવાબ આપવાના. જો ન આવડેતો ફુટપટ્ટી ખાવાની તૈયારી
રાખવાની. ધીરેથી જોરથી નહી હં કે. રવીવારે સવારે ઘોડાગાડીમાં બેસી મંદીરે
દર્શન કરવા જવાનું.
આજ વિશે ખૂબ શાંતિ છે છતાંય ઘરમાં નાના બાળકોને જોઊં ત્યારે મારું બાળપણ
આળસ મરડીને બેઠું થાય. ખૂબ ભોળી હતી. કપટનું નામ નિશાન નહતું. બીજાના
કહેવામાં તરત આવી જતી. બસ અને આગગાડીનો પ્રવાસ આનંદથી માણતી. વિમાન
કેવું હોય તેની હંમેશા કલ્પના કરતી.
શાળામાં પહેલી પાટલી પર બેસીને ભણવાનું. શિક્ષક કહે તેના પર એક ચિત્તે ધ્યાન
આપવાનું. રમત ગમતમાં ભાગ લેવાનો. હા, શિક્ષકોને હેરાન કરવાના પણ ઘર સુધી
ફરિયાદ ન પહોંચે. મારી મમ્મીનો ડર લાગતો. રમકડાં ભલેને થોડા હોય પણ બધી
રમતોમાં પારંગત. જરાય કાવાદાવા ન ફાવે.
અરે ,તમનેતો ઝોકા આવવા મંડ્યા. કંટાળી ગયાને? દોડધામ ની જીદગી એટલી ગમી
ગઈ છે કે શાંતિ વાળી જીંદગીની યાદ પણ હવે કંટાળો આપે છે. તમને ન મઝા આવી
તો કાંઈ નહી. તમને મારી સાથે ઘસડી ગઈ તેનો મને સંતોષ થયો.
મને પણ ઘણી બધી યાદો તાજી થઈ ગઈ.