ગમતા કાવ્યો


કોઇ ક્યાં સાથે આવે છે, ઘડી બે ઘડીની વાતો છે.
કહેવાયે સૌ પોતાના પણ, રાત્રે  એકલતા ડારે છે
જન્મ્યા જીવ્યા તે તો ઠીક! મૃત્યુબીક બહુ લાગે છે
ચાલ્યા ગયા સૌ સ્વજનો, હવે એકલતા ડારે છે

માં,હવે શું તને એકલું લાગે છે?
માં,હવે તને મારા વગર સુનું લાગે છે?

વર્ષો સુધી ટીપે-ટીપે લાગણીઓ તું મને પિવડાવતી,
રોજ સવારે જોઈ મને તું ચહેરો કેવો મલકાવતી,

સ્કુલે જતા વહાલ ભરેલી ચુમ્મિઓ મને આપતી,
ઘરે પાછો ના આવું ત્યાં સુધી ઝાંપે પહેરો રાખતી,

ગુલાબજાબુંની ચાસણી જેવી મમતા તું વરસાવતી,
દોડા-દોડી કરાવું તો ગુસ્સાથી આંખો કેવી તું કાઢતી,

રોજ જ મારું મનગમતું ને ભાવતું ભોજન બનાવતી,
રોટલી ઉપર ઘી રેડી રેડી ને બહું તું મને ખવડાવતી,

ઉડવાનું તું બળ આપતી ને ઉડતા પણ શીખવાડતી,
ઢળી ગયેલા સૂરજ પછીની પરોઢ બનવા જણાવતી,

આજે…જ્યારે હું ઉડી ગયો છું,
પરોઢ બનવા નીકળી ગયો છું,

ત્યારે…માં,શું તને એકલું લાગે છે?
માં,હવે તને મારા વગર સુનું લાગે છે?

Posted by હું.. દિગીશા શેઠ પારેખ

 

પદ્ય અને ગદ્યનl સમન્વયનો આ નવતર પ્રયોગને આપ માણશો તેવી આશાસઃ

 

આવકારી શક્યા નહીં !-ડો.મહેશ રાવલ

તફાવત હતો પણ, નિવારી શક્યા નહીં
સહારા ય છેલ્લે ઉગારી શક્યા નહીં

મુકદર જુઓ આપણું કે, અધિકતર
કદી સત્યને આવકારી શક્યા નહીં

પલળતું ગયું પોત ભીનાશ વચ્ચે
જરાકે ય એને નિતારી શક્યા નહીં

જુદી નીકળી ધારણાથી હકીકત
અને ધારણા, ફેર ધારી શક્યા નહીં

વકરતી રહી નિત અડાબીડ ઈચ્છા
વિષય ચાતરીને, વિચારી શક્યા નહીં 

અસર વિસ્તરી ગઈ, અસામાન્ય રીતે
ઈલમ ઓળખીતાં ય, તારી શક્યા નહીં

Courtsey : http://drmaheshrawal.blogspot.com

 

 તારો અધિકાર 

આ કવિતા વાંચતા પ્રાચી વિચારમાં પડી ગઇ. આ કવિઓને ક્યાંથી સમજાઈ જાય છે વણ કહી બધી વાતો… પેઢીઓનો તફાવત તો હતો તેથી જ તો બંને પોત પોતાનો બુંગીયો ફુંકતા હતા ને..તમે સમજો જરા..જમાનો બદલાઈ ગયો અને હજી તમે ત્યાંજ બેસી રહ્યા છો? તમે દેશમાંથી અમેરીકા આવીને બેસી ગયા પણ હજી દેશને ભુલતા નથી? હવે તો તમારા દેશમાં પણ આ બધુ થાય છે…તમારે જોવુ નથી…માનવુ નથી.હા દેવ આ બધુ કહેતોજ હતો..અને હું મારા અભિપ્રાયને સંસ્કૃતિનાં નામે એના ઉપર થોપતી ગઈ..મા દીકરાનો સબંધ મજબુત સહારો હતો છતા…તે તેને ઘરે છે અને હું ભાડાનાં ઘરમાં એકલી ફરું છું…

તફાવત હતો પણ, નિવારી શક્યા નહીં
સહારા ય છેલ્લે ઉગારી શક્યા
નહીં

પ્રણવનાં ગયા પછી નાનો દેવ તો મારો સહારો હતો.. જીવવાનું બહાનુ હતો…પણ વરસોને જતા ક્યાં વાર લાગે છે..મારા મનમાં વસેલો નાનો દેવ આજે તો ડેટીગ કરતો દેવ શર્મા છે…તેની સ્વપ્ન સુંદરી જેના ઇચ્છે છે તે બધુ દેવ કરે છે અને તે ઇચ્છે છે મા નામનું આ ઘેલુ પ્રાણી તેના દેવથી જોજનો દુર રહે..રોજ રોજ ફોન ન કરે.. રવિવારે ખાલી મંદીરમાં અલપ ઝલપ મળે…અને મુઈ હું જેને મારો માની રહી છું તે તો ક્યારનો કહી રહ્યો છે “મોમ ગ્રો અપ.. મારે હવે તારી જરુર નથી..મારી પણ જિંદગી છે..હું પણ ઝંખુ છું મારી જેના સાથે મારી જિંદગી જીવવાની..”

મુકદર જુઓ આપણું કે, અધિકતર
કદી સત્યને આવકારી શક્યા નહીં


પણ બેટા મને ક્યાં
વાંધો છે તારી જેના સાથેની તારી જિંદગીનો..પણ હું સંપુર્ણ પણે તારી જિંદગીમાંથી નીકળી જઉ તે મને મંજુર નથી..તુ જેનાનો પ્રેમી બન પણ મારો દિકરો બનવાનુ કેમ ટાળે છેમોમ ગ્રો અપ..અઢાર વર્ષનો થયા પછી અહી હજુ મોમ મોમ કરું તો અહી બધા હસે છે અને આ યુવા અવસ્થામાં મને ગમતુ મારું સ્નેહ પાત્ર તને ગમતુ થાય ત્યાં સુધી રાહ જોવી મને જરુર નથી લાગતી..તુ જ તો કહેતી હતીને ટેક ઈટ ઓર લીવ ઈટ. આજે મારે તને કહેવુ પડે છે મોમ..આઈ એમ લીવીંગ યુ.

પલળતું ગયું પોત ભીનાશ વચ્ચે
જરાકે ય એને નિતારી શક્યા નહીં

અશ્રુ તો ઘણાં નીતરી ચુક્યા..જોકે હવે તો દેવને ત્યાં પણ જ્હોન અને કેટરીના છે.. મને કોણ જાણે કેમ હજુ પણ જ્હોન ઉપર વહાલ આવ્યા કરે છે પણ જેના મને કહેતી રહે છે કે દાદીને હેરાન ના કરતો..હું કેવી રીતે સમજાવું કે મારું દેવ પર વરસેલા વહાલનો કેટલોક હિસ્સો હજી શ્વસ્યાં કરે છે મારા વહાલના દરિયામાં..તે મારા દેવનાં સંતાનો છે.. પણ જેના ને લાગે છે કદાચ હું દોરા ધાગા કરી તેના દિકરાને તેનાથી છુટો પાડી દઈશ..જેના તને કેમ સમજાવું..કે હું પણ મા છુ અને હું સમજી શકુ છું માતૃત્વને..અને આશા છે કે તુ પણ સમજ કે દેવ કે જે તારો પતિ પછી પણ તે પહેલુ  મારું પણ સંતાન છે…

જુદી નીકળી ધારણાથી હકીકત
અને ધારણા
, ફેર ધારી શક્યા નહીં

આજે મેં મારી અંદરની મા ને મારી નાખી..મારે દેવ તારા બાળકોની બેબી સીટર નથી બનવું. પ્રણવનાં ગયા પછી મેં આજે પહેલી વખત મને મેં મારી રીતે જોઈ. મને જિંદગી સાથે સમાધાન નથી કરવું. પ્રણવનાં ગયા પછી તને ભણાવ્યો ગણાવ્યો અને સમાજમાં ગર્વભેર જીવી શકે તેવો બનાવી મા તરીકે ની મારી જવાબદારી પુરી કરી. હવે હું દેશમાં જઈ મારા અત્માનું કલ્યાણ કરીશ..ભલેને તુ મને કહે “મોમ યુ આર એસ્કેપીંગ..”

વકરતી રહી નિત અડાબીડ ઈચ્છા
વિષય ચાતરીને
, વિચારી શક્યા
નહીં
દેવ્! તુ મારુ પીંડ છે..તુ ઉણો ઉતર્યો એવુ કહેવુ ગમતુ નથી તેથી કહું છું મારી અપેક્ષા વધુ હતી..આ હ્રદયમાં સળંગ ઉઠતી મમતાને વારંવાર દાબવી અને નિઃસાસા નાખવા તે કરતા વિષય બદલીને જીવી જવું તે અમેરીકન વહેવારીક સત્ય સ્વિકારી લઉં છું. હા સાથે એક નિઃસાસા સાથે કહી દઉ..મારા મૃતદેહને આગ દેવાનો તારો અધિકાર હું છીનવી ને જઉ છું.   

અસર વિસ્તરી ગઈ, અસામાન્ય રીતે
ઈલમ ઓળખીતાંય
, તારી શક્યા નહીં

 

 

Vijay Shah

      તિલક  કરતાં  ત્રેપન ગયા,  જપમાલાના  નાકાં  ગયા
       તીરથ ફરી  ફરી થાક્યાં ચરણ તો યે ન પહોંચ્યા હરિને શરણ
      કથા સુણી સુણી  ફૂટ્યા કાન અખા તો યે ન આવ્યું બ્રહ્મજ્ઞાન
     
       એક  મૂરખને  એવી  ટેવ  પત્થર  એટલા પુજે  દેવ
       પાણી  દેખી  કરે  સ્નાન  તુલસી  દેખી  તોડે  પાન
       એ  અખા વડું ઉત્પાત ઘણાં પરમેશ્વેર એ ક્યાંની વાત

      એક નગરમાં  લાગી  લાય પંખીને  શો  ધોકો  થાય
      ઉંદર  બિચારા  કરે  શોર  જેને  નહીં  ઉડવાનું  જોર
      અખા જ્ઞાની ભવથી ક્યમ ડરે જેની અનુભવ પાંખો આકાશે ફરે

       આંધળો સસરો ને શણઘટ વહુ એમ કથા સાંભળવા ચાલ્યા સહુ
       કહ્યું  કાંઈ  ને  સમજું  કશું  આંખનું  કાજળ  ગાલે  ઘસ્યું
       ઊંડો  કૂવો  ને  ફાટી  બોખ  શીખું  સાંભળ્યું  સર્વે  ફોક

       દેહાભિમાન   હતું  પાશેર   તે  વિદ્યા  ભણતા  થયો  શેર
       ચર્ચાવાદમાં   તોલે  થયો  ગુરુ  થયો ત્યાં  મણમાં  ગયો
       અખા  આમ  હલકાથી  ભારે  થાય  આત્મજ્ઞાન સમૂળું જાય

       સો  આંધળામાં  કાણો  રાવ આંધળાને  કાણા પર  ભાવ
       સહુના  નેત્રો  ફૂટી  ગયા  ગુરુઆચારજ  કાણાં  થયા
       શાસ્ત્ર તણી છે એક જ આંખ અનુભવની ઉઘડી અખા નહી આંખ

         તુલસી   યે   સંસારમેં   પંચ   રત્ન  હૈ   સાર
          હરિભજન અરૂ સંતમિલન, દયા દાન ઉપકાર

        

        તુલસી પર ઘર જાય કે દુઃખ ન કહીયે રોય
         માન ગુમાવે આપનો  બાંટ ન  લેવે  કોય

      

        તુલસી નીચે જનનસે  બનેન ઉંચો  કામ
        મઢત  નગારા ના બને  ચૂહા કેરો  ચામ

      

       એક  મૃગકે  કારને  ભરત ધરી  તીન દેહ
       તુલસી ઉનકી ક્યા ગતિ ઘરઘર કરત સ્નેહ
      

      આવત હી હરખે નહી   નૈનન  નહી  સ્નેહ
       તુલસી વહાં ન જાઈએ કંચન બરસત મેહ
      

     પાપપુણ્ય છુપછુપ કરો સોવત કરો કે જાગ
       તુલસી કબ લગ છુપ રહે ઘાસ ઘુસાઈ આગ
       

        તુલસી  વહાં ન જાઈએ જહાં ન કહે કે ‘આવ’
         ઘાસ બરાબર  જાનીએ  ક્યા રાજા ક્યા રાવ
       

        તુલસી ઉનકી કોન ગત બોલત બિના બિચાર
         કટત પરાઈ  આતમા કટ  જિહવા  તલવાર
      

        તુલસી યહિ તીન લોકમેં કો જાને તન પીડ
        હ્રદય  જાને  આપકા  કો  જાને   રઘુવીર
      

       કંચન  તજવો  સુલભ હૈ સુલભ ત્રિયાકો નેહ
       નિંદા સ્તુતિ  ત્યાગવો  તુલસી  દુર્લભ એહ

      

        તુલસી  નિજ કીર્તિ  ધરે  પરકી  કીર્તિ  ધોય
       તીનકે મુખ મસી લાગહી મીટે ન મરીએ ધોય 
     

      તુલસી જગમેં યું રહો  જ્યું જિહવા મુખમાંહિ
      ઘી ઘણા ભક્ષણ કરે તો ભી  ચીકની  નાહિ
    

       નીચ  નીચાઈ ના તજે  જો  પાવે  સતસંગ
        તુલસી ચંદન લપટકે વિષ નહિ તજે ભુજંગ
    

        તુલસી કહે કે રામ ધન નહિ ખરચે નહિ ખાય
          માખી   મધ   ભેગું   કરી   ઉડકે   જાય
   

                  વાહ   વાહ

     

          

           pravina

          તુલસી  તેરી  બાત  પઢી  લીખી  સોહાય
           જો તલભર આચરું મેરો જનમ સફલ હો જાય
    
                  

                 રામજીસે

          

          માંગુ કૃપા તુલસી તેરી બાત મોકો ભાય
          બસ હૈ એક પ્રાર્થના મોકી નિંદર ઉડાય

     

   images5.jpg

     સંતોષ   ભરેલું   જીવન   જેનું   સાગર    જેવડુ  સત
      વેણીભાઈની વહુ  વનિતા લખે ઈ મેઈલ  દ્વારા ખત
      દિકરો એનો  અમેરિકા  ગામે  રોહિતભાઈ પટેલ નામે
      મનુભાઈનો મનિયો કહે છે રોહિત રોજ મને ભેળો થાય
       દિવસ આખો  યુ  રેલમાં ઘુમે ને  મોડી રાતે ઘેર જાય
       પત્ની એની  બાળકો સાચવે  ને સાંજ  પડે થાકી જાય
       ખાવામા પામે   પિઝાને  પાંઉ ને  પીવામાં  પેપ્સીકોલા
       શનિ રવિ માંડ રજા મળે ત્યારે કપડાંને વાસણ ધોવાય
       થોડો ઘણો વિશ્રામ મળે ત્યાં ટીવીના  પ્રોગ્રામ  જોવાય
       ડોલરિયું જીવન તમારું –      છતે પૈસે દુઃખી થવાનું
       મારે અંહી  નોકર  રસોઈયાને  સુખ  સાહેબી  બેશુમાર
       જાતજાતના  પકવાન  જમીને  આનંદનો  નહી  પાર
       શનિ  રવિ  ઘેર  મેળો   જામેને   પર્યટનો   ગોઠવાય
       મન થાય ત્યારે ફાઈવસ્ટાર હોટલને  નાટક સિનેમા જવાય
       પૈસો  ભલે  હોય  તમારે   સોના   જેવું  જીવન   અમારે
       ઈચ્છા  થાય ત્યારે  આવતા રે’જો  ખુલ્લા છે મારા દ્વાર
       માણસાઈના  અંહી   દીવા   બળેને    સુખ છે   અપરંપાર
       ભારત  જેવો દેશ  નહીં દિકરા-છોડી દે અમેરિકાના ઠીકરા

 ગિરધરદાસ વિ.સંપટ 
   

images59.jpg

    મીઠા મધુ ને મીઠાં મેહુલા રે લોલ
    એથી મીઠી તે મોરી માત જો …
       જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ
    વ્હાલના ભરેલ એના વેણ જો
          જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    અમીથી ભરેલ એની આંખડી રે લોલ
    હૈયું હેમંત કેરી હેલ જો
          જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ
    શશીએ સીંચેલી એની સોડ્ય જો
          જનનીની જોડ સખી નહી જડે રે લોલ
    જગનો આધાર એની આંગળી રે લોલ
    કાળજામાં કંઈક ભર્યા કોડ જો
          જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ
    પળના બાંધેલા એનાં પ્રાણ જો
          જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    મુંગી આશીષ ઉરે મલકતી રે લોલ
    લેતાં ન ખૂટે એની લ્હાણ રે
          જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    ધરતી માતાય હશે ધ્રુજતી રે લોલ
    અચળા અચૂક એક માય રે
           જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ
    સરખો એના પ્રેમનો પ્રવાહ રે
           જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
    વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ
    માડીનો મેઘ બારે માસ રે
            જનનીની જોડ સખી નહિ જડે રે લોલ
   ચળતી ચંદાની દીસે ચાંદનીરે લોલ
   એનો નહીં આથમે ઉજાસ રે
           જનનીની જોડ સખી નહિ જડે રે લોલ

     કવિ શ્રી બોટાદકર આ કાવ્ય રચી ને અમર થઈ ગયા.
    આવું સુંદર કાવ્ય રચવા બદલ તેમને પ્રણામ.

    ‘HAPPY MOTHER’S DAY’

images1.jpg

 આલમમાં વારંવાર  કહેવાતું કે ગાંધી ના રહ્યા
  તો પણ મને ક્યારેક દેખાતું કે ગાંધી આ રહ્યા

  ગોરા અને  કાળાની શત્રુતામાં  ખીલ્યું  પદ્મ એક
  એમ.એલ.કિંગના ડ્રીમે વર્તાતું કે ગાંધી આ રહ્યા

  દક્ષિણ આફ્રિકાની  પ્રજાનો  છેદે જે  રંગભેદ  તે
  માંડેલાની  વાતોથી  સમજાતું કે ગાંધી આ  રહ્યા

  ના ઘૂસ મારે લાઈનમાં બસસ્ટોપ,સ્ટેશન પર કોઈ
  ત્યારે  મને  એ  જોઈને  થાતું કે  ગાંધી  આ રહ્યા

  લે લાંચ  મિનિસ્ટર,રિક્ષાવાળો ભાડું માગે વ્યાજબી
  ન્હાનાની  મોટાઈથી  પરખાતું કે  ગાંધી આ  રહ્યા

  રાવણ ભલે પજવે  છતાં પણ કંઈક જીવે  રામમય
  અભિનવ વિભીષણ ભાળીને થાતું કે ગાંધી આ રહ્યા

  મુ. ચંદ્રકાંત દેસાઈના ‘ગઝલ વિશેષ’ સંગ્રહમાંથી
           પ્રસ્તુત છે.
     ‘ ગાંધી આ રહ્યા’                          

images73.jpg 

    તીરથ ફરી ફરી થાક્યાં ચરણ તો યે ન પહોંચ્યો હરીને શરણ
    કથા સુણી  સુણી  ફૂટ્યા કાન અખા તો ય નવ આવ્યું  બ્રહ્મજ્ઞાન
    એક  મૂરખને  એવી  ટેવ  પથ્થર  એટલા  પૂજે  દેવ 
    પાણી  દેખી  કરે  સ્નાન  તુલસી  દેખી  તોડે  પાન 
    એ અખા વડું ઉત્પાત ઘણાં પરમેશ્વર એ ક્યાંની વાત
  
    એક  નગરમાં  લાગી  લાય  પંખીને શો ધોકો થાય  

    ઉંદર   બીચારાં    કરે   શોર   જેને   નહીં    ઉડવાનું   જોર
    અખા જ્ઞાની ભવથી ક્યમ  ડરે જેની અનુભવ પાંખો આકાશે ફરે
    આંધળો સસરો ને શણઘટ વહુ કથા સાંભળવા ચાલ્યા સહુ
    કહ્યું  કાંઈ ને સમજ્યું  કશું  આંખનું  કાજળ ગાલે  ઘસ્યું
    ઊંડો  કૂવોને  ફાટી  બોખ  શીખ્યું  સાંભળ્યું  સર્વે  ફોક
    દેહાભિમાન  હતો  પાશેર તે  વિદ્યા ભણીને  વધ્યો  શેર 
    ચર્ચાવાદમાં  તોલે થયો  ગુરુ  થયો ત્યાં  મણમાં ગયો
    અખા એમ હલકાંથી ભારે થાય  આત્મજ્ઞાન સમૂળું જાય
    સો  આંધળામાં કાણો રાવ  આંધળાને  કાણા પર ભાવ
    સૌનાં  નેત્રો  ફૂટી  ગયા  ગુરુઆચારજ  કાણાં  થયા
    શાસ્ત્ર તણી છે એકજ આંખ અનુભવની ઉઘડી  અખા નહી આંખ

images1.jpg

 શ્રીજીનું   નામ  છે સુંદર  નામ
   ભજીલે  પ્યારા  શ્રીજી નું  નામ
   શ્રીજી નું  નામ છે ભગવદ નામ
   ભજીલે  પ્યારા  શ્રીજી નું   નામ 
   દુનિયાનાં લોકોથી   રિશ્તો  તોડ
   શ્રીજી  ના  નામથી  નાતો  જોડ
   શ્રીજીનું  નામ   નિરંતર    બોલ
   ભજીલે   પ્યારા  શ્રીજી નું  નામ
   શ્રીજીનું  નામ  છે  ખૂબ  પાવન
   શ્રીજીનું  નામ  છે  મન  ભાવન
   શ્રીજી   કરે   તારું   દુઃખ  હરણ
   ભજીલે  પ્યારા  શ્રીજી  નું  નામ
   શ્રીજીની   છે   કૃપા   અપાર
    શ્રીજી  કરે  તારો  બેડો  પાર
    શ્રીજી  દયાથી  સુખી  સંસાર
    ભજીલે  પ્યારા  શ્રીજી નું નામ
     શ્રીજી  વિના  પળ  ના  રહેવું
     શ્રીજી  નું નામ સુંદર  ઘરેણું
     શ્રીજી ના  નામની  માળા પહેરું
      શ્રીજીનું નામ  છે   ખૂબ ગહેરું
      શ્રીજીનું  નામ છે સુંદર નામ
      ભજીલે પ્યારા  શ્રીજી નું  નામ

Next Page »