બસ ગભરાઈ ગયા ?

26 11 2020

કોવિદ શું આવ્યું , લોકો હતાશાના દરિયામાં ડૂબી ગયા !અરે, યાદ રહે ‘કોવિદ’ દુનિયાની પહેલી મહામારી નથી ! ઈતિહાસ ગવાહ છે, આ ધરતી એ કેટલા વિનાશ જોયા છે અગણિત સુનામી આવ્યા છે. ધરતીનું પેટાળ ચીરીને લાવા એ પળભરમાં સૃષ્ટીનો વિનાશ નોતર્યો છે .જંગલમાં ફેલાયેલો દાવાનળ વારંવાર કેટલું નુક્શાન કરે છે. વાવાઝોડાએ વિનાશ સર્જ્યા છે.

ભૂલી ગયા હિરોશિમા ! હા, આ વખતે વિનાશમાં કરોડો માણસો જાન ગુમાવી રહ્યા છે. કોરોના ખૂબ લાંબા સમયથી પડાવ નાખીને બેઠી છે. ! અંત ની કોઈ નિશાની પણ જણાતી નથી !જો ‘વેક્સિન’ આવે અને સફળ પૂરવાર થાય તો આપણે રાહતનો શ્વાસ લઈ શકીએ.

અંહી કુદરતનો એક અફર નિયમ યાદ રાખવો આવશ્યક છે.આ જગે કશું સ્થાયી નથી, આ દિવસો પણ જશે ! ક્યારે ? ચાલો ત્યારે વિચારીએ કુદરતને વિફરવાનું કારણ શું ? જો આ ચીને મચાવેલો ઉપદ્રવ હોય તો પણ તેને શું મેળવવું છે. ” દુનિયા પર એક ચક્રી રાજ કરવું છે ” ?

કુદરત પોતાનો પરચો બતાવશે . કુદરતની સામે બાથ ભીડી શકવા માનવી પામર છે. ધીરજ ધરો.સહનશિલતા કેળવો ! કહેવું સહેલું છે. પોતાના પર ગુજરે ત્યારે ખબર પડે ! સાચી વાત છે. સ્વીકાર્યા વગર છૂટકો નથી.

છેલ્લા કેટલાય મહિનાથી કોવિદ સામે ઝઝૂમતો ડો. વિશ્વાસ હાર માનવા તૈયાર ન હતો. દિલથી દરેકનું ધ્યાન રાખતો. માત્ર દર્દીઓ નહી પણ પોતાની હોસ્પિટલના નાનેથી મોટે સુધીના સર્વ કર્મચારીઓની પણ એને એટલી જ ચિંતા રહેતી.

ચિંતા કહેવા કરતા તેમની કાળજી પ્રત્યે સતત સભનતા દર્શાવતો. અત્યાર સુધી એક પણ વ્યક્તિને નિરાશ કરી ન હતી. જો કોઈની પાસે પૈસા ન હોય તો તેમને નિઃશુલ્ક સેવા પણ આપતો. એને યાદ હતું, ‘શામાટે તે ડોક્ટરનું ભણવા ગયો હતો ‘ ? સંજોગવશાત આજે આવી પરિસ્થિતિ આવી તેમાં સામાન્ય પ્રજા નો શું વાંક?

નસિબ સારા હતા કે વીમીએ ઘર, બાળકો તેમજ માતા અને પિતાની બધી જવાબદારી ઉપાડી લીધી હતી. કોરોનાને કારણે વિશ્વાસને જરા પણ સમય મળતો ન હોવાથી વીમીએ પોતાની નોકરી સ્વચ્છાથી છોડી દીધી.

માત્ર એક શરત મૂકી હતી કે કોઈ પણ સંજોગોમાં વિશ્વાસે દરરોજ રાતના ઘરે આવવાનું . જે વિશ્વાસ છેલ્લા નવ મહિનાથી પાળી રહ્યો હતો. વિશ્વાસ ઘરે આવે એટલે નાહી ધોઈ બધા કપડાં ઉકળતા પાણીથી ધોવાઈ તેની ચોકસાઈ રખાતી. જમ્યા પછી બન્ને સાથે બાળકોના રૂમમાં જઈ તેમને વહાલ કરી અંપાળતા. મા અને પપ્પાને મળી સૂવા જતા.

આજે વીમીની જમણી આંખ ફરકી રહી હતી. મનમાં ઉદ્વેગ થયો. પણ કોઈને કશું જ કહ્યું નહી. એમાં ઉધરસનો ઉમેરો થયો. મનમાં શંકાનો કીડો સળવળ્યો. બહાર જતી નથી. બધું બરાબર પાલન કરે છે. કદાચ ‘કોરોના’ ગ્રસ્ત નથી થઈને ?

રાતના વિશ્વાસ ઘરે આવ્યો. બધી વિધિ પતાવીને જમવાના સ્થળે વીમીને જોઈ ચોંકી ઉઠ્યો. છેલ્લા નવ મહિનાથી આજુબાજુ આવું જ જોયું હતું.

‘તું પહેલાં મારી સાથે ચાલ’.

‘ક્યાં ?

‘હું, કહું ત્યાં ‘.

વીમી, વિશ્વાસના મુખ પરના ભાવ ઉકેલવા પ્રયત્ન કરી રહી. વાદ વિવાદ કરવાનો પ્રશ્ન ઉભો જ થતો ન હતો.

‘મમ્મી અને પાપા બાળકોનું ધ્યાન રાખજો, અમે આવીએ છીએ’.

સિધો મારતી ગાડીએ વીમીને લઈને હોસ્પિટલ પહોંચી ગયો. પોતાની ઓફિસમાં વીમીનો ટેસ્ટ કર્યો. લેબને સૂચના આપી , તાબડતોબ જવાબ આપે !

માનો યા ન માનો !

20 11 2020

આજે મને એકાંત ગમે

કાલે ગમતો હતો માળો

ઉંમર સાથે બદલાય મન

તમે માનો યા ન માનો

*

બાળપણમાં ગમતાં પાટી પેન

રમતી’તી નારગોળિયો ને કેરમ

આજે પણ ગમે પીંગપોંગ

તમે માનો યા ન માનો

*

ટપ ટપ કરતી આવી જવાની

મળ્યો દિલબર પ્રેમી સુહાનો

પરિવારમાં સહુ ખુશી મનાવે

તમે માનો યા ન માનો

*

નરસિંહ કબીરને અખો ગમતા

મીરા ઝાંસીની રાણી ગમતી

આજે ગીતામાં ગુરૂ પામી

તમે માનો યા ન માનો

*

આસક્તિને દ્વેષ થયા વેગળાં

મોહ માયાના પડળ ઉઘડ્યાં

વૈરાગ્ય અનાસક્તિ દિલે વસ્યા

તમે માનો યા ન માનો

*

રડતી આવી આ જગે હું

પરિવાર પ્રેમાળ પામી હતી

હસતી વિદાય થવાની હું

તમે માનો યા ન માનો

એ દૃશ્ય

17 11 2020

શું સુંદર અનુભવ હતો એ સાંજનો, આજે પણ યાદ આવે છે અને દિલમાં ખુશીની લહેર દોડી જાય છે. આજે તો એ વાતને પાંચેક વર્ષ થઈ ગયા. છતાં પણ એ ચહેરા પર ફેલાતેલી ખુશીનું મનમોહક દૃશ્ય નજર સમક્ષથી ખસતું નથી. એમાં પણ એ ખુશી ૧૪ વર્ષના બાળકની હોય તો પૂછવું જ શું ?

ભારત લગભગ દર વર્ષે જવાનું થાય છે. નસિબદાર છું . એમાં ય જો મને નાથદ્વારા શ્રીનાથજીના દર્શન કરવાનો લહાવો મળે તો હું અચૂજ એ તક ગુમાવતી નથી,

આ વર્ષે પણ બે વખત તક સાંપડી પણ સંજોગવશાત જઈ ન શકી.. અફસોસ થયો પણ જેવી શ્રીજીની ઈચ્છા કહી મન મનાવ્યું..

ત્રણ દિવસ નાથદ્વારામાં પસાર કરવાના હોય તો મઝા આવે. દર્શન માટે દોડીને જવાનું અને સવાર સાંજ મસ્ત ચા પીવાની. ગરમા ગરમ ગાંથિયા, ખસ્તા કચોરી, બટાટા પૌંઆ . સાંજ પડે બજારમાં રખડવાનું અને ખરીદી કરવાની.

ખરીદી કરતા હોઈએ ત્યારે આજુબાજુ બાળક સાથે સ્ત્રીઓ દેખાય.

‘ કુછ દિલાઓના; કહીને ઉભી હોય. દુકાનદારને કહું એને જે જોઈતું હોય તે આપો. કરિયાણું જ અપાવં. કે ઘરે જઈને રાંધે અને કુટુંબ સાથે ખાય.

એક દુકાનદાર મને કહે ,’બહેન તમે સારું કર્યું, તમે સાડી, ચાદર કે ઓઢવાના અપાવો તો એ લોકો અમને પાછા વેચીને પૈસા લઈ જાય છે’.

આમ પણ દરેક માનવીનો પહેલો ધર્મ ભૂખ છે. આજે રાજભોગના દર્શન કરીને આવી, રસ્તામાં એક હસમુખો છોકરો મારી સાથે ચાલતો હતો.

‘કેમ આજે સ્કૂલ નથી ‘?

‘બહેન આજે શનિવાર છે ,વહેલી છુટી ગઈ. ‘

એવું સુંદર એના મોઢા ઉપરનું સ્મિત હતું. મને વાત કરવાનું ગમ્યું.

‘બહેન મને એક જોડી કપડા અપાવોને ‘.

બેટા ભીખ માગતા શરમ નથી આવતી ‘?

ખબર નહી કેમ મને તમારી પાસે માગવાનું મ્ન થયું. મારા પિતાજી મંદિરમાં જલઘડિયા છે. અમે ત્રણ ભાઈ બહેન છીએ.

મને થયું ચાલ આને ખુશ કરું.

ચાલ ક્યાં જવાનું ‘?

મને દુકાનમાં લઈ ગયો. તેનું મન ગમતું ટી શર્ટ અને પેન્ટ લીધા. ખરીદી કરવાની તેની રીત મને ગમી .

બહેન બૂટ પણ અપાવોને આની સાથે પહેરવા માટે.’

સારું ચાલ લઈ લે, કેટલું બધું ચલાવીને મને લઈ ગયો. હું થાકી ગઈ.

‘બસ હવે બહુ દૂર નથી’ કહીને પાછું પાંચ મિનિટ ચાલ્યા. અંતે તેના ગમતા બૂટ અપાવ્યા. ્તેના મુખ પર સુંદર સ્મિત ફરકી રહ્યું.

‘બહેન તમે ક્યારે જવાના’?

બસ આજે બપોરે બે વાગે નિકળશું.

પોણા બે વાગે અમારો સામાન લારીમાં ભરાઈ રહ્યો હતો. ગાડી દૂર હોય એટલે સામાન લારીમાં લઈને જવું પડે.

અચાનક મારી નજર લારી પાસે ઉભેલા છોકરા તરફ ગઈ. મારી નજર એને તાકી રહી. નવા કપડા અને બુટ પહેરીને મારી સામે હસતો હસતો ઉભો હતો.

એ દૃશ્ય મારી આંખોમાં જડાઈ ગયું.

દિવાળી, ૨૦૨૦

13 11 2020

દિવાળીની શુભ કામના

નવું વર્ષ સહુને લાભદાયૉ હો.

નૂતન વર્ષાભિનંદન

મિત્રો,

આ દિવાળી દર વર્ષે આવે !

દિવાળી આવે ને દી’વાળે !

આ વર્ષે તો આખું,’ વર્ષ’ વાળ્યું’ !

બોલો આ વર્ષે દિવાળી પર નવા કપડાંની જરૂર છે ?

લાગતું નથી !

દિવાળી નિમિત્તે ખોટા ખર્ચ કરવાની જરૂર છે ?

વિના કારણે !

દિવાળીમાં ખોટા ભભકાની જરૂ છે ?

કોને બતાવવા!

દુનિયામાં દેખાડો કરવાની જરૂર છે ?

શું મેળવવા !

**

આ દિવાળીના પર્વ નિમિત્તે કુટુંબ સાથે લિજ્જત માણો !

કાળી ચૌદસને દિવસે “કોરોનાનો કકળાટ” કાઢો !

આરામથી પરિવાર સંગે લક્ષ્મી પૂજન કરો !

‘નૂતન વર્ષના અભિનંદન” આપી પ્રેમે બાળકોને ગળે વળગાડો !

વડીલોને પ્રણામ કરી અંતરના આશિષ પામે !

‘સુખી પરિવાર કાજે પારાવાર પ્રવૃત્ત રહો !

કેટલી દિવાળી જોઈ? ન ગણીએ તો પણ ભૂલી ન શકાય. ઉંઘમાં પણ આ સવાલનો જવાબ ક્યારેય ખોટો નહી હોય. બસ દિવાળી આવી અને ગઈ. કાંઈ પ્રાપ્ત કર્યું ખરું. કે પછી આપણે જ્યાં હતા ત્યાંના ત્યાં જ રહ્યા. બાળપણમાં દિવાળિ ઉજવતાં ત્યારે ફટાકડા, નવા કપડાં, મસ્ત મઝાનું ખાવાનું અને સહુને પગે લાગીને પૈસા મેળવવાના. આનંદ અને ઉમંગ સઘળે જણાતા. બાળપણની અલ્લડતા સાથે એ બધું બંધબેસતું હતું.

હવે સમયના ચક્ર સાથે, જીંદગીની મંઝિલ તય કરતાં દીવાળી વિષેના ખ્યાલ સદંતર બદલાઈ ગયા. ઉમર વધી, જુવાની હાથતાળી દઈને નિકળી ગઈ. અરે હવે તો બાળકો ભરજુવાનીમાં પ્રવેશી ગયા. પૌત્ર અને પૌત્રીઓથી ઘરનું આંગણું કિલબિલાટ કરી રહ્યું છે.

નથી લાગતું દિવાળી વિષે, અનોખી નવીન નજરે જોઈએ અને વિચારીએ ! “હું”, હવે ગૌણ થઈ ગયો. ખરું પૂછો તો તેનું નામોમિશાન ભુંસાઈ ગયું. જીવન તરફની દૃષ્ટિ અર્થપૂર્ણ બની. બીજાને માટે, કુટુંબને માટે, સમાજને માટે કંઈ કરી છૂટવાની ભાવના પાંગરી રહી. હા, દિવાળીનો આનંદ જરૂર થાય. આપણી અગલબગલ વસતાં લોકોને મિઠાઈ અને કપડાં આપી તેમની દિવાળી સુધારીએ.

દિવાળીના દિવસોમાં થોડી અંતર ખોજ કરીને ્જોઈએ કે દર વર્ષે આપણે પ્રગતિ તરફ થોડા આગળ વધીએ છીએ કે પછી ‘ઠેર ના ઠેર’. વાણી અને વર્તનમાં શાલિનતા. બીજા ના દોષો જોવાની વૃત્તિ પર લગામ ! દર વખતે પરિસ્થિતિમાં ઉતાર ચઢાવ આવે ત્યારે ‘લમણે હાથ મૂકી બેસી જવું. હવે છોડો આ બધું. બહુ થયું. હોંશે હોંશે દિવાળીનો મંગલ તહેવાર ઉજવીએ. ઘરમાં તિમિર હટાવવા દીવાને પ્રગટાવીએ. ‘અંતરના તિમિર હટાવવા નાનીશી   દીવી દિલમાં  જલાવીએ’.

ચારે તરફ ફેલાતી મંગલતાની મહેક માણીએ. કુટુંબમાં પ્રેમ છૂટે હાથે સહુને આપીએ.  દિવાળી મંગલ અને આનંદમય તહેવાર છે. આપણે તે જોવાને ભાગ્યશાળી બન્યા તેને માટે સર્જનહાર નો આભાર માનીએ.

કોરોના સામે હજુ ટક્કર લઈ રહ્યા છીએ. સર્જનહારનો આભાર માનો. જેમણે વિદાય લીધી તેમને કાજે પ્રાર્થના કરો. સમગ્ર દાક્તરીના ક્ષેત્રમાં કાર્ય કરનારને એક સલામ આપો. તેમની સેવા જ આજે આપણને બચાવી શકી છે. તેમના કુટુંબીઓને શક્તિ પ્રદાન થાય.

દિલમાં દીવા કર્યા

વિચારોની વાટ બનાવી

વહાલના તેલ પૂર્યા

તિમિર વડે જ્યોત જલાવી

આશાના અમી છાંટણા થયા

ચારે તરફ ઉમંગના ઓછાયા રેલાયા

સહુને દિવાળીની શુભેચ્છા

નૂતનવર્ષાભિનંદન

માણસાઇ

9 11 2020

******

ચાદર ઓઢાડી લાશ લઈને એમ્બ્યુલન્સ આવે

વહાલાં કુટુંબીઓ ભેગા થઈને આંસુ વહાવે

મરનાર દિલમાં રહસ્ય છુપાવી સ્મિત રેલાવે

*

કોઈનો દીકરો, કોઈની દીકરી આ જગેથી ચાલ્યા

ના કોઈ ગુનો, વિના કારણે મૃત્યુને ખોળે પોઢ્યા

મરનાર દિલમાં રહસ્ય છુપાવી સ્મિત રેલાવે

*

રહસ્યમય આ મૃત્યુનો અંજામ શું પામ્યા

સારા જગનો પ્રેમ અંતરે આશિષ વરસાવ્યા

મરનાર દિલમાં રહસ્ય છુપાવી સ્મિત રેલાવે

*

કાવાદાવા, કપટ, જુઠના જોને ધ્વજ લહેરાયા

લાંચ રુશ્વત, બેરહમીને ભદ્દા દૃશ્ય ઉભરાયા

મરનાર દિલમાં રહસ્ય છુપાવી સ્મિત રેલાવે

*

પ્રેમ સચ્ચાઈ પાવનતાની નદીઓ છલકાઈ

સોનાના સૂરજની એક ઝલક વિશ્વે છાઈ

મરનાર દિલમાં રહસ્ય છુપાવી સ્મિત રેલાવે

*

ન્યાય કરો, ન્યાય કરો દિશાઓ ગુંજી ઉઠી

ભેડિયાની ખાલમાં માનવતા સંતાઈ ગઈ

મરનાર દિલમાં રહસ્ય છુપાવી સ્મિત રેલાવે

*

અચાનક

3 11 2020

આજે હૈયે હરખ સમાતો ન હતો. એક તો અમેરિકા જવાનો નક્કી થયું ઉપરથી નણંદબાને ત્યાં દીકરાનું લગ્ન માણવાનો અવસર સાંપડ્યો. મામેરું કરવાનું. એકની એક નણંદ હતી, તેને માટે દુનિયાભરની ખરીદી કરવાની હતી.

રોજ ફોન ઉપર વાત કરવાની. જરૂરિયાતની બધી વસ્તુઓની યાદી કરવાની. બધી વસ્તુઓનો ખડકેલો જોઈ રાજેશનો દિમાગનો પારો ઉંચે ગયો.

‘બસ હવે એક પણ વસ્તુ ખરીદવાની નથી;. હુકમ આવી ગયો. રવીનાનું કાંઈ ચાલ્યું નહી. હજુ તો ઘણી બધી તૈયારી કરવાની હતી. .ખેર, રાજેશના શબ્દો ઉથાપવાની તાકાત કોઈનામાં ન હતી. .રવીનાના ઘરમાં અઢળક બધું ભર્યું હોય. જેને પૈસાની ચિંતા ન હોય અને ખરીદીનો શોખ હોય તેમના ઘરે આંટો મારી જો જો. જવાબ મળી જશે.

એક વાત જરૂર કહીશ. રાજેશનું કામ એકદમ ચોક્કસ હોય. કોઈ પણ કામમાં સાડા પંદર આની એને ન ચાલે. જુવાન હતા છતાં પણ બન્નેનો વિમો લીધો.ન કરે નારાયણ ને કાંઈ થઈ જાય તો બહેન બનેવીને તકલિફ ન પડે. એને કારણે મારી ખોટી આદતો ઘણી બદલાઈ ગઈ હતી. બન્ને જણા હોંશે હોંશે વિમાનમાં બેઠા. બાળકોને માટે રાજેશના મમ્મી ઘરે આવ્યા હતા.

તેમને અમેરિકાની ૨૪ કલાકની મુસાફરી માફક આવે, એવી એમની સ્થિતિ ન હતી. ઘરમાં નોકર તેમજ રસોઈ કરવાવાળી બાઈ હતી એટલે એમને જરા પણ તકલિફ ન પડૅ તેનું પૂરેપુરું ધ્યાન રાખ્યું હતું. રાજેશનો પરમ મિત્ર ડોક્ટર હતો. દર બે દિવસે બાને મળી દવાખાને જતો. જેને કારણે મને તેમજ રાજેશને હૈયે શાંતિ હતી.

મુંબઈથી કેટલી બધી મિઠાઈ, નાસ્તા ,લગ્નમાં આપવાની લહાણી અને મામેરાનો બધો સામાન લઈને આવ્યા હતા. રોશની અને જીજુ ખુશ હતા, ભાણેજની અમેરિકન વહુ હતી. સુંદર તેમજ મળતાવડી હતી.રવિનાને તો તેની .સાથે વાતો કરવાની મઝા આવી ગઈ.

રંગેચંગે લગ્ન માણ્યા. ખૂબ મજા આવી. મન ભરીને સહુ નાચ્યા. નવા પરણેલા હનીમુન પર ગયા.આજે બરાબર અઠવાડિયા પછી અમે ચાર જણ લોન પર ખુરશી ટેબલ ગોઠવી ચા અને નાસ્તાને ન્યાય આપી રહ્યા હતા. અમેરિકામાં ફરવા જવા માટેની વાતની ચર્ચા ચાલતી હતી.

‘ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે !’ બસ આવું જ કાંઈક સવારે બન્યું. ઉઠતાની સાથે રવીનાએ ફરિયાદ કરી મને છાતીમાં સખત દુઃખે છે. જીજાજી ડોકઅર હતા. તર્ત ઈમરજન્સીમાં લઈ ગયા. સારું થયું ભારતથી વિમો ઉતરાવીને આવ્યા હતા. જેના નખમાં પણ રોગ ન હોય એવી રવીના પટકાઈ પડી. રોશનીના પતિ રોહનને કારણે બધી સગવડ થઈ ગઈ. સહન તો રવીનાને જ કરવાનું ને ! સારવારમાં જરા પણ ઉણપ ન હતી .

આજની કાલ કોઈની થઈ હોય તેવું સાંભળ્યું છે ? જે કારણે અમેરિકા આવ્યા હતા એ કામ રંગે ચંગે પાર પડી ગયું હતું. ડોક્ટરોએ બધા ટેસ્ટ કર્યા. રિપોર્ટ પણ સંતોષકારક આવ્યા. છતાં પણ રવીના બચી ન શકી. રાજેશ પડી ભાંગ્યો. શું મોં લઈને પાછો ભારત જઈશ. જાણે રવીનાને અમેરિકા મૂકવા ન આવ્યો હોય !

વાત અંહી પૂરી નથી થતી. આ દેશમાં ફ્યુનરલ કેટલું બધું મોંઘુ હોય છે. એમાંય ભારતથી આવનારને તો ‘લાડકું પડી જાય[ ! રોહન તો જાણિતો ડોક્ટર હતો. બધો ખર્ચ આપવા પણ તૈયાર હતો. એને અને રોશનીને ખૂબ ખરાબ લાગ્યું. લગ્નમાં પ્રેમથી આવેલી ભાભી અંહી જ વિદાય થઈ ગઈ.

રાજેશે કમપ્યુટર પર બેસી તપાસ આદરી. ખબર પડી હોલ ન કરે તો ફ્યુનરલના ઘણા પૈસા બચે. અંહી એ કોને ઓળખતો હતો ? જે કરવું હશે તે ભારત જઈ માતા અને બાળકોની સાથે કરવાનો દૃઢ નિશ્વય કર્યો. એક માર્ગ નિકળ્યો તેમાંથી બીજો રસ્તો પણ સાંપડ્યો.

‘કાસ્કેડ’ બાળવા માટે જ હોય છે. મૃતદેહને માટે એ સાવ સામન્ય વાત છે. સરસ મજાનું કાર્ડ બોક્સનું કાસ્કેડ બનાવી તેમાં રોશનીના પાર્થિવ દેહને પ્રેમથી પોઢાડી અગ્નિદાહ દેવાનું નક્કી કર્યું. નજીવા ખર્ચે અમેરિકામાં અંતિમ સંસ્કાર કરી ભારત આવ્યો. મન મૂકીને રડ્યો અને બાળકો તેમજ માતા સાથે તેની વહાલી રવિનાને અંતિમ વિદાય આપી.

બાળકો અને માતાને શું જવાબ આપવો એ રાજેશને સમજાતું ન હતું. માતા એ તો તેનું મોઢું જોઈને કશું ન પૂછ્યું.બાળકો ઇતાને ઘડીભર છોડતા ન હતા. હવે શો ઈલાજ હતો ? .

રવીનાનો બાળકો પ્રત્યેનો પ્રેમ ,વડિલો પ્રત્યેની લાગણિ બધું ધ્યાનમાં રાખી ખુલ્લે હાથે યોગ્ય કાર્ય કર્યા. બધું આટોપ્યા પછી, રાતના રવિનાની યાદમાં ડુબી જીવન જીવવા માટે સહાયની કાકલૂદી કરી રહ્યો !

“રવિના, આ અચાનક શું થઈ ગયું , મારું મન માનવા હજુ તૈયાર નથી” !

આસો માસની શરદ પૂનમ,૨૦૨૦

30 10 2020

આ વર્ષે નસિબજોગે શરદ પૂર્ણિમાને દિવસે જ મારા પ્રાણથી પ્યારા પતિનો જન્મદિવસ છે. શરદ પૂનમ આવે અને મારા પ્રિતમની યાદ ઘોડે ચડીને દોડી આવે.

હજુ તો લગ્ન થયાને છ મહિના થયા હતા. વિલેપાર્લાના સુંદર ઘરમાં પહેલી શરદ પૂનમ મનાવી. મકાનની સ્ત્રીઓ અને દીકરીઓ રુમઝુમ કરતી નીચે ચોકમાં ઉતરી આવી. આખા મકાનમાં હું નવી પરણેલી હતી.

જુવાન છોકરીઓને મસ્તી સુઝી,

આસો માસો શરદ પૂનમની રાત જો ચાંદલિયો ઉગ્યો છે સખી મારા ચોકમાં

આપણા મકાનમાં કિયા ભાઈ છે રસિયા જો ગોરીને શણગારી રમવા મોકલે

પછી તો મારા પતિ દેવનું નામ જોરશોરથી લઈને ગરબા ગાવા લાગ્યા. મારે સરસ તૈયાર થઈને જવાનું ! ત્યાર પછી તો આવી કેટલીય શરદ પૂનમ ત્યાં કરી. આજે તો એ બધી મધુરી યાદો સાથે જીવવાનું છે.

ત્યાં અવાજ સંભળાયો.’ મમ્મી, તમે દૂધ પૌંઆ’ બનાવ્યા ?

વિચારોની દુનિયામાંથી હકિકતની હરિયાળી પર પાછી આવી. પૌંઆ સાફ કરવાના હતા. હાથમાં ચારણો લીધોને પાછું મન મસ્ત બન્યું. જીવનમાં થયેલી નાની નાની ભૂલો તો સુધારી હતી. મોટી ભૂલોનું પ્રયાશ્ચિત બાકી હતું.હજુ પણ કેવી રીતે કરવું તે સમજ નથી પડતી. ખેર, આજે એ વિચારને મનમાંથી હડસેલો મારી દૂર કર્યો.

પૌંઆ સાફ થઈ ગયા. મોટા કાચના વાસણમાં દૂધ ગેલનમાંથી ઠાલવ્યું, પૌંઆ નાખ્યા અને સરસ મજાની સાકર નાખી હલાવી રહી. જેમ જેમ સાકર ઓગળતી ગઈ તેમ તેમ મારા હૈયાની મિઠાશ તેમાં ભળતી ગઈ. બરાબર હલાવીને અંદર થોડો એલચીનો ભુકો નાખ્યો. એલચીની સુગંધ પ્રસરી ગઈ. ઢાંકીને ફ્રિજમાં મૂક્યું.

હજુ તો સાંજ પડવાને વાર હતી. રાતના જમીને લોન પર ખુરશી ગોઠવી સહુ બેઠા. ફ્રિજમાંથી કાચના વાસણ પર ચારણી મૂકી એક ટેબલ પર ચાંદનીને તેમા મિલાવવા આમંત્રણ આપ્યું..શરદ પૂનમની રાતે રેલાતી ચાંદની દુધપૌંઆની મિઠાશમાં ખૂબ વધારો કરે ! દીકરાને તો ખબર હોય પણ નાની વહુ આ ક્રિયા આતુરતાથી જોઈ રહી. મોટો દીકરો, તેના બે બાળકો અને નાનો દીકરો અને નાની નવલી વહુ બધા વાતો એ વળગ્યા.

અચાનક મોટી વહુ કહે આપણે ગરબા ગાઈએ. મને મારા પતિદેવ યાદ આવી ગયા. ‘અરે, તું હજુ તૈયાર નથી થઈ ? બધા તારી રાહ જુએ છે’. હજુ રાસ ગરબા ગમે છે. સહુનું મન રાખવા ઉભી થઈ.

હું વિચારમાંથી જાગી. દુધ પૌંઆ ખાવાનો સમય થયો, બધાને સરસ કચોલામાં ભરીને આપ્યા.

નાની વહુ કહે, ‘મને આ ન ભાવે , મેં આ કોઈ દિવસ ખાધા નથી.’

મારાથી કહ્યા વગર ન રહેવાયું, ‘ચાખી તો જો બેટા, આમાં તારા પતિનો પ્રેમ અને પપ્પાજીના આશિર્વાદ છે”. ન ભાવે તો મારા નાનકાને આપી દે જે એ બન્ને કચોલાં પૂરા કરશે.

હવે નાની વહુથી ન રહેવાયું, તરત ખાવા બેસી ગઈ અને એટલા બધા ભાવ્યા કે બધા દુધપૌંઆ ખતમ

આમે ૨૦૨૦, નું વર્ષ યાદગાર છે. આ પૂનમની રાતે તેમાં ચાંદાની દૂધે નિતરતી ચાંદની ઉમેરી. આજની આ રાત હ્રદયમાં કોતરાઈ ગઈ. જે યાદ હરદમ છે તે લીલીછમ બનીને લહેરાઈ ઉઠી.

કોરોનાનો પ્રતાપ જુઓ ,કુટુંબ સાથે સુંદર સમય ગાળવા મળે છે.

મા તારી મધુરી યાદમાં

29 10 2020

મા તારી મધુરી યાદમાં
*******************

રુમ્મઝુમ કરતી આવી આજ

આંગણું તારું પ્યારું રે

સુંદર મારી માત રે

*

હરપળ તુજને દિલમાં ચાહું

કોઈ ન કળી શકતું રે

મા તુજને યાદ કરતું રે

*

તારી ગોદમાં બચપન વીત્યું

છમછમ આવી જુવાની રે

મલકે મુખડું તારું રે

*

નહી થાકતી નહી ગભરાતી

નહી તારા પ્રેમની સીમા રે

ગાઉં તારો મહિમા રે

*

તુજ વિણ લાગે સુનું

કોને કહું છાની વાત રે

યાદ કરું દિન રાત રે

*

૨૯મી ઓક્ટોબર, ૨૦૦૪

માની છાયા શિરેથી ગુમાવી

સફળ કરવું

23 10 2020

હે, ઇશ્વર અર્પિત અણમોલ

જીવન મારે સફળ કરવું

મહેનત મારે કરવી પડે તો

મહેનતથી મારે ના ડરવું

****

હે બાળપણ મેં રમતા રમતા

મસ્તી કરીને પુરું કર્યું.

બાળપણની યાદોમાં રાચી

જીવન મારે સફળ કરવું

**

હે, શાળામાં ભણી ગણીને

કોલેજના પગથિયા ચડી

ભવિષ્યના સપના સજાવ્યા

જીવન મારે સફળ કરવું

**

અગ્નિ સમક્ષ ફેરા ફરીને

સંસારમાં પગરણ માંડ્યું

ગ્રહસંસારમાં ડૂબતા ડૂબતાં

જીવન મારે સફળ કરવું

**

પ્રૌઢાવસ્થા વટાવી ઘડપણ

દ્વારે આવી પહોંચી

અસીમ અથાગ શ્રમ જતાવ્યા

જીવન મારે સફળ કરવું

**

મરતા મરતા ના જીવવાની

કસમ મેં દીધી હતી

મૃત્યુ શૈયા, શ્રીજી સુમિરન

જીવન મારે સફળ કરવું

ઉભી રહે (microfiction)

20 10 2020

ઉભી રહે તું !

સાંભળતી નથી !

ભૂખ લાગી છે ?

આજે ખાવાનું નહી મળે.

રાતના ઠંડી લાગે તો મારા પલંગ પર સૂવા નહી આવતી !

આજે મને બહુ હેરાન કરી !

બારણામાં ઉભેલી આરોહી માનો આવો મિજાજ જોઈ ઠંડી થઈ ગઈ.

તેને થયું આજે કોની ખેર નથી ? પપ્પા તો ઓફિસે હોય .શું નાની બહેન સ્વરાએ આજે મમ્મીને

આટલી બધી પરેશાન કરી ?

તેની વહારે ધાવા ધડામ દઈને બારણું ખોલ્યું.

બારણું ખુલતાની સાથે “લ્યુના” બારણાની બહાર ભાગી ગઈ !