જાગીને જોંઉ તો!

મોહમયી મુંબઈ નગરીમાં  પ્રકરણ ૧
===================

ચોપાટીનો અરબી સમુદ્ર કિનારા સાથે અફળાઈને પોતાનો પ્યાર પ્રદર્શિત કરે છે.છતાંય નગુણી ચોપાટી વળતું સ્મિત પણ ન ફરકાવે.હા, સહેલાણીઓની નજર જરૂર આ આહલાદક દૃશ્ય માણે. મફતલાલબાથ અને મરીનડ્રાઇવ વર્ષોથી જોડાજોડ હોવા છતાં ન કદી કંકાસ કરે કે ન કદી તકરાર! બંને એકબીજાને વખાણે અને મનોરંજન પુરું પાડે.પાલવાનો ‘ગેટ વે ઓફ ઈન્ડિયા”અદભૂત આકર્ષણ છે.તેની સામે ગૌરવવંતી આ‘તાજમહાલ હોટેલ’જાણે હરિફાઈ ન કરતાં હોય? મુંબઈમાં કોણ ચડિયાતું જૂની’તાજમહાલ હોટલ’કે’ગેટ વે ઓફ ઈન્ડિયા'( પાલવા)? બંનેની સરાહના કરતી ‘રેડિયો ક્લબ’,જ્યાં સભ્યો આવી સાંજની મઝા માણે. કોલાબાનો સુહાનો દરિયા કિનારો સાંજે લટાર મારવા માટે રમણિય સ્થળ છે.મુકુટ સમાન “હેંગિંગ ગાર્ડન’કુદરત અને માનવની સંયુક્ત કલામયતાથી બનેલી અદભૂત જગ્યા છે.આ છે મુંબઈની ઝલક.

મુંબઈ મોહમયી નગરી છે.ખરેખર આ અલબેલી મુંબઈની માયા શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે.મુંબઈમાં જન્મી,મુંબઈમાં બાળપણ ગુજારી જવાનીમાં કદમ માંડતા યુવાન તથા યુવતીને મુખેથી મુંબઈની વાત સાંભળવાનો લહાવો માણવા જેવો છે.ભારતના ખૂણે ખૂણેથી આવીને વસેલી પ્રજા એ મુંબઈને ચાર ચાંદ લગાડ્યાં છે.પચરંગી મુંબઈ તવંગર યા સાધારણ પ્રજા સહુને સરખું વહાલું છે.વાર તહેવારે મુંબઈની શોભા નિહાળવી એ ગૌરવ ભર્યો અનુભવ છે.દેશ પરદેશના સહેલાણી અને’બોલીવુડ’મુંબઈની બોલબાલાની ચરમ સિમા છે.મુંબઈમાં ભલેને તંકવાદીઓ “બોંબ ધડાકા” કરે કે હડતાલ પાડે!મુંબઈવાસી ઘડી બેઘડીમાં હોશ સંભાળે અને પાછા રોજીંદી જીંદગીમાં પરોવાઈ જાય હવે તેમને આ બધી ધમાલ ‘કોઠે પડી’ગઈ છે.આવી છે આ અલગારી મુંબઈની જીંદગી તે છતાંય રોજના લાખો લોકો ત્યાં ઠલવાય છે.ઈશ્વર જાણે આ મુંબઈનું દિલ અને હદય કેટલા વિશાળ છે ?

ચાલુ દિવસ હોય કે રજાનો દિવસ મુંબઈ સવારના ચાર વાગ્યાથી ધમધમતું હોય.અરે ઘણી વખત વિચાર આવે આ અલબેલી નગરીના લોકો આરામથી સૂતા ક્યારે હશે?એક જમાનો હતો લગભગ પાંચથી છ કલાક સોપો પડી. જતો .સવારના પહોરમાં કૂકડાની કૂકરે કૂક કાને અથડાતી. કબૂતરનુ ગુટર ગુ અને ચકલીઓની ચિચિયારી હવામાં ગુંજી ઉઠતી.અરબી સમુદ્રના મોજાં જ્યારે કિનારા સાથે ધિંગા મસ્તી કરતાં હોય ત્યારનું મનોહર દૃશ્ય અને કર્ણ પ્રિય સંગીત સમયનું ભાન વિસરાવતું. પાડોશમાં જો કોઈ વયોવૃધ્ધ રહેતાં હોય તો તેમના ટેપ રેકોર્ડર પર નરસિંહ મહેતાંના પ્રભાતિયાં કે મીરાબાઈના ભજનના સૂર રેલાતા સંભળાતા.

સવારના પહોરમાં દૂધવાળો ભૈયો અને છાપા વેચવાવાળાના મિલન દેખાતા.ફુલવાળો તો માજીઓ ખખડાવશે તેની લાયમાં દોડતા દેખાય. શાકભાજીવાળા,વસઈથી આવેલા શાકભાજી છૂટા પાડવાની વેતરણમાં હોય. ફળવાળો,તવંગરોના ખીસાંને પરવડે તેવા ફળોને ચમકાવવામાં વ્યસ્ત હોય.

ચાલીમાં રહેતાં અને મોટા ફ્લેટમાં વસતા વચ્ચે પારદર્શક દિવાલ હતી.ગાડીમાં ફરતા અને ઘોડાગાડીમાં ફરતાનો ભેદ આંખે ઉડીને વળગે તેવો હતો.છતાંય “કાળી પીળી’ (ટેક્સી )ખિસાને પરવડતી.ઝુપડામાં રહેનારની શું વાત કરવી!આલિશાન મકાનોની સામે ઝુંપડા હોય.અરે રસ્તા ઉપર પણ ઘર બનાવીને રહેનારની કમી નથી.મુંબઈમાં એવું શું ભાળ્યું છે કે આખા હિંદુસ્તાનમાંથી ધાડે ધાડા ત્યાં ઉતરી આવે છે?

મલબાર હિલમાં વસતા બંગલાવાળા અને મરીન લાઈન્સ તો જાણે “રાણીના ગળાનો હીરાનો હારઃ”(ક્વીન્સ ડાયમંડ નેકલેસ)નયન રમ્ય જણાતાં.પેડર રોડ,નેપયન્સી રોડ,બિચ કેન્ડી,વરલી સી ફેસ,કોલાબા જ્યાં ધનવાનોના સામ્રાજ્ય છવાયા છે.ભૂલેશ્વર જ્યાં ઈશ્વર પણ ભૂલા પડે.ગિરગામ,દાદર અને સાયન અસલી મુંબઈગરાથી ઉભરાતું જણાય.ચાલો ત્યારે જુઓ અને માણો આજ ના મુંબઈને!

મુંબઈની પારાવાર વસ્તી અને પશ્ચિમનું આંધળું અનુકરણ સમસ્ત વાતાવરણને દુષિત કરવા સમર્થ પુરવાર થયું .ઘણી વખત મન ચગડોળે ચઢે આ મોંઘવારીની ભિંસમા પીસાતા લોકો અંહી કઈ રીતે જીવી શકે છે? છતાંય મુંબઈગરાની ખુમારી દાદ માગી લે તેવી છે! ૨૦૦૮ના નવેમ્બર મહિનામાં જ્યારે કોલાબા વિસ્તારમાં આવેલી’તાજ મહાલ હોટલ’પર આતંક્વાદીઓએ બોંબ ઝીંકીને પારાવાર નુકશાન પહોંચાડ્યું હતું.તે સમયે મુંબઈની પ્રજાએ એકત્ર થઈ ગૌરવભર્યું વર્તન કરી ખમીર દાખવ્યું હતું. એને સલામી આપવી ઘટે! તાતાના દરિયાવ દિલની ઝાંખી સમસ્ત દુનિયાએ નિહાળી હતી.

અમે મુંબઈના રહેવાસી કદી ન રહીએ ઉપવાસી
ભેલપૂરી કાંદાબટાટાને આમટી ભલે ખાઈએ વાસી
હા,અમે મુંબઈના રહેવાસી——–

આવી આ અલબેલી મુંબઈ નગરીમાં’ જાગીને જોંઉ તો’રોજ એની એ જ રામાયણ !”અરે,મમ્મી મારો નાસ્તો તૈયાર કર્યો?તને ખબર છે,બે મિનિટ મોડું થશે તો મારી’નવી મુંબઈ’જવાની ડબલ ફાસ્ટ ટ્રેઈન ચૂકી જઈશ.”રોજની આ રામાયણ હતી.

મુંબઈ શહેરમાં કોલેજમાં દાખલો મેળવવો એટલે લોઢાના ચણા ચાવવા બરાબર.સારા નસીબે રોહનને એન્જીનિયરિંગની કોલેજમાં એડમિશન મળી ગયું હતું.પણ રોજ વરલીથી ‘નવી મુંબઈ’ જવાનું અને સાંજના પાછું ઘરે આવવાનું તેથી મુસાફરીમાં થાકી જતો.જ્યારે એન્જીનિયરીંગનું પહેલું વર્ષ હતું ત્યારે કંટાળી જતો પણ ધીરે ધીરે ટેવાઈ ગયો.હવે તો એકદમ પાવરધો થઈ ગયો હતો.ફર્સ્ટ ક્લાસમાં જતો તેથી પ્રમાણમાં અગવડ ઓછી પડતી.આ તો રોજનું થયું વળી જીંદગીનું સ્વપનું સાકાર કરવાનું હતું.જ્યારે મમ્મી મોડું કરતી ત્યારે તેનો મિજાજ ફટકતો તેને હંમેશા ફાસ્ટ ટ્રેઈન પકડવા દોડવું પડતું.જે દિવસે પપ્પા ગાડીમાં લઈ જતાં ત્યારે થોડી રાહત લાગતી.બાકી ટ્રેઈન સાથે દોસ્તી પાકી કરી લીધી હતી.મુંબઈની પરાંની ટ્રેનમાં મુસાફરી વિરલાઓ કરી શકે.ખરેખર એ મુસાફરીનો અનુભવ કરવા જેવો ખરો!

રોહનને તો આ રોજની વાત હતી એટલે ટેવાયેલો હતો.બને ત્યાં સુધી ટ્રેન સમયસર હોય.તેમાં પાછાં અનેક પ્રકાર લોકલ,ફાસ્ટ અને ડબલ ફાસ્ટ.લોકલ ટ્રેન એટલે બાપુની ગાડી બધા સ્ટેશન ઉપર ઉભી રહે.ફાસ્ટ ટ્રેન નાના જંક્શન પર ઉભી રહે.ડબલ ફાસ્ટ નાના જંક્શન નહી પણ મોટા જંક્શન જ્યાંથી બીજી દિશામાં જવાની ટ્રેન પકડી શકાય,તેવા સ્ટેશન પર ઉભી રહે. જેથી મુસાફરો સમય સર પહોંચી શકે. એકવાર તમને આદત પડી જાય પછી મુસાફરી સહજ લાગે .તેમ છતાં પણ કોઈ વાર ટ્રેન ચૂકી જવાય તો પપ્પાની ધમકી યાદ આવી જાય.રોહન, યાદ રાખજે”જો મને ખબર પડશે કે તું ચાલુ ટ્રેને ચડે છે યા ઉતરે છે.તો ભણવાનું બંધ”!સીધો તને આપણા ધંધા પર બેસાડી દઈશ.
રોહન પપ્પાની વાત સમઝતો.અવારનવા થતા અકસ્માતોથી તે સંપૂર્ણ રીતે માહિતગાર હતો.ઘણી વખત જ્યારે નજર સમક્ષ અકસ્માત સર્જાતા નિહાળતો ત્યારે ખૂબ બેચેન થઈ જતો.રીના મા હતી.તેને સમજતાં વાર ન લાગતી. રોહન જ્યારે પકડાઈ જતો ત્યારે રીના આગળ નિખાલસપણે કબૂલ કરી દિલનો ભાર હળવો કરતો.

ચોમાસામાં વધારે સાવધાનીથી વર્તતો.કોઈક વખત ટ્રેન જવા દઈ બીજી ટ્રેન પકડતો.તે જાણતો હતો ટ્રેઈન જશે તો બીજી મળશે, પણ જીવન જો અકસ્માતમાં ગુમાવ્યું તો પછી ખેલ ખતમ!

રાજેશ માત્ર સૂકી દાટી દેતો.તેને ખાત્રી હતી રોહન કોઈ દિવસ બેજવાબદાર વર્તન નહી કરે.રાજેશને એન્જીનિયરિંગની કોલેજમાં જવું હતું.ઈન્ટર સાયન્સમાં ટકા ઓછાં આવતાં કોઈ પણ કોલેજેમાં દાખલો મળી ન શક્યો.આરામથી બી એસ સી.કરી ધંધે વળગ્યો હતો.મુંબઈ મિત્રો સાથે ફરવા ગયો હતો ત્યાં રીના મિત્રને ત્યાં પાર્ટીમાં ભટકાઈ પડી હતી.એક બીજાની નજર મળતા હ્રદયે વાત કરી લીધી.જેના પરિણામ રૂપે એ પ્રેમ લગ્નના બંધનમાં બંધાયો.રીના માતા પિતા સાથે મુંબઈમાં રહેતી હતી.મોહમયી મુંબઈ રાજેશને હૈયે વસી અને મુંબઈમાં ઠરીઠામ થયો.

દીકરો રોહન જ્યારે એંન્જીનિયરિંગમાં ગયો ત્યારે એની છાતી ગજ ગજ ફૂલી હતી.દાદા,દાદી પણ પારાવાર ખુશ થયા હતાં.આમ રોહન સહુનું સ્વપ્નું સફળ કરી શક્યો.એ પાટવી કુંવર અમેરિકા આગળ ભણવા જાય તે સહુને માટે ખુશીની વાત હતી.

રોહન  પ્રકરણ  ૨
=====

રોહન તરવરાટ ભર્યો નવજુવાન. કોલેજકાળની શરૂઆતથી સહુ સાથે પ્રેમની સાંકળે બંધાયેલો.જીવન જીવવાની ઉત્કંઠાં ધરાવતો પાણીદાર યુવાન ચારે તરફ પ્રેમાળ વાતાવરણ અને દિલમાં જતન પૂર્વક સાચવેલી સહુ પ્રત્યેની લાગણીથી છલકતો.કદીય કોઈના માટે ઉચાટ ન અનુભવતો.વડીલો પ્રત્યે આદર અને નાનાઓ સાથે પ્રેમ ધરાવતો, સેવેલાં સ્વપના સફળ થવાની પ્રતિક્ષામાં ડૂબેલો રહેતો.

રોહન પરાની ટ્રેઈનમાં મુસાફરી કરવા માટે ચાર વર્ષનો અનુભવ મેળવી ચૂક્યો હતો.મુંબઈમાં શાળા અને કોલેજનું જીવન જીવી રહેલા રોહનને તેમાં જરાય મુશ્કેલી જણાતી નહી.તેને ખબર હતી મમ્મીની આદત,હંમેશા ચિંતા કરવાની.તે જાણતો હતો કે માનું હ્રદય છે”! તેની કિંમત સમજતો હતો.તેથી તો માને કહેતો,’મમ્મી તું મારી ચિંતા ન કર.હું કાંઈ હવે નાનો નથી. હું એકલો કાંઈ આવી રીતે રેલ્વેની મુસાફરીમાં ધક્કા ખાઈ ભણવા નથી જતો?’

મમ્મી,મારા વર્ગમાં અડધો અડધ છોકરાઓ આવી રીતે ભણવા આવે છે.અરે છોકરીઓ પણ આવે છે.આનું નામ તો જીંદગી છે.રીના આ બધાથી વાકેફ હતી પણ ચિંતા કરવાની તેને આદત પડી ગઈ હતી.મુંબઈની ટ્રેનો સવારના સમયે કીડિયારુ ઉભરાયું હોય તેવી જણાતી. ભલેને તમે પહેલા વર્ગમાં મુસાફરી કરતા હો! મોટે ભાગે રોહન ટ્રેઈન ચર્ચગેટથી પકડવાની કોશિશ કરતો.

જો પપ્પાની સાથે ગાડીમા જવાનું હોય તો તે અચૂક ચર્ચગેટ જતો.જ્યાંથી હમેશા ખાલી ટ્રેન મળતી.દરરોજ આ પ્રમાણે જવાનું નામુમકીન હતું. કારણ, રોહનભાઈ રોજ ઉતાવળમાં જ હોય.ખેર,આનો કોઈ ઈલાજ જણાતો નહી!

જુવાન લોહી, ભણવા જતું હોય પછી સગવડ કે અગવડ શું ફરક પડે!જો કે મુંબઈમાં પોતાની ગાડી અને ટેક્સી કરતાં ટ્રેન કોઈ પણ સ્થળે ત્વરાથી પહોંચાડે તેમાં બે મત નહી.મુંબઈનો ટ્રેન વ્યવહાર આખા જગતમાં નામના પામેલો છે.સવારના પહોરમાં રોહન બબડ્યો.મમ્મી,તને રોજ મારે ઉતાવળ કરાવવાની.તને ખબર છે, મારે રસ્તામાં લગભગ દોડવું પડે છે.વરલીથી દાદર બસમાં જવાનું ત્યાંથી ટ્રેન લઈને’વાશી’પહોંચવાનું.સ્ટેશને જો કોઈ દોસ્તની ગાડી મળી જાય તો તેમાં નહી તો પદયાત્રા કરવાની. કોલેજની બસ મુકરર કરેલા સમયે આવતી પણ વહેલી મોડી થાય તો તેને ભરોસે ન બેસી રહેવાય.વર્ગમાં પહોંચતા પહેલાં હું અડધો થાકેલો હોંઉ છું.’

રોહન ભલેને બળાપો કરતો હોય.મનોમન જાણતો હોય છે કે તેની મમ્મી’ટિફિન’માં કેટલું સરસ ખાવાનું મૂકે છે.તેના મિત્રો હંમેશા”મમ્મી’ના વખાણ કરતાં.મુંબઈ તો એવું રળિયામણું શહેર છે કે સવારના પાંચ વાગ્યાથી ધમધમતું હોય.
કહેવાય છે મુંબઈમાં રોટલો રળવો સહેલો છે.પણ ઓટલો તોબા તોબા.રોહન મુંબઈમાં રહેતો હોવાથી તેને કોઈ પણ હિસાબે ‘હોસ્ટેલમાં’રહેવાની પરવાનગી ન સાંપડી.ઘણી વખત પરિક્ષાના સમયે રોજની જવા આવવાની ઝંઝટમાંથી બચવા વર્ગના મિત્ર સાથે તેના કમરામાં રહી જતો.

રોહને ચારેક જોડી કપડાં અને જરૂરિયાતનો સામાન પણ મિત્રને ત્યાં રાખ્યો હતો તેનું નસિબ સારું હતું કે વર્ષ પહેલાં પરણેલી તેની બહેન નવી મુંબઈ વાશીમાં રહેતી.વખત મળ્યે મિત્ર સાથે તેને ત્યાં જમવા પણ ટપકી પડતો.બહેનનો હાલેરો નાનો ભાઈ,પ્રેમથી જમાડતી અને સવારનો નાસ્તો પણ બાંધી આપતી. રોહનની મમ્મીની અડધી ચિંતા ઓછી કરવામાં સહાય કરતી.માતા પિતાનો લાડલો રોહન દરરોજ મુંબઈની લોકલ ટ્રેનમાં અવર જવર કરતો.

આ તો મુંબઈગરા માટે રોજની રામાયણ છે,પણ રીના ચિંતા કર્યા વગર રહી શકતી નથી.આ આદત તેને કોઠે પડી ગઈ હતી.ખેર,ક્યારે રોહનનું ભણવાનું પુરું થાય અને તેના હાથમાં ડીગ્રી આવે તેની કાગડોળે રાહ જોતી હતી. પછી તો તેનો કુંવર અમેરિકા ભણવા જશે!

chapter 3  Rohan and Riya

*************************
‘મારા રોહનને કોઈની નજર ન લાગે”.જો કે વહેમમા રીના માનતી નહી.પણ આવો વિચાર આવે ત્યારે હસી લેતી.
પ્યારથી રાજેશને કહેતી, હેં, ‘રાજેશ આપણે કેટલા પુણ્ય કર્યા હશે.ઈશ્વરે આવો સુંદર દીકરો દીધો’? રોહન માત્રા દેખાવડો જ ન હતો. તેનું દિલ પણ સાફ હતું. હમેશા બીજાને મદદ કરવા તત્પર રહેતો.

રાજેશ વળતો જવબ આપતો,’રીના આપણે જીવનમાં સહુનું ભલું ઈચ્છ્યું છે.મન સાફ છે.તારા અને મારા માતા પિતાને કદી દુભવ્યા નથી. તેથી તો આવો સુંદર દીકરો પામ્યા છીએ. રીના,રાજેશ તારી વાત સાવ સાચી છે.જો ને આપણી રીયાએ પણ પોતાનું ભણવાનું પુરું કર્યું. ભણતા ભણતા’રોય’મળી ગયો અને બંને જીવનમાં સ્થાયી થયા. રોય માતા પિતાનો પાટવી કુંવર છે.બંને સાથે કામ કરે છે. રોયના પિતા ગાડીની અડફટમાં આવી નાની ઉમરમાં વિદાય થયા હતા. રોય,માતાનું કેટલું ધ્યાન રાખે છે’.

રીયાએ આપણા ઘરનું નામ અને સંસ્કાર દીપાવ્યા છે. રોયની માતા તો તેના’બે મોઢે વખાણ કરતાં થાકતા નથી. પતિ પત્ની બાળકોની વાત કરતાં ત્યારે હંમેશા ઈશ્વરનો આભાર માનવાનું કદી ન ભૂલતાં.કહેવાય છે કે”સુખમાં સાંભરે ગામ અને દુઃખમાં સાંભરે રામ.

રીના અને રાજેશ અપવાદ રૂપ હતાં.સુખમા પણ ભગવાનને ભૂલ્યા ન હતા.રીના અને રાજેશ, રોહન અને રીયાના બાળપણના દિવસો સંભારતાં ત્યારે હસીને લોથપોથ થઈ જતાં.રીયા ત્રણ વર્ષ મોટી હતી.આદેશ પ્રમાણે નાનાભાઈને શાળાએથી સાથે લાવવાનો અને લઈ જવાનો.બંને હોંશિયાર હતાં ઘરેથી સાથે નિકળે જ્યાં સુધી મમ્મી અને પપ્પા જુએ ત્યાં સુધી સાથે ચાલે.જેવા તેઓ નજર સામેથી ઓઝલ થાય કે તરત બંને જુદા રસ્તા પકડતાં. ચોરી છતી ન થાય એટલે ખૂબ સાવધ રહેતા.શાળામાં દરરોજ નોંધપોથીમાં ઘરકામ કર્યાના પૂરાવા રૂપે વડીલની સહી જોઈએ એવો નિયમ.

તોફાની બારકસ રોહન અઠવાડિયામાં ત્રણ દિવસ ભૂલી જાય. ઘરકામ કરે પણ સહી લેવાનું યાદ રાખવાની તકલિફ લે તો એ રોહન શાનો!રીયા મસ્કા મરાવે અને પછી સહી કરી આપે.ઘણીવાર તો પોતાનું  ભારે શાળાનું દફતર પણ રોહન પાસે ઉચકાવે.એકવાર તો રોહનના વાપરવાના પૈસા લઈ લીધા.આખો દિવસ રોહનને મમ્મીએ આપેલી સેંડવીચ પર ચલાવવું પડ્યું.પણ રોહન સુધરવાનું નામ લેતો જ નહી.હસતે મોઢે દીદી જે સજા કરે તે ભોગવી લેતો.પોતે ગુન્હેગાર હોવાથી શું બોલે?

અંતરમા જાણતો હતો કે દીદી ખૂબ પ્રેમ કરે છે.સજા તો તેને સુધારવા જ કરતી હતી ને ? કેરમ રમે કે પીંગપોંગ
બન્ને રમતમાં રીયા જાણી જોઈને હારી જતી જેથી ભાઈલો ખુશ થાય. ટી.વી.જોતી વખતે રીમોટ હંમેશા દીદીના હાથમાં રહેતો.મમ્મી અને પપ્પાને રોહન કરતાં રીયા પર વધારે વિશ્વાસ હતો. દીદી મોટી હતી અને જવાબદારી પૂર્વક વર્તન કરતી. મસ્તી કરવામાં પાવરધો રોહન દીદીના લગ્ન પછી બદલાઈ ગયો હતો.

એક તો દીદી વગર ઘરમાં સતાવે કોને?બહેન વગર તેને ઘર સુનું સુનું લાગતું.કોલેજ કાળ દરમ્યાન જ્યારે રીના અને રોયની મૈત્રી ચાલુ થઈ હતી ત્યારે સહુથી પહેલી ખબર રોહનને પડી.હવે તેને વેર વાળવાની તક સાંપડી હતી.
બાળપણની બધી ખીજ હવે વ્યાજ સાથે વસૂલ કરતો.રીયા જાણતી હતી પણ મમ્મી અને પપ્પાને કહેવાનો સમય હજુ પાક્યો ન હતો એટલે રોહનની દાદાગીરી ચલાવી લેતી.

ધીરે ધીરે બંનેની મૈત્રી પ્યારમાં પરિણમી અને બંને જણા લગ્નના પવિત્ર બંધનમા બંધાવા તૈયાર થયા ત્યારે ઘરના વડિલોને સમાચાર આપ્યા.રોહનને થયું આ તો આપણો સુવર્ણ કાળ સમાપ્ત.ઉપરથી નારાજગી દર્શાવી પણ અંતરમાં ખૂબ ખુશી અનુભવી.રોયનો સ્વભાવ તેને પણ ઘણો ગમતો. રીયાને આવો સરસ જીવનસાથી મળે તો કયો ભાઈ ખુશ ન થાય ?જ્યારે ન્જીનયરિંગમાં વાશીની કોલેજમાં જવાનું થયું તેથી તેને ખૂબ આનંદ થયો.

હંમેશા કોઈને કોઈ બહાનું કાઢી દીદીના ઘરે પહોંચી જતો. જીજુને પણ ગમતું. રીયાના સુંદર વર્તન અને પ્રેમાળ સ્વભાવને કારણે જીજુના મમ્મીનો પણ તે લાડકો થઈ ગયો હતો.તેમને કોઈ વાર થતું મારે નાની દીકરી હોત તો રોહન સાથે જરૂર પરણાવત !રીયા રોયની સાથેના જીવનમાં સરસ રીતે ગોઠવાઈ ગઈ હતી.

રાજેશ ઘણીવાર રીનાને વહાલમાં કહેતો,”જો જે રોહન ભણીને તૈયાર થઈ જાય પછી હું તને આખી દુનિયા ફેરવીશ.
લગ્ન પછી બે વર્ષમાં રીયા અને હજુતો પાંચ વર્ષ પૂરાં થાય તે પહેલાં રોહન, જુવાનીની મઝા બાળકોના ઉછેરમાં માણી.ધંધામાં નીતિ સારી હોવાને કારણે કિસ્મતે યારી આપી.જેમ જેમ પૈસા કમાતો ગયો તેમ પૈસા સ્થાવર જંગમ મિલકતમાં રોકતો ગયો.રીના ને સોને મઢવી હતી.તે સ્વપનું પણ પુરું કરવામા કામયાબ રહ્યો.બસ,રાહ જોતો હતો કે ક્યારે રોહન ‘એંજીનિયર થઈ અમેરિકા જાય ત્યાં મહેનત કરી આગળ ભણીગણીને આવે અને બંને પતિ પત્ની સાથે શાંતિથી દેશ વિદેશ ફરવાની મઝા માણે ? આ વાત સાંભળીને રીનાને શેર લોહી ચડતું.

રાજેશ અને રીના બસ શાંતિથી રોહન ભણવાનું પુરું કરે તેની રાહ જોતા હતા. રોહનને માસ્ટર્સ કરવા અમેરિકા જવું હતું.રાજેશ તેની કોઈ પણ વાત ટાળતો નહી.રીનાએ રાજેશને ધંધામાં સંપૂર્ણ સહકાર આપવાનું શરૂ કર્યું.રીના બી.કોમ.ભણેલી હતી.બાળકોના ઉછેરમાં વ્યસ્ત રહેતી તેથી રાજેશને ધંધામાં કોઈ સહાય કરી ન શકતી.પણ હવે પરિસ્થિતિ અલગ હતી.સમયનો સુંદર ઉપયોગ કરી રહી હતી. એ બહાને પતિની સાથે સમય પણ ગાળતી અને ધંધા પર તથા માણસો પર નજર રાખતી સાંજના બંને પતિ પત્ની કામ પરથી ગાડીમાં ઘરે પાછા વળતાં.રોહન પણ એ જ સમયે કોલેજથી આવતો.ત્રણેય જણ સાથે રાતનું વાળું કરતા.રીના હંમેશા રોહનને પૂછી રાખતી રાતના શું જમવું છે.જો તે બહાર દોસ્તારો સાથે જવાનો હોય તો રાજેશની મન પસંદ વાનગી બનાવી તેને ખુશ કરતી.રાજેશની પસંદ એક રીના જાણે અને બીજા તેના મમ્મી.

રાજેશના ધંધાપાણી મુંબઈમાં હતા.વર્ષમાં એક્વાર માતા પિતા બેંગ્લોરથી આવતા અને બંને બાળકો સાથે રહી સુંદર સમય પસાર કરી પાછા બેંગ્લોર જતા. બેંગ્લોરના સાનુકૂળ હવાપાણી તેમને પસંદ હતા.મુંબઈ ગમતું નહી તેથી ત્યાંજ રહેવાનું ઉચિત માન્યું હતું.બેંગ્લોર એક જમાનામાં ‘ગાર્ડન સીટી’ કહેવાતું હતું.

તે બેંગ્હલોરને હવે ત્યાંના રહેવાસીઓ ‘ગાર્બેજ સીટી’ કહેતાં.’કમપ્યુટરની બોલબાલાના’ જમાનામાં બેંગ્લોર એકાએક ગીચ વસ્તીવાળું અને ભયંકર વાહન વ્યવહારના સંકજામાં સપડાઈ ગયું હતું.બાકી જે બેંગ્લોરમાં રહ્યું હોય તેને બીજે વસવાટ કરવામાં તકલિફ જણાતી.

‘મમ્મી, આ જો મને અમેરિકાની કોલેજમાં એડમિશનનો કાગળ આવ્યો.’ આજે રોહન ખૂબ ખુશ હતો. એંન્જીનયરિંગનું છેલ્લુ વર્ષ હતું. રાજેશ પણ ખુશમાં હતો.બે વર્ષનો સવાલ હતો.રોહનને માત્ર ભણવા જવું હતું. તેને અમેરિકા કાયમ સ્થાયી થવાની જરા પણ ઈચ્છા ન હતી. ઘણા વખતથી બેંગ્લોર ગયા ન હતાં. પૂજ્ય દાદા તથા દાદીને ખુશ ખબર જાતે જઈ આપવાનું નક્કી કર્યું. દિવાળીની રજામાં રોહનને પંદર દિવસની છુટ્ટી હતી. તેથી તહેવારની મજા માણવા બેંગ્લોર જવાનું નક્કી કર્યું.દાદા અને દાદીના આશિર્વાદ વગર અમેરિકા કેવી રીતે જવાય?રાજેશ તેના માતા પિતાનું એકનું એક ફરંજદ હોવાને નાતે જ્યારેપણ બેંગ્લોર જવાનું નામ પડે કે તે ખુશખુશાલ જણાતો.

નસિબ સારા હતાં કે રાજેશ અને રીનાને બે બાળકો હતાં.લગ્ન પહેલાં રીયા પણ બેંગ્લોર ફરવા જવાનું આવે ત્યારે ખુશ થતી. લગ્ન બાદ દર વખતે તે મુમકિન બનતું નહી.રીના બાળકો નાના હતા ત્યારે તેમની શાળા દરમ્યાન ચાલતી પ્રવૃત્તિ એ બધામાં ખૂબ ઘેરાયેલી રહેતી.હવે જવાનું આસાન લાગતું હતું.બેંગ્લોરના હવા પાણી,નાની શી મઢુલી જેવો બંગલો અને નોકર ચાકરની સાહ્યબી તેને ખૂબ ગમતાં.સાસુ અને સસરાનું પ્રેમાળ વર્તન મુખ્ય આકર્ષણ હતાં.
તડામાર તૈયારી થઈ રહી હતી.રોહન તો બેંગ્લોરનું નામ સાંભળતાંજ ખુશખુશાલ થઈ જતા.દાદા અને દાદી લાડ
કરતાં અને જીવનના પાઠ ખૂબ સરસ રીતે ભણાવતાં.બેંગ્લોર જવાની તડામાર તૈયારી ચાલુ થઈ ગઈ હતી.બધાએ રોહનના અમેરિકા જતાં પહેલાં સાથે રહેવાનો લહાવો લેવાનો હતો.

દાદા દાદી સંગે દિવાળીની ઉજવણી  પ્રકરણ   4
================================
રોહન દાદા અને દાદીનો ખૂબ વહાલો હતો.બહેન પરણી ગઈ પછી ઘરમાં તે એકલો પણ હતો. દાદી નાનપણમાં રોહનને સુંદર,શૌર્યતા અને સારા સંસ્કાર મળે તેવી વાતો કરતી.દાનવીર કર્ણ, સ્વામી વિવેકાનંદ,રામ,કૃષ્ણ અને ગાંધીજી મુખ્ય રહેતાં.શ્રવણની વાત સાંભળતા રોહન થાકતો નહી.શિવાજીની શૂરવીરતાની વાતો સાંભળી રોહન ઉશ્કેરાતો અને રાણા પ્રતાપની આન,બાન અને શાન તેને ખૂબ ગમતી.ચાણક્યની ‘ચાણક’ બુધ્ધિનો તે દિવાનો હતો.દાદા હંમેશા જીવન વિશે જણાવતાં.પ્રેમનું સિંચન કરતાં, સુખી કુટુંબની ભાવનાના પાઠ ભણાવતા.દાદા ગણિતમાં સુવર્ણ ચંદ્રક વિજેતા હતા તેથી રોહનને ગણિત અને વિજ્ઞાનના વિષયો પર ખુબ ભાર આપવાનું કહેતાં.

દાદા અને દાદીની જેમ નાના અને નાનીએ પણ રોહન અને રીયાના જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.નાના વકિલ હોવાને નાતે જીવનમાં અને કોર્ટમાં બનતી ઘટનાઓના વર્ણન કરી તેને પેટ પકડી હસાવતા.નાનીને મન તો રોહન અને રીયા આંખના તારા જોઈલો! તેઓ મુંબઈમા હતા તેથી અવારનવાર મળવાનું થતું.

બધી તૈયારી થઈ ગઈ હતી.બેંગ્લોરમાં દિવાળીની મજા માણવા સહુ નિકળ્યા.રોહન બેંગ્લોરથી જાણીતો હતો.અવાર નવાર ત્યાં આવવાનું થતું.આ વખાતે દિવાળીની સાથે સાથે દાદા દાદીને ખુશ ખબર પણ આપવાના હતાં.આનંદ બેવડાયો હતો.સમગ્ર કુટુંબ સાથે દિવાળીનો લહાવો માણવા સહુ ઉત્સુક હતા.ટ્રેન બેંગ્લોર જવા રવાના થઈ.ટ્રેનની ઝડપ કરતાં રોહનનું મગજ વધારે તેજ ચાલતું હતું. દિવાળી અનોખી રીતે ઉજવવાના બધા વિચારો મનમાં ગોઠવી રહ્યો હતો.

બેંગ્લોરમાં દાદા અને દાદીનો હરખ સમાતો ન હતો.સહકુટુંબ દિવાળી મનાવવાની હોય આનંદની અનુભૂતિ થાય એ સ્વાભાવિક છે.ઘરમાં રાજેશ પછી રોહનનું આગમન ૩૫ વર્ષે થયું હતું.રીયા દીકરી તરીકે ખૂબ લાલન પાલન પામી હવે તે સાસરિયું શોભાવે છે.નાનો રોહન સહુનો આંખનો તારો હતો. એંન્જીનિયરીંગની પદવી લઈ અમેરિકા વધુ અભ્યાસ માટે જવાનો હતો.દાદીએ આખું ઘર સાફ કરાવ્યું.રીનાને સાથિયા કરવા ગમે તેથી રંગોળીનો ડબ્બો તૈયાર કરાવ્યો.રોહનને ભાવતા નાસ્તા બનાવડાવ્યા. દાદા, રજેશના પિતા હરખાતા પણ તેમનો હરખ જુદી રીતે પ્રગટ થયો.રોહન અમેરિકા જવાનો હતો તેથી મહાન વ્યક્તિઓનાં સુંદર અને પ્રેરણા આપે તેવા સુવાક્યો નજર સમક્ષ રહે તેથી સુંદર મોતીના દાણા જેવા અક્ષરે લખી તેને ફ્રેમમા મઢાવ્યા રાજેશને માટે કંઈક નવું અને તેને પ્રિય તૈયાર કરી રાખ્યું.પિતા ગંભિર પ્રકૃતિના સ્વભાવવાળા ખૂબ લાગણીશીલ હૈયું ધરાવતા.

પોતાની માલ મિલકત,ક્યાં પૈસા રોક્યા છે,વિમાના કાગળો બધું એક મોટા પરબિડિયામાં ભરી તૈયાર રાખ્યું હતું .ખબર હતી આથી રાજેશ નારાજ થશે એક દિવસ આ હકિકતનો સામનો કરવો પડશે. સત્યથી પરિચિત થવામાં જ ડહાપણ સમાયેલું છે. તેની અવગણના ન કરી શકાય. ચેતતા નર સદા સુખી. વ્યવસ્થિત માણસોના કામમાં કહેવા પણું ન હોય.આમ દિવાળીની મોજ માણવાની તૈયારી દરેક જણે પોતાની રીતે કરી હતી.

આજે ટ્રેન કાફલા સાથે બેંગ્લોર આવી પહોંચી.તહેવાર હોય પછી પુછવું જ શું ?હજુ તો એક અઠવાડિયાની વાર હતી.
મનમાં ઘણા તરંગ અને તુક્કા ઉદભવતા હતાં.જો કે દિવાળી જરા જુદી રીતે ઉજવવાનો વિચાર રોહનને આવ્યો હતો તે સહુએ પ્રેમે વધાવી લીધો.જુવાન લોહી નવિનતા સભર વિચારો પ્રદર્શિત ન કરે તો નવાઈ લાગે.

પાંચ દિવસ જુદી જુદી મિઠાઈ બનાવી. ઘરમાં સહુએ પ્રસાદની જેમ આરોગી. બધી મિઠાઈ આસપાસના બાળકો કે જેમના નસિબમાં તે લભ્ય ન હતી તેઓને પ્રેમથી ખવડાવી.ફટાકડા અપાવી તેમને ફોડતા જોવાનો લહાવો લીધો. દરેક બાળકોને શાળામાં વપરાય તેવી યોગ્યવસ્તુઓ અપાવી. રમકડાંની ખુલ્લે હાથે લહાણી કરી.લગભગ ૫૦ બાળકોના મુખપર અને અંતરે દિવાળીના દિવડાનો પ્રકાશ રેલાવવામાં સફળતા મળી.

બેસતા વર્ષના શુભ દિવસે પૂ. દાદા, દાદી, મમ્મી અને પપ્પાના આશિર્વાદ રોહનને સાંપડ્યા. દાદીની બનાવેલી બાસુંદીની મોજ સહુએ સાથે બેસીને માણી. હવે બે વર્ષ આવો સુંદર અવસર સાંપડવાનો ન હતો.

બેંગ્લોરમાં ભિન્ન રીતે દિવાળી ઉજવવાનો યશ રોહનને શીરે હતો.તેની કોલેજની મિત્ર રોનકના પિતાશ્રી દિવાળીના દિવસોમાં કંપનીનામાં કામ કરતા કારિગરો,મેનેજરો અને ઓફિસના સઘળાં કર્મચારીઓના બાળકોને છૂટે હાથે ગમતી વસ્તુઓની લહાણી કરતાં.રોનક તેમની સાથે જ હોય.

ગયા વર્ષની દિવાળીની વાતો કરીને તેણે રોહનને આંખે દેખ્યો અહેવાલ પૂરો પાડ્યો હતો.રોનક માતા પિતાની લાડલી સુપુત્રી. પિતા તેનો પડ્યો બોલ ઝીલતા.

બે ભાઈઓ મોટા હતાં તેથી રોનક સહુની આંખનો તારો હતી.પિતા લાડમાં કહેતાં “મારી રોનક તો લાખોંમા એક છે.” માતાએ સંસ્કાર પણ સારા સિંચ્યા હતાં.રોનક,રોહનની આંખમાં વસી હતી.હજુ ભણવાનું બાકી હતું, રોહનને અમેરિકા જવું હતું.મિત્રતા પ્રેમનું પહેલું પગથિયું ચડી ચૂક્યું હતું. ઉંમરમાં બંને નાના પણ હતા.તેથી ભણવા સાથે સંગનો રંગ માણતા.

રોહનના મગજમાં રોપેયેલાં બીજનું આ પરિણામ હતું.બેંગ્લોરમાં રોહન હરપળ મનોમન રોનકનો આભાર માનતો રહ્યો.તેના માતા પિતાને આ વાતનું આશ્ચર્ય હતું. રોહનના પ્રસ્તાવને દાદાએ પણ ઉમળકા પૂર્વક આવકાર્યો હતો.દર વર્ષ કરતાં બમણાં ફટાકડા લાવી બધા બાળકોને ખૂબ ખુશ કર્યા. કોઈએ રોહનને એક પણ પ્રશ્ન ન કર્યો.પણ જો રોહન વાત કરે તો જ જાણવાનો નિર્ધાર કર્યો. દિવાળી આનંદ મંગલથી પૂરી થઈ.આજે છેલ્લી રાત હતી.બીજે દિવસે વહેલી સવારના ટ્રેઈનમાં મુંબઈ જવા રવાના થવાનું હતું. રાતના બધા જમ્યા પછી બેઠાં હતાં.

રોહન’,મમ્મી પપ્પા આ વખતની દિવાળીની મઝા મને આખી જીંદગી યાદ રહી જશે.’

મમ્મી, ‘હા ,બેટા આવો આનંદ તો દિવાળીમાં ક્યારેય માણ્યો નથી.’

પપ્પા,’ તું એકવાર અમેરિકા જઈ આવ , પછી આપણે દર વર્ષે આવી રીતે, અરે આનાથી પણ સુંદર દિવાળી ઉજવીશું. નિર્દોષ બાળકોના મુખ પર રેલાતા આનંદની ઉજાણી માણીશું.’

વાત નિકળી હતી તેથી મમ્મીથી ન રહેવાયું.તેને રોહનના મુખેથી સાંભળવું હતું આવો સુંદર વિોચાર તેને કેવી રીતે આવ્યો હતો. પ્રેરણાનો સ્તોત્ર કઈ દિશાએથી આવ્યો હતો?

મમ્મી,’ હેં રોહન બેટા આ વખતની તારી દિવાળી ઉજવવાની રીત રસમ મને ખૂબ ગમી’.

રોહન, મમ્મીનો સંકેત ન સમજે એવો નાદાન ન હતો. બોલી ઉઠ્યો ,’ મમ્મા તું જાણે છે
આ વિચાર મને કેવી રીતે આવ્યો!

મમ્મી’ મને શું ખબર, રાજા તું કહે તો ખબર પડે!જો તને વાંધો ન હોય તો.અમે સહુ તે જાણવા ઉત્સુક છીએ.’

રોહન, ‘મમ્મી મારી સાથે કોલેજમાં રોનક ભણે છે. અમે બંને સારા મિત્ર છીએ’.

રોહન આગળ બોલે તે પહેલાં મમ્મીએ પપ્પા સામે જોઈને આંખથી વાત કરી લીધી.

રોહન,’ હાં તો દર દિવાળીએ તેના પપ્પા ફેક્ટરીના કામદાર અને સઘળાં મેનેજરો,ડ્રાઈવરો, પટાવાળા,ટપાલી,ટુંકમા સહુને ખૂબ ખુશ કરે છે.તેઓ આજે જે કાંઈ પણ છે તે આ સહુના સહકાર અને મહેનતથી એવું માને છે.તેમને મન,પોતાની ફેક્ટરી અને ઓફિસમાં કાર્ય કરતાં માણસો ખુશ તો તેઓ કામ ઘણું સુંદર કરે.તેમની આડભીડમાં ખડેપગે ઉભા રહે છે. જો તેઓ તરક્કી પામશે તો ઉદ્યોગ ખિલશે એ તેમનો જીવન મંત્ર છે.રોનકના બે ભાઈ પણ ખૂબ દિલદાર છે.બોલ મા,આવી સુંદર મિત્ર હોય તો મને આવો વિચાર આવે કે નહી?

દિવાળીનું શુભ પર્વ સમગ્ર કુટુંબ સાથે માણવાનો લહાવો દરેકે લીધો.આ વર્ષની દિવાળી અનેરી હતી.જેમાં સહુને ભાગે આનંદની અનુભૂતિ સરખે ભાગે આવી.આ દિવાળી,જેમાં બીજા કરતાં ખુદને આનંદ વધારે મળશે એવી તો કલ્પના પણ નહોતી કરી ! રોહન આ બધો જશ રોનકને ખુલ્લે દિલે આપી રહ્યો.મેળવવા કરતાં આપવામાં જે સુહાનો આનંદ છુપાયો છે તેનો અહેસાસ અણુ અણુમાં પ્રસર્યો.

મમ્મી પપ્પા, દાદા અને દાદી રોહનને ગૌરવભેર નિહાળી હરખાઈ ઉઠ્યા.લાટસાહેબે બહેનપણી શોધી છે તે આજે વાતવાતમાં કહેવાઈ ગયું.આ બહાને રોહનને પણ દિલમાં શાંતિ થઈ કે બધાને
આ વાતની ખબર પડી.

એવી સરસ રીતે ‘રોનક’ની વાત કહેવાઈ જેથી તેના વીશે સહુને જાણવા મળ્યું. રોહન ઘણાં વખતથી વિચારતો હતો.રોનકની અને પોતાના પ્યારની વાત ઘરમાં કેવી રીતે રજુ કરવી.સોનેરી તક મળી તે તેણે ઝડપી લીધી.મનમાં ખુશ પણ થયો.હવે જો કદાચ રોનક કોઈવાર તેની સાથે ઘરે આવે તો બંદા બેફિકર હતાં.

દાદા,દાદી,મમ્મી અને પપ્પા બધાની સમક્ષ દિલની વાત કહેવાઈ ગઈ કે કહી એ મહત્વનું નથી.માત્ર સહુ આગળ આ વાત કહીને તે હળવો થઈ ગયો.સહુને ખુશીની વાત જણાવી રોહન આનંદવિભોર થઈ ગયો.આજ સુધી એવી કોઇ વાત ન હતી કે રોહને માતા ,પિતાને ન કરી હોય. જો કે રીયા આ વાત ઘણા વખતથી જાણતી હતી.રોહને,સાફ શબ્દોમાં જણાવ્યું હતું’જ્યાં સુધી હું આ વાત ન કરું ત્યાં સુધી તું મમ્મી, પાપા કે જીજાજીને કરતી નહી’.

જીજુ તો આ વાત ક્યારના જાણતા હતાં.રીયા,રોયથી આ વાત કેવી રીતે છુપાવી શકે? ખેર, હવે આ બાબત જગજાહેર થઈ ગઈ તેનો આનંદ રોહનને અનેરો હતો.તેના હૈયા પરથી ભાર ખૂબ હળવો થઈ ગયો.મમ્મી અને પાપાને આ વાતની જાણ કરવાં તે ખૂબ અધિરો હતો.માત્ર સુયોગ્ય સમયની તે વાટ જોઈ રહ્યો હતો.

દાદા અને દાદીની સંગે દિવાળીનો સુંદર તહેવાર ઉજવ્યો.આખા કુટુંબની હાજરીમાં પોતાના દિલની વાત કહેવાનો અવસર મળી ગયો.રોનક સાથેની પોતાની મૈત્રી તેમજ પ્રણય જાહેર થઈ ગયા તેનો આનંદ વરતાઈ રહ્યો.ઘણા વખતથી જે તકની શોધમાં હતો તે અનાયાસે પ્રાપ્ત થઈ હતી.

****************************************************************************************************************************************************************

એંન્જીનયરીંગના છેલ્લાં વર્ષમાં રોહન—રોનક- પ્રકરણ  5

========================
બેંગ્લોર દિવાળી ઉજવીને મુંબઈ આવી પહોંચ્યા.હવે રોહન તડામાર તૈયારીમાં પડ્યો.અમેરિકામાં એડમિશન પણ મળી ગયું હતું.સારા ટકા લાવીને ગૌરવભેર તેને આગળ ભણવા જવાના સ્વપના સાકાર કરવા હતા. રોજ સવારે વહેલો નિકળતો.મમ્મી તેની દરરોજ ખાવાની વસ્તુઓનું ધ્યાન રાખતી.રોહન’મમ્મી બહુ ભારે ખાવાનું નહી આપતી.બને ત્યાં સુધી હલકું અને ફળનો ડબ્બો ભૂલતી નહી.’ છેલ્લું વર્ષ હતું.રાત દિવસ જોયા વગર રોહન બસ વાર્ષિક પરીક્ષાની તડામાર તૈયારીમાં ગુંથાયો હતો.

રોહન અને રોનક મિત્ર તો હતાં જ અને બંને ઘણું ખરું પુસ્તકાલયમાં સાથે વાંચતા.હવે તો ઘરે પણ વાત કરી લીધી હતી તેથી એકબીજા સાથે સમય ગાળવામાં તકલિફ થોડી હતી. જો કે કોલેજમાં બંનેની ચર્ચા ખુલ્લે આમ થતી તેનો બેમાંથી એકેયને વાંધો ન હતો .પરીક્ષાની તૈયારીમાં પડેલાં રોનક અને રોહને ‘પ્યાર’ને ટુંક સમય માટે વિસારે પાડ્યો હતો.કિંતુ સંગની મઝા માણતા ખૂબ ધ્યાન દઈને સારા ગુણાંક આવે તેનો ખ્યાલ નજર સમક્ષ રાખતાં.

રોનક કહેતી, ‘રોહન તું બે વર્ષ માટે જશે તો મારા તો બૂરા હાલ થવાના.’રોહન,’અરે યાર હવે તો ફોનની સગવડ છે. કમપ્યુટર, સ્કાઈપ વિ.તને એકલું નહી લાગે. બે વર્ષ તો ચપટી વગાડતાંમા નિકળી જશે.એ બધી વાત પછી હમણાં વાંચવામા ખલેલ શામાટે પડાવે છે. તારે તો સારું છે ‘એન્જીનિયર’ થઈને પપ્પાની ફેક્ટરીમાં બેસવાનું છે. મારે માસ્ટર્સ અને બને તો એમ.બી.એ.પણ કરવું છે. યાદ છે ને’ ભણતર હશે તો ભવિષ્ય’ઉજ્જવળ બનશે.
પરીક્ષાના દિવસોમાં બીજી આડી અવળી વાત બંધ.’

ચોટલી બાંધીને બંને જણા મચી પડ્યાં હતા.પહેલાં પંદર દિવસ”પ્રેક્ટિકલ”ની પરીક્ષા હતી તેથી હળવાશ અનુભવી.
બંનેનું પરીક્ષાનું કેંદ્ર એક જ હતું પણ વર્ગ અલગ અલગ હતાં.એક બીજાના દર્શન પણ દુર્લભ હતાં. ખેર,બંને જણા જાણતા હતાં કે અત્યારે જીવનમાં શાની અગત્યતા છે.હાશ આજે “પ્રેક્ટિકલ’સારા ગયા હવે ખરી કસોટી થવાની હતી.
પ્રેક્ટિકલની પરીક્ષા પછી પાંચેક દિવસ વચમાં મળ્યા હતા. દર બે દિવસે એક ‘થિયરીનું’ પેપર હતું. તૈયારી સારી કરી હતી તેથી વીસ દિવસમાં પરીક્ષા પૂરી થઈ પણ બેમાંથી એકેયના મુખ ઉપર થાક વરતાતો ન હતો.

પરીક્ષા આખરે પૂરી થઈ.જાણે માથા પરથી સો મણની મોટી શીલા ખસી ગઈ.સહુના મુખ પર આનંદની રેખા અંકિત થઈ હતી. મિત્ર મંડળ પહોંચ્યું ‘લાબેલા’માં જમવા.ચર્ચગેટ પર આવેલી એ નાની મજાની’રેસ્ટોરાં’, જુવાનિયાઓની મનગમતી.ભૂતકાળમાં રાજકપુર અને નરગિસ લાબેલા પર રોજ મળતા.આજે પણ યુવાનો ત્યાં મઝા માણતા જોવા મળે છે.

પરીક્ષા થઈ ગઈ હતી હવે બસ નિષ્ફિકર થઈને આનંદ લુંટવાનો.બિયર વગર પાર્ટી કેવી રીતે જામે. આજે કોઈની રોકટોક ન હતી. કોઈ કરે તો,સાંભળવાના મિજાજમાં પણ ક્યાં હતાં ? બસ મઝા માણવી હતી. આનંદથી મિત્ર મંડળ સાંજ પસાર કરવાના હતાં.મહેનત કરી હતી એટલે પાસ તો થવાના હતા.ચિંતા હોય તો એક જ કે કેટલા ટકા આવશે.
આજે તો એ પ્રશ્ન પણ કોઈ મહત્વ ધરાવતો ન હતો.બસ પરીક્ષાનો બોજ ઉતર્યો હતો.આનંદો ભાઈ આનંદો.ખૂબ મોજ માણો.

સહુએ ‘લાબેલા’નું ભોજન પેટ ભરીને આરોગ્યું. બહાર નિકળીને’કે રૂસ્તમની’આઈસક્રિમ સેન્ડવીચ’ ઝાપટી અને ઉપડ્યા બધા ‘ઈરોસ’માં અંગ્રેજી સિનેમા જોવા.’જ્યોર્જ ક્લુનીનું ‘ડીસેનડન્ટસ’ નવું જ આવ્યું હતું. મિત્રોથી છૂટા પડી આરામથી રોહન અને રોનક વાતે વળગ્યા.રાત વિતતી હતી.બેમાંથી એકેયને ઘરે જવાની ઉતાવળ લાગતી ન હતી.

પરીક્ષા પૂરી થઈ હતી. રોહનતો વળી અમેરિકા જવાનો હતો. રોનકને એ વિચારથી જરા નારાજ થતી. કિંતુ જેને કારણે ભવિષ્ય ઉજળું બનવાની શક્યતા હોય તે વિચાર ગમે કે ન ગમે પ્રેમથી ગમાડતી.રોનકને થતું ‘આ સાંજ થંભી જાય તો કેવું સારું! રોહન સાથેની સુહાની પળો માણવાની તેને ખૂબ મઝા આવી.રોહન બોલ્યો,’ કેમ મહારાણી આજે ઘરે નથી જવું?’પપ્પા અને મમ્મી તારી ફિકર નહી કરે? જો પછી તારા પપ્પા મારા ઉપર ગુસ્સો ન કરે.હું તો તને આગળ કરીશ. કહી રોહન જોરથી હસી પડ્યો.

રોનકં,’ શું ઘરે જવું જરૂરી છે?’ બંને જણા ખડખડાટ હસી પડ્યા.

રોનક,’અરે યાર ઉતાવળ શું છે.ચાલને થોડી વાર મરીન ડ્રાઈવની પાળ પર બેસી ચાંદ અને દરિયો નિહાળીએ. આજે મને બસ તારી સાથે શાંતિથી બેસવું છે. મૌન નું સંગિત સાંભળવું છે. એકબીજાના પ્યારની ઉષ્મા માણવી છે.ખબર છે ને હવે કોઈ પરીક્ષાનું ભૂત સવાર નથી! મિત્રો પણ જતા રહ્યા. બસ, હું અને તું.આ ચોપાટીના દરિયાની બાજુમાં આવેલી પાળ, ઉપર નિલ ગગન અને તેમાં ચમકતો પૂનમનો ચાંદ.’

રોહન,’કેમ તારા મમ્મી અને પપ્પા ચિંતા નહી કરે’?રોહનને પોતાના મમ્મી અને પપ્પાની જરા પણ ફિકર ન હતી.
રોહનની વાત અલગ હતી.સુંદર,જુવાન છોકરી અડધી રાત સુધી ઘર બહાર હોય ત્યારે સહજ છે મમ્મી અને પાપા ચિંતા કરે ! રીયા રાતે મોડી આવતી ત્યારે રીના અને રાજેશ બંને બાલ્કનીમાં આંટા મારતા હતા એ રોહન કેવી રીતે ભૂલી શકે.

રોનક,’ ના મેં તેમને પહેલેથી ચેતવ્યા હતાં કે હું સાંજના રોહન સાથે હોઈશ.મોડું થશે તો રોહન મને ઘરે મૂકી જશે. બોલ હવે છે તારી પાસે જવાબ’ ?

રોહન કાંઈ પણ બોલ્યા વગર રોનકને ખુશ કરવા તૈયાર થઈ ગયો.

રોનકને આજે સંતોષ જ થતો ન હતો. કેટલા સમય પછી આવી એકાંત પળ રોહનની સંગમાં માણવાનો અવસર સાંપડ્યો હતો.અંતે હારીને રોહને તેને મનાવી.રોનકને ઘરે મૂકવા જવા તૈયાર થયો.ગૌતમભાઈ જાણતા હતાં રોહનને ઘરે પહોંચતા બીજો દોઢ કલાક થશે. તેમણે ગાડીના ડ્રાઈવરને રોકી રાખ્યો હતો.

રોનક ઘરે આવી એટલે કહે’ રોહન બેટા ડ્રાઈવર છે. તને ઘરે ઉતારી જશે’.રોનક પપ્પાની સમજ પર વારી ગઈ.

રોહનના ગયા પછી પપ્પાને વળગી તેમનો આભાર માન્યો. ગૌતમભાઈ દીકરીને ખુશ જોઈ મલકાયા.ગાડીમાં આવ્યો છતાં પણ રોહનને ઘરે પહોંચતા રાતના બે વાગ્યા.રોનકને તેને ત્યાં ઉતારીને જ્યારે રોહન ઘરે આવ્યો ત્યારે મમ્મી જાગતી હતી.

‘તું હજુ સુધી જાગે છે? મારી પાસે ઘરની ચાવી હતી.’ રોહન બોલ્યો.

‘હા, બેટા તારી રાહ જોતી હતી. મને ખબર છે આજે છેલ્લી પરીક્ષા પછી તમે બધા બહાર ખાઈ સિનેમા જોઈને જ ઘરે આવશો. ખેર હવેતું સૂઈ જા.સવારે નિરાંતે ઉઠજે’.હું પણ હવે સુવા જઈશ.

રોહન ગાડીમાં આવ્યો તે જોતાં રીના સમજી ગઈ કે રોનકને ઘરે ઉતારીને આવ્યો હશે.રોનકના પિતાએ રાતના મોડું થવાથી રોહનને માટે ગાડી મોકલાવી.રીના મનમાં ને મનમાં મલકાઈ.

રોહને માતાને પ્યારથી બાથમાં લઈ પોતાના રૂમ તરફ ચાલ્યો અને સૂવા ગયો.

પ્રકરણ  6        રોનક
======
બે દિકરા પછી દિકરીનો જન્મ થયો.ખુશીનું વાતાવરણ ચારેકોર છવાઈ ગયું.ગીતા બોલી આપણા ઘરની ‘રોનક’ વધી ગઈ. ગૌતમને એ નામ હૈયે વસી ગયું. ભગવાને રોનકને ફુરસદે ઘડી હતી. કંચન જેવી કાયા,પવન સમાન ચંચળ, વહાલ નિતરતી આંખ, રેશમ જેવા સુંવાળા વાળ અને જોનારનું મન મોહી લે તેવી સુંદર. સહુના લાડપાન પામી ને મોટી થઈ રહી હતી. તેના આગમન પછી ગૌતમના જીવનમાં પણ ઘણા અંગત્યના બનાવો બન્યા.નોકરીને તિલાંજલી આપી ધંધામાં ઝંપલાવ્યું. નસીબે યારી આપી.

ગીતા તો હંમેશા ત્રણેય બાળકોની પરવરિશમાં ગુંથાયેલી રહેતી.ગૌતમને સહકાર સંપૂર્ણપણે આપતી.બાળકો તરફની સઘળી જવાબદારી ગીતા હસતે મુખે નિભાવવામાં કુશળ પુરવાર થઈ.તેથી તો ગૌતમ ધંધામાં સફળ થયો.રોનકનું આગમન સહુને ખૂબ ગમ્યું.આમ પણ દીકરી બાપની આંખનો તારો હોય છે.

રોનકમાં અમૂક ગુણો જન્મજાત હતાં.શાળામાં ભણતી ત્યારે પણ જો કોઈ સાધારણ સ્થિતિનો વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીને પોતાની વસ્તુઓ આપી દેતાં કદી ન અચકાતી. તેનું દિલ વિશાળ હતું. જરા પણ ઘમંડી ન હોવા્ને કારણે તે હંમેશા મિત્રોથી ઘેરાયેલી રહેતી.

રોનકની વાત કરવાની રીત જ એવી હતી કે સામે વાળી વ્યક્તિ તેના દિલનું નિર્દોષપણું પારખી શકે. તવંગર માતા પિતાની લાડલી પુત્રી હોવાને નાતે પૈસા ખરચવામાં કદી પાછું વળીને જોતી નહી.રોનકના પિતાને બે કંપનીની એજન્સી હતી જેથી પ્રગતિ સારી સાધી બેપાંદડે થયા.તેના બંને ભાઈ એંન્જીનિયર થઈ અમેરિકાથી ખૂબ સારું ભણીને આવ્યા અને
નાની ફેક્ટરી શરૂ કરી. ભાઈઓની પાછળ રોનક પણ એંન્જીનયરિંગમાં ગઈ જ્યાં રોહન સાથે મુલાકાત થઈ જે ધીરે ધીરે પ્યારમાં પરિણમી .

રોનકના માતાપિતાને રોહનનો સાલસ સ્વભાવ ગમ્યો હતો.બધી રીતે તેમને રોહન, રોનક માટે પસંદ આવ્યો હતો.
અવારનવાર રોનકના પિતા રોહનને ચકાસતા.એક વખત રોનક ઘરે મોડી આવી.રોહનની,રોનકના પિતાએ ધુળ કાઢી નાખી.

રોહનને થયું કારણ જાણ્યા વગર ગુસ્સો કરવો તે વ્યાજબી નથી. કિંતુ વડીલની ખૂબ આમન્યા જાળવી અને મુંગે મોઢે સહી લીધું. આખરે જ્યારે ગૌતમભાઈએ બોલવાનું પુરૂ કર્યું ત્યારે રોહને ખૂબ અદબ પૂર્વક કારણ રજૂ કરવાની પરવાનગી માગી.

રોહને ખૂબ શાંતિથી જરા પણ મિજાજ ગુમાવ્યા વગર સંપૂર્ણ આદાર સાથે વ્યાજબી કારણ અને સંજોગોનું આબેહૂબ વર્ણન કર્યું .વાત જાણે એમ હતી કે ઘરે આવતી વખતે સાંજના રોનકના સેંડલની પટ્ટી ટૂટી ગઈ હતી. તેને ચાલવામાં તકલિફ પડતી હતી.મુંબઈગરાને બરાબર ટેક્સીવાળાના મિજાજની ખબર હોય છે. જેણે અનુભવ્યો હોય તેને ખબર હોય! કોઈ પણ ટેક્સી રોનકના ઘરની દિશમાં આવવા તૈયાર ન હતી.ન તો કોઈ મોચી રસ્તામાં દેખાયો કે ન કોઈ ચંપલની દુકાન.રોહન અને રોનક કરે તો પણ શું કરે. જ્યારે ટેક્સી મળી ત્યારે અંધારું ધરા પર ઉતરી ચૂક્યું હતું. તેમાં વળી સંધ્યા સમયનો મુંબઈનો ટ્રાફિક,તોબા, તોબા.

રોહને જ્યારે બધું વિગતવાર જણાવ્યું ત્યારે ગૌતમભાઈને રોહન પર નારાજ થવા માટે દિલગિરી થઈ.ખેર ‘દુધ ઉભરાઈ ગયા’ પછી જીવ બાળવો નકામો સમજી મૌન પાળ્યું. રોનકના પિતાને રોહનનું આચરણ હૈયે વસ્યું.
ગૌતમભાઈએ ખુશ થઈ રોહનને પ્રેમથી ગળે લગાવ્યો.રોનક અને રોહનના પ્રેમની ભીની ભીની શરૂઆત હતી. પ્રેમી પંખીડા એકબીજાનું સાંનિધ્ય માણી રહ્યા હતા.

રોહનના માતાપિતા અનજાણ હતા તેથી મોટે ભાગે રોહન જ રોનકને ત્યાં ઝાઝુ આવતો.રોહનની તારિફ કરવાનો મોકો ન મળતો. તેનું વર્તન અને સાલસ સ્વભાવ પૂરતાં હતાં.બંને સાથે એક જ વર્ગમાં ભણતા.કોલેજની પ્રવૃત્તિમાં સાથે ભાગ લેતાં.રોહનને,રોનકના પિતાની કામકાજ કરવાની કુનેહ ખૂબ પસંદ હતી. જે રીતે પોતાનો કારોબાર સંભાળતાં અને કામ કરનાર દરેક વ્યક્તિની તેની મહત્વતા પ્રમાણે, ગુણવત્તા પ્રમાણે કદર કરતાં તે આંખે ઉડીને વળગે તેવી વાત હતી.

રોનકના ભાઈઓ જરૂર પડ્યે પિતાની સલાહ લેતા. બંનેમા બાપના ગુણ ભારોભાર ભર્ચા હતા. સઘળી બાજુ છત વરતાય એવા પરિવારમાં ક્યાંય આડંબર કે અહમ ન જણાતા.સાલસતા આજના જમાનાની દસમી અજાયબી લાગે તેવું અનૂપમ દૃશ્ય નજરે પડતું. આવા સુંદર અને સાદગુણી બાળકો માટે ગૌતમભાઈ, હંમેશા ગીતાને વખાણતા. તેં સુંદર રીતે બાળકો ઉછેરી ઘરસંસાર સોહાવ્યો છે.

રોનક, ‘રોહન તને ખબર છે હું કેવા વાતાવરણમાં ઉછરી છું’.રોહન,તને ક્યાં હજુ મારા મમ્મી અને પપ્પાને મળવાની તક મળી છે? હું, વધારે કાંઈ નહી કહું.બસ,તું તેમને મળે પછી મને કહેજે.’

રોનક, ‘અરે ગાભરુદાસ તું ક્યારે મને મળાવશે. અમારે ત્યાં આવીને તો તું ધામા નાખે છે.મારે માટે સોનાનો સૂરજ ક્યારે ઉગવાનો?’

રોહન,’ જો અત્યારે મારા પપ્પને વાત કરીશ તો કહેશે,“રીના,જોયા આપણા સુપુત્રના લક્ષણ! બાપ-દાદાની ઈચ્છા પૂરી કરવાને બદલે લાટસાહેબ છોકરીના પ્રેમમા પડ્યા. હવે ભણે તો સાચું! મને હતું મારો દીકરો ભણી ગણીને નામ ઉજાળશે પણ જોયા આના લખ્ખન,’

રોનક,’ તો તારા પપ્પાને એમ છે કે પ્યાર કરે તે ન ભણે’?

રોહન, ‘ના, છેક એવું નથી પણ ‘ડીગ્રી” અને ત્યાર પછી અમેરિકા એ મારું એકલાનું નહી પણ આખા કુટુંબનું સ્વપનું છે. જે મારે હકિકતમાં બદલવાનું છે.’

રોનક, ‘તો રાજા મારું સ્વપનું તારા માતા પિતાને મળવાનું ક્યારે હકિકતમાં પરિણમશે?’

રોહન,’ જરૂર નજીકના ભવિષ્યમાં સમય અને સ્થળની જ્યારે રાશી મળશે,રાહુ અને કેતુ એકબીજા સાથે મૈત્રી કરશે ત્યારે.’

રોનક,’ એ સમયને આવતાં કેટલો વખત લાગશે ?’

રોહન,’ આકાશની સામે મીટ માંડીને , બસ હવે દિલ્હી બહુ દૂર નથી.’

રોનક,’ચાલને યાર,જ્યારે આવે ત્યારે શામાટે તેની ખોટી ચિંતા કરવી.’રોનક સ્વતંત્ર વિચારસરણી ધરાવતી આધુનિક યુવતી હતી. હા, રોહનને અનહદ પ્યાર કરતી હતી.સાથે સાથે ચહતી હતી કે જિંદગીમાં ભણ્યા પછી મનગમતું કરવાનો તેને અવકાશ સાંપડશે. સ્વપનો જોવા અને તેને કેમ આંબવા તેના વિશે સમાંતર વિચારો ચાલતાં.એંજીનિયર થવા પાછળ તેનો હેતુ હતો, વિજ્ઞાનના ક્ષેત્રમાં હલચલ મચાવવાનો.સામાન્ય માનવીની માફક જીંદગીમાં માત્ર સામાન્ય કાર્ય કરવા માટે તેનું જીવન ન હતું.નાનપણથી તેની તમન્ના હતી કશું કરી છુટવાની.

રોનકની પોતાની રહેણીકરણી અને પ્રતિભા આગવા હતાં.કોલેજમાં જે રીતે તૈયાર થઈને આવતી તે રોહનને ખૂબ ગમતી. આમ પણ એન્જીયરીંગની કોલેજમાં છોકરીઓ ઓછી હોય. જેમાં રોનક એકદમ જુદી ભાત પાડતી.તેનામાં બુધ્ધિ અને સુંદરતાનો સુમેળ ઈશ્વરે ખૂબ સરસ રીતે ઠાંસી ઠાંસીને ભર્યો હતો.તેના વિધવિધ પ્રકારના શોખ આંખોને ઉડીને વળગે તેવા હતાં.

ભારતનાટ્યમમાં પારંગત એવી રોનક ખૂબ કમનીય અને સુંદર પહેલી નજરે જોનારને ગમી જાય તેવી હતી.
રોહનની સાથે રોનકને પરિચય ખૂબ અજાયબ રીતે થયો હતો.એકવાર કોલેજ આ્વી રહેલો રોહન વાશી સ્ટેશનથી ચાલીને કોલેજ આવતો હતો.મુશળધાર વર્ષા,ભાઈને કોલેજ જવા માટે કોઈ વાહન ન મળ્યું. મુશળધાર વસાદમાં ચાલીને જઈ રહ્યો હતો.ડ્રાઈવર આવ્યો ન હોવાથી રોનક પોતે ગાડી ચલાવી રહી હતી.રોહન પાસે છત્રી હોવા છતાં સખત ઝાપટાંમાં તેનું રક્ષણ કરી શકી નહી. રોનકે ગાડી ઉભી રાખી.બંને એક જ ક્લાસમાં હતાં તેથી રોનકને ઓળખતાં વાર ન લાગી. રોનક એકલી હતી તેથી રોહન મુંઝાયો.

“અરે, હું કાંઈ તને ખાઈ નહી જાંઉં”. રોનક ખડખડાટ હસતાં બોલી. રોહન પણ હસી પડ્યો અને કોલેજ બેઉ જણાં સાથે આવ્યાં.બસ પછી તો કોઈક વાર લેક્ચરમાં નોટ્સ ન લખાઈ હોય તો તેના વીશે વાતો થતી.પરીક્ષા વખતે બંને સાથે લાયબ્રેરીમાં બેસી વાંચતા.ફીઝીક્સના અઘરા પ્રોબ્લેમને સોલ્વ કરવા એકબીજાની મદદ લેતાં.આમ કરતા ખ્યાલ ન રહ્યો ને ક્યારે બેઉ જણાં મિત્રમાંથી પ્રેમી થઈ ગયા.મિત્રતા અને પ્રેમ વચ્ચે ખૂબ પાતળી રેખા છે! જે થાય તે સારા માટે જ થાય તે હંમેશા સારા માટે થાય એમ સમજી રોનકે ઘરે મમ્મી અને પપ્પાને વાત કરી.મમ્મી ખૂબ લાગણીશીલ હતી પણ પપ્પાએ રોહનને મળવાની ઈંતજારી બતાવી. એકની એક દીકરીની પસંદગીનો કળશ કોના પર ઢોળાયો છે તે જાણવા પપ્પા અતુર હતાં.

રોનકે પ્રેમથી રોહનની બધી વાત કરી. રોહન,’જો રોનક તેં ભલે વાત કરી પણ મને જરા સમય આપજે!મારા પપા તો મને ખૂબ ભણેલો ગણેલો અમેરિકા રિટર્ન જોવા માટે તલસે છે’!અત્યારે ભણતર અગત્યનું હતું.રોહન જાણતો હતો કે તેના મમ્મી અને પપ્પા રોનકને મળીને ખુશ થવાના છે.એક વખત બસ સારા ટકા મેળવી અમેરિકા જવાનું પાક્કું થાય પછી કોઈ ચિંતા ન હતી. જો કે રોનકના પપ્પા,મમ્મી અને ભાઈઓ તરફથી “ગ્રીન સિગ્નલ” મળી ગયું એ બહુ આનંદના સમાચાર હતાં.

રોનકને અમેરિકા જવામાં જરા પણ રસ ન હતો.હા,જો લગ્ન પછી‘હનીમૂન’માટે જવાનું હોય તો તેને વાંધો ન હતો.તે તૈયાર હતી.જેની હજુ રાહ જોવાની હતી.સારું થયું કે રોનકના કુટુંબમાં બધાએ પસંદગીનો કળશ રોહન ઉપર ઢોળ્યો હતો.રોહન અવારનવાર રોનકને ત્યાં જતો હતો. દિવાળીની ઉજવણી માટેની તેમની પરંપરા સહુને ખૂબ પસંદ પડી.જે તેણે બેંગ્લોરમાં ઉજવી અને અનુકૂળતા જોઈ રોનકની વાત સહુને કરી.

દાદા,દાદી અને મમ્મી પપ્પા સહુએ વધાવી લીધી.મમ્મી મુંબઈ આવીને ‘રોનકને’મળવા ખૂબ આતુર હતી.મમ્મીએ બેથી ત્રણ વાર કહી પણ જોયું.રોનક વીશે જાણ્યા પછી માનું હૈયું હાથ કેવી રીતે રહે? માને હંમેશા દિકરાની વહુ માટે વિશેષ લાગણી હોય છે.પરીક્ષા પણ થઈ ગઈ હતી. અમેરિકા જવાની તૈયારી શરૂ કરી હતી. રોહન બસ એક જ રટણ કરતો હતો.

રોહન,’મમ્મી અમે ગોવા ફરીને આવીએ પછી રોનકને આપણે ત્યાં લાવીશ.’

રીના,’ શું ગોવા જતાં પહેલાં ન લવાય.’

રોહન,’મમ્મી, રોનકને લવાય તો ખરી પણ તેને બહુ બધું શોપિંગ કરવાનું બાકી છે.’

રીના, ‘હજુ મારે એક અઠવાડિયાની રાહ જોવી પડશે?’

રોહન, ‘મા, એવું નહી કહે ને . મને ખબર છે તું રોનકને મળવા આતુર છે.અરે,

રોનક પણ કેટલા વખતથી સહુને મળવા આતુર છે.’

રીના બસ હવે દિવા સ્વપ્નામાં રાચી રહી હતી. રોહન જે રોનકના આટલા બધા પ્રેમથી

વખાણ કરે છે તે કેવી હશે?

રોહન માતાને પ્યારથી બાથમાં લઈ સુવા ચાલ્યો.

 

ગોવાની ચાર દિવસની છુટ્ટી   પ્રકરણ   7
======================

એન્જીનયરિંગનું વર્ષ પૂરું થયું. દિવસ અને રાત એકાકાર કરી મહેનત કરી હતી. હવે થોડા દિવસ છુટ્ટીની મઝા માણવાનો નિર્ણય લીધો.બધા મિત્રો સાથે મળી ગોવા ફરવા જવાનું નક્કી કર્યું. સમય બચાવવા બધાએ વિમાનમાં જવાનું નક્કી કર્યું. ગોવા જવાનું હોય ત્યારે તેના વિષે જાણવું આવશ્યક છે.રોનકને એવી ચાનક ચડી કે કમપ્યુટરની સહાયથી તેના વિશે બધી હકિકત એકઠી કરવામાં ગુલતાન થઈ ગઈ.

રોનક ભલેને માલેતુજાર બાપની બેટી હોય પણ દરેક કાર્ય ખૂબ ચીવટથી કરવાની તેની રીત દાદ માગી લે તેવી હતી. ૨૧મી સદીની કદાચ “ફટવેલી” દીકરી કહી શકાય કિંતુ ક્યાં કેમ વર્તન થાય તેની કોઠા સુઝ પણ તેનામાં ભારોભાર ભરેલી હતી.હા,મમ્મી અને પપ્પા તેને ખૂબ લાડ કરતાં તેથી તેમની પાસે જક અને જીદ કરતી.

બાકી મિત્ર મંડળમાં છાપ સારી હતી.તેના વર્તનમાં રોહનને ક્યાંય ઉછાંછળાપણું યા તોછડાઈ ન જણાતી.રોહન તેના આ ગુણો પર જ ઓવારી ગયો હતો.દેખાવડો રોહન ભણવામાં હોંશિયાર રોનકની આંખમાં ક્રેયારે વસ્યો્ તેની ખુદને ખબર ન હતી.રોહનની આંખો વણ કહે ઘણું કહી જતી જે રોનક વાંચવામાં સફળ પૂરવાર થઈ હતી.

રોનકની કાર્યદક્ષતા ઉડીને આંખે વળગે તેવી હતી. ગોવાની ટ્રીપનું સંચાલન રોનક અને બીજા બે મિત્રોને સોંપી બાકી મંડળી બેફિકર હતી.

ગોવા અરબી સમુદ્રને કિનારે આવેલું ખૂબ રમણિય સ્થળ છે.વર્ષો પહેલાં તે’પોર્ટુગીઝ ના કબ્જામાં હતું.હવે તો ભારતની પશ્ચિમ દિશમાં આવેલું ગોવા જુવાનિયાઓ માટે સ્વર્ગ સમાન છે.ગોવાનો દરિયા કિનારો અને તેના ‘બીચ’ જગ જાણિતા છે. પોર્ટુગીઝ લોકોએ ત્યાં લગભગ ૫૦૦ વર્ષ રાજ્ય કર્યું હતું.ગોવાએ તેના સુંદર “દરિયા કિનારા'( બીચ) માટે જગતભરમાં ખ્યાતિ મેળવી છે.આખી દુનિયામાંથી સહેલાણીઓ ગોવા ફરવા માટે આવે છે.જ્યારે ગોવામાં તહેવાર હોય ત્યારે તો તેની શોભા અવર્ણનિય હોય છે.ડિસેમ્બરમાં ત્યાં “કાર્નિવલ”ના સમયે બ્રાઝિલયન વાયરા હવામનને અને વાતાવરણને ખૂબ દિલખુશ અને રંગીન બનાવે છે.ત્યાંની સંસ્કૃતિ ભવ્ય, પુરાણી, મનમોહક, અને અતિ જાજવલ્યમાન છે.

“સી ફુડ અને ફેની”માટે ગોવા પ્રખ્યાત્છે.દુનિયાભરના પ્રવાસીઓ, નવા પરણેલાં હનીમુન માટે ગોવા પર પસંદગી ઉતારે છે.યગોન્ડા અને કેન્ડોલીમ બીચ ઉપર આરામથી બને તોએક આખો દિવસ પસાર કરવાનું નક્કી થયું.રોહન અને રોનક તરવમાં પવરધા હતાં.વિદ્યાર્થી અવસ્થા હતી એટલે બહુ મોંઘી હોટલોમાં રૂમ ભાડે રાખ્યા ન હતા..તેઓને મંજૂર ન હતું કે ‘બાપને પૈસે’બેફામ ખર્ચ કરે.

રોનક રાતના સ્વપનામાં મંડળી સાથે ગોવા આવી પહોંચી.બીચ ઉપર ખૂબ મઝા અને મસ્તી કર્યા.સન એન્ડ સન’તથા’હોટલ હોરાઈઝન’માં તેમના માતા પિતા ‘લાઈફ મેમ્બર’ હોવાથી જતા હતા.તરવાની મઝા,મનપસંદ સાથીનો સંગ ને પરિક્ષાના ભૂતથી છૂટકારો!દરિયા કિનારો,સુંદર બીચ અને સુહાનો સાથ બે હાથે મસ્તી લુંટવાનો ઈરાદો પૂરો કર્યો.

ચાર દિવસતો આંખના પલકારામાં પસાર થઈ ગયા.બસ હવે છેલ્લે ચર્ચ જોઈ મુંબઈ પાછા ફરવાનું હતું.’ગોવાના ચર્ચ’ જોવા ન જાય તેવું તો બને જ નહી.

‘ચેપલ ઓફ સેંટ ફ્રાન્સીસ ઝેવિયર ગોવા”.માંડોની નદી કિનારે ઉભું છે ખૂબ જ પ્રસિદ્ધ ચર્ચ તેના આર્કિટેક્ચરલ કામ માટે મશહૂર છે. જેના પર કોતરેલું છે કે આ ચર્ચ “સેંટ ફ્રાન્સીસ ઝેવિયર ગોવા”ના માનમાં અંહી ખડું કરવામાં આવ્યું છે.આ એક ઐતિહાસિક ચર્ચ છે.ખૂબ શ્રદ્ધા,ઇજ્જત અને આદર આ ચર્ચ ધરાવે છે.સુંદર ભવ્ય ચર્ચોને કારણે “પૂર્વનું રોમ” તેવું ઉપનામ ગોવાને મળ્યું છે.’

અરે જો સ્વપનું આવું રળીયામણું છે તો હકિકત.કેટલી સુંદર હશે? રોનક સ્વપનામાં ગોવા વીશે વિચારીને આનંદ લુંટી રહી હતી. ચોવીસ કલાક ગોવાની તૈયારીમાં ડૂબેલીને રાતના સ્વપનામાં પણ ગોવા જ આવે ને?

જતા પહેલાં રોનક અને રોહને કમપ્યુટર દ્વારા તેના વીશે માહિતી એકઠી કરી હતી.વર્ગના બધા સાથે જવાની વેતરણમાં પડ્યા હતાં.ભલેને વિમાનમાં ત્યાં જાય પણ હરવા ફરવા માટે ‘સ્કૂટર’ભાડે રાખવાનો પ્રસ્તાવ વધુ મતે પસાર થયો. દરેકે પોત પોતાના સાથી શોધવાના.

રોહન અને રોનકને ચિંતા ન હતી.જુવાનિયાઓને જો લોટરી લાગે તો સહુથી પહેલાં જઈને ‘સ્કૂટર’કે થ્રી વિહલર ખરીદી આવે એવું મને લાગે છે. ભલેને ઘરમાં ડ્રાઈવર વાળી ગાડી હોય પણ સ્કૂટરની મઝા કાંઈ ઔર હોય છે.પ્રેમિકા સાથે ચપોચપ બેસવા મળે. માથા પર ‘હેલમેટ’ પહેરેલી હોય. હવામાં દુપટ્ટો લહેરાતો હોયને વાળ તો બસ મસ્ત બનીને ગાલ સાથે ગલગલિયાં કરતાં હોય.પછી યુવાન પાગલ ન બને તો નવાઈ લાગે!

રોહન અને રોનક સ્કૂટર પર ગોવાની સહેલગાહે નિકળ્યા. આજની ખુશનુમા સાંજ અને મન ભાવન સાથી. રળિયામણા ગોવાનો દરિયા કિનારો.બીચની સફર ખુબ સુંદર રહી. રોહનને ફેની પી મસ્તી માણવી હતી. પણ રોનકે કહ્યું ના, અત્યારે નહી. ગોવાનું ખાસ પીણું “ફેની”.પીવાની લિજ્જત આજે પણ સહેલાણીઓ પ્રેમથી માણે છે.

રોનકે કહ્યું આપણે ભાડાનું સ્કૂટર જ્યારે પાછું આપવા જઈશું ત્યારે ફેની બે ગ્લાસ લગાવીને ટેક્સી કરી પાછા એરપોર્ટ જઈશું. રોહનને રોનકની વાત વ્યાજબી લાગી.કહેવાય છે કે અકસ્માત થતાં પહેલાં વાજાં વગડાવતા નથી યા નથી ઢંઢેરો પીટતાં.

બસ સામે જ દુકાન દેખાતી હતી જ્યાં સ્કૂટર પાછું આપવાનું હતું. ત્યાં રોહને એક નાના છોકરાને દોડતો જોયો.તેને કેમ કરી બચાવવો તે ગડમથલમાં સ્કૂટર સામેની દિવાલ સાથે અથડાયું.તરત જ રોનક સ્કૂટર પરથી ઉછળી પડી અને ભોંય પર જઈ પટકાઈ. રોહનને તેની ખબર ન પડી. ભયનો માર્યો, તેના હાથેથી સ્કૂટરનું હેંડલ છૂટી ન શક્યું.એ સ્કૂટરની સાથે ઘસડાયો જ્યારે અંતે ભિંત સાથે અફળાઈને જમીન પર ફેંકાયો ત્યારે તેને ભાન હતું.

લોહી ક્યાંયથી નિકળતું ન હતું. કિંતુ ભાનમાં હતો તેને કારણે જાણી શકયો હતો કે સ્કૂટર અને પોતે ભિંત સાથે ભટકાવાથી તેને ગેબી માર વાગ્યો હશે!લોહીનું બુંદ પણ જણાતું ન હતું.અજાણ્યું શહેર,બેભાન રોનક થોડી ઘણી ભાનમાં હતી. રોહનને ભાન હતું પણ હાલી ચાલી કે ઉઠવા માટે અશક્તિમાન હતો.રોનક ઉછળીને ક્યાં પડી તેની પણ તેને ખબર ન પડી.એક દિશામાં સ્કૂટર, બીજી દિશામાં રોનક અને ત્રીજી દિશામાં રોહન.હવે શું?રસ્તે જતાં કોઈ સહેલાણીની નજરે આ બંને જુવનિયા પડ્યા.પૂછપરછ કરવા લાગ્યા.રોનકે માંડ માંડ અસંગત ભાષામાં પોતાના પપ્પાનો મોબાઈલ નંબર આપ્યો.આને કારણે મુંબઈ સમાચાર તરત જ પહોંચી ગયા.

રોનકના માતા પિતા પાસે રોહનના ઘરનો નંબર હતો. ક્યાં મુંબઈ અને ક્યાં ગોવા !રજાની મજા માણવા ગયેલાં મિત્રો આભ ટૂટી પડ્યું હોય એવી હાલતમાં મુંબઈ આવી પહોંચ્યા. રોહન અને રોનક રસ્તા પર અસહાય હાલમાં પડ્યા હતા!

ગોવા ગયા હતા ફરવા છુટ્ટીઓની મોજ માણવા. રોહન અને રોનકને ક્યાં ખબર હતી કે ભવિષ્ય વિધાતાએ કેવું લખ્યું છે? જો પળ પછીની ખબર હોય માનવીને તો કેટલાં બધા સંકટો ટળી જાય. છતાં માનવ સહજ સ્વભાવ ‘હું કરું, હું કરું’કેરા વર્તુળમા ઘુમ્યા કરે છે.ખોટા આડંબરમાં રાચે છે. બીજાની લાગણીઓની પરવા કરતો નથી. સમાજમાં ઉજળું મોઢું લઈ ફરતો કેટલા કાળા કરતૂત કરે છે તેની લગારે દરકાર કરતો નથી.

રોહન અને રોનક તો નિર્દોષ બાળકો છે. ખબર નહી તેમના પૂર્વ જનમનું ભાથું સાથે બાંધીને લાવ્યા હશે? અત્યારે તો નથી લાગતું તેમણે આ ઉમરમાં એક પણ એવું

અકસ્માત પછીની કરૂણ કથની  પ્રકરણ   8
———————
નંબર તો લીધો પણ હવે શું? તરત મુંબઈ ફોન કરી ખબર આપ્યા. કઈ હોસ્પિટલમાં લઈ જશે તેની જાણ કરીશું કહીને ફોન મૂક્યો.મીના અને મહેશ જે ગોવા લગ્ન પછીની પાંચમીવર્ષગાંઠ ઉજવવા આાવ્યા હતાં. બંને બાળકોને હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં દાખલ કર્યાં.

તેમની પરિસ્થિતિ જોઈ છોડીને જવાનું દિલ ન થયું. ડૉક્ટરને કહ્યું ‘અમે જવાબદારી લઈશું’.આવી વ્યક્તિ અજાણ્યા શહેરમાં મળવી દુર્લભ હોય. ખબર નહી એમના દિલમાં રામ વસ્યા.કહે પૈસાની ચિંતા ન કરતાં બને તેટલી ત્વરાથી યોગ્ય સારવાર આપવાનું જણાવ્યું. આ બંનેની હાલત જોઈને તેમનું હ્રદય પિગળી ગયું હતું. બન્ને જુવાનિયા સુખી કુટુંબના જણાતા હતાં.અરે,જે પણ હોય?માનવતાની દૃષ્ટિએ આવી હાલત જોઈને કોઈ પણ સામાન્ય વ્યક્તિ
આંખ આડા કાન ન કરી શકે.

ગોવાની હોસ્પિટલમાં સ્વાભાવિક છે મુંબઈ જેવી તત્કાલ સારવાર શક્ય ન હોય. પણ જે ગણો તે રોહનના નસિબ બે આંગળ ટુંકા નિકળ્યા.એક પણ ઓક્સીજનની ટાંકી હોસ્પિટલમાં હતી નહી. તેમણે બીજી હોસ્પિટલમાંથી મંગાવી. આવતાં આવતં બે કલાક ઉપરનો સમય નિકળી ગયો.

બેભાન રોનક ચારેક કલાક પછી ભાનમાં અવી. સદમાને કારણે ડૉક્ટરે તેને ઉઠવાની ના પાડી. રોહન બાજુના રૂમમા છે તેમ કહી તેને સાંત્વના આપી.સવારે મળવા જજે એમ જણાવી ઉંઘવાની દવા આપી તેને સુવાડી દીધી. રોહન બે કલાક ઓક્સિજન વગર રહ્યો.

જ્યારે આપવામાં આવ્યો ત્યાં સુધીમાં જે ખરાબી થવાની હતી તે થઈ ગઈ હતી. લાંબા સમય સુધી ઓક્સિજનના અભાવે મગજને ભયંકર નુક્શાન પહોંચ્યું હતું.શરૂઆતના કટોકટીના તબક્કે જે મગજને પારાવાર નુકશાન થયું તે સામાન્ય માનવીના સમજની બહારની વસ્તુ છે.જમણી બાજુનું મગજ જ્યાં ભટકાવાથી પારાવાર નુકશાન થયું હતું.ખૂ બૂરી અસર પહોંચી હતી.

લગભગ પાંચેક કલાક પછી રોહનના પિતા મુંબઈથી ચાર્ટર્ડ વિમાન લઈને આવી પહોંચ્યા. પેલા અજાણ્યા માનવીનો હ્રદય પૂર્વક આભાર માન્યો. રોહનની હાલત ગંભિર હતી. વધુસમય બગાડ્યા વગર બને તેટલી ઝડપથી ટેક્સી એરપોર્ટ તરફ મારી મૂકી.ચાર્ટર્ડ કરેલાપ્લેનમાં રોહનને લઈને મુંબઈની “બોમ્બે હોસ્પિટલમાં” દાખલ કર્યો.

રોહનને કશું જ ભાન ન હતું.સ્કૂટર ભિંત સાથે અથડાયું અને રોનક કેમ છે?’તેની હાલત જાણ્યા પછી ક્યારે ભાન ગુમાવ્યું ,પેલાં સજ્જન અને સહ્રદયી યુગલે શી મદદ કરી કશી ખબર તે બંનેને ન હતી.આઠેક કલાક પછી જ્યારે મુંબઈ આવી હોસ્પિટલમાં દાખલ થયો ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.

તેના મગજને પારાવાર નુકશાન પહોંચ્યું હતું. મગજને ઓક્સિજનનો પુરવઠો સમયસર ન મળ્યો તેને કારણે અપાર ન ક્લ્પી શકાય તેવું નુકશાન પહોંચ્યું હતું.નિષ્ણાત ડૉક્ટરોની સલાહ,વાટઘાટ અને વિચારણાને અંતે મગજનું ઓપરેશન કરવાનું નક્કી થયું.જે ખૂબ નાજૂક હતું પણ તેના વગર કોઈ ઈલાજ પણ ન હતો.ઘાયલ રોહન હોસ્પિટલના પલંગ પર સુતો હતો.પહેલો વર્ગ હતો તેથી સુવિધા ઘણી સુંદર હતી.મુંબઈ,હોંશિયાર ડૉકટરો માટે જાણિતું શહેર છે.રોહનનો કિસ્સો ઘણો ગંભિર હોવાથી ચારેક ડૉક્ટરો મસલત કરી રહ્યા હતાં.બધા એક વાત પર સંમત થયા કે બની શકે એટલું જલ્દી મગજનું ઓપરેશન કરી તેમાં થતું વધારે નુકશાન રોકવું.

રોહન કોમામાં હતો! ડોક્ટરોને ખબર હતી કે આ ગંભિર અકસ્માત માટે માત્ર સ્કૂટરની ઝડપ જવાબદાર નથી ! રોહનને લોહી નિકળ્યું ન હતું.મગજ અંદર કેટલું હચમચી ગયું છે યા સોજો કેટલો આવ્યો છે કશું જ કહી શકાય નહી. સ્કૂટરની ઝડપ’૩૦ કિ.મિ’.હતી પણ ભિંતની ‘૦’ હતી.જેને કારણે મગજના નરમ ટિસ્યુ ખોપરીના કઠણ હાડકાં સાથે ભટકાયા.પરિ્ણામે લોહીની રક્તવાહિનીઓ ફાટી અને લોહી મગજના વિસ્તારમાં કોઈ પણ રોકટોક વગર બધી દિશામાં પ્રસરી ગયું.જેવી રીતે બંધના ટૂટવાથી પાણી સારા ગામમાં ફરી વળે. ખોપરીનાં હાડકાં મજબૂત હોય જેનામાં સ્થિતિસ્થાપકતા ન હોય.તેથી મગજના નાજૂક’ટીસ્યુ’દબાણને કારણે કામ કરતાં અટકી જાય.

તેને પરિણામે વ્યક્તિ મૃત્યુ પામે યા કોમામાં સરી જાય.અકસ્માત દરમ્યાન પહેલાં તે આગળ અને પછી પાછળ ફંગોળાયો હતો.રોહનને શરૂઆતના તબક્કામાં ખબર ન પડી પણ પછી તે કોમામાં સરી ગયો. રાજેશ” રોહનને લઈ ‘ચાર્ટર્ડ પ્લેનમાં ” મુંબઈ આવ્યો અને બોમ્બે-હોસ્પિટલમાં દાખલ કર્યો.આઠથી નવ કલાકનો સમય પસાર થઈ ગયો.

રોનક બે દિવસ પછી તેના માતા પિતા સાથે મળવા આવી. સ્કૂટર પરથી પડ્યા પછી તેને વાગ્યું હતું તેનો દુખાવો નહિવત થઈ ગયો હતો. તેને તો ચિંતા હતી ,રોહનની!હોસ્પિટલમાં તો માણસોનો મેળો ભરાયો હતો.જેને ખબર પડી તે બધા ખબર કાઢવા આવતા.સારું હતું કે ‘બોમ્બે હોસ્પિટલ’માં સાંજના ૪ થી ૭,લોકો આવી શકે.રોહનના માતા પિતા ખાસ કોઈને મળતા નહી.બેંગ્લોરથી રોહનના દાદા અને દાદી સમાચાર સભળી વિમાનમાં આવી પહોંચ્યા હતાં.

હાલત ખૂબ ગંભીર હતી.રોહન જીવન અને મૃત્યુની વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો.રાજેશ અને રીનાએ કમર કસી.
પાણીની જેમ પૈસા વહાવવાની તૈયારી બતાવી.દીકરા માટે દરેક માવતર જાન આપવા પણ તૈયાર હોય.ઓપરેશન થયું. લગભગ દસ કલાક ચાલ્યું.

કાંઈજ ખબર પડતી ન હતી કારણ ખબર હતી, રોહનને ગોવામાં ઓક્સિજન ખૂબ મોડો મળવાથી તેના મગજને અનહદ નુકશાન થયું હતું. રીના અને રાજેશ સાનભાન ગુમાવી બેઠાં હતાં.સારું હતું કે રીયા અને રોય ખડે પગે મમ્મી તથા પપ્પાનો ખ્યાલ રાખતાં અને ડોક્ટરો સાથે બધે પપ્પાની સાથે રહેતાં. રીનાએ કેટલી માનતા રાખી.નાના,નાની, દાદા,દાદી સહુ અવાચક થઈ ગયા હતા.

દાદીના કહેવાથી મૃત્યુંજયના પાઠ કરાવ્યા.ઘરના સર્વે સિદ્ધિવિેનાયક ૧૧ વખત ઉઘાડે પગે લીને દર્શન કરી આવ્યા.શું કરીએ તો રોહન પાછો ભાનમાં આવે અને હસતો ખેલતો થાય બસ એજ તમન્ના હતી.શ્રીનાથજીના મંદિરમાં રાજભોગ કરાવી પ્રસાદ ગરીબ બાળકોને પેટ ભરી ખવડાવી તેમની આંતરડી ઠારી.

રાજેશ અને રીના સાવ ડઘાઈ ગયા હતાં.એવી ઉલઝન વાળો કિસ્સો હતો જેમાં કાંઈજ સમજ ન પડે. રોય નો એક દોસ્ત અમેરિકામાં ‘ન્યુરોલોજીસ્ટ” હતો. તેને પણ બધી પરિસ્થિતિથી વાકેફ કર્યો.ડોકટરો સાથે તેને સીધો સંપર્કમાં રાખ્યો હતો જેથી થોડી રાહત લાગી.ડૂબતો માણસ તરણું ઝાલે’ઉક્તિ પ્રમાણે દોરા,ધાગા વિ.બધા પ્રયત્નો રીના આદરી રહી હતી.ડૉક્ટર અને નર્સ જ્યારે પણ ખબર આપે ત્યારે તેમની દાક્તરી ભાષા સમજવામાં તકલિફ પડતી. તેમની સાથેને વાતચીતથી સંતોષ થવાને બદલે વધારે ચિંતા થતી !

એમ. આર. આઈ કરાવ્યું.સી.ટી સ્કેન કર્યું.ત્રણ મોટાં ઓપરેશન થયાં.કોઈ ફરક નજરે જણાયો નહી.રીલીફ વાલ્વ પણ મૂકી જોયો જેથી મગજ પર આવેલું દબાણ કાબૂમાં આવે.જુવાન જોધ ‘રોહન’ ખાટલે પડ્યો હતો. કોઈ પણ દિશાએથી આશાનું કિરણ દૃષ્ટિ ગોચર થતું ન હતું. ઓપરેશન કર્યા પછી શું એ પ્રશ્ન ગહન હતો ?

રોહનના મગજને કેટલું નુકશાન પહોંચ્યું છે તે જાણવા ડૉક્ટરોએ આકાશ પાતાળ એક કર્યા.પરિસ્થિતિ વણસતી ન હતી એ શુભ સમાચાર હતા.કોઈ પણ ભોગે રોહન ‘જીવિત’ હતો એનાથી વધારે ખુશીના સમાચાર શું હોઈ શકે ! સુંદર દેખરેખ અને વહાલસોયા વાતાવરણમાં બે મહિના નિકળી ગયા.ડૉક્ટરોએ જણાવ્યું આ હાલ કેટલો વખત રહેશે તેને માટે કશું જ કહી શકાય તેમ નથી.

ઈલાજ ખૂબ લાંબો અને તેનું પરિણામ આવતાં ધિરજ ધરવી આવશ્યક હતી.રાજેશ અને રીનાએ ડૉક્ટર સાથે વાત કરી. ગયા અઠવાડિયે રોયનો મિત્ર અમેરિકાથી આવ્યો હતો.

તેનો અભિપ્રાય પણ એવો હતો કે’રોહનને’ઘરે લઈ જવો અને જરૂર પડ્યે ડૉક્ટરને વિઝિટ પર ઘરે બોલાવી તેની સાથે શું ઉપાય લેવા તેની વાટાઘાટ કરવી.જે સારવાર હોસ્પિટલમાં થઈ રહી છે તે ઘરે આપવી મુશ્કેલ ન હતી.

હોસ્પિટલના ૨૪ કલાકના નર્સ તથા વૉર્ડ- બોય ઘરે કામ કરવા તૈયાર હતા.રોહનને કશી જ જાણ ન હતી.તે ક્યાં છે થી માંડી શું ચાલી રહ્યું છે.કોઈ પણ વાતાવરણની અસર યા ગંધ સરખી તેને ન હતી.તે તો ખાટલે બેભાનપણે સૂતો હતો.શું ખબર પરીઓની દુનિયામાં વિહરતો હશે. બે મહિના સુધી ખાટલે હોસ્પિટલમાં હતો. સારામાં સારી દેખરેખ અને મોંઘાદાટ ડોક્ટરોની અવરજવર કાંઈ ફરક પડ્યો નહી. અંતે નિર્ણય લીધો કે ઘરમાં તેની બધી સગવડ સચવાય તે પ્રમાણેની સારવારની વ્યવસ્થા કરવી.

રોહનના કમરાની સિકલ ફરી ગઈ. જેનાથી રીના પોતાના દીકરાની સરસ દેખભાળ કરી શકે.રોજના હોસ્પિટલના ચક્કર બંધ થાય. રોહનને મનગમતાં ફળોનાં રસ,સૂપ, વિ.બનાવી તેની સાર સંભાળ સારી રીતે કરી શકે. રોહનને તો કશી જ ખબર નહતી.

આજે રોહન ઘરે આવ્યો.રીયા, રાજેશ અને રીના ખુશ હતા.ગોવા જવા માટે નિકળ્યા પછી આજે દીકરો ઘરે પાછો આવ્યો હતો!

રોહનના અકસ્માત પછી તેની દુનિયામાં ખાસ ફરક પડ્યો ન હતો.અનજાણ રોહન કશું જ સમજી શકવાની હાલતમાં ન હતો. રીના અને રાજેશની દુનિયામાં ભયંકર ભૂચાલ આવ્યો કળ ક્યારે વળશે તેની જાણ માત્ર ઉપરવાળાને ખબર હતી.રીયા અને રોય સમજી ન શકતા કે શું આ ખરેખર હકિકત છે. નાના અને નાની, દાદા અને દાદી સ્તબ્ધ બનીને સત્ય સ્વિકારવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં.સહુની વાચા હરાઈ ગઈ હતી.આંખોનું નૂર ઉડી ગયું હતું.સત્ય આંખ સામે નગ્ન દશામાં તાંડવ ખેલી રહ્યું હતું.નિરાધાર દશામાં ડૉક્ટરોને સહારે જીવી રહ્યા હતા.કશું જ કરી શકવાની અસમર્થતા હૈયુ કોરી ખાતું હતું. લાચારીનું સામ્રાજ્ય ફેલાયેલું જોઈ અંતર વલોવાતુ હતું. બસ હવે ધિરજ ધરવાની અને પ્રાર્થના કરવાની!

ઘરમાં આગમન  પ્રકરણ   9
-===================-
રીનાએ કંસાર રાંધ્યો. હા, રડતે મુખે બધાએ પ્રસાદ લીધો અને શ્રીજીબાબાને વિનંતી કરી રોહનને જલ્દી સાજો કરે.જો કે એ કોઈના હાથની વાત ન હતી.” શ્વાસ છે ત્યાં સુધી આશ છે!” દવામાં તો ખાસ કંઈ નવિન લેવાની ન હતી પણ તેની સરવાર માટે ‘ફિઝિકલ થેરપિસ્ટ’ દરરોજ આવતો.સવાર અને સાંજ બે કલાક તેનું સેશન ચાલતું.

રોહન કશું જ કરી શકવા માટે અશક્તિમાન હતો.અરે, હજુ પોતાની મેળે શ્વાસ પણ લઈ
શકતો નહી. પ્રવાહી ખાવાનું નળી વાટે આપવાનું . જો ડોક્ટર આવે અને સઘળું બરાબર ન લાગે તો તેને ગ્લુકોઝના બાટલા પણ આપવા પડતાં.

ઘરમાં ૨૪ કલાક બે માણસો રાખ્યા જેથી રોહનને કશી વાતની તકલિફ ન પડે. મારૂતિ અને રમા બંને હોસ્પિટલમાં પણ તેની કાળજી કરતાં હતાં.જુવાન રોહનની આવી હાલત જોઈ તેમનું હૈયું હચમચી ગયું હતું. ખૂબ પ્રેમ અને લાગણી પૂર્વક તેનું બધું કામ કરતાં. રોહનને ઘરે લાવ્યા પછી રીના ખૂબ પડી ભાંગી.આટલા દિવસ હોસ્પિટલમાં હતો, રોજની અવર જવરમાં તેને વિચારવાનો સમય ક્યાં મળ્યો હતો?આ એ જ ઘર હતું એ જ રોહનનો રૂમ પણ રોહન ક્યાં?

હા, તેનું સ્થૂળ શરીર જરૂર ખાટલામાં પોઢ્યું હતું પણ રોહન સંપૂર્ણ પણે અનજાણ.

રીના, “હેં રાજેશ રોહન ક્યારે ભાનમાં આવશે?”

રાજેશ,” રીના પ્રિયે, જેટલી તને ખબર એટલી મને ખબર”.રાજેશ પણ યુવાન દીકરાની આ હાલત જોઈ પરેશાન હતો.રીના તો રડીને પોતાનું દુઃખ હળવું કરી રહી હતી.એ કોને કહે? રીનાને , પણ તેથી શું તેનું દુઃખ હળવું થશે ? અરે, રીનાનું દુઃખ વધશે.

રાજેશે ઝેરના ઘુંટડા ગળવામાં જ સહુની ભલાઈ ભાળી.કાંઈ પણ બોલ્યા ચાલ્યા વગર બસ દરેકને સાંત્વના આપતો અને ઈશ્વરને પ્રાર્થના કરતો.રાજેશને માટે તો અનેકગણી જવાબદારીઉઠાવવાનું ભગીરથ કાર્ય નજર સમક્ષ ડાચું ફાડીને ઉભું હતું. રાજેશની હિમ્મત અને રીનાનોપ્યાર ભર્યો વર્તાવ આ સંજોગોમાં આશિર્વાદ રૂપ પૂરવાર થયા હતા.

સવારથી રોહન માટે જ બધી તૈયારી ચાલતી. ઘરમાં બે વ્યક્તિ તેની દેખરેખ રાખવા માટે હતા તેથી સવાર સાંજ પાંચ માણસ અને ઘરમાં કામ કરવાવાળી બાઈ, કપડાં, વાસણ માટેનો એક માણસ. કિંતુ રીના મુખ પર સદા સ્મિત રેલાવતી. દીકરો જે ઘરે આવ્યો હતો!

ઈશ્વર જ્યારે જીવનમાં કપરા દિવસો દેખાડે છે ત્યારે સાથે સાથે સહન કરવાની શક્તિનું પણ પ્રદાન કરે છે. તેના રાજ્યમાં જરા પણ આંધાધુંધી પ્રવર્તતી નથી.સ્વાર્થમાં ગળાડૂબ માનવ હંમેશા પ્રભુને દોષિત ઠરાવે છે.જે સત્યથી જોજન વેગળું છે.રીના અને રાજેશ, રોહન જીવિતછે તેનાથી ખુબ ખુશ હતાં.તેના પોતના રૂમમાં,મનગમતા પલંગ ઉપર તેથી વધું શું જોઈએ? સંપૂર્ણ ધિરજ રાખીને તેની સારવારમાં મશગુલ રહેતાં.

આજકાલ કરતા ઘરે આવ્યે છ મહિના થઈ ગયાં. જ્યારે અચાનક તેની તબિયતમાં ફરક જણાતો ત્યારે ડૉક્ટરોની વણઝાર ચાલુ થઈ જતી.હોસ્પિટલમાં’ચેકઅપ’માટે લઈ જતાં તકલિફ જણાતી પણ તેથી શું ફરક પડે છે?

ઘણીવાર તેમને થતું ‘હે પ્રભુ આ બાળક તારે શરણે છે’ બસ તેને દુખ ન પહોંચે તે જોજે.અમને સદાય ધિરજ આપજે જેથી તેની સારવારમાં કચાશ ન રહે.’

દાદા અને દાદી ધિરજ બંધાવી પાછાં બેંગ્લોર ગયા.અંહી રહી તેમને વધારે મુશ્કેલીમાં મૂકવા માગતા ન હતા. નાના અને નાની ખડે પગે હોસ્પિટલમા સાથે હતા અને ઘરે આવ્યા પછી દરરોજ દિવસનો એક આંટો જરૂર મારતા.તેમનો જીવ કળીએ કપાતો કિંતુ લાચાર હતા.

નાના જ્યારે આવે ત્યારે ફળોનો કરંડિયો લેતા આવે.નાની શાકભાજીનો થેલો ભરીને આવે જેથી બેટી રીનાને રાહત રહે.રોહન આખો દિવસ ખાટલામાં હોવાથી તેનું શરીર બેહદ ન વધી જાય તેનું રીના ચોક્કસ પણે ધ્યાન રાખતી.સવાર સાંજ ફળ અને શાકભાજીના રસ પિવડાવવા,જાતજાતના સુપ બનાવવા આખો દિવસ અને રાતભર રોહનના વિચારોમાં મગ્ન.”ક્યારે મારો રોહન સાજો નરવો, પગભેર થઈ કોલેજ જાય.”

આ સપનું તો ઘણું દૂરનું હતું.હાલમાં તો તેનો નિત્ય ક્રમ સરસ રીતે ગોઠવ્યો હતો.સવારના પહોરમાં મારૂતિ એને બ્રશ કરી મોઢું સાફ કરે.રીના એ સરસ મજાની આદુ,એલચી,ફુદીનો અને સરસ મસાલાવાળી ચા બનાવી હોય તે નળી વાટે પિવડાવે. હમણાં તો રોહન માત્ર પ્રવાહી જ લઈ શકતો હતો.

મારૂતિને રોહન પોતાના બાળક જેવો લાગતો.રમા તેના કપડાં સાફ કરવાના હોય અથવાતો તેને પંપાળવાનો હોય તે સઘળું પ્રેમ પૂર્વક કરે અને ૨૪ કલાક ખ્યાલ રાખે. રોહન પરાણે વહાલો લાગે તેવો હોવાથી બંને જણ દિલોજાનથી તેને ચાહવા લાગ્યા હતાં.વારાફરતી પોતાનો સવારનો નાસ્તો કરવા જાય જેથી રોહન પળવાર પણ એકલો ન હોય.

રમા એકલી હતી.ઘણા વર્ષો પહેલાં તેનો વર બીજીના લફરામાં તેને છોડીને જતો રહ્યો હતો.બે બાળકો હતા.રમા નર્સિંગનું ભણી બંને બાળકોને ભણાવી ગણાવી પરણાવ્યા.રમાની મહેનત દીપી ઉઠી બાળકો તેમના સંસારમાં સરસ રીતે ગોઠવાયેલાં હતા. કામ વગર તેને ગમે નહી તેથી આ નોકરી તેને ફાવી ગઈ.રમાને બાકી જીંદગી એકલાં ગાળવાની હતી તેની ખબર હતી.દીકરી તેના ઘર સંસારમાં અને દીકરો તેના ઘર સંસારમાં ગળાડૂબ હતા. ઘણીવાર રમાને થતું
તેનું કોણ? અંતરાત્મામાંથી જવાબ મળતો. “ઈશ્વર”.

આ દુનિયામાં જે પતિ પર વિશ્વાસ મૂક્યો હતો, જો તેણે વિશ્વાસ ઘાત કર્યો, તો હવે શામાટે કોઈની પણ આશા રાખવી? હા, માનવ સ્વભાવને કારણે કોઈક વાર ઓછું આવી જતું પણ સ્વયં પર કાબૂ લાવી વિચારો બીજી દિશામાં વાળતી. અંતે તેને પ્રભુ શરણમાં શાંતિ લાધતી.તેને ખબર હતી આ, જીંદગી જીવવી તો પડશે ? બીજો કોઈ ઈલાજ નથી. તો પછી શામાટે કામકાજમાં વ્યસ્ત ન રહેવું? બની શકે તેટલા સત્કાર્ય કરવા. રોહનની દશા જોઈ તેને નરીના
અને રાકેશ પ્રત્યે ખૂબ અનુકંપા જન્મી હતી. તેનો સ્વભાવ જ લાગણીશીલ હતો.

કોઈનું દર્દ જોઈ તેનું હૈયું દ્રવી ઉઠતું.રોહનની હાલત જોઈ તેને થયું આ નોકરી લાંબી ચાલશે આમ પણ ઘરમાં એકલી હતી.રીનાને ધિરજ બંધાવાનું કામ પણ આસાનીથી કરતી.રમાને રોહન ઉપર અંતરથી પ્રેમ સ્ફૂર્યો હતો. જુવાન જોધ છોકરો અકસ્માતમાં સપડાયો હતો.તેની દિલ દઈને સેવા કરતી.પૈસા મળતા તે ગૌણ હતા. તેનું અંતર કકળી ઉઠ્યું હતું.રોજ પ્રભુને પ્રાર્થના કરતી ‘રોહન’ જલ્દી સાજો થાય.પણ શું આ શક્ય હતું? રોહનની ઈજા કળી શકાય તેવી ન હતી.કોને ખબર હતી આમને આમ રોહનના પથારીમાં કેટલા વર્ષ નિકળશે?

કહેવાય છે,’ જ્યાં દવા કામ નથી કરતી ત્યાં દુઆ કામ કરેછે.’ માત્ર ધિરજ ધરવાની અને પ્રભુને વિનંતિ કરવાની જરૂર હોય છે.

રીનાની સવારથી સાંજ ક્યાં થઈ જતી ખબર જ પડતી નહી. તેના મગજમાં એક જ ધૂન સવાર હતી.”ક્યારે, મારો રોહન હરતો ફરતો થાય.”સવારથી રોહનને માટે તાજાં ફળોનો રસ કાઢવો,સૂપ બનાવવા.રોહનને ભાવતી ભાતભાતની અને જાતજાતની વાનગીઓ બનાવી તેને જ્યુસના રૂપમા ફેરવવાની.રોહને આંખ પણ ખોલી ન હતી. ચાવીને ખાઈ પણ શકતો નહી. નળી વડે મારુતિ ખવડાવતો.જો મારુતિ બીજા કામમાં રોકાયેલો હોય ત્યારે રમા તેને ખૂબ પ્રેમથી જાણે પોતાના દીકરાને ન ખવડાવતૉ હોય તેમ નળી વાટે ખવડાવતી.

રીનાને ખૂબ મન થતું પોતાના લાલને ખવડાવવાનું પણ નર્સ હોવાને નાતે રમા કરે તે તેને વધુ યોગ્ય લાગતું..કદાચ પોતાનાથી બરાબર ખ્યાલ ન રાખી શકાય તેનો હંમેશા ડર લાગતો. માનું હ્રદય હતું. ગમે તેટલું કઠણ કાળજું રાખે ક્યારે રડી પડાય તે કહેવાય નહી. બધાની સામે રડી નબળાઈ છતી ન થાય તેનું ધ્યાન રાખતી.

મારુતિ અને રમાને હવાલે રાજેશ અને રીનાએ નિષ્ફિકર બની ‘રોહન’ સોંપ્યો હતો.તાળી બે હાથે વાગે.રીના બંનેને ખૂબ સારી રીતે સંભાળતી.જેથી તેઓ ખૂબ સુંદર દેખરેખ રાખતા.જ્યારે ‘ફિઝિકલ થેરપિસ્ટ ‘ આવે ત્યારે રીના ને રૂમમાં રહેવાની પરવાનગી ન હતી. ગમે તેમ તો એ’મા’ હતી.અમુક વસ્તુઓ તે જોઈ ન શકે તેથી બારણું બંધ કરી તેની સારવાર થતી. વળી પાછું એક દિવસ નરમ તબિયતને કારણે ‘મગજના’ ઓપરેશનનો પ્લાન થયો.

રોહનને પાછો પંદર દિવસ હોસ્પિટલમાં રાખવો પડ્યો.બધી ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલમાં રહેવું સગવડ ભર્યું પડે. રોહનને રોજ લાવવો અને લઈ જવો એ જરા કઠીન હતું. પંદર દિવસ શાંતિથી રહી, સઘળી ટેસ્ટ કરાવી રિપોર્ટ લઈ ઘરે પાછો લાવ્યા.નાનું એવું ઓપરેશન ડોક્ટરોને જરૂર લાગી તેથી કરાવ્યું.

આ્જે રોહન ઘરે આવ્યો.ઓપરેશનથી થોડો ઘણો ફરક પડયો. રીના રાજી થઈ,દીકરો ઘરે આવે ત્યાર કયા માતા પિતા રાજી ન થાય? રોજ સવારે ભગવદ સ્મરણ કરવા જાય ત્યારે આશા રાખે ‘આજે મારો દિકરો જવાબ દેશે પણ નિરાશા સાંપડે.

કોને ખબર ક્યારે જવાબ દેશે? ધિરજ ભરેલી, સદા મુખ પર હાસ્ય રેલાવતીરીના દિકરાને આવી હાલતમાં જોઈ અંદરથી દુખી થતી પણ કદી દેખાડતી નહી. તે જાણતી હતી કે જો પોતે ઢીલી થશે તો રાજેશના કેવા હાલ થશે!ખરું પૂછો તો બંને એકબીજાની ચિંતા વધારેકરતા હતા.

એમ કરતાં સાત મહિના થઈ ગયા,ડોક્ટરોની દોડધામ રોજ નવા રિપોર્ટ પણ સુધારો ધીરો છતાં સતત દેખાતો.રાજેશ નાની ઉમરમા મહેનત અને સારી દાનતને કારણે બે પાંદડે થયો હતો. ધંધામાં તકદીરે યારી આપી હતી.અગમ બુદ્ધિ વાણિયાની માફક પૈસા કમાતો જાય ધંધો વધારતો જાય અને જ્યાં સારું વળતર મળે એવે ઠેકાણે રોકતો જાય.કૂદકે અને ભુસકે વધતી મોંઘવારીને કારણે સારે ઠેકાણે રોકેલા પૈસા ઉગી નિકળ્યા હતા.વાણિયાનિ દિકરો પૈસા કમાય એટલે ધંધો વધારે અને જેમાં વળતર સારું મળે તેમાં ઝંપલાવે.કાલની કોને ખબર હોય છે?કદાચ એટલે જ નસિબે નાની ઉંમરમાં યારી આપી હશે !રીના પણ પોતાનાં ઘરેણાં ખરીદવાનાં શોખ પૂરા કરતી હોવાથી તેને કોઈ વાતનો અફસોસ ન હતો. હતી તો માત્ર હૈયે એક જ ધગશ ‘મારો દીકરો ક્યારે પાછો હરતો ફરતો થાય?

રોહનના અકસ્માત પહેલાંના ૨૫ વર્ષ ખૂબ સુંદર રીતે સહુ જીવ્યા હતા. દીકરી રીયાને પણ રોય સાથે ધામધુમથી પરણાવી હતી. લગ્નની ૨૫મી વર્ષગાંઠ વખતે રોહન, રીયા અને રોયે રંગ રાખ્યો હતો.

માનવ કરતાં કુદરત ઘણી સમજદારી પૂર્વક વર્તે છે. જગ્યાઓમાં અને ધંધામાં પૈસા સારું વળતર બતાવતા.જેથી રોહનની તજવીજમાં કોઈ કમી ન જણાતી.રીના પણ “એક રૂપિયાના ત્રણ અડધા લાવે તેવી ઘરરખ્ખુ ગૃહિણી પૂરવાર થઈ.’રાજેશ અને રીનાએ રોહનની સારવાર કરવામાં જરા પણ ઉણપ વરતાવા ન દીધી.

રોહનને ક્યાં કોઈ ફરક પડતો હતો?તેને ક્યાં ભાન હતું કે તે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.કર્મ કરવાનું મનુષ્યના હાથમાં છે.કોઈ પણ કર્મ ફળ આપ્યા વગર શાંત રહી શકતું નથી. મોટે ભાગે રીના ઘરમાં રહેતી હોવાથી “ગીતા”નો અભ્યાસ ચાલુ કર્યો હતો.જેના કારણે તેના વિચાર અને આચરણમાં ઘણું પરિવર્તન જણાતું.રાજેશને પણ રાતના સમયે સમજાવવામાં સફળતા મેળવી રહી હતી. બંને પતિ પત્ની એક બીજાના પૂરક થઈને આવેલ સમયમાં શક્તિ કેળવી શકતા. એક બીજાને હિંમત આપતાં. જો કદાચ બીજી વ્યક્તિ ઢીલી થાય તેનું સહ્રદય પૂર્વક નિરિક્ષણ કરતાં અને ટેકો બનતાં.

દીકરી રીયા ઘણી સમઝુ હતી.રોય જેમ પોતાની મમ્મીની કાળજી કરતો તેવી રીતે પપ્પા રાજેશ સાથે ખભે ખભો મિલાવી તેની પડખે રહેતો.વહાલેરા ભાઈ રોહનની હાલત ખૂબ દુઃખદાયક હતી.

રવીવારની સાંજ હતી બધા બાલ્કનીમાં બેઠાં હતાં.રોહન ભલેને બોલે કે ચાલે નહી પણ તેની હાજરી ખૂબ સુખપ્રદ જણાતી. જાણે સમજતો નહોય ? વાતોનું કેંદ્ર હંમેશા રોહન બની જતો.તેના મુખ પરથી એવું જણાતું જાણે તે બધું સમજે છે.કોઈ પણ પ્રત્યાભાવ આપવા રોહન અસમર્થ હતો તે સહુ જાણતા. જ્યારે હસતો યા કિસ આપવાની ચેષ્ટા કરતો ત્યારે રીના આનંદથી ઝુમી ઉઠતી.પળભર વિસરી જતી હતી કે રોહન આ બધું સમજવા કે તેનો જવાબ આપવાની ક્ષમતા ધરાવતો નથી.છતાં પણ આંખનો પલકારો તેને મન પૂરતો હતો.

ડોક્ટરો પણ બધું સમજાવવા અશક્તિમાન હતા.બસ એમ લાગતું કળિયુગમાં પ્રભુ કોઈ ચમત્કાર કરે! પણ શું તે બનવું રોહનના કિસ્સામાં શક્ય છે? ડોક્ટરો વિના સંકોચે કહેતાં અમે પ્રયત્ન કરીએ. અંતે માત્ર માનવ છીએ ભગવાન નહી.અંતે શરણું તો તેનું જ કોઈ શંકા વગર સ્વિકારવું રહ્યું.માત્ર તેનો આશરો રોહન સાથે સહુને તારશે!

રોનકની કફોડી હાલત   પ્રકરણ  10
=================

રોનકને ભાન આવ્યા પછી એક વાર રોહનને મળવા હોસ્પિટલમાં ગઈ હતી. હજુ તેનું દિમાગ કબૂલ કરતું ન હતું કે આ શું થઈ ગયું? ગોવાનો મઝેદાર દરિયો. બીચ ઉપર બધા મિત્રોએ કરેલો બિનદાસ આનંદ. રોહન સાથે માણેલી ગોવાની ચાર દિવસની છૂટ્ટી ફેની પીને ડાન્સ ફ્લોર પર મચાવેલી ધુમ.રોહન અને રોનક પરીઓના દેશમાં વિહરી રહ્યા હતાં.ભણવામા એવા મશગુલ હતા કે મીઠી વાતો કરવાનો સમય ન હતો.

અરે, રોનકની રોહનના માતા પિતા સાથેની મુલાકાત પણ હજુ ગોઠવાઈ ન હતી. ગોવાથી પાછા ફર્યા પછી સહુ પ્રથમ રોહનના માતા પિતાને મળવાનું હતું. રોનકે તેમની ખૂબ વાતો સાંભળી હતી.પ્રત્યક્ષ મળી તેમના આશિર્વાદ લેવા હતાં. ત્યાં અચાનક આ શું થઈ ગયું?

હે,’રોહન શામાટે મને હેરાન કરે છે? હું તારી મમ્મીને બધું જ કહી દઈશ’.રોનક ઉંઘમાં
બોલી રહી હતી.

રોહન,’હા,તારે જે ફરિયાદ કરવી હોય તે કર. મારી મમ્મી તારો જ પક્ષ લેવાની મને ગળા સુધી ખાત્રી છે.મમ્મી બરાબર જાણે ને તેના રોહનને’ કંઈક અવળચંડાઈ કરી હશે !’

રોનકઃ’અરે,જ્યારે તું બાટલીથી દૂધ પીતો હતો તે અને આજે તું બીજી જાતની વિદેશી બાટલીથી બિયર પીએ છે.એ બંને રોહનમાં આસમાન જમીનનો તફાવત છે. તારી મમ્મી એ બરાબર જાણે છે.

રોહનઃ” હું તને ખુશ રાખવાનો જેટલો પ્રયત્ન કરું છું તે તને ઓછો જ પડે છે!”‘જા તારાથી થાય તે કરી લે હું તો આ લાંબો થઈને સૂતો !’

રોનક,’એય,રોહન ચાલ પકડી આપે તો એક ગાલ ઉપર વહાલથી—- આપીશ.’

રોહન, ‘ જો ગાલ ઉપર આપવાની હોય તો હું મહેનત નથી કરતો. બાકી ચપટી વગાડતામાં તને પકડી આપું પણ શરત એટલી કે તારે ગાલ ઉપર નહી પણ મારા આ હોઠ ઉપર આપવી પડશે-‘—પપ્પી.હા, હા, હા.

રોનકઃ”અત્યારે તો એ નામુમકીન છે.જલ્દી જલ્દી ઘોડે ચડીને આવીશ અને મને પ્યારથી ડોળીમાં બેસાડીને લઈ જઈશ તો પછી જરાય આનાકાની નહી કરૂં, મારા રાજ્જા !”

રોહનઃ ‘ તો આ લે કંકોત્રી તારી પસંદની છપાવવી છે એટલે નમૂના લઈને આવ્યો છું.’

રોનકઃ ‘તું તો છૂપો રૂસ્તમ નિકળ્યો’.

રોહનઃ ‘હજુ તેં મારા બધા ચરિત્ર ક્યાં નિહાળ્યા છે.’ લગ્ન કરીને તને લઈ જઈશ પછી જોજે મારી અવનવી રીતો.’તને હું ખૂબ પ્યાર કરીશ’.હૈયે કોતરી રાખજે તારો સંપૂર્ણ પ્યાર પામીશ.’

રોનકઃ’હું તો તારી જ છું. તને ખૂબ પ્રેમ આપીશ. તારા મમ્મી પપ્પાને પણ આદર અને પ્રેમ આપવામાં જરાય પાછી પાની નહી કરું.

રોહનઃ ‘ચાલ હવે બહુ થયું હું જાંઉં.’

રોનકઃ ‘હવે પાછો ક્યારે મળીશ.”

સ્વપનામાં મહાલતી રોનક, રોહનને જોર જોરથી આવજો કહી રહી હતી.

ગીતા, રોનક બેટા કોને આવજો, આવજોની બૂમ પાડે છે.’

રોનકઃ ઉંઘમાં ‘મમ્મી,રોહન જાય છે તેને આવજો કહીને એક મિનિટમાં આવું છું’

ગીતા, રોનક, બેટા જાગ સવાર પડી.

મમ્મીઃ તું કેમ સમજતી નથી, રોહન જતો દેખાય ત્યાં સુધી મારી ઉભા રહેવાની ટેવ શું
તને ખબર નથી?’

ગીતાઃ બેટા, તું શું કહે છે ? ઉઠ, રોહન આજે નવ મહિનાથી તને ક્યાં મળવા આવ્યો છે?

રોનક ચમકી, એકદમ સફાળી પથારીમાં બેઠી થઈ ગઈ અને હિબકાં ભરીને રડવા લાગી.

મમ્મીઃ’ તું શું વાત કરે છે. હમણાંતો હું તેને બારણામાં વળાવીને આવી. મમ્મી આજે તેના
હાથમાં શું હતું તું જાણીશ તો તારા માનવામાં નહી આવે?’

મા, આજે તે ‘લગ્નની કંકોત્રીના નમૂના લઈને આવ્યો હતો. મને કહે કે, તું સુંદર,તારી પસંદગી અદભૂત.તારી મનગમતી કંકોત્રી મને બતાવ.હું મારી મમ્મીને કહીશ મને આ પસંદ છે. બોલ રોનક તારી પસંદ એ મારી પસંદ સાચી વાત ને ? કહી રોહને મજાનું આલિંગન આપ્યું.’

ગીતાબહેન પાસે આનો જવાબ ન હતો. રોહન રોજ રોનકના સ્વપનામાં આવતો.તેમના વચ્ચેની વાતો રોનક મમ્મીને સંભળાવતી. ગીતા બહેનથી દીકરીની આવી હાલત જોવાતી ન હતી પણ લાચાર હતા.

કઈ રીતે રોનકને સમજાવવી.ગીતા અને ગૌતમ બંને જણ ખૂબ ચિંતામાં જણાતા હતા.રોનક માત્ર એક જ વાર રોહનને જોવા ગઈ હતી.રોહનના માતા પિતા શું કરે? રોનકને જોઈ ખુશ થઈ આશિર્વાદ આપે કે તેને ગળે લગાડે!’

રોહનને પથારીમાં આવી હાલતમાં જોઈ તેનું હૈયું ધડકવાનું ભૂલી ગયું. તે પથ્થરશી ત્યાં ઉભી રહી. સારું હતું કે ગીતા અને ગૌતમ દીકરીની સાથે હતા. ખૂબ પ્યારથી સમજાવીને રોનકને લઈને ઘરે આવ્યા.

ત્યારની ઘડીને આજનો દિવસ,રોનક ફરી રોહનને મળવા ન હોસ્પિટલ ગઈ કે ન ગઈ કદી તેને ઘરે. રોહન રોજ તેને સ્વપનામાં આવતો. ખિલખિલાટ હસાવતો અને ખોબલે ખોબલે પ્યારની વર્ષા કરતો. તેના પ્યારમાં ભિંજાવાની રોનકને ખૂબ મજા આવતી.

રોનકને ભાન જ ન હતું કે રોહન પથારી વશ છે.નથી આંખ ખોલતો કે નથી કોઈને ઓળખતો! રો્નક રોજ રાતના રોહનના સ્વપના જોતી અને તેની સાથે મોજ માણતી.

ગોવાથી આવ્યા પછી ૨૪ કલાક ગોવાની વાતો કરતાં થાકતી નહી.પરીક્ષા આપીને ફરવા ગયા હતાં.એટલે ભણવાની કોઈ લમણાઝીક હતી નહી.દિવસ આખો તૈયાર થઈ ગાડીમાં ડ્રાઈવર સાથે ફરવા નિકળતી.તેને લાગતું રોહનને તેને ઘરેથી લઈ બંને જણા ફરવા નિકળ્યા છે.લગ્ન કરતાં પહેલાં રોહનને ખૂબ નજદિકથી જાણવા, તેના હૈયામાં સમાવવા અવનવા સવાલો પૂછતી. તેની આદતોથી માહિતગાર થતી. પોતે જ સવાલ પૂછતી અને હસી હસી ને જવાબ આપતી.

અરે,તેની ગાડીનો ડ્રાઈવર પણ ‘રોનક બિટિયાની’ આ હાલતથી પરેશાન થયો હતો. તેને ખૂબ લાગણી પૂર્વક બધે લઈ જતો. નાનપણથી મોટી થઈ ત્યારથી જ આ ડ્રાઈવર ખાસ રોનકનો હતો.ખૂબ વિશ્વાસુ જાણે ઘરનો સદસ્ય ન હોય !નાનપણથી રોનકને બધે લઈ જવાની જવાબદારી તેના શીરે ગીતા અને ગૌતમભાઈએ સોંપી હતી.

રોનક, રોહન સાથે નથી એ માનવા જ તૈયાર ન હતી ગીતા બહેન કાંઈ પણ કહેવા જાય કે તરત જ ” મમ્મી, એવું ન બોલ ને ! રોહનને નહી ગમે; મમ્મી હું અને રોહન હજુ બારેક મહિના ફરીશું.મઝા કરીશું પછી લગ્નની વાત.’ કહીને એવું શરમાઈ જતી કે ગીતા બહેન તેને કાંઈ કહી શકતા નહી.

ગૌતમ અને ગીતા બંને જાણતા હતાં કે રોનક માનવા જ તૈયાર નથી. રોનકને તેની શમણાંની દુનિયામાં આનંદ લુંટવાની આદત પડી ગઈ છે. જરા પણ રોહનની વાત કાઢે કે તરત જ “હેં,મમ્મી શામાટે પરણવાની ઉતાવળ કરે છે? રોહનને જરા પગભર થવા દો ને ! હું તો પપ્પાની ફેક્ટરીમાં કામ કરવાની છું.રોહન સ્થાયી થાય પછી પરણશું !

ગીતા અને ગૌતમ બંને જાણતાં હતાં કે રોહન, હજુ આંખો પણ ખોલતો નથી! ખોરાક પ્રવાહી નળી વાટે માણસો દ્વારા લે છે! એમની અર્ધ પાગલ, રોહનના પ્યારમાં ગળાડૂબ દીકરી રોહન સાથે સંસાર માંડવાના સ્વપના સજાવી રહી છે.’ રોનક સ્વપના સજાવી રહી હતી કે પછીપાગલ થઈ ચૂકી હતી. તેની માનસિક સમતુલા કઈ દિશા તરફ વળી ચૂકી હતી તે કળવું મુશ્કેલ હતું ?

રીના પોતાનો ‘કનૈયા કુંવરને’ ભાનમાં આવવાના ઇંતઝારમાં દિવસ રાત તેની પાછળ મંડી પડી હતી.ગીતા’લાડકવાઈ કુમળી ગુલાબ સમાન દીકરીને સમજાવવાનાં ઠાલા પ્રયાસ આદરી રહી હતી.એક માનો’વહાલસોયો’ દીકરો જ્યારે બીજી માની ‘તુલસી ક્યારા’સમાન પવિત્ર લાડલી દીકરી. કેવું ભાવિ,બંનેને નિરાધાર કરી તમાશો નિહાળી રહ્યું હતું. બંને જણા અનજાણ હતા ‘કાલે શું થશે.? માત્ર પ્રયત્ન નિઃસ્વાર્થ પણે કરી રહ્યા હતા.કોનું દુખ પારાવાર હતું તે કળવું મુશ્કેલ હતું.

આજે સવારના રોનક ઉઠી, તૈયાર થઈ અને એકદમ ચીસ પાડી.’મમ્મી તને કેમ ખબર પડતી નથી, આજે મારે સવારે વહેલા નિકળીને એરપોર્ટ જવાનું હતું,’

ગીતાઃ ‘ કેમ બેટા આજે શું છે?’

રોનકઃ ‘મમ્મી, આજ કાલ તું બધું ભૂલી જાય છે.આજે હું, રોહન અને વર્ગના મિત્રો ગોવા
જઈએ છીએ.’

ગીતા, સમજી ગઈ પાછું ‘રોનકના મન પર ગોવાનું ભૂત સવાર થયું છે.’પાછી ગાડી અને ડ્રાઈવર લઈને એરપોર્ટ જશે.રોહનને ત્યાં નહી જુએ એટલે રડશે અને ડ્રાઈવર તેને પાછો ઘરે લાવશે !આવી રીતે જાય ત્યારે એકલી જ જાય. મમ્મી કે પપ્પા કોઇ સાથે ન જોઈએ.

આવા સમયે ગીતા શાંત થઈ જતી. કાંઈ પણ બોલ્યા ચાલ્યા વગર રોનક જે કહે તે સાંભળી લેતી.દીકરીનું આવું દુઃખ કઈ’મા’સહન કરી શકે! ડોક્ટરોને પૂછી પૂછીને થાકી. એક જ જવાબ મળતો, સમય વિતશે અને રોનક ભૂલી જશે. પણ ક્યારે?

મોટો મસ પ્રશ્ન ઘુરકિયા કાઢી રહ્યો હતો ?

દિલ પર લાગેલી ચોટ દેખાય નહી. અરે લોહી પણ નિકળે નહી. છતાં એવી ગહરી હોય કે તેનો અંદાઝ લગાવવો મુશ્કેલ બની જાય.ગીતા અને ગૌતમ વિચારવા લાગ્યા દીકરીને લઈને સ્વિટ્ઝરલેંડ ફરી આવે.લગભગ વરસ થવા આવ્યું હતું. બંને ભાઈ અને ભાભી પણ રોનકની આવી હાલત જોઈ શકતા નહી.કહે, અરે લાખો રૂપિયા આપી દઈએ જો રોહન સાજો થતો હોય તો !

એ સનાતન સત્ય છે.પૈસાથી બધું ખરીદી શકાતું નથી.માનવી જ્યારે બધું સીધું ચાલતું હોય ત્યારે હંમેશા એમ વિચારે છે,’પૈસા છેને મારે ક્યાં કોની પરવા છે.’કિંતુ જ્યારે અણધારી મુસિબત આવે છે ત્યારે નાસીપાસ થઈ પૈસાની વ્યર્થતા સમઝે છે.હા એ પૈસો તેને મુસિબતનો સામનો કરવામાં સહાય કરે છે તેમાં બે મત નથી.

રોનકને કેવી રીતે સમજાવવી?તેના પાગલપણાને હકિકતથી કેવી રીતે તેનો મેળાપ કરાવવો?

ગીતા અને ગૌતમ થાકી ગયા હતાં.દીકરી પરેશાન હતી તેનું દુખ,ઉપરથી તે માનવા જ તૈયાર ન હતી કે રોહન હજુ કોઈને પણ ઓળખવા માટે શક્તિમાન નથી. આંખ ખુલ્લી છે, પણ શું નિહાળે છે તે રોહન શું ડોક્ટરોને પણ ખબર નથી.

એવી કોઈ જાદુની લાકડી કે જાદુઈ ચિરાગ હાજર ન હતા જે તેના રોહનને સડાક દઈને ઉભો કરી દે!ઘરનાં સહુ તેને ખુશ રાખવાના બધા પ્રયત્નો કરી ચૂક્યા પણ પહેલાં પ્રેમમાં પાગલ ‘રોનક’ ક્યાં કશું સાંભળવા કે માનવા તૈયાર હતી!

સ્વિટ્ઝરલેંડ જવાની તૈયારી થઈ ચૂકી.રોનકને બરફ પડતો જોવો ખૂબ ગમતો.પેરિસ પણ ફરવા જવાનું નક્કી કર્યું. રોનક કઈ રીતે પાછી હતી એવી હસતી રમતી થાય તેના પ્રયાસ રૂપે પ્લેનમાં બેસાડી માતા પિતા તેને લઈને નિકળ્યા તો ખરા. કેટલી સફળતા મળશે એ વીશે શંકા હતી.

સ્વિટઝરલેંડ આવી પહોંચ્યા.રોનક ખુશ ખુશાલ હતી.સ્નોથી છવાયેલ પર્વતો જોઈ તે પાગલ થઈ ગઈ.પપ્પા અને મમ્મીને આશા બંધાઈ.ઠંડીને કારણે ગરમ કપડાંમાં સજ્જ થઈ ફરવા નિકળી પડી.તેને સ્કી કરવાનો ખૂબ શોખ હતો. ત્રણેક વાર અંહી સ્કી કરવા આવી ચૂકી હતી. ભારતમાં પણ કાશ્મીર અને સિમલા જતી ત્યારે ખૂબ મોજ માણતી.

વાતાવરણ જ આખું અલગ હોવાથી ઘડીભર રોહન વિસરાયો.પપ્પા મમ્મીની આશા જરા ઠગારી નિવડી. બે દિવસ પછી અચાનક ઉંઘમાંથી જાગી, “મમ્મી મારો સેલ ફોન ક્યાં છે ? ક્યારની ઘંટડી વાગે છે પણ મને જડતો નથી.”

મમ્મી, ‘બેટા સેલ ફોન અંહી ક્યાં આપણે લાવ્યા છીએ !’

રોનક, ‘કેમ મમ્મી, રોહનનો ફોન આવે તો મારે વાત ન કરવી હોય?’

ગીતા, બેટા રોહનનો ફોન અંહી કેવી રીતે આવશે? આપણે તો હજારો માઈલ દૂર છીએ.’

રોનક, ‘શામાટે આપણે અંહી આવ્યા’ ?

ગીતા અને ગૌતમ બંને સાથે બોલી પડ્યા.’બેટા તું એંજીનિયર થઈ ગઈ તેથી આતો તારી
‘ગ્રેજ્યુએશન ગિફ્ટ’ છે.’

રોનક, ‘તો પછી રોહનને પણ સાથે લાવ્યા હોત તો તેને પણ મઝ આવત ને?

ગીતા, ‘હા બેટા બીજી વાર તેને પણ સાથે લઈને આવીશું.’

રોનકને એકદમ ભિન્ન વાતાવરણ અસર કરી ગયું.કુદરતને ખોળે ફરવાની ખૂબ મઝા આવી.ઉનાળાનો સમય હતો તેથી ઠંડી સહન થાય તેવી હતી.આવી સુંદર રળિયામણી જગ્યા પ્રકૃતિનો ખોળો અને શરીરમાં લખ લખું લાવે તેવી ગુલાબી ઠંડી.

ગીતા અને ગૌતમ પણ રોનકમાં આવેલા ફેરફારને આવકારી રહ્યા.રોનકતો જાણે આખી બદલાઈ ગઈ.આખો દિવસ સૂનમૂન બેસી રહેતી હતી તેને બદલે મુખ પર હાસ્ય અને ગાલ ગુલાબી થયા હતા.આવા મનમોહક વાતાવરણમા રોહને સ્વપનામાં આવવાનું બંધ કર્યું.

ગીતા અને ગૌતમે વિચાર્યું રોનકની બે બહેનપણીઓને ભારતથી બોલાવીએ તો કેવું?મોટી વહુને મન હતું કહેવાનું પણ બોલી શકી ન હતી.એકદમ કહે’મમ્મી તમે ચિંતા ન કરતાં,દસેક દિનમાં તમારી સાથે હશે. રોનકની બે બહેનપણીઓ તૈયાર થઈ ગઈ. સ્વિટ્ઝરલેંડ અને પેરિસ ફરવા મલતું હોય તો કોણ ના પાડે!

રોનક તો રોશની અને ઝરણાને જોઈને ખુશ ખુશ થઈ ગઈ.બસ હવે તો પૂછવું જ શું? ક્યારેક છોકરાઓની અને તેમાંય રોહનની વાત નિકળતી ત્યારે બંને જણા સિફતથી વાત બદલી બીજા પાટે ગાડી ચઢાવીદેતા. પંદરેક દિવસ થઈ ગયા અને પેરિસ જવાનો દિવસ આવ્યો.

આજે અચાનક ગોવાની વાત નિકળી.ત્યા રોહન સાથે માણેલી મઝાની વાત કરતાં રોનક થાકતી નહી. અચાનક બોલી અરે ‘રોહન હોસ્પિટલમાં હતો હવે તેને કેમ છે?’ઝરણા કહે એને તો ડોક્ટરે હજુ પથારીમાંથી ઉઠવાની રજા નથી આપી.

રોશની બોલી ‘અમે અંહી આવતા પહેલાં તેને મળવા ગયા હતાં.’

રોનક, ‘અરે હું તો તેને મળવા જઈ ન શકી, પપ્પા અને મમ્મી ખૂબ ઉતાવળમાં અંહી
રજાની મઝા માણવા મને લઈને આવ્યા.ખેર,’મુંબઈ પહોંચ્યા પછી તેને મળવા જઈશ અને અંહીની વાતો કરી તેનું દિલ બહેલાવીશ.

આમ ગમે ત્યારે વાતનો વળાંક રોહનની વાત પર આવી અટકી જતો.જોકે સમય,સ્થળ,સંજોગ અને આજુબાજુનું મનમોહક વાતાવરણ રોનક પર સારી અસર કરી રહ્યું હતું.

રોહન વાતનું મધ્યબિંદુ બનતો પણ બિંદુને કોઈ દિશા ન હોય સરર કરીને સરી પડતો’ ગીતા અને ગૌતમ રોનકમા આવેલા ફેરફારની સહર્ષ નોંધ લેતાં.વારંવાર વિચાર ડોકિયા કરી જતો કેવી રીતે રોહનની સ્મૃતિનું રોનકને વિસ્મરણ થાય.આ વાત કોઈ પણ કાળે બને એમ ન હતી. ગૌતમભાઈ તે વાત સારી રીતે જાણતા હતા. આશાનો તંતુ પકડીને ધિરજ ધરી બેઠાં હતા.અનહોની કો હોની કરવાનો તેમનો ઈરાદો કેવી રીતે પાર પડે તેના વિશે હરદમ વિચારતા.

કોલેજ શરૂ થવાના દિવસો આવ્યા.ઝરણા અને રોશનીને’માસ્ટર્સ’કરવું હતું તેથી મહિનો સાથે રહી પાછા મુંબઈ આવ્યા.

ગૌતમભાઈને બંને દીકરાઓ ધંધામાં સાથે હતા તેથી કામની કોઈ ચિંતા ન હતી.વહુઓ પણ ખૂબ સમજદાર અને શુશીલ હોવાને કારણે ઘરની કોઈ ચિંતા ગીતાબહેનને કરવાની ન હતી. તેઓ ને ઘરે જવાની જરાપણ જલ્દી ન હતી. રોનકને પણ અંહી આનંદ પ્રાપ્ત થયો હતો.

રોનક,’મમ્મી ઓ મમ્મી જો તો ખરી આ રોહન મને શું કહે છે’

ગીતા બહેન દોડતા અવ્યા.જરા ગભરાયેલાં પણ હતાં.વહાલથી રોનકની બાજુમાં બેસીને કહે, ‘બેટા શું વાત છે? સપનામાં શું તને રોહન આવ્યો હતો ?’

રોનક,’હા,મમ્મી મને કહે છે.’રોનક જો આપણી મૈત્રી અને પ્યાર ખૂબ સુંદર હતાં.હવે જ્યારે હું તને ઓળખી પણ નથી શકતો તો બહેતર છે તું મારી યાદોનું પ્રેમથી સિંચન કરજે.’ મને યાદ કરીને તારી જીંદગી ખૂબ મઝાથી જીવજે.’

ગીતા બહેન આવી વાત સાંભળી મનમાં હરખાયા પણ બોલી ઉઠ્યા, ‘જો બેટા રોહન કેટલો શાણો છે.તેને તારા પ્રત્યે સાચી લાગણી છે.’

રોનક,’ પણ મમ્મી હું તેને કેવી રીતે ભૂલી જાંઉં.મા,તને ખબર છે ?કોલેજમાં હંમેશા અમે સાથે ને સાથે રહેતાં.બધા લેક્ચર્સમાં બાજુમાં બેસીને ભણતા.અરે,અમારી છેલ્લી ફાઈનલ વખતે આડી અવળી નહી માત્ર ભણવાની વાતોને જ મહત્વ આપવાનું.

ગીતા બહેન,’ બેટા એમાં જ તારું અને રોહન બંનેનું ક્ષેમ કુશળ છે.’

રોનક,’હેં મા પહેલી અલૌકિક દોસ્તી અને સુહાનો પ્યાર ભૂલવા આસાન છે?અમે બંનેએ સાથે સોહામણા સ્વપના નિહાળ્યા છે.અમારી દુનિયા કેવી હશે તેના સુંદર ચિત્રો બનાવ્યા છે.અમે બંને જણા એવું જીવન જીવવાના હતા કે બસ કહીને રોનકની આંખોમાં આંસુ ઉભરાયા અને ગાલ પર થઈ રેલાવા લાગ્યા.

ગીતા બહેન,’બેટા ભૂલવાના નહી,તેના મીઠા સંસ્મરણો પર યાદોના ફૂલ ચડાવવાના.’

રોનક,’તો શું મા,હું એ પ્રેમને અંતરના મંદિરમાં સંઘરી તેની પૂજા કરું?’તેને હંમેશા યાદોના ફુલ ચડાવી નવપલ્લવિત રાખું. એ એવો પ્રેમ છે જે કદી મુરઝાશે નહી. રોહન, હમણાંથી રોજ મને સ્વપનામાં આવી પ્રેમ પૂર્વક સમજાવે છે.’

ગીતા બહેન,’આજે રોનક સાથે પેટ છુટ્ટી વાતો કરવામાં ગુંથાયા.તેમના દિલમાં રોહન માટે અનહદ પ્રેમ હતો. આજે તેમાં અનેક ગણો તેમાં વધારો થયો.સુખી સંસ્કારી કુટુંબનો રોહન અજાણતા અકસ્માતનો ભોગ બન્યો. તેના માતા પિતાની હાલત જોઈ ગીતા બહેનની આંખમાંથી બે આંસુડા સરી પડ્યા. રોનક ન જૂએ તેમ લુછી તેને વહાલ કરી ઉઠાડી અને કહ્યું જા બેટા, સ્કી કરી આવ તારું મન પ્રફુલ્લિત થશે.

રોનક સ્કી કરવા જવા તૈયાર થઈ. છેલ્લા પાંચેક દિવસથી દરરોજ વહેલી પરોઢમાં રોહન શમણામાં આવતો અને વહાલથી રોનકને સમજાવતો.આમ તો બંને જણા વચ્ચે હજારો માઈલનું છેટું હતું.

કાગનું બેસવું ને ડાળનું પડવું. સ્કી કરતાં પાછો ક્યાંકથી રોહનનો વિચાર દિમાગમાં ઝબક્યો અને રોનક સમતોલપણું ગુમાવી બેઠી.એ તો નસિબદાર કે કોલોરાડોથી સ્કી કરવા આવેલા રોબે તેને જોઈ અને તેની પાછળ જઈ સહારો આપ્યો અને બચાવી લઈ સંભાળીને સ્કીના સ્લોપ પરથી તેને નીચે લઈ આવ્યો. રોનકને ખ્યાલ પણ ન રહ્યો કે પળવારમાં શું બની ગયું.

ખૂબ ગભરાઈ ગઈ હતી.આટલી ગભરાહટ તો એને ગોવાના અકસ્માત વખતે પણ નહોતી થઈ.ગોવાના અકસ્માતમાં તે ઉછળીને પડી.ભાન ગુમાવ્યું અને જ્યારે ભાનમા આવી ત્યારે ચોટને કારણે કશી ખબર પડી ન હતી.

આજના અકસ્માતમાં ગોટીલા ખાધાં પગે બાંધેલી સ્કીને કારણે આડી અવળી બરફમાં ફંગોળાઈ રહી હતી.રોબે તે જોયું. તે સ્કીમાં ખૂબ કુશળ હતો તેથી તેની પાસે પહોંચ્યો અને બચાવી. ધિરજ આપી સંભાળીને સ્લોપ પરથી નીચે લઈ આવ્યો.

અંહીના આહલાદક વાતાવરણમાં રોનક ગુંથાઈ ગઈ હતી. પ્રેમ,પાણી અને પ્રકાશ પોતાની મેળે રસ્તો શોધી લે છે.
અકસ્માત પછી રોનક,રોબને ઘણી વખત મળતી.બંને જુવાન હતા.રોનકને ઘરે પહોંચાડી હતી તેથી રોબ તેનું ઘર ક્યાં છે તે બરાબર જાણતો હતો.

ગૌતમ અને ગીતા જ્યારે પણ રોહનની વાત નિકળે ત્યારે કહેતાં ‘બેટા,એ તારો કોલેજ કાળનૉ મિત્ર હતો. હવે તેના સાજા થવાના ચિહ્નો ખૂબ જૂજ છે.તેની મીઠી યાદ હૈયામાં સંઘરી રાખ.બેટા,જે વસ્તુ શક્ય બનવાની નથી તેને વળગી રહેવું તેના કરતાં તારા ભવિષ્યનો વિચાર કર.અમેરિકા જા, માસ્ટર્સ કર.’

રોનકને રોહન સાથેની મૈત્રી અને પાંગરેલો પ્રથમ પ્યાર યાદ આવતાં.દિમાગ દલીલ કરતું શું’રોહન સ્વપનો સાકાર કરવા શક્તિમાન છે?જવાબ આપવાને બદલે આંખમાંથી બે અશ્રુ સરી પડતાં.દિલ અને દિમાગની દલીલમાં દિમાગ દોડતું દિલ હાર માની ચૂપ થઈ જતું.ધીરે ધીરે રોનક મનને મનાવી રહી હતી.જો કે રોહન તેને શમણામાં આવી માર્ગ દર્શન પુરું પાડવામા સહાય કરતો.

રોહન, રોહન, રોહન રોનકનું અંતર ચિલ્લાઈ ઉઠતું.ત્યારે રોહન કહેતો”સાંભળ લાગે છે આપણી લેણા દેણી પૂરી થઈ. જે સુંદર મનભાવન સમય આપણે સાથે ગાળ્યો તે સ્વપ્ન સમાન છે. બસ હું તને આઝાદ કરું છું.તારા માટે વિશાળ ગગન છે. ખુશીથી તેમાં વિહાર કર. હા, મને ભુલીશ નહી !

મારી સુહાની યાદ અંતરમાં સાચવી તેને યાદ રાખજે.આ આપણો પહેલો પ્યાર છે.ભુલવો સહેલો નથી. બનેતો ભુલીશ પણ નહી.કોઈવાર સળવળે તો તેના પર સંસ્મરણોના બે ફુલ ચડાવજે.”

રોનક,’રોહન શું તું મને સાચી સલાહ આપે છે ? બસ આપણી મૈત્રી અને સંગ આવા અલ્પજીવી જ હતા!ખેર, મને તારો સુહાનો સાથ સાંપડ્યો એ બદલ હું તારી ઋણી છું.સદા પ્રાર્થના કરીશ અને તારું ક્ષેમકુશળ વાંછીશ.”

રોહન, બસ આ મારી અંતરની ઈચ્છા છે.રોહનની રોજની સમજાવટ ધીરે ધીરે રોનકના દિમાગમાં ઘર કરી ગઈ.રોહન રોજ શમણામા આવી સજાવતો.પ્યારથી મનાવતો. કદી હસાવતો,કદી સતાવતો, મનભરીને રંજાડતો,અંતે રોનકે મનને મનાવ્યું .રોહનના પ્યારની જીત થઈ .એના વગર છૂટકો પણ ન હતો. ટેલિપથી માનીએ કે ન માનીએ જરૂર એકબીજાને પહોંચે છે. એ તો જેના અંતર મળ્યા હોય તે જાણે.પ્રેમમાં ઉત્થાન છે પતન નહી. બેભાન પથારી ગ્રસ્ત રોહન ધીરે ધીરે રોનકને તૈયાર કરવામાં સફળ થયો.

તેણે રોનકને દિલોજાનથી ચાહી હતી.પ્યાર હંમેશા આપવામાં સમજે છે.પ્રિય પાત્ર ખુશ રહે તેનાથી અધિક ખુશી બીજી શું હોઈ શકે?માત્ર રોનકની ઈચ્છા હોત તો કદાચ તે એક ડગલું આગળ ન ભરી શકી હોત !શમણામાં રોહનના પ્રેમ ભર્યા આગ્રહ આગળ તે ઝુકી ગઈ.

પ્રબળ ઈચ્છા અને માનસિક સમતુલનતાને કારણે રોનકની પ્રગતિ ધીરી પણ સતત હતી.સવારે ઉઠે ત્યારે રોનકના મુખ પર સુંદર હાસ્ય જણાતું. પરિસ્થિતિને અપનાવી તેણે જીંદગીમાં આગળ ધપવાનો નિર્ણય કર્યો.પવિત્ર પ્રેમ સામે વાળી વ્યક્તિની શુભકામના કરે છે.સ્વાર્થની માત્રા તેમાં લવલેશ જણાતી નથી.અરે પ્રેમ પાત્રના અવગુણ પણ નજરે પડતા નથી.સંપૂર્ણ વિશ્વાસ સાથે પ્રેમી પંખીડા એક બીજાને સમર્પિત થઈ આનંદના અવધિમાં વિહરેછે.

આજે, રોહન જાનની બાજી ખેલી રોનકને મનાવવામાં સફળતા પ્રાપ્ત કરી રહ્યો છે.’

રોનકઃ મમ્મી, હજુ આપણે કેટલા દિવસ અંહી રોકાવાના છીએ.અંહી આવ્યાને મહિના ઉપર સમય થઈ ગયો !ચાલોને આપણે પાછાં ઘર ભેગાં થઈએ. ગીતા રોનકના શબ્દો સાંભળી સ્તબ્ધ થઈ ગઈ.તેનામા આવેલો આકસ્મિક ફેરફાર બંને પતિ પત્નીને ગમ્યો.ગીતા,’ બસ બેટા તારા પપ્પાને કહી પાછા જવાની ટિકિટ મંગાવી લઈએ.આજે તેમને ખૂબ સંતોષ થયો કે રોનકે જાતે પાછા જવાની વાત ઉચ્ચારી. હરખભેર ગૌતમભાઈની પાસે પહોંચી જઈ પાછા ભારત ઘરે જવા
માટેનો બંદોબસ્ત કરવા જણાવ્યું.’

ગીતા અને ગૌતમભાઈએ રોહનનો મનોમન આભાર માન્યો.ગૌતમભાઈને રોહન આંખોમાં વસી ગયો હતો.વિધિના લેખ કોણ મિથ્યા કરવા શક્તિમાન છે? તેમને રાજેશ અને રીના પર શું વિતતું હશે તે વિચાર પણ અસ્વસ્થ બનાવી મૂકતો.ખેર, આવા સંજોગોમાં રોનકનું ધ્યાન રાખવા કમર કસી હતી. જેનું પરિણામ શુભ આવ્યું.

રોહનની સુનહરી યાદો  પ્રકરણ 11
================
રોહન પાછળ લોહીનું પાણી કરનાર માતા અને પિતા પોતાનું અસ્તિત્વ વિસરી ગયા હતાં.રીનાનું હ્રદય આજે હાથમાં રહેતું ન હતું. માતૃત્વની ભાવના આજે તેના સમસ્ત અસ્તિત્વ પર છવાઈ ગઈ હતી. બે વર્ષનાં વહાણા વાઈ ચૂક્યા હતા. રાજેશનું અંતર પણ રોહનની પરિસ્થિતિ નિહાળી આક્રંદ કરતું હતું. રીનાને હિંમત આપવા ઢાલ બની તેનું રક્ષણ કરતો હતો.આખરે તે પણ બે હાથ,પગ અને હાડ માંસનો બનેલો સામાન્ય માનવી હતો.રીનાએ તેની ચૂપચાપ નોંધ લીધી.

આજે બંને જણાં પારેવડાંની માફક એકબીજાનો સંગ માણી રહ્યા.તેમને ભૂતકાળની સુખી પળોમાં મહાલવાનો આનંદ લુંટવો હતો.વર્તમાનના વમળમાંથી બહાર નિકળી બંને જણાએ દિલ હળવું કરી અંતરની ભાવનાને નિર્બંધ વહેવડાવી.
નજર સમક્ષ ઘુંટણિયા ભરતો,નાના હાથમાં દફતર લઈ બાળમંદિરમાં જતા રોહનની વાતોમાં ગુંથાયા.તેના બાળસહજ પરાક્રમો પર બંને જણા હસી આનંદ મનાવી રહ્યા.શાળા જવા તૈયાર થયેલો રોહન દરરોજ ‘કંઈક’ ભૂલી જતો જે લેવા તેને પાછું આવવું પડતું.

રીના હંમેશા આદત પ્રમાણે પૂછતી ‘ બેટા ‘કંઈક’ ભૂલી ગયો હોય તો યાદ કર.

રોહન,’ ના મમ્મી મેં બધું બરાબર બેગમાં ગોઠવ્યું છે.’પાંચ જ મિનિટમાં ઘરની ઘંટડી વાગતી ‘ સોરી મમ્મી , કહીને દોડતો પોતાના રૂમમાંથી ‘કંઈક’ લઈને પાછો આવતો. અને બન્ને મા દિકરો હસતા.

રીના અને રાજેશ બસ આજે રોહનની વાત કરતાં ધરાતા ન હતા.રોહનના જન્મથી માંડી આજ સુધીના બધા પ્રસંગો ચલચિત્રની માફક તેમની નજર સમક્ષ તરવરી ઉઠ્યા.નાની કુમળી કળી જેવો ૬ રતલનો રોહન. તેમને રીયાની સરખામણીમાં થોડો નબળો લાગ્યો હતો.

રોહનના આંખ અને કપાળ રાજેશ જેવા અને હોઠનો મરોડ રીના જેવો. ઉધમ મચાવવામાં રાજેશ જેવો અને જમવામાં સાવધાની રાખતો રીના જેવી.હર વખત ભૂલી જતો પપ્પાની જેમ પણ કામકાજમાં ચોક્કસ મમ્મીની જેમ.રોહનનું બાળપણ નજર સામે તરવરી ઉઠ્યું.

પછી તો રોહન બાળમંદિરમાં ગયો.જે ઘરની નજીક હતું.ચાર ધોરણ સુધી અંગ્રેજી અને ગુજરાતી શિખ્યો. ‘નવચેતન બાળમંદિરમાં’તેને ખૂબ મઝા આવતી.માધ્યમિક શાળા’ફેલોશિપ.’સુંદર સંસ્કાર આપનારી શાળા.દસમી પછી ‘કે.સી.
કોલેજમાં’માં બે વર્ષ કરી વાશી ભણવા ગયો.

પહેલી વાર ટ્રેઈનની મુસાફરી નસિબમાં લખાઈ જે વિના ફરિયાદે મોજથી કરી. આ તો પરીક્ષા પછી ગોવા ફરવા ગયા તેનો અંજામ હતો. સંસ્કારી રોહન નાના ભુલકાંની જાન બચાવવા જતાં ખુદ મોટી આપત્તિમાં ફસાયો!એંજીનયરીંગની કોલેજના એડમીશન વખતે બાપ બેટા કેટલી દોડધામ કરતાં હતા તે નજર સમક્ષ રાજેશ વર્ણવી રહ્યો.

એંજિનયરીંગની કોલેજના શરૂઆતના દિવસો ઘરના બધાની પરિક્ષાના દિવસો હતા.એક મહિના સુધી દરરોજ
રાજેશ તેને બસ સ્ટોપ પર મૂકવા જતો.તેને બરાબર જતાં ફાવી ગયું પછી તેના જીવને ટાઢક થઈ હતી.તાજેતરમાં બેંગ્લોરમાં ઉજવેલી દિવાળી તો કેટલી નયન રમ્ય હતી.

‘રોનક’ને રૂબરૂ મળવાની ઉત્કંઠા બંનેના અંગ અંગમાંથી ડોકિયા કરતી હતી.રીયાના લગ્ન વખતે રોહન માની પડખે ઉભો રહી તેનો પડ્યો બોલ ઝીલતો હતો.એક તો રીયા પહેલું સંતાન અને તેમાં વળી દીકરી .રોહન મા તથા પિતાની હાલત જાણતો હતો. દીકરી પરણવવાનો આનંદ અને વિદાય થશે એ ગમ બંનેના સમાગમનું દૃશ્ય રોહનની નજર સામે ચિત્રિત થતું.

રીયા તેની પણ લાડકી મોટી બહેન હતી. તેને ચિડવવા કહેતો’ જા,રે ચોંટી તું જઈશ પછી ઘરમાં મારું રાજ ચાલશે !
કંઈ કેટલી વાતો બંને જણાએ આજે કરી દિલ હળવું કર્યું.તેમની વાતો ખૂટતી ન હતી.રાજેશ અને રીના વાત કરતાં ધરાતા ન હતા. સવારના પહોરમાં પંખીઓનો કલરવ સાંભળી બંને જણા ચોક્યા.

ભલું થજો આજે રવિવાર હતો તેથી રાજેશને ઓફિસે જવાની ધમાલ ન હતી. બંને જણા વાત બંધ કરી થોડી વાર સુવાનો વ્યર્થ પ્રયત્ન આદરી રહ્યા.ઠંડો પહોર હતો એટલે આંખ ક્યારે મિંચાઈ ગઈ તેનું ભાન ન રહ્યું.સવારે સાત વાગે પથારી ત્યજનાર રીના આજે નવ વાગે ઉઠી.

મારૂતિ અને રમા વિચારમાં પડી ગયા. રોજ વહેલાં ઉઠનાર ‘ભાભી’ કેમ આજે ઉઠ્રયા નથી? તેમને ક્યાં ખબર હતી આખી રાત ભાઈ અને ભાભી રોહનનું બાળપણ માણી રહ્યા હતાં.

રમા ઘરમાં બધું જાણતી હતી.આજે પ્રેમથી રોહનનો સવારનો નાસ્તો તૈયાર કરી તેણે ખવડાવી આનંદ માણ્યો મારૂતિ તેને સ્વચ્છ કરી તૈયાર કરવામાં પરોવાયો.રીયા તેના ભાઈ માટે નવું ટી-શર્ટ લાવી હતી.સાડા નવ વાગે ફિઝિકલ થેરપિસ્ટ આવે તે પહેલાં રોહન રાજાને તૈયાર કર્યો.

સવારના સ્વપનામાં બંને જણાએ નિહાળ્યું ‘રોહન’ આવીને ઉઠાડે છે. મમ્મી ચાલને આજે સવારે ‘મફતલાલ પાર્કમાં ગાંઠિયા અને જલેબી ખાવા જઈએ. રોહનને ત્યાંના ફાફડા જલેબી ખૂબ ભાવતા.ત્યાં તો આંખો ખૂલી–

શું સાચે જ તેમની આંખનો તારો રોહન પથારીમાં પટકાયો છે ? હકિકત છે પણ મન કબૂલ કરતું નથી !બંને જણા તન મન અને ધનથી રોહનની પાછળ ઘસાઈ રહ્યા છે. સંપૂર્ણ ઉત્સાહ અને ઉમંગ સાથે કે એક દિવસ લાડલો ગળે આવી ને વળગશે.

અચાનક બોલી ઉઠશે’ શું પપ્પા અને મમ્મી તમે ખાલી ખોટી ફિકર કરો છો!હું બેઠો છું ને ! ચાલો બંને જણા હસો તો ? મને તમારું ઉદાસ મોઢું પસંદ નથી !’

રીના સફાળી બેઠી થઈ ગઈ.

રાજેશ, ‘શું થયું ?’

રીના, ‘ અરે, તેં જોયું નહી રોહન આપણા બંનેની વચ્ચે આવી બેસીને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તને તો ખબર છે એને જરા પણ તંગ વાતાવરણ પસંદ નથી.’

રાજેશ, ‘અરે ગાંડી તું શમણું જુએ છે. હું હમણાં તો રોહનને ગુડ નાઈટ કીસ આપીને આવ્યો. એ ભાઈ ને ક્યાં આપણી ફિકર છે ? નહી તો આમ આપણાથી રીસાયો હોત ?’

ઉંઘ વેરણ થઈ ગઈ. બંને જણા આરામથી બેડરૂમના સોફા પર આવીને બેઠાં. રીના બોલી,” રાજેશ હું ગરમ મસાલાવાળું દુધ બનાવીને લાવું છું.”આખા ઘરમાં બધાનું તે પ્રિય પીણું હતું.એટલે ના પાડવાનો સવાલ જ ન હતો.

રીના ગઈ ત્યારે રાજેશ વિચારમાં પડ્યો, રોહન કોને ખબર ક્યારે ઉભો થઈને આલિંગન આપશે ? જવાબની ખબર
જાનકીનાથને! એટલામાં રીના દુધ લઈને આવી રાજેશ કહે ,”પ્રિયે મને વિચાર આવ્યો કે જો રોહન અત્યારે ઉભો થઈને આવે તો તેને કહીશું,” બેટા અમેરિકા જવાની વાત જવા દે.કાલથી મારી ઓફિસે આવી જજે.

હવે તો અમે બંને ખૂબ અધિરા થઈ ગયા છીએ કે રોનક પાયલ રણકાવતી ઘરે આવે.રૂમ ઝુંમ ચાલીને ઘરમાં ફરતી હોય! ” દિવા સ્વપ્ન બંને પતિ પત્ની જોવા લાગ્યા.

કલ્પના ભલે ને ગમે તેટલી સુંદર હોય હકિકતમાં ફરે તેવી આશા સફળ થતી નથી.હકિકત ગમતુ યા અણગમતું હોય તેનાથી છૂટકારો મેળવવો મુશ્કેલ છે. રીના વાત સાંભળી રહી,દુધ પીતાં બોલી , રાજેશ અત્યારે તો જે છે તેનો સ્વિકાર કરીએ.જો અમેરિકાએ કોઈ એવી શોધ કરી હોય તો પૈસાની ચિંતા કર્યા વગર સારવાર કરવા અમેરિકા લઈને જઈએ.તને તો ખબર છે તારા માસીને ઘરે ત્રણ ડૉક્ટર છે.જેથી આપણને જરાય તકલિફ નહી પડે.

રાજેશે મસાલાવળું આનંદો મિલ્ક પીધું,રીના તું મારા ખોળામાં માથું મૂકીને સૂઈ જા. મોડું થયું છે સવારે તો પાછું તારું કામ ચાલુ થઈ જશે.દિવસમાં તને જરા પણ આરામ મળતો નથી.સુંદર સ્વપના જો અને નિંદ્રા દેવીની ખોળે પોઢી જા.’સહુ સારા વાના થશે. કવિ દયારામે કહ્યું છે યાદ છે ને ?

ચિત્ત તું શિદને ચિંતા કરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

આજે ખબર નહી કેમ રીનાને રાજેશ સાથે વાતો કરવામાં વધારે રસ હતો.ગરમ દુધ પીને ઉંઘ આવવાને બદલે તેની ઉંઘ ઉડી ગઈ.

રીના,’રાજેશ,રોહનને ગોવા ફરવા જવાની આપણે હા શામાટે પાડી ?’

રાજેશ,’ ડાર્લિંગ આપણને ખબર હતી ત્યાં આવું બનશે. કોઈના નાના બાળક્નો જીવ બચાવવા જતાં આપણો કુંવર ખાટલે પડ્યો!હશે આપણેતો રોહનને ૨૧ વર્ષ સુધી પેટ ભરીને પ્રેમ આપ્યો છે. પેલા નાના બાળકના માતા અને પિતા રોહન ઉપર ઓળઘોળ થઈ આશિર્વાદ આપે છે. તું ધિરજ રાખ રોહન પાછો હરતો ફરતો થશે અને અમેરિકા
ભણીને આવી એની પ્યારી રોનકને ઘરમાં લઈ આવશે !

આ કલ્પના પણ કેટલી સુંદર હતી !રીના તેનો મધુરો આસ્વાદ માણી રહી.રાજેશે કેટલા લાંબા ગાળા પછી રીનાની મોહક તસ્વીર જોઈ.તેને આલિંગન આપતાં બોલ્યો ,બસ આમ હસતી રહેજે.હું તને ખાત્રી પૂર્વક કહું છું આપણો રોહન નજીકના સમયમાં સારો થઈ જશે.

રાજેશ આ શબ્દોની પોકળતા જાણતો હતો.તેને ખબર હતી કે વાતમાં કાંઈ માલ નથી!જો,રીનાને આશાવાદી નહી બનાવે તો ૨૪ કલાક રોહનની દેખભાળ કરવાની શક્તિ ક્યાંથી લાવશે? એ તો જ્યારે ઘરની બહાર નિકળી ધંધા પર જતો ત્યારે કામના બોજા તળે રોહનને વિસારી શક્તો!ભલેને અંતરપટ પર તે કોતરાયેલો હોય! જ્યારે રીના રાત દિવસ રોહનની અગલ બગલ હોય.પળભર પણ તે રોહનની આ હાલત વિસરી શકતી નહી.

એ તો સારું હતું કે દર શનિવારે રોય અને રીયા આવતાં.ઘરમાં આનંદનું મોજું ફરી વળતું.આમેય રીયા બોલકણી હતી.ભાઈ પાસે બેસીને બાળપણની,યુવાનીની,મસ્તી અને તોફાનની વાતો કરતી.રોહનની મનગમતી બધી વસ્તુઓ ખરીદી લાવતી.રોય ભાઈ અને બહેનનો પ્યાર જોતો.તે તો એકનું એક સંતાન હોવાને કારણે આ દૃશ્યથી અપરિચિત હતો.

જ્યારથી રીયા પર લાઈન મારી હતી ત્યાર પછીની બધી પ્રવૃત્તિ તેના જાણમાં હતી. ભાઈ અને બહેનનો નિર્દોષ પ્રેમ તેને રીયા ઉપર વધુ પ્યાર ઢોળવા પ્રોત્સાહિત કરતા. તેને ખબર હતી રીયા અંતરમા કેટલી દુખી છે . પોતાના વહાલા ભાઈની આવી હાલત તેનું કાળજુ કોરતી.તેના હાથ બંધાયેલા હતા. પિયર આવતી ત્યારે માતા પિતાનું દર્દ જાણી ખૂબ હેરાન થતી તેથી મુખ પર સદા તેનું તોફાની હાસ્ય ઉભરાતું રાખી ઘરનું વાતાવરણ હળવું બનાવતી.

રાજેશ અને રીના દીકરી જમાઈને ભાળી હરખાતાં.તેમની સરભરા કરતાં અને આનંદના અવધિમાં થોડી હળવાશ અનુભવતા.રોહનને પણ બધી વાતોમાં ગુંથી દર્દ ભુલવાની વ્યર્થ કોશિશ કરતાં.

રોહનનું દુખ રીનાનું કાળજું કોરી ખાતું પણ તે અસહાય હતી.રોહનની જિંદગાની ડોક્ટરના હાથમાં હતી તેનું તેને ભાન હતું. “હું, પ્રેમ અને સ્મિત જાણે સાવ અજાણી વ્યક્તિ’ બનીને બેઠાં હતાં.રીના અને રાજેશની અદમ્ય ઈચ્છા હતી કે રોહન જલ્દી સાજો થઈ અમેરિકા આગળ ભણવા ઉપડી જાય. તેમની ઈચ્છાનો કોઈ અર્થ ન હતો. અરે, ઈચ્છા અનુસાર થવાના કોઈ ચિન્હ પણ જણાતાં ન હતાં.

વિકરાળ વાસ્તવિકતા મ્હોં ફાડીને ઉભી હતી. તેને બદલવા માટે અસમર્થ એવા રાજેશ અને રીના અસહાય હાલતમાં ઇશ્વરનું શરણ સ્વિકાર્યું હતું.અસાર સંસાર સાગરમાં નાવ મધદરિયે હિલોળાં ખાઈ રહી હતી.કિનારાના દર્શન તો દૂર,અરે તરવા માટે કોઈ તરાપો કે લાકડું પણ નજરે ચડતો ન હતો. ૨૪ કલાક ક્યારે રોહન સારો થાય તેની
પ્રતિક્ષામાં પૂરો થઈ જતો !

રોય અને રીના આવતાં ત્યારે કલ્પનાના મેઘધનુષના રંગો રેલાતાં.રાજેશ જાણતો હતો કે કલ્પના ગમે તેટલી સુંદર હોય તેમાં જીવી શકાય નહી.જીંદગી એક ઠોસ સત્ય છે. જે તેની સામે વિકરાળ મ્હોં ફાડીને ઘુરકી રહી છે.તેને રોહનની હાલતની ગંભિરતાની સંપૂર્ણ પણે જાણ હતી.કાલ્પનિક આનંદને કારણે રીનાના મુખમંડલે થતા ફેરફારોની રાજેશ નોંધ લેતો અને પ્યારભરી નજરે નિહાળતો.

રાજેશે સઘળાં પ્રયત્નો જારી રાખ્યા હતાં.રીના તો દીકરા પર ઓળઘોળ થઈ જતી.આગળ ધપવાનાં ચિહ્ન ખૂબ ધુંધળા હતાં.આશા અને પ્રયત્નોના ઘો્ડાની બગી પર સવાર બંને જણા ઉમંગભેર રથ હાંકી રહ્યા હતાં.રોહનની હાલતને નજરો નજર નિહાળતી રીના માતા હોવાને કારણે સખત પીડાનો અનુભવ કરતી.

રોહન હવે થોડું થોડું ઓળખી શક્તો હતો. તેના મુખના ભાવ ચાડી ખાતાં હતા કે તેને જીવન સાથે અનહદ પ્યાર છે.લાગણીના સ્પંદનોનો અનુભવ કરી વળતો જવાબ આપતો.માતા પિતા તે ભાવને જાણી શકતાં અને પ્યારથી પુત્રના સાજા સમા થવાની એષણા રાખતાં.વળી પાછી રીના ભૂતકાળમાં સરી પડી.

આજે તો તે રાજેશના આવતાં પહેલાં સરસ મજાની તૈયાર થઈને તેના આવવાની રાહ જોતી હતી.

રાજેશ ઓફિસથી આવ્યો.’કેમ મહારાણી આજે શું કતલ કરવાનો ઈરાદો છે ?’

રીના, શરમાતાં બોલી ભૂલી ગયો ને આજે આપણી ‘વેડિંગ એનિવરસરી” છે.

રાજેશે પાછાં પગલાં ભર્યા,યાર ખરેખર ભૂલી ગયો. હું પાંચ મિનિટમાં ફુલોનો ગુલદસ્તો લઈને આવું છું.’ તે એકદમ છોભિલો પડી ગયો.

રીના, અરે, કાંઈ વાંધો નહી.તારુ હસતું મુખ શું ગુલદસ્તાથી કમ છે.કાલે લાવજે આપણે બે દિવસ પછી મનાવીશુ.
આમેય રીયા અને રોય કાલે આવવાના છે.રાજેશને થોડો અફસોસ ઓછો થયો.

રોહનને જમાડી લીધો છે.આપણે કેન્ડલ લાઈટ ડીનર લઈએ અને પછી રીયાના લગ્નની અને આપણા લગ્નની ૨૫મી વર્ષગાંઠની ડી.વી.ડી. જોઈશું.રાજેશને આ પ્રસ્તાવ ખૂબ ગમ્યો.

રાજેશ નાહીને સરસ તૈયાર થઈ,આફ્ટર શેવ લોશન લગાડીને આવ્યો.બંને જણાયે બિસમિલ્લાંખાનની મધુરી શરણાઈની સી.ડી ચાલુ કરી ડીનર લીધું.બેડરૂમમા જઈ પહેલાં પચ્ચીસમી એનીવરસરીની ડી.વી.ડી ચાલુ કરી. રીયા અને રોહનના નૃત્ય ઉપર બંને ઝુમી ઉઠ્યા.

આજની પરિસ્થિતી જાણે વિસરાઈ ગઈ.ચારે બાજુ આનંદમંગલ છવાયેલો જણાયો. એ પૂરી થઈ એટલે રીયા અને રોયના લગ્નની ડી.વી.ડી. ચાલુ કરી.રોહન કનૈયા કુંવર જેવો સોહી રહ્યો હતો. ભાઈ અને બહેનનું મિલન અને વિદાય ફોટોગ્રાફરે આબાદ ઝડપ્યા હતાં.દૃશ્ય જોઈ ન શકી.ધ્રુસકે અને ધ્રુસકે રડવા ચડી.રાજેશે ટી વી.બંધ કર્યું.
હૈયું તો તેનું પણ ભરાઈ આવ્યું હતું. પણ કાળજે પથ્થર મૂકી રીનાને સંભાળી.

ડી વી ડી જોતાં ભવ્ય ભૂતકાળ નજર સમક્ષ તાદૃશ થયો. રીનાને સંભાળવી મુશ્કેલ હતી.રાજેશ પણ અંદરથી હાલી ગયો હતો. તેના માન્યમાં આવતું ન હતું કે રોહન આમ પથારી વશ છે. આ સાચું કે પેલું સાચું તેનું મગજ બહેર મારી ગયું. ઉપરથી કઠણ લાગતો રાજેશ અંદરથી મીણ જેવો થઈ ગયો હતો. રીનાને સંભાળતા એક અક્ષર મોઢામાંથી ન નિકળ્યો. રીનાને હૈયા સરસી ચાંપી અને પ્રેમથી તેને પસવારી રહ્યો. આખરે તેઓ રોહનના માતા અને પિતા હતા.

ક્યા માબાપ આમ પોતાના બાળકને અસહાય હાલતમાં જોઈ શકે?.સતત છેલ્લા ચાર વર્ષથી? હિમત હારે તે બીજા!
લાગણીમાં તણાઈ જવાય એકમેકને સહારે તેમાંથી હેમખેમ બહાર પણ અવાય.રાજેશે અંતે પોતાની જાત પર સંયમની બેડીઓ પહેરી રીનાને ઉંઘાડી પોતે પણ ઉંઘવાનો વ્યર્થ પ્રયાસ કરી રહ્યો.

સમાધાન   પ્રકરણ   ૧2
========
લગભગ ચાર વર્ષના વહાણાં વાઈ ગયા.રોહનના હાલતમાં ઘણો ફરક જણાતો હતો. રોહન બધાને ઓળખતો હતો. ગણિતના પ્રશ્નો સુલઝાવતો. તેના માટે એ,બી,સી,ડીનો ચાર્ટ બનાવ્યો હતો તેના પર આંગળી મૂકીને પોતાની ઈચ્છા જણાવતો. જમણી બાજુનું મગજ અકસ્માતમાં ઘાયલ હતું પણ ડાબુ મગજ તેનો ઉપયોગ બરાબર કરતું હતું.

હા,રાજેશ અને રીના ખૂબ ઉત્સાહ પૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે’ક્યારે દીકરો આંખો મિલાવીને કહે,’મમ્મી જો હું સાજો નરવો થઈ ગયો છું.’અરે એટલું બધું નહી ને માત્ર મમ્મી,પપ્પા બોલે તો પણ ઘણું હતું.’ ખેર હૈયે ધિરજ ધારી હતી.

ડૉક્ટરોની સલાહ મુજબ બધાજ ઉપચાર ચાલુ હતા. ડૉક્ટર હંમેશા એક વાત ઉપર ભાર મૂકતા તેના ‘મગજને સમયસર ઓક્સિજન નહી મળવાથી જે નુકશાન થયું છે તેના વીશે કાંઈ પણ કહેવું ઉચિત નથી.’બસ ધિરજ ધરવાની અને શ્રદ્ધા રાખવાની.

પ્રયત્ન આપણે સઘળાં કરી રહ્યા છીએ.માત્ર કર્મ કરવું આપણા હાથમાં છે! પતિ પત્નીએ પરિસ્થિતિનો સ્વિકાર હસતે મુખડે કર્યો હતો. ઇંતજારી અને ચિંતા બંનેથી દૂર રહી સઘળાં પ્રયત્નો કરી રહ્યા હતાં. બંને જણાને વિશ્વાસ હતો કે ચમત્કાર થાય તો જ રોહન પાછો પહેલાના જેવો હસતો રમતો થાય.કર્મનિષ્ઠ બની બધાજ પ્રયાસો જારી હતા.જેને કારણે બધા નિર્ણયો શાંત ચિત્તે કરી શકતા.સમતા જાળવી પુત્રને કાજે બધી દિશાઓમાં પ્રયાસ ચાલુ હતા.

રાજેશ અને રીના ઘરમાં સાથે હોય ત્યારે હંમેશા રોહનની બાજુમાં બેઠા હોય. તેની પુરાની વાતો કરી દિલ બહેલાવતાં હોય. રોહનની વિતેલી જીંદગીના રમૂજ ભરેલાં પ્રસંગો પર બંને જણા હાસ્યની છોળો ઉડાડે અને કહે,રોહન બેટા તને આ બધું યાદ છે ને ?

રીયા દર અઠવાડિયે રોય સાથે ભાઈલાની મનગમતી ઢેર સારી વસ્તુઓ લઈને આવે.તેને પહેરાવે અને ફોટા પાડે. ભલેને રોહન તેનો વળતો કોઈ જવાબ ન આપે.ભાઈલુને જોઈ પોતે ખુશ થાયને તાળીઓ પાડી ઉઠે.

રક્ષાબંધનને દિવસે બની ઠનીને આવી.કુમકુમનો ચાંદલો કર્યો આરતી ઉતારી અને ભાવતી અંગુર રબડી ખવડાવી.
ભાઈલાની કલાઈ પર પ્રેમેથી રક્ષા બાંધી.તેનો વહાલો નાનો ભાઈ ક્યાં કોઈ પણ પ્રતિક્રિયા કરવા સમર્થ હતો ? જાણતી હતી તેનું અંતર વલોવાતું પણ આંસુ છુપાવી હોઠ પર સ્મિત રેલાવતી.

પપ્પાએ જ્યારે કવર હાથમાં થમાવ્યું ત્યારે આલિંગન આપતાં બોલી ,’પપ્પા જે દિવસે રોહન આપશે ત્યારે જો તમારી
સઘળી મિલકત પણ આપશે તો લઈશ ! મારા વીરાના હાથે જ મને ખપે !’

રાજેશ અને રીના કશું જ બોલ્યા નહી અને જમવા બેઠાં.રમા પણ રોહનને પ્રેમથી સુંદર વાનગીઓ જમાડી રહી હતી.

રોહન,પોતાની દુનિયામાં હતો.હમણાં ચારેક દિવસથી આંખ ખોલી બધું જોતો પણ તેને કશું પરિચિત લાગતું નહી !રોહનના દિવસનો કાર્યક્રમ એકદમ નક્કી હોય.સવારનું નિત્યક્રમ પુરું થાય એટલે નાહીને તૈયાર થયેલો રોહન કનૈયા કુંવર જેવો લાગે. તેના માટે તાજાં ફળોનો રસ ,નિત્ય નવિન વાનગી અને કેસર બદામનું દુધ. પ્રમાણ થોડું હોય પણ પૌષ્ટિક.

આખો વખત પલંગ પર હોય તેથી રીના કાળજી પૂર્વક તેના માટે સવાર,બપોર અને સાંજનું ખાવાનું તૈયાર કરતી. તેની સાથે પ્રેમ પૂર્વકનો વાર્તાલાપ તો લગભગ નિત્યનો ક્રમ થઈ ગયો હતો.રીનાએ બહાર જવાનું પણ ઘણું ઓછું કરી નાખ્યું હતું.વ્યવહારમાં જવું પડે ત્યાં જતી.બાકી રાજેશને કહેતી ‘તું જઈ આવ હું નહી આવું તો ચાલશે.”

આંખના રતનને ઘરમાં મૂકી ક્યાંય જવાનું તેને દિલ નહોતું થતું.રાજેશ ઘણી વખત રીયા અને રોયને રોહન ભળાવી જબરદસ્તીથી રીના સાથે ચારેક દિવસ મહાબળેશ્વર જતો.બંને જણા શાંતિથી ત્યા બોટીંગ કરતાં, સૂર્યાસ્ત જોવા જતા.રોહન યાદ આવતો છતાં પણ થોડી શાંતિ અનુભવતા.

રાજેશ ધ્યાન રાખતો પતિ પત્ની પ્રેમની ઉષ્મા માણતા અને તાકાત ભેગી કરી ઘરે પાછાં ફરતા. જે વાત પોતાના હાથમાં નથી તેની પાછળ કાયમની ચિંતા ઘણીવાર ગેરવ્યાજબી લાગતી. બાકી તેની સારવારમાં હસતે મુખે સદા તત્પર રહેતાં.

ફિઝિકલ થેરપિસ્ટ આવે,સ્પીચ થેરપિસ્ટ આવે ત્યારે રીના તેનું બરાબર ધ્યાન રાખે.તેની પ્રગતિ સંતોષકારક હોય ત્યારે એની આંખો ચમકી ઉઠતી. રોહનમાં ઘણો ફરક પડ્યો હતો.તેની ડાબી બાજુનું મગજ સુંદર કાર્ય કરતું હતું. તેનો ઉત્સાહ દાદ માગી લે તેવો જણાતો. ભલે તે પોતાનું સમતોલન ન જાળવી શકતો પણ તકિયાને સહારે ઉત્સાહ પૂર્વક કાર્ય કરતો.

રાજેશ પણ પોતાનું સવારનું કામકાજ પતાવી રોહન સાથે પોણો કલાક વાતો કરે.રમૂજી ટૂચકા સંભળાવે,ધંધાની વાત કરે,પ્રેમેથી દીકરાને પસવારી કહે,”ચાલ બેટા હું જમીને નિકળું.આ મુંબઈના ટ્રાફિકમાં હજુ અડધો કલાક લાગશે.જો મોડું થયું તો દુકાન પાસે ગાડી પાર્ક કરવાની જગ્યા નઈ મળે, કહીને ખડખડાટ હસે.’

કોને ખબર રાજેશ અને રીના ભગવાને કઈ માટીના ઘડ્યા છે?હસતે મુખે દીકરાની સારવાર કરે,પૈસા પાણીની જેમ ખર્ચે.દિલમાં આશાની જ્યોત ઝળહળે છે “મારો રોહન એક દિવસ મા અને પાપા કહીને પલંગમાં બેઠો થઈ જશે.”

આજે સિલોન અને ભારત વચ્ચે ક્રિકેટ મેચ હતી.જો ભારત જીતે તો પાકિસ્તાન સાથે જીતેલી ટીમ રમવાની હતી. સુંદર સ્પર્ધાત્મક વાતાવરણ હતું.રાજેશને દુકાને જવાનું મન ન હતું.ઘરમાં બેસી સહુ સાથે મેચની મઝા માણવી હતી.

રીનાએ પ્રેમથી કહ્યું જો ‘આપણે સિલોન સામે જીતી જઈએ તો પાકિસ્તાન સાથેની મેચ બધા સાથે જોઇશું.’

રાજેશે વચન લીધું ‘જો કાલે ફરી નહી જતી.’

રીના કહે મારા રોહનના સમ બસ. હવે તો તને વિશ્વાસ આવે છે ને! હું મારા દિકરાના કદી ખોટા સોગન ન ખાંઉ.’

રાજેશ એક પણ શબ્દ બોલ્યા વગર નિકળી ગયો.ડોક્ટરો સાથે નિયમિત તેની પ્રગતિની વાતો કરે. ફિઝિકલ થેરપિસ્ટ દરરોજ આવે અને તેનો ઈલાજ કરે. દિવસ દરમ્યાન રમા અને મારૂતિ તેની દેખરેખ રાખે અને હાથે પગે માલિશ કરે તેને વાર્તાઓ કહે.સાથે બેસીને ટી.વી. જુએ.સુંદર માવજતને કારણે હવે રોહન બધાને થોડું થોડું ઓળખતો થયો હતો. તેની આંખોના ભાવ ઘણું બધું સૂચવતા.

રોહન આંખ ખુલ્લી રાખી તેનાથી પ્રેમની વર્ષામાં સહુને ભિંજવતો.પોતાની જાતે કશું જ કરવા તે અસમર્થ હતો. કિંતુ આજુબાજુનું વાતાવરણ એવું ખુશનુમા હતું કે તેના સ્પદંનો રોહન જરૂરથી અનુભવતો. એ વાતની માત્ર કુદરતને જ ખબર બીજા કોઈને નહી. અરે ડૉક્ટરો પણ કશું કળી શકતા ન હતા.

કુદરત આગળ કોઈનું ચાલ્યું છે કે ડોક્ટરોનું ચાલે!

રોહનના મુખ પર આનંદના ભાવ પ્રદર્શિત થતાં.જેનાથી તેના મુખની રેખા વધારે દેદિપ્યમાન લાગતી. રીના તેને તાજા ફળોના રસ, નિત નવા સૂપ બનાવીને પિવડાવતી. રોહન ખાવા પીવામાં ખૂબ ચોક્કસ હતો. રીના ખૂબ કાળજી પૂર્વક દીકરાનો ગમો અણગમો ખ્યાલમાં રાખી હોંશે હોંશે તેની કાળજી લેતી.

મારૂતિ અને રમા હવે પરિવારના સભ્ય બની ગયા હતા.’ફિઝિકલ થેરપિસ્ટ’પણ ખૂબ પ્રેમથી તેના અંગોને પૂર્વવત સ્થિતિમાં લાવવાની કોશિશ કરતી.ખબર નહી પણ રોહન હતો જ એવો મીઠડો કે આવી હાલતમાં પણ બધાની આંખનો સિતારો બની ગયો હતો.

આજે અમેરિકાથી કાગળ આવ્યો હતો.રોહનની ‘સેંટ લુઈસ,વોશિંગ્ટન યુનિવર્સિટિમાં’એડમિશન માટેની સંપૂર્ણ માહિતી હતી. રીના, રાજેશની ઘરે આવવાની રાહ જોતી બાલ્કનીમાં ઉભી હતી. હમણાંજ રોહને સૂપ પિવડાવીને રમા પણ આવી.

રમાઃ’ ભાભી તમે શામાટે રડો છો?’

રીનાઃ ‘ તને ખબર છે મારા હાથમાં શું છે?’

રમાઃ ‘કવર પરથી લાગે છે કાગળ પરદેશથી આવ્યો છે.

રીનાઃ કામકાજમાં ઢીલને કારણે મોડો મોડો પણ આ કાગળ આજે મળ્યો.અરે, ખુશ ખબર છે.મારા રોહનને અમેરિકાની “વોશિંગ્ટન યુનિવર્સિટિ,સેંટ લુઈસની’કોલેજમાં એડમિશન મળી ગયું તેનો કાગળ છે.બે વર્ષ પહેલાં એડમિશન મળ્યું ત્યારે’એપ્લિકેશન’કરી હતી કે બે વર્ષનુ ‘એક્સટેન્શન’ જોઈએ છે. આજે જ્યારે રોહનની હાલતમાં કોઈ ફરક જણાતો નહી. તેથી રીનાની આંખો તેના કહ્યામાં ન હતી.

રોહન, બેટા ઉઠ જવાની તૈયારી કરીએ. બેટા, હું અને પપ્પા તને મૂકવા આવીશું.’જો કેવા સુંદર સમાચાર છે. હજુ તો વાક્ય પુરું થાય ન થાય ત્યાંતો રીના મુખ બે હાથમાં છુપાવી બાજુના રૂમમાં જતી રહી.

રમાને કાંઈ સમજ ન પડી.ગુંચવાયેલી રસોડામાં જઈ રોહન માટે મોસંબી અને સંતરા છોલી રસ કાઢવામાં પરોવાઈ ગઈ.

રીના કાગને ડોળે રાજેશના ઘરે આવવાની રાહ જોતી હતી.અંતરમાં થર થર કાંપતી હતી કે આવશે અને જ્યારે સમાચાર આપીશ ત્યારે વાતની શરૂઆત કેવી રીતે કરીશ ?

રાજેશના આવતાં પહેલાં પેટ ભરીને રડી લીધું. બાથરૂમમાં જઈ અને વાળને શેમ્પુ કરી નાહી ધોઈને તૈયાર થઈને આવી.રાજેશને જરા પણ ગંધ ન આવવી જૉઈએ કે તે રડી હતી ! બંને પતિ પત્ની એકબીજાનો સહારો હતાં. ભલે એક બીજાથી દિલના દર્દની વાત છુપાવે પણ તેમની નજર અને આંખો મળે ત્યારે બોલ્યા વગર બધી વાતો કરી લેતાં. સામન્યતઃ પતિ અને પત્ની ઝઘડતાં દેખાય છે. રાજેશ અને રીના ઝઘડો કરવાનું તો ભૂલી જ ગયા હતા. જ્યાં પ્યાર કરવાનો સમય ન હતો ત્યાં તકરાર કેવી રીતે અને કયા કારણ કાજે કરે?

રોહન ગોવાથી આવ્યો ત્યાર પછીથી રાજેશ અને રીના ઝઘડવાનું ભુલી ગયા હતાં. પ્યાર કદીક કદીક કરી લઈ દુન્યવી દર્દને ભુલવાની કોશિશ કરતાં.તેમાં ક્ષણિક આનંદ માણી,હરી ફરીને રોહનની વાત ઉપર આવીને ગાડી અટકી જતી.’મારો રોહન આમ કરતો હતો, ને મારો રોહન તેમ કરતો હતો.’ રીના ભૂતકાળની વાતો એટલા ઉમળકાભેર કરતી કે રાજેશ તેના મુખ પરનો આનંદ પ્રેમે નિરખતો અને હસીને સાથ દેતો.

થોડીક પળો માટે બંને પતિ પત્ની રોહનની વર્તમાનની હાલત વિસારે પાડતાં.એમાં જ્યારે રીયા અને રોય ભળતા તો
મંગલ વાતાવરણ ઘરમાં પ્રસરી જતું.રોહનના રૂમમાં જ આનંદનું મોજું ફરી વળતું અનાયાસે રોહન જાણે અનજાણે મુખ પર હાસ્ય ફરકાવતો ત્યારે તેમનો આનંદ બેવડાઈ જતો.

આજે રાજેશ સવારે વહેલો ઉઠીને રીનાને કહે છે,’ જો ધ્યાન દઈને સાંભળ હવેથી આપણે નક્કી કરવાનું છે દર રવિવારે રોહનને ક્યાં ફરવા લઈ જવો !તને નથી લાગતું ચાર વર્ષથી એ ઘરની નિયમિત બહાર નિકળ્યો નથી ! કોઈક વાર આપણે લઈ જઈએ તે જ.

રોહન, ગોવા શું ગયો બસ હરવા ફરવાનું ભૂલી ગયો છે ! આજે હું જૂની ગાડી બદલીને નવી સ્ટેશન વેગન લઈ આવું છું. તું પણ સાથે ચલ તેને અગવડ ન પડે એ જોવાની જવાબદારી તારી.તેની વ્હીલ ચેર માટે લિફ્ટ પણ મૂકાવવી પડશે.’

રાજેશ બધું એવી સરસ રીતે વર્ણવી શકતો હતો એ સાંભળીને રીના આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ.તેને જરા પણ અણસાર ન હતો કે રાજેશે આવી સરસ યોજના ક્યારે ઘડી.રાજેશ માટે તેના દિલમાં પ્યારનું મોજું ફરી વળ્યું.ગર્વભેર તેની વાત સાંભળીને બોલી, મારી રસોઈ થઈ ગઈ છે. રોહનને રમાએ હમણા જમાડી લીધો છે.મારૂતિ તેને સાફ કરી રાતનો નાઈટ ડ્રેસ પહેરાવી સુવડાવશે.

‘રોહન ઉઠે એટલે તેને શું આપવું એ હું રમાને સમજાવી દઈશ.’આપણને ગાડી ખરીદતાં કમસે કમ ત્રણ કલાક થશે. રીનાનો ઉમંગ સમાતો ન હતો. રોહન ઘર બહાર નિકળશે.જુહુના દરિયા કિનારે અને પાલવા લઈ જઈશું.રેડિયો ક્લબના પ્રાંગણમાં બેસીને પૂનમની નિતરતી ચાંદનીમાં ડીનર ખાઈશું.ઘડી ભર ભૂલી ગઈકે રોહનને તો હજુ કશું જ ભાન નથી.

દિવા સ્વપ્ન જોતી રીના હકિકતનો સામનો કરવા તૈયર થઈ ગઈ.રમા અને મારૂતિને બધું સમજાવી રીના અને રાજેશ બહાર નિકળ્યા.બંને જણા આજે ઘણા વખત પછી ખૂબ ખુશ જણાયા.નક્કી કર્યું કે રીયા અને રોયને સુંદર’સરપ્રાઈઝ’ આપીશું.

સીધા કાર ડિલરને ત્યાં આવી ઉભા રહ્યા.નવા નવા ઘણાં મોડલ કારના જોયા. રીનાને રોહનનો મન પસંદ લાલ રંગ પસંદ આવ્યો.તેમને બંનેને હિંદુસ્તાનમાં બનેલી ગાડી લેવાનો આગ્રહ હતો.મારૂતિ અને રમા ને બેસવાની સગવડ પણ જોઈ. ૯ જણાં બેસી શકે તેવી મોટી ગાડી લીધી જેથી રીયા અને રોય પણ સમય હોય ત્યારે સાથે આવી શકે.

રોહનના બે મિત્રો જે દરઠવાડીયે તેને મળવા આવતાં અને ચાલી રહેલી બધી પ્રવૃત્તિઓથી તેને વાકેફ કરતાં.નવી ગાડી આવી ગઈ મારૂતિએ નાળિયેર ફોડ્યું.રમાએ કૃષ્ણની છબી પધરાવી આરતી ઉતારી.સહુથી પહેલાં બધા બાબુલનાથ દર્શન કરવા ગયા. રીનાએ ભેટ મૂકી ઈશ્વરને મનોમન પ્રાર્થના કરી.શું કરી તે ખુદ જાણે અને બીજો તેનો કનૈયો!

રોહન હવે થોડું હસતો થયો હતો. તેના મુખમંડલ પર આનંદ ઉભરાયો.તેને જ ખબર હતી કે તેને શું થઈ રહ્યું છે.
રોહનને જોઈ બંને પતિ પત્નીએ સમાધાન કર્યું ‘જે છે તે આ છે. જીવન વિતાવવાનું છે તો પછી શામાટે હસી
ખુશીથી ન જીવીએ. દિકરો હસીને કેવો ખુશ થાય છે.હવે તે સમજવા લાગ્યો છે કે તેનો ગોવામાં અકસ્માત થયો હતો.

ભૂતકાળ હાથમાંથી સરી ગયો, ભવિષ્યની જાણ નથી જે છે તેનો હસતે મોઢે સ્વિકાર.એમાં જ સુખ અને ચેન સમાયેલાં છે. જે થયું તે ન થયું થવાનું નથી.

સ્વપ્નવત ભવિષ્ય   પ્રકરણ  ૧3
==============
ભવિષ્ય રોહનનુ, રમાનું અને મારૂતિનું એક બીજા સાથે અટૂટ બંધનથી સંકળાયેલું હતું.સ્વાર્થ કરતાં પ્રેમ તેનો પાયો હતો.પરસ્પર એક મેક દિલના તારથી સંકળાયેલાં હતાં.ત્રણ જણાનું વર્તમાન ઉજ્જવળ અને કારકિર્દીમાં વ્યસ્ત હોવાથી તેમનું ભવિષ્ય આપોઆપ જ ભવ્ય અને આશાસ્પદ હોય તેમાં બે મત નથી. રોહનની પ્રગતિ ભલે ધીરી હતી કિંતુ સતત હતી. મારૂતિ અને રમાનો ફાળો તેમાં નાનો સૂનો ન હતો.હા,તેમને કામ કરવાના પૈસા જરૂર મળતા હતા.

પૈસા કરતા તેમને રોહન સાથે દિલનો નાતો બંધાયો હતો.૨૪ કલાક ખડે પગે તેની ચાકરી કરી રહ્યા હતા. મારૂતિના બાળકો ભણી રહ્યા હતા. જેથી રાજેશ અને રીના પણ ખુશ હતા.રમાનો સંસાર સુખી હતો એકલી હતી તેથી ભવિષ્ય માટે વ્યવસ્થા થઈ રહી હતી.

રાજેશ અને રીના એ તેને જીવન પર્યંત પોતાને ત્યાં રહેવાનું ખ્લ્લા દિલે આમંત્રણ આપ્યું હતું.જે રમાને મૌન સંમતિ દ્વારા સ્વિકાર્ય હતું.મારૂતિ અને રમા હમણાં હમણાં કાંઇ ગાંડી ઘેલી વાત કરતાં હોય તેમ રીનાને લાગ્યું.

બન્ને જણાને રોહનની લગની લાગી ગઈ હતી. પહેલાં દિવસથી રોહન તેમની સારવાર હેઠળ હતૉ.રમાને પૈસા કરતાં રોહનમાં વધારે રસ હતો. મારૂતિને સારી આવકને કારણે બંને બાળકો કોલેજમાં ભણી રહ્યા હતાં. ઘરે જતો પણ ખૂબ ઓછું.રીના અને રાજેશ જબરદસ્તીથી મોકલતા.કહેતાં ‘જા તારી પત્ની અને બાળકોને થોડો સમય આપ અમે તારો પગાર નહી કાપીએ’.મારૂતીની આંખમાં બે બુંદ આવી જતાં.તેને ખબર હતી તેના શેઠ અને શેઠાણી કેટલાં ભલા છે.

રીના અને રાજેશે જીંદગીની પરિક્ષામાંથી ઘણું ગ્રહણ કર્યું.તેમેનો દિકરો આગળ ભણવાને બદલે અકસ્માતમાં સપડાયો અને વિષમ પરિસ્થિતિમાં મૂકાયા. મારૂતિના બાળકો ભણીગણીને આગળ આવે તેની તકેદારી રાખતાં.તેમના ભણવા માટે પૈસા આપતાં. ઉપરાંત મિત્ર મંડળ પાસેથી પણ ઉઘરાવી તેને મદદ કરતાં.બાળકો ભણે ત્યારે માતા પિતાની ખુશી અવર્ણનિય છે તેનો તેમને અંદાઝ હતો.

એક વખત રીનાની બપોરે આંખ મળી ગઈ હતી. ઉઠી ત્યારે રમા અને મારૂતિનો વાર્તાલાપ કાને પડ્યો.

મારૂતિ,’ આપણો રોહન, નાના શેઠ સારા થઈ જાય પછી હું તો ક્યાંય જવાનો નથી!તેમની ઓફિસમાં હું પટાવાળાથી માંડીને બેંકમાં પૈસા કે ચેક ભરવા જવાનું કામ ઉપાડી લઈશ.તેમને જરા પણ તકલિફ ન પડે એવી રીતે સાચવીશ. તેમને ખબર પડશે કે આટલા વર્ષો તેમની દેખભાળમાં ગુજાર્યા છે તો મને સારા પગારની નોકરી જરૂરથી આપશે !’

રમા બોલતી સંભળાઈ ‘હું તો નર્સ છું પણ મને હિસાબ કિતાબ આવડે છે. મોટા શેઠની મદદથી બધું બરબર શીખી રોહન શેઠની ઓફિસમાં એકાઉન્ટીંગ સંભાળીશ.’બંને જણાએ પોતાની આવડત પ્રમાણેના કાર્યની વહેંચણી કરી લીધી.

દિવા સ્વપ્ન જોતા હોય તેમ રીના બંને વચ્ચેનો સંવાદ માણી રહી હતી. રમા અને મારૂતિ તેને મન ઘરના સદસ્ય હતા. કદી તેમને નોકરની જેમ ગણ્યા ન હતા.તેથી તો પોતાનો દીકરો તેમના ભરોસે વિના સંકોચે છોડીને જતી.

શું વાત કરું, રમા ઘણી વાર બળજબરીથી કહેતી ‘રીના બેટા તમે અને રાજેશ સિનેમા જોવા જાવ’.રોહનની જરા પણ ચિંતા કરતાં નહી. રીનાને થતું આવું તો મારા મમ્મી કે સાસુમા પણ નથી કહેતાં.રમાએ રોહનને તથા પૂરા પરિવારને પ્યારથી જીતી લીધાં હતાં.

રમા,’ જોજે મારૂતિ આપણા નાના શેઠને જરા પણ તકલિફ પડવી ન જોઈએ.’

મારૂતિ,’ હું ખડે પગે તેમનો પડ્યો બોલ ઝીલી લઈશ.’

રમા, ‘યાદ રાખજે આપણે લોહીના પાણી કરી નાના શેઠને બચાવ્યા છે’.

મારૂતિ,’ એમની તબિયત નાજુક છે. હજુ પણ થોડી ઘણી અસર વરતાય છે.

નાના શેઠે જાણે સારા થઈ બધો કારોબાર ન સંભાળી લીધો હોય તેવી વાત ચીત સાંભળી રીના હરખાઈ ઉઠી. રમા અને મારૂતી જાણે ઘરના સભ્ય હોય તે પ્રમાણે રહેતાં.તેમને નોકરી કરે છે એવો ભાવ કદી ન લાવતી.

રીનાનો પ્રેમાળ સ્વભાવ, રમા અને મારૂતી પ્રત્યેની લાગણીને કારણે ‘રોહન ખૂબ સુંદર રીતે પ્રગતિ સાધી રહ્યો હતો. દિવા સ્વપના જોવાના બંને જણાએ શરૂ કરી લીધા હતાં. તેમને સો ટકા ખાત્રી હતી ‘રોહન શેઠ’ પાછા હરતા ફરતા થઈ જશે. તેની દેખરેખ પાછળ પ્રાણ રેડી રહ્યા હતા.ધંધો પણ એવો શોધ્યો હતો જેમાં ‘નાના શેઠ’ને બહુ તકલિફ ન પડે. રીના અને રાજેશને રાહત થાય. બંને જણા વર્ષોથી દિકરાની પાછળ તન, મન અને ધનથી દિવસ અને રાત જોતાં ન હતા.

રીના આ બંનેની વાતો સાંભળીને ખૂબ પ્રભાવિત થઈ. તેને અતિ આનંદ થયો કે દીકરો રોહન ખૂબ નસિબ વાળો છે. જાણે નજર સમક્ષ રોહન પોતાની નાની ઓફિસમાં રિવોલ્વિંગ ખુરશી પર બેઠો હોય અને રાજેશનો બોજો હળવો થયો
હોય તેવું તેને લાગ્યું.

રીના, મારૂતિ અને રમા વચ્ચેનો વાર્તાલાપ સાંભળી સૂતી નહતી છતાં પડી રહી.બંને જણા ખડખડાટ હસી રહ્યા હતા.

મારૂતિઃ નાના શેઠ આપણને ખૂબ ઇજ્જત અને સનમાન પૂર્વક સંભાળશે. ભલેને લાખો રૂપિયા કમાશે પણ આપણી પૂરે પૂરી તકેદારી રાખશે. નાના શેઠે આપણને તેમની મોહિની લગાડી છે.ખબર નહી કેમ હજુ ભગવાન તેમની કેટલી કસોટી કરવાના છે!’

રમાઃ ‘આ તો દેહના દંડ છે દેહે ભોગવવા જ રહ્યા. બાકી નાના શેઠની આવી હાલત ને કારણે આપણે તેમની તરફ ખેંચાયા.બસ હવે પ્રભુ તેમને સાજા નરવા કરી દે!

ત્યાં જ ફોનની ઘંટડી રણકી અને રીના દિવા સ્વપ્નમાંથી બહાર આવી.તેને વાત સાંભળવી હતી પણ ફોન રાજેશનો જ હશે તેની એને ખાત્રી હતી.દરરોજ આ સમયે રાજેશ ફોન કરી રોહન તેમજ રીનાના હાલ જાણવા માટે !

રાજેશઃ હેલો સ્વીટી,કેમ છે? કેમ છે આપણો પાટવી કુંવર’.

રીના, ‘કેમ આજે ખૂબ આનંદમા લાગે છે.

રાજેશ, હા, આજે મોટો ઓર્ડર મળ્યો છે, તું હંમેશા પૈસાની ચિંતા કરતી હોય છે,પણ આપણા શ્રીજી બાવા ખૂબ કૃપાળુ છે એક દિવસ તું જોઈશ રોહન ખાટલામાંથી બેઠો થઈ જશે.’

રીના, હા, તારી વાત સાવ સાચી છે, મોહન અને રમા આજે તેના વિશે જ વાત કરતાં હતાં. તું ઘરે આવ પછી તને બધી વાત વિગતે કહીશ.’

રીનાએ અડધી વાત કરી ફોન મૂકી દીધો.અધવચ્ચે વાત કપાઈ ગઈ.રાજેશ બેબાકળો બની ગયો. આમ પણ આજનો દિવસ ખૂબ સરસ ગયો હતો.રાજેશથી રહેવાયું નહી.વાત સાંભળી તેને જાણવું હતું. ઓફિસના માણસોને બાકીનું
કામ સમજાવી કલાકમાં તો ઘરે આવી ગયો.

રીના ખૂબ ખુશ થઈ.બંને જણા ચહા સાથે ચવાણું અને બિસ્કિટ લઈ બાલ્કનીમાં બેઠા ગુફતગુ કરવા લાગ્યા.

રાજેશને રીનાએ અક્ષરશઃ વાત સંભળાવી રહી હતી. જો વાત સાંભળતા રાજેશને આટલી ખુશી થતી હોય તો આ હકિકતમાં પરિણમે તો શું હાલ થાય?

ખેર, એ તો બહુ દૂરની વાત છે. બંને જણા પાછા રોહનના કમરામાં આવ્યા. આખા દિવસનો હેવાલ આપવા લાગ્યા. હવે રોહનને કહીએ કે ‘તાળી આપ’ તો બહુ સરસ રીતે આપતો અને મધુરું હાસ્ય રેલાવતો.

મનોમંથન  પ્રકરણ 14
==========
અરે, રાજેશ જલ્દી આવ જોતો ખરો રોહન આજે મારી સામું જોઈને હસ્યો. વહાલથી મમ્મા કહેતાં હોઠ ફફડાવ્યા.તેની આંખો સ્પષ્ટ મને કંઈ કહેવા તત્પર છે. આટલા વર્ષોનો હ્રદયનો ભાર તે હળવો કરવા માગે છે. રાજેશ મારો રોહન મને પાછો મળ્યો!

રાજેશ,જલ્દી આવ, રીયાને ફોન કરીને બોલાવ.

રાજેશ, રીના જરા શાંત થા. તને કદાચ વહેમ ન હોય !

રીના, રાજેશ શું તું મારા કરતા રોહનને વધારે ઓળખે છે? ૨૪ કલાક તેની સાથે હું હોંઉ છું કે તું?

રાજેશ,’ રીના તું મારી બાજુમાં બેસ.આજે રવિવાર છે. મહારાજ બધી રસોઈ બનાવશે.તારે અંહીથી ખસવાનું નથી. સમજી મારી રાણી. આપણે બંને તેને જોયા જ કરીએ .જે પળ તે અનુભવી તે પાછી જરૂર આવશે ! ચાલ આપણે બંને સાથે બેસીને તેનો લહાવો લઈએ.’

રીના બાજુમાં બેસી ગઈ.

રોજ નવું નવું રોહન શિખતો અને રાજેશ અને રીના ખુશ થતાં.’ગીતા’ નવરાશની પળોમાં રીનાનો સાથી બની ગઈ હતી. તેનો મનમાન્યો શ્લોક હતો ” કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન”.એનું રટણ કરતાં રીના સુખ પામતી. આજે વિચારે ચડી ગઈ કે આ ખાટલે સૂતેલો રોહન સાચો કે ૨૧ વર્ષ સુધી લાલન પાલન મેળવી એંન્જીનિયરિંગમાં ભણતો રોહન ?

જ્યારે રોહનનો જન્મ થયો ત્યારે રાજેશના મુખમાંથી ‘વાહ” કેવો સુંદર દીકરો પ્રભુએ દીધો શબ્દ નિકળ્યા હતા. આજે તેને જોઈને ‘આહ’ નિકળી જતી હતી. સમય બડા બલવાન હૈ નહી મનુષ્ય બલવાન. તેને કાને શબ્દો અ્થડાયા,” મમ્મી ખાવાંમાં બહુ ભારે નહી મૂકતી કે જમ્યા પછી વર્ગમાં ઉંઘ આવે.” અરે જરા જલ્દી કરને મારી ડબલ ફાસ્ટ ટ્રેઈન ચૂકી જઈશ’

રીનાએ બે હાથ વડે કાન હળવેથી બંધ કર્યા.તેને થયું બૌધ્ધિક પ્રત્યાઘાતો,લાગણીઓ,સ્વભાવ, ગુસ્સો, ટેવ, સઘળું રોહનના પાછલા જીવનના પરિપાક રૂપ હતા. આજે પાંચ વર્ષથી રોહનની જે પરિસ્થિતિ છે તે પણ એટલી જ સત્ય છે. સત્ય અને સ્વતંત્રતા જેટલા ત્યારે અસ્તિત્વમાં હતાં તે આજે પણ છે. તે હંમેશા રાજેશને કહેતી, રોહન માત્ર વિનાશી
શરીર નથી! કિંતુ અવિનાશી આત્મા છે.

આ એ જ રોહન છે જેને મેં નવ મહિના ઉદરે પોષ્યો હતો.૨૪ કલાક રોહનના સાંનિધ્યમાં ગુજારતી રીના આખરે જાણવા મિથ્યા પ્રયાસ કરી રહી હતી.રોહન કોણ? રાજેશ કોણ ? રીના કોણ ? જેને છાતીએ ચાંપી અમૃત સમાન
દુધ પિવડાવ્યું હતું. રાતની ઉંઘ વિસારે પાડી હતી. તેની આંગળી પકડી પા પા પગલી પડાવી હતી.”

રોહન અને રીયાના બાળપણના તોફાનો નજર સમક્ષ તરવરતાં હતાં.ભાઈ બહેનનો નિર્મળ પ્યાર જાણે એકાએક તેનું બાષ્પિભવન થઈ ગયું.

“રીયા પરણીને સાસરે ગઈ અને રોહન શું ગોવા ફરવા ગયો ! અંજામ નજર સમક્ષ છે. રીના અવઢવમાં હતી. શું સાચું? રોહનને વાસના,લાગણી કશાનો સ્પર્શ થતો ન હતો.પોતાની દુનિયામાં મસ્ત હતો.જ્યારે હસે ત્યારે સોહામણો લાગતો રોહન ક્યારે મુખના ભાવ બદલી નાખે ખબર પણ ન પડે!ફરિશ્તા જેવા તેના મુખના હાવભાવ જણાય. તેની આજુબાજુના સઘળાં રોહનનો બધો અનુભવ પામી રહ્યા હતાં.રોહન સહુના પ્રેમનું કેંદ્ર હતો.

જાગીએ ત્યારે જે જણાય છે તે સાચું?કે ઉંઘમાં નિત્ય નવા સ્વપના આવે તે?એવી એક આંખ તો બતાવો જેણે આંસુ સારી રૂમાલ ન ભિંજવ્યા હોય. એવું એક ઘર તો બતવો કે જેને ત્યાંથી વહાલાંઓ ઠાઠડી પર પોઢી સ્મશાનમાં ભડભડતી ચિતામાં બળી રાખમાં ન ફેરવાયા હોય?

જાગવું કોને કહેવું?

રોજ રાત્રીની સુંદર નિદ્રા પૂરી થાય અને સવારે કૂકડો બોલે તે જાગવું કે પછી ભૌતિકતામાં રચ્યા પચ્યા રહ્યા પછી ત્યાગ વૃત્તિ કેળવીને સુંદર જીવન જીવવાનો પ્રયાસ આદરવો.સંસારમા હોવાથી સંસારના નીતિ નિયમોનું પાલન તો રાજા રામ અને કૃષ્ણને પણ કરવું પડ્યું હતું!

સુંદર,સોહામણો,ફુટડો,જુવાન રોહન જ્યારે ગોવા ગયો ત્યારે ખબર હતી તેનો અંજામ શું આવશે ? જુવાન દિલે મહોબ્બતમાં ધડકવાનું શરૂ કર્યું ત્યારે જાણ હતી કે તે લગ્નમાં પરિણમશે યા નહી ?”ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે?” રાજ્યાભિષેક યા વનવાસ? અમેરિકા વધુ અભ્યાસ માટે પ્રયાણ યા ઉમ્રભર વહાલાંનો વિયોગ અને
પરાધિનતા! આજે રોહનની હાલતમાં ઘણો ફરક પડ્યો છે.બધું જ સમજી શકવાની કાબેલિયત પાછી ઈશ્વર કૃપાએ પામ્યો છે.

પોતાની હાલતથી સંપૂર્ણ પણે માહિતગાર છે. જે નુકશાન તેના મગજના જ્ઞાનતંતુઓને પહોંચ્યું છે તે ફરી મેળવવાની શક્તિ હજુ આધુનિક વિજ્ઞાને નથી કેળવી. મગજ સુધી બધા સંદેશા પહોંચે છે.તેના જવાબ આપવાની સમર્થતા મગજે ઓક્સિજનના અભાવે ગુમાવી છે.

ભલુ થજો ફિજીકલ થેરપીસ્ટ અને સ્પીચ થેરપીસ્ટનું કે તેમના અથાગ પ્રયત્નને કારણે આજે રોહન નવા મુકામે પહોંચ્યો હતો.તેમને તેમના કામનું વળતર જરૂર મળતું પણ પ્યાર,ધગશ અને ઉત્સાહ દાદ માગી લે તેવા હતાં.રોહનના માતા અને પિતા બાળસેવા પ્રભુસેવા સમજી કરી રહ્યા હતા.

જીંદગીના કોઈ પણ ઝંઝાવાત તેમને ડગાવી ન શક્યા.તન, મન અને ધનથી અવિરત પણે રોહનની કાળજી કરી જીવનનો આનંદ લુંટી રહ્યા.

રીયા અને રોય ખડે પગે મમ્મી ,પપ્પા અને ભાઈલુ પર પ્રેમ વરસાવી રહ્યા હતા. રોહનની જીવવાની જીજીવિષા દાદ માગીલે તેવી છે. તેના માતા પિતા અને સઘળાં કુટુંબીજનોનો સુંદર સહયોગ પ્રશંશનીય છે. જો ઈશ્વર હાજરા હજૂર જોવો હોય તો રોહનના ઘરની મુલાકાત જરૂર લેજો. રોહનના માતા અને પિતા તેની આજની હાલત પર ઘણા સંતુષ્ટ છે.

હા,પહેલા જેવો રોહન પાછો પામવાની આશા ધરાવે છે. રોહનની સ્થિતિ ઘણી સુધરી છે. તેનામા આવેલા ફેરફારને હવે અપનાવી જીંદગી જીવવાની મઝા સહુ સાથે માણે છે. દાદા,દાદી ફરીથી રોહનને બેંગલોરમાં જોવા વિહવળ છે નાના,
નાની દીકરીની તપશ્ચર્યા ફળી તેના પર ગર્વ અનુભવે છે.રીયા બહેનીનો આનંદ સમાતો નથી.આજને સ્વિકારી શાંત અને પ્રસન્નતા પૂર્વકનું જીવન જીવે છે. જીવન સહજતાથી જીવી સહુ સ્થિતિને અનુરૂપ થઈ ગયા છે.

રાજેશ તો રોહન વગર કદી હેંગિગ ગાર્ડન ફરવા પણ જતો નથી.બાપ બેટો સાથે બેસી ત્યાંનુ સૌંદર્ય નિહાળી હાસ્ય અચૂક ફરકાવે છે.રીના રોહનની મનપસંદ વાનગી, ફળ ,સુપ, રસ તે ખાઈ શકે તેવા રૂપમાં તેને પિરસી હરખે છે. તેની મનપસંદ’ક્રિમ સેંટરમા’ સહુ સાથે છોલે ભટુરે ખાવા જાય ત્યારે રોહનનું મોઢું તેજસ્વી બને છે.ચોટીવાલાની કુલ્ફી ખાતાં રોહનના મોઢાની ભુગોળ ખૂબ સુંદર જણાય છે.ઘણીવાર તો એમ જ લાગે કે આ’રોહન’વધારે રૂડો કનૈયા કુંવર જેવો છે! પાંચ વર્ષ પહેલાંના રોહનની યાદમાં દુખી થવું એના કરતાં વર્તમાનમા રાચી તેનો આનંદ શામાટે ન લુંટવો?

ગૌતમભાઈ અને ગીતા બહેને રોહનનો તથા તેના માતા પિતાનો અંતરથી આભાર માન્યો. રોનકને સમજાવવામાં ખૂબ સહકાર તેમના તરફથી પામી કૃતાર્થતા અનુભવતા.રોનક,રોહનના પપ્પા અને મમ્મીને,પપ્પાજી તથા મમ્મીજીનું
સંબોધન કરતી. જે બંને ને ખૂબ ગમ્યું.

આખરે,રોનક ખૂબ સમજાવટ પછી પોતાનો સુહાનો સંસાર માડવા તૈયાર થઈ.રાજીવને મળી ત્યારે પ્રથમ મુલાકાતમાં પોતાના હૈયાના દ્વાર ખોલી સઘળી વાતથી વાકેફ કર્યો.તેને રાજીવને દિલથી ચાહી સંસાર શરૂ કરવો હતો. રાજીવ રોનકની નિખાલસતા પર વારી ગયો.અમેરિકાથી ભણીને આવેલો ઉદાર દિલવાળો રાજીવ માનવા જ તૈયાર ન
હતો કે રોનક આવી સહ્રદયી પવિત્ર દિલની છે !

ન્યુરોલોજીસ્ટ રાજીવના પિતા અને માતા બંને ડોક્ટર હતા.અમેરિકાથી ભણીને તેને ભારતમાં પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવો હતો. તેણે હસતે મુખે રોનકને અપનાવી.

એટલું જ નહી રોહનની પ્રગતિ અને સારવારની જવાબદારી હસતે મુખે સ્વિકારી. રોનક અજાયબીમાં ગરકાવ થઈ અને રાજીવ માટે પ્રાણ પાથર્યા.જ્યારે દર પંદર દિવસે રોહન પાસે એકલી આવી તેનો હાથ હાથમાં લઈ પોતાના સુખી સંસારની વાતોથી તેના દિલને રીઝવતી ત્યારે બે મોઢે રાજીવના વખાણ કરતી.

રોહન પરિસ્થિતિ પામી ગયો હતો.રોનક પણ રાજીવેને પોતાના મનની વાતો ખુલ્લા દીલે કરતી. રોહન હવે પ્રતિભાવ આપતો હતો. તેને બધી સમઝ પ્રાપ્ત થઈ હતી. પોતાની પરિસ્તિતિથી માહિતગાર હતો. રોનકને સુખી જોઈ આંખો અને મૃદુ હાસ્ય દ્વારા તેના આનંદનો ભાગીદાર બનતો.

રાજીવને આશા છે કે ભવિષ્યમાં અમેરિકામાં કોઈ નવી “સ્ટેમ સેલ”ની પદ્ધતિ શોધાય તો પૈસાની પરવા કર્યા વગર રોહનને ત્યાં લઈ જઈ સારવાર કરાવવી.

રોનકે રાજીવનું જીવન ખુશીઓથી પલ્લવિત કરી જ્યારે જોડિયા બાળકની ભેટ આપી ત્યારે આનંદ મંગલ છાઈ ગયો.
રાજેશ અને રીના,રાજીવના ખૂબ ખૂબ આભારી છે.

એક તો ડૉક્ટર અને બીજો સ્વભાવે લાગણીવશ રાજીવ રોહનના માતા અને પિતાને દુખ ન પહોંચે તેનું વિશેષ ખ્યાલ રાખે છે. ગીતા અને ગૌતમભાઈ રોનકના સુખી સંસારને જોઈ હરખે છે. રોહનના માતા પિતાનાં જીગરી દોસ્ત બની તેમના સુખ દુખના હરખભેર સમભાગિયા થઈ તેમને પોતાનો સાથ આપે છે.

રોહન હવે પહેલા જેવો થાય એવી શુભેચ્છા સહુ રાખી રહ્યા છે.આશા અમર છે. ક્યાક ચમત્કાર થાય યા આધુનિક વિજ્ઞાન આ ક્ષેત્રમાં હરણફાળ ભરે એવી જગત નિયંતાની વિનતી. રોહન ખૂબ સરસ રીતે જીવન જીવી ઘરના સહુના મુખ પર સ્મિત રેલાવવા શક્તિમાન થયો છે.

રીયા અને રોય રોહનને લઈ સહેલગાહે જાય ત્યારે વિસરી જાય છે તેની અસામન્યતા. રોહન સમજે છે બધું. રોનકના બાળકોને જોઈ આનંદ અનુભવે છે.

ગોવામાં નાના બાળકના જાનની રક્ષા કરી તેનો તેને આત્મ સંતોષ છે.

રોનકને પરણીને ઘરસંસાર માંડ્યો હોત તો કદાચ આજે તે બે બાળકોનો પિતા બનવા ભાગ્યશાળી થયો હોત ? આ બધું “તો” ઉપર આધારિત વાત છે !

નરસિંહ મહેતા એ કેવું સુંદર ભજન રચ્યું છે.

જાગીને જોંઉ તો જગત દીસે નહી

ઉંઘમાં અટપટા ભેદ ભાસે !

સુંદર સુહાની જીંદગી આજે સહુને શિરોમાન્ય છે !

*****************************************************************

Advertisements

2 responses

29 08 2012
pankaj

have pachi ni story kya

29 08 2012
kadakia pravina

It is coming every week. On this page you can read continuous

story. Thanks a lot.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: