વિના વાંકે ?

image-3

*******

આ જીવનમાં ક્યારેય કોઈના પર અવિશ્વાસ ન કરનાર રસીલા હીબકાં ભરીને

રડતી હતી. તમને ખબર છે, રડનારને આ દુનિયા સાથ ન આપે. દુનિયા સામે 

હસતા મોઢે ફરો તો તમને આવકાર મળશે. કહેવાય છે, ” આપ હસોગે તો હસેગી

દુનિયા, રોના પડેગા અકેલે”.   

આ વાક્યનો મર્મ જેટલો જલ્દી સમજાય તેટલું સારું. રસીલાની સહેલી રમોલા, તેના 

પર તેને પાકો ભરોસો. વર્ષોનો સંબંધ હતો. રસીલા સીધી સાદી અને રમીલા ભણેલી 

ગણેલી પણ બેની મિત્રતામાં ક્યારેય ભણતર આડે આવ્યું ન હતું. રસીલા ઉદાર મન

રાખી કશું મનમાં લાવે નહી. 

અધુરામાં પુરું રસીલા પતિ ગુમાવી બેઠી હતી. બાળકો પ્રેમાળ અને માન સન્માન જાળવતા. 

રમીલાને કોને ખબર કેમ અદેખાઈ આવતી. રમીલાના પતિએ આખી જીંદગી સાસરિયાનું 

માન જાળવ્યું ન હતું. જ્યારે રસીલાને બાળકો તેમજ તેના સાસરીવાળા આદર આપતા. 

રસીલા સાસરીમાં લગ્ન કર્યા ત્યારથી સહુને વહાલી હતી. તેનો પતિ ઘરમાં સહુનો પ્યારો

હતો, જેને કારણે રસીલા  પણ પ્રેમ પામી. હવે આવી ઝંઝટમાં પડવું રસીલાને ગમતું નહી.

તેને પ્રવૃત્તિમય જીંદગી ગમી હતી. રમીલા વારંવાર તેને સહયોગ પણ આપતી. 

જેમ પવન આવે ને દરિયામાં ભરતી આવે, પવન શાંત થાય તો દરિયો પણ શાંત જણાય. 

મિત્રતા તેની ચરમ સીમા પર હતી. રસીલા કારણ વગર કોઈને હેરાન પણ કરતી નહી.બાકી 

રહેલા જીવનના વર્ષ  વેડફવાની મરજી ન હતી. રમીલાને પણ જીવનમાં તકલીફ આવી હતી. 

રસીલા તેનો સાથ પ્રેમ પૂર્વક નિભાવી તેને સાંત્વના આપતી. મિત્રતાના મોલ રસીલા બરાબર

જાણતી હતી.  ખબર નહી કોણે રમીલાના કાનની ભંભેરણી કરી હતી ?

રાહ ભૂલેલાને રાહ બતાવો, જો પૂછે તો, વરના વ્યર્થ ! આ સંસારમાં કોઈ પણ બે વ્યક્તિને

ક્યારે અને શા કારણે વાંકું પડે  એ ભગવાન જાણે ! વાતાવરણ ધૂંધળું થઈ રહ્યું હતું. આશાના

કિરણો વિલીન થયા. રસીલા સતત દિલને પ્રશ્ન પૂછી રહી. આ ઉંમરે, આવું વર્તન શોભાસ્પદ નથી.

કિંતુ સમજવા ની તૈયારી ન હોય એવાને સમજાવવાની તકલીફ શાને લેવી ? જેમ ચાલે છે એમ જ

ચાલવા દીધું. 

રમીલા નવી સહેલીઓની સોબતમાં રસીલાને અન્યાય કરી બેસતી. રસીલા જાણતી પણ વર્ષો જૂના

સંબંધને મલિન કરવા માગતી ન હતી. રમીલાની નાદાનિયત પર આંખ આડા કાન કરતી. થોડી

દૂરી સ્વીકારી લીધી. રમીલાને ખટકતું મુંઝાતી પણ ખરી.

રમીલાને મનથી ઘણો પસ્તાવો થતો હતો. અહંકાર એવી બલા છે, જેને વશમાં કરવો એ 

આભના તારા તોડવા જેવી વાત છે. રસીલા બને તેટલી નરમાશથી સંબંધ જાળવી રહી હતી. 

રમીલાને એમ કે નવા મિત્રો મળ્યા છે તો ગાડું ગબડશે. અચાનક રમીલાને બીમારી આવી. 

પથારી વશ હાલત થઈ હતી. 

રસીલા બધી રીતે સહાય કરી રહી હતી. નવા મિત્રોનું ‘બાષ્પીભવન’ થઈ ગયું હતું. રમીલાને

ખાટલે પડ્યા, પડ્યા પસ્તાવો થઈ રહ્યો હતો. રસીલાની બધી મદદ સ્વીકારી. એક વખત રમીલા

બોલવા પણ જતી હતી, ત્યાં રસીલાએ આરામ કરવાની સૂચના આપી જેથી રમીલા કશું બોલી 

શકે નહી. રમીલા મનમાં પસ્તાઈ રહી હતી.

રસીલા વિચારોના સાગરમાં ડૂબકી મારી રહી !

સાક્ષી

servant
રોજ ઝરૂખામાં બેસવાની સુંદર આદત આજે પણ ચાલુ છે. ઝરૂખામાં બેસીને બહારની દુનિયાને નિહાળતાં ક્યારે ભીતરમાં સરી જવાય તેનો ખ્યાલ નથી રહેતો. બાળપણના એ દિવસો હતા રોજ અરબી સમુદ્રના મોજાં નિહાળતી. તેનો સુંદર અવાજ મને કર્ણપ્રિય હતો. પૂનમની રાતના તેના ઘૂઘવતાં મોજાનો અવાજ કાને સુરીલો લાગતો. અમાસની રાત નિરવ શાંતિ માં ખોવાઈ જતી. સમયનું ભાન પણ ન રહેતું.

આમને આમ દિવસો, મહિના અને વર્ષોના વહાણા વાઈ ગયા.આજે જીવનના સંધ્યા ટાણે બેસું ઝરૂખામાં અને અંદર ઉતરી તલાશ કરું . આ ઘુઘવાટ હવે શાંતિ માં પરિણમ્યો છે. બસ કેવી રીતે સમાજ ઉપયોગી કાર્ય કરું, તેના વિચારોમાં ખોવાઈ જઉં છું. એકાંત સાથે ગાઢ મૈત્રી નો અનુભવ કરું છું. ભીડમાં ખોવાઈ જાઉં છું. જીવનના દરેક તબક્કા દરમિયાન જુદા જુદા અનુભવ માંથી પસાર થવાનો  લહાવો માણ્યો છે. જીવનસાથી નો સંગ મધદરિયે ગુમાવ્યો છતાં વિયોગના આઘાતમાંથી બહાર આવી જીવન સફળ કરવાનો નિર્ધાર કર્યો.  પ્રેમાળ બાળકોની પ્રગતિ જોઈ સંતોષની લાગણી અનુભવી.

જીવન દરમિયાન કરેલી ભૂલોની માફી માગી. ઈશ્વરને પ્રાર્થના કરી, શેષ જીવન સરળતાથી, કોઈ પણ જાતના બેહુદા વિચારો નહીં  કરવાનો નિશ્ચય કર્યો. ‘બેટા તું નોકરી પર જા. હું છું ને ઘરમાં પછી શાની ચિંતા કરે છે?’ નંદા એ સાક્ષી ને કહ્યું. નંદાને નિવૃત્તિમાં પ્રવૃત્તિ મય જીવન ફાવી ગયું હતું. હવે  ન નોકરીએ જવાનું કે ન કોઈના લંચ બોક્સ તૈયાર કરવાના. ઘરમાંથી બધા આઠ પહેલા વિદાય થઈ જાય. પછી નિરાંતે ચા બનાવે અને છાપું લઈને વાંચવા બેસે. રોજ ‘સુડોકૂ’ સોલ્વ કરવાનું. જમ્બલ વર્ડસ બનાવવાના ખૂબ ગમતું. દિમાગી કસરત મળે એ નફામાં.

નંદા, સંતોષી સ્ત્રી હતી શ્લોક અને સાક્ષીના આનંદ માટે સઘળું ઉદાર દિલે કરતી. તેમાં તેને આનંદ પ્રાપ્ત થતો. નંદા હંમેશા વિચારતી, દીકરો વહુ જાય પછી તેને બધી સ્વતંત્રતા મળતી, દીકરા વહુ માટે સવારના નાસ્તાની તૈયારી તેના માટે આનંદનો વિષય હતો.

અચાનક વિચાર સ્ફૂર્યો, ૨૧મી સદીમાં માનવી ‘પૈસાને’ આટલું બધું મહત્વ કેમ આપતો હશે? હા,તે જીવન જરૂરિયાતની વસ્તુ છે ! તેમાં  શંકાને સ્થાન નથી ?કિંતુ સારા ચારિત્ર સમાન કોઈ પવિત્ર ધન નથી. માણસ પૈસા થી ધનવાન કહેવાય તેના જેવી કોઈ કરુણતા નથી. જે દિવસે પૈસા માનવને માપવાનું બેરોમિટર ગણાશે તે દિવસે આ ધરા પર અમાસના અંધારા છવાશે. મહાપુરુષો, ઋષિઓ તેમના ચારિત્રને કારણે શોભાયમાન છે. જેને કારણે સદીઓ અને યુગો પછી પણ તેઓ પંકાય છે.પૈસો યા લક્ષ્મી ચંચળ છે. 

પૈસા વગરના માનવ કંગાલ નથી ગણાતો.  ચારિત્ર વગરનું માનવ કશી કિંમત નથી. ચારિત્ર કોઈ પણ ભોગે સુરક્ષિત હોવું જોઈએ. ચારિત્ર હીન માનવ ભલેને પૈસામાં આળોટતો હશે તો પણ તેની કશી કિંમત નહી હોય. સામાન્ય માનવ, તેની પાસે સવારે ખાધા પછી રાત્રે મળશે કે નહીં એવો પ્રશ્ન ઉભો હોય છતાં તે જો ચારિત્રવાન હશે તો આદર પામશે. પૈસો સર્વસ્વ છે એ વિચાર અસ્થાને છે. 

ધનવાનો ખુલ્લે આમ જાણતા હોય છે કે ‘આ હું નથી બોલતો  પૈસો બોલે છે !’તેમને આદર અને સન્માન માત્ર સ્વાર્થ સાધવા પૂરતા હોય છે. સ્વાર્થ સર્યો અને ‘હું કોણ તું કોણ ‘જેવા હાલ થાય છે. જો પૈસા સાથે ચારિત્રનું બળ હોય તો ‘સોનામાં સુગંધ’ જેવું લાગે. જે દિવસે પૈસાથી માનવીની કિંમત  તેના પૈસા ને કારણે અંકાશે ત્યારે એ સમાજ ક્યાં જઈને અટકશે એ ગહન પ્રશ્ન છે !
પૈસાથી બધું ખરીદી શકાય ? ઉંઘ અને શાંતિ પૈસો કદી મેળવી નહીં આપે ! ચારિત્રની  વાત બહુ દૂર રહી. મનુષ્ય પ્રયત્ન દ્વારા કેળવેલી સજાગ વૃત્તિથી ચારિત્રનું રક્ષણ કરવું. પૈસો તો હાથનો મેલ છે. 

સાક્ષી ને સવારે વહેલું જવાનું હોવાથી સવારે કામ નો બધો ભાર નંદાએ સ્વચ્છાએ સ્વીકાર્યો હતો. સાક્ષી અને સૌરભ બંને સાથે કામ પર જવા નીકળતા.સાક્ષી પાસે કમ્પ્યુટરની માસ્ટર્સની ઉપાધિ હતી. નોકરી ખૂબ સમય માંગી લેતી હતી.  દિમાગ પણ ખૂબ વ્યસ્ત રહેતા ઘરે આવે ત્યારે થાકેલી હોય. મજાની વાત તો એ છે કે ઘરનું કામ તદન અલગ હોવાથી તેના મગજને સુકુન મળતું. ખૂબ હોંશ પૂર્વક ઘરના કામમાં લાગી જતી. સૌરભ જોતો કે ઘરે આવીને સાક્ષીમા પાસેથી કામ લઈ લે છે. 

સાક્ષી પ્રગતિના શિખરો સર કરતી તેમાં નંદાનો સંપૂર્ણ સાથ અને સહકાર હતો. વારંવાર તે જણાવતી પણ ખરી. પોતાની જાતને ભાગ્યશાળી માનતી. 

નંદા હંમેશા વિસ્મયપૂર્વક તેને નિહાળી રહેતા. ‘અરે બેટા જરા શ્વાસ ખા, શાંતિથી પાણી પી. હું તારી ચા બનાવી લાવું છું. પછી નિરાંતે કામ શરૂ કર.’

મમ્મી, તમને ખબર નથી દિવસભરની મગજમારી પછી આ કામ મને ખૂબ ગમે છે. મારો થાક ઉતરી જાય છે. તમારી પ્રેમ ભરી વાતો અને શ્લોક ની સંમતિ  મારા પ્રગતિનું કારણ છે. નંદા એકીટશે સાક્ષીને નીરખી રહી. 

શ્લોક બારણામાં ઊભા રહી આ સંવાદ સાંભળ્યો.  

 વાતાવરણમાં પ્રદૂષણ

******************

ઘટા અને વાદળ વાંચીને એમ ન માનશો કે ગગનમાં વિહાર કરવા નીકળ્યા છીએ. એવી સુંદર જુગલ જોડી

જ્યારે પાડોશમાં રહેવા આવ્યા ત્યારે ઓળખાણ કરવાની તમન્ના થઈ. મકાનમાં નીચે તેમના નામ પાટિયા પર લખાયા હતા. નાની દીકરી લિફ્ટની રાહ જોતા ઉભા હતા ત્યારે નામ વાંચીને બોલી. ‘મમ્મી આ નામ જુદું લાગે છે ‘. નામ અંગ્રેજીમાં હતું એટલે વાંચતા આવડતું. મેં એને પ્રેમથી નામનો અર્થ સમજાવ્યો.  સાંભળીને રિયા ખુશ થઈ ગઈ. 

મારા  મનની મુરાદ પૂરી થઈ. અચાનક મકાનમાં પાણી આવતું બંધ થયું. સહુને કહેવામાં આવ્યું હતું , તે નવા હતા એટલે તેને સંદેશો મળ્યો ન હતો. ઘટા આવી અને બારણું ઠોક્યું.દરવાજો ખોલીને જોયું તો ઘટા ઉભેલી જોઈ.

‘માસી મકાનમાં પાણી બંધ થઈ ગયું” ?  

” હા, આજે બે કલાક પાણી નહી આવે”. 

“મારે ત્યાં તો જરા પણ પાણી નથી. “

” લે, આ થોડું પાણી લઈ જ કહીને પાણીનો જગ ભરીને આપ્યો”.  

‘આભાર.’

આવી છે તો ચા પીને જા. 

સારું. 

અમે વાતે વળગ્યા. શું કરે છે. નવી છો મકાનમાં કામકાજ હોય તો કહેજે. બેટા તું ઘરમાં રહી કામ કરતા 

જણાય છે.  શું પ્રવૃત્તિ કરે છે. માસી, હું મારા પતિ ને એના કામમાં મદદ કરું છું. મારા પતિ હંમેશા કામમાં વ્યસ્ત હોય છે. પ્રદૂષણ ઓછું કેમ કરીને થાય એ વિષય પર તનતોડ મહેનત કરે છે. નાના મોટા સહુને સજાગ કરે છે.  આવતા અઠવાડિયા આપણા લત્તામાં જાહેર સભા રાખી છે. ‘માસી રવિવાર છે તમે જરૂર આવજો’.

આમંત્રણ મળ્યું એટલે થયું, ચાલો જોઈએ તો ખરા જુવાનિયા નવું શું લાવ્યા છે. રવિવારની રાહ જોતી હતી. સવારથી ચહલ પહલ દેખાતી હતી. જુવાનિયાઓની એક પદ્ધતિ દાદ માંગી લે તેવી હોય છે. તેમના કાર્યક્રમ અચૂક સમયસર શરૂ થતા હોય છે. જે મને પસંદ છે. 

કાર્યક્રમ ખૂબ સુંદર રીતે ઉજવાયો. જુવાનિયાઓ ખુશીથી બધા કાર્યમાં પોતાનો ફાળો નોંધાવી રહ્યા હતા.  ઉમંગભેર સહુ પોત પોતાના ફાળે આવેલું કાર્ય કરી રહ્યા હતા. વડીલોને સમજાવી રહ્યા હતા. કામવાળી વ્યક્તિઓને પણ પ્રેમ પૂર્વક ફાયદા અને ગેરફાયદા બતાવ્યા. 

ઘટા અને વાદળે સહુને સુંદર રીતે સમજાવ્યું. કચરો ક્યાં નાખવો. કચરાના ડબ્બાનો ઉપયોગ કરવાનો. પેપર, પ્લાસ્ટિક , કાચની બાટલી બધા માટે જુદી વ્યવસ્થા કરી છે તે સમજાવ્યું. દરેકે ઉત્સાહ પૂર્વક તેમા પોતાનો સહયોગ આપવાનું પણ લીધુ. કારયક્રમની તૈયારી ખૂબ વ્યવસ્થિત હતી.

ઘટા અને વાદળ આટલો બધો સહયોગ મળ્યો તેનાથી ખુશ હતા. સહુને પોતાના ખર્ચે સમોસા અને ગોલ્ડ સ્પોટ પીવડાવી રાજી થયા. ઠેર ઠેર કચરો નાખવાની સગવડ પણ સુંદર રીતે કરી હતી. રાતના સંગીતના કાર્યક્રમમાં સહુ નાચ્યા.  ઘટ

કાર્યક્રમ પૂરો થતા બે વાગી ગયા. હારી થાકી સહુ ઘર ભેગા થયા. સવારે ઉઠીને ઘટા અને વાદળ વરંડામાં વાત કરવા આવ્યા. રસ્તા પરનું દૃશ્ય જોઈ અવાચક થઈ ગયા ! 

મારી વહાલી મમ્મી, ૨૦૨૨

new born

વર્ષો થયા તને કાગળ લખ્યો નથી. આજે વિચાર આવ્યો મા, તને હૈયુ ખોલીને બતાવું

‘તું મારા માટે શું છે ? તારું નામ મારા હૈયે  કોતરાયેલું છે. તારા પ્રતાપે આજે આ સ્થાને

પહોંચી છું”.

જન્મ ધરી આ જગમાં આણી

કૃપા દ્રષ્ટિ તારી પ્રેમે માણી

ઉપકાર તારા દિલમાં ભારી

મા તું  મારી  પ્યારી  પ્યારી

આજે તું નહી તારી યાદો છે

કદી વિસરીશ નહી વાદો છે

પ્રેમે જતન કરીશ ઈરાદો છે

આ જગે ના તેનો જોટો  છે !

મમ્મા, ક્યાંથી શરૂ કરું સમગ્ર જીવન ચલચિત્રની માફક મારી નજર સામેથી પસાર

થઈ રહ્યું છે. અરે બે વર્ષની હતી ને નાનીમાને ઓટલે બેસી સાબુ ઘસ ઘસ કરતી.

ગોરી થવા માટે. તું મને પ્યાર ભરી નજરોંથી નિહાળતી.સાબુની ગોટી ખલાસ થતી

પણ તું મને વઢતી ન હતી. આ ઉમરે પણ એ સ્થળ મારી નજર સમક્ષ છે.

સાત વર્ષની થઈ અને પરાક્રમ કર્યું. જોગેશ્વરી શાળાના પર્યટન પર ગઈ . ગુફાઓની

સેર કરવાને બદલે બન્ને પગે  દાઝીને આવી. આ તારી, ‘તુફાન મેલ’ જરાય સખણી

બેસતી નહી. છ મહિનાનો ખાટલો. તારા મુ્ખારવિંદ પર ચિંતા દેખાય. એક ક્ષણ

માટે પણ અણગમો નહી. તારા પ્રેમની નિર્મળતાનું પાન કરતા થાકતી નહી. તને

મેં કેટલી સતાવી હતી.

મમ્મી, ચોપડીઓના સંગમાં હું રાતના સૂવા ટેવાયેલી. આજે આ ઉમરે પણ એ

ટેવ ચાલુ છે. તારું મુખ ગર્વથી છલકાતું મેં નિહાળ્યું છે. તું હમેશા મારા શાળાના

પુસ્તકો ગોઠવતી. જ્યારે વર્ગમાં સારા નંબર લાવતી ત્યારે ખુશ થતા મેં તને જોઈ

છે. નૃત્ય નાટિકા, રાસ અને ગરબામાં ભાગ લઈ ઈનામ લાવતી ત્યારે તું પોરસાતી.

મમ્મી મારા ભેજામાં ‘પાણીની ટાંકી ભરી છે’ કહી મને હસાવતી. મારી વાતે વાતે

રડવાની આદતથી ઘરમાં સઘળા પરિચિત હતા.જ્યારે ડુસકા ભરી રડતી ત્યારે

વહાલથી હાથ ફેરવી મને શાંત કરતી. સમજાવતી અને જીવનમાં સારા કાર્ય કરવા

પ્રેરતી. મમ્મી આપણે ત્યાં હમેશા મહેમાનોનો ધસારો રહેતો, તે મને એવી સુંદર

કેળવી હતી કે તને હમેશા સાથ આપતી. સાચું કહું મને ત્યારે નહોતું ગમતું. પણ

તું એકલી કામ કરે એ પણ નહોતું  જચતું.

ખૂબીની વાત તો એ છે કે તેં મને મારા દરેક શોખ પૂરા કરવા દિલથી સંમતિ આપી

હતી. જાણે ‘ના’ શબ્દ તારા શબ્દ કોષમાં ન હતો. તેથી તો આજે  હું વિવિધ પ્રવૃત્તિઓ

દ્વારા જીવન સુંદર રીતે જીવી રહી છું. મમ્મી યાદ છે એક વખત સહેલીઓની ચડવણીથી

ખોટું બોલી હતી. તું મારા પર ખૂબ નારાજ થઈ હતી. મને અંતરમાં દુઃખ થયું. રાતના

તારા પડખામાં ભરાઈને વચન આપ્યું ,’હવે કદી ખોટું નહી બોલું’.

મા, આજે લખવા બેસીશ તો આખો દિવસ પણ ઓછો પડશે. વાનપ્રસ્થ આશ્રમમાં

પ્રવેશ પામેલી તારી આ દીકરીની બાકી જીવનયાત્રા સરળ રહે તેવી પ્રાર્થના.

તું મુજમાં છે, હું તુજમાં છું

તું અને હું ભિન્ન નથી

તને મળવાને તને પામવાને

આથી સરળ મંજીલ નથી

બિન્દાસ

image-3

**********

બિન એટલે વગર, દાસ, જે કોઈનો દાસ નથી તે.પોતાના મનનો માલિક એટલે બિન્દાસ  હોવું

એ ગુણ છે. સત્ય કહેવાની તાકાત હોય, પરિણામ ઝીલવા શક્તિમાન હો તો ! બિન્દાસ હોવું એ

પાપ નથી !મનમાં ગુંગળાઈ મરવું, લોકોના ઠેબા ખાવા એના કરતાં જે સત્ય છે એ હકીકત છાની

શામાટે રાખવી. તમે લોકોમાં અણગમતા બનશો તેનો ડર છે? એ ડર વ્યાજબી નથી. લોકો શું 

તમને ઇનામ આપી દેવાના છે ?  

બિન્દાસ છોકરી હોય તો તાકાત નથી રસ્તે જતાં એને કોઈ રંજાડી શકે ? ૨૧મી સદીમાં ઢીલા

પોચાનું કામ નથી. છોકરો જો બિન્દાસ બને તો તેના હાડકા ખોખરા થઈ જાય. નજર નીચી રાખીને

ચાલતી છોકરીને અડપલું કરવું એ મર્દાનગી નથી. શું તેના ઘરમાં કે બહેન નથી ? 

શામાટે કોઈની સાડા બારી રાખવી. હા, ખોટું કરતા હો તો વિચારજો !

લોકો શું કહેશે? એ ચિંતા કરવી નહી. આ જગ કોઈનું થયું નથી અને થવાનું પણ નથી. મન મારીને

જીવવામાં જીવન ગુંગળાઈ જાય છે. હા, કોઈને નડવું નહી પણ જીવવું પોતાની મસ્તીથી.  ભલે હું

કહું છું પણ કરી શકતી નથી. 

મારું કારણ અલગ છે. હવે ઉંમર થઈ અને સાથીનો સાથ છૂટ્યો છે. છતાં પણ બિન્દાસ  મારી

મનગમતી પ્રવૃત્તિમાં  મગ્ન છું. કોઈ આંગળી ચીંધે એવા કાર્ય કરતી નથી.  અરે પેલી મારી બહેનપણી

બિન્દાસ થઈને મિત્ર સાથે ફરે છે અને પાર્ટીમાં મજા માણે છે. દુનિયાકી ઐસી તૈસી !

અમેરિકામાં રહીને તો બેફામ થાવ તો પણ કોઈને વાંધો નથી.

જો કે બિન્દાસ અને બેફામ બે અલગ સ્થિતિ છે. એ બન્ને ક્યારે પોતાની મર્યાદા ઓળંગે છે

તેનું ધ્યાન રાખવું આવશ્યક છે. ૨૧મી સદીમાં બિન્દાસ કરતાં બેફામ લોકો વધારે જોવા મળશે

જે સમાજની સામાન્ય સ્થિતિને ડહોળી નાખે છે. કુટુંબમાં અને સમાજમાં અશાંતિ ફેલાવે છે.

અધુનિકતા ને અશાંતિ ખપતી નથી. શાંતિ સહુને પ્રિય છે. એ સુવાક્ય હ્રદયમાં કોતરી રાખો.

‘જે મને ગમે ત સહુને ગમે’ પછી પરિણામ જો જો !

બિન્દાસ રહીને હસી ખુશી માં જીંદગી જીવવી એ કોઈ ગુનો નથી. એક જીંદગી જીવવાની છે.

શા માટે મન મારીને જીવવું. જે ઉદાર મન રાખી પત્નીને આ આઝાદી આપે છે તેમના જીવનમાં

શાંતિનું સામ્રાજ્ય જણાય એ સ્વાભાવિક છે. . બિન્દાસ થઈ સામેવાળી વ્યક્તિની આમન્યા ન

જાળવે તે હિતાવહ નથી.  આ એવો ગુણ છે સમય, સ્થળ અને સંજોગો પ્રમાણે વપરાય તો

સમાજમાં ઈજ્જત અપાવી શકે. બાકી શરમના માર્યા ચૂપ રહેવામાં લોકો તમને ટલ્લે ઉડાડે છે !

ઘણા બિન્દાસ જોયા છે તેઓ સમાજમાં અને કુટુંબમાં પ્રિય પાત્ર બની રહે છે. તેને હું નિખાલસ

વધારે કહીશ. મુખવટો નથી પહેરતા. સત્ય કહેતા અચકાતા પણ નથી હોતા. મનનું ધાર્યું બિન્દાસ

કરે છે . જે સામેવાળી વ્યક્તિના લાભમાં પરિણમે છે. અન્યાય સહન નથી કરી શકતા. આવા બિન્દાસ

આજના સમાજમાં આવકાર્ય છે. 

આજે બિન્દાસ મનના ભાવ પ્રગટ કરવાનો મોકો મળ્યો પણ સત્ય કહીશ બિન્દાસ જીવી શક્તી નથી.

ડર કોઈનો નથી પણ સત્ય ઘણિવાર ન કહેવામાં માલ છે.

]

તુવેરની દાળ અને ભાત

TRADITIONAL GUJARATI TUVER/TOOR DAAL | J Cooking Odyssey
દાળનો સબડકો
*****
મમ્મી આ મોટાઈના દાદા ગામથી આવ્યા છે. એની સાથે હું જમવા નહીં બેસું. 

‘કેમ બેટા’ ?‘

‘મમ્મી દાળ અને ભાત સબડકા ભરીને ખાય છે. એ અવાજ મને ગમતો નથી.’

‘મમ્મી મનમાં હસી રહી.દાળ જો મજેદાર ખાવી હોય તો આવી જાવ. મારી મમ્મી ની દાળ ઉકળતી હોય ત્યારે આખા મકાનમાં તેની સુગંધ ફેલાય જાય. સહુ સમજી જાય પહેલે માળવાળા શાંતા બહેનને ઘરે  આજે દાળ બની છે. કોઈ વાર મગ હોય, કઢી હોય, મગની દાળ હોય કે પછી ઓસામણ હોય. પણ તુવેરની દાળની તો વાત જુદી.

આજે પણ મને તુવેરની દાળ એટલી જ ભાવે છે. સારી થાય છે,’મારી મા જેવી નહી’. પતિદેવ
અને બાળકો વખાણીને પીએ છે. દાળ કરી હોય તો તપેલીજોવી. બધાને બે વાટકી પીવા જોઈએ.

 “દાળ બગડી એનો દિવસ બગડ્યો”.  એ ઘણું બધું સમજાવે છે. કોલેજમાં જતી ત્યારે ઉતાવળ હોય. ‘મમ્મી હું આવીને જમીશ, મને વાટકામાં દાળ આપ હું પીને જઈશ.’ પિતા હોય કે પતિદેવ
હોય તેમનો દિવસ ચોક્કસ બગડે. દાળમાં મસાલા પૂરતા કરવા અને ઉકાળવી પછી જુઓ તેની કમાલ !

આજની તારીખમાં મારા નાના દીકરાને દાળ જમવામાં હોય તો નોકરી પર ઊંઘ આવે છે. મોટાને ખાલી દાળ ઢોકળી ભાવે છે.  પતિ દેવ મોજમાં, જે હોય તે ભાવે. તુવેરની દાળ એટલે તુવેરની દાળ.

આજ કાલ આ રાજમા, તડકા દાળ અને દાલ મખ્ખની બધા બેસ્વાદ લાગે. ખોટું નહિ બોલું, કોઈ વાર ભાવે પણ રોજ તો મારી તુવેરની દાળ. કઢી મજા આવે સાથે શણગારેલાં મગ યા દેશી ચણા હોય તો. ખાટા મીઠા મગ સાથે ગરમા ગરમ બાજરીના રોટલા હોય અને બાજુમાં ગોળ નું ઢેફું. અડદની દાળ ચીકણી હોય એટલે થોડી ઓછી પસંદ . પેલી દુધી ચણાની દાળ તેમજ સુવાની ભાજી વાળી મગની ફોતરાં વગરની દાળ. જો ભાખરીની સંગે હોય તો વાત શુ કરવી ?

અમેરિકામાં એકલા રહીને આ બધી દાળ ની રામકહાણી લખી રહી છું. બાળપણ યાદ આવી ગયું. હવે તો આ વિચારોથી મહેક માણીને શાતા પામું છું.  પેલી મારા નણંદ ની દીકરી ને જમાડતી હોઉં તો કહેશે, મામી, હું દાળ ભાત ખાવા આવી છું. એની સાથે બીજું કંઈ જ નહીં. માત્ર ‘દાળ ભાત’ ! શાક નહી, પાપડ નહી , દાળ ભાત એટલે દાળ ભાત !જે પ્રોટીન થી ભરપૂર હોય છે.

દાળ પીઓ યા ભાત સાથે ખાવ એ જમણ ની મજા કંઈક જુદી જ છે. પેલી પૂરી, બનાવો હોડી દાળમાં ડૂબાડી ખાઈ જો જો. અચૂક મારી યાદ આવશે. એમાંય જ્યારે ઓસામણ બન્યું હોય ત્યારે મોટું તપેલું બને. પીવાની મજા આવે. દક્ષિણ ભારતનું રસમ એના જેવું ખરું. માત્ર આપણે ગુજરાતી તેમાં ગોળ નાખી પીએ.

પેલી મારી બહેનપણી માલતી આજે આવી હતી. મોના તારા દીકરા સાથે બેસાડીને મારી દીકરીને આજે દાળ ખાતી કરવી છે. રોહન અને રિયા સાથે શાળામાં હતા. એક જ વર્ગમાં હતા એટલે દોસ્તી સારી હતી. આજે રજાનો દિવસ હતો. રિયા અને રોહનને જમવા બેસાડ્યા. ગરમ રોટલી આપી. સાથે રીંગણ વટાણાનું શાક,કાકડીનું રાયતું અને વાટકીમાં દાળ. 

”મમ્મી કેમ આટલી થોડી દાળ આપી’? રોહન બોલ્યો.

દાળ શબ્દ સાંભળતા રિયાના કાન ચમક્યા. ‘આન્ટી મને દાળ નહી. ‘

 ‘કેમ તને દાળ નથી ભાવતી’?  રોહનને આશ્ચર્ય થયું. રિયાએ ડોકું ધુણાવ્યું. ‘ રિયા એક કામ કર, તું આજે મારી મમ્મીના હાથની દાળ ખાઈશ તો તું કહીશ એ સજા ભોગવવા હું તૈયાર છું.

હું  અને મોના એકબીજા સામે જોઈ રહ્યા. રિયા ખુશ થઈ ગઈ. આજે રોહન દાવમાં આવ્યો છે. મોનાએ વાટકીમાં દાળ રિયાને આપી. રિયાએ નાક પકડી  દાળ ચમચી વડે મોઢામાં મૂકી. સ્વાદ લાગ્યો એટલે નાક હાથથી છૂટી ગયું. બીજી વાર ચમચી ભરી પીધી.

રોહન જોઈ રહ્યો. રિયાએ રોહનનું જોઈ રોટલી દાળમાં બોળીને ખાધી. એને તો મજા પડી ગઈ. ‘આન્ટી, બીજી રોટલી અને દાળ આપો.

‘ માલતી રિયાને જોઈ રહી. તેના માનવામાં ન આવ્યું. દાળની રામાયણ કહી હવે મહાભારત જણાવું. દાળ સ્વાદિષ્ટ કઈ રીતે બને ! દાળ ચડાવતા તો સહુને આવડે . એમાં પણ કળા છે. દાળ  ચડાવીએ ત્યારે અંદર ચમચી ભરીને આખી મેથી નાખવી. બે પાકા ટામેટા મૂકવા. ચડી જાય એટલે સંચો ફેરવવો બધું એકરસ થઈ જશે. 

પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે, મરચું , હળદર અને ધાણાજીરુ  નાખવું.૧ ઈંચ જેટલો આદુનો ટુકડો વાટીને ઉમેરવો. એક લીલુ મરચું કાપીનાખવું .મીઠો લીમડો નાખવો. ગોળ અને કોકમ નાખીને ઉકાળવું. વઘારમાં થોડું તેલ, રાઈ અને જીરું નાખવા અને હિંગ સાથે બે લવિંગ નાખી ઉકળતી દાળમાં વઘાર કરવો. બસ પાંચ મિનિટ ઉકળવા દેવી. અંતે ઝીણી કાપેલી કોથમીર ભભરાવી ખાવાના ઉપયોગમાં લેવી.બનાવો ત્યારે મને બોલાવે એવી આશા રાખું છું. મોજ માણો.   .  

પાડોશી

આજે નયનાબહેન ૨૦ વરસ પછી જગ્યા બદલી રહ્યા હતાં. છ મહિના પહેલાં નવીનભાઈ

તેમને એકલા છોડી પરલોક સિધાવ્યા હતા. તેમની સાથે ઘર જેવો સંબંધ હતો. નિરાશ

વદને તેમને વિદાય આપી રહી હતી. ખબર ન હતી કોણ હશે નવા પાડોશી ? પણ નીરુ

બહેને વિચારીને સોદો કર્યો હશે. આ ઘરના સારા એવા પૈસા મળ્યા હતા. નવું ઘર નાનું

લીધું હતું એટલે ખર્ચામાં પણ ફરક પડી જાય. સુખી હતા એટલે ખાસ વાંધો આવે એવું

ન હતું.

પાડોશી સાથે સંબંધ સારા હશે તો જીંદગીમાં સુખ અનુભવાશે. હા, વધારે પડતી ઘાલમેલ

ન કરવી. ખાંડ નથી, છાપું વાંચીએ તે પહેલા લઈ જાય, એવા બધા સંબંધો વિચારીને રાખવા.

‘વાટકી વહેવાર’ પણ બને ત્યાં સુધી સિમિત રાખવો. આ બધા ખરું પૂછો તો ઝઘડાના મૂળ

છે.

બાળપણથી મા એ શિખવ્યું હતું. ‘જો કોઈ ચીજ ઘરમાં ન હોય તો નીચે દાણાવાળાની દુકાન

છે, ‘દાદરો ઉતરો અને લઈ આવો’. જેને કારણે પાડોશી સાથે ખટપટ ન થાય. હંમેશા મનદુખ

નજીવા કારણોસર થતું જોવામાં આવે છે.

હવે ‘કરોના’ કાબૂમાં છે. પાડોશીના મોઢા પહેલાંની જેમ જોવા મળે છે. બાળકો નિયમિત

શાળાએ જતા દેખાય છે. પુરૂષ વર્ગ ઘર બહાર કામ ધંધે જાય છે. નોકરી કરતી સ્ત્રીઓને

પણ હવે કોઈ અડચણ પડતી નથી. નાની દીકરી આરોહીને કારણે ‘મને ઘરમાં રહેવું ફાવી

ગયું છે’.

‘જાન બચી તો લાખો પાયે, ‘ જેવા હાલ હતા. પેલી રમતિયાળ આરોહી શાંતિથી પોતાની

ઢિંગલી સાથે રમતી. કોરોના ઢિંગલીને ન થાય માટે તેને ખુણામાં હાથ રુમાલની શાલ બનાવી

ઓઢાડી રાખી હતી. હવે એની ઢિંગલી અને ભાઈલા અવિની ગાડી બધા સાથે રમતા.

‘મમ્મી, ગાડીમાં બહાર જવાનું હોય ત્યારે પેટ્રોલ ભરાવીશ, કહી અવિ ઘરમાં દોડતો.’ આરોહી

અને અવિ વચ્ચે માત્ર એક વર્ષનો તફાવત હતો. અવિ દિવસમાં ત્રણ કલાક નાના બાળકોની

શાળામાં જતો. આરોહી બધું તેની પાસેથી શિખતી.

હવે પાર્કમાં રમવા જવા મળતું એટલે બન્ને ભાઈ બહેન સાંજની રાહ જોતા. સાથે રમે ત્યારે

કાનમાં ફુસ ફુસ કરે. મમ્મી અને પપ્પા લાખ કોશિશ કરે તો પણ શું વાતો કરે છે તે સમજી ના શકે.

આરોહી મમ્મી પાસે આવી, ‘આઈસક્રિમ’ ખાવા લઈજા ને ? અઠવાડિયામાં એક વાર આઈસક્રિમ

ખાવા જવાનો નિયમ હતો. આરોહી માગે એટલે અવિને મળશે એની ખાત્રી હતી.

‘મમ્મી મને પેલું રોકેટ અપાવને ‘ !

અવિને રોકેટ મળે એટલે આરોહીને નવી ઢિંગલી મળે.

આલોકી, બન્ને બાળકોને નિરખી રહે. તેની પાસે કોઈ જવાબ ન હતો ,અમોલ દિવસ દરમ્યાન

કામમા હોય , જેવું સ્ટોક માર્કેટ બંધ થાય એટલે બાળકો અને આલોકી સાથે રમવામાં મશ્ગુલ

થઈ જાય. હવે અમોલને પણ બાળકો સાથે રમવાની મજા આવતી હતી.

બાજુમાં મનસુખભાઈ નવા રહેવા આવ્યા હતા. તેમના પત્નીના દર્શન બહુ થતા નહી. નવું ઘર છે,

એટલે કદાચ કામમાં વ્યસ્ત હશે એવું આરોહી માનતી. નાના બાળકના કોઈ એંધાણ જણાતા ન

હતા.

આલોકી પરણીને આવી ત્યારથી નયના બહેન પાડોશી હતા. આરોહીને તેમની સહાય મળતી.

બાળકોના ઉછેર વિષે તેમની પાસેથી ઘણું બધું શીખી હતી. નયના બહેનની ખોટ સાલતી પણ

કોઈ ઈલાજ ન હતો.

આજે રવીવાર હતો, અમર ધંધાના કામ માટે બહારગામ ગયો હતો. અચાનક આરોહી પડી ગઈ,

તેને વાગ્યું હતું. ન છૂટકે મનસુખ ભાઈના ઘરનો દરવાજો ખટખટાવ્યો. જોયું તો મનસુખભાઈ

પોતાની માની સેવા કરી રહ્યા હતા. આલોકી છોભિલી પડી ગઈ. નવા પાડોશી સાથે કોઈ સંબંધ

ન બાંધવા માટે અફસોસ થયો. એને કહેતાં પણ શરમ આવી કે પોતાની દીકરીને વાગ્યું છે.

મનસુખભાઈએ વાત કઢાવી, મદદ આપવાની તૈયારી બતાવી. માતાને કહ્યું બે કલાકમાં પાછો

આવું છું. આલોકી સાથે હોસ્પિટલમાં ગયા. ડોક્ટરે કહીએ દવા લાવ્યા. આ રોહી સૂઈ ગઈ પછી

ઘરે ગયા.

આલોકી એ માફી માગી મને ખબર નહી તમારી સાથે કોણ છે ? મહિનો થવા આવ્યો છતાં કોઈ

વાતચીત ના સંજોગો ઉભા થયા ન હતા. તમે નવા હતા. મારે સામેથી તમારા ખબર અંતર પૂછવા

જોઈતા હતા. બાળકોમાં વ્યસ્ત હોવાને કારણે પાડોશી ધર્મ બજાવવામાં ભૂલ થઈ ગઈ.

મનસુખ ભાઈએ જરા પણ ખરાબ લગાવ્યું ન હતું. પોતાની પરિસ્થિતિનો ઢંઢેરો પીટવા માગતા ન

હતા. અસહાય માતાને કારણે તેમણે આજીવન લગ્ન ન કરવાનું પણ લીધું હતું. પરણીને આવનાર

સ્ત્રી માનો અનાદર કરે તે તેમને માન્ય ન હતું.

આવા અનોખા પાડોશી બદલ આલોકીનું મસ્તક ઝુકી ગયું. મનસુખ ભાઈ પ્રત્યે આદર પ્રગટ્યો.

શું મંજૂર છે ?

fault

વિચાર કરો, શું મજૂર છે ? જરા પણ ઉતાવળ ન કરશો. જે વિચારશો તે પામશો. આ મન

છે ને તેનું રહેવાનું કોઈ સ્થળ નથી .છતાં આપણા સમગ્ર જીવનમાં હલચલ મચાવવા

સમર્થ છે. તે એક સ્થળ પર ક્ષણવાર ટકતું પણ નથી. ચંચળતા એનું બીજું નામ છે. ગમે

તેટલો અભ્યાસ ભલેને કરીએ, પરિણામ ‘મોટું મસ ૦’

હવે આ મન ઈચ્છે તો સંબંધ બંધાય છે. એ સંબંધ બંધન પણ બની શકે છે. યા મુક્તિના

દ્વાર પણ ખોલી શકે છે. આ એજ મન છે હવે તમને શું પામવું છે તે અગત્યનું છે.  સંબંધમાં 

નથી બંધન યા નથી મુક્તિ ! સંબંધ તો મનમેળ છે. તેને બંધન યા મુક્તિ સાથે કોઈ સંબંધ

નથી. જો સંબંધ બંધન લાગે તો તે ન હોવા બરાબર છે. સંબંધમાં નિખાલસતા આવશ્યક

છે. સ્વાર્થની છાયા પણ તેને અભડાવી શકે.

જે સંબંધમાં સ્વાર્થ મુખ્ય ભાગ ભજવતો હોય છે એ સંબંધ ઝાઝાં ટકતા નથી. ક ડ ડ ડ ડ 

ભૂસ કરતા ટૂટી પડે છે. સંબંધના બંધમાં વિશ્વાસનું સિમેન્ટ  પૂરો. એના પર ચણાતી ઈમારત

ને ધરતી કંપ, વરસાદની ઝડી કે વાવાઝોડાની થાપટ હલાવી શકતી નથી. 

સંબંધ, બંધનથી મુક્ત હોય તેની મજા કંઈક ઔર હોય છે. જેવા કે પતિ અને પત્ની વચ્ચેનો 

સંબંધ. વિશ્વાસ અને પ્રેમ તેમાં ખુશ્બુ ભરી દે છે. મા અને બાળકનો પ્રેમ ! પિતા અને પુત્રીનો

પ્રેમ !

આજકાલ થતા છૂટાછેડાથી કોણ અજાણ છે ? અહંનો ટકરાવ. સાસરિયા પ્રત્યે અણગમો.

પછી એ બંધન મુક્તિ જ માગે ને ? મને એક મનગમતો વિચાર આવ્યો છે. તમને પણ ગમશે. 

આજકાલની દીકરીને સાસરી ગમતી નથી. જ્યાં સાસુ નામનું વિચિત્ર પ્રાણી હોય. સસરા

હીંચકે ઝુલતા હોય. ભલું થજો દિયર કે નણંદ પણ હોય ? 

તે માટે એક સુંદર ઉપાય છે. અનાથ છોકરા સાથે લગ્ન કરવા. ઝંઝટ જ નહી. બસ પિયરમાં

રહેવાનું માતા અને પિતા સાથે ચમન કરવાનું ! હવે આ સંબંધમાં ક્યારેય ગાબડું પડવાની

શક્યતા જ ન જણાય. કોઈ અનાથનું ભવિષ્ય સુધરી જાય !

આને અતિશયોક્તિ ન માનશો ! સંબંધ મુક્તિ કે બંધન નહી, સહચર્ય અને સથવારો માગે છે.

જીવન જીવવાનો પ્રાણવાયુ છે. સંબંધ બાંધતા પહેલા સો વખત વિચાર કરો ! એ સંબંધ તોડતા

પહેલા હજાર વાર વિચાર કરો. અમુક સંબંધ જન્મતાની સાથે મળે છે. જે સાચવવા પણ ખૂબ

મુશ્કેલ છે. સાંભળ્યું છે, નિહાળ્યું છે. એક માતા અને પિતા ચાર બાળકોને સુંદર જીવન આપી

શકે છે. પણ એ ચાર બાળકો તેમના બુઢા માતા અને પિતાની કાળજી કરી શકતા નથી ! હાય

રે માનવ, આનાથી વધારે તારી અધોગતિ શું હોઈ શકે ?

માતા અને બાળકનો પ્રેમ ઘણિવાર પુત્રની જુવાની પછી હવા થઈ જાય છે. પિતા અને પુત્રીનો સંબંધ

કોઈક વાર દીકરીના લગ્ન પછી લુપ્ત થઈ જાય છે. હવે આમાં મન મહત્વનો ભાગ ભજવે છે. સંબંધના

બંધ ને કઈ રીતે બનાવ્યો હતો એ અગત્યનું છે. ‘મન’ સમય આવે ક્યારે ગુલાંટ મારે છે, તે કળવું મુશ્કેલ

છે.

એ જ મન મર્કટની જેમ રોજ નવા વિચાર કરી સંબંધને કથળાવે યા ગાઢ કરે ! ખરું પૂછો તો સંબંધ વિશે

બહુ વિચાર ન કરવો. એ એની ગતિએ સતત ગાઢ યા સિથિલ બને છે. જ્યારે તેના ફાયદા,ગેરફાયદા અને

મને શું ,નામના મસાલા ઉમેરાય છે ત્યારે ડામાડોળ બને છે. 

ચાલો સમજુ કો ઈશારા કાફી. 

ReplyForward

ગુરુ દક્ષિણા

ગુરુ દક્ષિણા

***********

આ શબ્દ વાંચીને ભૂતકાળમાં ગરકાવ થઈ જઈએ. બાળપણના આપણા શિક્ષકો યાદ આવી

જાય. તેમણે આપેલી શિક્ષા ‘આપણી આજનો ‘પાયો છે.  સાથે પેલી વાર્તાનું પણ સ્મરણ થાય.

શિષ્ય એકલવ્ય એ ગુરુ દ્રોણને , ગુરુદક્ષિણામાં પલના વિલંબ વિના પોતાના જમણા .હાથનો

અંગુઠો અર્પણ કર્યો હતો. ગુરુ દોણ તેને શિષ્ય માનવા તૈયાર નહીં, પણ એકલવ્ય એ  તો  ગુરુ

સ્થાને બેસાડી ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી હતી. 

૨૧મી સદીમાં ‘ટીચર્સ એપ્રિશિયેશન’ દિવસ તરિકે મનાવીએ છીએ. કિંતુ આજનું બાળક તેની

પાછળની ભાવનાથી માહિતગાર નથી. અતિશયોક્તિ લાગશે પણ,બાળકોને શિક્ષકની મહત્તા

જીવનમાં  શુ છે તે વિશે સામાન્ય જાણકારી પણ નથી હોતી. જ્યારે પાણી વહી જાય પછી પાળ

બાંધવી નકામી. બાળપણથી બાળકોને આ વિશે જાણ હોવી આવશ્યક છે. 

ભલું થજો આજે સરગમ પોતાના ગામ જઈ રહી હતી. દૂરી બહુ ન હોવાને કારણે ટ્રેનમાં મુસાફરી

કરી રહી હતી. બાકી એની બધી મુસાફરી હવાઈ જહાજ દ્વારા જ હોય. શાળા છોડ્યા પછી કોલેજમાં

ભણવા શહેર ગઈ. સ્થાયી થઈ, ક્યારેય ગામ પાછા આવવાનો મોકો મળ્યો ન હતો. આજે સમાજમાં

તેનું નામ બહુ આદરપૂર્વક લેવાતું હતું. મુંબઈ આવીને આલાપ સાથે લગ્ન ગ્રંથીથી જોડાઈ, બે બાળકો થયા. 

બાળપણનું સ્વપ્ન વિસરી ન હતી. સમાજમાં સ્ત્રી ઉત્થાન માટે કાર્ય કરવું હતું. આલાપ કદી તેના માર્ગમાં

રુકાવટ બન્યો ન હતો.  અરે, બનતી પૈસાની મદદ કરવામાં પાછું વળીને જોતો પણ ન હતો. સરગમ

સમાજની સ્ત્રીઓ માટે પ્રગતિના દ્વાર ખોલી આપતી..  ગરીબ કે તવંગર કોઈ ભેદ એના શબ્દકોશમાં

ન હતો. ગાડીમાં બેઠેલી સરગમ ભૂતકાળમાં સરી પડી. 

શાળામાં જતી, બે ચોટલાવાળી નટખટ સરગમ નજર સમક્ષ ઉપસી આવી. વર્ગમાં પહેલો નંબર લાવે

શિક્ષકોને ખૂબ વહાલી હતી. સહુને ખાતરી હતી આ છોકરી ભવિષ્યમાં શાળાનું નામ ઉજાળશે. એટલે

તો શાળાની ૨૫ વર્ષની ઉજવણી સમયે સરગમને મુખ્ય મહેમાન બનવાનું આમંત્રણ મળ્યું હતું. જે

સરગમે હરખભેર સ્વીકારી લીધું હતું. આજે તેની ખુશીનો પાર ન હતો. મનમાં સહુને મળવાની ઉત્કંઠા

હતી. આશા રાખી હતી કે તેનું ભવિષ્ય કંડારનાર સહુના દર્શન થશે. વર્ગના મિત્રો ને મળવાની ઈચ્છા

પૂરી થશે. 

સરગમના દાદી ગામમાં રહેતા હતા. એનો જૂનો  ખેતરનો ખેડૂત તો હવે ન હતો પણ એનો દીકરો 

ગાડી લઈને લેવા આવ્યો હતો. શાળામાંથી કોઈને પણ તકલીફ આપવાની સરગમની મરજી ન હતી.

જેવી ઘરે આવી કે તરત વાડીએ પહોંચી ગઈ. તેની વહાલી ગાય હવે વસૂકી ગઈ હતી. સરગમ ભેટી

એટલે ખુશ થઈ  ગઈ. 

દાદીની  બનાવેલી ખીચડી ખાઈને ખુશ થઈ ગઈ. ‘દાદી, જો હું શિક્ષકો માટે ગુરુ દક્ષિણા લાવી છું’.

દાદીના કાન સરવા થયા. મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. દીકરી બાળપણના ગુરુને ભૂલી નથી એ

આનંદના સમાચાર દાદીને ગમ્યા. અહીં શાળામાં અભ્યાસ કરીને શહેર ગઈ હતી. જ્યાં આજે

સરગમના નામનો ડંકો  વાગે છે. 

સમારંભને દિવસે  સરગમ સ્ટેજ પર આવી સહુ શિક્ષકોને પ્રણામ કર્યા. સુંદર કાર્યક્રમનું આયોજન

કરવામાં આવ્યું હતું. જ્યારે સરગમનો બોલવાનો વારો આવ્યો ત્યારે ઢીલી થઈ ગઈ હતી. શિક્ષાને

પૈસાથી ન તોલી શકાય. પૈસાની અગત્યતા સહુ જાણતા હતા. જીવંત સહુ શિક્ષકોને આખી જીંદગી

શાળામાં મળતો હતો તે પગાર ચાલુ કર્યો. જે હયાત ન હતા તેમના કુટુંબના સભ્યોને પાંચ લાખ

આપવાનું જાહેર કર્યું. માંદગી દરમિયાન દવા અને હોસ્પિટલનો ખર્ચ માટે એક ટ્રસ્ટની સ્થાપના કરી. 

હાલમાં શાળાના શિક્ષકોને પણ આ સેવા મળે તેવી જાહેરાત કરી. બાળકોની શિક્ષણનું સ્તર ઉંચુ રહે

તે માટે બધા પ્રયત્નો કર્યા. જો કોઈ વાત વિસરાઈ ગઈ હોય તો તે માટે માફી માગી. શિક્ષકો ઉપરાંત

શાળાના બીજા કાર્ય કરતા વ્યક્તિઓને પણ આ યોજનામાં સામેલ કર્યા. 

આ બધું દાદીના નામ પર કર્યું. દાદીએ એકલા હાથે સરગમના પિતાને ઉછેરી મોટા કર્યા હતા. સરગમ

તેમની એકની એક દીકરી હતી. સરગમ ૧૫ વર્ષની થઈ ત્યારે માતા અને પિતા કેદારનાથની યાત્રા કરવા

ગયા હતા. જ્યાં ઠંડી સહન ન થવાથી પાછા ન આવ્યા. 

સરગમ માટે દાદી અને દાદી માટે સરગમ હતા. પતિની શાળામાં સહાય આપવા કાજે કદી પાછું વળીને

જોતી નહી.

નિકળશે !

You Will Never Truly Understand What Someone Else Is Going Through

પકડી કલમ આજ સંજોગની મારીએ

અક્ષરો બરાબર નિકળે કે ન નિકળે

*

કલમ ચિતરે છે અક્ષરોની વણઝાર

જોને કોઈ મર્મ નિકળે કે ન નિકળે

*

મર્મ તો જણાય સહુને ખૂબ સુંદર

છુપાયેલો ભ્રમ નિકળે કે ન નિકળે

*

ભ્રમને ભાંગવા જાળ સુંદર ગુંથી

સત્યનો પ્રકાશ નિકળે કે ન નિકળે ?

*

સત્યનો પ્રકાશ ચારેકોર ફેલાયો

ઘમંડી, અજ્ઞાન નિકળે કે ન નિકળે