એક ડગ ધરા પર—-૬,૭,૮,૯,૧૦,૧૧, ૧૨

12 01 2010

એક ડગ ધરા પર—-૬

વર્ષો પાણીના રેલાની માફક સરી રહ્યા હતા. રમત ગમતમાં મોટી થતી

શાન ને ભગવાને ફુરસદે ઘડી હતી. એમાંય પાછા સુંદર સંસ્કાર, જાણે સોનામાં

સુગંધ ભળી. સ્વભાવે શાંત શાન, જોતાની સાથે વહાલ ઉપજે તેવી શાન. ખરેખર

ખોટા વખાણ કરવાની આદત નથી. શાન મમ્મી, પાપા તથા સર્વે કુટુંબી જનોની

આંખનો તારો બની ગઈ. સોહમ તેનો વહાલો ભાઈલો મઝાનો હતો. બંને વચ્ચે પાંચ

વર્ષનો તફાવત હતો. મામ્મીને ખૂબ રાહત રહેતી. શાન મ્મ્મી બતાવે તે બધું કામ

કરતી.

દાદી વિચાર કરતી આટલી અમથી છોકરી કેટલી મમ્મીને મદદ કરે છે. ભાઈ

સાથે કેવી સરસ રીતે રમે છે. પહેલે ખોળે દિકરી ને તેમાંય પાછી વહાલના દરિયા

સમાન. બંને બાળકો લાડકોડમા ઉછરી રહ્યા હતા. ક્યાંય દિકરા કે દિકરી વચ્ચે ભેદ

જણાતો ન હતો. હવે તો શાન પાંચમા ધોરણમા આવી ગઈ. બાળમંદિર છોડીને મોટી

શાળામા. શાળાનો ગણવેશ પહેરીને નિકળ્તી ત્યારે મમ્મી ઓવારણા અચૂક લેતી.

વર્ગની બહેનપણીઓની સાથે રમત ગમતમાં જોડાતી. ભણવામા ખૂબ તેજ

હંમેશા નવું જાણવાની ઈંતજારી. શાન ઘણાંની ઇર્ષ્યાનો ભોગ પણ બનતી. કિંતુ તેનો

સ્વભાવ જ એવો હતો કે સહુ તેને સામે ચાલીને બોલાવતા. જે બહેનપણીને તકલિફ

હોય તો શાન દોડીને મદદ કરતી. તેને જુઠ્ઠુ બોલવા સમક્ષ ખુબ નફરત હતી. નિર્દોષ

બાળકો કેમ અને કેવી રીતે ખોટી ટેવોના શિકાર બનતા હશે? ૨૧મી સદીમા જો કોઈ

શત્રુ હોય તો તે ટેલીવિઝન છે. શાનની મમ્મી તેનો ખૂબ ધ્યાન રાખતી. સોનમ, શાનને

અમૂક શો જ જોવા દેતી. તેને લીધે  સોનમ તથા સાહિલ વિચારીને ટી વી જોતાં. સાહિલ

પપ્પા, શાન અને સોહમને સમય મળ્યે વહાલની ગંગામા સ્નાન કરવતા.

પાંચમા ધોરણની વાર્ષિક પરીક્ષામા શાનને ગણિતમા ઓછા માર્ક્સ મળ્યા. તેની બાજુમા

બેઠેલો કુમાર ઉંચો થઈ થઈને તેના પેપર પર નજર નાખતો અને જાણી જોઈને પેંન્સિલ પાડી

વારે વારે વાંકો વળતો. શાન પોતાનું ધ્યાન કેંન્દ્રિત કરી શકતી નહી. જેથી બે દાખલા કરી ન

શકી અને ત્રણેક ખોટા પડ્યા. પાસ થવા માટે જોઈતા માંડ માંડ મેળવી શકી. રડી રડી ને

અધમૂઈ થઈ ગઈ . ખેર નપાસ ન થઈ તેની સાંત્વનાને પામી. પપ્પા પણ ગુસ્સે થયા.

મમ્મીએ બાજુમા બેસાડી વિગત જાણી તેથી જરા દુખ ઓછું થયું. પણ શાને મનમાં

ગાંઠ વાળી હવે પછી મારે ચેતીને ચાલવું પડશે.

શાનના વર્ગમાં એક છોકરો હતો. કેન્સરમા કીમો લેવાથી વાળ બધા જતા રહ્યા હતા.

એક દિવસ ખૂબ રડી રહ્યો હતો. શાનથી જોઈ ન શકાયું. તેની પાસે જઈ પ્રેમથી પૂછ્યું

ને વાત જાણી.  કિસનને દોસ્તો પજવતા હતા. બાળકો નિર્દોષ હોય છે. કિંતુ ઘણીવાર

ક્રૂર મશ્કરી કરી હેરાન પણ કરતાં હોય છે. શાને મનમાં ગાંઠ વાળી. ઘરે જઈને પપ્પાને

કહે. “પાપા તમને ખબર છે, મને ખીચડી નથી ભાવતી. જો હું તે ખાંઉ તો મને મારી

મનગમતી વસ્તુ કરવા દેશો?” પાપાને એમ કે કદાચ આઈસક્રીમ ખાવા લઈ જાવ યા

સિનેમાની માગણી કરશે તેથી હા પાડી. શાને બીજીવાર પૂછી ખાત્રી કરી વચન માંગ્યું.

છઠ્ઠા ધોરણમા ભણતી છોકરી વધારેમા વધારે શું માગશે?

શાને કહ્યું પપ્પા મારે બધા વાળ કપાવવા છે. પપ્પાની હાલતતો કાપોતો લોહી ન

નિકળે તેવી થઈ ગઈ. પણ વચનથી બંધાયેલા હતા. શાનની વાત મંઝુર કરી. સોમવારે

શાળામા મૂકવા ગયા ત્યારે તેમની બાજુમા કિસનની મા આવી અને કહે ‘તમારી દિકરી

ભગવાનનું રૂપ લઈને આવી છે.’   જુઓ મારા કિસનની સાથે કેટલા પ્રેમથી વર્તે છે, પાપા

જોઈને દંગ થઈ ગયા. કિસનના માથા પર પણ વાળ ન હતા. તેમને સમજતા વાર ન લાગી

શામાટે શાને વાળ કપાવ્યા————————**********************

એક ડગ ધરા પર——૭

શાન અને કિસન હસતા હસતા વર્ગ તરફ જઈ રહ્યા હતા. શાળાના

બીજા વિદ્યાર્થી અને વિદ્યાર્થીની બંને તરફ અચરજથી જોઈ રહ્યા. કિસનને

માથે વાળ ન હતા એ તો જગજાહેર વાત હતી. કિંતુ શાન, શામાટે વાળ વગર

શાળામા આવી હશે?  એકાદ બે જણાએ તો હાથથી ઈશારો કરીને પૂછ્યું?

શાન સમજી ગઈ અને હસીને આગળ વધી.  વર્ગ શિક્ષક અચંબામા પડી

ગયા. પ્રાર્થના પછી શાનને પોતાની પાસે બોલાવી, બેસાડી ધીરે રહીને

જાણવાનો પ્રયત્ન કર્યો. શાન નિર્ભયતાથી કહે, કિસનની બધા છોકરા છોકરી

મશ્કરી કરતા હતા તેથી તેને સાથ આપવા મેં વાળ  કઢાવી નાખ્યા.  મારા

પપ્પા અને મમ્મી બંને એ મારી લાગણીને માન આપ્યું.  અરે મારા વાળતો

પાછા આવી જશે. ત્યાં સુધીમા કિસન પણ સામનો કરતા શીખી જશે.

વર્ગ શિક્ષકતો શાનને મનોમન વંદી રહ્યા. તેની લાગણીનો અંદાઝ

કરવો તેમને માટે મુશ્કેલ હતો.  ખેર કિસનની મમ્મી, રવિવારની રજાને દિવસે

શાનના માતા, પિતા, ભાઈ અને  ઘરના વડિલોને મળી.  શાનને આમા કોઈ

મોટી ધાડ મારી હોય એવું ન લાગ્યું. બાળ માનસ કેટલું નિખાલસ હોય છે!

સર્વેને તેની પ્રતીતિ થઈ.   ગુરૂ દત્તાત્રયે ૨૪ ગુરૂ કર્યા હતા. બાળક ગુરૂનું

સ્થાન ગ્રહણ કરવાને શક્તિમાન છે.

શાનના વાળ તો ધીરે ધીરે આવી રહ્યા હતા. કિસન મનથી મજબૂત

બની ગયો. કહેવાની આવશ્યકતા નથી કે શાન અને કિસન જીગરી દોસ્ત

બની ગયા.  વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી હતી. શાનને ભણવાનું ખૂબ

પસંદ હતું. રીયા તેની પ્રિય સખી કોઈ વાર કંટાળતી તો કહેતી,”પરીક્ષા પછી

રજાઓ પડે છે. રમીશું અને મઝા કરીશું”.  હમણાતો સારા ગુણ લાવી પાસ

થવું છે. વાળ નથી એ વાત તો તે સાવ વિસરી જ ગઈ હતી.

સુંદર પરવરિશ અને સંસ્કારનો જીવતો જાગતો નમૂનો એટલે શાન. વહાલા

ભાઈ સોહમને રમાડવો, સૂવાના સમયે હિંચકા નાખવા તેને બહુ ગમતા. દિકરા કે

દિકરી વચ્ચે કોઈ ભેદ દૃષ્ટિગોચર થતો ન હતો.  દિકરીઓને દૂધપીતી કરતા સમજમા

આવા સુંદર પરિવાર પણ જોવા મળે છે. છોકરી હોવાને નાતે સહેવી પડતી અવહેલના

હવે ભૂતકાળની વાત થઈ ગઈ છે.  હજુ પણ રડ્યા ખડ્યા એવા કિસ્સા જોવા મળતા

હોય છે, જ્યાં વિદ્યા અને સંસ્કારનો અભાવ વરતાતો હશે.

હવા ને પકડી શકાય? ખળખળ વહેતા નદીના પાણીના પ્રવાહને અટકાવી શકાય?

સૂર્યનો પ્રકાશ ડબ્બામાં ભરી શકાય? જો આ બધા પ્રશ્નોનો જવાબ હા, હોય તો સમયના

વેગની સાથેવધતી જતી શાનની ઉંમર અને સૌંદર્યને પિછાણી શકાય. ઉનાળાની રજા

પડી ગઈ દર વર્ષની જેમ શાન સાર ગુણાંક મેળવી આગલા ધોરણમા આવી.

અરે શાન હવે ‘હાઈસ્કૂલમા” આવી ગઈ સોનમ અને  સાહિલ વાતો કરી રહ્યા હતા.

બાજુના કમરામા   શાન અને સોહમ રમવામા મશગુલ હતા.  દિકરી મોટી થાય તેમ

માબાપ પણ ચેતતા જાય. દિકરા અને દિકરીમા ત્યાં જ ફરક જણાય. દિકરીઓના ભય

સ્થાન માબાપની નિંદ હરામ કરતા હોય છે. સુસંસ્કારી માબાપની દિકરી તેનો ખ્યાલ

હંમેશ રાખતી હોય છે. શાનના અંગ અંગમાંથી યૌવન ડોકિયા કરી રહ્યું  હતું. લીંબુ ને

મરચા દરવાજે લટકાવવા યા તો શાનને કાળું ટીલુ કરી મોકલવાને બદલે સોનમ

તેની સાથે, શાનની ઉમરને લક્ષ્યમા રાખી વાત કરી તેને સમજાવતી. સમજુકો

ઈશારા કાફીની ઉક્તિ પ્રમાણે શાન થોડામા ઘણું સમજતી. ‘મા, તું બેફિકર રહેજે’

કહી માને વિશ્વાસમા લેતી.————————–

***********************************

એક ડગ ધરા પર —-૮

       શાન હાઈસ્કૂલમા આવી . ઉંમર ઉમરનું કામ કરે છે. નાની નિર્દોષ બાળકી

હવે કન્યમાં રૂપાંતરીત થઈ રહી હતી. દરમહિને વેઠવી પડતી અગવડ ગમતી

ન હતી. કિંતુ સોનમ તેને પ્યારથી સમજાવી સહ્ય બનાવતી. શરીરમાં થતા

ફેરફાર નિહાળી શાન લજવાતી અને રોમાંચ પણ અનુભવતી. તેને ખબર પડતી

ન હતી કિંતુ જે અનુભવમાંથી પસાર થઈ રહી હતી તે ગમતું હતું.  સોનમ ચૂપકીદિથી

તેની નોંધ લેતી અને રાતના એકાંતમાં સાહિલને બધી વાતથી વાકેફ કરતી.

હવે  સોનમ વિચારતી કે ઉનાળાની રજાઓ છે. થોડું ઘણું  શાન ને રસોઇકામ

અને સિવણમાં રસ લેતી કરવી છે. તેના વાંચનમા પણ વૈવિધ્યતા આવવી જરૂરી છે.

શાનને ઘરપાસેના પુસ્તકાલયમાં સભ્ય બનાવી. પહેલા થોડોક વખત તેની સાથે ગઈ.

હિંદના ઈતિહાસ્ના પુસ્તકો,  વિજ્ઞાનને લગતાં, ધાર્મિક વિ. વિ. બતાવ્યા. તેને પહેલા જોવું

હતું શાનને શું વાંચવાથી આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત થાય છે.  સોહમને દાદી પાસે મૂકી

મા-દિકરી બહાર જતાં. શાનને પણ મમ્મી સાથે ખૂબ મઝા આવતી. રજાને દિવસે આખો

પરિવાર સાથે બહાર જતો. સાહિલ એક પણ તક જવા ન દેતો. રવીવારની કાગ ને ડોળે

રાહ જોતો. સુંદર પરિવાર , સુખી પરિવારની ઉક્તિ બરાબર બંધબેસતી હતી.  રજા

ના દિવસો પાણીના રેલાની જેમ પસાર થઈ રહ્યા હતા.  સોનમને તેના માતા પિતા

તેડાવતા ત્યારે હંમેશા કોઈના કોઈ કારણસર તે જઈ શકતી નહી.

સોનમ પિયર ખૂબ ઓછું જઈ શકતી. વિચાર આવ્યો લાવને શાનને નાના નાની

પાસે મોકલું.  થોડા દિવસ શાન, નાના નાની ત્યાં રહેવા આવી. ઘરનું વાતાવરણ

શરૂમાં શાનને થોડું જુદું લાગ્યું કિંતુ વાંધો ન આવ્યો.   નાના,નાની શહેરથી દૂર રહેતા

હતાં. વાતાવરણ શાંત હતું પણ હવામા પ્રસરતી મહેક મનભાવન હતી. શહેર કરતાં

મોટું ઘર. ઘરમાં માણસ બે પણ કામ કરવા વાળા ત્રણ. આજુબાજુ મઝાનો બગીચો,

બગીચામાં ઝુલો.  ઘરની પાછળ કૂવો. જોકે હવે પાણી કાઢવાનું ન હતું. શહેરની જેમ

નળ હતા.   શાનને કુદરતને ખોળે રમવાની મઝા આવતી. આજુબાજુથી નાની નાની

છોકરીઓ તેની સાથે રમવા આવતી. શાન તેમની ઘણી બધી રમત રમતાં શીખી.

પોતે શાળામા જે રમતી તે તેમને બતાવતી અને રમતા શીખવાડતી.

એક દિવસ તેની સાથે રમતી કંકુ આવી. ખૂબ શાંત જણાતી હતી. શાન તેને

પોતાની સાથે ઉપર લઈ ગઈ. કંકુ બન્ને જણ એકલા હતા તેથી, તેનામા હિંમત આવી

ને કહે , શાન દીદી હું ચૌદ વર્ષની થઈ મને મારી મા ભણવાની ના પાડે છે. મને

ખૂબ ભણવું છે. અમે સુથાર જાતના છીએ. અમારામાં દિકરીઓને બહુ ભણાવે નહી.

પંદર કે સોળની થાય ત્યાં પરણાવી દે. હજુ તો તેનુ બાળપણ ગયું ન હોય ત્યાં બે

નાના બાળકની મા થઈ જાય. બાકીની જીંદગી ઘરકામ, પતિ અને બાળકો સાથે પુરી

કરવાની. આજે ૨૧મી સદીમા જ્યાં સ્ત્રી અવકાશમાં જતી હોય, દરેક ક્ષેત્રમાં પ્રવિણતા

પામી હોય ત્યાં દીદી મારા હાલ જુઓ.

શાન કંકુની અવિરત વાણી સાંભળીને ચકિત થઈ ગઈ. નાના ગામમા રહેતી કંકુ જગની

વાતોથી વિદિત છે. તેને પોતાને પણ કાંઈ કરીને, બનીને જીવવું છે. ઘરના વડિલનેતો

સમજાવાય કિંતુ નાના નાની કે દાદા દાદી તોબા રે તોબા. તેમનેતો હળાહળ કળિયુગ

દેખાય.  કંકુને શાંત કરી પાણી પિવડાવ્યું. આમ પણ શાન હતીજ એવી કે કોઈને પણ

તેની પાસે આવીને વાત કરવાનું મન થાય. પરિચય ખૂબ ઝૂઝ હતો . લાગણી અને પ્રેમ

સમયના બંધનમા નથી. જ્યાં દિલના તાર જોડાય ત્યાં સમય ટૂંકો યા લાંબો એ અતિ

મહત્વનું નથી. શાન વિચારમાં ડૂબી ગઈ. તેને માટે તો આ એકદમ નવી પરિસ્થિતિ હતી.

કંકુએ પોતાના તથા પોતાના ભાઈના જુદા જુદા નિયમો પંણ ટુંકમા કહી બતાવ્યા.

શાન  કાપોતો લોહીન નિકળે એવી અવસ્થામા હતી.  આમ તો તે પણ બાળક

હતી. જુવાનીમા પ્રવેશ કરી ચૂકી હતી. છતાંય આવી વાત સાંભળીને કાંઇ ઉત્તર ન આપતા

કંકુને વિશ્વાસમા લીધી.  કહે, તું શાંત થા, ઘરે જા આપણે કાલે વાત કરીશું. કંકુ ઘરે ગઈ.

આશા બંધાઈ કે શાન દીદી તેને જરૂર કોઈ માર્ગ બતાવશે.——————

******************

એક ડગ ધરા પર—–૯

          કંકુ તો ઘરે ગઈ  પણ શાનની નિંદર સાથે લેતી ગઈ. ઘણા પ્રયત્ન

કર્યા શાને અને વિચારમા ગરકાવ થઈ ગઈ કે આવું પણ બની શકે. શહેરમા

રહેલી, જન્મેલી, મોટી થયેલી શાનની કલ્પના બહારની વાત હતી.  વિચારમા

ને વિચારમા ક્યારે ઉંઘ આવી ગઈ તેની ખબર પણ પડી નહી. રાતના નિંદર

મોડી આવી તેથી સ્વાભાવિક છે સવાર પણ મોડી પડી. નાની સવારની ચા

પી રહ્યા હતા ‘આજે મારી દિકરી ખૂબ શાંતિથી સૂતી છે.’ તેમને ક્યાં ખબર

હતી કે શાનના દિમાગમાં શું ગડમથલ ચાલે છે.

સવારે ઉઠી મોં સાફ કરીને આવી શાન નાનીના ખોળામા લાડ કરવા આવી.

નાનીને અચરઝ તો થયું પણ કાંઈ બોલ્યા વગર તેના માથામા વહાલથી હાથ

પસવારવા લાગ્યા. ધીરે રહીને ગરમ કેસર બદામવાળા દૂધનો ગ્લાસ પકડાવ્યો.

દૂધ પીતા શાન કહે હેં નાની પંદર વર્ષની ઉંમરે લગ્ન થાય ખરા? હવે નાની

ચમક્યા. શું વાત કરે છે બેટા!

હા, કાલે કંકુ કહેતી હતી. હવે તેણે ભણવાનું છોડવું પડશે અને તેના માતા પિતા તેને

પરણાવી દેશે. નાની શાનને સમજાવવા લાગ્યા. બેટા સુથાર જાતિમા દિકરીઓને ભણાવે

ઓછું. તેઓ દિકરીઓને ‘સાપનો ભારો ગણે.’ બોલતાતો બોલાઈ ગયું પણ પછી શાનને

સમજાવતા નેવના પાણી મોભે ચડ્યા. નાનીને પસ્તાવો થયો પણ તીર કમાનમાંથી

છૂટી ગયું. પરિણામ જગજાહેર છે.    ખૂબ પ્રેમથી નાની શાનને સમજાવી રહ્યા હતા.

શાન વાતો ખૂબ ધ્યાનથી સાંભળતી હતી. જીવનમા પહેલીવાર તેના ડગ થરક્યા.

તે ખૂબ નાની પણ ન હતી તેમ જ મોટી પણ નહી. કિંતુ તેના માનસ પર ઉંડી છાપ

પડી. હવે કંકુ ને શું કહી સમજાવવી. નાની કહે બેટા આ તેના ઘરની વાત છે. આપણાથી

કાંઈ ન કહેવાય. કિંતુ શાન તે માનવાને તૈયાર ન હતી.

કંકુ આવી તેને શાન ઉપર ભરોસો હતો . શાન દીદી શહેરની છે, સુંદર છે. કુશળ છે.

શાન કહે ચાલ ને આપણે તારા માતા પિતા પાસે જઈએ. બંને કંકુને ઘરે આવ્યા. શાનની

પ્રતિભા અસરકારક નિવડી. ધીરે ધીરે કંકુની મા જમનાને વિશ્વાસમા લીધી. શહેરની વાતો

કરી. વિનમ્રતા અને સાલસતા જમનાને જચી ગયા. શાન પછી શાળાની પોતાની ડોક્ટર

બનવાની મહેચ્છા વિગેરે વિગેરે જનાવી રહી હતી. એકદમ જમના પણ બોલી ઉઠી, અરે

મારી કંકુને પણ ડોક્ટર થવું છે. બસ શાન સાવધ થઈ ગઈ. હા, માસી કંકુ ભલે નાના

ગામમા રહે છે. પણ ખૂબ હોંશિયાર છે. હવે તો ગામમા પણ કોલેજ શરૂ થઈ ગઈ છે.

વડોદરા તો ૩૦ કિલોમિટર દૂર છે. એસ.ટી. બસની સગવડ છે. હું પણ કદાચ વડોદરા

ભણવાની છું.   વાતોનો દોર બંધાતો ગયોને કંકુની મા સ્વપનામાં ડૂબતી ગઈ. તીર

નિશાના પર બરાબર લાગ્યું હતું. જમનાને વિશ્વાસમા લીધી. પચાસ ટકા કામ થઈ ગયું.

શાનને ખબર હતી પોતાને ત્યાં મમ્મી પપ્પાને કેવી રીતે પટાવી શકતી હતી.

રાતના કંકુના પિતા જગાભાઈ વખારેથી ઘરે આવ્યા. જમનાએ તેમની ભાવતી

વાનગી પીરસી. કામકાજ પરવારીને આવીને વત છેડી. આજેતો બાજુવાળા શારદાબહેનની

ભાણી આવી હતી. આપણી કંકુને તેની જોડે બેનપણા થઈ ગયા છે.  ભણવામા આપણી કંકુ

શહેરની છોકરીની બરાબરી કરે તેવી છે. અરે, સાંભળો છો?  કંકુને ભણવું છે. શામાટે પરણાવવાની

ઉતાવળ કરવી. ટી.વી. માં જુઓ છો ને છોકરી હવે છોકરાઓની હારોહાર બધા કામ કરે છે. ભગવાને

આપણને એક છોડી આપી છે. ભલેને તેનું ગમતું કરે. પૈસે ટકે તો આપણે સુખી છીએ. ન્યાતમા

છોડીઉ જલ્દી પરણે તેથી આપણે પણ તેમ કરવું શું જરૂરી છે. તમને પણ હતુંને કે હું બેચોપડી

વધારે ભણી હોતતો તમને હિસાબ કિતાબમા સહાય કરત. પણ લગન પછી બાર મહિનામા

કાનો આવ્યો ને બીજે વરહે કંકુડી.  તમારી મનની મનમા રહી ગઈ. એ તો ભગવાને હારો

દી દેખાડ્યો અને આપણે બે પાંદડે થયા.

જગાને જમના પર ખૂબ વહાલ. કેમ ન હોય. કાના ને કંકુ જેવા બે સુંદર બાળકો દીધા હતા.

જગાના માબાપને ખૂબ આબરૂભેર સાચવતી.  તેને પણ થયું કંકુ દીકરી છે તેથી કાંઇ ગુન્હો

કર્યો. ભલેને જીવન પોતાની મરજી મુજબ બનાવતી. જગો નવા જમાનાની હવાથી વાકેફ

હતો. તે સમજતો હતો કે સ્ત્રી હવે માત્ર રસોડાની રાણી નથી રહી. તેને પણ અરમાન હોય

છે. હિંદી ચલચિત્ર જોતો હતો.  જમાનો ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે.  પોતાની આવી સુંદર

દિકરી ભલેને ભણતી. કહ્યાગરી, ઘરકામમા પાવરધી પણ છે. તેનું હૈયું ઠારીશ તો તના

આશિર્વાદ પામીશ. જમનાની કેળવણી અને સંસ્કાર પર તે મુસ્તાક હતો. જમનાને સાતે

કોઠે ટાઢક થઈ. સવારે કંકુ ઉઠે ત્યારે સારા સમાચાર આપવા તલપાપડ થઈ રહી અને

વિચારમા આંખો મીંચાઈ ગઈ.

કંકુને તો કાંઈ જ ખબર ન હતી. ભણવા મળશે કે પરણવું પડશે તેની દ્વિધામા

આકાશના તારા ગણતી રહી.—————– શાન ને ઢાઢસ બંધાઈ હતી. તેને વિશ્વાસ

હતો કે  કંકુની મા જમનામાસી જરૂર કાંઈક કરશે—–

********************************

એક ડગ ધરા પર  10

શાનનો આનંદ માતો ન હતો.  કંકુના માતાપિતા તેને ભણાવશે તે જાણીને

ખુશ હતી. બસ હવે શાળા ખુલવાના બહુ દિવસો બાકી ન હતા તેથી ઘરે જવા

ઉંચીનીચી થઈ રહી હતી. નાનીમાને શાને બધી વાત વિસ્તાર પૂર્વક કહી. નાની

શાનથી ખૂબ પ્રભાવિત થઈ. કંકુ પણ દિવસ ચડતા આવી પહોંચી. શાનને ગળે

વળગી  અને ખુશી વ્યક્ત કરી. આગળ ભણવા મળશે તે વાત તેની કલ્પનાની

બહાર હતી. જે શાનના વાક્ચાતુર્યથી હકિકતમાં ફેરવાઈ ગઈ.

આજે શાન પાછી પોતાને ત્યાં જવાની હતી. નાના નાનીને ગળે વળગી.

કંકુની આંખો બોલી રહી હતી. આંસુને સંતાડવાની લાખ કોશીશ કરી પણ તે સરી

પડ્યા. શાનને વચન આપ્યું કે મહેનત કરીને સારા ગુણાંક મેળવીશ.  શાન હવે ઘરે

જવા માટે તૈયાર હતી. નાના, નાની અને કંકુની સંગતમા રજાના દિવસો સરસ રીત

પસાર થયા.

ઘરે આવી મમ્મી , પાપા ,ભાઈ દાદા, દાદી બધાને મળી ખૂબ ખુશ થઈ. મમ્મીને

કંકુની વાત વિગતે જણાવી. મમ્મીના માનવામા ન આવ્યું. વહાલથી શાનને ભેટી તેની

આવડતની તારિફ કરી. બસ આજે રવીવાર હતો. કાલથી શાળા શરૂ થવાની હતી. શાળાનું

છેલ્લું વર્ષ, સારા ગુણાંક મેળવવા, સારી કોલેજમાં જવું બધા મનસૂબા કરતી શાન સૂઈ ગઈ.

શાળા નિયમિત ચાલુ થઈ ગઈ.  દાદા, દાદી રજા ગાળવા મહાબળેશ્વર જવાનો

વિચાર કરતા હતા. શાન કુટુંબ સાથે શનિ, રવી જવાની હતી. પાપાએ ગાડી અને ડ્રાઈવર

આપ્યા. મહાબળેશ્વર ખૂબ સુંદર જગ્યા છે. રસ્તામા ઘાટ પરથી ગાડી જઈ રહી હતી ત્યાં

સામેથી આવતી લોરીનો ડ્રાઈવર પીધેલો હશે. કાબૂ ગુમાવ્યો અને દાદા, દાદી તથા

ડ્રાઈવર સહિત ગાડી ખીણમા ગઈ. આખા ઘરમા સન્નાટો છવાઈ ગયો.  પાપા તો પાગલ

જેવા થઈ ગયા.

આવી રીતે અકસ્માતમાં મૄત્યુ થયા પછી જે કનડગતમાંથી પસાર થવું પડે છે તે હાલત

નું વર્ણન કરવાની શક્તિ મારામાં નથી. વહાલા માતાપિતાના અવસાનનું દુઃખ અને સાથે

પોલિસખાતાની તુમારશાહી. સહુ ત્રાસી ગયા. માંડ માંડ તેમના શરીરના છૂટાછવાયા અસ્થિ

મેળવી સહુ ઘરે આવ્યા અને અંતિમ ક્રિયાપાણી કર્યા. ચારે તરફ ગંભીર વાતાવરણ છવાઈ

ગયું હતું. આશાનો સૂરજ વાદળ પાછળથી ડોકિયા કરતો હતો. હજુ તેની પણ હિંમત ચાલતી

ન હતી. યંત્રવત સવાર અને સાંજ થતા હતા. ઘર મંદિરમાં ફેરવાઈ ગયું હતું. માતાપિતાનો

પ્રેમ, તેમની યાદો, તેમનું અચાનક ચાલી જવું સઘળે ફેલાયા હતા. શું બોલવું , શું કરવું કાંઈ

સમઝમાં આવતું ન હતું. જીંદગી શું? એ પ્રશ્ચ ચારે તરફ ઘુમરાઈ રહ્યો હતો———-

*************************************

એક ડગ ધરા પર—-૧૧

ભર જુવનીમા, મા અને બાપ બંને ગુમવવા અને તે પણ આવી રીતે

અકસ્માતમા એ આઘાત જીરવવો ઘણો કપરો છે. સોનમ અને સાહિલ બંને

હતપ્રભ થઈ ગયા.  બાળકોને સંભાળે કે પોતાની જાતને. કહેવાય છે પ્રભુના

દરબારમા ન્યાય પ્રવર્તે છે. કયા પાપ કર્મોની આ સજા હતી. હા, જન્મ છે

તેનું  મૃત્યુ ચોક્કસ છે. પણ આ રીતે! ખેર જો બેમાંથી એક પાછળ રહ્યું હોત અને

તે પણ પાછી અપંગ હાલતમાં તો શું દશા થાત! એ એક જ આશ્વાસન આપી

શકાય. બાવરો સાહિલ અને બેબાકળી સોનમની વહારે ધાયા સોનમના માતાપિતા.

લગ્ન થયાને સોળ વર્ષના વહાણા વાયા હતા. દુધમા સાકર ભળે તેમ સોનમ

સાહિલની જીંદગીમા ઓતપ્રોત થઈ ગઈ હતી. સાહિલના માતાપિતાની તેણે કદીય

અવહેલના કરી ન હતી. ૨૧મી સદીની હતી પણ પ્યાર આપવામા ‘સીતા’ અને ‘રાધા’

તેના આદર્શ હતા. સાહિલ તેના પર જાન છિડક્તો .તેણે ખરેખર સાહિલની અર્ધાગંના

બની જીવન સફળ પૂર્વક જીવવાનો પ્રયત્ન  કર્યો હતો. આવા સુંદર કાર્યમા તેને સહુનો

સોનેરી સંગાથ  સાંપડ્યો હતો.  શાન મમ્મીની વ્યથા સમજી શકતી હતી. દાદા દાદી તેને

પણ ખૂબ વહાલા હતા. દાદીનો પ્રેમાળ વહાલ નિતરતો ચહેરો યાદ આવતા આંખમાંથી

આંસુ સરી પડતા.

શાળામા તેની એક સહેલી જેની સાવકીમા હતી તેણે શાનને સંભાળી. શાન તેને

હંમેશા ઘરે લાવતી, દાદી તેને પ્રેમે જમાડતી. સુલુ જ્યારે પણ શાનને ત્યાં આવે ત્યારે

દાદીનો પ્રેમ પામવા ભાગ્યશાળી બનતી. દાદી તેને સાચી સલાહ આપતા. સુલુ જાણતી

હતીકે સગી મા પણ બાળક્ને વઢે યા મારે. પણ તે એ પણ જાણતી કે પછી મા મનાવી

ખવડાવે પણ ખરી. કિંતુ તેની ‘મા’ જેકહે તે જ કરે. મારે ને રડતા રડતા સૂઈ જાય તો

આખી રાત ખૂણામા ગાળે.

જીંદગી ધીરે ધીરે પાટા પર ચડી રહી હતી. માબાપ ગુમાવ્યાનું દુઃખ વિસરવું સહેલું

નથી. પણ જનાર પાછળ કોઈ ગયું નથી! દુનિયા તો ચાલ્યાજ કરે. દુઃખને હૈયામા સંઘરી

જીવવું એ નાનુ સુનું કામ નથી. સાહિલની ઉદાસી સોનમની છાતી ચીરી નાખતી હતી.

અસહાયતા તેને ચૂભતી પણ ઈલાજ જડતો ન હતો.  નાના નાની ખૂબ ધિરજ પૂર્વક

સમયની નાજુકતા પારખીને મદદ રૂપ થયા. જેને લીધે સહજતા આવી માત્ર ઉપરછલ્લી.

શાન સુલુની સહાયથી શાળાનું કાર્ય કરતી. કોલેજમા જવાનું હતું. આગળ ભણીને

મનની મુરાદ પૂરી કરવી હતી. પોતાને તો કોઈ કઠીન પરિસ્થિતીનો સામનો કરવાનો ન હતો.

પણ બહેનપણીને જો કોઈ મુશ્કેલી જંણાય તો શાન ખડે પગે ઉભી રહી તેને ઉકેલવામા મદદ

કરતી. શાન, સુલુ અને નેહાની ત્રિપુટી ઘણાની આંખમા આવતી. ગણકારે તે બીજા. આમ પાછી

ભણવામા ચિત્તને પરોવી વાત વિસારે પાડવાનો વ્યર્થ પ્રયત્ન કરતી. દાદા, દાદી વગર ઘર સુનુ

લાગતું હતુ. પણ કોઈ ઈલાજ ન હતો! નાના, નાની પાછા પોતાને ઘરે જતા રહ્યા.

સોહમને બહુ ખબર પડતી નહી. પોતાના દિલની વ્યથા કેવી રીતે પ્રદર્શિત કરવી તેની

ગતાગમ પડતી ન હતી. શાન ભાઈલાને સાચવી લેતી. સોનમ, સાહિલને સાચવવા માટે હરપળ

તૈયાર રહેતી. માતા અને પિતા સાથે ગુમાવવા એ ઘા ભલભલાને હલાવી નાખવા પૂરતા છે.

કહેવાય છે “જે દુઃખ આપે છે , તે દુઃખ સહન કરવાની શક્તિ પણ આપી રહ્ર છે.”———-

*******************************

 ૧૨

       સઘળા દુઃખની એક જ દવા છે. તે છે ‘સમય’. સમય ભલભલું કઠીન દર્દ મિટાવવા સમર્થ છે.  માતા પિતાની જગ્યા કોઈ પણ વ્યક્તિ પૂરવાને સમર્થ નથી. તેમની મધુરી યાદ અને શીળી છાયાના સંભારણા  જીંદગી જીવવા માટે પૂરતા હોય છે. દરેકને એ રસ્તે વહેલા કે મોડા જવાનું છે. સોનમ અને સાહિલ જીવનની ઘટમાળમા પરોવાઈ ગયા.

શાન કોલેજમા આવી અને પ્રગતિને પંથે ચાલવા લાગી તેની સહેલી સુલુ, જેને સાવકીમા હતી એક દિવસ કહે મારા લગ્ન નક્કી થઈ ગયા. સુલુ પણ ભણવામા ખૂબ હોંશિયાર હતી. શાન તો સાંભળીને છળી પડી. કહે શું વાત કરે છે? કોની સાથે? ક્યારે? કેમ આટલા જલ્દી? સુલુ બિચારી શું બોલે! એનું રડવું માતુ ન હતું. એને ભણીને પોતાની જીંદગી સુંદર રીતે જીવવી હતી. તેના પિતાજીનું કશુંજ નવી મા પાસે ચાલતું ન હતું.

સુલુની ઉંમર હજુ માંડ સત્તર વર્ષની હતી. જેની સાથે લગ્ન થવાના હતા એ બીજવર હતો. નવી માને પૈસામા રસ હતો. નહી કે સુલુ સુખી થાય તેમા. શાન, નેહા અને સુલુની ત્રિપુટી મસલત કરવા માંડી. સોળે સાન આવે એ ઉક્તિ મુજબ તેમની વિચાર શક્તિ ખીલી હતી. ૨૧મી સદીની છોકરીઓ ઘણી ચબરાક અને સારા નરસાનું ભાન ધરાવતી હોય છે.

શું કરે તેના વિચારોમા ખોવાઈ ગયા. ૧૭ વર્ષ એ તો કાંઈ પરણવાની ઉમર ગણાય? આજે સમાજમા ચારેકોર નજર ફેરવો. ૩૦ થી ૩૫ વર્ષની છોકરીઓ જણાશે. ઘંઉ વીણું કાંકરા વીણું માં કુંવારી રહી ગઈ હોય છે. શરૂઆતના ૨૫ વર્ષના થાય ત્યારે તેમનો જવાબ હોય છે “અમે પરણવા માટે તૈયાર નથી”. શું તેના માટે લાલ કે લીલા સિગ્નલ ઝબુકતા હોય છે? અમારે અમારું ભવિષ્ય બનાવવું છે. ત્યાં સુલુ ને જુઓ. કાંઈક તરકીબ કરવી પડશે જેથી પરણવા આવનાર મૂરતિયો હા પડી જ ન શકે. સુલુને પોતાની બંને કીકી વચમા લાવવાની ફાવટ હતી.  સુમનભાઈ મોટી ફાંદવાળા જ્યારે તેને મળ્યા ત્યારે વાતો કરતા સુલુ ચાલાકીથી તેમે કરતી. ‘બાંડામાં બોંતેર ” લક્ષણ હોય સુમનભાઈએ તો ધસીને ના પાડી દીધી. શાને તેના માનમા સુલુ અને નેહાને પારસી ડેરીનો મસ્ત આઈસ્ક્રિમ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો.

શાનને હવે ભણવાની સાથે સાથે આ બધી વાતોમાં ઉંડો રસ લેવા માંડ્યો. તેને થયું જેટલું ભણવું જરૂરી છે તેટલુંજ સાથે ભણતી સહેલીઓના જીવનમા આવતા નાનામોટા અવરોધોને સુલઝાવવાનું પણ તેટલું જ અગત્યનું છે. શાનનું શાણપણ તેની બહેનપણીઓના પ્રમાણમા ખૂબ ચડિયાતું હતું. તેમા મુખ્ય ભાગ માતાનો પ્રેમ, સમયસૂચકતા અને દાદા, દાદીની સુંદર કેળવણી  હતા.ચાલો હાલ પૂરતો સુલુનો વિકટ પ્રશ્ન ઉકલી ગયો.

તેવામાં શાનની બહેનપ્ણી નેહાની કાકાની દિકરી હિના લગ્ન કરીને બે વર્ષમા પિયર પાછી આવી. કારણ તો કહે પૈસાવાળાનો નબીરો ખોટી આદતોમા ગળાડૂબ હતો. ઉપરથી ઘરે આવીને હિનાને મારે તે નફામા.  સારું હતું કે બાળકની ઝંઝટ હતી નહી. તેને બરાબરનો પાઠ ભણાવવાનું આ ત્રિપુટીએ નક્કી કર્યું. ‘

જાસુસી કરવા માંડીકે હરિશભાઈ ક્યાં જાય છે અને કોને મળે છે.   આવા બધા કારસ્તાન ઘરમા કહે તો ગુસ્સો સહન કરવાનો વારો આવે, કિંતુ પરિણામ સફળ આવે ત્યારે ધીરે રહીને મમ્મીને શાન બધું જણાવતી. સોનમને, શાન બહેન પણીને મદદ કરે તેમાં વાંધો ન હતો. તેને પોતાના લોહી તથા તેની સમજદારી પર ગર્વ હતો. શાનને સમઝાવતી ‘બેટા વગર વિચાર્યું કામ ન કરીશ કે જેથી મારે ,તરા પપ્પાને અને તારા ભાઈલાને નીચું જોવાનો વારો આવે,”.

હરિશભાઈને પાઠ ભણાવવા ત્રિપુટી કામે લાગી ગઈ. હિનાએ સાફ શબ્દમાં જણાવ્યું તેને હરિશ ઉપર પ્યાર છે. વધુ પડતા બે નંબરના પૈસાને કારણે તે આડે રસ્તે ચડી ગયો છે. હા, તને સીધે રસ્તે લાવવા કાજે હું કાંઈ પણ કરવા તૈયાર છું. જીવનમાં પ્રથમ પ્યારની મહેકનું વર્ણન કરવું અશક્ય છે. નાની ઉમરમા થતો પ્યાર આંખની ભ્રમણા છે. કિંતુ સમઝદારી દ્વારા પાંગરેલું પ્યારનું પુષ્પ તેની સુંગધ જીવનભર ફેલાવે છે. આ કાંઈ કાગળનું ફુલ નથી. તે કદી મુરઝાતું નથી. દિવસે દિવસે ખીલે છે. તેનું સૌંદર્ય અંગ અંગમાંથી પ્રગટે છે. જીવન પ્યારનું પરિણામ છે. પ્યારને સસ્તો સમઝવાની ભૂલ કદી ન કરનાર હિનાએ, પોતાનો પ્યાર મેળવવા  કમર કસી. તેમાં સહકાર સાંપડ્યો શાન, સુલુ અને નેહાનો————–

Advertisements

ક્રિયાઓ

Information

One response

18 01 2010
pragnaju

.
.. તેને ધિક્કારો નહીં પણ તેની સાથે પ્રેમથી વર્તો. હંમેશા તે ધીરે-ધીરે શીખશે એવા પોઝિટિવ વિચાર સાથે કંટાળ્યા વગર તેને સૂચન આપો. વારંવાર સૂચન કરો ત્યારે જ તેને કંઈક સમજાય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: