જાગીને જોંઉ તો————૯ (ધારાવાહિક)

રાજેશ અને રીના બે વર્ષ પછી

======================

રોહન પાછળ લોહીનું પાણી કરનાર માતા અને પિતા પોતાનું અસ્તિત્વ વિસરી ગયા હતાં.

રીનાનું હ્રદય આજે હાથમાં રહેતું ન હતું. માતૃત્વની ભાવના આજે તેના સમસ્ત અસ્તિત્વ

પર છવાઈ ગઈ હતી. બે વર્ષનાં વહાણા વાઈ ચૂક્યા હતા. રાજેશનું અંતર પણ રોહનની

પરિસ્થિતિ નિહાળી આક્રંદ કરતું હતું. રીનાને હિંમત આપવા ઢાલ બની તેનું રક્ષણ કરતો

હતો. આખરે તે પણ બે હાથ, પગ અને હાડ માંસનો બનેલો સામાન્ય માનવી હતો.

રીનાએ તેની નોંધ લીધી.

આજે બંને જણાં પારેવડાંની માફક એકબીજાનો સંગ માણી રહ્યા. તેમને ભૂતકાળમાં

મહાલવાનો આનંદ લુંટવો હતો. વર્તમાનના વમળમાંથી બહાર નિકળી બંને જણાએ

દિલ હળવું કરી અંતરની ભાવનાને નિર્બંધ વહેવડાવી. નજર સમક્ષ ઘુંટણિયા ભરતો,

હાથમાં દફતર લઈ બાળમંદિરમાં જતા રોહનની વાતોમાં ગુંથાયા. તેના બાળસહજ

પરાક્રમો પર બંને જણા હસી આનંદ મનાવી રહ્યા. શાળા જવા તૈયાર થયેલો રોહન

દરરોજ ‘કંઈક’ ભૂલી જતો જે લેવા તેને પાછું આવવું પડતું. રીના હંમેશા આદત પ્રમાણે

પૂછતી ‘ બેટા ‘કંઈક’ ભૂલી ગયો હોય તો યાદ કર.

રોહન,’ ના મમ્મી મેં બધું બરાબર બેગમાં ગોઠવ્યું છે.’

પાંચ જ મિનિટમાં ઘરની ઘંટડી વાગતી ‘ સોરી મમ્મી , કહીને દોડતો પોતાના રૂમમાંથી

‘કંઈક’ લઈને પાછો આવતો. અને બન્ને મા દિકરો હસતા.

એંજીનયરીંગની કોલેજના એડમીશન વખતે બાપ બેટા કેટલી દોડધામ કરતાં હતા તે

નજર સમક્ષ રાજેશ વર્ણવી રહ્યો. એંજિનયરીંગની કોલેજના શરૂઆતના દિવસો ઘરના

બધાની પરિક્ષાના દિવસો હતા. એક મહિના સુધી દરરોજ રાજેશ તેને બસ સ્ટોપ પર મૂકવા

જતો. તેને બરાબર જતાં ફાવીગયું પછી તેના જીવને ટાઢક થઈ હતી.તાજેતરમાં બેંગ્લોરમાં

ઉજવેલી દિવાળી તો કેટલી નયન રમ્ય હતી. ‘રોનક’ને રૂબરૂ મળવાની ઉત્કંઠા બંનેના

અંગ અંગમાંથી ડોકિયા કરતી હતી.રીયાના લગ્ન વખતે રોહન માની પડખે ઉભો રહી

તેનો પડ્યો બોલ ઝિલતો હતો.એક તો રીયા પહેલું સંતાન અને તેમાં વળી દીકરી .

રોહન મા તથા પિતાની હાલત જાણતો હતો. દીકરી પરણવવાનો આનંદ અને

વિદાય થશે એ ગમ બંનેના સમાગમનું દૃશ્ય રોહનની નજર સામે ચિત્રિત થતું.

રીયા તેની પણ લાડકી મોટી બહેન હતી. તેને ચિડવવા કહેતો ‘ જા,રે ચોંટી

તું જઈશ પછી ઘરમાં મારું રાજ ચાલશે !

કંઈ કેટલી વાતો બંને જણાએ આજે કરી દિલ હળવું કર્યું.તેમની વાતો ખૂટતી ન હતી.

રાજેશ અને રીના વાત કરતાં ધરાતા ન હતા. સવારના પહોરમાં પંખીઓનો કલરવ

સાંભળી બંને જણા ચોક્યા. ભલું થજો આજે રવિવાર હતો તેથી રાજેશને ઓફિસે

જવાની ધમાલ ન હતી. બંને જણા વાત બંધ કરી થોડી વાર સુવાનો વ્યર્થ પ્રયત્ન

આદરી રહ્યા. ઠંડો પહોર હતો એટલે આંખ ક્યારે મિંચાઈ ગઈ તેનું ભાન ન રહ્યું.

સવારે સાત વાગે પથારી ત્યજનાર રીના આજે નવ વાગે ઉઠી.

મારૂતિ અને રમા વિચારમાં પડી ગયા. રમા બધું જાણતી હતી. આજે પ્રેમથી રોહનનો

સવારનો નાસ્તો તૈયાર કરી તેણે ખવડાવી આનંદ માણ્યો. મારૂતિ તેને સ્વચ્છ કરવામાં

પરોવાયો. સાડા નવ વાગે ફિઝિકલ થેરપિસ્ટ આવે તે પહેલાં રોહન રાજાને તૈયાર કર્યો.

સવારના સ્વપનામાં બંને જણાએ નિહાળ્યું,

‘શું સાચે જ તેમની આંખનો તારો રોહન પથારીમાં પટકાયો છે ? હકિકત છે પણ મન

કબૂલ કરતું નથી ! બંને જણા તન મન અને ધનથી રોહનની પાછળ ઘસાઈ રહ્યા છે.

સંપૂર્ણ ઉત્સાહ અને ઉમંગ સાથે કે એક દિવસ લાડલો ગળે આવી ને વળગશે,’ શું પપ્પા

અને મમ્મી તમે ખાલી ખોટી ફિકર કરો છે. હું બેઠો છું ને ! ચાલો બંને જણા હસો તો ?

મને તમારું ઉદાસ મોઢું પસંદ નથી !’

રીના સફાળી બેઠી થઈ ગઈ.

રાજેશ, ‘શું થયું ?’

રીના, ‘ અરે, તેં જોયું નહી રોહન આપણા બંનેની વચ્ચે આવી બેસીને હસાવવાનો

પ્રયત્ન કરી રહ્યો છે. તને તો ખબર છે એને જરા પણ તંગ વાતાવરણ પસંદ નથી.’

રાજેશ, ‘અરે ગાંડી તું શમણું જુએ છે. હું હમણાં તો રોહનને ગુડ નાઈટ કીસ આપીને

આવ્યો. એ ભાઈ ને ક્યાં આપણી ફિકર છે ? નહી તો આમ આપણાથી રીસાયો હોત ?’

ઉંઘ વેરણ થઈ હતી. બંને જણા આરામથી બેડરૂમના સોફા પર આવીને બેઠાં.

રીના બોલી, “રાજેશ હું ગરમ મસાલાવાળું દુધ બનાવીને લાવું છું.” આખા

ઘરમાં બધાનું તે પ્રિય પીણું હતું. એટલે ના પાડવાનો સવાલ જ નહતો.

રીના ગઈ ત્યારે રાજેશ વિચારમાં પડ્યો, રોહન કોને ખબર ક્યારે ઉભો થઈને

આલિંગન આપશે ? જવાબની જાનકીનાથને ખબર! એટલામાં રીના દુધ લઈને આવી

રાજેશ કહે , “પ્રિયે મને વિચાર આવ્યો કે જો રોહન અત્યારે ઉભો થઈને આવે તો

તેને કહીશું ,” બેટા અમેરિકા જવાની વાત જવા દે. કાલથી મારી ઓફિસે આવી જજે.

હવે તો અમે બંને ખૂબ અધિરા થઈ ગયા છીએ કે રોનક પાયલ રણકાવતી ઘરે આવે .

રૂમ ઝુંમ ચાલીને ઘરમાં ફરતી હોય! ” દિવા સ્વપ્ન બંને પતિ પત્ની જોવા લાગ્યા.

કલ્પના ભલે ને ગમે તેટલી સુંદર હોય હકિકતમાં ફરે તેવી આશા સફળ થતી નથી.

હકિકત ગમતુ યા અણગમતું હોય તેનાથી છૂટકારો મેળવવો મુશ્કેલ છે. રીના વાત

સાંભળી રહી , દુધ પીતાં બોલી , રાજેશ અત્યારે તો જે છે તેનો સ્વિકાર કરીએ. જો

અમેરિકાએ કોઈ એવી શોધ કરી હોય તો પૈસાની ચિંતા કર્યા વગર સારવાર કરવા

અમેરિકા લઈને જઈએ. તને તો ખબર છે તારા માસીને ઘરે ત્રણ ડૉક્ટર છે.

આપણને જરાય તકલિફ નહી પડે.

રાજેશે મસાલાવળું આનંદો મિલ્ક પીધું , રીના તું મારા ખોળામાં માથું મૂકીને સૂઈ જા .

મોડું થયું છે સવારે તો પાછું તારું કામ ચાલુ થઈ જશે . દિવસમાં તને જરા પણ

આરામ મળતો નથી. સુંદર સ્વપના જો અને નિંદ્રા દેવીની ખોળે પોઢી જા.’

સહુ સારા વાના થશે. કવિ દયારામે કહ્યું છે યાદ છે ને ?

ચિત્ત તું શિદને ચિંતા કરે

કૃષ્ણને કરવું હોય તે કરે !

આજે ખબર નહી કેમ રીનાને રાજેશ સાથે વાતો કરવામાં વધારે રસ હતો. ગરમ

દુધ પીને ઉંઘ આવવાને બદલે તેની ઉંઘ ઉડી ગઈ.

રીના, ‘રાજેશ , રોહનને ગોવા ફરવા જવાની આપણે હા શામાટે પાડી ?’

રાજેશ,’ ડાર્લિંગ આપણને ખબર હતી ત્યાં આવું બનશે. કોઈના નાના બાળક્નો જીવ

બચાવવા જતાં આપણો કુંવર ખાટલે પડ્યો !’ હશે આપણેતો રોહનને ૨૧ વર્ષ સુધી

પેટ ભરીને પ્રેમ આપ્યો છે. પેલા નાના બાળકના માતા અને પિતા રોહન ઉપર ઓળઘોળ

થઈ આશિર્વાદ આપે છે. તું ધિરજ રાખ રોહન પાછો હરતો ફરતો થશે અને અમેરિકા

ભણીને આવી એની પ્યારી રોનકને ઘરમાં લઈ આવશે !

આ કલ્પના પણ કેટલી સુંદર હતી ! રીના તેનો મધુરો આસ્વાદ માણી રહી. રાજેશે કેટલા લાંબા ગાળા પછી રીનાની મોહક તસ્વીર જોઈ. તેને આલિંગન આપતાં બોલ્યો ,’બસ આમ હસતી રહેજે . હું તને ખાત્રી પૂર્વક કહું છું આપણો રોહન નજીકના સમયમાં સારો થઈ જશે.

રાજેશ આ શબ્દોની પોકળતા જાણતો હતો. તેને ખબર હતી કે વાતમાં કાંઈ માલ નથી ! જો, રીનાને આશાવાદી નહી બનાવે તો ૨૪ કલાક રોહનની દેખભાળ કરવાની શક્તિ ક્યાંથી લાવશે ? એ તો જ્યારે ઘરની બહાર નિકળી ધંધા પર જતો ત્યારે કામના બોજા તળે રોહનને વિસારી શક્તો ! ભલેને અંતરપટ પર તે કોતરાયેલો હોય ! જ્યારે રીના રાત દિવસ રોહનની અગલ બગલ હોય. પળભર પણ તે રોહનની આ હાલત વિસરી શકતી નહી.

એ તો સારું હતું કે દર શનિવારે રોય અને રીયા આવતાં. ઘરમાં આનંદનું મોજું ફરી વળતું. આમેય રીયા બોલકણી હતી. ભાઈ પાસે બેસીને બાળપણની, યુવાનીની, મસ્તી અને તોફાનની વાતો કરતી. રોહનની મનગમતી બધી વસ્તુઓ ખરીદી લાવતી. રોય ભાઈ અને બહેનનો પ્યાર જોતો. તેતો એકનું એક સંતાન હોવાને કારણે આ દૃશ્યથી અપરિચિત હતો. જ્યારથી રીના, પર લાઈન મારી હતી ત્યાર પછીની બધી પ્રવૃત્તિ તેના જાણમાં હતી. આ નિર્દોષ પ્રેમ તેને રીયા ઉપર વધુ પ્યાર ઢોળવા પ્રોત્સાહિત કરતો. તેને ખબર હતી રીયા અંતરમા કેટલી દુખી છે. ભાઈલાની આવી હાલત તેનું કાળજુ કોરતી. તેના હાથ બંધાયેલા હતા. પિયર આવતી ત્યારે માતા પિતાનું દર્દ જાણી ખૂબ હેરાન થતી તેથી મુખ પર સદા તેનું તોફાની હાસ્ય ઉભરાતું રાખી ઘરનું વાતાવરણ હળવું બનાવતી. રાજેશ અને રીના દીકરઈ જમાઈને ભાળી હરખાતાં. તેમની સરભરા કરતાં અને આનંદના અવધિમાં થોડી હળવાશ અનુભવતા.

રોહનનું દુખ રીનાનું કાળજું કોરી ખાતું પણ તે અસહાય હતી. રોહનની સંપૂર્ણ હાલત

ડોક્ટરના હાથમાં હતી તેનું તેને ભાન હતું. “હું, પ્રેમ અને સ્મિત જાણે સાવ અજાણી વ્યક્તિ’ બનીને બેઠાં હતાં. રીના અને રાજેશની અદમ્ય ઈચ્છા હતી કે રોહન જલ્દી સાજો થઈ અમેરિકા આગળ ભણવા ઉપડી જાય. તેમની ઈચ્છાનો કોઈ અર્થ ન હતો. અરે, ઈચ્છા અનુસાર થવાના કોઈ ચિન્હ પણ જણાતાં ન હતાં. વિકરાળ વાસ્તવિકતા મ્હોં ફાડીને ઉભી હતી. તેને બદલવા અસમર્થ એવા રાજેશ અને રીના અસહાય હાલતમાં ઇશ્વરનું શરણ સ્વિકાર્યું હતું. સંસાર સાગરમાં નાવ મધદરિયે હિલોળાં ખાઈ રહી હતી. કિનારાના દર્શન તો દૂર , અરે તરવા માટે કોઈ તરાપો પણ નજરે ચડતો ન હતો. ૨૪ કલાક ક્યારે રોહન સારો થાય તેની પ્રતિક્ષામાં પૂરો થઈ જતો !

રોય અને રીના આવતાં ત્યારે કલ્પનાના મેઘધનુષના રંગો રેલાતાં. રાજેશ જાણતો હતો

કે કલ્પના ગમે તેટલી સુંદર હોય તેમાં જીવી શકાય નહી. તેને રોહનની હાલતની

ગંભિરતાની જાણ હતી.કાલ્પનિક આનંદને કારણે રીનાના મુખમંડલે થતા ફેરફારોની

રાજેશ નોંધ લેતો અને પ્યારભરી નજરે નિહાળતો. રાજેશે સઘળાં પ્રયત્નો જારી રાખ્યા

હતાં.રીના તો દીકરા પર ઓળઘોળ થઈ જતી.આગળ ધપવાનાં ચિહ્ન ખૂબ ધુંધળા હતાં.

રોહનની હાલતને કારણે રીના માતા હોવાને નાતે સખત પીડાનો અનુભવ કરતી.

રોહન ઓળખી પણ શક્તો ન હતો છતાં પણ તેના મુખના ભાવ ચાડી ખાતાં હતા કે તેને

જીવન સાથે પ્યાર છે. માતા પિતા તે ભાવને જાણી શકતાં અને પ્યારથી પુત્રના સાજા સમા

થવાની એષણા રાખતાં. વળી પાછી રીના ભૂતકાળમાં સરી પડી. આજે તો તે રાજેશના

આવતાં પહેલાં સરસ મજાની તૈયાર થઈને તેના આવવાની રાહ જોતી હતી.

રાજેશ ઓફિસથી આવ્યો. ‘કેમ મહારાણી આજે શું કતલ કરવાનો ઈરાદો છે ?’

રીના, શરમાતાં બોલી ભૂલી ગયો ને આજે આપણી ‘વેડિંગ એનિવરસરી” છે.

રાજેશે પાછાં પગલાં ભર્યા ,યાર ખરેખર ભૂલી ગયો. હું પાંચ મિનિટમાં ફુલોનો

ગુલદસ્તો લઈને આવું છું.’ તે એકદમ છોભિલો પડી ગયો.

રીના , અરે, કાંઈ વાંધો નહી. તારુ હસતું મુખ શું ગુલદસ્તાથી કમ છે. કાલે

લાવજે આપણે બે દિવસ પછી મનાવીશું. આમેય રીયા અને રોય કાલે આવવાના છે.

રાજેશને થોડો અફસોસ ઓછો થયો.

રોહનને જમાડી લીધો છે. આપણે કેન્ડલ લાઈટ ડીનર લઈએ અને પછી રીયાના લગ્નની

અને આપણા લગ્નની ૨૫મી વર્ષગાંઠની ડી.વી.ડી. જોઈશું.રાજેશને આ પ્રસ્તાવ ખૂબ ગમ્યો.

નાહીને સરસ તૈયાર થઈ, આફ્ટર શેવ લોશન લગાડીને આવ્યો. બંને જણાયે બિસમિલ્લાંખાનની

મધુરી શરણાઈવાદનની સી.ડી ચાલુ કરી ડીનર લીધું.

બેડરૂમમા જઈ પહેલાં પચ્ચીસમી એનીવરસરીની ડી.વી.ડી ચાલુ કરી. રીયા અને રોહનના

નૃત્ય ઉપર બંને ઝુમી ઉઠ્યા. આજની પરિસ્થિતી જાણે વિસરાઈ ગઈ. ચારે બાજુ આનંદ

મંગલ છવાયેલો જણાયો. એ પૂરી થઈ એટલે રીયા અને રોયના લગ્નની ડી.વી.ડી.

ચાલુ કરી. રોહન કનૈયા કુંવર જેવો સોહી રહ્યો હતો. ભાઈ અને બહેનનું મિલન અને

વિદાય ફોટોગ્રાફરે આબાદ ઝડપ્યા હતાં. દૃશ્ય જોઈ ન શકી. ધ્રુસકે અને ધ્રુસકે રડવા

ચડી . રાજેશે ટીવી. બંધ કર્યું . હૈયું તો તેનું પણ ભરાઈ આવ્યું હતું. પણ કાળજે

પથ્થર મૂકી રીનાને સંભાળી.

One thought on “જાગીને જોંઉ તો————૯ (ધારાવાહિક)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: