સ્વપ્નવત ભવિષ્ય=================
ભવિષ્ય રોહનનુ, રમાનું અને મારૂતિનું એક બીજા સાથે અટૂટ બંધનથી સંકળાયેલું હતું. સ્વાર્થ
કરતાં પ્રેમ તેનો પાયો હતો. પરસ્પર એક મેક દિલના તારથી સંકળાયેલાં હતાં. ત્રણેયનું
વર્તમાન ઉજ્જવળ અને કારકિર્દીમાં વ્યસ્ત હોવાથી તેમનું ભવિષ્ય આપોઆપ જ ભવ્ય અને
આશાસ્પદ તેમાં બે મત નથી. રોહનની પ્રગતિ ભલે ધીરી હતી કિંતુ સતત હતી. મારૂતિ
અને રમાનો ફાળો તેમાં નાનો સૂનો ન હતો. હા, તેમને કામ કરવાના પૈસા જરૂર મળતા.
પૈસા કરતા તેમને રોહન સાથે દિલનો નાતો બંધાયો હતો. ૨૪ કલાક ખડે પગે તેની ચાકરી
કરી રહ્યા હતા. મારૂતિના બાળકો ભણી રહ્યા હતા. જેથી રાજેશ અને રીના પણ ખુશ હતા.
રમાનો સંસાર સુખી હતો એકલી હતી તેથી ભવિષ્ય માટે વ્યવસ્થા થઈ રહી હતી.
રાજેશ અને રીના એ તેને જીવન પર્યંત પોતાને ત્યાં રહેવાનું ખ્લ્લા દિલે આમંત્રણ આપ્યું હતું.
જે રમાએ મૌન સંમતિ દ્વારા સ્વિકાર્ય હતું.
મારૂતિ અને રમા હમણાં હમણાં કાંઇ ગાંડી ઘેલી વાત કરતાં હોય તેમ રીનાને લાગ્યું.બંને જણાને રોહનની
લગની લાગી ગઈ હતી. પહેલાં દિવસથી રોહન તેમની સારવાર હેઠળ હતૉ.રમાને પૈસા કરતાં રોહનમાં વધારે
રસ હતો. મારૂતિને સારી આવકને કારણે બંને બાળકો કોલેજમાં ભણી રહ્યા હતાં. ઘરે જતો પણ ખૂબ ઓછું.
રીના અને રાજેશ જબરદસ્તીથી મોકલતા.કહેતાં ‘જા તારી પત્ની અને બાળકોને થોડો સમય આપ અમે તારો
પગાર નહી કાપીએ’. મારૂતીની આંખમાં બે બુંદ આવી જતાં. તેને ખબર હતી તેના શેઠ અને શેઠાણી કેટલાં
ભલા છે. રીના અને રાજેશે જીંદગીની પરિક્ષામાંથી ઘણું ગ્રહણ કર્યું.
એક વખત રીનાની બપોરે આંખ મળી ગઈ હતી. ઉઠી ત્યારે રમા અને મારૂતિનો વાર્તાલાપ કાને પડ્યો.
મારૂતિ,’ આપણો રોહન, નાના શેઠ સારા થઈ જાય પછી હું તો ક્યાંય જવાનો નથી ! તેમની ઓફિસમાં હું
પટાવાળાથી માંડીને બેંકમાં પૈસા કે ચેક ભરવા જવાનું કામ ઉપાડી લઈશ. તેમને જરા પણ તકલિફ ન
પડે એવી રીતે સાચવીશ. તેમને ખબર પડશે કે આટલા વર્ષો તેમની દેખભાળમાં ગુજાર્યા છે તો મને
સારા પગારની નોકરી જરૂરથી આપશે !’
રમા બોલતી સંભળાઈ ‘હું તો નર્સ છું પણ મને હિસાબ કિતાબ આવડે છે. મોટા શેઠની મદદથી બધું
બરબર શીખી રોહન શેઠની ઓફિસમાં એકાઉન્ટીંગ સંભાળીશ.’ બંને જણાએ પોતાની આવડત પ્રમાણેના
કાર્યની વહેંચણી કરી લીધી. દિવા સ્વપ્ન જોતા હોય તેમ ,
રમા,’ જોજે મારૂતિ આપણા નાના શેઠને જરા પણ તકલિફ પડવી ન જોઈએ.’
મારૂતિ,’ હું ખડે પગે તેમનો પડ્યો બોલ ઝીલી લઈશ.’
રમા, ‘યાદ રાખજે આપણે લોહીના પાણી કરી નાના શેઠને બચાવ્યા છે’.
મારૂતિ,’ એમની તબિયત નાજુક છે. હજુ પણ થોડી ઘણી અસર વરતાય છે.’
રીનાને તો આવી વાત સાંભળીને ખૂબ આનંદ થયો. જાણે નજર સમક્ષ રોહન
ઓફિસમાં રિવોલ્વિંગ ખુરશી પર બેઠો હોય અને રાજેશનો બોજો હળવો થયો
હોય તેવું તેને લાગ્યું.
રીના, મારૂતિ અને રમા વચ્ચેનો વાર્તાલાપ સાંભળી હરખાઈ ઉઠી.
બંને જણા ખડખડાટ હસી રહ્યા હતા. મારૂતિઃ નાના શેઠ આપણને ખૂબ ઇજ્જત
અને સનમાન પૂર્વક સંભાળશે. ભલેને લાખો રૂપિયા કમાશે પણ આપણી પૂરે પૂરી
તકેદારી રાખશે. નાના શેઠે આપણને તેમની મોહિની લગાડી છે.ખબર નહી કેમ
હજુ ભગવાન તેમની કેટલી કસોટી કરવાના છે!’
રમાઃ ‘આ તો દેહના દંડ છેદેહે ભોગવવા જ રહ્યા. બાકી નાના શેઠની આવી હાલત
ને કારણે આપણે તેમની તરફ ખેંચાયા.બસ હવે પ્રભુ તેમને સાજા નરવા કરી દે!
ત્યાં જ ફોનની ઘંટડી રણકી અને રીના દિવા સ્વપ્નમાંથી બહાર આવી.તેને વાત
સાંભળવી હતી પણ ફોન રાજેશનો જ હશે તેની એને ખાત્રી હતી.દરરોજ આ સમયે
રાજેશ ફોન કરી રોહન તેમજ રીનાના હાલ જાણતો !
રાજેશઃ હેલો સ્વીટી,કેમ છે? કેમ છે આપણો પાટવી કુંવર’
રીના, ‘કેમ આજે ખૂબ આનંદમા લાગે છે.’
રાજેશ, હા, આજે મોટો ઓર્ડર મળ્યો છે, તું હંમેશા પૈસાની ચિંતા કરતી હોય છે,
પણ આપણા શ્રીજી બાવા ખૂબ કૃપાળુ છે એક દિવસ તું જોઈશ રોહન ખાટલામાંથી
બેઠો થઈ જશે.’
રીના, હા, તારી વાત સાવ સાચી છે, મોહન અને રમા આજે તેના વિશે જ વાત
કરતાં હતાં. તું ઘરે આવ પછી તને બધી વાત વિગતે કહીશ.’
રીનાએ અડધી વાત કરી ફોન મૂકી દીધો.
રાજેશથી રહેવાયું નહી.આજનો દિવસ ખૂબ સરસ ગયો હતો. ઓફિસના માણસોને બાકીનું
કામ સમજાવી કલાકમાં તો ઘરે આવી ગયો.
રીના ખૂબ ખુશ થઈ.
બંને જણા ચહા સાથે ચવાણું અને બિસ્કિટ લઈ બાલ્કનીમાં બેઠા ગુફતગુ કરવા લાગ્યા.