મનોમંથન===================
અરે, રાજેશ જલ્દી આવ જોતો ખરો રોહન આજે મારી સામું જોઈને હસ્યો. વહાલથી
મમ્મા કહેતાં હોઠ ફફડાવ્યા.તેની આંખો સ્પષ્ટ મને કંઈ કહેવા તત્પર છે. આટલા
વર્ષોનો હ્રદયનો ભાર તે હળવો કરવા માગે છે. રાજેશ મારો રોહન મને પાછો મળ્યો!
જલ્દી આવ, રીયાને ફોન કરી બોલાવ.
રાજેશ, રીના જરા શાંત થા. તને કદાચ વહેમ ન હોય !
રીના, રાજેશ શું તું મારા કરતા રોહનને વધારે ઓળખે છે? ૨૪ કલાક તેની સાથે
હું હોંઉ છું કે તું?
રાજેશ,’ રીના તું મારી બાજુમાં બેસ . આજે રવિવાર છે. મહારાજ બધી રસોઈ બનાવશે.
તારે અંહીથી ખસવાનું નથી. સમજી મારી રાણી. આપણે બંને તેને જોયા જ કરીએ .જે પળ
તે અનુભવી તે પાછી જરૂર આવશે ! ચાલ આપણે બંને સાથે બેસીને તેનો લહાવો લઈએ.
રીના બાજુમાં બેસી ગઈ.
રોજ નવું નવું રોહન શિખતો અને રાજેશ, રીના ખુશ થતાં. ‘ગીતા’ નવરાશની પળોમાં રીનાનો
સાથી બની ગઈ હતી. તેનો મનમાન્યો શ્લોક હતો ” કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન”.એનું
રટણ કરતાં રીના સુખ પામતી. આજે વિચારે ચડી ગઈ કે આ ખાટલે સૂતેલો રોહન સાચો કે ૨૧ વર્ષ
સુધી લાલન પાલન મેળવી એંન્જીનિયરિંગમાં ભણતો રોહન ? જ્યારે રોહનનો જન્મ થયો ત્યારે
રાજેશના મુખમાંથી ‘વાહ” કેવો સુંદર દીકરો પ્રભુએ દીધો શબ્દ નિકળ્યા હતા. આજે તેને જોઈને
‘આહ’ નિકળી જતી હતી. સમય બડા બલવાન હૈ નહી મનુષ્ય બલવાન.
તેને કાને શબ્દો અ્થડાયા,” મમ્મી ખાવાંમાં બહુ ભારે નહી મૂકતી કે જમ્યા પછી વર્ગમાં ઉંઘ
આવે.” અરે જરા જલ્દી કરને મારી ડબલ ફાસ્ટ ટ્રેઈન ચૂકી જઈશ’. રીનાએ બે હાથ વડે
કાન હળવેથી બંધ કર્યા.તેને થયું બૌધ્ધિક પ્રત્યાઘાતો,લાગણીઓ, સ્વભાવ, ગુસ્સો, ટેવ,
સઘળું રોહનના પાછલા જીવનના પરિપાક રૂપ હતા. આજે પાંચ વર્ષથી રોહનની જે પરિસ્થિતિ છે
તે પણ એટલી જ સત્ય છે. સત્ય અને સ્વતંત્રતા જેટલા ત્યારે અસ્તિત્વમાં હતાં તે આજે પણ છે.
તે હંમેશા રાજેશને કહેતી, રોહન માત્ર વિનાશી શરીર નથી! કિંતુ અવિનાશી આત્મા છે. આ એ જ
રોહન છે જેને મેં નવ મહિના ઉદરે પોષ્યો હતો. ૨૪ કલાક રોહનના સાંનિધ્યમાં ગુજારતી રીના આખરે
જાણી શકી. રોહન કોણ? રાજેશ કોણ ? રીના કોણ ? જેને છાતીએ ચાંપી અમૃત સમાન દુધ પિવડાવ્યું
હતું. રાતની ઉંઘ વિસારે પાડી હતી. તેની આંગળી પકડી પા પા પગલી પડાવી હતી.”
રોહન અને રીયાના બાળપણના તોફાનો નજર સમક્ષ તરવરતાં હતાં.ભાઈ બહેનનો નિર્મળ
પ્યાર જાણે એકાએક તેનું બાષ્પિભવન થઈ ગયું.” રીયા પરણીને સાસરે ગઈ અને રોહન શું
ગોવા ફરવા ગયો ! અંજામ નજર સમક્ષ છે. રીના અવઢવમાં હતી. શું સાચું?
રોહનને વાસના, લાગણી કશાનો સ્પર્શ થતો ન હતો. પોતાની દુનિયામાં મસ્ત હતો. જ્યારે હસે
ત્યારે સોહામણો લાગતો રોહન ક્યારે મુખના ભાવ બદલી નાખે ખબર પણ ન પડે! તેની આજુબાજુના
સઘળાં રોહનનો બધો અનુભવ પામી રહ્યા હતાં.રોહન સહુના પ્રેમનું કેંદ્ર હતો.
જાગીએ ત્યારે જે જણાય છે તે સાચું? કે ઉંઘમાં નિત્ય નવા સ્વપના આવે તે? એવી એક
આંખ તો બતાવો જેણે આંસુ સારી રૂમાલ ન ભિંજવ્યા હોય. એવું એક ઘર તો બતવો કે જેને
ત્યાંથી વહાલાંઓ ઠાઠડી પર પોઢી સ્મશાનમાં ભડભડતી ચિતામાં બળી રાખમાં ન ફેરવાયા હોય.
જાગવું કોને કહેવું?
રોજ રાત્રીની સુંદર નિદ્રા પૂરી થાય અને સવારે કૂકડો બોલે તે જાગવું કે પછી ભૌતિકતામાં
રચ્યા પચ્યા રહ્યા પછી ત્યાગ વૃત્તિ કેળવીને સુંદર જીવન જીવવાનો પ્રયાસ આદરવો.
સંસારમા હોવાથી સંસારના નીતિ નિયમોનું પાલન તો રાજા રામ અને કૃષ્ણને પણ
કરવું પડ્યું હતું!
સુંદર,સોહામણો,ફુટડો,જુવાન રોહન જ્યારે ગોવા ગયો ત્યારે ખબર હતી તેનો અંજામ
શું આવશે ? જુવાન દિલે મહોબ્બતમાં ધડકવાનું શરૂ કર્યું ત્યારે જાણ હતી કે તે લગ્નમાં
પરિણમશે યા નહી ?”ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે?” રાજ્યાભિષેક યા
વનવાસ? અમેરિકા વધુ અભ્યાસ માટે પ્રયાણ યા ઉમ્રભર વહાલાંનો વિયોગ અને
પરાધિનતા! આજે રોહનની હાલતમાં ઘણો ફરક પડ્યો છે.બધું જ સમજી શકવાની
કાબેલિયત પાછી ઈશ્વર કૃપાએ પામ્યો છે. પોતાની હાલતથી સંપૂર્ણ પણે માહિતગાર
છે. જે નુકશાન તેના મગજના જ્ઞાનતંતુઓને પહોંચ્યું છે તે ફરી મેળવવાની શક્તિ
હજુ આધુનિક વિજ્ઞાને નથી કેળવી. મગજ સુધી બધા સંદેશા પહોંચે છે.તેના જવાબ
આપવાની સમર્થતા મગજે ઓક્સિજનના અભાવે ગુમાવી છે.
ભલુ થજો ફિજીકલ થેરપીસ્ટ અને સ્પીચ થેરપીસ્ટનું કે તેમના અથાગ પ્રયત્નને કારણે
આજે રોહન નવા મુકામે પહોંચ્યો હતો.તેમને તેમના કામનું વળતર જરૂર મળતું પણ
પ્યાર, ધગશ અને ઉત્સાહ દાદ માગી લે તેવા હતાં. રોહનના માતા અને પિતા બાળસેવા
પ્રભુસેવા સમજી કરી રહ્યા હતા. જીંદગીના કોઈ પણ ઝંઝાવાત તેમને ડગાવી ન શક્યા.
તન, મન અને ધનથી અવિરત પણે રોહનની કાળજી કરી જીવનનો આનંદ લુંટી રહ્યા.
રીયા અને રોય ખડે પગે મમ્મી ,પપ્પા અને ભાઈલુ પર પ્રેમ વરસાવી રહ્યા હતી.
રોહનની જીવવાની જીજીવિષા દાદ માગે તેવી છે. તેના માતા પિતા અને સઘળાં
કુટુંબીજનોનો સુંદર સહયોગ પ્રશંશનીય છે. જો ઈશ્વર હાજરા હજૂર જોવો હોય તો
રોહનના ઘરની મુલાકાત જરૂર લેજો. રોહનના માતા અને પિતા તેની આજની હાલત
પર ઘણા સંતુષ્ટ છે.હા,પહેલા જેવો રોહન પાછો પામવાની આશા ધરાવે છે. રોહનની
સ્થિતિ ઘણી સુધરી છે. તેનામા આવેલા ફેરફારને હવે અપનાવી જીંદગી જીવવાની મઝા
સહુ સાથે માણે છે. દાદા,દાદી ફરીથી રોહનને બેંગલોરમાં જોવા વિહવળ છે. નાના, નાની
દીકરીની તપશ્ચર્યા ફળી તેના પર ગર્વ અનુભવે છે.રીયા બહેનીનો આનંદ સમાતો નથી.
આજને સ્વિકારી શાંત અને પ્રસન્નતા પૂર્વકનું જીવન જીવે છે. જીવન સહજતાથી જીવી સહુ
સ્થિતિને અનુરૂપ થઈ ગયા છે.
રાજેશ તો રોહન વગર કદી હેંગિગ ગાર્ડન ફરવા પણ જતો નથી.બાપ બેટો સાથે બેસી ત્યાંનુ
સૌંદર્ય નિહાળી હાસ્ય અચૂક ફરકાવે છે.રીના રોહનની મનપસંદ વાનગી, ફળ ,સુપ, રસ
તે ખાઈ શકે તેવા રૂપમાં તેને પિરસી હરખે છે. તેની મનપસંદ’ક્રિમ સેંટરમા’ સહુ સાથે
છોલે ભટુરે ખાવા જાય ત્યારે રોહનનું મોઢું તેજસ્વી બને છે. ચોટીવાલાની કુલ્ફી ખાતાં રોહનના
મોઢાની ભુગોળ ખૂબ સુંદર જણાય છે.ઘણીવાર તો એમ જ લાગે કે આ ‘રોહન’વધારે રૂડો
કનૈયા કુંવર જેવો છે! પાંચ વર્ષ પહેલાંના રોહનની યાદમાં દુખી થવું એના કરતાં વર્તમાનમા
રાચી તેનો આનંદ શામાટે ન લુંટવો ? ગૌતમભાઈ અને ગીતા બહેને રોહનનો તથા તેના
માતા પિતાનો અંતરથી આભાર માન્યો. રોનકને સમજાવવામાં ખૂબ સહકાર તેમના તરફથી
પામી કૃતાર્થતા અનુભવતા.રોનક,રોહનના પપ્પા અને મમ્મીને,પપ્પાજી તથા મમ્મીજીનું
સંબોધન કરતી. જે બંને ને ખૂબ ગમ્યું.
આખરે,રોનક ખૂબ સમજાવટ પછી પોતાનો સુહાનો સંસાર માડવા તૈયાર થઈ.રાજીવને
મળી ત્યારે પ્રથમ મુલાકાતમાં પોતાના હૈયાના દ્વાર ખોલી સઘળી વાતથી વાકેફ કર્યો.
તેને રાજીવને દિલથી ચાહી સંસાર શરૂ કરવો હતો. રાજીવ રોનકની નિખાલસતા પર
વારી ગયો. અમેરિકાથી ભણીને આવેલો ઉદાર દિલવાળો રાજીવ માનવા જ તૈયાર ન
હતો કે રોનક આવી સહ્રદયી પવિત્ર દિલની છે !
ન્યુરોલોજીસ્ટ રાજીવના પિતા અને માતા બંને ડોક્ટર હતા.અમેરિકાથી ભણીને તેને ભારતમાં
પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવો હતો. તેણે હસતે મુખે રોનકને અપનાવી. એટલું જ નહી
રોહનની પ્રગતિ અને સારવારની જવાબદારી હસતે મુખે સ્વિકારી. રોનક અજાયબીમાં
ગરકાવ થઈ અને રાજીવ માટે પ્રાણ પાથર્યા.જ્યારે દર પંદર દિવસે રોહન પાસે એકલી
આવી તેનો હાથ હાથમાં લઈ પોતાના સુખી સંસારની વાતોથી તેના દિલને રીઝવતી ત્યારે
બે મોઢે રાજીવના વખાણ કરતી.રોહન પરિસ્થિતિ પામી ગયો હતો.રોનકને સુખી જોઈ
આંખો અને મૃદુ હાસ્ય દ્વારા તેના આનંદનો ભાગીદાર બને છે.રાજીવને આશા છે કે ભવિષ્યમાં
અમેરિકામાં કોઈ નવી “સ્ટેમ સેલ”ની પદ્ધતિ શોધાય તો પૈસાની પરવા કર્યા વગર રોહનને
ત્યાં લઈ જઈ સારવાર કરાવવી. રોનકે રાજીવનું જીવન ખુશીઓથી પલ્લવિત કરી જ્યારે
જોડિયા બાળકની ભેટ આપી ત્યારે આનંદ મંગલ છાઈ ગયો.રાજેશ અને રીના,રાજીવના
ખૂબ ખૂબ આભારી છે. એક તો ડૉક્ટર અને બીજો સ્વભાવે લાગણીવશ રાજીવ રોહનના
માતા અને પિતાને દુખ ન પહોંચે તેનું વિશેષ ખ્યાલ રાખે છે.
રોહન હવે પહેલા જેવો થાય એવી શુભેચ્છા સહુ રાખી રહ્યા છે.આશા અમર છે. ક્યાક
ચમત્કાર થાય યા આધુનિક વિજ્ઞાન આ ક્ષેત્રમાં હરણફાળ ભરે એવી જગત નિયંતાની
વિનતી. રોહન ખૂબ સરસ રીતે જીવન જીવી ઘરના સહુના મુખ પર સ્મિત રેલાવવા
શક્તિમાન થયો છે. રીયા અને રોય રોહનને લઈ સહેલગાહે જાય ત્યારે વિસરી જાય છે
તેની અસામન્યતા. રોહન સમજે છે બધું. રોનકના બાળકોને જોઈ આનંદ અનુભવે છે.
ગોવામાં નાના બાળકના જાનની રક્ષા કરી તેનો તેને આત્મ સંતોષ છે.
રોનકને પરણીને ઘરસંસાર માંડ્યો હોત તો કદાચ આજે તે બે બાળકોનો પિતા બનવા
ભાગ્યશાળી થયો હોત ? આ બધું “તો” ઉપર આધારિત વાત છે !
નરસિંહ મહેતા એ કેવું સુંદર ભજન રચ્યું છે.
જાગીને જોંઉ તો જગત દીસે નહી
ઉંઘમાં અટપટા ભેદ ભાસે !
સુંદર સુહાની જીંદગી આજે શિરોમાન્ય છે !