નવરાત્રીના દિવસોમાં ગરબે ઘુમતી હતી. એક માજીએ મને બોલાવી.
બેટા, તારી સાડી સરસ શોભે છે. માજી ને કાંઈ કહ્યું તો નહી પણ એ સાડી
કશે પહેરવાની હું હિમત ન કરું એવી હતી. શું પહેરુંની ગડમથલમાં એને
અંગે પહેરવા કાઢી. ખેર , માજી ખૂબ સુઘડ હતાં . વાતવાતમાં પૂછ્યું
, ‘માજી તબિયત પાણી કેમ છે?’
સારી છે. ફરિયાદ કરીને શું કરવાનું ?
કેટલી ઉમર થઈ?
બેટા ૮૭ વર્ષ થયા.
મારી આંખો પહોળી થઈ ગઈ. માજી તમે લાગતાં નથી. તમારું રહસ્ય કહેશો.
એ તો આ શરીર ચાલતું રાખ્યું છે ને તેથી.
કેમ એમ બોલો છો ?
બેટા આ ઉમરે ત્રણ દીકરા અને વહુ હોવા છતાં એકલી રહું છું. કોઈ મને રાખવા
તૈયાર નથી.
મારાથી આ વાક્ય સાંભળી શકાયું નહી. શું આવા દિવસો જોવા દીકરા યા દીકરી
માબાપને સર્જનહાર આપતો હશે? ભલે , મા ગમે તેટલી ખરાબ હોય. હવે કેટલા
વર્ષ જીવશે? ધારોકે તેનું આયુષ્ય લાંબુ હોય . પણ આખરે તે ‘મા’ છે. બહેરા થઈ
જાવ. મુંગા થઈ જાવ.
મારી સહેલીને કહ્યું તે ફટ દઈને બોલી, તારે રાખવા પડે તો ખબર પડે. મેં પળ
ભરનો વિચાર કર્યા વગર કહ્યું, એ શક્ય નથી. તને ખબર છે સાસુ એટલે શું ?
મને જે પ્રાણથી પણ વહાલો છે એવા મારા પતિની ‘મા’!
એ માજીને મેં પ્રેમથી આલિંગન આપ્યું . તેની આંખમાં તગતગી રહેલાં આંસુ
જોઈ મારું હ્રદય ભરાઈ આવ્યું.
હજુ તો વાત અંહી પૂરી નથી થતી દીકરાઓએ વહુની ચડવણીથી માના પૈસા
પણ દબાવ્યા. પિતા કમાઈને સારું એવું મૂકી ગયા હતા. અરે, જીવતા જીવ તેમને
ધંધામાં સ્થાયી પણ કર્યા હતાં છતાં માની આવી સ્થિતિ !
નવરાત્રીના ગરબા ગાવાનો ઉમંગ ઓસરી ગયો. માજીના વિચારોએ મારા મનનો
કબજો લઈ લીધો. હે, પ્રભુ આ માજીના દિકરાઓને સદબુદ્ધિ આપજે. તેમને પણ
બાળકો છે. કાલે કદાચ તેમની સાથે પણ—————-
સમાજમાં આવું પણ બનતું હોય એ મોટી કમનશીબી છે.
આંખે સ્વાર્થનો પડદો આવી જાય પછી લોકો ચોક્ખું
જોઈ શકતા નથી. આ સમાજ કથા ગમી.