પ્રભુ જ્ઞાની જીવન દે

13 12 2014

પ્રભુએ કેવું સુંદર, નિર્મળ અને પવિત્ર જીવન દીધું છે. આ જગે ઈશ્વરના દર્શન કરવા હોય તો ધરતી પર અવતરણ કરી રહેલ નવજાત શિશુના દર્શન કરવા. કેવું સુંદર, તાજગી ભરેલું અને આંખોને શાતા આપે તેવું દર્શન. જ્ઞાન નિર્દિષ,સરળ અને પવિત્ર આ શિશુ સમાન જણાશે.એ બાળક જન્મતાંની સાથે દૂધ પીવાનું જ્ઞાન પામીને અવતર્યો હોય છે. જ્ઞાની એટલે વિવેક અને નમ્રતાનો ચરૂ. તે કદી છલકાય નહી. જ્ઞાની ભગવાનનું સ્થૂળ સ્વરૂપ છે.જે જ્ઞાનની પરિભાષા છે. જ્ઞાન પુસ્તકમાં નથી, કે નથી આજના વિજ્ઞાન યુગમાં થતી આધુનિક શોધોમાં! હા, એ જરૂર માનવની પ્રગતિ અને ઉંચી ઊડાણના પ્રતિબિંબ છે! તેને કદી જ્ઞાન કહી અપમાન ન કરશો.

જ્ઞાન છુપાયું છે માનવની ભિતરમાં જે સ્વંય જાણે છે છતાં અનજાણ બને છે. બરફથી ઉભરાતો પાણીનો જગ ઠંડો હોય એ જ્ઞાન દરેકને છે.પ્રયોગ કરી જો જો નાના બાલક પર તેને કહેવું ગરમ છે એ તેને અડકતાં ગભરાશે. જ્ઞાનની અનુભૂતી ચિત્તમાં કાયમ માટે અંકાય છે.ગમે તે સંજોગમાં કે સ્થળ પર તે સદા સાથ નિભાવે છે.

લગ્ન જીવનના શરૂઆતમાં બનેલી સત્ય ઘટના છે. બંને બાળકો નાના હતાં. મારા પતિના ભાઈ અને બહેનના બાળકો સમજુ પણ વાનર જેવા લગભગ દસથી બાર વર્ષની ઉમરના. રક્ષાબંધનના પર્વ ઉપર સહુ અમારે ત્યાં ભેગા થયા હતાં. ઉમંગ અને આનંદનો મેળાવડો જામ્યો હતો. બાસુંદી,સમોસા અને વિધવિધ વાનગીની મોજ માણી રહ્યા હતાં. બધા બાળકોનો કલશોર કાનને ગમતો. ત્યાં મારા વચલા નણંદબાના બે તોફાની બારકસો મારા નાના બે ભૂલકાને કહે,” બાસુંદી તીખી છે અને આ લીલી ચટણી ગળી છે’. બસ ખેલ ખતમ !
બાળકો તેમની વાતમાં આવી ગયા. ચટણી ચમચી ચમચી ભરીને પીધે રાખી અને બાસુંદીને અડતા ડરતા હતાં. મેં સમજાવ્યું પાણ બાળકો બાળકોનું માને વાનર સેના દસેક બાળકોની હતી. મારા હાથ હેઠા પડ્યા. આને શું કહીશું? તીખું લાગે સિસકારા બોલાવે ને પાછા કહે ચટણી ગળી છે અને બાસુંદી તીખી છે.
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે,’મને, મારો જ્ઞાની ભક્ત વહાલો છે. ભગવાન સ્પષ્ટ પણે કહે છે કે જ્ઞાની ભક્ત આર્ત હોય છે. તે સંપૂર્ણ પણે મારામાં શ્રદ્ધા રાખે છે. જ્ઞાની જિજ્ઞાસુ હોય છે. તે અર્થાર્થી છે. કાંઈક મેળવવાની તેના અંતરમાં ઈચ્છા હોય છે. ગીતામાં જ્ઞાનીને ભગવાન પોતાનો આત્મા માને છે. એ જ્ઞાની જીવન કેવું ભવ્ય હશે તેની માત્ર કલ્પના કરવી રહી. અનુભવ દ્વારા મેળવેલું જ્ઞાન કદી વિસરાય નહી. જે જ્ઞાન જીવન પર્યંત સાથ નિભાવે. એકવાર જ્ઞાન નો પ્રકાશ ફેલાય પછી કાળી રાતનું અંધારું પણ તેને અડી શકતું નથી. જ્ઞાની જીવન પામવા માટે અથાગ પ્રયત્ન અને ત્યાર પછી અંતરનો સાદ સુણવાની ક્રિયા અગત્યના છે.

જ્ઞાની જીવન સમજ સાથે આવે છે. સરળ ભાષામાં કહીએ તો જ્યારે રસગુલ્લા ખાધા ત્યારે ગળ્યા લાગ્યા. હવે એ ગળપણનું જે જ્ઞાન થયું તે કાયમને માટે હ્રદય પર અંકિત થઈ ગયું. જ્ઞાની જીવન એ પ્રભુની કૃપા છે. જેને કારણે જ્ઞાની કોઈના અવગુણ ન જોતાં ગુણોનું દર્શન કરે છે.જ્ઞાની નજરમાં કોઈ મહાન નથી, કોઈ નાનું નથી, કોઈ ઉંચુ નથી તો કોઈ નીચું નથી. તેનામાં સમત્વ ભાવ કેળવાયેલો હોય.

સારા નરસાનું જ્ઞાન, ઉંચ, નીચના ભેદ રહિતનું જ્ઞાન એ માનવીના ઉત્થાનની સીડીના પાયદાન છે.જ્ઞાની જીવન જીવનાર પોતાનો નહી બીજાનો હમેશા ખ્યાલ રાખે છે. ઝાડ કદી પોતાના ફળ ખાતાં દીઠા. જ્યારે ફળ લાગે છે ત્યારે નમે છે. નદી ખળખળ વહી પ્યાસાની પ્યાસ બુઝાવે છે. તેને કદી ગુમાન નથી. જ્ઞાનનો ભાર નહી તેને કારણે ‘વિનમ્રતા’ અનુભવે છે. જે કલ્યાણકરી ભાવનાથી છલકાતી જણાશે !
અનુભવ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન એ વિજ્ઞાન બને છે. સાદી ભાષામાં જ્ઞાન સમજ દ્વારા પ્રાપ્ત થાય છે. જ્યારે એક કન્યા રસોઈ બનાવતી હોય પણ ચોપડીમાં તેને બતાવવાની રીત વાંચીને. તે રસોઈ સારી થાય પણ બીજીવાર જો ચોપડીમાં જોઈને જ બનાવવાની હોય તો તે જ્ઞાન ન કહેવાય, જ્યારે વગર વાંચે પોતાના અનુભવ પરથી બનાવે તો એ જ્ઞાન તેનું જીવન ભરનું.

જ્ઞાન એટલે સત્યનું દર્શન. જેમાં આડંબરનો સંપૂર્ણ અભાવ. આધુનિક યુગનો માનવ સદા ચહેરા પર મહોરું પહેરીને ફરતો જણાશે. તેના વાણી અને વર્તનમાં નરી આંખે ઉડીને વળગે તેવો ભેદ સ્પષ્ટ જણાશે. જ્ઞાનીનો સ્વાંગ રચી અજ્ઞાની કરતાં પણ દુષ્કર આચરણ કરશે. નવાઈની વાત તો એ છે કે સભ્ય ગણાતો આજનો સમાજ તે જાણવા છતાં તેની’ હામાં હા’ મિલાવશે!જ્ઞાનનું પ્રદર્શન ન હોય. તે વિના કહે સમજી શકાય તેવું પારદર્શક હોય. જ્ઞાનીના ચહેરાની આભા આંખને ઉડીને વળગે તેવી લાગશે.
પાંચ જ્ઞાનેન્દ્રિય સાથે લઈને આ પંચમહાભૂતનો દેહ પામ્યા છીએ. તેમના દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન કોઈ કાળે વિસારે ન પડે. સ્પર્શેન્દ્રિય જે ત્વચા દ્વારા પ્રાપ્ત થાય છે. ઘ્રાણેન્દ્રિય જે સુગંધ માણવામાં સહાય કરે છે.સ્વાદેન્દ્રિય ખોરાક ભાવતો કે અણગમતો છે તે નક્કી કરે છે. સુણવાનું કાર્ય કર્ણેન્દ્રિય દ્વારા અને જોવાનું જ્ઞાન નેત્રેન્દ્રિય દ્વારા મેળવીએ છીએ, આ જ્ઞાન દરેક માનવ પોતાની ક્ષમતા પ્રમાણે સોગાદ રૂપે પામ્યો હોય છે. જે શાશ્વત છે.

જ્ઞાની જીવન ત્યારે સોહી ઉઠે જેવા છીએ તેવા દેખાઈએ નહી કે અંદર કોઈ ઔર વાત અને જુબાન પર અલગ.આ શિષ્ટાચાર નહી દંભ છે. આડંબર સહિતનું જ્ઞાન સમય આવ્યે પડદો ચીરીને બહાર આવ્યા વગર નહી રહે દૂધકા દૂધ પાનીકા પાની જણાઈ આવશે.
પૂજ્ય મહાત્મા ગાંધીનું એક હ્રદય સ્પર્શી વાક્ય છે. ‘મારું જીવન એ જ મારી કહાની.’ આ વાક્યનું ખુલ્લા દિલે પૃથક્કરણ કરીશું તો જણાશે તેમાં કેટલું ગુઢ તત્વ સમાયેલુ છે! કદી કશું છુપાવવાનું નહી. જે છે તે બધું નજરની સમક્ષ.અરે તેઓ જ્યારે વકિલાત કરતાં હતાં ત્યારે આફ્રિકાના એક કિસ્સાની વાતમાં ધોળા જજે કહ્યું હતું, ‘તમે ગમે તે કહેશો.હું ગાંધીની વાત સાચી માનીશ’. બિચારો ધોળો વકીલ કાપો તો લોહી ન નિકળે એવો થઈ ગયો !
જ્ઞાની જિવન એટલે શું પુસ્તકિયું જ્ઞાન. એને વિદ્યા નામ આપીએ તો શોભશે. જે આપણને જીવનમાં પ્રગતિના સોપાન સર કરવામાં સહેલાઈ આપે. જેને કારણે વિચાર શક્તિ ખીલે. જીવન જરૂરિયાતની આવશ્યકતા છે એવા ધનના ઉપાર્જનનો માર્ગ સરળ કરી આપે. તેને ભૂલે ચૂકે જ્ઞાન કહી અવહેલના ન કરશો. જ્ઞાન બજારમાં વેચાતું નથી કે વિદ્યાલયોમાં શિખવાતું નથી. જ્ઞાન માનવના અંતરના સ્ફૂરણા છે. તેને સત્ય સાથે સરખાવી શકાય. જેમ અરીસો કદી જુઠું ન બોલી શકે તેમ જ્ઞાની, અજ્ઞાનનો આંચળો ઓઢી અસત્યનું આચરણ ન કરી શકે. ભલેને પછી દુનિયા તેની અવહેલના કેમ ન કરે?
જ્ઞાન કેળવાય છે. અનુભવથી અને અહેસાસથી, તેનું ચિંતન કરી સત્યને પંથે પ્રયાણ કરવાનું એક માત્ર સાધન છે.
આંબાના ઝાડ પર કેરી લાગી હોય ત્યારે નિહાળ્યું છે. ‘આંબો ઝુકે છે. ‘ જ્ઞાની અભિમાન રહિત અને વિનમ્ર હોય. તેના મુખ પરની કાંતિ કહી આપે કે જ્ઞાની કેવો હોય. વાણી મધુર અને નયનો પ્રેમ નિતરતાં. સમજાવવાની કળા વાણી કરતાં તેના વર્તનમાં ડોકિયા કરતી દેખાય. તેનું આચરણ કહી આપે કે તે કોણ છે!
બાકી ખાલી ચણો વાગે ઘણૉ. ઢોલ પીટીને જ્ઞાનનો દેખાડો કરે. આડંબર તેના વર્તનમાં અને રહેણીકરણીમાં સ્પષ્ટ તરી આવે. શોખ રાજા મહારાજાઓને લજવે તેવા રાખે. રૂઆબ તો જાણે નાકને ટેરવે ન બેઠો હોય! એવા ધતિંગખોર જ્ઞાનીઓથી સાવધાન રહેવું.આવા લોકો બીજા બધાંને મગતરા સમજી તિરસ્કારે. શું આ જ્ઞાનીના લક્ષણ છે! પ્રભુ પાસે જો કદી માગવાની ઈચ્છા થાય તો ‘જ્ઞાની જીવનની’ ખુલ્લા દિલે યાચના કરવી.
પૈસા ખપ પૂરતા હોય. જેનાથી પરિવારનું ભરણ પોષણ કરવામાં બાધા ન થાય એ જરૂરી છે. જે મહેનત અને આવડત પર આધાર રાખે છે. ત્યાર પછી જીવનમાં પ્રથમ જરૂરિયાત જ્ઞાનની હોવી એ સજ્જનતાના માટે આવકાર્ય છે. સૃષ્ટીના સર્જનમાં કમાલ જણાશે. અનેક અલગ અલગ શ્રેણીના જીવ અને તે સહુની અલગ અલગ જરૂ્રિયાત કેવું સુંદર નિર્માણ છે.માનવને સર્જીને સર્જનહારે કમાલ કરી છે. તે જીવન દીપાવવાનો સહજ અને સરળ માર્ગ છે જ્ઞાનનો. વરના માનવ અને બીજા જીવો વચ્ચે શું તફાવત?

જ્ઞાની હોવું અને જ્ઞાની જીવન જીવવું એ બન્ને વચ્ચે આસમાન અને જમીનનો તફાવત છે. રાવ્ણ જ્ઞાની હતો એમાં શક નથી. તેનામાં ગુમાન ભારોભાર ભરેલું હતું. જ્યારે વિભિષણ જ્ઞાની જીવન જીવતો હ્તો. અભિમાનમાં છકેલા રાવણે ઘરમાં સુંદર મંદોદરી હોવા છતાં અજ્ઞાની જેવું આચરણ કરી સીતાનું હરણ કર્યું લંકાનો વિનાશ નોતર્યો. વિભીષણે ભાઈ પાસે નમતું ન જોખ્યું. જ્ઞાની હોવાને કારણે વિનમ્રતા પૂર્વક પોતાની માન્યતામાં અડગ રહી રામનું નામ અને શરણું ગ્રહ્યા.

મહાભારતનો કર્ણ શું જ્ઞાની ન હતો? સૂર્યપુત્ર કર્ણ,’દાનેશ્વરી કર્ણ’નામે ખ્યાતિ પામેલો છે. તેણે ક્ષણવારમાં કવચ અને કુંડળ ઉતારી આપ્યા હતાં. જ્ઞાની હોવા છતાં દુર્યોધનને વફાદાર રહ્યો.

જ્ઞાનને પચાવી જ્ઞાની જીવન વિરલાઓ જીવી શકે. બાકી સાદગી અને સરળતાવાળું જ્ઞાની જીવન મારા અને તમારા માટે મુશ્કેલ નથી. બસ બે હાથ જોડી પ્રભુ પાસે શક્તિ મળે તેવી પ્રાર્થના કરવાની. અંતરથી કરેલી વિનતી જરૂર સ્વિકારશે અને જીવવા માટે મંઝિલ સરળ કરી આપે તેવી આશા !અજ્ઞાનના તિમિર હટાવી નાનીસી જ્ઞાનની જ્યોત જલાવીએ !

Advertisements

ક્રિયાઓ

Information

One response

15 12 2014
Nitin Vyas

સાદગી અને સરળતાવાળું જ્ઞાની જીવન મારા અને તમારા માટે મુશ્કેલ નથી.I am in total agreement with you. Thanks for nice artical.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: