હવડ કૂવો

1 02 2015

 

10492176_789067984481518_7759101896926084090_n

હવડ કૂવો

********

ઘણા વર્ષો પછી ગામમાં આવી. અમેરિકા ગયા પછી ગામ સાથે નાતો તૂટી ગયો હતો. અચાનક બધી યાદ તાજી થઈ. ગામની માયા મૂકાઈ ગઈ હતી.

‘મમ્મી, હું કેદાર જઈને આવું છું’.

પાછાં આવતા થયું લાવને વાડી કૂવો જોતી આવું. બાળપણમાં ત્યાં પનિહારી સાથે ઘડો લઈ પાણી લેવા જતી. મુંબઈમાં જન્મી, મુંબઈમાં મોટી થઈ એટલે ગ્રામ્ય જીવન થોડા દિવસ માટે ગમતું. એ સમયે વાડી કૂવાની બોલબાલા હતી. તેનું મીઠું વળી ઠંડુ જળ હૈયાને ટાઢક પહોંચાડતું.  આજે એ  વાડી કૂવો  સાવ હવડ હતો. ગંદો પણ હતો. જાણે તેના દિદાર ફરી ન ગયા હોય! ખેર, જોઈને દુઃખ થયું. આજુબાજુ વાળાને કહ્યું હું પૈસા આપું આ ગંદકી દૂર કરો. કોઈ તૈયાર ન થયું. બે દિવસ બાકી હતા, નિકળવાને દિવસે કાનજી દોડતો આવ્યો. હાંફતો હતો. બોલવા જાય પણ મોઢામાંથી શબ્દો નિકળતા નહી.

‘થોડું પાણી પી, શ્વાસ ખા અને પછી બોલ શું થયું’?

‘બેન, બેન વાડી કૂવા બાજુ સવારે  ચણ નાખવા ગયો હતો ત્યાં , તેની જબાન પાછી થોથવાઈ.

‘શું થયું, બોલને હવે’.

‘બેન, એક સ્ત્રી અને બે બાળકો ટીંગાઈને મરેલા ભાળ્યા.’

‘મારા હાથમાંથી ચાનો કપ છુટી ગયો. શું બોલે છે તેનું ભાન છે, અલ્યા કાનજી?’

હા, બહેન જોઈને આવ્યો. ત્યાં સૂબેદાર, થાણેદાર અને પોલીસ છે. ત્રણ લાશ  કૂવાને કાંઠે ચાદરની નીચે જમીન પર પડી છે’.

હવે મારી જીભ સિવાઈ ગઈ. ‘અલ્યા કોણ છે, ઓળખાણ પડી’?

‘બહેન, મેં બેથી ત્રણ જણાને બોલતાં સાંભળ્યા બાજુના ગામની સુંદરી અને તેના બે બાળકો છે,’

હવે સુંદરીને તો હું ક્યાંથી ઓળખું. એના વર સૂરજનો બાપ અમારે ત્યાં વર્ષો પહેલા બાજરી અને ચોખા વેચવા આવતા. ખેતરનો તાજો પાક તેની મિઠાશ જેણે ખાધો હોય તેને ખબર પડે.

સુંદરી અને સૂરજના પ્રેમાળ લગ્ન જીવનની વાત  મંજુ પાસેથી સાંભળી હતી. મંજુ કામ કરવા આવી. તેનું રડતું મોં જોઈ,’ પુછ્યું શુ થયુ’?

‘બોન, શું વાત કરું મારી સહિયર, સુંદરીએ બે બાળકો સાથે કૂવામાં લટકી આપઘાત કર્યો.’ મંજુ મ્હોં ફાટ રડી. રહી. મેં વાંસે હાથ ફેરવી પાણી આપ્યું.

‘તું શોધી કાઢ હું ક્યા છુપાઈ છુ’? રૂપાની  ઘંટડીના રણકાર જેવો સુંદરીનો અવાજ સાંભળી ગાયને ચારો નાખતો સૂરજ દોડીને  આવી પહોંચે. આખા ગામમા તેમની વાતો થતી. બધા જાણતા આ બે બે જુવાન હૈયા એકબીજા માટે સરજાયા છે. સૂરજ શાળાએથી ઘરે આવે કે પાછળ સુંદરી પાટી લઈને આવી જાય. સૂરજ તેના કરતા એક વર્ષ મોટો હતો. તે બારમીમાં અને સુંદરી ૧૧મા ધોરણમા. ગામડા ગામમા નોટ પેન્સિલને બદલે હજુ પાટી પેન વપરાય. પેન ન હોય તો કોઈ વાર કોલસો પણ ચાલે. બન્ને જણે નક્કી કર્યું  હતું  બસ હવે આગળ ભણવું નથી.

ગામમા નળ આવી ગયા હતા. તેમાં પાણી હમેશ આવે તેની કોઈ ખાત્રી નહી. સુંદરીના બાપુએ નળ આવ્યા એટલે પાણીની ડંકી પૂરી દીધી. તેમને ખબર ન હતી કે નળમા પાણી ક્યારે અને કેટલું આવશે. સુંદરી માથે બેડું લઈને કમર લટકાવતી ચાલે ત્યારે તેના જોવા બધા ઉભા રહી જતા. એમાંથી બચાવવા અડધો રસ્તો સૂરજ તેને મદદને બહાને સાથે ચાલતો. સુંદરીને તે ખૂબ ગમતું. અલક મલકની વાતો કરતાં બન્ને ગામમા પ્રવેશે ત્યારે સુંદરી ખાંચાના રસ્તેથી ઘરે પહોંચી જતી. ઉભે બજારે ન નિકળતી.

શાળાનું ભણતર પુરું કરી એક સમી સાંજે બન્ને વાતે વળગ્યા.  સૂરજ બાપનો ગરાસ સંભાળશે અને સુંદરી તેના પ્યારમાં ગળાડૂબ રહી ઘરમાં સૂરજની માને મદદ કરશે. થોડું ભણેલી હતી તેથી હિસાબ કિતાબ પર ધ્યાન આપશે. એવું નક્કી કર્યું.  હિમત કરીને સૂરજે બાપને સુંદરી વિશે વાત કરી. સોમાભાઈ જાણતા હતા. સૂરજની બા અને તેઓ સુંદરીના બાપુ પાસે વિવાહની વાત લઈને ગયા.

વસંતપંચમીનું શુભ મૂહર્ત જોઈ સુંદરી ,સૂરજને પરણી સાસરે વિદાય થઈ. ગામમાં સાસરું ને ગામમા પિયર બધાના ભાગ્યમાં નથી હોતું. સૂરજની ભલામણથી સુંદરીને મુનીમ કાકા પર નજર રાખવાનું સ્વિકારાયું. સૂરજના બાપને ગમ્યું. મુનીમ કાકા ચોપડામાં ઘાલમેલ કરે તો તેના પર સુંદરી કડી નજર રાખી શકે. છેલ્લા બે વર્ષથી નફો ઓછો થતો જણાતો હતો. આમ ઘી ઢળ્યું તો ખિચડીમાં. સુંદરી નજર રાખે એટલે મુનીમ કાકા હવે ચેતી ગયા.

ત્યાં સુંદરીને દિવસ ચડ્યા પહેલે ખોળે કનૈયા કુંવર જેવો ચાંદ જનમ્યો. બે વર્ષ પછી ધરા આવી. સૂરજ તો ખૂબ ખુશ. સુંદરીનો પડ્યો બોલ ઝીલે. વારસદાર દીધો એટલે સૂરજના માતા અને પિતા પણ તેને ખમા ખમા કરતાં. બધું સુંદર રીતે ચાલતું હતું.

આ વર્ષે વરસાદ ખેંચાયો. ધોમ ધખતા તાપમાં સૂરજે ઘણી મહેનત કરી. તેના ખેતરમાં પાણી પાવા માટે નીકો ખોદીને એકદમ આધુનિક સગવડો હતી. એક ટીપું ગગનેથી ધરાને આલિંગ્યું નહી. ધરા પાણી વગર તરફડતી રહી. ગમે તેટલું કરીએ પણ ગગનેથી જ્યારે વર્ષાના અમી છંટણા થાય અને જે તૃપ્તિ ઉભા મૉલને થાય એની સરખામણી ન થાય. હા, પાક ઉતર્યો પણ પ૦ ટકા.

બાજુના ગામનો વિક્રમ પટેલ આજે સૂરજને મળવા આવ્યો.  શાળાના સમયને ભાઈબંધ હમણા કામ ઓછું હોવાથી હાલ પૂછવા આવી પહોંચ્યો. સૂરજ હજુ વેપારના કામમાં વ્યસ્ત હોવાથી સુંદરી પાણીનો કળશોયો લઈને આવી. નોકરને ખાટલો ઢાળવાનું કહી અંદર ગઈ. વિક્રમે સુંદરીને ઘણા વર્ષો પછી જોઈ. તેનું રૂપ જોઈ પાણી પીવાનું વિસરી ગયો. નોકરે ખાટલો ઢાળી બેસવાનું કહ્યું ત્યારે હા, હા બેસું છું કહીને ધબ દઈને બેઠો. હાથમાંનું પાણી બધું તેના કપડાં પર.  અડધું નીચે ફરસ પર પડ્યું જેથી ખમીસ ભીનું થયું અને પાટલુન બચી ગયું.

અંદરના રસોડામાંથી આ દૃશ્ય જોઈ સુંદરી ખડખડાટ હસી. તેનો અવાજ વિક્રમના કાનમાં પડ્યો અને તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. આબરૂનો ધજાગરો ન ચડે માટે શાંત રહ્યો ત્યાં સૂરજ આવી પહોંચ્યો.

‘અરે ઘણા વખતે દેખાયો, યાર’!

‘હા, તારા ગામમા મારી બહેન માટે છોકરો જોવા આવ્યો હતો. થયું લાવ તને મળતો જાંઉં. તારા તો દિદાર સાવ ફરી ગયા છે. ખૂબ કમાણી લાગે છે’?

ના, ના એવું કાંઈ નથી. આ વર્ષે તો અડધો પાક પણ ઉતર્યો નથી. આ મારી ઘરવાળીની કમાલ છે. હિસાબની ચોખ્ખી અને માણસોની સગવડ સાચવે એટલે બધા કામ મનમૂકીને કરે”. કહી સૂરજે બધો જશ સુંદરીને આપ્યો.

વિક્રમ માટે તો બળતામાં ઘી હોમાયુ. તે થોડો વંઠેલ હતો. કામકાજ ઓછું હતું એટલે સૂરજને અવારનવાર મળતો. તેણે સૂરજને દારૂની લત ચડાવી  દીધો. વ્યક્તિને લપસતા ઝાઝો સમય નથી લાગતો.  હા, સુધરતા આખી જીંદગી કદાચ નાની પડે.

સૂરજનું વર્તન અસહ્ય થતું જતું હતું, પહેલાનો સૂરજ હવે રહ્યો ન હતો. મારતો પણ ખરો. સુંદરી મારથી ટેવાઈ ગઈ. બે બાળકો હતા. તેના અને સૂરજના પ્યારની નિશાની. ખૂબ પ્રેમ કરતી. વિક્રમે સૂરજની જીંદગી બરબાદ કરવામાં પાછું વળી જોયું નહી. એના લક્ષણ એવા હતા કે તેને કોઈએ દીકરી દીધી નહી. સુંદરી તે દિવસે હસી હતી એટલે તે ખૂબ ગિન્નાયો હતો.

સૂરજ માતા, પિતાકે સુંદરી કોઈનું માનતો નહી. આજે તો હદ વળી ગઈ. મેથી પાક મજાનો આપ્યો. ઉપર બદચલનનો કાળો મેશ જેવો ડાઘ લગાડ્યો. સુંદરી ત્રાહીમામ પોકારી ગઈ હતી. બાળકોને હૈયે ચાંપતી અને ધિરજ બંધાવતી. મોઢામાં જાણે પાણીનો કોગળો ન ભર્યો હોય, એક અક્ષર બોલતી નહી.

સાસુ સસરા દંગ થઈ ગયા. સુંદરીના માબાપ તો જાત્રાએથી આવતા બસને અકસ્માત નડ્યો હતો. છ મહિના રિબાયા અંતે ભગવાનને દયા આવી, બન્નેને મુક્તિ મળી ગઈ. સુંદરી સંસારમાં સાવ નિરાધાર થઈ ગઈ હતી. વરની માનિતી સહુની માનિતી. વરની અણમાનિતી સહુની  અણમાનિતી. એ આ દુનિયાનો કાયદો છે.

દુઃખ સહન કરવાની  એક મર્યાદા હોય છે. સુંદરી જાતનું દુઃખ સહન કરી શકતી. ખોટું આળ અને બાળકોની દયામણી સ્થિતિ ! તેણે મનોમન નક્કી  કર્યું.એકાદશીના દિવસે મંદીરે જવાને બહાને  તૈયાર થઈ. બાળકોને તૈયાર કર્યા. સૂરજ આજે ઘરે આવવાનો ન હતો. અઠવાડિયામાં માંડ બેથી ત્રણ દિવસ આવતો. દારૂના પીઠામાં પડ્યો રહેતો. સુંદરીને શાંતિ લાગતી. માર ખાવામાંથી  છૂટકારો  પામતી. બસ આજે તેણે દૃઢ નિર્ણય લીધો.

વાડી કૂવે આવી પહોંચી. ચાંદ તેની મધુરી ચાંદની રેલાવી રહ્યો હતો. સુંદરીના મોઢા પર જુદી શાંતિ હતી. પહેલાં દીકરાને ગળેથી બાંધ્યો. કાંઈ કેટલાય વર્ષ જુનું ગંધાતું દોરડું ત્યાં પડ્યું હતું. દીકરીને ગળે વળગાડી દોરડું ગળે બાંધી ગરગડી સાથે બાંધ્યું. પરમ શાંતિ———————–

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

2 02 2015
P U Thakkar

કિશોર અવસ્થાનો પ્રેમ અને સુંદરીની સુંદરતા .. આ બધું જ સમય પસાર થતાં માત્ર દુઃખમાં જ પરીણમ્યા.. અને મૃત્ય સુધી એ દુઃખ ઢસડી ગયું..સુંદરીનું પાત્ર જીવંત કરી દીધુ છે, પ્રવીણાબેન, આપે.

3 02 2015
chandravadan

બસ આજે તેણે દૃઢ નિર્ણય લીધો.

વાડી કૂવે આવી પહોંચી. ચાંદ તેની મધુરી ચાંદની રેલાવી રહ્યો હતો. સુંદરીના મોઢા પર જુદી શાંતિ હતી. પહેલાં દીકરાને ગળેથી બાંધ્યો. કાંઈ કેટલાય વર્ષ જુનું ગંધાતું દોરડું ત્યાં પડ્યું હતું. દીકરીને ગળે વળગાડી દોરડું ગળે બાંધી ગરગડી સાથે બાંધ્યું. પરમ શાંતિ—
Dukh Sahan Karvaani Maryada …Shu Aaj Marge ?
Ek Prashna !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
See you !

3 02 2015
Pravina Avinash

દુઃખ પડે ત્યારે હિમત હારી જનાર નબળા મનની વ્યક્તિ આવું પગલું ભરી દુઃખનો અંત લાવે છે.

28 11 2017
neeta

દુ:ખ માં ટટ્ટાર ઊભું રહેવું સહેલી વાત નથી. અને તે પણ જ્યારે દુ:ખ નાં લાઈફ મેમ્બર બનીને રહી જતા હોઇયે તો,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: