ગંગુરામ પાનવાળો

3 08 2015
panvalo

panvalo

***************************************************************************************

*************************************************************************************************************************************

મુંબઈની ચૌપાટી પર જો ગંગુરામ પાનવાળાનું પાન  ન ખાધું હોય તો ‘પાન’ એટલે શું એ તમને ખબર નથી ! તેના પાનના અનેક પ્રકાર. મસાલાવાળું, બનારસી, ઠંડાઈવાળું , કાથા અને ચૂનાવાળું અંતે ગુટકાવાળું. તેની એક ખાસિયત કોઈ પણ પાન ખાવ પાંચ રૂપિયા. હવે આ ભાવ તેને કેમ કરી પોષાતો હતો એ ગુઢ રહસ્ય ભલભલા તેના ઘરાક ન સમજી શક્યા. જેવું તેનું પાન મોઢામાં મૂકે કે દરેક વ્યક્તિ જાત જાતનું બકે ! લોકો પાન ખાઈને બહેકી જતાં. ખ્યાતનામ ગંગુરામના હાથમાં હતો, ‘ જાદુ અને પાનમાં હતી જાદુની છડી.’

આજુબાજુના પાનવાળા તેની જલન કરતાં. કોઈ હિસાબે તેનો ભાવ તેમને પરવડતો નહી. એમાં ગંગુરામ ફાવી જતો. બધા કરતાં તેનો ધંધો ત્રણગણો ચાલતો. વાત ખાનગી છે. આ તો તમે રહ્યા ઘરના એટલે કહું છું ! ગંગુરામ ઈનકમટેક્સ વાળાનો  ‘ખબરી હતો’. લોકો પાન ખાઈને ચોપાટીની ઠંડી હવા માણતા હોય. બહેકેલાને તો કોઈ વાર બીજું પાન મફત પણ આપતો. તેમાં જરા ભાંગ વધારે નાખે એટલે પેલો આદમી પૂરપાટ જતી ગાડીની જેમ પોતાના ધંધાનું ‘બકવા’ માંડે. બે નંબરના કેટલા? પૈસા રાખવાની ગુપ્ત જગ્યા. કાળા ચોપડા ઘરમાં ક્યાં સંતાડે. વિ. વિ. મુંબઈનો એક વર્ગ છે જેની સાંજ રાતના ૧૦ વાગ્યા પછી પડે. ચૌપાટી પર જઈ  કુલ્ફી ખાય અને છેલ્લે ચોટીવાળા ગંગુરામનું મસાલેદાર પાન ખાય.

ગંગુરામ દ્વારા મળેલી  ખબર ઈનકમ ટેક્સવાળાને મળે એટલે બીજા અઠવાડિયે તેને ત્યાં ધાડ એકી સાથે બધી જગ્યાએ પડે. પૈસા ખસાડવાના કે ચોપડા સંતાડવા માટે સમય ન હોય !  ધાડ પડે અને બધું રંગે હાથે પકડાય ત્યારે ગંગુરામને ‘૫ ટકા’ કમિશન મળે. આમ ગંગુરામ પૈસાદાર થતો ગયો.

એક વાર ગંગુરામે આપેલી બાતમી ખોટી નિકળી.  ઈનકમ ટેક્સવાળા રોષે ભરાયા. તેની ધુળ કાઢી નાખી. ગંગુરામ ના ઈલાજ હતો. આવું ઉપરા ઉપરી ત્રણવાર બન્યું. આવક ઘટી ગઈ. મુખ પરથી નૂર ઉડી ગયું.’ ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રડે’,એવા હાલ થયા.  આ વખતની ખબર એકદમ પાકી હતી. પેલો વાણિયો પાનખાઈને ખૂબ વાટી ગયો હતો. પાકું સરનામું આપ્યું. બનવા જોગ એ ગલીમાં બે જણા એક નામવાળા  રહેતાં હતા. તેમના  નામ સરખા નહી. અંગ્રેજીમાં ઇનીશિયલ લખવાની ફેશનમાં સત્યપ્રકાશ ચંપકભાઈ  દેસાઈ,શાંતિલાલ ચિમનભાઈ દોશી. બન્ને એસ.  સી.  ડી. વાળા. હવે ગોટાળો ક્યાં થયો. શાંતિલાલનું નામનું પાટીયું ટૂટેલું હતું . તેથી ત્યાં નામ ન હતું. ‘રેડ’ પાડવાવાળા સત્યપ્રકાશને ત્યાં પહોંચ્યા.

નામ તેવા ગુણ. ઈનકમટેક્સના ઓફિસરોને જોઈ સત્યપ્રકાશ ગભરાયા. તેઓ શાળામાં વર્ષોથી શિક્ષક હતા. ઈનકમટેક્સવાલાને થયું આ ‘પંતુજી’ આટલો સાદો રહે છે. તેના ઘરમાં શું હશે ! ખેર હવે ધાડ પાડી જ છે તો આખું ઘર ફેંદી વળ્યા. કશું હાથ લાગ્યું નહી. હાથ કાંઇ ન આવ્યું એટલે ઘરને ખેદાન મેદાન કરી નાખ્યું. ‘ભાંગ્યું તો યે ભરૂચ’ જેવા હાલ હતા. સત્યપ્રકાશના દાદા ધની હતા. અને બાપ સટોડિયો. સત્યપ્રકાશમાં દાદીમાના ધર્મિકતાના ગુણ ઉતર્યા હતા. ઈનકમટેક્સવાળાએ એક જુનો ભંગાર હાલતનો પટારો જોયો. ઉપર અગાસીમાં ડામચિયુ બનાવ્યું હતું. પટારો ખોલ્યો, ફંફોળ્યો. અંદરથી ત્રણ સોનાની ઈંટ નિકળી. સત્યપ્રકાશ ફાટી આંખે જોઈ રહ્યો.

ઇનકમટેક્સવાળાને લાખ સમજાવે કે આ પટારામાં ‘ભૂત’ રહે છે એમ મનાતું, તેની ચાવી પણ ખબર નથી ક્યાં છે. આ તો ડામચિયું બનાવવામાં વપરાતો હતો. ઘરમાં કોઈને ખબર નથી આમાં શું છે. ઈનકમટેક્સવાળા પોતાની ફરજ બજાવતા હતા. સત્યપ્રકાશનો નાનોભાઈ વિવેક બહુ સીધો. કહે ,’ભાઈ આપણને ક્યાં ખબર હતી આમાં શું છે?’ ભલેને લઈ ગયા ! સત્યપ્રકાશને તો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવાનું મન થયું.શિક્ષકની આવી નાલોશી ? જીંદગી ઝેર થઈ ગઈ. પે્લો વાણિયો બચી ગયો ને પંતુજી ફસાઈ ગયો.’

સત્યપ્રકાશના ભાઈ વિજયના તો પેટનું પાણી પણ ન હલ્યું. એને તો નામ છાપામાં આવ્યું તે ખૂબ ગમ્યું. બન્ને ભાઈઓના સ્વભાવમાં આસમાન જમીનનૉ તફાવત હતો. સત્યપ્રકાશ આકાશ પાતાળ એક કરવા માંડ્યો. તેને પોતાની જાતને નિર્દોષ સાબિત કરવી હતી. તેના ઘરમાં નોકર એના બાપાના સમયથી કામ કરતો હતો. ઘરના માણસ જેવો હતો. તેના મારફત ખબર પડીકે એની બૈરી પેલા ઈનકમટેક્સ્વાળાને ત્યાં વર્ષોથી કામ કરે છે. નોકરની પત્નીને બોલાવી ને કહ્યું ,’તું તારા માલિકને સમજાવ મને એકલો મળે. હું તેને બધું સમજાવીશ ‘.

સત્યપ્રકાશથી આ નાલોશી સહન થતી ન હતી ! સત્યપ્રકાશના બાપ જુગારી હતા અને દાદા સટોડિયા. સટ્ટામાં તો ભલભલા કરોડપતિ રોડપતિ થઈ જાય. ખબર ન પડે. દાદાનો એવો વખત આવ્યો કે ધીરે ધીરે ઘસાવા માંડ્યા.તેમના સોની મિત્રએ સલાહ આપી બધું જાય એ પહેલાં આ ત્રણ સોનાની પાટ મારી પાસેથી ખરીદી લે તો તારા છોકરાંના છોકરા ખુશ થાય. દાદાને ગળે વાત ઉતરી અને વર્ષો જૂના પટારામાં  રસિદ સાથે મૂકી. ઉપર જૂના કપડાં, ગોબા વાળા વાસળ અને જરી પુરાણો સામાન ભર્યો. તેમના બાપે પણ જુગારમાં ઘણું ખોયું.  બનવાકાળ બાપ પહેલા ગયા. દાદાએ આ વાત કોઈને કહી નહી. પટારાનું તો ઘરમાં કશું કામ ન હતું. દાદા ગભરાવવા કહેતા તેમાં ‘ભૂત’ છે. સમય થયે દાદા પણ મરી ગયા. સત્યપ્રકાશની બૈરીને ભૂતથી ડર લાગતો. દાદા ગયા પછી કાકલૂદી કરી વરને મનાવ્યા.

ભૂવો આવ્યો, ધુણી ધખાવી ,ખૂબ ધુણ્યો . બધાનાં દેખતા ભૂતને બાટલીમાં ઘાલી અરબી સમુદ્રમાં પધરાવી આવ્યો. છતાં સત્યપ્રકાશની બૈરી તે ‘પટારો’ કદી ખોલે નહી. ડામચિયા માટે વપરાતો તે પટારો પાછળના ભાગમાં હતો. તેની હસ્તી વિસરાઈ ગઈ હતી. આ તો ધાડ પડી એટલે આખું ઘર ખેદાન મેદાન થયું અને આ સોનાની ત્રણ ઈંટ હાથમાં આવી.  જેની હયાતીની કોઈને ખબર સુદ્ધાં  ન હતી. કેવી રીતે નિર્દોષ પુરવાર થવું ? સત્યપ્રકાશની ઉંઘ હરામ થઈ ગઈ  હતી. તેના વફાદાર નોકર ન કહેવાય, તેનાથી મોટૉ હતો. ‘રંગાકાકા કેવી રીતે આ લાંછન ધોવું ?’

જેમ રંગાકાકા અંહી વર્ષોથી કામ કરતા હતાં તેમ રમાકાકી બનવાકાળ આ ઈનકમ્ટેક્સવાળાને ત્યાં કામ કરતી હતી . સ્ત્રી હોવાને નાતે ઘરનો બધો કારભાર તેના હાથમાં હતો. તેને અંહી ખૂબ માન મળતું. જેને કારણે તેના બન્ને છોકરાં ભણી ગણી મોટા સાહેબ બન્યા હતા. સંતોષી પતિ પત્ની વફાદારી પૂર્વક પોતાનું ગુજરાન ઈજ્જતભેર ચલાવતા. બન્ને એ સાથે મળી સત્યપ્રકાશને મદદ કરવાનું વિચાર્યું.

રમાકાકી ઈનકમટેક્સવાળા સાહેબને પૂછી રહ્યા. ‘સાહેબ ,હું તમારે ત્યાં છેલ્લા ૨૦ વર્ષથી કામ કરું છું. ધારોકે એક દિવસ ઘરના દાગીના લઈને ભાગી જાંઉ તો ?

એક મિનિટ સાહેબ ચમક્યા ,પછી હસીને કહે, ‘હું લોકોને એમ કહું કે મારી બૈરી દાગીના વેચી આવી, પણ તારા પર શંક ન કરું’. કેટલો વિશ્વાસ !  આ છે ખાનદાની ! ભારતમાં તે આજે પણ હયાત છે.

‘તો, સાહેબ મારી એક અરજ સ્વીકારશો’! હવે સાહેબને થયું કે વાતમાં માલ છે.

‘હા બોલ, અચકાતી નહી.’

સાહેબ તમે જેમ સજ્જન છો, તેમ પેલા સત્યપ્રકાશ પણ ખૂબ  સજ્જન છે. તેમને ત્યાં મારા પતિ તેના બાપના વખતથી નોકરી કરે છે. મારા બાળકો ભણીને આગળ આવ્યા હોય તો તમારા અને તેમના બાપના પ્રતાપે. ખરેખર તેમને આ સોનાની ઈંટ વિશે કાંઇ ખબર ન હતી. તમે  એક વાર તેમને  મળી સત્ય જાણો. તેમનું જીવન ધૂળધાણી થઈ ગયું છે ‘!

સાહેબ પિગળ્યા, કહે તેમને ઘરે તો મારાથી ન જવાય. જો તેઓ મને વરલી સી ફેસ પર મળે તો હું વાત કરવા તૈયાર છું. વરલી સી ફેસ પર સાંજના માણસોનો ધસારો ઓછો હોય. સાધારણ કપડાંમાં કોઈ તેમને ઓળખી ન શકે.  બરાબર બધું ચોક્કસ કરી બન્ને મળ્યા.

સત્યપ્રકાશે ખુલાસાવાર વાત કરી. મારા બાપ સટોડિયા હતા. કદાચ મારા દાદાએ આ લીધી હોય. મારા પિતાજી શ્રીજી ચરણ પામ્યા પછી અમારે ત્યાં સોની કાકા આવતા હતા.  જે મારા દાદાના મિત્ર હતા. એ સોનીકાકા હજુ જીવે છે. બધી તપાસ કરી તો વાત સાચી નિકળી.

જે પટારામાં રાખી હતી તેમાં રસિદ પણ હતી જે કોઈએ જોઈ નહ્તી. સોનીકાકાએ કબૂલ કર્યું. એક શરતે, તેની બજાર પ્રમાણે કેટલી કિમત છે તે આંકવી અને પોતાને ૧૦ ટકા કમિશન આપે. સત્યપ્રકાશને આ વાત કબૂલ કર્યા વગર છૂટકો ન હતો. વળી ખટારાની નીચે ઉંદરનું દર હતું . ઉંદરો રાતે નિકળે ત્યારે ખટારો ખખડે અને અવાજ આવે. તેથી ઘરમાં બધા ભૂત માની ડરે ! દાદીના રાજમાં ભૂવો બોલાવ્યો હતો. સત્યપ્રકાશની વહુ એકદમ નાની ઉમરના, ભૂતના નામથી થથરે.

ભૂવાને આ વાતની ખબર હતી. ખૂબ ડીંડવાણું કર્યું. સારા એવા પૈસા પડાવ્યા. ધુણી ધખાવી ધુમાડાના ગોટેગોટા કરી નીચેનું દર પૂરી દીધું. ઘરમાં બધાને કહ્યું,’ હવે ભૂત હેરાન નહી કરે. બાટલીમાં પૂરી અરબી સમુદ્રમાં પધરાવી દીધું’.

તે સમયે સત્યપ્રકાશને ખબર ન હતી પટારામાં શું છે? તેમની પત્નીએ તો આખી જીંદગીમાં તેની અંદર શું છે તે જાણવાની ઉત્કંઠા ન બતાવી.! પટારો ભૂલાઈ ગયો. વધારાના ગાદલાં, ઉશિકાને ધાબળાનો ભાર તેના પર સહી રહ્યો. ભૂવાને પણ શોધી કાઢ્યો. મુંબઈની એક બલિહારી છે. મોંઘવારીને કારણે સામાન્ય જનતા બે કે ત્રણ પેઢી સુધી એક જ ઘરમાં જીવતી હોય. ભૂવો ઘરડો થઈ ગયો હતો.  મરવાને વાંકે જીવી રહ્યો હતો. ખબર હતી આજના જમાનામાં સોનાના ભાવ આસમાને છે, ૧૫,૦૦૦ હજાર આપો તો સાહેબને સાચી વાત કહું. સત્યપ્રકાશને તો કોઈ પણ ભોગે સત્ય પ્રકાશમાં લાવવું હતું . બાપાની બાંય ઝાલીને હા પાડવી પડી.

ઈનકટેક્સવાળા સાહેબને લાગ્યું આંધળે બહેરું કુટાયું હતું. પોતાની ભૂલ તો કોઈ કબૂલ ન કરે. સોનું સત્યપ્રકાશના ઘરમાંથી મળ્યું હતું. ભલે તેની રસિદ હતી. પણ દાદાએ તેના પર ટેક્સ ભર્યો હોય તેવી કોઈ લખાપટ્ટી સહી સિક્કા સાથે દસ્તાવેજમાં હતી નહી.

સત્યપ્રકાશની સ્થિતિ આ બધો ટેક્સ, તેમજ ભૂવાને અને સોનીને પૈસા આપી શકે તેવી ન હતી. સોનીને કહ્યું ભાઈ તુ બજારભાવે એક ઈંટ ખરીદી લે. તેમાંથી તારા પૈસા બાદ લઈ બાકીના રોકડા આપ. ભુવાને તેનો ભાગ આપ્યો. ૨૧મી સદીમાં ટેક્સ દ્વારા ખૂબ પસા ઈનકમટેક્સવાળાને મળ્યા. તેમણે તો  પછી ગંગુરામને તેનું ‘ ૫ ટકા’ કમિશન આપવાનું હતું. ભલું થજો સોનાના ભાવનું  સત્યપ્રકાશનું કુટુંબ તરી ગયું. સહુ સુખી થયા. સત્યપ્રકાશ મનોમન દાદાનો ઉપકાર માની રહ્યા. સત્યને વળગી રહેવાની તેમની નિષ્ઠા વધુ દૃઢ બની.

*****************************************************************************

( કથા બીજ**   પૂ. હરે કૃષ્ણ  મજમુદાર  દાદા  **પ્રણામ’

 

 

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

3 08 2015
Satish Parikh

Good one.

3 08 2015
Navin Banker

વાર્તા રસપ્રદ છે.
Navin Banker

5 08 2015
pravinshastri

મજાની કલ્પના. સરસ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: