****************************************************************************************************
રક્ષાબંધન દર વર્ષે આવે, હૈયામાં ઉમંગ લાવે અને હજારો માઈલ દૂર હોવાનું મહેસૂસ થાય. જો કે હવે કોઠે
પડી ગયું છે. વર્ષોના વહાણા વાયા આ અનુભવ થાય છે. જીવનમાં કેટલી રક્ષા બંધનનો પવિત્ર દિવસ
આવ્યો અને ગયો! હજુ કેટલા આવશે તેની જાણ નથી ? માત્ર, ‘આજનો લહાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે?’
‘મમ્મી, આજે એક બહેન પાર્લાથી અને બીજી પ્રાર્થના સમાજથી આવશે. કેમ તમને આજે ઠીક નથી લાગતું ?’
નીના સવારના પહોરમાં નીલના મમ્મીને ઉઠાડી રહી હતી. મમ્મી સેવામાં ઠાકોરજીને સરસ મિઠાઈ ધરાવશે
એટલે ગળ્યું મોઢું કરાવવાનો સરસામાન હાજર !’ બીજું શું બનાવવું તે નીલને પૂછી નક્કી કર્યું હતું. દર વર્ષે
શ્રાવણી પૂર્ણિમાએ બે બહેનો આવતી. સહુથી મોટા બહેન કલકતા હોવાથી કોઈકવાર હાજર હોય. બાકી તેમની
રક્ષા ચાર દિવસ પહેલાં ટપાલમાં આવી જતી.
૭૦ વર્ષના મમ્મી ઉઠ્યા અને નાહી સેવામાં વ્યસ્ત થયા. નીના ભલે કામ કરતી હતી રસોડામાં પણ તેનું દિમાગ
ક્યાંક બીજે હતું. સાંજના તે પોતાના ભાઈને ત્યાં જવાની હતી. મમ્મી તો હવે આ ઉમરે બહાર ઓછું જતા. નીના
રસોડામાં વ્યસ્ત હતી. નીલ સાથે નક્કી કરી બધી વાનગી બનાવવામાં મહારાજને મદદ કરી રહી હતી. ત્યાં
અચાનક બારે મેઘ ખાંગા થયા. મુશળધાર વરસાદ ગાજવીજ સાથે મંડાયો. મુંબઈ શહેરમાં પાણી ભરાતા કેટલી
વાર? પ્રાર્થના સમાજ અને સ્લેટર રોડ પર ઘુંટણ સમાણા પાણી ભરાયા. પરાની ટ્રેનો અનિશ્ચિત સમય સુધી બંધ!
નીલે ઓફિસે જવાનું બંધ રાખ્યું. ફોન કરી બધા સ્ટાફને રજા આપી. ત્યાં નીના ને એક વિચાર આવ્યો. નીલને કહ્યું.
નીલ રાજી થયો.’ તને એમ કે મમ્મીને હું વાત કરું’?
‘કેમ મને કરતાં નથી આવડતી’?
નીના મમ્મીના સેવાના ઓરડા પાસે ગઈ. ‘મમ્મી એક વાત કહું ?’
‘બેટા અમાં પૂછવાનું હોય” બોલ ?’
‘મમ્મી આપણી સોનાને બે વર્ષનો દીકરો કાનો અને દસ વર્ષની સુભદ્રા છે. તેને કહું તારા બાળકોનો તૈયાર કરી
લઈ આવ’.
હવે સોના લિફ્ટમેનની પત્ની માળામાં નીચે ખોલીમાં રહેતી હતી. બન્ને બાળકોને સરસ તૈયાર કર્યા. દીકરાને
લાખુ કર્યું અને દીકરીને ઘાઘરી પોલકું પહેરાવી લઈ આવી. સુભદ્રાએ પ્રેમથી કાનાને રાખડી બાંધી. નીનાએ
બન્ને બાળકોને જમાડ્યા. સોના તો બાઘાની જેમ જોઈ રહી. જાણે તેની વાચા હણાઈ ગઈ ન હોય. નીલ અને મમ્મી
સહર્ષ બધું નિહાળી રહ્યા. તેમના લવ અને કુશ પારણામાં આરામથી નિંદર રાણીને ખોળે મહાલી રહ્યા હતા.
સોના એટલું જ બોલી, ‘મી જેવણ ઘરી લેઉન જાનાર. માજા નવરાલા સઘળા બોલાયલા લાગતે’.
નીના એ ભરપૂર ખાવાનું આપ્યું. મમ્મી સૂવા ગયા. નીલે નીનાને પ્રેમથી ભિંજવી દીધી. આવી અનેરી’ રક્ષાબંધન’
ઉજવવા લવ અને કુશે રડીને પોતાની હાજરી પુરાવી !
very unusual and unique Rakshabandhan .
Thanks. Wish you the same. Have a joyous Rakshabandhan celebration.
Mukund