ચશ્મા નો ચંચુપાત

5 12 2015

glasses

*

ચશ્મા નો ચંચુપાત

****************************************************************************************************************

ચશ્મા, ચશ્મા, ચશ્મા આ રોજની રામાયણ હતી. ભગવાને સહુથી પહેલાં આંખને કમજોર બનાવી. ૪૨ના થયા નથી ને ‘બેતાલાં’ આવી ગયા. નજર ભલે કમજોર થતી જાય પણ્જો ખૂબ સુંદર સ્ત્રી જતી હોય તો ભલભલા પુરૂષો આખી ગરદન ઘુમાવે. ઘરમાં ભલેને કાચની પુતળી જેવી પત્ની હોય કે પછી રણચંડી.  ચશ્માની ત્રણથી ચાર જોડી જોઈએ. ‘તુ નહી ઔર સહી ઔર નહી ઔર સહી’. એમાંય નિવૃત્તિ પછી તો આખું વાતાવરણ ફરી જાય.

રોજ સવારે ગઈ કાલનું આવેલું ચોપાનિયું પસ્તીમાંથી મળે! તે  ન દેખાય એટલે ઘરમાં ચંચુપાત ચાલુ થઈ જાય. ચંપક કાકાને ચા, ચોપાનિયું  અને ચશ્મા આ ત્રણેનો ત્રિવેણી સંગમ થાય ત્યારે પેલો ” કૉલ” આવે. જ્યાંસુધી ખુલાસો ન થાય ત્યાં સુધી તેમનો પારો હેઠો ન ઉતરે. હવે ચશ્મા ક્યાં મુક્યા હોય તે યાદ રાખવાનું કામ ચોખલિયાળા ચમેલી કાકીનું. તેમને બધી વસ્તુ ‘ઠેકાણે’ જોઈએ ! મઝાની વાત તો એ કે, ઠેકાણું તેમને યાદ ન રહે. પરિણામે સવારના પહોરમાં થઈ જાય શરૂ. ‘ચશ્મા ઢુંઢો’ પારાયણ! જો કે ચંપક કાકાને ગમે છાપું સવારે વાંચવું.

જ્યારથી નિવૃત્ત થયા અને ઘરમાં ઝાંઝર રણકાવતી બે વહુવારુ આવી ત્યારથી દિનચર્યા એ ગોળ વળાંક લીધો. તેમના બન્ને સુપુત્રો નોકરીએ જાય પછી છાપું તેમને વાંચવા મળે. જો એ પહેલાં ભૂલેચૂકે તેઓ વાંચવા બેસી જાય તો પેલી નાની બરાડા પાડે અને મોટી ધમ ધમ કરતી ઘરમાં ચાલે. બિચારા ચમેલી કાકી એક પણ અક્ષર ન બોલે . નહી તો સાસુ પુરાણ ચાલુ થઈ જાય. એ તો સારું હતું કે આવડું મોટું ઘર શાણા ચંપકકાકાએ તેમની પ્યારી પત્નીના નામ પર લીધું હતું. બન્ને છોકરા કમાય સારું પણ ઘર લેવાના પૈસા તો ત્યારે એકઠા કરી શકે, જ્યારે જુવાની હાથતાળી દઈ ને જાય. મુંબઈની મોંઘવારીમાં એ નામ ન લેવાય !

બન્ને નરિમાન પૉઈન્ટ ઉપરના ‘મોતી મહાલ’માં મોટા થયા હતા. પરામાં રહેવા જવાનું પાલવે નહી. નોકરી હતી કોલાબા પર. ગાડી તેમને મૂકી આવે પછી આખો દિવસ ડ્રાઈવર ઘરે બધાના કામ કરે. આ ઘર ચંપક કાકાએ પોતાની બાહોશીથી લીધું હતું.  હર્ષદ મહેતાના રાજમાં પૈસા કૂદકેને ભૂસકે વધ્યા અને તરત જગ્યામાં રોકવાનું શાણપણ વાપર્યું. દીકરા અને દીકરીઓનો બહોળો પરિવાર હતો. ચમેલીકાકીએ હીરા, મોતી અને સોનું વસાવ્યું. ઘરને ભપકાદાર બનાવી દીધું. હવે વળતા પાણી હતાં, ચશ્મા આવે એ પહેલાં દીકરીઓ પરણાવી હતી.   આ ચંચુપાત શરૂ થયો ચશ્માના અને વહુઓના આગમને !

આજે સવારથી ચંપક કાકા, ચશ્મા માટે રાડો પાડે. હવે તેમણે આદત કેળવી હતી, આગલા દિવસનું છાપું સવારના પહોરમાં વાંચે. પેલું ચિત્રલેખા ગુરુવારે આવે. તેમણે નક્કી કર્યું શુક્રવારે પસ્તીના ઢગલામાં ઉપર પડ્યું હોય, એટલે શોધવું ન પડે. કાકા સમજી ગયા હતા, જો ઘરમાં શાંતિ જોઈતી હોય તો જાતે બદલાવવું પડે.

ચા તો ચમેલી કાકીએ જ બનાવવાની. તેમને ચામાં પાણી થોડું અને દુધ ઝાઝુ જોઈએ. હવે દુધના ભાવ આસમાને પણ કાકી પોતે અડધો કપ લે અને પોતાના પતિદેવને સરસ મજાની રબડી જેવી ચા પિવડાવે. ચા સાથે ગરમ નાસ્તો હવે ન મળતો. કાકાએ સ્વિકાર્યું , પણ ખાખરા સાથે સંભારો ન મળે તો  ઉકળી પડે. માણસ કેટલું જતું કરે. આખી જીંદગી મહેનત કરીને રળ્યા કોને માટે ? હવે નિવૃત્તિ કાળ દરમ્યાન કાંઇ બધી આદત છૂટે ?

એ તો વળી સારું હતું કે ચમેલીકાકીના સારા સંસ્કારે બન્ને દીકરીઓ સાસરીમાં સમાણી હતી. એકને ડૉક્ટર અને એકને વકિલ બનાવી. કમાય સારું એટલે ઘરમાં બાઈ તેમજ નોકરની વ્યવસ્થા કરી આપી હતી. ઘરમાં આવે એટલે સહુની આમન્યા જાળવે. ચંપક કાકાનો વટહુકમ હતો, ‘જો , ફરિયાદ કરવી હોય તો આ ઘરના બારણા બંધ છે’! કાંઇ પણ જોઈતું હોય તો મળશે, હસતા રમતા આ ઘરમાં આવજો તમે પોંખાશો’.

પેલી મોટી દીકરી, તો આવતાની સાથે પપ્પાને પહેલાં ચશ્મા આપે. વકિલ હતી ને! રસપ્રદ વાંચવાના કાગળ બાપા માટે લાવી હોય. તેણે પપ્પાના એક જોડી ચશ્મા પોતાની બ્રિફ કેસમાં રાખ્યા હતા. ઘરમાં ક્યાં હોય કોને ખબર ? શોધવા માટે સમય ન બગાડવો પડે. શાણા માતા અને પિતાની દીકરીઓ શાણી હોય તેમાં શું નવાઈ.

નાની ડૉક્ટર , મમ્મી અને પપ્પાની દવા તેમજ ચશ્મા બન્ને જાણે તેની જવાબદારી. એના પપ્પા દવામાં શું છે  એ વાંચ્યા વગર મ્હોંમા ન મૂકે. આમ  સંયુકત કુટુંબની ભાવના જળવાઈ રહી હતી. ચંપકકાકાના બન્ને દીકરા  ખૂબ ડાહ્યા. માતા અને પિતાની લાગણી ખૂબ હતી. પત્નીઓ સમક્ષ જતાવતા નહી બાકી સમજે બધું. ચમેલીકાકી વિચારે છો ને વહુઓ આમ કરે તેમને સાન આવશે જ્યારે પેટે બાળક આવશે !

ઘણીવાર ચશ્મા માથા પર હોય અને આખું ઘર ગજવે. તેમને ખ્યાલ જ ન હોય કે ક્યાં મૂક્યા છે. ત્યાં ચમેલીકાકીનો ખડખડાટ કરતો અવાજ સંભળાય,’રે, સાંભળો છો.આ તમારા માથા પર છે’! ત્યારે ચંપકકાકા  ભોંઠા પડી છાપામાં મ્હોં ઘાલે.

આજે ચશ્માએ ઘરમાં મહાભારત મચાવ્યું. આ રોજનું હતું એટલે બન્ને જણીઓ રૂમમાંથી બહાર પણ ન આવી. ચંચુપાતનો અવાજ ઘરની ભીંતોને ભેદી બહાર  ગયો. બાજુમાં રહેતા રૂસ્તમજીને થયું આજે કાંઈ મોટો બવાલ થવાનો. ચમેલીકાકી મોઢા પર ‘ડક્ટેપ’ લગાવીને બેઠા હતા. એટલે ચંપકકાકા વધારે ઉકળ્યા.

‘કેમ મ્હોંમાં મગ ભર્યા છે”?

ડોકું ધુણાવીને જવાબ આપ્યો ,’ના’.

‘મારા ચશ્મા કેમ જડતા નથી ‘?

‘મને શું ખબર કહીને હાથનો લહેકો કર્યો’.

કોને ખબર કેમ આખું ઘર શોધી વળ્યા ચશ્મા ક્યાંય દેખાયા નહી. ચંપકકાકા વિચારે ચડ્યા. જ્યારે ઘરમાં કોઈને ચશ્મા ન મળે ત્યારે પોતાના દિમાગની કસરત કરે. છેલ્લે મેં શું વાંચ્યું હતું ? એ યાદ કરવામાં અડધો કલાક દિમાગ વ્યસ્ત રહે. માંડ માંડ યાદ આવે ત્યારે, કયા રૂમમાં , ગેલેરીમાં, સ્ટડી રૂમમાં કે પોતાના સૂવાના રૂમમાં એ યાદ કરતાં બીજી વીસ મિનિટ થાય. અંતે જ્યારે બધું યાદ આવે ત્યારે ,  કાકા ચોક્કસ પણે માને કે પ્રિય ચમેલીએ ‘ઉંચા’ મૂક્યા હશે. હવે એ જ્ગ્યા ન તો કાકાને ખબર હોય કે ન ચમેલીકાકીને  યાદ હોય!

ચમેલીકાકી જેમનું નામ ખૂબ શાણા હતા. જ્યારે કાકાના ‘ચશ્માે નો  ચંચુપાત’ હદથી બહાર જાય ત્યારે ધીમે રહીને બીજી જોડી ચશ્મા કરાવીને સંતાડ્યા હોય તે લાવીને આપે.  કાકા સાવ ભોળા તેમને ખબર ન પડે કે આ ચશ્માની જોડી બદલાઈ ગઈ છે. કાકીને ઘણીવાર થતું આ એમનો ‘વર’ જુવાનીમાં કમાયો કેવી રીતે હતો ? જો કે આ દરેક ઘરની ખાનગી વાત છે. “કોઈ પણ સ્ત્રી પતિની કિમત સમજતી હોતી નથી ! પોતાને ખૂબ હોશિયાર માને તેમાં ભલેને ફદિયું કોઈ દિવસ કમાયા પણ ન હોય!”

‘ચશ્મા્ના ચંચુપાત પર તાત્કાલિક કર્ફ્યુ લાગી ગયો. શાંતિથી ચમેલીકાકીની બનાવેલી ચા પીતા પીતા છાપું વાંચવા લાગ્યા. આજે ગરમ બટાટાપૌંઆ નાસ્તામાં હતા. ચંપકકાકાએ ચશ્મામાંથી ચમેલીકાકી સામે જોયું.

આંખના ઇશારા વાંચવા ટેવાયેલા ચમેલીકાકી બોલ્યા,’લ્યો ચશ્માના ચંચુપાતમાં ભૂલી ગયા આજે આપણા લગનની ૫૦મી વર્ષગાંઠ છે” !

ચંપકકાકાએ નાકની ડાંડીએથી ચશ્મા ઉંચા કર્યાને ચમેલીકાકીને આંખ મારી. મારવા ગયા ડાબીને મરાઈ ગઈ બન્ને  !!!!!!!!

 

Advertisements

ક્રિયાઓ

Information

One response

8 12 2015
Datta M Shah

I liked the story. Yes, care with unconditional love works miracles!!

Sent from my iPad

Datta Shah

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: