******************************************************************************************************************************
શ્રાવણ સુદ પૂનમની કમાલ, આભે અવનવો ચંદ્રમા અને બહેનીના દિલનો ઉમંગ વર્ણવવો મુશ્કેલ. શું રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાથી જ મહત્વની હોય તો એ લહાવો માણ્યાને આજે વર્ષો થઈ ગયા. ભારત છોડી અમેરિકા વસવાટ એટલે શક્ય ન બને. આ અટૂટ બંધનની એ તો માત્ર રસમ છે. બાકી દિલમાં ભાઈ પ્રત્યે પ્યાર અને તેના જીવનમાં હમેશા ઉન્નતિ, એ ભાવના સદા વહેતી હોય.
હવે તો બચપનનો એ નિર્મળ આનંદ ક્યાય અલોપ થઈ ગયો છે. તેની જગ્યાએ જીવનમાં પ્રૌઢતા પ્રવેશી છે. બધા ભાઈ બહેન ૭૦ને આરે આવીને ઉભા છીએ. છતાંય નાનપણમાં જે રક્ષાબંધન આનંદ પૂર્વક ઉજવાતાં એ દશ્ય આંખ આગળ રમતું જણાય. સરસ મજાના ઘુઘરીવાળા ચણિયાચોળી પહેરવાનાં, પાટલા પર ભાઈને બેસાડી ચાંદલો કરી તેની આરતી ઉતારવાની અને પ્રેમથી તેની કલાઈ પર રાખડી બાંધવાની. તેનું ગળ્યું મોઢું કરાવવાનું અને પ્રેમથી પિતાજી આપે તે ભાઈ મને આપે. પછી ભલેને પાંચ રૂપિયા હોય કે અગિયાર. વાપરું ત્યારે તેમાંથી ભાગ ભાઈને પણ આપવાનો. આ એ સમય હતો જ્યારે સ્વાર્થ શબ્દની જોડણી પણ આવડતી ન હતી. મારું કે તારું એવી વૃત્તિએ જન્મ પણ ધારણ કર્યો ન હતો.
આજે લગભગ એ સમય પાછો આવી ગયો છે. જીવનને આરે આવીને ઉભા હોઈએ ત્યારે બધું જ તમારું. અમને ખપે માત્ર નિર્મળ પ્રેમ. આજે ભલે બન્ને ભાઈ હજારો માઈલ દૂર છે. આંખ બંધ કરીએ ત્યારે સામે જણાય એનાથી વધારે શું જોઈએ. હા, જેઓ નાના છે, જુવાન છે તેમને માટે આજનો પવિત્ર દિવસ ખૂબ અગત્યનો છે. દૂર ક્યાં જવું. ઘરમાં બાળકોના બાળકો આવા સુંદર દિવસે રક્ષાબંધનને ઉજવે તે જોવાનો લહાવો એ જીવનની મૂડી છે.
નાનાભૂલકાં ઘરના આંગણને ગજવે અને તેમની ચહલપહલ ઘરને મઘમઘતું કરી મૂકે. ભારતથી ભલે દૂર છીએ પણ દિલમાં ભારતની પરંપરાને જીવતી રાખી જીવનને જીવંત રાખવાનો સિલસિલો ચાલુ છે. આજના પવિત્ર દિવસે દરેક ભાઈની બહેનડીને અને બહેનના ભાઈને રક્ષાબંધનની વધાઈ. દુનિયાના કોઈ પણ છેડામાં ભલેને વસતાં હોઈએ, કદાચ આજના જમાનામાં ભારતિય સાથે લગ્નગ્રંથીથી જોડાયા ન હોઈએ તો પણ આપણા વાર તહેવાર આવે ત્યારે દિલ એક જ વસ્તુ પોકારી ઊઠે. બાળપણની યાદો અને આજના દિવસની યથાવત ઉજવણી.
જેમ ભાષા અને ભૂષાનું છે તેમ ભૂતકાળના ભવ્યતા સભર તહેવારોની યાદગાર ઉજવણીનું મૂલ્ય પણ સમાન છે. જે દરવર્ષે આવે ત્યારે, આપણી અંદર હલચલ મચાવી સમય અને કાળને અનુરૂપ આનંદ આપવા સમર્થ બને છે.
ભૈયા રાખડીના બંધનને નિભાવી નાની બહેનને પ્યાર મોકલવાનું ભૂલતો નહી. આજના દિવસે તારી યાદ અચૂક આવે. સુખી સંસારમાં વ્યસ્ત હોવા છતાં બહેનીને પ્યાર પાઠવવાનું ભૂલતો નહી !
beautiful
બહેન,
ખુબ સરસ લખો છો તમે. તમારી લાગણી અને ભાષા હ્રદયસ્પર્શી છે. ગદ્ય, પદ્ય અને ચિંતનલેખો પર તમારૂં સારૂ એવું પ્રભુત્વ છે. લખતા રહો અને ખુબ ખુબ પ્રગતિ કરતા રહો.
નવીન બેન્કર
Thanks Navinbhai. your encourgement is improving writing day by day.
you are lucky, have your sisters in town Special “Happy Rakhi”.