જીજીવિષા

23 10 2016

 

live

 

 

 

 

************************************************

‘મમ્મી, મને શું થાય છે, સમજ પડતી નથી’.

શામાટે આ તાવ મારો પીછો છોડતો નથી ?

મમ્મી મને મારા ભાવતાં ગ્લુકોઝ બિસ્કિટ પણ બેસ્વાદ લાગે છે’.

મમ્મી તું અને પપ્પા કાંઈ કરો ને ?

નાનો અંકુર તેની વહાલી મમ્મીને પૂછી રહ્યો હતો. બેબાકળો થઈ મમ્મીને વળગી સવાલોની ઝડી વરસાવી રહ્યો.

મમ્મી ચૂપચાપ તેને નિરખી રહી. નાનકડાં બાળને શું જવાબ આપે ?

‘મમ્મી મારે અનેરી સાથે રમવું છે. મમ્મી, મમ્મી બોલને મને શું થાય છે’?

‘અંકુર, બેટા એ તો જરા તાવ આવ્યો છે. દીકરા દવા લઈશને એટલે તને સારું થઈ જશે’.

‘મમ્મી, પપ્પાની આપેલી દવાથી કેટલા બધા બાળકોને અને મોટાંઓને સારા થતા જોયા છે.’

‘હા, બેટા તારા પપ્પાના હાથમાં જાદુ છે’.

‘તો પછી આજે અઠવાડિયુ થયું મને કેમ સારું થતું નથી ?  મારે સ્કૂલે જવું છે. પેલી નટખટ અનેરી, મારી બાજુમાં બેસે છે ને તેની સાથે રમવું છે’. આઠ વર્ષનો અંકુર પથારીમાં સૂઈને થાકી ગયો હતો. તાવને કારણે અશક્તિ જણાતી હતી. તેના ક્લાસમાં ભણતો નીલ થોડા વખત પહેલાં  અચાનક કેન્સરમાં ચાલ્યો ગયો હતો. એટલે મનમાં તેને ડર હતો કે,’હું પણ કદાચ ન જીવું’. તેથી મમ્મીને પરેશાન કરતો હતો.

અંકુરને જવાબ આપીને આન્યા થાકી ગઈ. અભિ, તેનો પતિ બાળકોનો સ્પેશ્યાલિસ્ટ હતો. ઘરમાં કે આડોશી પાડોશી, મોટાંઓના દર્દ પારખી દવા આપતો બધાં સારા થતાં. ખબર નહી કેમ ,પોતાનો દીકરો અંકુર સાજો થતો ન હતો. અભિ ખૂબ ચિંતામાં હતો. તેની સાથે પ્રેક્ટિસ કરતી શાનને કહે,’શાન જોને મારા દીકરાને કેમ સારું થતું નથી’. શાન જાણતી હતી અભિ તેના કરતાં સિનિયર પણ હતો અને નામાંકિત ડોક્ટર હતો. તેનું વચન ઉથાપતી નહી. અભિ સામે શાને તપાસી એ જ નિદાન કર્યું, જે અભિએ કર્યું હતું. શાનને, અભિ સિનિયર ડૉક્ટર હોવા છતાં ખૂબ ઈજ્જત આપતો. બન્ને સાથે કામ કરતા હતાં. તેમની જોડીનું નામ , બાળકોના ડોક્ટર’ તરિકે નામના મેળવી ચૂક્યું હતું.

આજે શનિવારની રજા હતી. અનેરીના મમ્મી અને પપ્પા બહારથી ચાઈનિઝ લેતાં આવ્યા. અનેરી અને અંકુર માટે પિઝા. બન્નેને પિઝા ખૂબ ભાવતો. અનેરીના પપ્પા અને મમ્મી પણ ડોક્ટર હતાં. અનેરીને જોઈ અંકુરનું અડધું દર્દ ગાયબ થઈ ગયું.બન્ને જણાને બગિચાના   વૃક્ષની નીચે ટેબલ ખુરશી મૂકી આપ્યા. અનેરી આખા અઠવાડિયામાં બનેલી વિગતો અંકુરને સંભળાવી રહી.

‘આપણી પેલી ગણિતની ટીચર તને બહુ યાદ કરતી હતી’. અંકુર ગણિતના વર્ગમાં પહેલો નંબર લાવતો. અનેરી તેના માટે હોમવર્ક પણ લાવી હતી. બન્ને ને સાથે રોઝનું સરબત પણ આપ્યું હતું.

‘અનેરી, કોને ખબર હું ક્યારે સાજો થઈશ’.

‘અરે, તારા પપ્પા બાળકોના ડોક્ટર છે. ‘

‘તો શું થઈ ગયું?’

અનેરી આંખ બંધ કરીને બોલી, ‘જો મારું દિલ કહે છે, આજે શનિવાર છે. સોમવારે તું સ્કૂલમાં હોઈશ’.

‘અંકુર ખુશ થઈ ગયો. ખવાતું ન હતું છતાં પિઝાની બીજી સ્લાઈસ લીધી.

બાળકો તેમની વાતોમાં અને હસવામાં મશગુલ હતાં. આ બાજુ મોટાઓ ચાઈનિઝની મોજ માણતા હતામ. ખરું જોતાં અભિ ખાઈ શક્તો ન હતો. તેના દિમાગમાંથી અંકુરની બિમારીનો ખ્યાલ વિદાઈ લેતો ન હતો. જેને કારણે આન્યા પણ ખાઈ શકતી નહી. અનેરીની મમ્મી બોલી,’ અભિ અને આન્યા, ખાધા વગર ચાલશે નહી. ‘ અનેરીના પપ્પા પણ બોલી ઉઠ્યા અરે ચર્ચગેટની તમારી મન પસંદ હોટલનું ખાવાનું છે. આમ ચિંતા કર્યે ચાલવાનું નથી.’

અભિ હું તારી સાથે આવું છું. આપણે અંકુરની બધી ટેસ્ટ , સોમવારે સવારે ઉઘડતી લેબમાં જઈ કરાવી આવીએ. આન્યાના પપ્પાએ અભિને હિમત આપવા તેની સાથે જવાનું નક્કી કર્યું.

અભિને ખૂબ સારું લાગ્યું. આન્યાનો સાથ પણ હતો. છતાં જ્યારે ડોક્ટર મિત્રએ આ વાત કરી ત્યારે તેને હૈયે ટાઢક વળી. બધા પ્રેમથી ચાઈનિઝ આરોગી રહ્યા. સોમવારે સવારે બન્ને જણાં અંકુરને લઈને ‘લેબ’ પર પહોચી ગયા. એકદમ આધુનિક લેબ હતી. ડોક્ટર કનોજિયાએ ,અમેરિકાથી મુંબઈ આવીને પોતાની  પ્રેક્ટીસ અને લેબ ચાલુ કર્યા હતાં. બધા ટેસ્ટ કર્યા અને રિઝલ્ટ પણ બે કલાકમાં આપી દીધાં. અભિને ખૂબ નવાઈ લાગી ૯ વર્ષના બાળકને ‘ટ્યુમર’ કેવી રીતે હોઈ શકે. આ ટેસ્ટ પર શંકા કરવાનો લેશ અવકાશ ન હતો. હવે તેને મટાડવા માટેના ઈલાજ શોધવામાં અભિ ખુંપી ગયો.

ખેર, સમયસર ખબર પડી ગઈ એટલે ઉપાય ચાલુ કર્યા. અંકુર ખૂબ ડાહ્યો હતો. રડતો નહી પણ શાંત થઈ ખાટલા પર પડ્યો રહેતો. આન્યા તેની બાજુમાંથી ખસતી નહી. અભિની નાની બહેન સીમી, બધો વખત દાદી અને આયાના હવાલે કરી દીધી. ખૂબ રમતિયાળ હતી. દાદી તેનું જતન કરતી જેથી અભિ અને આન્યા, અંકુરનું બરાબર ધ્યાન રાખી શકે.

૨૪ કલાક અંકુર પર ચાંપતી નજર રખાતી. ધીરે ધીરે તેનું પરિણામ જોઈ શક્યા. નાના બાળકને ખૂબ ભારે દવા આપવી, અભિને ગમતી નહી. ઈંજેક્શન દ્વારા ગાંઠને ઓગાળવામાં કામયાબી મળી. અંકુરનો તાવ પણ જરા કાબૂમાં જણાયો. અંકુરને રાતના હવે ઉંઘ પણ સરખી આવતી હતી. જેને કારણે સવારે ઉઠે ત્યારે તાજગીથી તરવરતો દેખાય.

ડોક્ટરના કહેવા પ્રમાણે એક અઠવાડિયામાં અંકુર સ્કૂલે નિયમિત જઈ શકશે એવું લાગ્યું. આન્યાને હૈયે ટાઢક થઈ. અંકુરને પણ ખૂબ ગમ્યું.’ હાશ હવે સ્કૂલે જઈશ. બધા મિત્રોને મળીશ. અનેરી સાથે રિસેસમાં નાસ્તો ખાઈશ.’

“ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે”.

શનિવારે પાછો અંકુરને તાવ આવ્યો. તાવ આવે ત્યારે અંકુર સાવ નરમ ઘેંશ જેવો થઈ જાય. તેના અંગોમાંથી બધી શક્તિ હણાઈ જાય. ખાવાનું પણ ગળાની નીચે ન ઉતરે. તેના દીદાર ફરી જાય. તેને જોઈને આન્યા અને અભિ ખૂબ દુખી થાય. બનતા બધા ઉપાય કરે છે. આન્યાને અંકુરની આંખમાં ‘જીવવાની તમન્ના’ જણાતી. આન્યા અંકુરનું આવું ગરીબડું મુખ જોઈ અંદરથી બહૂ દુખી થતી. પ્રેમથી દીકરાનું માથું ખોળામાં લઈ બેસી રહેતી. માના ખોળામાં અંકુરને ક્યારે ઉંઘ આવી જતી તેનું ભાન પણ રહેતું નહી.

‘મમ્મી, મને કેમ આમ થાય છે?’ નાનો અંકુર એવા દયામણા ચહેરે પૂછે કે આન્યાને આંખના આંસુ સંતાડતાં મુશ્કેલી નડે. આવા સમયે આન્યા અંકુરના મુખને બે હાથમાં પકડી બન્ને ગાલે ચુંબન આપે.’બેટા પપ્પાના હાથમાં જાદુ છે. તારો તાવ દુમ દબાવીને ભાગી જશે’.

આન્યા અને અભિ બન્ને એકલાં હોય ત્યારે હમેશા અંકુરની વાતો કરે.

‘આન્યા એક વાત કહું’?

‘હા’.

‘મને મોગલ બાદશાહ બાબરની વાત યાદ આવે છે. ભલે મને શાળા દરમ્યાન ઈતિહાસ વિષય ગમતો ન હતો. પણ તેની વાત બરાબર યાદ છે’.

અરે ,અભિ હું ભૂલી ગઈ છું’.

‘તેનો પુત્ર હુમાયુ જ્યારે માંદો પડ્યો ત્યારે તેણે પરવરદિગારને પ્રાર્થના કરી હતી, મારા પુત્રને બચાવ અને મારા પ્રાણ લઈ લે’.

‘હા, હવે યાદ આવી. ત્યાર પછી બાબર બિમાર પડ્યો, હુમાયુ સાજો થયો અને ભર જુવાનીમાં બાબર મૃત્યુ પામ્યો.’.

‘અભિ  તું આવું બોલે છે તે મને ન ગમે. મને તો તું અને અંકુર બન્ને જોઈએ છે. જો આપણે કોઈનું ખરાબ નહી કર્યું હોય યા ઈચ્છ્યું નહી હોય તો અંકુર પાછો હસતો રમતો થઈ જશે’. આન્યાએ જવાબ તો આપ્યો પણ અંદરથી હાલી ગઈ હતી. તેના મનમાં અમંગળ વિચાર વિજળીની ત્વરાથી આવી ગયો. ‘શું અભિ, આવું તો વિચારતો નથી ને”?

આમ વાતો કરતાં કરતાં ક્યારે બન્ને એકબીજાનિ બાહોંમા સમાઈ સૂઈ ગયાં ખબર પણ ન પડી. બીજે દિવસે અંકુરનો તાવ ઉતરી ગયો હતો. ભગવાને જાણે તેમની પ્રાર્થના સાંભળી ન હોય. બે દિવસ મોડું થયું , પણ અંકુર નિશાળે જતો થઈ ગયો. તેના મિત્રો પણ તેને પાછો નિયમિત આવતો જોઈ ખુશ થયા. શાળા પાછાં જવાના ઉમંગમાં અંકુર ભૂલી ગયો કે તે હમણાજ બિમારીમાંથી ઉભો થયો છે.

આજે સ્વપનામાં અનેરી આવી.  અનેરી, અંકુરને બધા વર્ગમાં મદદ કરતી. તેની અને અંકુરની જોડી હતી. ભણવામાં પણ કોઈ વાર અંકુર પહેલો આવે તો કોઈ વાર અનેરી. બન્ને જણા સાથે જ ભણતા હોય. અંકુરને ચાલી ગયેલું લેસન શિખવામાઅં અનેરીએ મદદ કરી. અંકુરની બિમારી એક ખરાબ સ્વપનાની જેમ ધીરે ધીરે ભુલાવા લાગી. અંકુરમાં જીવનની તમન્ના સોળે કળાએ ખીલી હતી. ઈશ્વરને પણ બાળકની એ તમન્ના પૂરી કર્યા વગર ચાલવાનું ન હતું’.

બે દિવસથી અંકુરના મુખ પર પહેલાંની તાજગી ફરી વળી હતી. અભિ અને આન્યા પણ તેને પહેલાં જેવો હસતો રમતો જોઈ હરખાયા.  અભિની બિમારી જાણે બુરું સ્વપનું ન હોય એમ લાગ્યું. અભિના દિલમાં ઠંડક પ્રસરી રહી. ગાંઠ પણ નાબૂદ થઈ ગઈ હતી. ફરીથી એક્સ રે કઢાવ્યા તેમાં કોઈ ચિન્હ જણાયા ન હતાં.

આજે રવીવારની રજા હતી. અંકુર પથારીમાં સૂતો હતો. આભ તરફ એકી ટશે નિહાળી રહ્યો. ખબર નહી એના મનમાં શું ચાલતું હતું ?  તેના મુખ પર આનંદની લહેર ઘુમી વળી હતી. ખુલ્લી આંખે વિચારોની દુનિયામાં લટાર મારવા નિકળ્યો હતો.

પપ્પાએ કાનમાં કહ્યું હતું, ” હવે તું એકદમ સાજો થઈ ગયો છે. સોમવારથી શાળાએ જવાનું, અનેરી સાથે રમવાનું અને નિયમિત ઘરકામ કરવાનું”.

અંકુર તો ખાટલા પર ઉછળી રહ્યો !

 

 

 

 

.


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: