હાથ

11 11 2016

 

cut

 

 

 

 

 

 

 

**********************************************************************************************************************************************

 

‘હાથનું આભૂષણ છે દાન.’

‘હાથે તે સાથે’ .

‘ અપના હાથ જગન્નાથ’

‘હાથના કર્યાં હૈયે વાગ્યા’.

‘હૈયું બાળવા કરતાં હાથ બાળો’.

‘હસ્ત રેખા’

‘હાથની કરામત’.

આજે હાથની સિકલ જોઈ થયું, જે હાથ જોઈ સવાર પડે છે. જેમાં લક્ષ્મીનો વાસ છે. જે હાથ સરસ્વતિની વંદના કરે છે.   આ હાથ જો ‘હખણો’ ન હોય તો કેવી વલે થાય.  આજ કાલ રસોડાની રાણીના, રસોડામાં ડોકિયું કરી જો જો . શું જણાશે કહું, એક વચન આપો. તમારી ઘરવાળીને નહી કહેવાનું નહિતર મને વેલણ લઈને મારવા દોડશે. ચાલો તો કહી જ દંઉ.

‘રસોડા પર રસોઈ કરવાની જગ્યા ઓછી પણ પેલા વિજળીથી ચાલતાં બધા મશિનોનો શંભુ મેળો જણાશે. લો ગણવા માંડો, છાશ બનાવવાનો સંચો, ટોસ્ટર, સેન્ડવિચ ટોસ્ટર, બ્લેન્ડર, ચોપર, ફૂડ પ્રોસેસર,, જ્યુસર, સ્મુધી મેકર,, ટોર્ટીલા મેકર, લોટ બાંધવાનું મશિન, ઢોસાનું ખીરું બનાવવાનું મશિન, (ખાસ ભારતથી આવેલું). ઈલેક્ટ્રિક ગ્રીલ. હવે જ્યાં આ બધાનો  ખડકેલો હોય ત્યાં રસોઈ કેવી રીતે થાય ? એટલે અઠવાડિયામાં ચાર વાર બહાર ખાવા જવાનું.

આજે આ વિષયે મારું ધ્યાન દોર્યું તેનું કારણ મારો આ ‘હાથ’ છે. દાળમાં પેલો ઈલેક્ટ્રિક સંચો ફેરવ્યો. બ્લેડ ધોવા માટે કાઢવા ગઈ ત્યાં પેલો બેજાન સંચો મારા જમણા હાથની આંગળીને ઘાયલ કરી ગયો. થયું એમ કે હું મશિન ‘અનપ્લગ’ કરવાનું ભૂલી ગઈ હતી. ઈમરજન્સીમાં જવું પડ્યું. બે કલાક તપવું પડ્યું. ઘરે હાથ પર પ્લાસ્ટર લઈને આવી. માફ કરશો જમણા હાથની વચલી આંગળી. સીધી સટાક પાંચ અઠવાડિયા સુધી. બધા કામનું પૂર્ણ વિરામ થઈ ગયું. મને જમણા હાથ વગર કામ કરતાં ફાવે નહી તેથી.

ત્યારે સમજાયું શરીરના બધા અંગો કેટલાં મહત્વના છે. અને સર્જનહારની કમાલ તો જુઓ જે જ્યાં છે ત્યાં કેટલી વ્યવસ્થિત રીતે પોતાનું કર્તવ્ય બજાવે છે. મારા આ હાથની પળોજણ તો એવી ચાલી કે હતાશા આવી ગઈ. સવાર સાંજ બસ હાથ વિશે જ વિચારતી થઈ ગઈ. નિત નવા વિચાર આવે. અરે, એક વાર તો એવો વિચાર આવી ગયો કે હાથ વગરના માનવી માટે હું શું કરી શકું? જાણું છું તેઓ કોઈના પર આધાર રાખતાં નથી. સર્જનહારની કમાલ તો જુઓ હાથ ન હોય તેઓ પગ પાસે તે બધાં કાર્ય કરાવે છે જે હાથ કરી શકે !

હાથ, હાથ, હાથ તે તાળી પાડે સાથે, તે ચપટી વગાડે તાલમાં. તેની ગાથા તો એટલી લાંબી ચાલી શકે કે આ કમપ્યુટરમાં પણ કદાચ ન સમાય. ગભરાતાં નહી હું એટલી લાંબી વાત નહી કહું પણ તેની કલાને જરૂર દાદ આપીશ. ્જન્મેલું નાનું બાળક જોયું છે ને કેવા સુંદર તેના હાથ, તેની કલામય આંગળીઓ, તેની રૂની ગાદી જેવી હથેળી. તેમાં હાથ ફેરવીએ ત્યારે અદભૂત લાગણી પ્રસરી રહે. હાથ ખૂબ સંવેદના સભર છે. ્જ્યારે કોઈ બિમાર હોય તો તેના મસ્તક પર હાથ ફેરવી જો જો ફેરવાનાર અને જેનું મસ્તક હોય તે બન્નેને આહલાદક અનુભવ થશે.

એ જ હાથ જો વેઠ ઉતારતો હશે તો વ્યક્તિ કહેશે,’ રહેવા દે મને સારું છે”.

આ હાથ જો દાન આપવામાં પ્રવૃત્ત રહે તો તેની શોભા અનેકગણી વધી જાય. એક ખાસ યાદ રાખવું જમણા હાથે કોઈને આપીએ તે ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. એક વસ્તુ ખરેખર દાદ માગી લે તેવી છે. લેનાર કરતાં આપનારને અધિક આનંદ થાય છે. વિચારી જો જો. આપવાથી વધે છે, ઘટતું નથી. સૂર્ય પ્રકાશ આપે છે. નદી નીર આપે છે. કદી ઘટ્યાં, એવું સાંભળ્યું કે જોવામાં હજુ સુધી નથી આવ્યું.

હાથનું સહુથી અગત્યનું કાર્ય છે,” ખાવા માટે તેનો ઉપયોગ”. યાદ છે, “જમણો હાથ મ્હોં ભણી જાય”. પોતાને હાથે જમીએ અને કોઈ જમાડૅ તફાવત પ્રયોગ કરીને જો જો. મને જવાબ લખવાનું ભૂલતાં નહી. બેસતાં શીખેલું બાળક જ્યારે પોતા્ના હાથે ‘મમ’ મોઢામાં મૂકે છે ત્યારે તેના મુખ પર પરમ શાંતિ પ્રવર્તેલી જણાશે. આજના આધુનિક જમાનામાં આવું બારિક નિરિક્ષણ કરવાનો સમય કોની પાસે છે ? મારા ભાઈ, ‘કાઢો’. જીંદગી ક્યારે હાથતાળી દઈ જશે કોને ખબર છે?

હાથનું તો રામાયણ અને મહાભારત બન્ને લખાય. હાથેથી વહાલ પણ થાય અને થપ્પડ પણ મરાય. હાથમાં પેન આવે તો તેનો સદ ઉપયોગ આપણે સહુ જાણીએ છીએ. પછી અક્ષર કોના જેવા કાઢવા, ગાંધીજી જેવાં યા મોતીના દાણા જેવાં એ દરેકની પોતાની પસંદગીનો પ્રશ્ન છે.

હાથમાં કલાનો ખજાનો છે. જેને જે પસંદ હોય તેને વિકસાવી શકે છે. તે સિતાર વગાડે, પિયાનો વગાડે કે પીંછી પકડે. ૨૧મી સદીમાં તેનો ‘ગેર ઉપયોગ’ થઈ રહ્ય છે એ સહુ જાણે છે. હાથ + બેફામ મગજ = બોંબ. હવે એમાં દોષ કોને દેવો? બાકી સર્જન કરીને હાથની કિંમત અનેક ગણી વધારવી એ આપણા હાથમાં છે. તેથી તો કહેવાય છે,”અપના હાથ જગન્નાથ”. એ હાથ ભલે કરચલીઓથી ભરેલો જણાય પણ તેની પ્ર્વૃત્તિમાં બહુ ફરક પડતો નથી.

સ્ત્રીઓ હાથની કળામાં ખૂબ ઉત્તિર્ણ છે. સહુ પ્રથમ હસ્ત કલા દ્વારા સૌંદર્યનું સર્જન. પોતાના મુખારવિંદની શોભામાં અભિવૃદ્ધિ. સિવણ, ભરત, શિલાઈ અને સહુથી મહત્વની રસોઈકળા. આ બે હાથ વગર નામુમકિન છે. હાથ નાનામાં નાનું તેમજ વિરાટ બન્ને કામ ખૂબ સફળતા પૂર્વક કરી શકે છે.

એક ધંધો જે એવો છે કે ‘હાથ’ દ્વારા કરોડોમાં ખેલી શકે છે. એ છે ‘જ્યોતિષ’. આ ધંધામાં કદી મંદી આવતી નથી. હમેશા પૂનમનો ચાંદ  ખિલેલો હોય છે. એક જ્યોતિષને હું ઓળખું છું ,ખાવાના ફાંફા હતાં. કુદરતની કૃપાથી આજે મર્સિડિઝ અને લેક્સસ સિવાય ફરતો નથી. કોને ખબર કેટલાં ઉઠા ભણાવે છે ,”લોકોનાં હાથ જોઈને”. એમાં જો કોઈ રૂપસુંદરી આવી જાય તો બન્ને લાભ લઈ લે. “હાથ જોવાનો અને હાથ પકડવાનો.”  આ પણ એક કળા છે.

કોઈકના  હાથની રેખા કેટલાં બાળક થશે તે બતાવે તો કેટલાંના હાથ પૈસા કેટલાં મળશે તે કહે. જાણે હાથ જોનાર  સર્જનહારનો દૂત ન હોય? તમે કેટલા વરસ જીવશો. તમને મંગળ નડે છે. શનિના જાપ કરાવો. યાદ રહે આ બધું હાથમા લખ્યું છે. ભલેને ગુજરાતી, મરાઠી, હિંદી કે અંગ્રેજી વાંચવાના ફાંફા હોય , હાથ જરૂર સાચો વાંચે !

અરે, ગઈ કાલે સ્વપનામાં હાથનું ગોડાઉન આવ્યું. કાંઈ કેટલીય જાતનાં ભાતભાતનાં હાથ. સુંદર, કમનિય, મોહક વિ.વિ. એક જોંઉ ને એક ભુલું. પછી મારા હાથ પર નજર નાખું. અરે, કેવા ભદ્દા જેવા છે. જરા પણ સુંદરતાં નિતરતી જણાતી નથી. હા, કદાચ એટલે જ મારા હસ્તાક્ષર સારાં નથી આવતાં. સ્વપનું હકિકત દર્શાવતું હતું. ઘણી વખત જેમ ડોક્ટરના હસ્તાક્ષર કેમિસ્ટ વાંચે તેમ મારું લખેલું વાંચવામાં તકલિફ પડતી. ભાગ્યેજ  મને સ્વપના આવતાં. મોજ માણતી હતી, ભરનિંદરમાં પણ મુખ પર સ્મિત ફરકી ગયું.

શું સંચો લઈ આંગળીઓની અણી કાઢું ?

ના, ના, રંધો લઈ એમને થોડો આકાર આપું.

રંધો લેવાં ગેરેજમાં ગઈ, અંધારું હતું બારણું ખોલ્યું. સામે એક ગરીબા બાલક ભુખ્યો ઉભો હતો જેના બન્ને હાથ ગેરહાજર હતાં.

જાગી ગઈ છું તે જાણવા ગાલ પર જોરથી ચુંટલી ખણી.

 

 

 

 


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: