‘છુપું રતન “

3 04 2017

 

 

 

 

 

 

************************************************************************************************************************************************

ચારે તરફ આનંદનું વાતાવરણ હતું. મોટા બંગલાને ખૂણે ખુણેથી ખુશી ડોકિયા કરી રહી હતી. કારણ પણ વ્યાજબી હતું. બંગલાનું વાતાવરણ ખૂબ પવિત્ર અને મનભાવન હતું. માત્ર શેર માટીની ખોટ વરતાતી હતી. કેટલા દોરા, ધાગા, બાધા આખડી કર્યા પછી આજે સુલુએ દીકરાને જનમ આપ્યો હતો. સૌમિલ હરખ પદુડો થઈ આખા બંગલામાં ટહેલતો હતાં. મોઢામાંથી જે પણ વાત બહાર આવે તેને હુકમ સમજી નોકરો અમલમાં મૂકવા તૈયાર થઈ દોડાદોડ કરી રહ્યા હતાં. ધીરે ધીરે અમલ ખૂબ સુરક્ષિત વાતાવરણમાં મોટો થઈ રહ્યો હતો.

‘અરે, આ છોકરો કમાલનો છે”.

‘કેમ શું થયું’?

‘તેના વિષે ક્યારેય ફરિયાદ નહી’.

‘ક્યારેય કશું માગતો પણ નથી’

‘લોકોના બાળકો આનાથી વિરૂદ્ધ હોય છે. તને આવા વ્યવસ્થિત છોકરા વિષે કેમ ફરિયાદ છે’?

સુલુ રડતાં રડતાં બોલી, ‘હું ખૂબ તોફાની હતી. મને મારો દીકરો તોફાન કરે તે ગમે’.

‘તને તો ભગવાન પણ ન પહોંચે’.

“કેમ એમ?’

‘એ મારા જેવો ડાહ્યો છે. જો જે તે આપણું નામ રોશન કરશે.’

અમલ હજુ ૧૪ વર્ષનો હતો. કદાપી પોતાની વસ્તુઓનો દુર્વ્યય ન કરતો. ખૂબ સાચવીને જતન પૂર્વક તેને ઉપયોગમાં લેતો. જે રમત રમે તેમાં પ્રવીણતા પામતો.  સંસ્કારી માતા અને પિતા નો દીકરો  આવો સુંદર ગુણ લઈને આવ્યો હતો.  આનંદની વાત હતી સાથે  અચરજ પણ થતું.  એકનો એક દીકરો, પાણી માગતા દૂધ મળે તેવા હાલ. કેટલી ચીવટતા જણાતી.  ઘરમાં હતાં તે બધા રમકડાંથી એકલો રમતો. જો કોઈ સગાવહાલાંનું બાલક આવે તો એક પણ રમકડું રમવા માટે ન આપે. આ તો દૃષ્ટી તેવી સૃષ્ટી જેવી વાત છે. બાળ વયે પણ અમલને ખ્યાલ આવી ગયો હતો કે આ બાળકો બેદરકારીથી રમી એક પણ રમત ફરીથી રમવા લાયક નહી રહેવા દે. હમેશા માગ્યું મળતું હોય એવા બાળકોને વસ્તુની કિંમત હોતી નથી. અમલ જુદી માટીનો ઘડાયો હતો. તેને આદત હતી કે પપ્પા અને મમ્મી જે પણ અપાવે તેને રમવામાં યા બનાવવામાં નિપુણતા કેળવવી.

સાદગી તેને પસંદ હતી. હીરો ક્યારેય કહેતાં સાંભળ્યો છે કે મારું મૂલ્ય શું છે. ખોટી ડંફાસો મારવી કે બણગાં ફુંકવા તેના સ્વભાવમાં ન હતા.

મિત્રો આવે તો કહે કે, ” મારા રૂમમાં જાવ તો, ક્યાંય અડકવાનું નહી’.

મિત્રો વિચાર કરે , ‘અમારે ત્યાં આવે છે ત્યારે અમે તો તેને બધા રમકડાં રમવા આપીએ છીએ.’

અમલ કહેતો’.મને મારો રૂમ ગંદો ન ગમે. તમે બધા અવ્યવસ્થિત કરી નાખો તે મને ગમતું નથી’.

મિત્રો પણ કહે ‘તું અમારો રૂમ ગંદો કેમ કરે છે’?

”તમને વાંધો નથી તેથી. તમે બધાને રમવાની રજા આપો છો. મને એકલાને નથી આપતાં’.

મમ્મી સુલુ અને પિતા સૌમિલ ખૂબ સમજાવતાં પણ અમલ માનતો જ નહી.  સુલુ અને સૌમિલને પણ પોતે પૈસાદાર છે તેનો ખાંપો હતો. અમલ પોતાના દોસ્તોથી પરિચિત હતો. તેથી તેમની સાથે અમલનું વર્તન અલાયદુ રહેતું. અમલને ખબર હતી, આ બધા બાળકો જો મારા રૂમમાં રમવાની છૂટ આપીશ તો તોડીફોડીને નકામા કરી નાખશે. તે જેટલી ચીવટ ધરાવતો એટલી આ બધા બાળકો રાખતા નહી. તેઓ પૈસાવાળાના બેદરકાર બાળકો હતા.

અમલ પાસે જરૂરિયાત કરતાં બધી વસ્તુ અનહદ હતી. તેને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો માગતાં પહેલાં તેને મળતી. તેનો મિત્ર વિમલ એક અપવાદ હતો. સાધારણ માતા અને પિતાનો પુત્ર અમલનો ખાસ મિત્ર. તે એકલો અમલના રૂમમાં બધે અડકી શકે, કોઈ પણ રમકડાથી રમી શકે. અરે અમલ માટે બનાવેલી ખાવાની વાનગી પહેલાં વિમલ ખાય પછી અમલ ખાતો. અમલ અને વિમલ સાથે મળીને બધી રમતો રમતા. વિમલ પણ ખૂબ ચબરાક અને કાબેલિયત ધરાવતો બાળ હતો. પિતા સામાન્ય હોવાથી બધી રમત અમલ સાથે રમી પારંગત બનતો.

મમ્મીને વિમલ જરા ઓછો ગમતો. તેના અંગ પર ‘નેમ બ્રાન્ડ’ કપડાંને બદલે સાદા તથા સ્વચ્છ કપડા હોય તે તેની નજરને જચતું નહી.  સાવ સાધારણ માતા અને પિતાનો દીકરો વિમલ, અમલનો બાળપણથી મિત્ર હતો. વિમલને એક બહેન હતી તે મોટી હોવાને કારણે વિમલનું ધ્યાન રાખતી. સ્વભાવનો હસમુખો અને રમતિયાળ વિમલને અમલ  સામે ચાલીને બધું આપતો. તેની દાનત ખૂબ સારી હતી. અમલનો કોઈ દિવસ ગેરલાભ ન ઉઠાવતો. એટલે જ તો અમલને ગમતો. અમલ અને વિમલ જ્યાં જુઓ ત્યાં સાથે. બન્ને શાળાનું ઘરકામ ઘણિવાર સાથે કરતાં. કોઈવાર અમલ પ્રથમ આવે તો કોઈવાર વિમલ. કદાપી ચડસા ચડસીનું નામ નહી.

બીજા મિત્રો ખૂબ સુખી હોવાને કારણે ચડસા ચડસી કરતાં. ડંફાસ મારતાં. અમલ એ બધાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતો. અમલ લોભી અને સ્વાર્થી છે એવું બિરૂદ આવા મિત્રોએ જ આપ્યું હતું. તેમને મન ભણતર અગત્યનું ન હતું. અમલને આદત હતી સારું સારું ગ્રહણ કરવાની. વાંચવાનો શોખિન, રમત ગમતમાં ફાંકડો.

સુલુ અને સૌમિલ હમેશા મિત્ર મંડળથી ઘેરાયેલા હોય. જે સમાજમાં પૈસાથી માનવીની કિમત અંકાય છે એવા સમાજમાં તેમનો મોભો હતો. એમની મનોદશા ખૂબ દયનિય લાગે. જેને કારણે ઘણીવાર તેઓ પોતાના પુત્રને સમજી શકતા નહી. સુલુ અને સૌમિલ પણ ખુશામતખોરોથી ઘેરાયેલા રહેતાં.

અમલને ક્યારેય  કશું પણ માગવાની જરૂર જણાઈ જ ન હતી. માગ્યા પહેલાં વસ્તુની વર્ષા વરસતી.  જો એ બધું વ્યવસ્થિત ન રાખે તો તેને પોતાને રૂમની બહાર જવાનો સમય આવે. તેને કોઈ પણ વસ્તુની જરૂરિયાત જણાતી નહિ.  હજુ તો ટી.વી. પર જાહેરખબર આવી નથી એ પહેલાં તેના માટે એ રમત હાજર. અમલ કદી તેની ડંફાસ મારતો નહી. તેને જેની સાથે રમવાનું મન થાય તે મિત્રને ઘરે આમંત્રણ આપી બોલાવતો.

તેને ગમતા સુંદર અને સરળ દોસ્તો. જે તેની મમ્મીને ન ગમતાં. ગાડીમાં ફરવાને ટેવાયેલી, કીટી ક્લબોની સભ્ય પાર્ટીઓમાં ફરનારી ,સામાન્ય માનવીઓની લાગણી શું સમજી શકે? તેમને માન અને ઈજ્જત કેવાં?  જ્યારે અમલ તેના માતા અને પિતા કરતાં જુદો સ્વભાવ ધરાવતો. વર્ગમાં સામાન્ય ગણાતા વિદ્યાર્થી તેના મિત્રો હતા, બે હાથે તેમને પોતાની વસ્તુઓની લહાણી કરતો. એ મિત્રો આશા રાખતા નહી. ભણવામાં પણ તેઓ ખૂબ સુંદર પરિણામ લાવતા. આમ અમલ ખૂબ સુંદર વાતાવરણમાં પોતાનો શૈશવકાળ  માણી રહ્યો હતો.

જ્યારે પૈસાપાત્રના નબીરાઓ રખડવામાં અને ઠઠ્ઠા મશ્કરીમાં સમયની બરબાદી કરતાં. અમલ પોતાની લાગણીઓ વ્યક્ત કરતો નહી. બસ મનને ગમે તે કરતો. પપ્પાએ મનમાં નક્કી કર્યું, અમલને શામાટે અનોખા મિત્રો છે. તેમને અમલના  આ સ્વભાવનો ભેદ જાણવાની ઈંતજારી હતી. મિત્રોથી ઘેરાયેલો  અમલ સહુનો દુલારો હતો. પેલા મોંફાટ છોકરાઓને કોઈ મિત્ર ન હતા. વર્ગમાં પણ છેલ્લી બેંચ પર બેસીને વાતો કરતાં. ધીરે ધીરે તેમના જાણવામાં આવ્યું અમલ મિત્ર મંડળમાં જુદો તરી આવે છે.

અમલની ભણવામાં કોઈ ફરિયાદ ન રહેતી. બસ હવે કોલેજ જવાના દિવસો નજીક આવ્યા. શાળાનો છેલ્લા વર્ષનો કાર્યક્રમ જોવા અમલના મમ્મી અને પપ્પા બન્ને આવ્યા હતા. તેમના મિત્રો પણ આવ્યા હતા. વર્ગના શિક્ષકે અને શાળાના આચાર્યએ અમલને ‘ઉત્તમ વિદ્યાર્થી’ તરિકેનું પારિતોષક આપ્યું.  તેનો વર્ગમાં પ્રથમ નંબર આવ્યો હતો. બધા મિત્રોએ અમલને ઉચકીને મંચ પર લઈ જવાનો આગ્રહ સેવ્યો.  જેનો સ્વભાવ આટલો બધો સુંદર હોય. જેનામાં અહંકારનો છાંટો પણ ન હોય. જે વર્ગના બધાને સમાન ગણતો હોય તેને કોઈ પણ વિશેષણ ન આપી શકાય. સહુનો માનિતો અમલ આજે ખૂબ ખુશ હતો.

પૈસાદારના નબીરાઓ પણ તે દિવસના સમારંભમાં હતાં. સુલુ અને સૌમિલ પોતાના દીકરાની પ્રશંશા સાંભળી રહ્યા. શાળાનો શિક્ષકગણ અમલની વાતો કરતાં થાકતા નહી. શાળામાં અભ્યાસ દરમ્યાન અમલે હાંસિલ કરેલી સિદ્ધીઓ વર્ણવતા. અમલ સત્યનો આગ્રહી હતો. જેને કારણે અમલે સહુનો વિશ્વાસ સંપાદન કર્યો હતો.

તેની સારપ ને કારણે મિત્રોમાં તેનું વર્ચસ્વ રહેતું. તેને સહુના પ્રેમની વર્ષામાં ભિંજાવાની તક સાંપડતી.  પૈસા પાત્ર માતા અને પિતાનું સંતાન હોવા છતાં ,ગર્વનું નામોનિશાન તેનામાં ન હતું. ખૂબ સંતોષી હતો. બીજાની લાગણીઓનો ખ્યાલ રાખતો.  વર્ગમાં ધ્યાન આપી મહેનત કરી સારા ગુણ મેળવતો.

તેના મિત્રો (તવંગરના) જો તેની હાંસી ઉડાવે તો ઉદાર દિલ રાખતો. તેને અટૂટ વિશ્વાસ હતો કે જો હું ખોટું કદમ ઉઠાવીશ તો એનું ફળ મારે ભોગવવું પડશે.  શાળાનાં આચાર્યએ ત્રણ  શબ્દમાં અમલનું પાત્રાલેખન કર્યું.

“શાળાનું છુપું રતન”. વિદ્યાર્થી કાળ દરમ્યાન બરાબર પરિપક્વ થઈ કોલેજના બારણા ખખડાવી રહ્યો છે.

અમલ, માતા અને પિતા સામે જોઈ મરકી રહ્યો.

 

Advertisements

ક્રિયાઓ

Information

One response

4 04 2017
Vibhuti Shah

perfect child

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: