નાક

*********************************************************************************

“અરે તારા નાક પર શું બેઠું છે?’

‘શું તમને મારું નાક, ખુરશી દેખાય છે’.

‘ના રે ના, પણ દૂરથી બરાબર દેખાતું નથી એટલે એમ લાગ્યું કે કાંઈક બેઠું છે’.

‘લો, આ નજીક આવી હવે શું દેખાય છે?’

‘અરે, એ તો તારા હાથ લોટ વાળા હતાં ને એટલે લોટનો લચકો ત્યાં ચોંટી ગયો છે’.

જાવ જાવ હવે’.

‘ઉભી રહે ,એક મિનિટ આ મારા હાથમાં અરીસો છે ને  જો દેખાય છે તને’.

‘હા, વાત તો તમારી સાચી છે. સાફ કરવા ગઈ ત્યાં  બીજો લોટનો લુંદો ચોંટ્યો’.

‘ઉભી રહે તું હાથ ધોવા નહી જાય મને ખબર છે. હજુ પૂરીનો લોટ બંધાયો નથી. મારા હાથમાં નેપકિન છે . હું તને સાફ કરી આપું’.

કહી મેં જેવો હાથ લંબાવ્યો કે, તેણે પણ હાથ લંબાવીને મારા નાક પર લોટનો લુંદો ચોંટાડ્યો.’

નાનો ટીકલુ આ તોફાન જોઈ રહ્યો હતો. હાથમાં ફોન હતો. તરત ફોટો ખેંચી લીધો. હવે તો સજ્જડ પૂરાવો થઈ ગયો કે અમારા બન્નેના નાક પર લોટભાઈ ઝુલતા હતાં.’

‘નાક એ શરીરનું એવું અંગ છે કે સહુ પ્રથમ કોઈ પણ વ્યક્તિનું ધ્યાન તેના તરફ દોરાય. ‘નાક’ , શરીર પરના આ અંગને હોવું જોઈએ એના કરતાં આપણે વધારે મહત્વ આપ્યું છે. નાક નાનું છે, ચીબું છે, અણોયાળું છે, ગાડીનું પૈડું ફરી ગયું છે, ટીંડોળા જેવું છે. અરે મોટા માટલાને ઉંધું પાડ્યું હોય ને તેવું દેખાય છે. ઘણાનું નાક તો એટલું મોટું હોય કે મોઢા પર તેના સિવાય કશું દેખાય નહી. ઘણાના નાકને તો વળી કૂતરાના નાક સાથે સરખાવીએ તો ખૂબ ખુશ થાય.

આનંદો, કે ‘પ્લાસ્ટિક સર્જન’. એ બધાનો ઈલાજ કરી શકે છે. મારા એક મિત્રની દીકરીનું નાક સાવ ચીબુ હતું. નાકની જગ્યાએ માત્ર બે કાણા હતાં. પરણાવતા ખૂબ મુશ્કેલી પડતી હતી. મેં ઉપાય બતાવ્યો તો ખુશ થઈ ગયા.  ડોક્ટર પાસે ગયા. ઉનાળાની રજા હતી તેથી તેને કોલેજ જવાનું ન હતું. ત્રણ અઠવાડિયા ઘરમાં રહેવું પડ્યું. સર્જરી પછી નાક પર પ્લાસ્ટર હતું. જ્યારે પ્લાસ્ટર કાઢ્યું અને અરીસામાં તેણે મોઢું જોયું તો તેની આખી સિકલ ફરી ગઈ હતી. કેવું સરસ ‘નાક’ થઈ ગયું કે બે અઠવાડિયા પછી તેમા માગા આવવા માંડ્યા.

એક ભાઈને ધંધામાં ખોટ આવી. લેણદારો પૈસાની ઉઘરાણી કરવા આવતાં.

‘અરે, મારા નાકનો સવાલ છે’.  સવાલ હોય પૈસાનો, વચનનો કે પછી પરિસ્થિતિનો. તેમાં એ બે ઈંચનું નાક ક્યાં વચ્ચે આવ્યું.

‘ જો જે મારું નાક ન કપાય’. કોની માએ સવાશેર સુંઠ ખાધી છે કે જીવતે જીવ તમારુ નાક કાપી નાખે’ !

‘એનું નાક તો કૂતરા જેવું છે’. જો માનવીનું નાક કૂતરા જેવું હોત તો ? વિચાર કરી જુઓ. તમે એ વ્યક્તિથી સો ગજ દૂર રહેશોકે નહી ?

આ એ જ નાક છે જેને જોઈને પુરૂષો સ્ત્રી પર મોહિત બને છે. ચિત્રકાર તેને કુશળતા પૂર્વક પીંછી વડે ચિતરે છે.  બાળકની સુંદરતા આંખને સ્પર્શે છે. જેના ઉપર હીરા જડિત ‘ચુની’ સોહી ઉઠે છે. નથણી જેના ઉપર ઝુલા લેતી જણાય છે. જે નાક કદાચ બે ને બદલે ત્રણ ઈંચ હોય તો લોકો તેને જોઈ દૂર ભાગે છે. નકશીદાર હોય તો જુવાનિયા ઝુમી ઉઠે છે. અને જે નાક પર પૈડુ ફરી ગયું હોય તેવી વ્યક્તિથી દૂર ભાગે છે.

એક કન્યા, પરણવા જેવડી થઈ. જે પણ મૂરતિયો આવે તે નાક જોઈને ઉભી પૂછડીએ ભાગે . એટલું બધું મોટું કે કદાચ હાફૂસ કેરી તેની પાસે નાની લાગે. હવે મારી પાસે આવ્યા તેના મા અને બાપ. તમને થશે નાક વિષે જેને મુશ્કેલી હોય છે તે મારી પાસે કેમ આવે છે? વાત એમ છે ને કે કહીશ તો તમે પણ હસશો. મારું નાક આમ તો સાધારણ હતું. જ્યારે સામેથી ફોટો પાડે ત્યારે સારો લાગે. બાજુમાંથી ફોટો લે ત્યારે સરખો ન આવે. મારી સહેલીના પિતાજી પ્લાસ્ટિક સર્જન હતાં. તેમણે મને કહ્યું બે દિવસ અમારે ત્યાં રહેવા આવી જા. તારા નાકનો આખો ઈતિહાસ બદલી આપીશ.

મમ્મીની પરવાનગી લંઉ તો વઢે. બસ વાંચવાનું બહાનું કરીને પહોંચી ગઈ. બે દિવસમાં તો મારી આખી મોઢાની ભુગોળ ફેરવાઈ ગઈ. ઘરે ગઈ તો મામી કહે,’બેટા તું આજે કેમ જુદી લાગે છે’.

‘એ તો મ્મ્મી તેં મને બે દિવસ જોઈ ન હતીને એટલે. જોજે કાલથી તને હું પહેલા જેવી લાગીશ. મારી ભોળી મા  માની ગઈ.’

બસ ત્યારથી જેને નાકની કોઈ પણ તકલિફ  તે મારો સંપર્ક કરે.

અરે એક મઝેદાર વાત કહું. મારી બાજુવાળા મહેશભાઈ પરણીને ગામડાની ગોરી લાવ્યા. ખુબ સુંદર . તેની પત્ની મારી બહેન પણી બની ગઈ. એક દિવસ આવીને મારા કાનમાં કહે ,’હું મા બનવાની’. હવે તેની પેટ પર સૂવાની ટેવ મને ખબર હતી. મારે બે બાળકો હતાં. વણમાગી એક સલાહ આપી, ડાબી યા જમણી બાજુ સુવાની આદત રાખજે. અરે ન ફાવે તો પીઠ પર. સાંભળે તે બીજાં. મને થતું આ સ્ત્રી પેટમાં બાળક સાથે કેવી રીતે ઉંધી સૂતી હશે. તમે નહી માનો તેનું બાળક જાણે કોઈએ મોઢા પર જોરદાર મુક્કો માર્યો હોય તેવું અવતર્યું. મોઢા પર નાક શોધવું પડે તેવા હાલ હતાં.

હવે આ નાક ભગવાને આગળ કેમ આપ્યું અને તે પણ બરાબર મુખ ઉપર વચમાં. પ્રયત્ન કરી જો જો નાકને પાછળ યા કપાળ પર કે દાઢી પર મૂકીને. ગમે તેવા શિખાઉ ચિત્રકાર હશો ને તો પણ આવું ચિત્ર તમે સફળતા પૂર્વક દોરી શકશો. તમને પોતાને એ કોઈ પણ સ્થળે નહી ગમે. બરાબર મુખ ઉપર વચમાં અને તે પણ સપ્રમાણ જ ગમશે.

હવે સપ્રમાણ અને સુંદર નાકના ફાયદા જુઓ, ગણતા થાકી જશો. જેના વડે શ્વાસ લઈએ છીએ આપણી જીવાદોરી ટકી રહી છે તેવું આ નાક શરીરનું ખૂબ મહત્વનું અંગ છે. નાક તમારી રક્ષા કરે છે. તમે શ્વાસમાં લીધેલી હવાને ફેફસાં સુધી પહોંચાડી લોહીને શુદ્ધ બનાવે છે.  તમારા અવાજને આકર્ષક બનાવે છે. મહત્વનું જો તમારું નાક સુડોળ હશે તો પ્રિતમ તમારી ઉપર વારી જશે.

જો બદબૂ આવતી હશે તો તમે તરતજ નાક પકડી લેશો. અને સુગંધ આવતી હશે તો મન ભરીને માણશો. નાક ઉપરથી તમે કદાચ તારવી શકો કે વ્યક્તિ કયા પ્રદેશમાંથી આવે છે. જેવાં કે ચીનાઓ, હબસી અને ભારતના. નાકને તમે કાચુંપોચું ન સમજશો. પેલી રાવણની બહેન યાદ છે ને ,’સૂર્પણખા’ જેનું લક્ષ્મણે તલવારથી નાક વાઢી નાખ્યું હતું. જેને કારણે રાવણે સીતાનું હરણ કર્યું. ઘણા નાકવાળા આજે પણ સમજી નથી શકતાં એ ‘હરણની સીતા ક્યારે થઈ”?

સાચવજો, જીવ સટોસટે  આ સુંદર, સુડોળ અને સોહામણા નાકનું રક્ષણ કરજો.

One thought on “નાક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: