કાળા ના ધોળા

31 05 2017

 

 

 

 

 

 

******************************************************************************************************************************************************************

અરે, ભાઈ શિર્ષક વાંચીને જે મનમાં આવ્યું તે ધારી લીધું ?

બરાબર ને ?

અરે, હું ભલે અમેરિકામાં ૪૦ વર્ષથી હોંઉ. આપણી ધરતીનું પાણી પીને મોટી થઈ છું. મઝાનું  બાળપણ વિતાવ્યું, જુવાનીમાં કોલેજ કાળ માણ્યો અને લગ્ન કરીને બે બાળકોની માતા બની ત્યાં સુધી ભારત માતાનો ખોળો ખુંદ્યો હતો. હજુ પણ દર વર્ષે આવવાની તક ગુમાવતી નથી. આ બધું કહેવાનો અર્થ એટલો જ છે કે “કાળા ના ધોળા” નો અર્થ હું પણ સમજું છું. જેના માટે આટલી બધી સફાઈ પેશ કરવી પડી. ટુંકમાં તેને કાળા ધોળા પણ કહીએ તો વાંધો નથી.

કાળા ના ધોળા એ માત્ર “પૈસા” માટે વપરાતી ભાષા નથી ! સમજ્યા કે હવે આના પર નાનું ભાષણ આપું કે લખાણ લખું ? માની લીધું કે તમે આનો અર્થ સમજી ગયા છો. જન્મ ધર્યો ત્યારથી કાળા હતા. જથ્થો તો એટલો કે લાગતું શરીરનું  ચોથા ભાગનું વજન તેને કારણે છે. સમજી ગયા ને ! આ માથા પરનો ‘કેશકલાપ”. ઢગલો થઈને સુંદરતા ત્યાં ઠલવાઈ હતી. બીજી આંખોમાં. કાળી ચકળ વકળ થતી કીકી. બન્ને આંખમાં સંતાકૂકડી રમતી હોય.  કાળી અણિયાળી આંખો અને મસ્તક પર શિવજીની જટા જેવા કાળા વાળ. એ બન્ને જ્યાં સુધી કાળા હોય ત્યાં સુધી આકર્ષક લાગે.

હવે , કાળ કોઈને છોડતો નથી. તમે ગમે તેટલા પ્રયત્ન કરો. પૌષ્ટિક આહાર ખાવ ,નિયમિત વ્યાયામ કરો કે ચંદનનો લેપ લગાવો. શરીર પોતાનો ધર્મ બજાવશે. સમયની ઉધઈ શરીરને લાગ્યા વગર નહી રહે. અંતે કાળનો કોળિયો થઈ વિરમીશું. કિંતુ એ પહેલા જે કાળા હતાં તે ધોળા થયા તેની રામાયણમાંથી પસાર થવું પડશે.

આજે એ વાત કરવી છે. કોઈ પણ જાતની ફરિયાદ વગર, ઉન્નત મસ્તકે. આ ક્રિયા ખૂબ લાંબી છે. અનુભવોની કેટ કેટલી કેડી પર ચાલવાનો લાભ મળ્યો. વાટમાં તોફાન આવે તો સહન કરવાના. ઘોડાપૂર આવે તો હેમખેમ તરીને પાર ઉતરવાનું. યાદ રાખજો,  “આ કાળાના ધોળાં ધુપમાં નથી થયા”! ટાઢ અને તડકો જરૂર અસર કરે, તેની ના નહી. સાથે કેટલા અનુભવો આ જીવન દરમ્યાન થયા તે યાદ પણ ન હોય. કારણ સરળ છે જો એ બધા કડવા, સારા યા નરસા અનુભવો યાદ રાખીશું તો અગત્યની વાતો ભૂલી જઈશું. માત્ર તે અનુભવો દરમ્યાન જે પાઠ ભણ્યા તે યાદ રહે છે. નજીવા અને ક્ષુલ્લક અનુભવોનો તો વિચાર પણ નહી કરવાનો.

ગયા રવીવારે એક મિત્રને મળી. જુવાન હતી. દેખાવમાં પણ આંખને ગમી જાય તેવી. બોલવામાં ખૂબ ચાલાક. અચાનક મારી નજર તેના વાળ પર ગઈ. આજકાલ યુવાન સ્ત્રીઓ સુંદર ‘હાઈ લાઈટ ‘ કરાવે છે. કાળા સુંદર વાળ હોય અને થોડા થોડા અંતર સોનેરી લટ દેખાય. જુવાનિયાઓનેની સુંદરતામાં વધારો કરે. હવે જે મિત્રને મળી તેના વાળમાં વચ્ચે વચ્ચે ધોળી લટ હતી. તેના મુખ પર શોભી ઉઠતી હતી. મારાથી પૂછ્યા વગર ન રહેવાયું.

‘તેં કરાવેલું આ હાઈ લાઈટ તારા મુખ પર શોભે છે’.

હસીને મને કહે,’ આન્ટી આ હાઈ લાઈટ નથી. મારા વાળ હવે કાળામાંથી ધોળા થઈ રહ્યા છે તેની નિશાની છે’. જુઓને વાળ ધોળા થઈ રહ્યા છે તે આજની લેટેસ્ટ ફેશન પ્રમાણે.’

મારા વિસ્મયનો પાર ન રહ્યો. તેના મુખ પર ખૂબ શોભતા હતાં. એમ લાગે તેણે ‘હાઈ લાઈટ’ કરાવ્યા છે. મારી વાત તેને ખૂબ ગમી.

આમ કાળાના ધોળા એકવીસમી સદીમાં પણ કોઈને છોડતાં નથી ! માનવી કાયમ ફરિયાદ કરે છે,’ સમય બદલાયો છે’ !

મારે તેમને સમજાવવા પડૅ સમયને શું કામ દોષ આપો છો? સમય કોઈ દિવસ બદલાતો નથી. હા, માનવીની દૃષ્ટી જરૂર બદલાય છે. સમય તો પૂર્વવત પોતાની મંથર ગતિએ ચાલે છે. ૨૪ કલાકનો દિવસ અને પૂર્વમાં ઉગતો સૂરજ ક્યાં અલગ છે. ગઈકાલે યા હજારો વર્ષ પહેલાં પણ હતાં. આજે પણ છે. શંકાને કોઈ સ્થાન નથી આવતી કાલે પણ એમ જ રહેવાનું છે. નદી પર્વતમાંથી નિકળી સાગરને ભેટવા દોડે છે. અરે, કોઈ પણ માતા ગર્ભમાં દીકરો હોય કે દીકરી નવ માસ ધારણ કરે છે. સમયને કોઈ લાંચન ન લગાડો.

માનવીની નજર હર પળે બદલાય છે. એટલે કાળા, ધોળાં જીંદગીમાં પણ કરતા અચકાતો નથી. જીવન દરમ્યાન ધોળા કરતાં કાળા કરવામાં વધારે કિમતી સમય વેડફે છે. પસ્તાય છે. પછાડાય છે છતાં એ બૂરી આદત છોડતો નથી. જ્યારે ખૂબ ખરાબ પરિણામ આવે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે.

વાળ, કાળાના ધોળા ન ગમે. કામ ધોળા કરવાને બદલે કાળા કરે. નાણું  મહેનતથી કમાવાને બદલે ટુંકો રસ્તો શોધે. ૨૧મી સદીમાં સહેલાઈથી કમાવાના રસ્તા ઘણા છે. ચરસ અને ગાંજો વેચો. દાણચોરી કરો. ખોટો માલ ગ્રાહકને આપો. રાતોરાત પૈસાદાર થઈ જશો. એ કાળુ નાણું ક્યારે તમને તમાચો મારશે એની કોઈ ખાત્રી નહી. અરે છમણ રૂની તળાઈ પર ઉંઘ નહી આવે ! જ્યારે મહેનતથી કમાશો, પરસેવો પાડૅલો પૈસો હશે તો કોઈ ચિંતા નહી રહે તેની ખાત્રી આપું છું.

હવે નક્કી કરવું રહ્યું, ક્યાં કાળું સારું ને ક્યાં ધોળું ! નિર્ણય સહુએ લેવાનો છે. કોઈની મદદ કે માર્ગદર્શન કામ નહી આવે. સર્જનહારે સહુને એક વસ્તુ આપી છે. વિચાર કરવાની શક્તિ !

Advertisements

ક્રિયાઓ

Information

One response

1 06 2017
Mukund Gandhi

Good Insight about કાળા-ધોળા.

Thanks

MG

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: