ક્યા હવા ચલી

12 06 2017

 

 

 

 

 

 

 

*********************************************************************************************************************************************

શબ્દોની સફાઈ કરવી અને આચરણ કરવું એ ખૂબ જાગૃતતા માગી લે છે. જીવનભર નાઈન્સાફીના કાર્ય કર્યા. કોઈને છેતરવામાં બાકી ન રાખ્યા. પાંચ પૈસા આવ્યા એટલે બે હાથે પૈસા વેરી સમાજમાં મોભો પામ્યા. આ નરોત્તમ શેઠ જ્યાં ને ત્યાં પૂજાય છે. કોઈ સભા એવી નહી હોય કે જ્યાં તેમની હાજરી ન હોય કે તેમનું સ્થાન મંચ પર ન હોય. આજે તેમને હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. સારું થયું આધેડ વયે આવ્યો. બાકી એમના કારનામા એવા હતાં કે ૪૦ વર્ષે આવ્યો હોત તો નવાઈ ન લાગતે. ધંધામા અવળચંડાઈ કરી કરીને ઘર ભર્યું હતું.  દર અઠવાડિયે ડોક્ટર પાસે જઈને લોહીનું દબાણ મપાવી આવે. કેટલાય લોકોના નિસાસા લીધા હતા.

રાતોરાત ધનિક થવું હતું. આડૅધડ ખોટાં કામ કરીને ટુંક સમયમાં પૈસા બનાવ્યા. પત્નીની એક વાત ન સાંભળે. બાળકો ઉછેરવામાં દમયંતિ શેઠાણી ખૂબ સાવધ હતાં. સાચું શિક્ષણ આપી સહુને ઠરીઠામ કર્યા. ઘરમાં બારીમાંથી આવતી હવા ન ગમે. એરકંડિશનની ઠંડી હવા ગમે.  જ્યારે હાર્ટ એટેક આવ્યો ત્યારે પરવશ બન્યા.

હાર્ટ એટેક આવ્યો એટલે ઈમરજન્સીમાં  શેઠને હોસ્પિટલ લઈ ગયા.  તેમનો દીકરો રેડિયોલોજીસ્ટ હોવાથી મિત્ર મંડળમાં ડોક્ટરો હોય.કાર્ડિયોલોજીસ્ટ ડોકટર શાહ આવ્યા. બરાબર તપાસ કરી એમને પથારીમાંથી ઉભા ન થવાય તેની સખત ચેતવણી કડક શબ્દોમાં આપી. શેઠમાં બોલવાના હોશ પણ ન હતાં. ઈશારાથી તેમની પત્ની, શેઠાણી દમયંતીને પાણી માટૅ કહી રહ્યા. જો કે પાણી નળીથી પિવડાવવાનું હતું, પણ ગળામાં સોસ પડતો હતો. શેઠાણી લાચાર હતાં. પ્રેમ પૂર્વક પતિને નિરખી રહ્યા. ૪૦ વરસથી પતિનું પડખું સેવ્યું હતું. શરૂઆતના વર્ષોમાં નાની ઉમરને કારણે બહુ ગતાગમ પડતી નહી. બે દીકરીઓ આવ્યા પછી થોડી શાન આવી. પતિ કઈ રીતે પૈસા કમાય છે તેમાં રસ લેવા માંડ્યા. પૈસાની છાકમછોળ હતી એટલે તેમનો પડ્યો બોલ ઝિલાતો. ઘરમાં કામ કરવાવાળાની અછત ન હતી. પોતે બહુ ભણેલા નહી. તેથી ભણતરની કિમત સમજે પણ નહી. દીકરીઓને પાણી માગતાં દૂધ મળે. સાદી ભાષામાં કહું તો ખૂબ ફટવે.

ધંધામાં રસ પડતો તેથી કોઈવાર સલાહના બે શબ્દો બોલે તો શેઠ કહે,’ તને શું ગતાગમ પડે . તને ક્યાં પૈસાની કમી છે. શેઠાણી ગાડી લઈને ખરીદી કરવા નિકળી પડે. છતાં પણ ધંધાની વાતો ચીવટથી સાંભળે. હવામાંથી વાત પકડતાં’.

સવારના પહોરમાં ફોનની ઘંટડી રણકી, ‘શેઠે જવાબ આપ્યો માત્ર એટલું જ બોલાઈ ગયું.’ મરી ગયા’.

શેઠાણી બાજુમાં જ હતાં. ‘શું થયું, ફેક્ટરીનું બાંધકામ ચાલતું હતું ત્યાં સ્લેબ પડી ગયો. કોઈ મજૂર ચગદાઈ ગયો’.

શેઠ, ચમક્યા. ‘આ મારી પત્ની ખૂબ સતેજ છે. મને એમ કે તેને કાંઈ ગમ પડતી નથી. પણ મારી મોટી ભૂલ છે. તે મને બરાબર સુંઘી મારી વાતોનો અંદાઝ લગાવી શકે છે’.

શેઠાણીની વાત હસવામાં ઉડાડી. પણ તેમનું મોઢું ચાડી ખાતું હતું. શેઠાણીએ વધારે પૂછી તેમને ન ઉશ્કેર્યા. બધા ફોન ઉપરની વાત ધ્યાનથી સાંભળતાં. બે શબ્દ સંભભળાઈ ગયા, ‘પૈસા ખવડાવીએ’.

હવે શેઠાણીનો પિત્તો ગયો. ‘એક તો માલમાં ભેળસેળ કરી કાચું કામ કરાવો છો. બે મજૂરોના જાન ગયા. તેમના કુટુંબની જવાબદારી ઉઠાવવાને બદલે પૈસા ખવડાવવાની વાત કરો છો’?

શેઠે કહ્યું, ‘ ધીરે બોલ.’

તમારી પત્ની થઈને આવાં કાળા કૃત્યો નહી કરવા દંઉ. મને બરાબર યાદ છે. વાલિયો લુંટારો લોકોને મારી પૈસા લાવતો હતો તેમાં ઘરમાંથૉ કોઈએ પાપના ભાગિદાર થવાની હા પાડી ન હતી. હું તમને આવું નીચ કામ નહી કરવા દંઉ.’

શેઠની એક ન ચાલી. મજૂરોને સમજાવ્યા. મનમાગ્યા પૈસા તેમના કુટુંબીઓને આપી રાજી કર્યા. વાત ત્યાં જ દબાઈ ગઈ. કોઈ કોર્ટની કારવાઈ ન થઈ. ન પોલિસ આવી. શેઠને શેઠાણી ઉપર ખૂબ ગર્વ થયો. સમય વર્તે સાવધાન અંહી બરાબર કામ આવ્યું. જેમ કૂતરાની પુંછડી ભોંયમાં દાટો તો પણ વાંકી, તેમ શેઠ ક્યારેય સુધર્યા નહી. દીકરીઓને એટલી બધી મોઢે ચડાવી કે વાત નહી. બાળકોને સંસ્કાર બાળપણથી આપવા જોઇએ. તે વાત વિસરી ગયા. આવા તો કેટલાય પ્રસંગો જીવનમાં બન્યા. જીવનના તખ્તા પર અભિનય કરવામાં પારંગત શેઠ એક ઉપાધિમાંથી નિકળે ને બીજીમાં ફસાય. પૈસો બોલે છે, ચાલે છે અને કામ પુરું પાડે છે. તે સમયે માનવી ભૂલી જાય છે કે ઉપરવાળો બધો હિસાબ રાખે છે.

દમયંતી શેઠાણી બધું જાણતા પણ શેઠ પાસે તેમનું ચાલતું કાંઇ નહી. શેઠ કાળા કામ કરે. શેથાણી ઉજળાં કામ કરે. પૈસો પાણીની માફક વહાવી જરૂરિયત મંદોની વહારે ધાય. એમણે ક્યાં હિસાબ આપવાનો હતો? આમ ઉપરવાળાના ચોપડામાં હિસાબ સાચવતાં.

આ લખતાં એક વાત માર મગજમાં ઘુમરાઈ રહી. લોકો પૂછે છે,’ પ્રભુ તું ક્યાં છે?’ મારો અંતરાત્મા કહે છે , ‘પ્રભુ તું ક્યાં નથી”? હવે આ બે વાતનો મેળ ક્યાં ખાવાનો ?

ચાલો પેલા શેઠને મળીએ મોટી દીકરી કોલેજમાં ગઈ. જાણે રોજ ફેશન શોમાં ન જતી હોય. ભણવાનું બાજુએ રહ્યું રોજ નવો બકરો હોય તેની સાથે. જુવાનિયાઓને બીજું શું જોઈએ. તેની જીદમા સગાઈ કરવી પડી. બાર મહિના પછી લગ્ન લેવાના હતાં. તડામાર તૈયારી ચાલુ થઈ ગઈ. શેઠાણીને તો બસ બહાનું જ જોઈએ , આ તો દીકરીના લગ્નની તૈયારી કરવાની હતી. પૈસો તો પાણીની જેમ વપરાતો હતો. લગ્નના દસ દિવસ  પહેલાં ,” મમ્મી અમે લગ્ન નહી કરવાનો વિચાર કર્યો છે. ‘

મમ્મી અને પપ્પા બન્ને ચમક્યા. હવે બહેનબાને ખબર પડી કે જેની સાથે પ્રેમ કર્યો છે તેના કુટુંબમાં તે સમાઈ શકે તેમ નથી. લગ્ન કરી તેનો પ્રેમી માતા અને પિતાથી જુદો નહી રહે. તેને પોતાના માતા તેમજ પિતા પ્યારા છે. ખેર લગ્ન મોકૂફ રહ્યા. એક વર્ષ પછી બીજા સાથે લગ્ન ગ્રંથીથી જોડાઈ. સાસરીમાં કેવી રીતે સમાઇ એ કહેવું નકામું છે.   ગમે તેમ પણ લગ્ન કરીને પતિ દેવને વશમાં કરવા સફળ નિવડી.

નાની બહેન તો વળી તેના કરતાં પણ ચડિયાતી નિકળી.   જવા દો આ બધી વાતો નકામી છે. આપણે હોસ્પિટલમાં શેઠની હાલત જોઈએ. ઉઠવા, બેસવા અને ચાલવાનું બધું બંધ. બન્ને દીકરીઓ પરણેલી હતી. પિતાની દેખભાળ માટે આવી પહોંચી. સવાર સાંજ હોસ્પિટલમાં બેસે અને પિતાને પ્યાર જતાવે. મમ્મી જુએ પણ એક અક્ષર ન બોલે. તેમના ઉછેરમાં કચાશ રહી હતી તેનું તેને ભાન હતું. પણ હવે પસ્તાયે શું વળે.

શેઠ ભલે ને શાંત દેખાતાં હોય. અંદરથી પળની પણ શાંતિ ન હતી. અજંપો તેમને ચેન પડવા દેતો નહી. શેઠાણીને બધી ખબર પડતી હતી. દીકરીઓ વળાવ્યા પછી રોજનીશી લખવાનું ચાલુ કર્યું હતું. મનના વિચાર તેમાં ટપકાવતા. જે વાત ન ગમે તેને લાલ પેનથી દમયંતિ શેઠાણી લખતાં. દીકરીઓના ગયા પછી તો ધંધાની વિગતોથી પણ વાકેફ રહેતાં. શેઠને તો ખાંપો હતો કે મારા જેવું કોઈ હોશિયાર નથી.’ આ બે બદામની મારી બૈરી શું સમજવાની.’

ખાટલે પડ્યા ત્યારે ખબર પડીકે ‘નરોત્તમ શેઠ’ કેવા ઢીલા થઈ ગયા છે. બધી વાતે દમયંતિ શેઠાણી પર આધાર. વર્ષોથી ઘરનો વહીવત ચલાવતાં તે ખૂબ પારંગત થઈ ગયા હતાં. ધંધાની આંટીઘુંટી સમજતી શેઠાણીએ હવે કારોબાર પોતાના હાથમાં લેવાનો ચાલુ કર્યો. શેઠને એવી પથારી આવી હતી કે બાર મહિના પણ નિકળી જાય.   જો દમયંતિ શેઠાણી ચકોર નજર ન રાખે તો કામ કરતાં માણસો ઘાલમેલ કરી શકે. ધંધામાં તો જમાઈઓનું પણ ચાલવા ન દેતાં. દીકરીઓ કદાચ કોઈવાર સલાહ આપે તો સાંભળતાં.

બે મહિના હોસ્પિટલમાં દોડધામ રહી. પછી નરોત્તમ શેઠ ઘરે આવ્યા. સુંદર વ્યવસ્થા કરી હતી. શેઠ ખાટલામાં રહીને બધો તાલ જોતાં. નબળાઈ પુષ્કળ હતી જેને કારણે શારીરિક કે માનસિક બન્ને કાર્ય કરવા તે શક્તિમાન ન હતાં. દમયંતિ શેઠાણી ધંધાનું સુકાન સુંદર રીતે સંભાળી રહ્યાં. હવે એમ લાગતું હતું , કે શેઠ પાછાં સ્વસ્થ થઈ ગયા છે. આવતા શુક્રવારે ડોક્ટરને બતાવી પાછાં કામે લાગવાનો ઈરાદો હતો. સોમવારે જ્યારે શેઠે ઓફિસમાં આવીને જોયું તો આખી સિકલ ફરી ગઈ હતી. બધે કમપ્યુટર આવી ગયા હતાં. વ્યવસ્થા ખૂબ સુંદર હતી. શેઠ મનોમન બબડી રહ્યા , ” શું આ એ જ દમયંતી છે, જેને હું ગમાર સમજતો હતો”.

માહોલ અને  ધંધામાં હવાની દિશા બન્ને ફરી ગયા હતાં.

 

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s




%d bloggers like this: