મારા મોટાઇ

18 06 2017

 

મારા મોટાઇ

 

 

 

 

 

 

 

**************************************************************************************************************

અમે પાંચ ભાઈ બહેન છીએ. ‘મોટાઈ’ એટલે મોટાભાઈ. ઉતાવળ હોય ને બોલવાની ,એટલે થઈ જાય ‘મોટાઈ’. મારી મમ્મીના શબ્દોમાં તેઓ હમેશા,’ મારા મોટાઇ’ રહ્યા છે. કોઈ પણ કામ કઢાવવું હોય તો મને આગળ કરે . આજે પણ મને યાદ નથી ક્યારેય મારા મોટાઈએ મને કોઈ પણ વસ્તુ માટે ના પાડી હોય. ખરું પૂછો તે એ સમયમાં માગણી પણ નાની નાની રહેતી. આ ‘૫૫’ વર્ષ પહેલાંની વાતો છે.

મોટાઇ મારે ચાલવું નથી ઘોડાગાડી કરોને? સારું ચાલ ઘોડાગાડીમાં જઈશું. દર રવીવારે મોટાઈ અને મમ્મી સાથે મારે અને મારી નાની બહેને ,ભુલેશ્વરમાં નવા મંદીરે દર્શન કરવા જવાનું.

‘મોટાઇ અમે આવીશું. એક શરતે’.

મોટાઈ મારી સામે જોઈને હસે. એમને ખબર હતી અમારી બન્ને બહેનોની માગણી શું હશે. છતાં પણ પૂછે,’બોલ બેટા’.

‘પાલવા બોટમાં બેસવા લઈ જવાના અને પાછાં આવતાં ‘વિબજ્યોર’નો આઈસ્ક્રિમ ખાવાનો.’  માત્ર આઈસ્ક્રિમ જ ખવડાવે. બહારના ભેલ અને પાણીપુરી આખી જીંદગી ખવડાવ્યા ન હતાં. ‘માંદા પડાય’.

મારા મોટાઈ એટલે પૂજ્ય પિતાશ્રી સાથેની હરપળ મને યાદ છે. આજે તો તેમને ગયે પણ ૪૦ વર્ષ થયા.

‘ભાણામાં એટલુંજ લેવાનું જેટલું ખાવાના હોઈએ. ‘છાંડવાનું નહી, આજે પણ એવી જ આદત છે’. ‘દીકરા ઉંચી એડીના સેંડલ નહી પહેરવાના, પારસીઓ પહેરે’.

‘મોટાઈ એવું કયા સેંડલ પર લખ્યું છે કે મારાથી ન પહેરાય. ‘ બસ મને છૂટ મળી ગઈ. તેનું મુખ્ય કારણ હતું હું ૫’ કરતાં પણ થોડી નાની છું. સાંભળે એ બીજા. હજુ મોટાઈ મારું નામ બોલે તે પહેલાં હું દોડીને હાજર. બધું જ કામ તેમનું કરવાનું મારે. મને બહુ ગમતું. તેથી કદાચ હું તેમની લાડકી હોઈશ. બે ભાઈઓ મોટાં અને એક બહેન નાની. મોટી બહેન વર્ષોથી પરણી ગયેલી. મમ્મીને મદદ મારે કરવાની. જો મારું મન ન હોય તો,’ મોટાઈ  મને રમી રમવા બોલાવોને ‘ એમ કહું એટલે મને કામમાંથી છૂટકારો મળે. મમ્મી અને મોટાઈનું બધું સાંભળું પણ તોફાની રાણી હતી. કામ કરું એટલે વહાલી લાગું.

સાંજના દુકાનેથી આવે અને કપડાં બદલે. બદલતી  વખતે જેટલા પૈસા ખિસામાંથી પડૅ એના પર મારો હક્ક લાગે. નાની બહેન જરા શાંત હતી. અને ભાઈ કોને ખબર એના રૂમમાં શું કરતો હોય. રહી હું, તેમનો પડ્યો બોલ ઝિલવા માટે.

મજા તો ત્યારે આવી જ્યારે મારો મેટ્રિકમાં ફર્સ્ટ ક્લાસ આવ્યો. મારા કરતાં મારા મોટાઈ અને મમ્મી ખૂબ ખુશ થયાં.

‘ઝેવિયર્સમાં ન જવાય’. મોટાઈએ વટહુકમ બહાર પાડ્યો.

‘કેમ’?

‘ખૂબ દૂર છે. ‘ અમે રહીએ મલબાર હિલ અને ઝેવિયર્સ આવી મેટ્રો સિનેમા પાસે. ખેર એક ન ચાલી. વિલ્સનમાં જવું પડ્યું. વાંધો નહી. રોજ ગાડીમાં જવાનું. ઉતરતી વખતે , ‘મોટાઈ પૈસા નથી.’

ખિસામાંથી જે હાથમાં આવે તે મને આપે. મોટાઈ કોઈ દિવસ હિસાબ ન માગે, મમ્મીને પાઈ એ પાઈનો હિસાબ આપવાનો. મોટાઈનું એ પ્યાર ભર્યું સ્મિત આજે પણ યાદ આવે ને હું પાછી નાની છોકરી બની જાંઉ. એક ખાનગી વાત કહું, ‘મને દીકરી નથી પણ હું દીકરી છું’ એ લહાવો ખૂબ માણ્યો હતો. હા, આજકાલના માતા અને પિતાની જેમ ફટવે નહી. આમન્યા રાખવી, સામે નહી બોલવાનું, વડીલોને આદર આપવાનો. એ બધાનાં મમ્મી અને મોટાઈ બન્ને ખૂબ આગ્રહી હતાં.

બી.એ. પાસ થઈ ત્યારે મારા મોટાઈ જમીનથી અદ્ધર ચાલે.  મારા કરતાં મારા મમ્મી અને મોટાઈ બન્ને બહુ ખુશ હતાં. તેમના મુખ પરની રેખા આજે પણ નજર સમક્ષ તરવરે ને મારા હૈયાને ટાઢક વળે.

‘હવે આગળ નહી ભણવાનું’.

‘કેમ’?

‘લગ્ન કરવાના.’

‘પણ ત્યાં સુધી ઘરમાં માખી મારવાની’ ?

‘ગઈ, જરૂર ગઈ. મુંબઈની લૉ કોલેજમાં’. મોટાઈની તો ના હતી, પણ પૂ. મામાએ દીકરીની ઈચ્છા પૂરી કરી. આજે પૂ મામાને પણ ‘ફાધરસ ડે’ પર યાદના બે ફૂલ ચડાવું છું.

મોટાઈને પટાવવા એ મારે માટૅ ડાબા હાથનું કામ હતું.

મોટાઈ મારા ખૂબ સાદા અને પ્યારા . જીવનમાં આપબળે આગળ વધ્યા હતાં. સાથે આખા કુટુંબની પણ કાળજી કરતાં. સાત ભાઈ બહેનમાં સહુથી મોટા હતાં. પૂજ્ય મમ્મીએ પણ તેમને સઘળો સહકાર આપ્યો હતો. મોટાઈ તમારી યાદો તો જીંદગી સાથે જડાએલી છે. આજે તેને શબ્દોમાં ઉતારવાની ચેષ્ટા કરી.

******

મારા પતિના પૂજ્ય પિતાશ્રી, જેમને ઘરમાં બધા “કાકા” કહેતાં. મને તેમના દર્શનનો કે આશિર્વાદ પામવાનો લહાવો મળ્યો ન હતો. પતિ, પૂજ્ય બા તેમજ સહુ ભાઈ અને બહેન મારફતે તેમનો પરિચય હતો. આજના દિવસે તમને દંડવત પ્રણામ કાકા.

***

મારા બે સુંદર બાળકોના પિતા , અવિનાશ. જો હું તેમના વિષે લખવા બેસીશ તો મારાથી અંતરના ભાવ ઠલવાઈ જશે. માત્ર એટલું જ કહીશ, ખૂબ પ્રેમાળ પિતા હતા. બાળકોને જોઈ તેમના મુખ પર ચમક રેલાઈ જતી. બન્નેને સુંદર સંસ્કાર આપવામાં મારી સાથે કદમ થી કદમ મિલાયા હતા. આજે તેમનિ પ્રગતિ જોઈ ખૂબ ખુશ છે.

** બન્ને બાળકો જે આજે કારકિર્દી સહિત સુંદર અને પ્રેમાળ પિતા છે. મોટા દીકરાના ત્રણ દીકરા અને નાના દીકરાની બે સુંદર દીકરીઓથી ઘરનું આંગણ ગુંજતું છે. બન્ને બાળકોએ પિતાનો પ્યાર ભરપૂર માણ્યો છે. આજે તેમના બાળકો પર સ્નેહ વર્ષા કરતાં અચકાતા નથી !

આમ સહુ “પિતા”ને  પિતૃ દિવસની”   પ્યાર ભરી યાદ.

HAPPY FATHER’S DAY

 

 

Advertisements

ક્રિયાઓ

Information

3 responses

18 06 2017
Nitin Vyas

Very appropriate essay on father’s day – nicely explained your feelings.

18 06 2017
સુરેશ

જૂની મધુર યાદો મમળાવવાનું હમ્મેશ ગમતીલું હોય છે. મારા બાપુજી યાદ આવી ગયા.

18 06 2017
Ami Milan Gandhi

Soooo…. good, Fee.

Ami

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: