પ્યાર- ધિક્કાર

15 07 2017

 

 

 

 

 

 

***************************************************************************************************************************

હર પળ વહેતી જાય છે. સમય સરતો રહે તેને મુઠ્ઠીમાં બાંધવો અશક્ય છે.  એ સમય સહુના માટે એક સમાન છે. તેના શબ્દ કોષમાં ગરીબ, તવંગર, ઉંચ, નીચ, અભણ , શિક્ષિત, સ્ત્રી, પુરુષ એવા કોઈ ભેદભાવ નથી. અરે એને પ્યાર કે ધિક્કારની જોડણી પણ આવડતી નથી. એ તો નિર્લેપ છે.  માનવની જીંદગીમાં સમયને કારણે જીવન અસ્તિત્વમાં આવે છે.

આ જીવનના બે પહેલું છે. પ્યાર અને ધિક્કાર. તમે વિચારો , તમારે શું આપવું છે અને શું પામવું છે? કોઈ એવી જાદુની છડી નથી કે તમે જે આપશો તે જ તમને પાછું મળશે. હા, તમારે જે આપવું હોય તે આપવા માટે તમે સંપૂર્ણ પણે સ્વતંત્ર છો. શું પામશો એ નક્કી કહેવાય નહી ?

શ્રીકૃષ્ણ ભગવાનને ક્ષણવાર સમરી લો. “માત્ર કર્મમાં તારો અધિકાર છે. ફળ પર નહી !”

તમે આપેલા પ્રેમના બદલામાં ,જો તમે એમ માનો કે તમને પ્રેમ મળશે તો તે, સત્યથી જોજન વેગળું છે. હા, પણ તમે પ્રેમ આપવામાં કંજુસાઈ ન કરતાં. એક ખાનગી વાત કહું. હસતાં નહી. ‘આ પ્રેમ છે ને, એક બકવાસ છે. લોકો કહે છે એ ‘મફત’ છે. છતાં પણ આપવામાં કંજૂસાઇ કરે છે. મફત છે ને તેથી તેની કિમત નથી. જો હમણા તે ૫૦૦ રૂ. કિલો વેચાતો હોત તો રોજ સવારથી લોકો કતારમાં ઉભા રહી જાત.

જેમ પ્રેમ મફત છે તેમ ધિક્કાર પણ . કોને ખબર કેમ પ્રેમ કરતાં ધિક્કારનું સામ્રાજ્ય વધુ ફેલાયેલું છે. પ્રેમની હવા શાંતિનું પ્રસરણ કરે છે. ધિક્કારનો ઝોકો વાતાવરણને કલુષિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.  વ્યક્તિમાં ઉશ્કેરાટ અને સંબંધોમાં ગાબડાં પાડવામાં સફળતાને વરે છે. ઈર્ષ્યા, વેર, તિરસ્કાર એ ધિક્કારની ઓરમાન બહેનો છે. એ બધાના પ્રયત્નોથી તો ધિક્કાર અસ્તિત્વમાં આવે છે.

બાકી આ દુનિયામાં આવ્યા એ સહુ જવાના. ખાલી હાથે આવ્યા ખાલી હાથે જવાના. શામાટે આ બધી લમણાઝીંક કરવાની. “શાંતિ”ના આપણે સહુ ચાહક છીએ. જીવો અને જીવવા દો નો મહા અમૂલ્ય મંત્ર અપનાવો. જુઓ જીંદગી કેવી સુહાની બની જશે.

જોવા જઈએ તો પ્યાર અને ધિક્કાર એક સિક્કાની બે બાજુ છે. પ્યાર અને ધિક્કાર વચ્ચે ખૂબ પાતળી લક્ષ્મણ રેખા છે. ક્યારે એ રેખાનું ઉલ્લંઘન થઈ જાય છે તેનો ખ્યાલ રહેતો નથી. તેથી રાવણ સીતાનું હરણ કરી જાય છે અને સોનાની લંકા ભડકે બળે છે.

રવિના અને રીતેશની સગાઈ થઈ હતી. બન્ને ત્રણ વર્ષથી એક બીજાને જાણતા હતાં. કોઈ પણ જાતની શંકાને સ્થાન ન હતું. ઘણિવાર આંખે જોએલું ખોટું હોય છે. રીતેશે, રવિનાને કોઈ અનજાણ છોકરા સાથે ‘ગેલોર્ડ’માંથી હાથ પકડીને બહાર આવતા જોઈ. છોકરો ખૂબ દેખાવડો અને મોહક હતો. રીતેશને ખૂબ ખરાબ લાગ્યું. બે દિવસ રવિનાને મળ્યો પણ નહી. હવે પેલો સોહામણો, ખૂબસુરત જુવાન ગામમાં હતો એટલે રવિનાને ફોન કરવાનો સમય ન મળ્યો. તેના ગયા પછી રવિનાને થયું,

‘આજે રીતેશ ખૂબ ગુસ્સે થવાનો. ચાર દિવસથી તેનો ફોન નથી અને મેં પણ કર્યો નહી’.

રીતેશે તો ફોન ન કર્યો પણ રવિનાએ કર્યો ત્યારે ઉપાડ્યો પણ નહી. આમ  બીજા બે દિવસ નિકળી ગયા.  જ્યારે વાત થઈ ત્યારે, રીતેશ રવિનાની એક પણ વાત સાંભળવા તૈયાર ન હતો.

‘તારી કોઈ સફાઈ મારે સાંભળવી નથી’.

‘રીતેશ તેં મને જોઈ ‘ગેલૉર્ડ’માંથી નિકળતાં , પણ એ તો મારા મામાનો દીકરો રવી હતો. ‘

‘હવે તું મને કહે એ મારે માનવાનું. હું મૂરખ નથી’.

આમ રવિના અને રીતેશની પ્રેમ સભર જીંદગી ધિક્કારની ધુળથી કલુષિત થઈ ગઈ. સારું થયું લગ્ન નહોતા થયા, નહી તો છૂટાછેડાની નોબત જરૂર આવત. બન્ને જણા લગ્ન ગ્રંથીથી ન જોડાયા. આ તો થઈ સામાન્ય વાત. જીવનમાં ગમતાને પ્યાર અને ન ગમતાને ‘ધિક્કાર એ ખૂબ સામાન્ય છે. કદાચ ન ગમતી વ્યક્તિઓ માટે ધિક્કાર શબ્દ સારો ન લાગે પણ તેમના પ્રત્યેનું વર્તન કોઈ પણ સભ્ય વ્યક્તિને છાજે તેવું ન હોય એ યોગ્ય ન કહેવાય.

શામાટે કોઈ વ્યક્તિ ન ગમે ? જો મિત્રતા ન કેળવવી હોય, તો તમને સંપૂર્ણ અધિકાર છે. જો કુટુંબમાં હોય તો તેમની સાથે વ્યવહાર વિનિમય ખપ પૂરતો કરવો. પણ તે વ્યક્તિ પ્રત્યે બેહુદુ વર્તન એ ‘ધિક્કાર’ નો ઓરમાન ભાઈ છે. જેવું કે અપર’મા.’ ભલેને પંડના દીકરા કરતાં પણ વધારે પ્રેમ આપે પણ પેલું ‘અપર મા”નું ઉપનામ લાગ્યું હોય તે કેમ કરી મિટાવાય. પોતાની મા તો જન્મ આપીને વિદાય થઈ. કોઈ પણ કારણસર. અપરમા એ માત્ર દૂધ સિવાય બધું જ આપ્યું હોય. જ્યારે તેને માન મરતબો દિલથી ન આપી શકીએ તો તે તેના માતૃત્વનું હળાહળ અપમાન છે. માત્ર જન્મદાત્રી જ ‘મા’ નથી કહેવાતી. ઉછેરીને તમને લાડપ્યારથી સુંદર સંસ્કાર આપનાર માનું ગૌરવ જરાય ઓછું ન માનશો.

પ્યારને ધિક્કારમાં અને ધિક્કારને પ્યારમાં પલટાતાં વાર નથી લાગતી. જેમ આંખની પાંપણ મટકે ને ઉંઘમાં પડખું ફરીએ એટલી વારમાં આ હ્રદય પલટો લઈ લે છે. ૨૫ વર્ષનું સુહાનું લગ્ન જીવન માણી રહેલાં પતિ અને પત્ની જ્યારે બેમાંથી એકની પોલ પકડાય ત્યારે એક બીજાના કટ્ટર દુશ્મન બની જાય છે. ૨૫ વર્ષનો  સુહાનો સમય પળવારમાં ખારો દવ બની જાય છે.

કોઈનું દિલ જીતવા માટે એક અણધાર્યો આંચકો પૂરતો છે. અપરમા, અપરમા કહીને વગોવનારી દીકરી જ્યારે જરૂર આવે ત્યારે એ અપરમાં ‘કિડની’ આપી તેનો જાન બચાવે ત્યારે આંખનો તારો બની જાય છે. ક્યારેક સ્વાર્થ તો ક્યારેક અણધાર્યો પ્રસંગ મહત્વનો ભાગ ભજવે છે. પછી એ રળિયામણું વાતાવરણ આખી જીંદગી હરીભરી કરી જાય છે.  અજુગતો બનાવ જીવનનો હર્યોભર્યો બાગ વેરાન બનાવે છે.

જો આવા પ્રસંગોથી પર રહેવું હોય તો ‘ગીતા”નો અભ્યાસ આવશ્યક છે.”સુખ દુખે સમે કૃત્વા લાભા લાભૌ જયા જયો”. સમતા ધારણ કરવી. જીવનમાં જે મળે તેના વિષે ખુશી યા શોક ન રાખવો. ‘સમય’ એ સઘળાં દુઃખોની દવા છે. એમાં જો પ્રેમ ભળે તો કોઈ પણ દુખ સહ્ય બને છે. ક્શું કાયમ ટકતું નથી. પ્યાર હો યા ધિક્કાર જો તમને ન સ્પર્શે તો તમારા જેવું સુખી આ જગે કોઈ નથી. જેની પાસે જે હોય એ તમને આપે. તમને શું ફરક પડે છે ?  “સ્થિતપ્રજ્ઞ”તાનો અમૂલ્ય મંત્ર યાદ રાખવો. જો જો તમને કશું સ્પર્શી નહી શકે.

ઘણીવાર વ્યક્તિ ખૂબ ગમતી હોય. અચાનક એવું વાતાવરણ સર્જાઈ જાય કે . પ્યાર ધિક્કારમાં બદલાઈ જાય. આ ક્ષણિક આવેગ છે. આવેગને તો મોટા મોટા મુનીઓ પણ નથી રોકી શક્યા તો સામાન્ય માનવીનું શું ગજું. જાતને કેળવવી અતિ મહત્વની છે. પ્રયત્નોમાં આળસ નહી ચાલે. એમાંથી બહાર આવવાનો સરળ ઉપાય, એ પ્રસંગને ભૂલી જાવ. બાકી આ જીંદગીમાં કોનો ક્યારે ખપ પડે  તે ખબર નથી. કદાચ ત્યારે જીવનમાં મોડું પણ થઈ જાય.

આખી જીંદગી બીજાની સાથે પોતાની તુલના કરી જીંદગીના ૨૦ વર્ષને બરબાદ કર્યા હોય. અચાનક અજુગતા સંજોગનો સામનો કરવો પડે ત્યારે જાતને ધિક્કારવી એ શું યોગ્ય છે? એના કરતાં જાગ્યા ત્યારથી સવાર. હજુ પણ મોડું નથી થયું. પ્રેમ આપો, મેળવો અને જીવનને હર્યું ભર્યું બનાવો. કોઈ પણ સંજોગ કેમ ન હોય. ગમે તેવી બિમારી કેમ ન હોય, “સમતા” અમોઘ શસ્ત્ર છે.

એક જીંદગી જીવવાની છે. એળે જવા દેવાની નથી. ન તમને પોષાય ન અન્યને.  આ જીવન છે નદિયાની ધારા. હમેશા વહેતું રહે છે. હર પળ નવું પાણી હોય છે. એકવાર તેમાં ડૂબકી મારી શું તો બીજી વારની ડૂબકીમાં પાણી બદલાઈ ગયું હશે. અરે કદાચ તમારા વિચારો કે શ્વાસની આવન જાવનમાં પણ ફરક હશે. શું પ્રેમ કે શું ધિક્કાર બધું અનિત્ય છે.

વ્યક્તિ હયાત હોય ત્યારે લાગણિ દર્શાવો. ધિક્કાર શબ્દને ફારગતિ આપો. કાલે નહી હોય પછી ,ગમે તેટલા ફાંફાં મારશો વ્યર્થ છે. હવે નક્કી આપણે કરવાનું છે. શેની લહાણી કરવી !

અરે આ લખનાર કોણ ? આ વાંચનાર કોણ? તેને અમલમાં મૂકનાર કોણ? જો જો મોડું ન થાય ! કોણ ? કોણ ? કોણ?

 

 

Advertisements

ક્રિયાઓ

Information

2 responses

15 07 2017
Navin Banker

બહેન, તમે ખુબ સરસ સરસ વિચારો છો અને તેને અક્ષરદેહ પણ આપી શકો છો તે બદલ અભિનંદન. તમારી બધી જ પોસ્ટ્સ વાંચું છું પણ મોટાભાગે એનો પ્રતિભાવ નથી લખતો. ખુબ ગમી જાય કે મનને સ્પર્શી જાય ત્યારે જ પ્રતિભાવ લખાય છે. બાકી, વાંચું તો ખરો જ.

નવીન બેન્કર

15 07 2017
pravinash

તમે વાંચો છો એ જાણી હર્ષ અનુભવું છું. વિચારો હમેશા સારા આવે એ પ્રયત્ન છે.

જય શ્રી રામ

જય શ્રી ક્રષ્ણ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: