જેમના વગર દિવસ ઉગતો નહી અને સાંજ આથમતી નહી એ પેન્સિલ અને રબર આજે બિચારાં મેજના ખાનામાં ક્યાં સંતાણા છે એ કળવું મુશ્કેલ છે. જો ભૂલે ચૂકે મળે તો તેમનો ઉપયોગ ક્યાં કરવો. હવે આવી ગઈ પેલી બોલ પેન. પાટી પેન તો શોધ્યાં ન જડે. કમપ્યુટર, અને આઈ પેડે તો દાટ વાળ્યો. ખેર હું તમારું માથું ખાંઉ તેના કરતા સાંભળોને રબર અને પેન્સિલની હ્રદય દ્રાવક કહાની.
‘તારે ને મારે આજે 69 નો આંકડો કેમ છે. ‘રબર ગરમીથી બોલી ઉઠ્યું.
‘કેમ, મારા પ્રિય મિત્ર આજે આમ કહેવું પડ્યું’? પેન્સિલ જરા ઠાવકાઈથી બોલ્યું.
લખતાં, લખતાં થાકી જતી હતી ત્યાં રબરનો ગરમ અવાજ સાંભળીને પેન્સિલે લખવાનું મોકૂફ રાખ્યું. આંગળીઓ પણ દુખતી હતી અને પેન્સિલની અણી બટકી ગઈ હતી. સંચો ખાનામાં કોને ખબર ક્યાં છૂપાઈ ગયો હતો.
‘કેમ ભાઈ તને શું તકલિફ છે’?
‘અરે, આજે તારું દિમાગ ઠેકાણે છે કે નહી ? મને કેટલું ઘસે છે, હું થાકી ગયું, ઘસાઈ ગયું.’
પેન્સિલ લગભગ રડવા જેવી થઈ ગઈ. ડુસકાં ભરે તે પહેલાં ડાબા હાથે પાણીનો ગ્લાસ મોઢે માંડ્યો. આજે મને ખૂબ દુઃખ થયું છે’?
‘શામાટે”.
આ બોલ પેન આવી ગઈ , મારો જરાય ભાવ પુછાતો નથી. મારું દિમાગ આજે છટક્યું છે.
“મોતીના દાણા જેવા અક્ષર” સાંભળીને મને પોરસ ચડતું. ભૂલ થાય તો તું મારી વહારે ધાતું. આ જો તો ખરૂં,એક ખોખામા અમે પંદરેક ભાઈબંધ જોડૅ છીએ. કેટલા સંપીને રહીએ છીએ. ભલે ને સંચો અમારાં છોતરાં છોલે અમે ઉંહકારો પણ ભરતાં નથી. તેને બદલે ચીપી ચીપીને સરસ મજાના હસ્તાક્ષર કાઢી વાંચનારને ખુશ કરીએ છીએ. ‘
હવે જો, આ નાનકા ટિનુ, મીનુ, ચીકુ, રીન્કુ બધા પેન્સિલને બદલે બોલપેન વાપરે છે. હું રાડો પાડીને બોલાવું છું તો સાંભળતા પણ નથી.
‘જુઓ, જુઓ ભૂલો કેટલી કરે છે. ભુંસવાની શક્યતા જ નથી. બધું ફરી લખશે યા ચેકા ચેક કરશે.’
‘રબર એક વાત સોનાના અક્ષરે લખી રાખજે, ગમે તેટલી પેન બજારમાં આવે, મોંઘી,કે સસ્તી, રંગબેરંગી પણ જ્યારે મોટા મોટા પ્લાન બનાવીને કાગળ પર દોરવાના હશે ત્યારે, તારી અને મારી જરૂર પડશે.’ આ જગ્યાએ પેનનું એક નહી ચાલે ! અરે, હવે તો એ લોકો કમપ્યુટર પર બધા નકશા તૈયાર કરે છે, છતાં પણ હું, તું અને આપણી સહેલી ફૂટપટ્ટી ત્રણેયની મહોબ્બત કોઈ હલાવી નહી શકે.’
‘ચાલ દોસ્ત તાળી દે. ફુટપટ્ટી તો ખાનામાં ભરાઈને રડે છે. તેને બોલાવીને શાંત પાડીએ. ‘
રબર ખુશીનું માર્યું ગુલાંટ ખાવા લાગ્યું. પેન્સિલ આળોટવા લાગી . ફુટપટ્ટીને મનાવી લીધી.
એક જમાનો હતો. પેન્સિલની બોલબાલા હતી. તોફાની છોકરા તો એની બન્ને બાજુ અણી કાઢતાં. એક બાજુ લખતા લખતાં ઘસાઈ જાય તો ફેરવીને બીજી બાજુથી લખતાં. મને બરાબર યાદ છે. મારી બહેનપણીનો ભાઈ સખત મિજાજનો હતો. આ એ જમાનાની વાત છે, જ્યારે બોલપેનની બોલબાલા ન હતી. પેન્સિલનું એક ચક્રી રાજ ચાલતું હતું.
શાળાએ જતી વખતે જો નવી પેન્સિલ સુરભીને જોઈતી હોય તો તેણે જૂની પેન્સિલનો નાનો ટુકડો બતાવવો પડે. પછી જ નવી પેન્સિલ મળે, મારી મોટી બહેન બે પેન્સિલ આપે એક શરતે , એક અઠવાડિયુ બીજી પેન્સિલ માગવાની નહી. નકરી દાદાગીરી હતી મોટા ભાઈ અને બહેનોની. પણ આપણે રહ્યા નાના જો પપ્પાને કહેવા જઈએ તો જબરદસ્તી વધારી દે. એટલે મુંગા રહેવામાં જ મજા હતી.
આજે એ વાતને ૫૦ વર્ષ થઈ ગયા. આધુનિકતાના જમાનામાં અમેરિકાની અંદર તો નરી આંધાધુંધી જ ફેલાયેલી છે. મેં શાળામાં ૬ વર્ષ નોકરી કરી છે. હજુ પણ નાના બાળકો પેન્સિલથી ત્યાં પણ લખે છે. એક ખાનગી વાત છે . હસવાની સખત મનાઈ છે. દરેક બાળક પાસે ૧૦થી ૧૫ પેન્સિલ એમના કંપાસ બોક્સમાં હોય . ચારેક રબર અને ત્રણેક સંચા. ઉપરથી વર્ગમાં ઇલેક્ટ્રીક સંચો પણ હોય. રબરને અંહી ‘ઈરેઝર’ કહેવાય.
જ્યારે હું નવી હતી ત્યારે વર્ગમાં બધાની ડેસ્ક ઉપર આટલી બધી પેન્સિલ જોઈ પહેલો પ્રશ્ન પૂછતી.
” તમારે કેટલા હાથ છે ?” (” હાઉ મેની હેન્ડસ યુ હવે)’.
બધા બાળકો બેન્ને હાથ ઉંચો કરતાં.
બીજો સવાલ ‘તમારી પાસે કેટલી પેન્સિલ છે?,(‘હાઉ મેની પેન્સિલ્સ યુ હેવ”‘.
સહુ બાળકો ગણવા મંડી પડતાં. પહેલી બીજી ભણતા હોવાને કારણે મોટા ભાગનાનો જવાબ ખોટો જ હોય.
મોટા ભાગના બાળકો વાંકા ચુંકા અક્ષર કાઢે, ( નાના હોય તેથી).
મારે કહેવું પડૅ ‘સુઘડ અને સારા અક્ષરે લકો.’ (‘ રાઈટ નીટ એન્ડ ક્લિન)’.
હજુ તો વાત અંહીઆ પૂરી નથી થતી. વર્ગ શરૂ થાય એટલે પ્રાર્થના પછી ૧૫ મિનિટ ફરજીયાત બધાએ વાંચવાનું. તે પુરું થાય એટલે વારાફરતી બધા પેન્સિલની અણી કાઢવા આવે. મારે તેમને ચેતવણી આપવી પડે માત્ર બે જ પેન્સિલ.’ આમ વર્ગ ચાલુ થાય.
તે સમયે પેન્સિલના મુખ પર પ્રસરેલો આનંદ જોઈ મને પણ મારા બાળપણમાં ડોકિયું કરવાનું મન થઈ જાય.
આજની તારિખમાં પણ મારા હિસાબે બોલ પેન કરતાં પેન્સિલનું મહત્વ વધારે છે. ‘સુડોકુ’, મારી મનગમતી રમત છે. તેમાં જો તમે અઘરું સુડોકું રમતા હોય તો ભૂલ થવાની પાકી ખાત્રી. જો પેન્સિલથી ભરો તો ભૂલ થાય ત્યારે રબર મદદે દોડી આવે. કેટલું સહેલું થઈ જાય.
જીવનને સહજ અને સરળ બનાવવું હોય તો પેન્સિલ અને રબર પર્સમાં અચૂક રાખવા. પુરુષો ખિસામાં રાખી શકે છે. ફાયદો એક એવો છે કે હવે રબરવાળી પેન્સિલ સાવ સામાન્ય થઈ ગઈ છે. ખોટી ઝંઝટ નહી. ગમે તેટલી જાતની બોલ પેન, ફેલ્ટ પેન, સ્કેચ પેન, માર્કર બજારમાં આવે પેન્સિલનું સ્થાન કોઈ લૈ શકે તેમ નથી. હા, વપરાશ કદાચ ઓછો થતો જાય છે. પણ તેની અગત્યતા કાયમ અણનમ રહેવાની.
પેન્સિલ ગર્વથી મસ્તક ઉંચુ રાખી મુસ્કુરાઈ રહ્યું. રબર ભાઈ તો ગ્લાંટ ખાતા જાય અને નાચતા જાય. તેને ખબર હતી જ્યાં સુધી પેન્સિલની આણ વર્તે છે તેનું મહત્વ જરાયે ઓછું થવાનું નથી.
મળતા રહીશું લાભાલાભ નો વિચાર વિનિમય કરતા રહીશું.
સરસ કલ્પના. ગમી ગઈ.