‘રાખી ધાગોંકા ત્યોહાર.’ આ ધાગો શેનો બનેલો છે ? શું કામ એના માટે આટલો બધો પ્રેમ છે? બસ એક કારણ છે. ભાઈ બહેનનો અણમોલ પ્રેમ તેમાં વણાયેલો છે. રક્ષાબંધનનો તહેવાર આવે એટલે નાના બાળક બની જવાનું મન થઈ જાય.કોઈ જાતની રોકટોક નહી. ઘુઘરીવાળા ચણિયા ચોળી પહેરવાના. ઢિંગલીની જેમ ભાઈને રાખડી બાંધવા તૈયાર થઈ જવાનું. પેંડો ભાઈલાને ખવડાવી, બીજો પોતે ખાવાનો. જે થવું શક્ય નથી.
મનમાં થાય છે હવે કાળા, ગયાને ધોળાં આવી ગયા. ભાઈ અને બહેન ૭૦ ઉપરનો આંકડો ક્યારના વટાવી ગયા. પછી આ શેની તાલાવેલી. ખરું પૂછો તો ભાઈ અને બહેન ના પ્રેમને અંતર (દિલ) અને અંતર (માઈલમાં) નડતા નથી. તે પ્રેમ સદા વસંતની યાદ અપાવે. તેને પાનખર સ્પર્શ પણ ન કરી શકે. કોઈ પણ બહેનને કે તેના ભાઈને પૂછશો તો આ જવાબ મળશે.
ચાલો બહુ આડી વાત થઈ ગઈ. હવે ગાડી પાટા પર લાવું. વર્ષો થયા ભાઈની કલાઈ પર રાખડી બાંધે પણ હા, ફોન ઉપર વાત કરી લહાવો લેવાનો. ભવિષ્યમાં ક્યારે તે પ્રસંગ સાંપડશે તેની કોઈ જાણકારી નથી. ખેર, હવે તેનાથી પણ ટેવાઈ ગયા છીએ.
બાર મહિને આવતો આ મંગળ દિવસ ભાઈ ‘હેમખેમ’ રહે તેવી અંતરની ઈચ્છા હોય છે. કહેવાય છે જીવનમાં બધા સંબંધ સ્વાર્થ ઉપર ટક્યા છે. આ એક એવો દિવસ છે. જે નિર્મળ, પવિત્ર અને સ્વાર્થ વગરનો છે. કદાચ ભાઇ આ પ્રસંગે બહેનને કાંઇ આપી ન શકે તો પણ બહેન તેનું શુભ ચિંતવામાં કરકસર નહી કરે. ભાઈ ધનના ઢગલા કરે તેનો મતલબ એ ન સમજવો કે ભાઈ બહેનને ખૂબ પ્રેમ કરે છે. ભાઈ, બહેનનો પ્રેમ કોઈ અન્ય વ્યક્તિ સમજી નહી શકે.
આ એક દિવસ એવો છે કે જ્યારે કોઈ બેનડીને ભાઈ ન હોય તો, તે તેના માટે તરસે છે. ખેર જે હોય તેમાં આનંદ માણવો. બાળકો તો ઈશ્વરનો પ્રસાદ છે. જે ને જે પ્રાપ્ત થાય. ઈતિહાસ સાક્ષી પૂરે છે એવા પ્રસંગોથી કે જો બહેન રાખડી મોકલે તો ભાઈ તેની કુમકે દોડી આવે. પછી તે ભાઈ મુસલમાન હોય કે હિંદુ. કોઈ ભેદભાવ ન હતો. આજના ૨૧મી સદીના સ્પુટનિકના જમાનામાં પણ “રાખડી” એ પોતાનું મહત્વ જાળવી રાખ્યું છે.
ગયા વર્ષે ભાઈને ‘વૉટ્સ અપ’ પર રાખડી મોકલાવી. ભાઈએ લાખ રૂપિયાનો ચેક ‘વૉટ્સ અપ’ પર ભેટમાં મોકલ્યો. હજુ પણ મારી પર્સમાં તેની કોપી સાથે ફરે છે. આ થઈ ૨૧મી સદીની વાત. એક જમાનામાં ૨૧ રૂપિયા મળે તો પણ જલસો પડતો. આ વર્ષે ફેસટાઇમ પર રાખડી બાંધવાનો વિચાર છે !
ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને આલેખતો આજનો મંગળમય દિવસ સહુને શુભ નિવડે.
Awe.. Rakshabandhan!! On facetime sounds great. But nothing like that childhood fun in Mumbai and careless life with brother sisters back in the days.
Still have great memories of those days. It is still one my favorite festivals.