આપણા દેશમાં આઝાદી પ્રાપ્ત કર્યા પછી ધીરે ધીરે લગ્નની પ્રથામાં ધરખમ ફેરફાર થયા છે. એક જમાનો હતો ઘોડિયામાં લગ્ન લેવાતા હતા. હજુ પણ આપણા દેશના ગામડાઓમાં તે પ્રથા પ્રચલિત હોય તો નવાઈ ન પામશો ! બાકી ૧૦ વર્ષ પહેલાં ૯ વર્ષના બાળકને પરણેલો મેં જોયો છે. શાક વાળાનો દીકરો હતો. પિતા સાથે શાકની લારી લઈને આવે. પિતા ઘરે જમવા ગયા હોય તે ટાણે લારીનું ધ્યાન રાખે.
‘મેં પૂછ્યું શાળાએ નથી જતો ?’
એ કહે, ‘શાળાએ જઈને શું શિખવાનું . મારા તો લગ્ન થઈ ગયા છે. પાંચ વર્ષ પછી ‘ગોયણું’ થશે. ગોયણું એટલે પરણેલી કન્યા પુખ્ત વયની થાય ત્યારે સાસરે જાય. પૈસા કમાઈને થોડા ભેગા નહી કરવાના ?’ આમ જે આધુનિકતાના દર્શન થાય છે, એ હજુ ગામડાઓમાં પ્રવેશી નથી. ગામડામાં છાનું અને છપનું ઘણું થતું હોય છે, એ પણ કડવું સત્ય છે.
જ્યાં સુધી આપણા ગામડાં સજાગ નહી થાય ત્યાં સુધી પુરાના રિતરિવાજ રહેવાના. સત્ય કડવું હોય. આપણું ભારત ગામડામાં ધબકે છે. નાના શહેરો અને મોટા મુંબઈ, કલકત્તા અને દિલ્હી એ ભારતની પહેચાન નથી. હજુ પણ ન્યાત જાતના વાડા ખૂબ પ્રચલિત છે. પટેલનો દીકરો પટેલને જ પરણે.
‘વાંકડો લાવે ને’!
ધીમે, ધીમે ૨૧મી સદી રિવાજોમાં ઘણું પરિવર્તન લાવી. એ અર્ધ સત્ય છે. પશ્ચિમનું આંધળું અનુકરણ શહેરોમાં પ્રવેશ્યું. કહેવાતા સુધરેલા વર્ગે આધુનિકતાનો દેખાડો કરવા વાંકડાને બદલે જાતજાતની માગણી ચાલુ કરી. જેવા કે ફ્રીઝ, સ્કૂટર, ડાઇનિંગ ટેબલ, અધુરામાં પુરું કોઈક તો વળી ગાડી અને રહેવાનું ઘર પણ માગે ! તે પ્રથા પણ ધીરે રહીને વિલિન થઈ. અંતે ઘણા કુટુંબ, કંકુ અને કન્યામાં સુખ માનવા લાગ્યા. તેમાં પણ ક્યાંક અવળચંડાઈ દેખા દે છે. ખેર, એ આજે ચર્ચાનો વિષય નથી.
હવે પ્રગતિ ક્યાં થઈ કેવી રીતે થઈ એ બહુ રસપ્રદ વાત છે. શહેરોમાં પણ રૂઢિચુસ્તતા ખુલ્લે આમ જણાતી. દૂર જવાની જરૂર નથી ૫૫ વર્ષ પહેલાં મુંબઈના લોકો ને જોયા છે. ગામની દીકરી જ પરણવાની. જો બીજા ગામની યા ન્યાતની હોય તો માતા અને પિતાની આબરૂને ધક્કો લાગે. એટલું જ નહી, છોકરા અને છોકરી પર કડક જાપ્તો બેસાડે. રાતોરાત લાકડે માંકડું ભટકાડી લગ્ન કરી નાખે. આવા કેટલાય લગ્ન આ આંખે નિહાળ્યા છે.
કરૂણતા તો ત્યારે ફેલાતી છોકરો અને છોકરી માબાપ પરણવાની સંમતિ ન આપે તો ચોથે માળે અગાસીમાં જઈ પડતું મૂકે. આ વાળ ધુપમાં ધોળા નથી કર્યા. આ બધું નરી આંખે નિહાળ્યું છે. અસત્યનો છાંટો પણ નથી. જો કોઈ છોકરી બહાદૂરી કરી ,પ્રિતમ સાથે ભાગીને લગ્ન કરે તો અંગ પરનો બધો દાગીનો કાઢીને મૂકી જાય. જેને કારણે છોકરાને ચોર ઠેરવવામાં ન આવે.
હવે બીજો મુદ્દો જોઈએ, જો આંતરજ્ઞાતિય લગ્ન થાય તો દીકરીને સાસરે ખૂબ દુઃખ સહન કરવું પડતું. ખરું પૂછો તો ૨૧મી સદીમાં પણ અમુક કુટુંબો હજુ જૂના રિતીરિવાજોમાં રચ્યા પચ્યા રહે છે. એ ખૂબ દુઃખભરી વાત છે. જ્યાં સુધી વડીલો અભિગમ નહી બદલે ત્યાં સુધી આ આપણા દેશમાં ચાલવાનું. ખેર જ્યાં પ્રજા ,’જુનું તે સોનું’ એમાં રાચે છે ત્યાં સુધી જુવાનિયાઓના બલિદાન લેવાતા રહેશે.
એક કિસ્સો યાદ આવે છે અને રૂંવાટા ખડા થઈ જાય છે. માતા અને પિતાએ દીકરીને પરન્યાતમાં પરણવાની મંજૂરી ન આપી. પ્રેમમાં ચકચૂર છોકરા અને છોકરીએ આપઘાત કર્યો. એજ પિતાનો પુત્ર પરદેશ ગયો. તેની દીકરીએ અમેરિકન સાથે લગ્ન કરવાની મંઝૂરી માગી. જે તેના પિતાએ અપી. દાદા અને દાદી ઘરમાં જ રહેતા હતા. વિચારી જુઓ એ માતા અને પિતાના કેવા હાલ થયા હશે ? તે સમયે ભાઈએ પણ ખૂબ સમજાવ્યા હતા. પણ જક્કી અને જડતાવાળા બાપે હા ન પાડી. આજે ૩૦ વર્ષ પછીનો ચિતાર જુઓ.
હવે થોડા પોતાની જાતને સુધરેલાની વાતો કરીશું. અમેરિકામાં આવીને વસેલી આપણી પ્રજા સમય સાથે કદમ મિલાવતા શીખી રહી છે. જ્યારે નવા હતાં , ત્યારે દેશની માયા છૂટતી ન હતી. ભારતની અને તે પણ ગામની છોકરી જોઈએ જેથી ‘દેશ સાથે નાતો બંધાઇ રહે’. વળી પાછા દસેક વર્ષ ગયા એટલે કહેવા લાગ્યા,’અરે ભારતની કન્યા હશે તો ગમે તે પ્રાંતની ચાલશે. આપણા સંસ્કાર તો હોય’!
બીજા દસેક વર્ષ ગયા બાળકોની ઉમરે પરણવા લાયક થઈ , અરે મૂકને માથાઝિક અમેરિકન, બ્રિટિશ કે મેક્સિકન ચાલશે. શું કરે તેમના હાથની વાત નહતી. આજની તારિખમાં ‘કાળી કે મુસલમાન’ છોકરો કે છોકરી અપનાવવા માટે હિચકિચાટ અનુભવે છે.
ચાલો, ‘મિંયા પડ્યા પણ તંગડી ઉંચી ને ઉંચી’. તેમને પણ અપનાવીશું. જ્યાં સુધી છોકરી ,છોકરાને અને છોકરો છોકરી ને પરણે’. આજની તારિખમાં હવે એ પણ અમેરિકામાં કાયદેસર છે. હવે આનાથી આગળ કોઈ પગલું રહ્યું ખરું ?
મઝાક કરવાની મારી આદત મને કહેવા પ્રેરે છે.
મને એક ‘બેબી શાવર’નું નિમંત્રણ આવ્યું છે.
” મારી પુત્રી નિલિમાનો પતિ નીલાના બેબી શાવરમાં પધારશો.
ગિફ્ટ લેવાની પ્રથા બંધ છે. ‘બેબીઝ આર અસ’માં ગિફ્ટ રજીસ્ટ્રી કરાવી છે”
આમંત્રણ આવ્યું ત્યારથી મારા મગજનું દહી થઈ ગયું છે. આ વાત શક્ય કેવી રીતે બની હશે? તમને ઉત્તર મળે તો મને સમજાવશો. આમ લગ્ન પ્રથા ક્યાંથી શરૂ થઈ અને કઈ દિશા તરફ વળી ગઈ એ આ મગજને સમજાતું નથી. જે છે તે હકિકત છે. ભલે તે સત્યથી સો જોજન દૂર હોય ,પણ આજની તારિખમાં તે કાયદેસર છે.
માતા યા પિતા ચું કે ચા કરી શકતા નથી. આ તો ૨૧મી સદીની માનવજાતને મળેલી અણમોલ ભેટ છે. સ્વતંત્રતા ના નામે સ્વછંદતાનો જીવતો જાગતો નમૂનો છે. કોઈ પણ જાતની બહસની અવશ્યકતા નથી. જે છે તે સ્વીકારીને જીવવામાં મઝા છે.
************************************************************
પ્રતિસાદ આપો