હાર્વીએ સર્જી તારાજી, ૨૦૧૭ ઓગસ્ટ

આજે સવારના પહોરમાં મારી બાજુવાળા ( જજ) ન્યાયાધિશની પત્ની મને મળી. મોટે ભાગે દરરોજ સવારે સાથે ચાલવા જતા હોઈએ. ખૂબ ઓછું બોલે. કોને ખબર કેમ મારાથી પૂછ્યા વગર ન રહેવાયું .

‘કેમ આજે એકદમ ઉદાસ લાગે છે’ ?

‘બસ, એમ જ’.

‘રાતના ઉંઘ આવી ન હતી’?

અચાનક આવો સવાલ સાંભળીને રડી પડી. મારો શક સાચો નિકળ્યો. એ  અમેરિકન અને હું ભારતિય , અમેરિકનો આમ જલ્દી દિલ ખોલીને વાત ન કરે, ત્યાં રડવાનું ,હું એકદમ નવાઈ પામી ગઈ.

ધીરે રહીને પૂછ્યું,’ શું થયું’ ?

‘મારા દીકરાનું ઘર આખું પાણીમાં તારાજ થઈ ગયું. ‘હાર્વી’એ  (વાવાઝોડું) કાળો કેર વર્તાવ્યો. એટલું નહી ચાર બાળકો અને પત્ની સાથે મારે ત્યાં બે મહિના રહેવાનો છે. ‘

મારા માનવામાં ન આવ્યું કે બે બેડરૂમવાળા ઓનરશીપના ફ્લેટમાં આઠ જણા કેવી રીતે રહેતા હશે. આજે પંદર દિવસ થઈ ગયા. કોઈ દિવસ એક પણ શબ્દ બહાર ચાલીમાં સંભળાયો નથી.

નિવૃત્તિના સમય દરમ્યાન આ બન્ને પતિ પત્ની ખૂબ સાલસતાપૂર્વક પોતાનું જીવન ગુજારી રહ્યા છે. ન્યાયાધિશના મુખ પર હમેશા મંદ સ્મિત રેલાતું હોય. હાથમાં પાઈપ રાખીને મોજ માણતા બાગમાં બાંકડા પર બેઠા હોય. તેમનો પ્યારો કૂતરો,’ચા ચા’ હમેશા તેમની સાથે હોય. તેમની પત્ની સવારના પહોરમાં ચાલવાનું પતાવીને તૈયાર થઈને ચર્ચમાં જવા રવાના થાય. ચાર બાળકો સાથે કોઈ પણ જાતના રંજ વગર અઢીથી ત્રણ મહિના રહેવાનું છે. સહુથી નાની ત્રણ વર્ષની છે. આજે બરાબર બે અઠવાડિયા થયા.

મને મનમાં વિચાર આવ્યો, આપણે ભારતિય હમેશા ફાંકો રાખતા હોઈએ છીએ કે અમે અમારા માતા અને પિતાનું ધ્યાન રાખીએ છીએ. બાળકો, માતા અને પિતાની આમન્યા રાખે છે. જરા જાતને પૂછી જોઈએ તેમાં કેટલું સત્ય છે ? દંભ કરવામાં માનવીને કોઈ ન પહોંચી શકે. તેનો દીકરો ૪૫ વર્ષનો છે. વાવાઝોડાને કારણે ચિક્કાર નુક્શાન થયું છે.

એવા સુંદર લત્તામાં રહેતો હતો તેથી ,’પૂર આવે તેનો’ વિમો લીધો ન હતો. વિમા કંપની પાસેથી એક ફદિયુ મળવાની આશા નથી.

આવા સમયે મારી બાજુના મકાનમાં એક પંજાબી સ્ત્રી એકલી રહે છે. દીકરાની વહુ સાસુ સાથે બોલતી પણ નથી. દીકરો બોલે તે તેને ગમે પણ નહી. પોતાના માતા અને પિતા ભારતથી આવીને ચાર મહિના રહી જાય. કોઈ વાંધો નહી !

તેને દિલમાં કાંઈ નહિ થતું હોય કે. આ મારા પ્રાણથી પ્રિય પતિની જનેતા છે !

મારી પાડોશણને મેં વાત કરી, ‘હું એક મહિનો બહારગામ જવાની છું, મારો મહેમાનનો રૂમ તું વાપર’. તે એકદમ ગળગળી થઈ ગઈ.

મને કહે, ‘મારા પતિને નહી ગમે’.

અમેરિકામાં ૪૦ વર્ષ ગાળ્યા. વિશ્વભરનું સનાતન  સત્ય છે.

“માનવી માત્ર સરખાં. પછી તે ભારતના હોય, લંડનના, ચીન, જાપાન   કે રશિયાના યા અમેરિકાના. માત્ર ચામડીના રંગ અલગ છે. થોડા રીતરિવાજ જુદા છે. રહેણી કરણિ અલગ હોઈ શકે. ખાણીપીણી એકદમ ભિન્ન હોય. બાકી લાગણી, પ્રેમ, ક્રોધ સહુમાં સમાન છે. તેમના લોહીનો રંગ પણ લાલ છે ,જેવો આપણો છે’.

કેરોલિનને ચાવી આપીને હું રજા પર ગઈ. કદાચ તેનું મન બદલાય અને તે મારા મહેમાનના રૂમનો ઉપયોગ કરે .

 

2 thoughts on “હાર્વીએ સર્જી તારાજી, ૨૦૧૭ ઓગસ્ટ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: