મા દીવો કર

7 10 2017

 

‘ઓ માવડી, ત્યાં બેસી રહીશ તો શું દિ’વળવાનો’. ક્યારનો તને ઘરમાં બોલાવું છું. અંધારું થઈ ગયું. દીવા બત્તીનું ટાણું થયું. જા ને ભગવાન પાસે દીવો કર !’ દુનિયા ભલેને ગમે તે કહે દીકરાને મા એટલી જ વહાલી હોય છે જેટલી દીકરીને. એ તો પુરૂષ રહ્યો એટલે સ્ત્રીની માફક બોલે નહી. બાકી એ સનાતન સત્ય છે.

ઝમકુમા બોલ્યા ચાલ્યા વગર બેઠા હતા. દિલનો ઉભરો કોની પાસે ઠાલવે. દીકરી ને ભણવામાંથી સમય ન મળતો. જો દીકરા અને વહુને કહે તો ‘મણ મણની બે સાંભળવી પડે. કેટલી મહેનત કરી હતી. પાઈ પાઈ ભેગી કરીને આ દિવસની તૈયારી કરી હતી. દીકરો પરણીને ઠરી ઠામ થઈ ગયો હતો. પગમાં ઝાંઝરા પહેરીને ફરતી રૂપાએ પણ કાઠુ કાઢ્યું હતું. તેના હાથ પીળા કરવાની હૈયે હોંશ હતી.

જીવલો તો દીકરો પરણાવીને વિદાય થઈ ગયો. રવજી હમેશા હામ દેતો,’મા હું બેઠો છું ને તું શાને ફિકર કરે છે ?’   રવજીને મા જ્યારે સંધ્યા ટાણે તુલસી ક્યારે દીવો કરતી  ત્યારે સાક્ષાત લક્ષ્મી જેવી બાળપણથી જણાતી.  ઝમકુને પોતાના લોહી અને સંસ્કાર ઉપર ગળા સુધી વિશ્વાસ હતો. ઝમકુ અને જીવલાએ ખૂબ મહેનત કરી પૈસા રળ્યા હતા. પોતે બન્ને ભણેલા ન હતા પણ શિક્ષણનું મહત્વ જાણતા. રવજી અનેરૂપાને ભણવા માટે પૂરતી સગવડ આપતા. જો કે રવલો, રૂપા કરતાં ચાર ચોપડી આગળ એટલે ચોપડિયું એકે ન હાલે, જો કોઈ સારો પ્રોજેક્ટ રવલાએ બનાવ્યો હોય તો રૂપા તેનું જીવની જેમ જતન કરતી.

ઝમકુને એક વાતનું સુખ હતું. રવજીને ભણવામાં અવ્વલ નંબર મળતો. તેને ભણવાનું ગમતું. હા, રજાઓમાં બાપુને હાથ દેતો. તેને થતું બાપુ મારા માટે લોહીનું પાણી કરે છે. રજામાં ધીંગા મસ્તી કરવી તેના કરતા બાપુને હાથ દેવો કે જેથી તેનો શ્વાસ હેઠો બેસે. નામ તો તેનું સરસ મજાનું જીવણ હતું. ઝમકુ વહાલમાં તેને જીવલો કહેતી. ઝમકુ હતી ખૂબ તોફાની અને સમજુ. જીવલો જે પણ કમાઈને લાવે તેમાં મહારાણીની જેમ રહેતી. તેનાથી થાય એટલી મહેનત હારોહાર કરવા લાગતી. તેને ગામની બાઈડિયુની જેમ પંચાત કરવી ન ગમતી. નવરાશની પળમાં રૂપાને સારી કેળવણી દેતી. જીવલો, ઝમકુ પર વારી જાતો.

‘કાલની કોને ખબર છે’? રંગેચંગે રવજીને પરણાવ્યો. નોકરી પણ સરસ મળી. રવજી ઘરે બા અને બાપુને પૈસા મોકલવાને બદલે બેંકમાં ખાતું ખોલાવી જમા કરતો. તેની પત્ની રેવતી આમ તો ડાહી હતી પણ રવજી પૈસા બેંકમાં જમા કરાવતો તે તેને ગમતું નહી. રવજી, રેવતીની એક માનતો નહી. રેવતીને ક્યાં ખબર હતી કે રવજીના બા અને બાપુએ કેટલી કાળી મજૂરી કરીને બન્ને બાળકોને ભણાવ્યા હતા. તૈયાર ભાણે જમવા બેઠેલી બાઈડીયું શું જાણે બાળકોનો માતા અને પિતા પ્રત્યેનો પ્રેમ તેમને તો બસ, ‘વર મારો, તેની કમાણી મારી. હરી ફરીને ને પોતાના ભાઈભાંડુ અને માબાપ દેખાય’.

રવજીના અરમાન બધા દિલમાં રહી ગયા. તેને હતું બા તેમજ બાપુને એક વાર વિમાનમાં બેસાડી સાત સમંદર પાર ફરવા મોકલીશ. જીવલો લગ્ન પછી કામે શહેર ગયો હતો. ત્યાંથી ન્યુમોનિયા લઈને આવ્યો. અંતે ન્યુમોનિયા તેનો જીવ લઈને ઝંપ્યો. ઝમકુ પડી ભાંગી. બેબાકળી ઝમકુ કશું વિચારી શકતી નહી. કાઠુ કાઢેલી રૂપા નજર સમક્ષ આવતી ને ઝમકુ રાગડા તાણતી. જીવલાને, રૂપા પરણવવાની ખૂબ હોંશ હતી. દીકરી તેના હૈયાનો હાર હતી. દીકરીને તે તુલસીનો ક્યારો સમજતો. ખૂબ જતન કર્યું હતું.

રૂપાએ બાપ ખોયો ત્યારે હજુ ચૌદ વર્ષની હતી. બાપના વિયોગમાં ખૂબ નંખાઈ ગઈ. ઝમકુ અને રૂપા એકબીજાને આશ્વાસન દેતાં. બન્ને જાણતા હતા, હેવે જીવલાનું મ્હોં ભાળવા નહી મળે. છતાંય રોજ સાંજ પડે ઝમકુ બારણે ઉભી રહી જીવલાના આવવાની રાહ જોતી. એકદમ અંધારું થાય પછી નિરાશ વદને ઘરમાં પાછી ફરતી. બે વર્ષ થયા. ઝમકુએ રૂપા પર કડક ચોકી પહેરો રાખ્યો. તેણે હવે કાઠુ પણ કાઢ્યું હતું. સોળ વર્ષની રૂપા, જોનારની નજરમાં વસી જાય એવી હતી. ઝમકુ તો બસ આદુ ખાઈ ને તેની પાછળ પડી હતી.

‘ભણજે બરાબર નહી તો તારી વલે નથી’. રૂપાને ભણ્યા વગર છૂટકો ન હતો. ભણવામાં હોંશિયાર હતી. ઝમકુએ ભલે જીવલો ગુમાવ્યો પણ ખૂબ સહજતાથી જીવન જીવી રહી હતી. રવજી અને રેવતી નજીકના મોટે ગામ રહેતા. માની કાળજી લેવામાં રવજીને જરાય ઢીલ ગમતી નહી. આજે એ બે પાંદડે થયો તેનો યશ મા અને બાપુને દેતો. રવજીને પણ થતું રૂપા ક્યારે કોલેજમાંથી પાસ થઈને નિકળે તેના ‘હાથ પીળા’ કરવા હતા. મરતી વેળા બાપુને આપેલા વચનનું પાલન કરવું હતું. તેના મનમાં એક ભણેલો યુવાન તરતો હતો. જે એના ગામનો હતો અને સારું કમાતો હતો. હજુ તેણે રેવતીને કે માને વાત કરી ન હતી.

‘ઉતાવળ શું છે? ઓણ સાલ લગ્ન લઈશું તો થોડા વધારે પૈસા બચશે. તેને રૂપાના લગનમાં ‘બાપુ’ને યાદ કરી  આંગણામાં ફટાકડા ફોડાવવા હતા’. રવજીને રૂપલી બહુ વહાલી હતી. રૂપલી  સ્શાળાનું છેલ્લું વર્ષ હતું એટલે ખૂબ મહેનત કરતી. અત્યાર સુધી વર્ગમાં પહેલો નંબર લાવનારીને બીજો નંબર ન ખપે ! રોજ વાચનલયમાં સવારથી વાંચવા જાય. ઝમકુ ડબ્બામાં તેનું ભાવતું ખાવાનું ભરે. એવું વ્યવસ્થિત આપે કે રૂપા ખાઈને સુવાને બદલે  સ્ફૂર્તિનો અનુભવ કરે. વાચનાલયમાં બરાબર તેની સામે ગામના પટેલનો રૂડો વાંચતો. બન્ને વિચારમાં હોય ત્યારે તેમની નજર મળતી.

શરૂમાં થોડા દિવસો તો સ્મિત આપીને નજર નીચી ઢાળી લેતા. આંખોની આ રમતમાં ક્યારે બન્ને મિત્ર બની ગયા ખબર પણ ન રહી. પછી તો દરરોજ સાથે બેસીને નાસ્તો પણ કરતા. ઝમકુના હાથની રસોઈનો તેને ચટાકો પડી ગયો.

‘અલી, રૂપા તને રાંધતા આવડે’?

‘કેમ નો આવડે, મારી માની દીકરી છું’. બસ પછી તો પરિક્ષા આવી અને પેપેર્સની સાથે જીંદગીના મિનારા ચણાવા લાગ્યા.

‘તું મને સતાવ નહી, મારું ધ્યાન ભણવામાં નથી રહેતું. મારે પહેલે નંબરે પાસ થવાનું છે’.

‘હું, તને ક્યાં કાંઇ કરું છું ? બસ તને તાકી રહું છું. વાંક તારો ને મને શું કામ દંડૅ છે’? હસીને રૂડો જવાબ આપતો.

અલ્યા તું પટેલ અને અમે વાણિયા, મારી માને આ ગમશે?’

‘કેમ પ્રેમ કર્યો ત્યારે, તારી માને પૂછ્યું હતું’?

‘રૂડા ઈ ભૂલ થઈ ગઈ, પણ હવે મને ખૂબ ડર લાગે છે’.

‘તું બોલી ત્યારે મને પણ થયું , મારી માને વાંકડો લાવનારી જોઈએ છે’.

એક કામ કરીએ, પહેલાં પરિક્ષા આપી દઈએ. પછી આપણું દિમાગ ચાલશે. માત્ર બે દિવસ બાકી હતા. દરરોજનું એક પેપર હોય. વચ્ચે શનિ અને રવિવારની બે રજા આવી ગઈ. છેલ્લું પેપર ખૂબ સહેલું હતું. જેવા પરિક્ષા દેવા જવાના  ઓરડા પાસે આવ્યા ત્યારે રૂડાએ એક ચિઠ્ઠી રૂપાના હાથમાં થમાવી દીધી.

રૂપલીએ ચિઠ્ઠી વાંચી. તેના માનવામાં ન આવ્યું. પેપર આપીને બે વાગે બન્ને બહાર નિકળ્યા. રૂડાના ચાર મિત્રો બધો સામાન ખરીદવા ગયા. ચાર વાગે કોર્ટમાં જઈને લગન કરી લીધા.

રૂપલી માને કહીને આવી હતી , આજે છેલ્લું પેપર છે, હું થોડી મોડી આવીશ. રૂડાને ઘેર જતા પહેલાં રૂપલી અને રૂડો માને પગે લાગવા આવ્યા. ઝમકુ તો ડઘાઈ ગઈ. ‘તોયે દીકરી માટે મુખમાંથી આશિર્વચન નિકળ્યા’.

‘અખંડ સૌભાગ્યવતી રહેજે, તમારો સંસાર મઘમઘતો રહે’.

રૂડો રૂપલીને લઈ પોતાને ત્યાં ગયો . તેને ખબર હતી, ‘મા રૂપલીનું અપમાન કરશે. બાપા તો હજુ વાડીએ હતા’. રૂડાએ ઘરે જઈ માને કહ્યું, ‘આ તારી વહુ, તને ગમે ન ગમે તો તું જાણે”. કહી નિકળી પડ્યો.

ઝમકુએ બાજુના ગામથી રવજી અને રેવતીને તેડાવ્યા, ‘માની ઉમર અચાનક પંદર વર્ષ વધેલી જોઈ રવજી સમજી ગયો’.

જીવલાનો દીકરો એક શબ્દ પણ બોલ્યો નહી. રેવતીને થયું ,’હાશ ટાઢે પાણીએ ખસ ગઈ. ‘ તેની નજર સમક્ષ બેંકમાં જમા કરેલા રૂપિયા દેખાયા. રવજી માને જોઈને ખૂબ દુઃખી થયો. એ પણ શું કરે? સંધ્યા ટાણે જ્યારે મા, પાણિયારે દીવો કરતી ત્યારે દીવાના પ્રકાશમાં ઝળહળતું માનું પ્રેમાળ મુખ નિરખવું તેને ગમતું.

આજે ઝમકુને કોઈ સાનભાન હતું નહી. દીકરીને  ઘરના આંગણામાં માંડવે પરણાવી કુમકુમવાળા હાથે રંગે ચંગે વળાવવી હતી. જ્યારે આંખના રતન જીવી દીકરી પરણીને પગે લાગવા આવી હતી. ભાન ભૂલેલી ઝમકુ પરસાળના હિંચકે સુનમુન બેઠી હતી. આંખો ગગનને તાકી રહી હતી. જાણે જીવલાની માફી ન માગતી હોય !

રવજીથી માની આ હાલત જોઈ જતી નહી. ડૂબતો માણસ જેમ તરણું પકડૅ તેમ બોલ્યો, ‘મા, પાણિયારે દીવો કર’.

 

 

Advertisements

ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: