શું શોધો છો ?

look

 

 

 

 

 

 

હોસ્પિટલની લોબીમાં અભિષેક લમણે હાથ દઈને બેઠો હતો. અચલાની ચીસોને બદલે ત્યાં શાંતિ જણાઈ. અચલામાં હવે ચીસો પાડવાની પણ શક્તિ ન હતી. બાળકના આવવાની બધી તૈયારી થઈ ચૂકી હતી. જો જરૂર પડૅ તો સી. સેકશન કરવાની પરવાનગી આપી દીધી હતી. ચિંતા અને ઉદાસી અભિષેકના મુખ પર ખરડાયા હતા. અચાનક કોલેજથી આવી ચડેલા અંશે પપ્પાના ખભા પર હાથ મૂક્યો. અભિષેક ચોંકી ઉઠ્યો પણ અંશને જોઈને ફિક્કું હસ્યો.

જ્યારે અભિષેકને તેના દીકરાએ પ્રશ્ન કર્યો ત્યારે, તે એકદમ ખળભળી ઉઠ્યો.

“પપ્પા, તમે શું શોધો છો”?

શું મારો  દીકરો મને આ સવાલ પૂછી રહ્યો છે ? મેં તેને પ્રેમથી નજીક બોલાવ્યો, ‘કેમ બેટા આવું પૂછવું પડ્યું’?

‘પપ્પા, હું સહુથી મોટો દીકરો, પછી પાંચ બહેનો અને આજે મમ્મીએ છઠ્ઠી બહેનને જન્મ આપ્યો.   અંશ ૨૦ વર્ષનો હતો. હવે તેને બધી ખબર પડતી હતી. ૨૧મી સદીના બાળકો શાનાથી અજાણ્યા તેમજ વંચિત હોય એ એક પ્રશ્ન છે. અભિષેક વિચારમાં ડૂબી ગયો. આપણા દેશની પ્રજા જ્યાં કૂદકે અને ભૂસકે વધી રહી છે ત્યાં મેં આવું કામ કેમ કર્યું ? પોતાના દીકરાને ઉત્તર આપવા માટે તે મુંઝાયો. હા, ધંધો સારો હતો. પૈસે ટકે સધ્ધર હતો . ઘરમાં કોઈ પણ વાતની કમી ન હતી.  કિંતુ આટલો બધો સ્વાર્થી કેવી રીતે થઈ ગયો. માત્ર પોતાના પરિવાર વિસ્તારવાનો જ વિચાર કરવાનો? આવનાર બાળકના  ભવિષ્ય અને ભારતની આબાદી માટે તેણે કાંઈ જ વિચારવાનું નહી ? તે અભણ તો ન હતો !

વધુ બાળક ન થાય તેની કાળજી લેવાની તેની ફરજ બનતી હતી. જો અચલા કાંઈ પણ કહે તો તેને ઉતારી પાડવામાં પાવરધો હતો. આ તો જ્યારે પોતાના લોહીએ આ પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે તેની આંખ ખૂલી. ખૂબ મોડું થઈ ગયું હતું. તે હમેશા પોતાની જાતને આશ્વાસન આપતો, ” મુસલમાન લોકો આપણા દેશની આબાદી બઢાવે છે . હું શું કામ પાછળ રહું’ ?

વાત વણસી ગઈ હતી. અંશે તો પિતાની આંખ ખોલવાનું કાર્ય સફળતા પૂર્વક પાર પાડ્યું. ઉપરા ઉપરી બાળકોને જન્મ આપનાર માતા સાવ નંખાઈ ગઈ હતી. છેલ્લે ટાણે તેની અશક્તિને કારણે માતા તેમજ દીકરી બન્નેની જાન ખતરામાં હતાં. ઘણા પ્રયત્નો કર્યા પણ અંતે અભિષેક બાજી હારી ગયો.  અંશે જ્યારે માતાના દેહને અગ્નિદાહ આપ્યો ત્યારે અંતરથી ધ્રુજી ઉઠ્યો.  મોટી ત્રણ બહેનો થોડી સમજુ હતી. નાની બે તો ચાર અને બે વર્ષની હતી.  અભિષેકને માથે આભ ટૂટી પડ્યું.

હવે શું ?

અંતિમ ક્રિયાની બધી વિધિ પૂર્ણ કરી. અભિષેકે સગા તેમજ વહાલાંઓને જણાવ્યું કે,’ કોઈ પણ જાતના રિતરિવાજમાં હું, માનતો નથી. અચલા તેમજ મારી નાની દીકરી પાછળ જે કરવું હશે તે અમે નક્કી કરીશું. ઘરે મળવા આવવાની કે દુઃખ પ્રદર્શિત કરવાના શિષ્ટાચારની આવશ્યકતા નથી. જય શ્રી કૃષ્ણ . ”

શનીવાર અને રવીવારે બધાએ સાથે બેસીને નક્કી કર્યું. અભિષેકના માતા તેમજ પિતાએ નાની બાળકીઓને સંભાળવાની જવાબદારી લીધી. અચલાના માતા તેમજ પિતાએ પણ સહકાર આપવાનું સ્વેચ્છાએ વિચાર્યું.  અંશ ખૂબ જવાબદાર મોટોભાઈ રાતોરાત બની ગયો. અભિષેકની તો રાતની નિંદર પલાયન થઈ ગઈ. સારું હતું અચલાના સમયથી ઘરમાં નોકર, મહારાજ તથા દીકરીઓ માટે આયાની સુંદર વ્યવસ્થા હતી. અભિષેક દરેકને સુંદર પગાર આપતો અને તેમને આડભીડ વખતે પૈસાની મદદ કરવામાં આનાકાની ન કરતો. તેને ત્યાં કામ કરવાવાળા દરેક વ્યક્તિના, દવાના બીલ, તેમના બાળકોનું શિક્ષણ પ્રેમથી ભરતો.

અંશનું કોલેજનું છેલ્લું વર્ષ હતું. ૨૦ વર્ષની ઉમરે કોલેજમાંથી સ્નાતક થઈને તૈયાર થઈ ગયો. તેની ટકોરને કારણે અભિષેકને પોતાના પુત્રમાં ખૂબ સુંદર સંસ્કારની ઝાંખી થઈ. પિતાએ પુત્ર પાસે ખુલ્લ દિલે કબૂલ્યું.

‘બેટા , મારા બેજવાબદાર વર્તનને કારણે સહુ બાળકોએ માતા અને મેં પત્ની ખોઈ.’

‘પપ્પા તમને પસ્તાવો થયો છે. તમારી ભાવના સારી છે. હવે હું છું ને, તમારી સાથે ખભે ખભો મિલાવીને કામ કરીશ.  ગયેલી મમ્મી પાછી નહી આવે. બહેનો મને ખૂબ વહાલી છે. આપણે બન્ને સાથે તેમનો સંગ માણીશું. તેમના ઉછેરમાં કે પ્રગતિમાં કોઈ બાધા નહી આવે તેનો ખ્યાલ કરીશું’.

અભિષેક તો અંશની સહાય પામીને ધન્ય થઈ ગયો. તેને તો પુત્રના રૂપમાં જીગરી દોસ્ત મળ્યાનો આનંદ થયો.

‘પપ્પા તમે એટલે તો મારું નામ ‘અંશ’ પાડ્યું હતુ.’

‘બેટા મેં નહી તારી મમ્મીએ, એક તો તું દેખાય મારા જેવો અને પાછો દીકરો. તને જોઈને મમ્મી બોલી ઉઠી હતી, અભિષેક આ જુઓ તમારો અંશ, તમારા જેવા નાક અને નકશાને લઈને આવ્યો છે’.

પિતાજી, ‘મારી મમ્મી સાચું બોલી હતી, હું તમારો અંશ , નાક નકશા સાથેનો વિચારોનો નહી ! તમારી જેમ —–‘

અભિષેક અટ્ટાહાસ્ય કરતાં બોલ્યો ,’માન લિયા દોસ્ત, તેરે કો સલામ’.

અંશને પપ્પાની ખેલદિલે પર ખૂબ ગર્વ થયો. હવે માત્ર વાતોમાં સમય બરબાદ કરવાનું પાલવે તેમ ન હતું. અનુ અને અમી જોડિયા બહેનો હતી. સહુથી મોટી. કોલેજનો ઉબરો ઓળંગી પ્રવેશ મેળવી ચૂકી હતી. મોટી હોવાને કારણે નાની બહેનોને સંભાળવાની થોડી જવાબદારી તેમના પર નાખી.  ચાર વર્ષની આભા અને બે વર્ષની આન્યા ની દેખરેખ ભલે આયા કરતી હોય પણ નિગરાની તેમને રાખવી પડતી. દાદી ને આંખે જરા ઓછું દેખાતું. આયા ગોલમાલ ન કરે તે મોટી બે બહેનો જોતી.  મોતિયો ઉતરાવ્યો પછી દાદીની આંખો સુધરવાને બદલે વધારે ખરાબ થઈ હતી. વચલી અનુષ્કા, ૯માં ધોરણમાં હતી.

અંશને પપ્પાની બીજી બાજુનો અનુભવ થયો. પપ્પાની યાદ શક્તિ પર એ મુસ્તાક બન્યો. જેવી કુશળતાથી પપ્પાએ ધંધો વિકસાવ્યો હતો તે જાણી અંશ મોઢામાં આંગળા નાખી ગયો. ધીરે ધીરે પપ્પામાં રહેલાં ગુણોનો ‘ખુલજા સિમ સિમ દરવાજો’ ખૂલતો ગયો. મમ્મીને દિલથી ચાહતા પપ્પા, જીવનમાં ગોથું ખાઈ ગયા. પણ જે થઈ ગયું તેનો અફસોસ કરવો નકામો હતો.   એ તો ભૂલી પણ ગયો હતો કે તેણે પપ્પાને આવી વાત હસવામાં કરી હતી. મમ્મીનું જવું અને પપ્પાની નજીક સરવું એ લહાવો તેને માણવો હતો. પિતા અને પુત્રની જોડીએ આ કામ સફળતા પૂર્વક પાર પાડવાનો નિર્ધાર કર્યો.

જો કે આને કામ કહેવું યોગ્ય શબ્દ ન હતો.  પરિવારનો બાગ સુંદર રીતે મઘમઘી ઉઠે તે માટે બાપ અને દીકરાએ કમર કસી. અંશે સ્નાતકની પદવી હાંસિલ કરી  આગળ ફાઈનાન્સમાં માસ્ટર્સ કરવાનું વિચાર્યું. જેથી પિતા અને કુટુંબ માટે સમય ફાળવી શકાય.

‘કેમ પપ્પા આજે સારું નથી લાગતું’ ?

‘હા, બેટા તું તો હવે મની બરાબર વાંચતો થઈ ગયો છે ‘ ?

‘અરે, પપ્પા તમને હવે નજદિકથી રોજ નિહાળું છું’.

‘બેટા તારી મમ્મી સ્વપનામાં આવી હતી, કહે કે મારા દીકરાને સાચવજો. એ તમને બરાબર સમજતો થઈ ગયો છે. એની જુવાની વેડફતા નહી’.

‘પપ્પા, તમે મારી ચિંતા ન કરો. મમ્મીએ મને ખૂબ શીળી છાયા આપી તેથી તો તમારી નજદિક આવવાનો મોકો મળ્યો ન હતો. બોલો મારા જેવું નસિબદાર કોણ છે ?  આ પાંચેય બહેનો એ પ્યારથી વંચિત રહી. અમી અને અનુને થોડો અનુભવ થયો છે. અનુષ્કા, આભા અને આન્યાની પરવરિશ આપણે તથા દાદા અને દાદીએ સાથે મળીને કરવાની છે’. ખોટા વિચાર ન કરો.

અભિષેક , અંશને એક પલક તાકી રહ્યો. વિચારી રહ્યો ,’આ મારો દીકરો કઈ રીતે આટલો સમજુ અને શાણો પાક્યો’ ?

આજે આખી રાત અચલા જોડે વાત કરી હતી ,સવારના પહોરમાં મીઠી નિંદર આવી ત્યાં આન્યાએ ઘર ગજવી મૂક્યું. બસ મમ્મી જોઈતી હતી. હવે મમ્મી ક્યાંથી લાવવી. ખૂબ મનાવી, લાલચ આપી પણ એકની બે ન થઈ. ત્યાં અમીને વિચાર આવ્યો. આન્યાની વર્ષગાંઠ વખતે વિડિયો લીધી  હતી. તે ચાલુ કરવાનું ભાઈને કહ્યું. અંશે આન્યાને ખોળામાં બેસાડી સી.ડી. ચાલુ કરી. અચાનક આન્યા મમ્મીને જોઈને ખુશ થઈ ગઈ. અભિષેક દૂરથી નિહાળી રહ્યો. તેનામાં હિમત ન હતી કે કશું બોલી શકે. અનુ અને અમી કોલેજ જવા નિકળી ગયા. એક ગાડી ઘરે રાખી હતી. બાળકો તેમેજ દાદા અને દાદીની તહોનતમાં.

આન્યા રાજી થઈ એટલે આયાને સોંપી બધા ચા પીવા આવ્યા. અનુષ્કા સ્કૂલ બસમાં જતી. આભાને બાર વાગ્યાની સ્કૂલ હતી એટલે નિરાંતે દૂધ નાસ્તો કરી આન્યા સાથે મમ્મીની મોજ માણવા બેઠી.  દાદીમાએ જવાબદારી ઉપાડી હતી. આન્યા ને તો દાદી જ પોતાની મમ્મી લાગવા માંડી. અનુષ્કા, અમી અને અનુ જાણતા કે આ દાદી છે. નાની આન્યા અને આભા ધીરે ધીરે મમ્મીને વિસરી ગયા.

આજે અંશને ઘરે આવતા મોડું થયું. પપ્પાની ઓફિસમાં પણ ગયો ન હતો. અભિષેકને ચિંતા થઈ .  સેલ ફોન લગાવ્યો. બંધ હતો. અભિષેક કાગડોળે દીકરાની રાહ જોઈ રહ્યો હતો. રાતના દસ વાગે આવ્યો.

‘કેમ બેટ મોડું થયું. ક્યાં હતો આખો દિવસ?’

અંશે હસતાં હસતાં કહ્યું, ‘પપ્પા સાચું કહું કે બહાનું બનાવું.’.

‘બેટા જ્યાં સુધી હું તને ઓળખું છું, તું બહાનું સરખું આપી નહી શકે. જુઠું બોલવું તારા સ્વભાવમાં નથી. સાચું કહીશ તો તારી મુશ્કેલીમાં ભાગિદાર થઈશ અને સારા સમાચર હશે તો તારી ખુશી બેવડાશે’.

અંશ પપ્પાના મુત્સદીગીરી જેવા સ્વભાવથી ગેલમાં આવી ગયો.

‘પપ્પા, તમે ઉસ્તાદ થઈ ગયા છો. ‘

‘બેટા એક દિવસ હું પણ તારી ઉમરનો હતો’.

‘તો પછી કહી આપો કારણ શું હશે’ ?

‘ જો , હું તને ઓળખતો હોંઉ અને કારણ સાચું હોય તો ના નહી પાડવાની’.

બાપ દીકરાની વાતમાં  દાદા અને દાદી કાંઈ સમજી શક્યા નહી. ‘એમ કરો તમે બાપ દીકરા પહેલી સુલઝાવો અમે સૂવા જઈએ છીએ’.

અભિષેકે કહ્યું સારું અને પછી અંશ સામે આંખ મિચાકારી, ‘બોલ બેટુ, કારણ કોઈ છોકરી છે ને’ ?

‘જી પપ્પા. ‘

‘અરે પણ તેમાં શરમાય છે શું?  એક જમાનામાં હું પણ તારી ઉમરનો હતો.’ ચાર વાક્યમાં બીજી વાર આ વાક્ય બોલી અચલાને મૂક અંજલી આપી.

પપ્પા, જ્યારથી મમ્મી ગઈ છે, આપણા જીવનમાં  ‘યુ ટર્ન’ આવી ગયો છે. જેને કારણે મારી મિત્ર, પૂર્ણા ખૂબ નારાજ હતી. આજે તો તે છેલ્લા પાટલે બેસી ગઈ હતી.

‘ જો અંશ, તું આજનો દિવસ મારી સાથે નહી વિતાવે તો સમજ જે કે હું તારી જિંદગીમાં નથી’.

‘પણ આજે એવું તોશું છે કે સાવ આમ બોલે છે’.

‘એય, તે પણ મારે તને યાદ કરાવવું પડશે’ ?

અચાનક અંશને યાદ આવ્યું , આજે પૂર્ણાની વર્ષગાંઠ હતી.  પૂર્ણાએ જબરદસ્તીથી તેનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

અંશના પપ્પાજી હવે મિત્ર થઈ ગયા હતા. તેણે બધી વાત કરી.

‘પપ્પા, પૂર્ણા તમને અને મારી બહેનોને મળવા માગે છે. તમને વાંધો ન હોય તો ઘરે બોલાવું.  મમ્મીના વિરહનું  દુખ હળવું કરવામાં તેણે મને ખૂબ મદદ કરી છે.’

આવતે મહિને મમ્મીની યાદમાં બધા પિકનિક પર જવાના હતા. પૂર્ણાને પણ સાથે આવવાનું આમંત્રણ મળ્યું.

અંશ પોતાની બેવડી ભૂમિકા ભજવી રહ્યો હતો. પૂર્ણાનો સંગ તેમાં રંગ લાવતો. પૂર્ણા અને અંશ લગ્નની બેડીમાં ક્યારે બંધાશે એ તો હજુ નક્કી કરી શક્યા ન હતાં. છતાં અંશની પડખે ઉભી રહી પૂર્ણા અંશને બનતી સહાય કરતી. અભિષેકે હવે ધંધાની જવાબદારી અંશને સોંપી સાથે વર્ષો જૂનો મેનેજર પણ હતો.

અભિષેકે દીકરીઓના જીવનમાં રસ લીધો. તેમને માતાની ખોટ ન સાલે તે માટે બધી તૈયારી રાખતો. મોટી બન્નેને કહી દીધું તમે ભણો અને તમારા ભવિષ્યની કારકિર્દી માટે તૈયાર થઈ જાવ. આનુષ્કા, આભા અને આન્યા પર હું પૂરતું ધ્યાન કેંદ્રિત કરીશ. અંશને પણ ધંધાની આંટીઘુંટીથી વાકેફ થવાનું હતું. માસ્ટર્સ પુરું કરી બધો વખત ધંધામાં ગાળતો. અભિષેકે તેને બરાબર પલોટવા માંડ્યો. અંશ પિતાજીની કુનેહથી વાકેફ હતો. તેને ગર્વ હતો કે પિતાજી હવે બહેનોની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા છે.

અમીને ડોક્ટરી ભણતા અનુજ સાથે ઓળખાણ થઈ. બન્ને સાથે હતાં. ભવિષ્યના રંગીન શમણા જોવા લાગ્યા. અનુને અમિત મળ્યો . બન્નેને કોર્પોરેટ લૉમાં રસ હતો.  એ બન્ને ઠેકાણે પડી ગયા. જ્યારે અંશ ૨૮ વર્ષનો થયો ત્યારે અભિષેકે સામે ચડીને કહ્યું, “બેટા હવે લગ્નની શરણાઈ વગડાવીએ”.

અંશ બોલી ઉઠ્યો ,’પપ્પા હું રાહ જોતો હતો કે તમે મને ક્યારે કહો છો”.

આખું ઘર લગ્નની તૈયારીમાં ધમધમી ઉઠ્યું. મુંબઈની મોંઘામાં મોંઘી ‘વેડિંગ પ્લાનર’ને સોંપ્યું . ઘરમાં મા તો હતી નહી. દાદી આજના રિતરિવાજથી   અજાણી. આન્યા હવે મોટી થઈ હતી તેથી કામકાજમાં દાદીને થોડી નવરાશ મળતી. અભિષેકે પપ્પાના પાત્રમાં ” મા”નું ‘પાત્ર’ ભજવવામાં પી.એચ.ડી. કરી લીધું હતું. ધંધો તો અંશ સંભાળતો. પિતા અને પુત્રની જોડીએ સુંદર કામાગીરી બજાવી. મોટી બન્ને બહેનોએ ભણતર સાથે ગણતર મેળવી પપ્પાને સહકાર આપ્યો.

વાજતે ગાજતે પૂર્ણા  રૂમઝુમ કરતી આવી પહોંચી. દાદી તો વહુને જોઈને ફૂલી ન સમાતી. અભિષેકે ,અંશ અને પૂર્ણાને લગ્ન પછી મધુરજની માણવા આગ્રહ કરીને કાશ્મીર મોકલ્યા. પંદર દિવસ કાશ્મીરની વાદીઓમાં અંશનો હાથ પકડીને ઘુમતા ઘુમતા ‘પૂર્ણા’ સંપૂર્ણપણે ‘અંશમય’ બની ગઈ. અંશને પણ લાગ્યું ભલે તે ‘અંશ’ હતો , ‘પૂર્ણા’ને પત્ની  રૂપે પામીને પૂર્ણ બની ચૂક્યો હતો. ખુશખુશાલ બન્ને પાછા આવ્યા અને કુટુંબમાં સમાઈ ગયા.

પૂર્ણા અને અંશના બાળકને રમાડ્યા વગર એક દિવસ દાદી ઉંઘમાં લાંબી યાત્રા પર ચાલી ગઈ. દાદીના વિરહમાં દાદાએ ઝાઝુ ન ખેંચ્યું. અભિષેકે પૂર્ણાને કહ્યું, ‘મારી મા બાળકોને તૈયાર કરી પોતાની ફરજ બજાવી જતી રહી. તેણે મને તો જન્મ આપ્યો પણ મારા બાળકોને પણ છાતીએ લગાડી સાચવ્યા. હું તેનો ખૂબ ઋણી છું. ‘

‘મા અને પિતા પાછળ અભિષેકે તેમની મરજી મુજબ સઘળું કર્યું. દાદા અને દાદીને બાળકો વહાલા હતાં. અનાથ આશ્રમ અને શાળામાં પાણીની જેમ પૈસા વેરી તેમના આશિર્વાદ મેળવ્યા. અમી અને અનુ પોતાના મનગમતા સાથી સાથે લગ્ન ગ્રંથીથી જોડાઈ પ્રગતિના સોપાન સર કરવા માંડ્યા. અનુષ્કા અમેરિકા એમ.બીએ. કરવા ગઈ અને એન્ડ્રુને પરણી ગઈ. એક બાળક થયા પછી પપ્પાને અને બધા ભાઈ બહેનને મળવા આવી.

અંશ અને પૂર્ણા હજુ બાળક કરવું કે નહી તેના વિચારમાં છે.

‘જો તને જોઈતું હોય તો હા પાડ, નહી તો ના’.

‘કેમ તને નથી જોઈતું’ ?

‘ જો પૂર્ણા મને શું જોઈએ છે, એની મને ખબર નથી’?

‘એમ વાત છે તો તારો કાન લાવ હું તને ખાનગી વાત કહું’.

અંશ કાન નજીક લાવ્યો એટલે બચકું ભરતાં બોલી મને ,’મિલન’ જોઈએ છે.

મોટી ત્રણ પોત પોતાના સંસારમાં ગુલતાન હતી. આ વર્ષે અભિષેક નાની બે ઢીંગલીઓને લઈને અલાસ્કાની ક્રુઝમાં નિકળી ગયો. અલાસ્કામાં બરફની ચાદર ઓઢેલા પર્વત પર ઠંડી લાગતી ત્યારે અચલા અચૂક યાદ આવતી. આન્યા અને આભાને સૌંદર્ય માણવા સાથે સ્કી કરવાની મોજ પડી.

અંશ ધંધો સંભાળતો  હતો. પૂર્ણાએ અંશને તેને ‘ શું જોઈએ છે” , એ શોધ’માં સંપૂર્ણ સહકાર આપવાનો નિર્ધાર પાકો કર્યો.

 

 

 

 

 

 

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: