હું મારી જાતને સાહિત્યકાર ગણતી નથી. માત્ર ‘લેખન કળા’ પ્રત્યેના પ્રેમે વિચાર પ્રસ્તુત કરવાની સોનેરી તક ઝડપી છે. વાણિયાની દીકરી છું. પતિ વિયોગના દુઃખને ઝેલવા મા સરસ્વતિની ઉપાસના કરું છું. ખરું પૂછો તો ઘરના ખૂણે ભરાયેલા સાહિત્યને શરણે આવી, ત્યારે એકલતા વિસરાઈ ગઈ. જેમ લખતા લહીઓ થાય અને પૂછતાં પંડિત થવાય એમ લેખનકળા પ્રાપ્ત થઈ. સાહિત્યની ગંગાના કિનારે બેસી છબછબિયા કરવાની મોજ માણું છું.
પદ્ય અથવા ગદ્યમાં શબ્દનો પ્રયોગ અને તેની યથાર્થતા ખૂબ મહત્વનો ભાગ ભજવતા હોય છે. કોઈ પણ કૃતિ ત્યારે જ સાહિત્યમાં પરિવર્તન પામે છે જ્યારે લેખક યા લેખિકા શબ્દને, તેના ભાવાર્થ દ્વારા ઉપસાવી શકે છે. શબ્દ સામાન્ય નથી. તેની માવજત અને તેનો પ્રયોગ આકર્ષણનું કેંદ્ર બને છે. વાર્તા અથવા કવિતાને ઓપ આપે છે. લેખક યા લેખિકાના ભાવને સ્પષ્ટ પણે પિરસી શકે છે. જે વાચકને ગળામાં શીરાની માફક ઉતરી જાય છે.
‘સરગમ’ શબ્દની મધુરતા તો જુઓ. જાણે તેના અંગ અંગમાંથી સંગીત ન સરતું હોય ! ખરેખર ,’સરગમ’ સંગીત દર્શાવતો શબ્દ છે. સંગીતના સાત સૂર છે. સા, રે, ગ, મ, પ,ધ, ની, સા. કિંતુ ચાર અક્ષરનો બનેલો શબ્દ તેમાં છૂપાયેલા સાતેય અક્ષરનું પ્રતિબિંબ પાડે છે. તેના ઉચ્ચાર સાથે જાણે મુખમાંથી સંગીત ન સરતું હોય એવો ભાવ થાય છે. તેના પ્રયોજન દ્વારા વાચક સમજી શકે છે ,આ કાવ્યમાં, વાર્તા યા નિબંધમાં સંગીતનું આલેખન હશે. શબ્દની પોતાની કોઈ કલામયતા નથી. તેને સુંદર વાઘા પહેરાવવા પડે છે. યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિ સમક્ષ તેનું પ્રયોજન યા કૃતિમાં સ્થાન તેની યથાર્થતા નક્કી કરે છે.
કદાચ આ શબ્દ ‘સરગમ’ નામની સ્ત્રીનું પણ હોઈ શકે ? જેના કાર્યમાં, યા વર્તનમા સંગીતની છાંટ ઉભરાતી નજરે ચડે. નામ જેનું ‘સરગમ’ હોય તે ઔરંગઝેબ ન હોઈ શકે. કદાચ સંજોગવશાત હોય તો વાચકના દિમાગમાં વિચારોનું તુમુલ યુદ્ધ થયું જાણવું. સરગમ નામને અને પાત્રને વફાદાર રહી કથા યા કાવ્ય તેની આસપાસ ઘુમે તો સર્જન ખરેખર પ્રશંશનિય બની રહે ! વરના કથાની વ્યથા અને કાવ્યની રમણિયતા દિશા શૂન્ય બને.
‘સરગમ’ શબ્દ તેમાં છુપાયેલા ‘આરોહ અને અવરોહ’ને આડકતરી રીતે પ્રદર્શિત કરવા શક્તિમાન બને છે. ‘સરગમ’ને સમજવા તેનો અભ્યાસ જરૂરી છે. તેની સાધના આવશ્યક છે. સંગીતની સાથે જેને સીધો સંબંધ છે તેની પાવનતા પિછાણવી પડે છે. તે કલા છે. કલાની ઉપાસના એ ઈશ્વરની ઉપાસના સમાન છે. તેને કાજે ધીરજ, લગની અને ઉત્કંઠા સતત હોવા જોઈએ. સરગમના સાત સૂરોની સાધના, તેની રાગ રાગિણીની પહેચાન અને અભ્યાસ અણમોલ છે.
સૂરોની મહારાણી લતા મંગેશકરે સરગમની આરાધના ક્યારથી શરૂ કરી હતી ? જીવતી જાગતી તસ્વીર આપણી આંખો સમક્ષ છે. પિતા હ્રદયનાથ મંગેશકરના કુટુંબમાં ‘સરગમ’નું ઉપાસક કોણ નથી ?
‘સરગમ’ શબ્દને કોઈ ‘ઘરેણા’ની પણ આવશ્યકતા જણાતી નથી. મતલબ સ્વર કે વ્યંજનની સીધી યા આડકતરી સહાયતાની જરૂર નથી. જેવા કે કાનો, માત્રા, હ્ર્સ્વ ઇ, દીર્ઘ ઈ, હ્ર્સ્વ ઉ કે દીર્ઘ ઊ. ન તો તેને જોડાક્ષર છે. અનુસ્વાર કે વિસર્ગની પણ આવશ્યકતા જણાતી નથી. ચાર અક્ષરનો આ શબ્દ કોઈના પણ ટેકા વગર સક્ષમ છે. સરળ કેટલો છે. સરગમ, શબ્દનો ઉચ્ચાર કરવામાં જીભને કસરત પણ કરવી પડતી નથી.
કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરે સંગીતની ઉપાસના ૬૦ વર્ષ પછી કરી હતી. બાળપણથી તેઓ મારા આદર્શ હતા. જેને કારણે ૬૩ વર્ષની ઉમરે હું ‘યોગ’ શિખવા ભારત એક વર્ષ માટે ગઈ અને પી.જી.ડી.વાય.ટી (PGDYT)ની ડિગ્રી લઈને આવી. સાહિત્યના શરણે આવી અને જીવનયાત્રા જારી રહી. ‘સરગમ રેકોર્ડિંગ સ્ટુડિઓ ,જે ‘ડમડમ સ્ટુડિઓ’ ના નામે ૧૯૨૮માં કલકત્તામાં બંધાયો હતો. જે ભારતનો જૂનામાં જૂનો સ્ટુડિઓ છે. જ્યાં શ્રી ટાગોરે પોતાના અવાજમાં કવિતાઓનું રેકોર્ડિંગ કર્યું હતું. આ સ્ટુડિઓમાં કે.સી. ડે, મન્ના ડૅ, ઉસ્તાદ બડે ગુલામ, પંડિત રવીશંકર, ઉસ્તાદ બિસમિલ્લાખાન, સત્યજીત રે જેવી મહાન હસ્તીઓએ રેકોર્ડિંગ કર્યું હતું. જોઈને ‘સરગમ’ શબ્દની કમાલ. અભરાઇ પર ચડેલી ધુળને ખંખેરી ,યાદોની બારાત કાઢી.
‘સરગમ’ શબ્દ પદ્ય તેમજ ગદ્ય બન્નેમાં છૂટથી વપરાય છે. સરગમ પદ્યમાં, સ, રે, ગ, મના રૂપે પ્રસ્તુત થાય અને સાત સૂર તેમજ જુદા જુદા કાવ્ય સ્વરૂપે અંતરના તાર ઝણઝણાવે. રાગ ભૈરવી, રાગ મલ્હાર, રાગ દીપક વિ. વિ. એજ ‘સરગમ’ શબ્દ નવલકથાને પાત્ર રૂપે દીપી ઉઠે. તેના પાત્ર અનુસાર નામને અનુરૂપ તેનું પાત્રાલેખન હશે ! આ શબ્દની અર્થ ચમત્કૃતિ તેની યથાર્થતાને પૂર્ણ રૂપે વાચક સમક્ષ પેશ કરી શકશે.
મોટા પ્રસિદ્ધ આદ્ય કવિ યા અર્વાચિન કવિ તેમજ લેખકોને ટાંકી, તેમના વિષે કાંઈ પણ લખવું એ સૂરજને પ્રકાશ સાથે ઓળખાણ કરાવવા બરાબર છે. જે મારા ગજા બહારની વાત છે. ગદ્ય અને પદ્ય બન્નેમાં વપરાતો શબ્દ ‘સરગમ’ સરળ ઉચ્ચારણ અને સુમધુર ભાવવાહીથી ભરપૂર છે. જેના દ્વારા સર્જક સફળતાની ટોચે બિરાજી પોતાના અંતરને ઠાલવી વાચકોના દિલ જીતવામાં કામયાબ બને છે. તેમને રસમાં તરબોળ કરી ભાવની ગાંગામા સ્નાન કરાવી પાવન કરે છે.
મિત્રો, આજે તમારી સમક્ષ, ‘સરગમ’ જેવા શબ્દનો માધુર્ય સભર પ્રવાસ આદર્યો. આશા છે આ પ્રયાસ આપને ઉચિત લાગ્યો હશે.