ઝાકળ બન્યું મોતી –૨ (પ્રકરણ)

પ્રકરણ ૨  બાળપણની શરારતી જલ્પા

****************************************************

જલ્પા વરંડાના હિંચકા ઉપર ઝુલી રહી હતી. હિંચકો જલ્પાનો બાળપણનો સાથી હતો. ઘડીમાં આગળ જાય અને ઘડીમાં પાછળ પગની ઠેસ મારતી જાય ને હિંચકા ઉપર ઝુલતી જાય.   સવારના પહોરમાં ઉઠે અને સીધી ચોપડી લઈ હિંચકે ઝુલે.

‘જલ્પા ચાલો કપડાં બદલી લો, શાળાએ જવાનો સમય થઈ ગયો છે’. મમ્મીનો અવાજ કાનમાં ગુંજી ઉઠ્યો.

મમ્મી બૂમ પાડતી હોય પણ જલ્પા હાથમાંથી વાર્તાની ચોપડી નીચે ન મૂકે. તેને બકોર પટેલ, અડુકિઓ દડુકિઓ, બિરબલ, વિ.ની વાર્તાઓ વાંચવી બહુ ગમતી. જલ્પા પહેલા ખોળાની દીકરી હતી. દાદીના ખોળામાંથી નીચે ઉતરવાનું નામ ન લેતી. જયા અને જનક માટે દીકરી હૈયાનો હાર હતી. લાડ કરે પણ શિસ્તનો આગ્રહ રાખે. જો તોફાની રાણી સાંભળે નહી તો સજા આપી ખૂણામાં ચૂપચાપ બેસાડી રાખે.

જનક કહે, ‘બેટા કપાળ પર આંગળી મૂકીને વિચાર કર,’ મને પપ્પાએ કેમ સજા કરી?’

જલ્પા મૂછમાં હસતી હોય . નાટક કરવામાં પાવરધી. ભિંત સામે બેસીને મલકાતી જાય અને વિચારે.

‘હાં પપ્પા, ખબર પડી ગઈ. મેં મમ્મીનું કહ્યું માન્યું નહી એટલે તમે મને દસ મિનિટ ભિંત સામે જોઈ બેસવાની સજા કરી’. પપ્પા હવે હું ઉભી થાંઉ ? એવું લુચ્ચું હસે કે જનક તેની બાકીની સજા માફ કરી દે.

‘આમ જ તમે જલ્પાને ફટવો છો’? જયા બોલી ઉઠતી.

‘અરે, પણ તું એનું દયામણું મોઢુ તો જો’ ! આ મારી દીકરી કેટલી મીઠી છે.’

ઢીગલા અને ઢીગલી સાથે રમતી, જલ્પા હમેશા પોતે ડોક્ટર બનવાનું પસંદ કરે. તે જ્યારે બિમાર પડૅ ત્યારે ડો. કમલા પાસે તેને મમ્મી લઈ જાય. ખૂબ દિલચશ્પ વાતો કરી ડો. કમલા નું દિલ જીતી લે. એક ગમે તેને પુસ્તક અને બીજું ગમે રમકડાનું સ્ટેથોસ્કોપ.

આમ ઘરમાં રોજ તેના ઉધામા રહેતાં. ઘરમાં છમક છલ્લોની માફક ફરતી. તેના લીધે ઘરમાં હલચલ મચી રહેતી. શાળાએ જવાનું ચાલુ કર્યું ને એકદમ ચોક્કસ થઈ ગઈ. તેને ભણવાનું , નવું નવું શિખવાનું ખૂબ ગમતું. પહેલી બેંચ પર બેસવાને કારણે ધ્યાન બરાબર આપતી. શાળાન શિક્ષકોને પણ તે ગમતી. ઘરકામ બરાબર સમયસર કરવું. સારા અક્ષર કાઢવા. એક બૂરી આદત, વર્ગમાં કામ થઈ જાય એટલે બાજુમાં બેઠેલાં સાથે વાતો કરે. ટીચર આંખ કાઢે પણ સાંભળે નહી. ટીચર તેને વર્ગની બહાર ઉભી રાખે. જલ્પાને ખબર હતી ટીચર શામાટે વર્ગની બહાર કાઢે છે. જે વિદ્યાર્થી ધીમા હોય તેમને કામ કરવામાં તકલિફ ન પડે. હસતી, હસતી બહાર જાય અને ઉભી રહે. આમ જ્યારે તે છઠ્ઠા ધોરણમાં આવી ત્યારે , પપ્પાએ પાસે બોલાવીને કહ્યું.‘જલ્પુ બેટા, તને ભાઈ ગમે કે બહેન’?

‘ કૂદી પડીને તાળી પાડતાં બોલી, મને ભાઈ ગમે’.

‘જો બહેન હોય તો?’

‘મોઢું બનાવીને કહે, ‘ચાલશે’.

આમ જ્યારે ઘરમાં જય આવ્યો ત્યારે જલ્પા બહેનનો રોફ વધી ગયો. ભાઈલો તેને ખૂબ વહાલો હતો. જનક ધ્યાન રાખતો કે રમવામાં તેનું ભણવાનું ન બગડે. જલ્પાના જન્મ પછી સ્ટોર ચાલુ કર્યો હતો. જેને કારણે વ્યસ્ત રહેતો. તેની માતા અને જયા બેય બાળકોનું ધ્યાન રાખતાં. જલ્પા શાળાએ ગઈ હોય ત્યારે બપોરે જયનો સૂવાનો સમય, સૂતો હોય ત્યારે જનકને સ્ટોર પર મદદ કરવા  જયા પહોંચી જતી. જલ્પા શાળાએથી આવે એટલે ભાઈલો તેનો. દાદી રસોઈ કરે. મમ્મી અને પપ્પા આવે પછી બધા સાથે જમવા બેસે.
‘આજે જલ્પાને ગૌરીવ્રત છે. સાંજે આવતા સુકો મેવો અને ફળ લાવવાનું ભુલતાં નહી’. જનકને સ્ટોરે જતી વખતે  જયાએ યાદ અપાવી.

‘ઓ બાપરે, મારી દીકરી એવડી મોટી થઈ ગઈ’ . કહીને જનકે જલ્પાને ઉંચકી લઈ ગાલે પપ્પી આપી.

‘હા, પપ્પા હવે,’  હું જયા પાર્વતીનું  વ્રત રાખીશ, મને સારો રાજકુમાર મળે.’

દીકરી મોટી થશે અને પરણશે, પારકે ઘેર જશે. એ વિચારે જનકની આંખો ભરાઈ આવી.   જયા સામે નજર ગઈ. એ પણ આવી જ રીતે આવી હતી. આ તો દુનિયાનો નિયમ છે. દીકરી ગમે તેટલી વહાલી કેમ ન હોય, સાસરે શોભે !

‘ચાલ તને આજે શાળાએ ઉતારી દંઉ’.

‘પપ્પા હજુ અડધો કલાકની વાર છે’.

‘અરે, મારી બેટી માટે અડધો કલાક મોડો જઈશ’.  આપણો મેનેજર નવીન સ્ટોર ખોલશે. ‘ એની પાસે ચાવી છે.

જલ્પા પપ્પાને વળગી પડી. ‘ઓ મારા વહાલા પપ્પા’.

‘તાર એકલાના નહી , જયના પણ’.

જ્યારે જેમિની આવી ત્યારે તો મોટી દીદીનો રૂઆબ વધી ગયો. ’ ડાહીમાની દીકરી જલ્પા, માને ખૂબ મદદ કરતી.  દાદીથી હવે બાળક ઉચકાય નહી. જલ્પા હમેશા તૈયાર. આમ જલ્પા નાના ભાઈ અને બહેનને ખૂબ પ્યાર આપતી.

શાળાનો સ્પોર્ટ  દિવસે હતો. ત્રણ ઈનામ જીતી લાવી. ‘મ્યુઝિકલ ચેર’માં જીતી.’ બેબી ડ્રેસિંગ’માંતો પહેલો નંબર આવ્યો. ‘ત્રણ પગી’ની રેસમાં એની પાર્ટનર  સાથે બીજા નંબરે આવ્યા. જનક અને જયા ખુબ ખુશ થયા. જેમિની અને જય નાના હોવાને કારણે જનક પાર્ટી ઘરમાં કરતો. બે નાના બાળકો સાથે બહાર જવાનું જરા અઘરું પડતું. દાદીને પણ બહાર કરતા ઘરમાં ગમતું.

જલ્પાએ બચપનથી સ્વપનું સેવ્યું હતું, “હું ડોક્ટર બનીશ,”  ઘરમાં મોટી હોવાને કારણે જ્યારે કોઈની પણ તબિયત નરમ ગરમ હોય તો દવા લેવા જવાનું કામ જલ્પાનું. તેની ગલીના નાકે ડો. કમલા પરમારનું દવાખાનું હતું.  ડો. કમલાને જલ્પા વહાલી લાગતી. જાત જાતના પ્રશ્નો પૂછતી. નાની બાળકીના મનને સમાધાન ન થાય ત્યાં સુધી તેની સાથે વાતો કરતી. ડોક્ટર કમલાની વાત કરવાની ઢબ જલ્પાને ખૂબ ગમતી. ડો. કમલા ક્યારેય નારાજગી કે ગુસ્સો કરતા નહી. બસ ત્યારથી જલ્પા એ મનોમન નક્કી કર્યું હતું. ડો. કમલા તેની આદર્શ હતી.  ભણવા માટે જલ્પાને કયારેય ટોકવી પડતી નહી. તે જાણતી હતી,  ડોક્ટર બનવાની ઈચ્છા પૂરી કરવા કેટલી મહેનત કરવી પડશે.

શાળાએથી પાછાં આવતા જો ડો. કમલા દવાખાનામાં હોય તો તેમની સાથે વાતો કરવા બેસી જતી. જય અને જેમિની દીદીની બધી વાત માનતા. દીદી પણ તેમને સારું શિખવાડતી. જયા તો રસોઈ પાણી અને ઘરકામ કરે કે  નાના બેને સંભાળે. જલ્પા તેનો હાથવાટકો  હતી. ઉનાળાની રજાઓમાં જલ્પા અને દાદી નાના બન્નેને રાખે એટલે જયા સ્ટોરમાં જઈ જનકને મદદ કરે. એ સ્ટોરના આગળના ભાગ પર નજર રાખે ત્યારે જનક પાછળ ઓફિસમાં બેસીને માલ મંગાવવાનો અથવા તો હિસાબ કિતાબનું કામ પતાવે. બે માણસો કામ કરતા હતાં. તેમનો પગાર આપવાનો હોય. સમય સૂચકતા વાપરી એવા દિવસોમાં જયા ખાસ સ્ટોર પર જતી.

હવે તો  જલ્પા કોલેજમાં હતી.  તેથી ઘણી વખત ડો. કમલાની સલાહ લેવા જતી. ડો. કમલાએ તેને નાનપણથી જોઈ હતી. તેમને એક દીકરો હતો. જલ્પા પર દીકરી જેવું વહાલ વરસાવતા. જલ્પા ભણવામાં હોંશિયાર હતી તેથી એમને આનંદ થતો. ડોક્ટર થવા માટે ખૂબ મહેનત કરવી પડશે. સહુ પ્રથમ તો મેડિકલમાં એડમિશન મેળવવું કેટલું અઘરું છે તે વિષે તેને માહિતી આપી. જલ્પા બધી રીતે કટીબદ્ધ હતી.  ડોક્ટર કમલાને, જલ્પાએ પોતાની નજર સમક્ષ એક આદર્શ મહિલા તરિકે  ચિતર્યા હતાં. જલ્પાએ લાખ પ્રયત્ન કર્યા , તેને મેડિકલમાં એડમિશન ન મળ્યું. જલ્પાને અફસોસ રહી ગયો. તેણે બી.એ. કરી એકાઉન્ટન્ટ થવાનું વિચાર્યું.

બધું જ  જોઈતું હોય એ મળે તેને જીંદગી ન કહેવાય. ન માગ્યું દોડતું આવે, બાળકો ગમતા હતા તેનો અર્થ એ તો ન હોય કે ઘરમાં આઠ દસ બાળકોની વણઝાર ઉભી કરવાની કે પછી શાળાની શિક્ષિકા બનવાનું? પહેલાં કરતા બીજો વિચાર જરા સારો હતો. જે જલ્પાને પ્રાપ્ત થયો. હા, પણ અફસોસ જરાય નથી. ડોક્ટર નહી બની શકવાનું સ્વપ્ન જ્યારે છિન્ન ભિન્ન થયું ત્યારે દુઃખ પહોંચ્યું હતું તેની ના નહી. કિંતુ નાનો ભાઈ અને લાડલી બહેનની જવાબદારી હસતે મુખડે નિભાવવાનો સંતોષ સમગ્ર ચેતનામાં ફેલાઈ ગયો હતો.

કોલેજકાળ દરમ્યાન દિવાળીની રજાઓમાં અને ઉનાળાની રજામાં જનક હવે જલ્પાને સાથે લઈ જવા લાગ્યો. તેને કમપ્યુટર આવડતું તેથી જનકનો સમય બચતો. બાપ દીકરીને સાથે કામ કરવાની મઝા પડતી. જલ્પા બાપની હારોહાર કામ કરતી.

‘બેટા જલારામ’, જલ્પા ચમકી.

‘પપ્પા, તમે કોને બોલાવો છો’?

‘અંહી બીજું કોણ છે’.

‘હું’.

‘હું જલ્પામાંથી ,’ જલારામ’ ક્યારે થઈ ગઈ?’

‘અરે, પાગલ, તું દીકરાની જેમ મને બધી રીતે મદદ કરે છે. આજથી તું મારો જલારામ !’

‘જલ્પા, પપ્પાને વળગી પડી’.

જલ્પા કોલેજના ત્રીજા વર્ષમાં હતી. કોલેજના વાર્ષિક મેળાવડામાં ચર્ચામાં ભાગ લીધો. જલ્પા પોતાના મનના વિચાર બેધડક દર્શાવતી. આ વર્ષે વિષય હતો , ‘જીવનમાં કોનું મુલ્ય વધારે ? “છોકરો કે છોકરીનું’.
સહજ છે જલ્પા છોકરી વિષે બોલે. જલ્પાની અદા અને જલ્પાની છટા, ચર્ચામાં પહેલે નંબરે આવી અને મોટી ટ્રોફી જીતી લાવી. થવું હતું ડોક્ટર પણ કોને ખબર કેમ .એકાઉન્ટીંગમાં મઝા આવવા લાગી.

પપ્પા હવે મને એકાઉન્ટીંગ ગમે છે. પણ ,

‘પપ્પા, ડો. કમલા મારી આદર્શ હતી.’

‘હા, બેટા પણ એ બધા માટે સહેલો માર્ગ નથી. તને એકાઉન્ટીંગ અને ઈકોનોમિક્સ પણ ગમે છે. તું મને સ્ટોરમાં કેવું સરસ બધું કરી આપે છે. વિચાર કરી જો”.

જલ્પાને પિતાની વાત બરાબર લાગી. ડોક્ટર થવું એટલે લોહી સાથે પનારો પડ્યો. એમ. બી.બી.એસ.માં તો મડદા સાથે કામ કરવાનું. જલ્પાને વાતો કરવી અને ખરેખર એ ક્ષેત્રમાં કામ કરવું એ બન્નેનો તફાવત સમજાયો. ડો. કમલાને પોતાની વાત કરી.

‘ જે પણ ક્ષેત્રમાં ભણવું હોય તે ભણજે. દરેકમાં આગળ આવવાની તક સરખી છે.’ ડો. કમલાએ પોતાનો અભિપ્રાય જણાવ્યો.  હવે જલ્પાને ઠંડક થઈ. આમ ક્યારે બી.એ.ના   છેલ્લા વર્ષમાં આવીને ઉભી રહી ગઈ. બાળપણ હાથતાળી દઈને વિદાય થયું. ઘરમાં મમ્મીને અને સ્ટોરમાં પિતાજીને બને તેટલી મદદ કરતી.

ગયા વર્ષે દાદી ચારધામની યાત્રા પર ગઈ હતી. આવીને બધી ત્યાંની વાત કરતી. એક રાત ,’જનક બેટા તું અને જયા જુવાનીમાં જાત્રા કરી આવો. વધારે ગમશે. તમારા પગમાં જોમ છે.’

જયાને આ વાત ગમી.  દીકરા અને વહુએ આ વાત માની. દાદીની આંખમાં પાણી આવી ગયા.  જલ્પાએ કહ્યું, ‘મમ્મી હું અને દાદી એક મહિનો ઘર અને સ્ટોર સંભાળીશું’. મમ્મી, જલ્પાને બાઝી પડી. જનક આ જોઈને આનંદિત થઈ ઉઠ્યો.  નાના બન્ને સમજ્યા કાંઇ નહિ પણ તાળી પાડીને દીદીની આજુબાજુ ઘુમી રહ્યા.  જલ્પાને રજા હતી એટલે વાંધો ન હતો. દાદી રસોડું સંભાળશે અને જલ્પા સ્ટોર. જય અને જેમિની ,દીદીનું બધું કહ્યું માનતા.

જનક અને જયાને ચિંતા તો હતી પણ. મા અને દીકરી બન્નેએ હસીખુશીથી સંમતિ આપી . મન મજબૂત કર્યું. જાત્રાએ જવાની ધુમ તૈયારી ચાલુ કરી દીધી. માએ પણ બધું યાદ અપાવીને પેટીમાં મુકાવ્યું. ૨૦ વર્ષની જલ્પા કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા આપીને ઘરે આવી. ખબર હતી બે દિવસ પછી તેના મમ્મી અને પપ્પા ચારધામની યાત્રાએ જવાના છે. જલ્પા, જય અને જેમિનીને દાદીની દેખભાળ નીચે મૂકી તેમના માતા અને પિતા ચારધામની યાત્રાએ નિકળ્યા.

દિલ્હી સુધી વિમાનમાં ગયા. ત્યાંથી ‘હિમાલયની ટૂરમાં જોડાઈ ગયા.’  દિલ્હીથી ફોન પર બધા સાથે વાત કરી. ‘બધું બરાબર  છે .’ એ શબ્દો  સાંભળી તેમને સંતોષ થતો.

માએ કહ્યું,’બાળકો મારાથી ટેવાઈ ગયા છે. મોટી જલ્પા ડાહી છે, મને કામકાજમાં મદદ  કરે છે. દરરોજ સવારે જય અને જેમિની જાય પછી સ્ટોર પર જઈ ધ્યાન આપે છે.’ સ્ટોક બધો જનકે ભરપૂર ભર્યો હતો. રોજની રોકડ રકમ જમા કરવા જ્યારે મેનેજર જાય ત્યારે જલ્પા સ્ટોર પર અડધો કલાક એકલી હોય. આમ છ દિવસ થઈ ગયા. જનક અને જયા પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યા. ચારધામની યાત્રા જુવાનીમાં કરવાની અનુકૂળતા સાંપડી હતી. મા અને મોટી જલ્પા બધું બરાબર સંભાળતા હતા. હૈયે ટાઢક હતી.

રાજધાની દિલ્હી અને આગ્રાનો તાજમહાલ જોયો.  હવે બસની યાત્રા શરૂ થઈ.  તેમને બસમાં મિત્રો મળી ગયા હતાં.  બદ્રીકેદારના દર્શન કરીને પાછાં બધા બસમાં ગોઠવાયા. લાંબી મુસાફરી હતી. બદ્રીકેદાર ચડીને બધા ઝંપી ગયા હતા. પાછા આવ્યા ચા સાથે ગાંઠિયા અને જલેબી ખાધા. હજુ તો માંડ અડધો કલાક પણ નહી થયો હોય ત્યાં, હિમાલયમાં બરફની શીલા ધસી અને બસ ઉતારૂઓ સહિત ખીણમાં પડી.
.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: