ઝાકળનું બન્યું મોતી — 3 કુટુંબ પર આવેલી અણધારી આફત. 

7 06 2018

 

આખી બસ સઘળાં યાત્રીઓ સાથે ખીણમાં ધસી પડી .જનક , જયા તેમજ બધા યાત્રીઓ અને બસના ડ્રાઈવર ,કંડક્ટર સહિત હિમાલયની ગોદીમાં સદાને માટે પોઢી ગયા. બરફનું તોફાન ખૂબ લાંબુ ચાલ્યું અને તેમનું કોઈ ઠામ ઠેકાણું જડ્યું નહી. બે દિવસ પછી જે ટૂરમાં  ગયા હતા તે કંપનીનો રાતના નવ વાગે ફોન રણક્યો. પાકી ખાત્રી કરીને દુખદ સમાચાર આપ્યા. જલ્પા ચોંકી ઉઠી. દાદી બધી વાત સાંભળતી હતી. એના તો માનવામાં ન આવ્યું. આભ ફાટ્યું હોત  તો પણ જલ્પાને નવાઈ ન લાગત. તેને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. એકદમ દિશા શૂન્ય થઈ ગઈ. રાતના ટાણે આવી ક્રૂર મશ્કરી કોઈ  ન કરે !

જય અને જેમિની હમણાં જ જંપ્યા હતા.  સૂતા હતાં. જલ્પા ગભરાઈ ગઈ,’ દાદી શું આ સમાચાર સાચા છે?’ આવા દુઃખદ સમાચાર માટે બન્નેમાંથી એક પણ તૈયાર ન હતા. દાદી એ જલ્પાને ધીરજ બંધાવી.

‘બેટા, સવારે ટૂરવાળાની ઓફિસ ખૂલે એટલે પાકા સમાચાર લઈ આવજે. આ તો દિલ્હીથી ફોન આવ્યો છે. અત્યારે સૂઈજા’.

દાદી બોલી તો ખરી પણ તેની ઉંઘ વેરણ થઈ ગઈ હતી. દીકરા વહુને જાત્રા પર જવાનું સૂચન તેનું હતું. તેનું હૈયુ હાથ ન રહ્યું. જલ્પા દાદીના ખોળામાં માથું મૂકીને પડી હતી.

‘આવા સમાચાર ખોટા ન હોય’!

બીજે દિવસે શનિવાર હતો. ટૂરવાળાની ઓફિસમં તો લોકોએ હલ્લો બોલાવ્યો હતો. દરેકને શાંતિથી જવાબ આપી રહ્યા હતા. બરફની શીલા ધસી પડે, એવા કુદરતી અકસ્માત આગળ માનવીનું શું ચાલે ?

સહુને સમજાવવાનો વ્યર્થ પ્રયત્ન કરી રહ્યા હતા.  “હિમાલય ટૂર’નું નામ સારું હતું. આ ટૂરમાં ખાવા પીવાની કોઈ તકલિફ નહોતી પડતી. હોટલોમાં સુવિધા પણ સારી આપતાં. હા, બીજી સસ્તી ટૂર કરતાં થોડા પૈસા વધારે લેતાં પણ તેની સામે સગવડ સારી મળતી. હિમાલયની ઠંડીમાં મુસાફરો માંદા સાજા થાય તો તેમની સગવડ પણ સચવાતી. દરેકનો એક લાખ રૂપિયાનો વિમો પણ ઉતારતા.

જલ્પા ઘરે આવી. બદ્રીકેદાર સુધી જવાનો કોઈ અર્થ ન હતો. એક તો ખબર બે દિવસ પછી પડી . તેમાં બરફનું ભયંકર તોફાન, ઊંડી ખીણ  બધું નામ શેષ થઈ ગયું હતું. ડ્રાઇવર, કંડક્ટર અને યાત્રીઓ સહિત ૪૨ માણસોએ જાન ગુમાવ્યા હતા. ત્યાં જાય તો પણ ફાયદો શો હતો ? જનક અને જયા શું પાછા આવવાના હતાં?

અરે  જનક અને જયાની અંતિમ ક્રિયા પણ ખૂબ સાદાઈથી તેમનો ફોટો મૂકીને કરી. જલ્પા સાનભાન ગુમાવી બેઠી હતી. દાદી, જય તેમજ જેમિની સહુની જવાબદારી તેના શીરે આવી હતી. દાદીની તબિયત આ સમાચાર સાંભળીને લથડી ગઈ હતી. જલ્પાને હોશ સંભાળવા સિવાય કોઈ ચારો હતો નહી. શાળાનું છેલ્લું અઠવાડિયું બાકી હતું. જય અને જેમિનીને ગળે વાત ઉતારતા ખૂબ તકલિફ પડી.

‘દીદી, હવે મમ્મી અને પપ્પા યાત્રા પરથી પાછા નહી આવે’? જેમિની પૂછી રહી.

‘દીદી, હું હમણા ભલે નાનો છું , પણ મોટો થઈ તારું ,દાદીનું અને જેમિનીનું ધ્યાન રાખીશ’. જય થોડું સમજ્યો હતો.

બધાને મનાવતી, તેમની વાત સાંભળતી અને દાદીને કહેતી, ‘આપણે બધા છીએ ને દાદી  આ મુશ્કેલીમાંથી પાર ઉતરીશું. ‘જય અને જેમિનીને શાળામાં ઉનાળાની રજા પડી હતી. જલ્પાની છેલ્લા વર્ષની પરીક્ષા મમ્મી અને પપ્પા જાત્રાએ નિકળ્યા એ પહેલા પૂરી થઈ હતી. દસેક દિવસ થઈ ગયા. રાતના પપ્પા સ્વપનામં આવ્યા, ‘ જલારામ બેટા, સ્ટોર ઉપર જવાનું ચાલુ કર. મેનેજરને ભરોસે બહુ દિવસ ન રખાય.’

જલ્પા અચાનક ઉંઘમાંથી જાગી ગઈ. સવારના પહોરમાં, દાદીને જણાવ્યું, ‘દાદી રસોઈ તૈયાર થાય એટલે હું ટિફિન લઈને સ્ટોર ઉપર જઈશ’. આત્યાર સુધીના આઘાતમાં સ્ટોર વિસરાઈ ગયો હતો. મનોમન નિશ્ચય કર્યો, ‘જલ્પા હવે તારે સાવધ બન્યા સિવાય કોઈ આરો નથી. તું ઠંડે કલેજે વિચાર કર, દાદી શું કરી શકે. તેણે તો પોતાની હાજરીમાં જુવાન દીકરો અને વહુ ગુમાવ્યા. જય અને જેમિની હજુ નાના છે.’

‘તને જવાબ મળી ગયો. પિતા તને ‘જલારામ’ ખાલી નહોતા કહેતાં. હવે સાર્થક કરવાનો સમય આવી ગયો છે’.

દાદીને ગમ્યું કે આજે પહેલીવાર જલ્પાએ કહ્યું, ‘દાદી આજથી હું સ્ટોર પર જઈશ’. હવે ઘર ચલાવવાની જવાબદારી જલ્પા પર આવી હતી. ભલું થજો જનકે , જલ્પાને ઘણું બધું શિખવાડ્યું હતું. એકાઉન્ટ્સ ભણતી જલ્પા ‘બુક્સ’  જોઈને સમજવાને કાબિલ હતી. મેનેજરે પોતાના અનુભવને કારણે જલ્પાને સહાય કરવાની પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી. જલ્પાએ મનમૂકીને કામ કરવાનું ચાલુ કર્યું. થાકી જતી હતી.

જય અને જેમિની અચાનક પાંચ વર્ષ મોટા થઈ ગયા હતા. દાદીને ઘરમાં સતાવતા નહિ. રજાઓમાં પોતાનું કામ જાતે કરતા. જય, જેમિનીનું ધ્યાન રાખતો. દર રવીવારે સ્ટોર બંધ રહેતો. ઘરમાં બધા સાથે બેસીને જમતા. મમ્મી અને પપ્પાની વાતો કરતા ધરાતા નહી. જલ્પા સાંજે બધાને આઈસક્રિમ ખાવા લઈ જતી. જય, જેમિની કરતાં ત્રણ વર્ષ મોટો હતો. રજામાં તેને થોડું ભણવા માટે પ્રોત્સાહન આપતો. જેમિની નાની હોવાને કારણે રમતિયાળ હતી. જયને થોડું જવાબદારીનું ભાન થયું. દાદી બધાને વહાલ આપતી. બાળકો દેખતાં રડતી નહી. જલ્પા કોઈક વાર રાતના જય અને જેમિની સુતાં હોય ત્યારે દાદીના ખોળામાં માથું મૂકી રડી લેતી. આમ સહુ એકબીજાને ધિરજ બંધાવતાં.

‘ જો બેટા હવે રડે કોઈ કામ સરવાનું નથી. આપણે સહુએ સાથે મળીને જીવન જીવવાનું છે. જયને સાચવવાનો અને જેમિનીને ભણવામાં રસ પડે તેમ કરવાનું. જલ્પાની આંખ ક્યારે મિંચાઈ ગઈ ખબર ન પડી. દાદીએ હવે પોતાની જાત સંભાળી હતી. જલ્પાને ખૂબ સારી શિખામણ આપતી.

“જલ્પા બેટા, તને યાદ છે ને તું એકલી હતી ત્યારે ઘણીવાર રાતના સમયે, મારી પાસે આવીને લપાઇ  બાજુમાં સૂઈ જતી”. જલ્પા ચમકી અરે આ તો મમ્મીનો અવાજ છે. ઉઠીને જેમિનીની બાજુમાં સૂઇ ગઈ. ઉંઘમાં તે ડૂસકાં ભરતી હતી. તેને વહાલ કરી શાંત કરી. ઉંઘમાં પણ નાની જેમિની બોલી ઉઠી,’ દીદી, સારું થયું તું આવી . મને બીક લાગતી હતી’.

જય તો પોતાની બાજુમાં , ‘કેપ્ટન ગુરખા’ને લઈને સૂતો તેથી તેને રાતના ડર ન લાગતો. જલ્પા ચોકન્ની થઈ, બન્ને નાનકાઓને પ્યાર આપતી. અચાનક તે તેમની મા બની ગઈ. ૨૦ વર્ષ જેણે માતા અને પિતાનો પ્યાર બે હાથે મેળવ્યો હોય તે એ સુનહરા દિવસો કેવી રીતે ભૂલી શકે. પોતાની જાતને ભૂલી ગઈ. શાળાઓ ચાલુ થઈ. બધું બરાબર તપાસી તેમને શાળાએ જવા રવાના કર્યા. દાદી , ‘હું સ્ટોર પર જાંઉ છું. તું તારી તબિયતનું ધ્યાન રાખજે. ‘સાવિત્રી’ ઘરનું બધું કામ કરશે.  શાળા ચાલુ થયા પછી સાવિત્રીને ઘરકામ તથા રસોઈ માટે રાખી હતી. દાદી બધું ધ્યાન આપતી. સાવિત્રીને સલાહ આપતી. તેના પર ચાંપતી નજર રાખતી.  ધીમે ધીમે સાવિત્રી ઘરના સભ્યની જેમ રહેવા લાગી. જેથી દાદીનું કામ સરળ થઈ ગયું.

દાદી,’તું જય અને જેમિની આવે એટલે તેમને એકલું ન લાગે તે જો જે. ‘દાદી ખૂબ પ્રેમાળ હતી. પોતાના જનક કરતાં આ ત્રણેયનું વધારે ધ્યાન રાખતી.  છૂટે હાથે પ્રેમ આપી તેમને હુંફ આપતી. જાણે તેને જુવાની પાછી ન મળી હોય? આમ જલ્પાની જીવન ગાડી ચાલી રહી હતી. જય અને જેમિનીના શાળાના પ્રમાણ પત્ર ઉપર ધ્યાન આપતી. ભણવામાં જરા પણ કચાશ ચલાવતી નહી. જરૂર પડ્યે શિક્ષકોને મળી તેમના અભ્યાસ વિષે ખબર રાખતી.

જય તોફાની બારકસ હતો. સારો થવા પ્રયત્ન કરતો પણ ઉછળતું લોહી હતું , જલ્પા વિચારતી ધીમે ધીમે સરખો થઈ જશે.જ્યારે આઠમા ધોરણમાં આવ્યો ત્યારે એકદમ બદલાઈ ગયો. જેમિની બોલતી  ઓછું પણ કામ તેમ જ અભ્યાસમાં નિયમિત હતી. તેના તરફથી જલ્પાને શાંતિ હતી.

દાદી જરા ઢીલી થતી જતી હતી. જલ્પા. ‘દાદી તેં આજે વિટામિન્સની ગોળીઓ નથી લીધી. ‘

‘ના, બેટા લીધી’.

‘દાદી, જો આ રહી.’

‘ ઓ, હું ભૂલી ગઈ’?

જલ્પાનું ધ્યાન કોણ રાખે? આજે થાકેલી જલ્પા સૂવા ગઈ . આંખ મિંચાઇ ત્યાં પપ્પાનો અવાજ સંભળાયો,’ ‘ઓ મારા જલારામ , ધંધાનો બરાબર હિસાબ રાખે છે ને ? પેલા મેનેજર પર નજર રાખજે. તે થોડો અવળચંડો છે. ‘

જલ્પા ચીસ પાડી ઉઠી, ‘હેં પપ્પા તમને બધી કેવી રીતે ખબર પડે છે’.

‘ બેટા મને તારી ફિકર રહે છે’ . યાત્રા કરવા ગયા ત્યારે થોડી ખબર હતી કે આવું થશે?’ જલ્પા રડી પડી.

જલ્પાને સવરે ઉઠતાં મોડું થયું. પપ્પા વહેલી પરોઢિયે સ્વપનામાં આવ્યા હતાં. પછી આંખ મિંચાઇ ગઈ.

‘દીદી, ઉઠને, મારા મોજા નથી મળતાં. જલ્પાને પપ્પાની સાથે ખૂબ વાતો કરવી હતી. ઉઠ્યા વગર પણ ચાલે તેમ ન હતું. આજે જય અને જેમિનીની છમાસિક પરિક્ષા હતી. સવારે સ્ટોર પર જતાં પહેલાં તેમને રિક્ષામાં બેસાડી શાળામાં મૂકી આવી. ‘શાંતિથી પેપર લખજો. ‘

સાંજના ઘરે આવી. થાકેલી હતી પણ બન્ને જણા સાથે વાત કરી. આવતીકાલની પરિક્ષા વિષે જાણ્યું. જેમિની , ગણિતના દાખલા કર્યા પછી બરાબર તપાસજે. ઉતાવળમાં ભૂલ નહી કરતી’.
‘દીદી, ઉતાવળ નહી કરવાનું તો ભાઈલાને કહેવાનું, એ ખૂબ શેતાન છે. હું તો ખૂબ શાંતિથી દાખલા ગણું છું. ‘

જય ઉભો થઈને જેમિનીના વાળ ખેંચવા લાગ્યો.

જલ્પાએ હસીને કહ્યું, ‘વાળ છોડાવવા હોય તો ભાઇની માફી માગ’.

‘સારું સારું. કહી અંગુઠો બતાવી ભાગી ગઈ.’

દાદી આ બધું જોઈ રાજી થતી. તેને જલ્પા પર ખૂબ ગર્વ થતો. ‘આ મારી દીકરી ઘરને સાચવશે. ‘

એકવાર દાદી બોલી, જલ્પા બેટા તારે પરણવાનું?

જલ્પા નારાજ થઈ, ‘દાદી આજે બોલી તો બોલી ફરી પાછો એ શબ્દ ઉચ્ચારતી નહી. તું , જય અને જલ્પાએ મારો સંસાર’. પરણવું એ શબ્દ જલ્પાના શબ્દકોષમાં હતો નહી. અચાનક જલ્પાને માથે જે જવાબદારી આવી હતી તેના વિષે હમેશા વિચારતી. દાદીની વધતી જતી ઉમર. નાનો જય અને જેમિનીનું કોણ ? આમ બે વર્ષ થઈ ગયા. જેમિની સાતમા ધોરણમાં આવી અને જયે દસમું ધોરણ પાસ કર્યું . તોફાની ગણાતો જય જ્યારે ૯૦ ૦/૦ માર્ક્સ લાવી પાસ થયો ત્યારે જલ્પાની આંખમાં બે બિંદુ આવીને અટકી ગયા.

પપ્પા અને મમ્મીના ફોટા પાસે જઈને પગે લાગી. ‘પપ્પા , તમારું સ્વપનું પુરું કરીશ. આપણા ઘરનું ખૂબ ધ્યાન રાખીશ. તમે અને મમ્મીએ મને ખૂબ પ્રેમ આપ્યો હતો. જય અને જેમિનીને જરા પણ ઓછું નહી આવવા દંઉ. ‘

દાદી પાછળ ઉભી રહીને સાંભળી રહી હતી. જલ્પા બેટા , તું મારા જનક કરતા મને વધારે વહાલી છે. દાદી જાણતી હતી જનાર વ્યક્તિ તો જતા રહ્યા, પાછળ રહેનારને જીવ્યા વગર છૂટકો નથી. આનંદનો અતિરેક તો ત્યારે થયો જ્યારે જય, આઈ.આઈ.ટી.ની અઘરી પરીક્ષામાં પાસ થઈ એડમિશન મેળવી લાવ્યો.

વાહ, મારો ભાઇ, તેં તો આપણા ઘરનું નામ રોશન કર્યું. ‘કેપ્ટન ગુરખા’ વગર સૂતો નહતો એ ભાઈ આજે આઈ.આઈ ટીમાં એડમિશન લઈ આવ્યો. જલ્પાનો હરખ માતો ન હતો. પૈસાની ચિંતા હતી નહી. સ્ટોર ચલાવામાં ધીરે ધીરે ફાવટ આવી ગઈ હતી.

“ઝાકળનું બિંદુ સૂરજ જોઈને રડૅ તો તેનું બાષ્પિભવન થઈ જાય. આતો સૂરજને જોઈને ખિલ્યું હતું. તેની સાથે ગેલ કરતું હતું”. જલ્પાને કઈ માટીની બનાવી હતી કદાચ તે મિશ્રણ સર્જનહાર પણ ભૂઈ ગયો હશે. દાદી હરખાઇ. બધા સાથે મળીને ભાઇને મૂકવા પવઈ ગયા. પેલી ‘ઝમકુ’ ખૂબ રડી, જેમિની માટે હવે ભાઇ આદર્શ બની ગયો.

‘ દીદી, અમે તારું નામ રોશન કરીશું’.

‘મારું નહી , પગલી મમ્મી અને પપ્પાનું, દાદી આવ જો મમ્મી અને પપ્પા ફોટામાં મુસ્કુરાય છે’. બોલી મ્હોં ફેરવી લીધું . કોઈ આંસુ જોઈ ન જાય. દાદી સમજી ગઈ પણ બોલી નહી. જયે કોલેજમાં બરાબર ભણીશ કહી સહુને વિદાય કર્યા.

 

 


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: