“ભાષાને શું વળગ્યું ભૂત”

29 07 2018

 

‘ભૂત ભાષા’ને નથી વળગ્યું, ભૂત આપણા (માનવીના) દિમાગને વળગ્યું છે. ‘ભાષા’ ને ભલા ભૂત કેવી રીતે વળગે ? તે તો બિચારી સંપૂર્ણ પણે આપણા તાબામાં છે.  જનમ્યા ત્યારે કઈ ભાષા બોલતા હતાં ? એક જ ભાષા, ‘રડવાની’. જે દુનિયાની દરેક વ્યક્તિ સમજી શકે છે. કોઈ અંગ્રેજી, ફ્રેંચ, સ્પેનિશ કે હિંદીમાં રડતું નથી. ગુજરાતીમાં તો નહી જ ! જેમ મોટું થાય તેમ માતા અને પિતા બોલતા હોય તે ભાષા બાળક  શીખે છે. જેમ જન્મ આપનાર માતા કહેવાય છે, તેમ બોલવાની ભાષાને “માતૃભાષા” કહીએ છીએ.

જો ભાષાનું વર્તમાન ભવ્ય તો ભવિષ્ય ઉજ્જવલ તેમાં શંકાને સ્થાન નથી. આ કાળા માથાનો માનવી ખોટી ખાંડ ખાય છે. શું સમજે છે પોતાની જાતને ? ભાષા પર પ્રભુત્વ તો બાજુએ રહ્યું રોજ બરોજની ભાષામાં પણ મોટો ભમરડો!   આપણે વાત કરી રહ્યા છીએ માતૃભાષા ગુજરાતીની. ‘બાવાના બે બગડ્યા’ની જેમ નથી પાકું ગુજરાતી આવડતું કે નથી અંગ્રેજી, બે જણા ભેગા થાય તો ભાષાની ખિચડી કરીને વાત ચાલુ કરે. ઉપરથી પોતાની જાતને આધુનિક ગણાવે !

જ્યાં પોતાની ભાષામાં ફાંફા પડતા હોય ત્યાં ‘બિચારી’ આપણી રાષ્ટ્રભાષા હિંદીના તો ધજિયા ઉડાવે !

હજુ ગઈ કાલની વાત છે. મારી મિત્ર ન્યૂયોર્કથી આવી હતી. અમારા ઘરની સામે ઘણો સુંદર મોટો બગિચો છે. જેના ચાર ભાગ છે. ‘ટેનિસ’ રમવા માટે,  કૂતરા માટે , નાના બાળકો માટે જેમાં હિંચકા અને લસર પટ્ટી હોય અને અંતે મારા, તમારા જેવાઓને ચાલવા માટેનો હિસ્સો. સામેથી આવતી મારી એક બગિચાની બહેનપણી મળી. બન્નેની ઓળખાણ કરાવી સાથે ચાલી રહ્યા હતાં.

‘ આ સુનિતા હમાણાં થોડા વખત પહેલાં વડોદરાથી આવી છે’.  ત્રણે જણા વચ્ચે વાત ચાલુ થઈ ગઈ. ઘડીમાં ગુજરાતી બોલે, ઘડીમાં અંગ્રજી વચમાં મરાઠી પણ આવી જાય. મારી હાલત કાપો તો લોહી ન નિકળે જેવી થઈ ગઈ. કઈ ભાષામાં કેવી રીતે વાત ચાલુ રાખવી ?

મારી આદત પ્રમાણે જો ભારતથી નવા જુવાનિયા આવ્યા હોય તો, ગુજરાતી સાથે ગુજરાતીમાં અને ઉત્તર પ્રદેશના લોકો સાથે હિંદીમાં વાત કરવાની મારી આદત છે. નવા નવા આવેલાં ભારતિયોને તેથી આત્મિયતા લાગતી. અંહી તેમને ગમતું નથી. જો તેમની સાથે આપણી ભાષામાં વાત કરીએ તો ખુશ થાય છે.

નવા આવેલાં ને ન કોઈ ઓળખે. ન નોકરી કરી શકે કે ન ગાડી ચલાવે. તમે સમજી શકો કેટલાં ગુંગળાઈ મરે. માતા, પિતા , સાસરીવાળા સહુ ભારતમાં પતિ આખો દિવસ નોકરી પર હોય. ઉપરથી ઘરનું બધું કામકાજ જાતે કરવાનું . જો નાનું બાળક હોય તો ૨૪ કલાક તેની પાછળ. આપણા દેશના જુવાનિયાઓને ભણતર અને આવડતને કારણે અમેરિકા આવવાનો મોકો મળે છે તે જેટલું સાચું છે તેટલુંજ તેમની પત્નીઓને અંહી એકલતા કોરી ખાય છે. તેમાંય જો હિંદી ભાષા ન આવડે તો બે હિંદુસ્તાની ભેગા થઈ અંગ્રેજીમાં જ વાત કરી શકે !

અમારા જમાનામાં ગુજરાતી એટલે પાકું ગુજરાતી બોલાય. જો વચ્ચે અંગ્રેજી શબ્દ ઘુસાડ્યો તો લોકોની આંખો ફરે.  અમારા દવે સર અને જયા બહેન જોડણીના ખૂબ પાકા. પરિક્ષાના પેપર પર લાલા ચિતરડાં ચિતરી મૂકે. અંદર શું લખ્યું હતું એ શોધવું પડે.

આ પેલી ‘ઉંઝા જોડણી’, સારું થયું એ નવું “બખડજંતર” જોવા તેઓ જીવતા નથી ! હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈ તે બન્ને વચ્ચેનો ભેદ ન જાણીએ તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનો સમય આવે. એવા કડક છતાં જ્યારે નિબંધ લખ્યો હોય તો કહેશે, “તારો નિબંધ આખા વર્ગને વાંચી સંભળાવ”. ‘તું ગુજરાતીમાં નિબંધ  સરસ લખે છે.

ભાષા સાથે ચેડાં આપણે કહેવાતા વિદ્વાનો કોની પરવાનગીથી કરતા હશે ? હું તો સામાન્ય વ્યક્તિ છું. મારો અભિપ્રાય દર્શાવવાની સ્વતંત્રતા લીધી છે. કોઈનું અપમાન કરવાનો ઈરાદો નથી. પણ ભાષા સાથે જે છૂટછાટ લેવામાં આવી છે તે જરા પણ પસંદ નથી.  એક વાત કહેવાની ઈચ્છા રોકી શકતી નથી. સત્ય કોઈ પણ સમયે, સ્થળે અને સંજોગોમાં સત્ય રહેવાનું. અસત્યનો આંચળો ક્યારે દગો દેશે તેનો કોઈને અંદાઝ હોતો નથી !

આજે આ ઉમરે પણ ગર્વનો અહેસાસ થાય છે. ગૌરવભેર આપણી ગુજરાતી અને હિંદી ભાષા ભણતા. હિંદીમાં તો પરિચય સુધીની પરિક્ષા આપી. કોવિદ વખતે ભણવાનું બહુ હતું તેથી ન આપી શકાઈ.  હા આજે ૨૧મી સદીમાં ઘણું બધું બદલાઈ ગયું.

સહુથી વધુ બદાલાયું હોય તો “માનવીનું મન”. તેમાં પ્રવેશેલી વિકૃતતા અને પશ્ચિમનું આંધળું અનુકરણ આપણને કઈ દિશામાં લઈ જાય છે, તેનું ભાન પણ નથી.

ભાષા એ દેશની કરોડ રજ્જુ છે. જો તેમાં ખોડ ખાંપણ જણાશે તો ભાષા સાથે સંસ્કૃતિ પણ વિખરાઈ જશે. ખરું પૂછો તો અંગ્રેજો એ કરવામાં સફળ થયા છે. આપણા લોહીમાં ભારતિય ભાષા કમ ‘અંગ્રેજી’ વહેતી કરી ગયા. જે માનવ શરીરના ખૂણે ખૂણે ઝેર પ્રસરાવી ગઈ. આજે ૨૧મી સદીમાં જો જરાક પણ અંગ્રેજીની વિરૂદ્ધમાં બોલશો તો લોકો તમને પાગલખાનામાંથી છૂટી આવેલા માનશે. આપણી આધ્યાત્મિકતાને પ્રચંડ ધક્કો અંગ્ર્જીએ પહોંચાડ્યો છે.

અધોગતિએ માઝા મૂકી છે. આપણી ‘શ્રીમદ ભગવદ ગીતા’નું જ્ઞાન  અંગ્રેજીમાં લોકોને વધારે ગમે છે. મૂરખાઈ તેની ચરમ સીમા પાર કરી ગઈ છે.  ‘યોગ’ની વિદ્યા’ નું પ્રસરણ અંગ્રેજીમાં થઈ રહ્યું છે. તેના ઉચ્ચાર સાંભળીને મારા તમારા જેવાનું લોહી ખોળી ઉઠે છે.

‘વસુધૈવ કુટુંબકમ’ની દોડમાં કુટુંબ ્જ વિસરાઈ ગયું. કઈ ભાષામાં આપણે પારંગત છીએ તે કળવું મુશ્કેલ છે. પારંગત ન હોઈએ તો કોઈ વાંધો નથી, કિંતુ ભાષાની ખિચડી કે પુલાવ ન બનાવીએ તો પણ ઘણું.


ક્રિયાઓ

Information

2 responses

30 07 2018
P. K. Davda

બહુ સરસ.

30 07 2018
રક્ષા પટેલ

લેખ ઘણો ગમ્યો! હું ૧૦૦% સંમત છું! જ્યારે લખાણમાં જોડણી અને વ્યાકરણ પર ધ્યાન નથી અપાતું ત્યારે ગુજરાતી ભાષાનું ખૂન થતું જોઈને લોહી ઉકળી ઊઠે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: