ગર્વથી કહું છું, “દોસ્ત હું ગુજરાતી છું.”
સાવ સાચું કહીશ, ” સહુ પ્રથમ હું ભારતિય ” છું . જેનો મને ગર્વ છે. મુંબઈમાં જન્મી, મુંબઈમાં બાળપણ અને જુવાની આવી. ભાષા ગુજરાતી અને માતા તેમજ પિતા ગુજરાતી એટલે હું પણ ગુજરાતી !
ગુજરાતી કુટુંબમાં જન્મ થયો એટલે ગુજરાતી જન્મથી હું કહેવાંઉ. એમાં ખોટું શું છે ? એ મને કોઈ સમજાવશો ? હવે મને સાંભળો. સહુ પ્રથમ ‘હું’ ભારતિય છું. સદીઓ પુરાણો જેનૉ ભવ્ય ભૂતકાળ છે. જે રામ , કૃષ્ણ, મહાવીર અને ગૌતમની જન્મભૂમિ છે. સત્યને અંહિસા જેના પાયામાં ધરબાયા છે. આ ઋષિ મુનીઓની પવિત્રભૂમિ છે.
એ ભારતના પશ્ચિમ દિશામાં ગુજરાત રાજ્ય આવેલું છે. એ ગરવી ગુજરાતના ફરંજદ હોવું એ ઘણી મહત્વની વાત છે. આમ જુઓ તો આ ધરતી પર પગરણ માંડવા એ ખૂબ અગત્યનું છે. પછી ભલેને દુનિયાના કોઈ પણ ખૂણામાં કેમ તમારો જન્મ ન થયો હોય !
ગુજરાતી હોવું એ નસિબની વાત છે. યાદ છે, “જય જય ગરવી ગુજરાત, દીસે સુંદર અરૂણ પ્રભાત’. આ બે વાક્યમાં જ ગુજરાતની ગરિમાના દર્શન થાય છે. ગુજરાત વિષે વિચાર કરતા દિમાગમાં ભરતીનો જુવાળ ઉઠે છે. જ્યારે શબ્દમાં વર્ણવવા બેસું છું ત્યારે નિઃસહાય થઈ જાંઉ છું.
ગુજરાતી હોવાને નાતે ગુજરાતની ધરતી પર પ્રગટેલી મહાન વિભુતિઓએ મારો માર્ગ ચાતરવામાં ખૂબ સહાય કરી છે. નરસિંહ મહેતાની ગિરી તળેટી અને પાટણના પટોળા મારા ખૂબ વહાલા વિષયો છે. ગીરના સિંહ અને અમદાવદની સીદી સૈયદની જાળી ખૂબ સુંદર સ્થળો છે. પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનો દેશપ્રેમ લોહીમાં રક્તકણ બનીને વહી રહ્યા છે. વીરપુરના જલારામ અને સ્વામિ નારાયણના સહજાનંદ સ્વામી વિષે વાંચતા મારા ગુજરાતીપણાનું ગૌરવ ઔર વધે છે.
અરે મારા બાલાસિનોરમાંથી ડાયનાસૌરના અવશેષ પ્રાપ્ત થયા. અને ગુજરાતી ઉપરાંત બાલાસિનોરની વાસીના આનંદનો અવધિ ખૂબ ઉછાળા મારે છે. હા, ગુજરાતી હોવાને કારણે ગાંઠિયા, ફાફડા, જલેબી, થેપલા અને ઢોકળા ભાવે ખરા પણ સંયમમાં ખાવાનો ઈરાદો પાકો છે.
અરે આ બધી વાનગીઓ ,’અમેરિકનોને ‘ ખવડાવીને તેમને પણ અડધા ગુજરાતી કરી મૂક્યા છે. જુઓ, હું ખોટું બોલી, અમેરિકનો, ગુજરાતી નહી ,’ભારતિય’ બન્યા. એ શું ઓછા ગૌરવની વાત છે ? ‘ગુજરાતી હોંઉને ગરબા ન ગમે ? એ દુનિયાની દસમી અજાયબી ગણાય. એક ખાનગી વાત કહું ? જો જો તમે ઘરના છો એટલે કહું છું . જુવાનીમાં નવરાત્રીના નવ દિવસ અપવાસ કરવાના અને પતિ દેવને સજા કે મને રોજ ગરબામાં લઈ જવાની ! ભલે ત્યાં બેસીને તેઓ લાંબી તાણે . કોઈકવાર તો તેમના નસકોરા પણ બોલે.
ગુજરાતી થાળી તો એવી સરસ બનાવીને આવનાર અતિથિને જમાડું કે ખુશ થઈ જાય. તમે નહી માનો, મારા મિત્ર કહે કે ચાલ રવીવારે ગુજરાતી થાળી જમવા જઈએ. મારે કહેવું પડે, ” આવને મારી ઘરે ગરમા ગરમ રોટલી જમાડીશ.’.
ગુજરાતી હોવાને કારણે શરીરમાં આળસ નથી. જોકે આ વાક્ય દરેકને ગુજરાતીને માટે ન કહી શકાય. ગુજરાતીમાં વાંચવું અને બોલવું પણ ખૂબ ગમે. એવા મિત્રો છે, બધા ગુજરાતી હોય અને પોતાને આધુનિક ગણાવવા અંગ્રેજીમાં બોલે. એમાં કેટલું સાચું બોલે છે તે વિષે ન કહું તેમાં જ માલ છે.
લખતા લહીઓ થાય તેમ, ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમે હવે લખવાની કળા પર હાથ અજમાવ્યો છે. નિજાનંદમાં મસ્ત રહી ગુજરાતી ભાષામાં પાના ભરી ભરીને લખું છું. કોઈને ગમે કે ન ગમે મને ચિંતા નથી. અરે ગુજરાતી હોવાની ખાસિયતો તમને ખબર છે ? “ભાવશે, ચાલશે અને ફાવશે”, એ અમારો ખૂબ મહત્વનો ગુણ છે. કોઈ આવે ત્યારે’આવો’ કહીએ પણ જાય ત્યારે કહીએ ,’આવજો’, મતલબ ફરીથી પધારજો ! છે ને કમાલ ગુજરાતી ભાષાની!
ગુજરાતી હોય અને તોફાન ન કરે તો નવાઈ. પછી તે છોકરી હોય કે છોકરો. ‘તોફાની રાણી’, મારું ઉપનામ. સખણી બેસી ન શકું. ગણિતમાં એક્કો . જલ્દી જલ્દી દાખલા ગણી ,બાજુવાળાને હેરાન કરવાના. અરે નાનપણમાં જોગેશ્વરીની ગુફા જોવા શાળામાંથી લઈ ગયા. આઠેક વર્ષની હતી. રાખનો મોટો ઢગલો જોયો. મનમાં વિચાર્યું , ‘માર અંદર ભુસકા’ રાખના ગોટા ઉડશે.
જો જો ગભરાતા, અંદર સળગતા દેવતા હતો. બન્ને પગ દાઝ્યા ,બહાર નિકળાયું નહી. કુદકા માર્યા. અમારા મનુભાઈ સર ગભરાયા, દોડીને આવ્યા મને ઉંચકી લીધી. અરે યાર, ચાર મહિનાનો ખાટલો આવ્યો. આવા તોફાન હતા મારા.
“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત”. ગુજરાતીઓનો આ એક ખુબ અગત્યનો ગુણ છે. તેમનું વર્તન, વાત કરવાની રિતભાત અને ઘરની સુગડતા આંખે ઉડીને વળગે તેવા હોય છે. એમાં અપવાદ હોઈ શકે ! અપવાદ ક્યાં નથી હોતા? કદાચ એમ કહેવું યોગ્ય લાગશે બાળપણની કેળવણી તેમાં અગત્યનો ભાગ ભજવે છે.
ગુજરાતી જે રીતે સાડલો પહેરે છે તે પણ ખૂબ દબદબા પૂર્વકનો જણાય છે. એ ગુજરાતણને હીંચ લેતી અને રાસડા રમતી જોવી એ એક લહાવો છે. તેની અનોખી અદા, ગરવી ચાલ અને નજાકતતા આંખે ઉડીને વળગે તેવા હોય છે. એક હકિકત કહ્યા વગર રહી નથી શકતી.
૬૩ વર્ષની ઉમરે બેંગ્લોર યોગ ભણવા ગઈ હતી. નવરાત્રીમાં ગરબા ગવાયા. અમારી યોગની કોલેજના એક પ્રોફેસર સ્વામી ખૂબ વિદ્વાન અને સુંદર હતા. સ્વામિ વિવેકાનંદ પર જ્યારે બોલે ત્યારે હું મંત્ર મુગ્ધ થઈ જતી હતી. એક રાતે ગરબા જોવા આવ્યા હતા. કદાચ ૧૫૦ વિદ્યાર્થીઓ હશે. ગરબે રમતા જોવાની એમને ખૂબ મઝા આવી ગઈ. જતી વખતે એટલું જ બોલ્યા કે,’ આટલા બધામાં એક જણને જ ગરબા ગાતાં આવડૅ છે’.
ગુજરાતી જ્યાં પણ જાય પોતાની આગવી પ્રતિભાથી ઝળકી ઉઠે.
************************************
આજે એક ગુજરાતણે ગુજરાત અંગે નવું જાણ્યું હવે તો ડાયાસ્પોરા તેથી …
અંદાજે ૪૦% [ભારતીય અમેરિકનો] ગુજરાતી છે, મોટા ભાગના પૂર્વ-આફ્રિકન એશિયન લોકો ગુજરાતી છે. અંદાજે ૧,૦૪,૦૦૦ લોકો કેનેડામાં ગુજરાતી બોલે છે. તેમાંના મોટા ભાગના લોકો ગ્રેટર ટૉરન્ટો વિસ્તારમાં રહે છે, જે ટોરોન્ટોને ઉત્તર અમેરિકામાં આવેલું સૌથી વધુ ગુજરાતી વસ્તીવાળુ શહેર બનાવે છે
યુ.કે.માં લંડન અને લિસેસ્ટરમાં બહોળા પ્રમાણમાં ગુજરાતીઓ વસે છે
‘અમારી યોગની કોલેજના એક પ્રોફેસર સ્વામી ખૂબ વિદ્વાન અને સુંદર હતા. સ્વામિ વિવેકાનંદ પર જ્યારે બોલે ત્યારે હું મંત્ર મુગ્ધ થઈ જતી હતી…’વાતો ખૂબ ગમે છે.આવી પ્રેરણાદાયી વાતો અંગે લખતા રહેશોજી