અરે, મહોલ્લામાં જન્માષ્ટમીની તૈયારી થઈ કે નહી ?
ઘરે ઘરેથી ફંડફાળૉ એકઠો કરીને ભવ્ય જન્માષ્ટમીનો મહોત્સવ મનાવવાનું નક્કી કર્યું હતું. મુંબઈમાં રાતના દસ વાગ્યા પછી સહેલાણીઓને બહાર ફરવા જવાનો સમય હોય છે. હવે એવા સમયે ક્યાં દૂર મંદિરોમાં દર્શન કરવા જવું એના બદલે પોતાના રહેવાના સ્થળે ભવ્ય મડંપ બનાવીને કૃષ્ણ જન્મ ઉજવવાનું નક્કી કર્યું હતું.
પૈસા સારા એવા ભેગા થયા હતા. કૃષ્ણ, રામ કે ગણપતિના નામે પૈસા આપવામાં આપણી પ્રજા ખૂબ ઉદાર છે. ભલેને ૨૧મી સદી ચાલતી હોય આ ત્રણ ભગવાનનું સ્થાન અચલ છે. આ વખતે કમિટિમાં જુવાનિયા હતા. નવો વિચાર, નવી પ્રથા અમલમાં લાવવા ઉત્સુક હતા.
રાતના કૃષ્ણ જન્માના દર્શન કર્યા પછી સવારે નંદ મહોત્સવ કરવાનો હતો. બપોરે બાર વાગ્યા પછી માટલી ફોડવાની હતી. ગોવિંદા આલા રે આલા, માટે સહુ ખૂબ ઉત્સુક હતા. અષ્ટમીને દિવસે દસ વાગ્યા પછી બાર વાગે જન્મ થાય ત્યાં સુધી સરસ ભજનનો પ્રબંધ કરવામામ આવ્યો હતો. લતા મંગેશકરતો નહી પણ તેના જેવા સુરીલા કલાકારોને એકઠા કરી સુંદર કૃષ્ણના ભજનોનો પ્રોગ્રામ રાખ્યો હતો. કૃષ્ણ પધારવાના હોય ત્યાત્ર વાતાવરણ કેટલું પવિત્ર હોય !
આરે આજકાલના જુવાનિયાઓ પણ સંજોગ પ્રમાણે વસ્ત્ર પરિધાન કરવામાં માનતા હોય છે. તેમની સમઝણને દાદ દેવી પડે. યુવાન કાર્યકર્તાઓએ પ્રસાદને અદ્ધર હવામાં ઉછાળીને ફેંકવાને બદલે નાના સુંદર પડિકા બનાવીને ભેગા થયેલા સર્વે ભાવુકોને આપ્યા. અરે, અમુક લોકો તો વસુદેવ અને દેવકી બન્નીને કૃષ્ણને ટોપલામાં મૂકી ગાંડી યમુના પાર કરતા દેખાડ્યા. મામા કંસના જેલના સંત્રીઓ ઝોકા ખાતા હતા અને વાસુદેવ નિકળી ગયા, જોઈને નાના બાળકો તાળિ પાડી ઉઠ્યા.
અરે એક તાજુ જન્મેલું દોઢ મહિનાનું બાળક પણ ત્યાં હાજર હતું. ટોપલામાં સુવાડ્યું તો હાથ પગ હલાવી રહ્યું. લોકોએ તાળીઓથી તેને વધાવ્યું.
સમય સર ઘરે પહોંચ્યા, સવારે નંદબાબાને ત્યાં જશોદા મૈયા લાલાને પારણામાં ઝુલાવવાના હતા ! નાના બાળકો ગોવાળિયા બનીને આવી પહોંચ્યા. નંદ બાબાની ડેલીએથી સહુ બાળકો ખુશીપૂર્વક બાલ કનૈયાના દર્શન કરી મનગમતી ભેટ સોગાદો લઈને જઈ રહ્યા હતા. દૃશ્ય એટલું સુંદર હતું કે ખરેખર , બાલ કનૈયો પારણામા ઝુલી રહ્યો છે. ગોપ , ગોપીઓ અને ગોવાળો હર્ષ પૂર્વક તેનું આગમન વધાવી રહ્યા છે. ઘડી ભર ભૂલાઇ ગયું આ મુંબઈનો લત્તો છે નહી કે ગોકુળની ગલીઓ!
જોઈ યુવાનોની દિલાવરી. ખોટા પૈસા બગાડવાને બદલે ગરીબ કે તવંગર જે પણ બાળકો આવ્યા હતા સહુને ખુશ કરી દીધા. યાદ રાખજો, બાળકો ખુશ તો માતા અને પિતા અનહદ ખુશ !
લાલાને ઝુલાવીને તેના દર્શન કરીને નાચતા કૂદતા બાળકો ગર ભેગા થયા. એકવાગ્યાની આસપાસ માટલી ફોડવા તરવરિયા જુવાનો આવવાના હતા. બાળકો તેમના પર નાખવાના ફુગ્ગાઓમાં પાણી ભરવામાં મશગુલ થઈ ગયા. માટલી ખાસી ઉંચી બાંધી હતી. માટલીમાં મૂકેલા પાંચ હજાર રૂપિયા લેવામાં ખૂબ રસ હતો. બરાબર એક વાગે મોટી ટોળી લઈને યુવાનો આવી ગયા. સાથે ઢોલ ઢબીક્યા અને ગાયનોથી ચારે દિશા ગુંજી રહી. હા, માટલી ફોડતા દસેક વાર માનવ મિનારો ટૂટી પડ્યો. આખરે વિજય પામી પૈસા મેળવ્યા.
નાના બાળકો પાણીના ફુગ્ગાનો વરસાદ વરસાવી આનંદ માણિ રહ્યા.
ખરેખર , કૃષ્ણ જન્મનો આનંદ બાળકોએ ખૂબ માણ્યો અને ત્રણ વાગ્યા પછી થાકેલા સહુ આડે પડખે થયા.
આ વર્ષે જન્માષ્ટમીનો આનંદ અનેરો હતો.
ચાલો ત્યારે, કૃષ્ણ જન્મની વધાઈ આપ સહુને પણ.
સાથે ગાઈએ
“નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી
હાથી દિયો, ઘોડા દિયો ઔર દિયો પાલકી ” !
