પૂજ્ય બાપુ, આજે ૧૫૦મી વર્ષગાંઠ ઉજવતા હૈયું અને આંખો બન્ને ભરાઈ આવે છે. બાપુ, ૨૧મી સદીમાં તમારા વિચારોને કેટલું મહત્વ આપવું અને કેટલુ આચરણમાં ઉતારવું એ ગહન પ્રશ્નનો ઉકેલ શોધું છું. તમે ભારતની ધરતી પર વિહર્યા હતા એ એક સ્વપ્ન લાગે છે. હા, એ હકિકત છે તેમાં શંકાને સ્થાન નથી. અસહકાર, સ્વદેશીની હલચલ, મીઠાનો સત્યાગ્રહ, સત્યની ઉપાસના, પ્રાર્થનાનું મહત્વ બાપુ આ સઘળાં શબ્દો હવે શબ્દકોષ સુધી સિમિત થઈ ગયા છે.
આપણા દેશની પ્રજા બુદ્ધિશાળી છે, તેમાં બે મત નથી. તમારી જેમ પરદેશ જઈ ભણીને બેસુમાર કમાય છે. તે આનંદ તેમજ ગૌરવવંતા સમાચાર છે. હેં બાપુ, તમે પણ પરદેશ ખેડ્યું હતું. બેરિસ્ટર થયા હતા. તમારામાં દેશ પ્રત્યે ભાવના જાગવાનું મૂળ હું શોધીને થાકી. ક્યાંય નરી આંખે દેખાતું નથી ?
હેં, બાપુ તમને હ્રદયમાં ભારતની આજની પરિસ્થિતિ જોઈને ગર્વ કરવાનું મન થાય છે ખરું ? તમારો ‘સત્ય અને અંહિસા પ્રત્યેનો પ્રેમ તો આજે ૨૧મી સદીમાં અભેરાઈ પર ચડી ગયો છે. જો કોઈ થોથાં મળી આવે તો તે કદાચ ધુળ ખાતાં હશે, યા ઉધઈ ખાઈ ગઈ હશે !
મનુષ્ય નામનું પ્રાણી સ્વર્થથી ભરેલો હોય તે જગજાહેર છે. કિંતુ સ્વાર્થની માત્રા જ્યારે માઝા મૂકી માર્ગના દરેક જીવ જંતુ યા માનવને કચડે ત્યારે હ્રદયમાં વેદનાની ટીસ ઉઠે છે ! બાપુ ૨૧મી સદીમાં માનવ ‘પૈસાને’ કેમ આટલું બધું મહત્વ આપતો હશે ? આ ગહન પ્રશ્નનો ઉકેલ પામવો સહેલો નથી !
બાપુ ભારતની પ્રજાએ ઘણી પ્રગતિ સાધી છે. પણ આપણાં ગામડા હજુ જોઇએ તેટલા વિક્સ્યા નથી. ઘણીવાર પશ્ચિમનું આંધળુ અનુકરણ નજરે પડે છે. ત્યારે દર્દ થાય છે. બાપુ છેલ્લા છ વર્ષથી ભારતની સત્તનું સુકાન શ્રી નરેન્દ્ર મોદીજી અને અમિત શાહના હાથમાં આવ્યા પછી હવે જીવ જરા હેઠો બેઠો છે. પ્રગતિની ઝાંખી થઈ રહી છે.
ભારતિય હોવાનું ગૌરવ હમેશા દિલમાં વસેલું હતું, હવે ,’સોનામાં સુગંધ ભળી ‘ હોય તેવી ભાવના અનુભવું છું.
બાપુ ફરિયાદ તેમજ હાલત જણાવવા આ પત્ર ખાસ લખ્યો છે. બાપુ દિલનો ઉભરો ઠાલવ્યો. એ સિવાય બીજું કરી પણ શું શકું ? જુવાનીમાં ઘણું બધું કરવાની તમન્ના હતી . સમય અને સંજોગો પ્રાપ્ત ન થયા. હા, તમે ભલે બોખા મોઢે હસો મારા પર, પણ એ સત્ય છે. સંસારની માયાજાળ્માં ગુંથાઈ હતી. આજે ‘બુઢાપા’ એ ઘેરી છે. છતાં પણ બનતું કરી રહી છું. તમે મારા જીવનનો હિસાબ માગો તે પહેલાં આપી દીધો.
આપના ચરણોમાં વંદન.
શ્રી લાલબહાદુર શાસ્ત્રીજી, ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન જેમનું શંકાસ્પદ હાલતમાં રશિયામાં મૃત્યુ નિપજ્યું હતું. શ્રીલાલ બહાદૂર શાસ્ત્રી તેમની સાદગી અને દેશપ્રેમ માટે પ્રખ્યાત હતા. ” જય જવાન જય કિસાન” નો નારો આપી દેશની પ્રજાને જાગૃત કરી હતી.
દર સોમવારે એક ટંક ભાણું ત્યજવાનું, બતાવી દેશની અન્નની સમસ્યાનો હલ બતાવ્યો હતો. કેવો સુંદર વિચાર. તેમને પણ આજે શત શત પણામ.
બાપુ જે કારણે આજે પત્ર લખવા પ્રેરાઈ તેનું મુખ્ય કારણ તો જણાવવાનું રહી ગયું .
આપને બન્નેને આજે “જન્મદિન નિમિત્તે” ખૂબ ખૂબ વધાઈ. તમારા બંનેના જીવનમાંથી જે લઈ શકાય તે સંદેશો ગ્રહણ કરી જીવન જીવવાનો નમ્ર પ્રયાસ ચાલુ છે.
જય હિંદ