પુનરાવર્તન !

15 10 2019

ટી.વી. ઉપર સમાચાર સાંભળીને અમીનું હૈયુ હલબલી ગયું. કાયમ એના એ જ સમાચાર,

‘આજે કોઈનું ખુન થયું ‘

‘ટ્રેનમાં સફર કરતી કન્યાનું મંગળ સૂત્ર ઝુંટવાયુ’.

‘પાંચ વર્ષની બાળાનું અપહરણ’.

”ત્રીજી દીકરી હતી એટલે ભૃણ હત્યા”.

‘ભર બજારે લાજ લુંટી બે શખ્સો પલાયન’.

‘સોનુ, ટીવી, બંધ કરતો જરા.  આ રિમોટ ક્યાં નાખી દે છે, બધા’? અમી ક્યારેય ગુસ્સો ન કરતી, એ આજે જોરથી બોલી.  ચારે બાજુ ચાલતા તોફાનોનું તાંડવ હવે તેનાથી સહન થતું ન હતું. ખૂબ સુંદર વાતાવરણમાં ઉછરેલી અમી માટે આ બધું અસહ્ય થતું જતું હતું . તેના હાથમાં આનો કોઈ ઈલાજ પણ ન હતો.

તેના માનવામાં ન આવતું કે જગત આવા માણસોથી ઉભરાય છે. બન્ને દીકરીઓ શાળાએ ગઈ હતી. પતિદેવ પોતાની મનગમતી નોકરી પર, સવારના પાંચ વાગ્યાથી દોડમ દોડ કરતી અમી, અમલ વિદાય થાય પછી સરસ મજાનો ચાનો કપ બનાવી શ્વાસ ખાતી. સવારે અમલ સાથે તેને સાથ આપવા અડધો કપ પીતી. ચા, તેને ખૂબ પ્રિય હતી. ચા પીતી વખતે પોતાની સાથે વાત કરવાની તક મળતી. મસ્ત બાદશાહી ચાનો ઘુંટડો ભરતી જાય અને બન્ને દીકરીઓને આજે સાંજના કઈ પ્રેરણા સભર વાત કરીશ તેના વિચારે ચડી જાય.  દીકરીઓને સારા સંસ્કાર મળે અને સુંદર પોતાનું વ્યક્તિત્વ દીપાવે તેવી તેની અભિલાષા હતી. અમીને બરાબર યાદ હતું, તેની મમ્મીએ કેવી રીતે ઉછેરી છે ! ચા પીધા પછી ટી.વી. જોવા લંબાવે.

જ્યારે ટી.વી. માં આવા સમાચાર આવે ત્યારે તેની લાગણિ દુભાય. પોતાની બન્ને દીકરીઓને જતનપૂર્વક ઉછેરવાનો તેનો નિશ્ચય દૃઢ બનતો જાય. અમલ પણ ખૂબ પ્યારો પતિ અને પ્રેમાળ પિતા હતો. બસ હવે દસ દિવસમાં દિવાળીના દિવસોને કારણે ઘરમાં રોનક વધી જશે એના વિચારમાં પડી ગઈ. ઘરની સાફ્સફાઈ લગભગ પૂરી થઈ ગઈ હતી. છૂટી બાઈ પાસે બધા વાસણ મંજાવીને સાફ કરાવ્યા હતા.  પેલો ટોલુ તો દર વર્ષની જેમ એક પછી એક બધા કમરા સાફ કરતો હતો આ વર્ષે બન્ને બાથરૂમો તોડાવીને એકદમ આધુનિક બનાવી હતી.

ટી.વીના સમાચાર અને નવી બાથરૂમ ,ક્યાંથી ક્યાં તેનું મગજ દોડતું હતું.  ટી.વી. જોતા જો બાથરૂમ જવું હોય તો વચમાં રસોડું આવે ! અચાનક તેનું મગજ ‘રસોડા’ પર સ્થિર થઈ ગયું. વર્ષો પહેલાંની વાત છે. આમ દિવાળીમાં ઘરની સફાઈ ચાલતી હતી. અમીની મમ્મીને બધું ઘરે બનાવવાનો શોખ. પપ્પાજીને પણ મમ્મી બનાવે એ સઘળું ખૂબ ભાવે. અમી અને તેની મોટી બહેન તો દિવાળીના દિવસોમાં નાસ્તા ઉપર જીવે.

જમવાની રજા. મમ્મી બનાવે પણ કેટલી બધી વાનગી. મઠિયા, ફાફડા, ઘારી, ઘુઘરા, મઠડી, ચંદ્રકળા. ગોપાપૂરી, ચેવડો અને મજાની તીખી સેવ. હવે આટલી બધી વાનગીઓ ઘરમાં તૈયાર હોય તો કોણ જમવાની માથાઝિક કરે?

અમી અને પમી શાળાએથી આવે એટલે નાસ્તા પર મંડી પડે. જેવી દિવાળીની રજાઓ પડે એટલે જલસો. સવારે મફતલાલા બાથમાં તરવા જાય . ત્યાં ગાંઠિયા અને જલેબીનો ગરમા ગરમ નાસ્તો કરી ઘરે આવે. જમવાના સમયે થોડા દાળ ભાત ખાય અને પછી વારો આવે દિવાળીના નાસ્તાનો. આવી રીતે એક દિવાળી પર મમ્મી નાસ્તા બનાવતી હતી ત્યાં, અમી દોડતી રસોડામાં ગઈ. મમ્મીનું ધ્યાન ન હતું. એકદમ ચમકી ગઈ અને તેલનો તવો ઉંધો વળ્યો. છાલક બધી મમ્મીના મુખ પર.ગરમા ગરમ તેલ ,મમ્મી બૂમાબૂમ કરી રહી.

અમી ખૂબ ગભરાઈ ગઈ. માંડ સાત વર્ષની હતી.  ઘરમાં નોકર હતો. શેઠને ફોન કર્યો. એમબ્યુલન્સ બોલાવી મમ્મીને હોસ્પિટલમાં લઈ ગયા. ખૂબ દાઝી હતી. ડોક્ટરના કહેવા પ્રમાણે એક આંખ સદંતર ગઈ.  બીજી આંખ બચાવવા ખૂબ પ્રયત્ન કર્યા. તેલ ખૂબ ગરમ હતું. મમ્મીના મોઢાની ભૂગોળ બદલાઈ ગઈ.  અમી ખૂબ ગભરાઈ ગઈ હતી. પમી અને પપ્પા તેને સમજાવે પણ તે રડતી બંધ ન થતી.

અમી અને પમી જોડિયા બહેનો હતી. પમી, અમી કરતાં દસ મિનિટ મોટી. મમ્મી હોસ્પિટલમાંથી ત્રણ દિવસ પછી ઘરે આવી. મુખ પર મલમ પટા હતા. ડોક્ટરના કહેવા પ્રમાણે આ બધું મટતા ચારેક મહિના લાગવાના હતા. છતાં પણ પહેલા જેવી સ્થિતિ પાછી થશે, એની કોઈ ખાત્રી નહિ.

જે આવે છે તે જવા માટે ! ચાર મહિના નિકળી ગયા. મમ્મીને ખૂબ દુઃખ સહન કરવું પડ્યું. એ પીડા અસહ્ય હોય છે. અને એમાં મોઢા ઉપર ? મમ્મી ક્યારેય અમીને દોષ ન આપતી. તે જાણતી હતી સાત વર્ષની બાળકીને શું કહેવું. જ્યારે બધું બરાબર થયું , ત્યાર પછી મમ્મીના મોઢા ઉપર ઘણા બધા ડાઘ રહ્યા હતા. સારામાં સારા પ્લસ્ટિક સર્જનની સલાહ લઈ મોઢું સુંદર કરાવ્યું.  હવે તો કોઈ કહી પણ ન શકે કે મમ્મી આટલું બધું દાઝી હતી. એ વાતને ૩૦ વર્ષના વહાણા વાઈ ગયા હતા. મમ્મી કાયમ અમીને કહેતી,’બેટા સંભાળજે બે દીકરીઓ છે’. રસોડામાં કામ કરતી વખતે તેઓ સ્ટવથી દૂર રહે !  અમીને તરત જ પોતાના બાળપણનો કિસ્સો યાદ આવી જતો.

અમી ભૂતકાળમાંથી પાછી વર્તમાનમાં આવી સરી. તેની મોના અને લીસા બરાબર સાત વર્ષના થયા હતા.  આજે સવારથી અમીની ડાબી આંખ ફરકતી હતી. ડાબી આંખ ફરકે એ તો કશું સારું થવાની નિશાની છે. વહેમમાં ન માનતી અમી આજે કાંઈ સારું બનશે એવા સ્વપનામાં રાચી રહી. તેનું દિમાગ આજે ભૂત અને વર્તમાનમાં ઝોલા ખાતું હતું. કશું જ કરવાની ઈચ્છા થતી ન હતી. દિવસભર તો આળસમાં નિકળી ગયો. સાંજે દીકરીઓ  અને અમલ આવે એપહેલાં રસોડામાં કાંઇ રાંધવું પડશે.

આળસ ખંખેરીને ઉભી થઈ રસોડામાં આજે ગરમા ગરમ પકોડા કરીને ચા સાથે ખાવાનું નક્કી કર્યું.  ગેસના સ્ટવ ઉપર તેલ ધીમા તાપે ગરમ મૂક્યું. કાંદા, બટાકા, મરચા, કેળુ અને રીંગણના ગોળ ગોળ પીતા કરી રહી. તેલ હજુ ગરમ થયું ન હતું.  આજે અમલ બન્ને દીકરીઓને લઈને શાળાએથી આવવાનો હતો. અમીને વાત કરી ન હતી. દીકરીઓ પણ મમ્મી ખુશ થશે જાણી ચૂપ રહી હતી.

તેલ ગરમ લાગ્યું એટલે અમી ભજીયા મૂકી રહી. અચાનક મોના આવીને વળગી. સવારથી ભૂતકાળમાં ખોવાયેલી અમી છળી મરી. ઝારો ઉડ્યો. તેલની પેણી બચી ગઈ. પાછળથી અમલે આવી જોરથી અમીને હડસેલો આપ્યો જેથી  ********** !!!!!!!!!


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: