મમ્મી મારી ખૂબ અનેરી
અદભૂત છે યાદો તારી
ઓ જીવનને બક્ષનારી
આંખલડી છે અમી ભરી !
***********************
મમ્મી, જન્મથી બાળપણ અને જુવાની સુધી તારી છત્રછાયા માણી હતી, અનુભવી હતી. હા, ત્યારે એવું લાગતું હતું કે તારા પ્રેમની વર્ષામાં હમેશા ભિંજાતી રહીશ. ખબર છે ને મોટાઈ વિદાય થયા. અવિનાશે મજધારમાં ત્યજી ત્યારે તું સહારો હતી. આજે એ પણ નથી રહ્યો. ખબર છે, હવે શ્રીજીબાવાએ હાથ ઝાલ્યો છે ! હું નહી છોડું, તે છોડશે ત્યારે બસ મુક્તિ પામીશ.
મા, આજકાલ કરતાં ૧૫ વર્ષના વહાણા વાયા. તને ખબર છે, મારું ગણિત પાકું હતું અને છે. વર્ષ , મહિના દિવસ અને કલાક બધું જીભને ટેરવે છે. તને શું કહું, હવે આદત પડી ગઈ છે. તારા આંગણમાં ખેલતી તારી દીકરી હવે જીવનને આરે આવીને, બાકીનું જીવન તારા માર્ગદર્શન પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરી રહી છે.
એક વાતનો ગર્વ હમેશા રહ્યો છે, તારા આપેલા ઉચ્ચ સંસ્કાર અને શિખામણ જીવનમાં દીવાદાંડી બની પથ ઉજાળે છે. મમ્મી ઘણિવાર તારી અને મારી વચ્ચે ગેર સમજૂતિ થઈ હતી. મા તરિકે તેં મને કાયમ માફી આપી છે. આજે અંતરથી ફરી એકવાર ક્ષમાની યાચના કરું છું. બાકી તારો પ્રેમ જીવન જીવવા માટે ખૂબ સહાય રૂપ છે.
મમ્મી તારી એ પ્રતિભાશાળી મૂર્તિ હમેશા આંખ સમક્ષ તરવરે છે. ઠાકોરજી પરનો તારો વિશ્વાસ, મહાપ્રભુજી પરની શ્રદ્ધા કેવા અપાર હતા. તારા વિષે લખવું એ મારી શક્તિની બહારની વાત છે. તેથી ટુંકાણમાં દિલના ભાવ દર્શાવવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો છે.
તારી અણસમજ દીકરીના પણામ