વારસામાં શેઠઈ તેમજ સંસ્કાર લઈને જન્મેલો વિવેક આજે આરામ ખુરશી પર ઝુલતા ઝુલતા વિચારોની દુનિયામાં ખોવાઈ ગયો. જીંદગી ચિત્રપટની જેમ તેની નજર સમક્ષથી પસાર થઈ રહી હતી. દરેક દ્રશ્ય ખૂબ જ રોમાંચ ભર્યા હતા.
ચાંદીની ચમચી ,મોઢામાં લઈને જન્મેલો આજે વિચારી રહ્યો, ક્યાં થાપ ખાધી.આમ જોઈએ તો વાંક તેનો ન હતો. પોતાના માણસો અને મેનેજરો પર મૂકેલો વિશ્વાસ તેને દગો દઈ ગયો. એ પોતે પણ ભણેલો હતો, માણસ પારખુ હતો., ધંધો ચલાવવાની બધી કાબેલિયત ગળથુથીમાં લઈને આવ્યો હતો.
ભલે પૈસાપાત્ર હતો પણ સાથે તેને પોતાની જવાબદારીનું ભાન હતું. પિતા વિજય્હતા ત્યાં સુધી ધંધાની બધી જવાબદારી તેમના શિરે હતી. ઉંમર થઈ અને ૭૫ વર્ષે કેન્સર થયું તેને કારણે ,વિદાય થયા. વનિતા મમ્મી, તો પાંચ વર્ષ પહેલાં બાથરૂમમાં લપસી પડ્યા અને તેમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. નાની બહેન વિધી લગ્ન કરીને અમેરિકા ગઈ હતી.
વિવેક અને શીલા સુખી દંપતી હતા. બે બાળકો સાથે કિલ્લોલ કરતો સંસાર બાગ મઘ મઘતો હતો.વિવેકે ધંધો બરાબર ખિલવ્યો હતો. સાથે સાથે પોતાને ત્યાં કામ કરતાં બધાની કાળજી કરતો. એ બરાબર જાણતો હતો કે સારા કારિગરો અને હોંશિયાર માણસો વગર આવડો મોટો કારોબાર ચલાવવો સરળ ન હતો.
અરે ઘરમાં કામ કરતં નોકરોની પણ ખૂબ જતન પૂર્વક કાળજી કરતો. શીલા પણ ખુબ શુશિલ હતી. વિઠ્ઠલ તો તેમને ત્યાં લગભગ ૪૦ વર્ષથી કામ કરતો હતો. તેને પરણાવ્યો. મુંબઈમાં ખોલી અપાવી.તેના છોકરાઓને ભણાવ્યા, પરણાવ્યા. સારું ભણ્યા એટલે તેઓ સારી નોકરી મેળવી શક્યા.
વિવેક અને શીલાના બન્ને બાળકો ભણી ગણીને પપ્પાને કંપનીમાં કામ કરવા લગભગ તૈયાર થઈ ગયા હતા. આ વર્ષે કોલેજનું શિક્ષણ પુરું કર્યું હતું. ઉંમર માત્ર ૨૨ વર્ષની હતી .બન્ને જણા પપ્પાના શિરેથી બોજ હળવો કરવા માગતા હતા.
વિવેકે કહ્યું,’ તમે પહેલાં બધું બરાબર શિખો. બધા વિભાગનું જ્ઞાન પ્રાપ્ત કરો. હજુ મારામાં તાકાત છે. ઉપરાંત આપણી કંપનીના મેનેજર બધા સારા છે. આખા કુટુંબે યુરોપ ફરવા જવાનો કાર્યક્રમ બનાવ્યો.
જવાના બે દિવસ પહેલાં વિવેકને એક કામ આવી ગયું.
‘તમે લોકો જાવ, લંડન ફરો, હું તમને પેરીસમાં મળીશ’.
બધું જ નક્કી કર્યા મુજબ ચાલતું હતું. બે દીકરા સાથે શીલા નિકળી ગઈ, વિવેક હજુ બધાને વિમાનઘર પર મુકી ઘરે આવે છે ત્યાં તો સમાચાર મળ્યા કે પ્લેનમાં રન વે પર આગ લાગી. મારતી ગાડીએ પાછો એરપોર્ટ પહોંચ્યો. પ્લેન હજુ ઉડ્યું પણ ન હતું.
રન વે પર , અખે આખું બોઈંગ ૭૪૭ આગની લપટોમાં હોમાઈ ગયું. આગ હોલવવામાં નાકામ રહ્યા. એક પણ વ્યક્તિ જીવિત બચ્યું ન હતું. વિવેક ગાંડા જેવી હાલતમાં ઘરે પાછો આવ્યો. આગમાં ભડથું થઈ ગયેલી લાશો ઓળખવી પણ મુશ્કેલ હતી. આ ત્રણે જણા બિઝનેસ ક્લાસમાં હતા તેથી થોડી ઘણી નિશાનીઓ પ્રાપ્ત થઈ. ખેર, શું કામનું ?
જે પણ હાથ લાગ્યું તે લઈ સ્મશાનમાં જઈ બાકીની વિધિ પતાવી. ઘર એનું એ પણ, પત્ની અને બાળકો ક્યાં? વિવેક ગાંડા જેવો થઈ ગયો. સમયનો લાભ ઉઠાવી મેનેજરોએ તેની કંપનીમાં ગોટાળા કર્યા.
વિવેકને કશાની પડી ન હતી. એના માટે જીવન ખારું દવ જેવું થઈ ગયું હતું. બહેન આવી થોડા દિવસ રહીને પાછી જતી રહી. જૂના નોકર વિઠ્ઠલને આ બધી વાતની ખબર પડી. એ હવે ગામ જતો રહ્યો હતો. બાળકો સારું કમાતા હતા એટલે નિવૃત્તિમય જીવન ગાળતો. ખેતીવાડીનું ધ્યાન રાખતો.
મુંબઈ આવ્યો અને વિવેક શેઠને મળ્યો. શેઠની હાલત એનાથી જોવાઈ નહી. પોતાના બાળકોને સમજાવી શેઠની કાળજી કરવા રોકાઈ ગયો.
‘શેઠ હવે, હું મરીશ નહી ત્યાં સુધી આપની સાથે રહેવાનો છું’.
‘જો ભાઈ, મારી પાસે હવે એવા પૈસા નથી રહ્યા. મારે જીંદગી પૂરી કરવાની છે’.
‘શેઠ તમે આવું બોલીને મને પાપમાં ન નાખો’.
બસ હવે પાછાં જાય તે બીજા !
પ્રતિસાદ આપો