ક્રિના અને કેતુ પહેલા ધોરણથી બાળમંદિરમાં સાથે ભણતા હતા. ચોથું ધોરણ પાસ કરીને બન્ને ફેલોશિપ સ્કૂલમાં પણ સાથે દાખલ થયા. બન્ને બાજુમાં બેસતા તેથી મૈત્રી થઈ ગઈ. વર્ગમાં બીજા વિદ્યાર્થીઓ પણ હોય તો ખરા જ ને ! ક્રિનાની બહેનપણિઓ મજાકમાં કહેતી .
‘કેતુ સાથે ખૂબ દોસ્તી થઈ ગઈ છે’?
ક્રિના પણ કહેતી મને એની સાથે ફાવે છે. સ્વભાવનો ખૂબ સારો છે.
એક દિવસ ક્રિના મમ્મીને ફરિયાદ કરી રહી, મમ્મી, છેલ્લા ત્રણ અઠવાડિયાથી કેતુ વર્ગમાં આવતો નથી !
આજકાલ બધાને ‘કોરોના’ સતાવે છે, પણ કેતુને કોરોના નહી કેન્સર થયું હતું. મમ્મીને ખબર હતી ક્રિનાના વર્ગમાં ભણતા કેતુને કેન્સરનું નિદાન થયું હતું. ક્રિના હજુ જાણતી ન હતી. કેતુ વગર ક્રિનાને વર્ગમાં ગમતું નહી. ક્રિનાને આ વાત જણાવવાની મમ્મીમાં તાકાત ન હતી. કેતુને ‘રેડિયેશનની ટ્રિટમેન્ટ ‘ચાલતી હતી.
કેન્સર હજુ શરૂઆતના તબક્કામાં હતું. ડોક્ટરે છાતી ઠોકીને કહ્યું હતું, ‘કેતુ એકદમ પાછો હતો એવો હરતો ફરતો થઈ જશે.કેતુના માતા અને પિતાને ડોક્ટરમાં ખૂબ શ્રદ્ધા હતી. તેની સારવાર દરમ્યાન કેતુને ખૂબ ઉત્સાહમાં રાખતા. નાનું બાળક એટલે જરા નરમ થઈ જાય.
છતાં મમ્મીને ધીરજ બંધાવે, ‘મમ્મી આ ડોક્ટર કાકા છે ને એ કેન્સરના નિષ્ણાત છે. એ તો મને જ્યારે કિમો આપે ને ત્યારે ઢીલો થઈ જાંઉ છું. પણ પછી જો હું અત્યારે કેવો ઘોડા જેવો છું ને ‘!
આમ લગભગ એક મહિનો ચાલ્યું. આજે સવારથી ક્રિના મમ્મીનું માથું ખાઈ રહી હતી. ” જો આજે તું મને કેતુને ઘરે નહી લઈ જાય તો દૂધ પણ પીવાની નથી. જમવાની વાત તો કરતી જ નહી’.
મમ્મી અવાચક થઈ ગઈ. શું’ , ક્રિનાને આટલી બધી લાગણી છે, કેતુ ઉપર ‘?
હવે તેનો ઈલાજ શો?
ક્રિનાની મમ્મીએ કેતુની મમ્મીને ફોન કર્યો. બધી વાત જણાવી.
કેતુની મમ્મી બોલી,’ અમે ગઈ કાલે રાતના કેતુને લઈને હોસ્પિટલમાંથી ઘરે આવ્યા છીએ. અત્યારે કેતુ ઘસઘસાટ ઉંઘે છે. એમ કરો કાલે રવીવાર છે, બાર વાગ્યા પછી ક્રિનાને લઈને આવજો. કેતુ પણ ક્રિનાને ખૂબ યાદ કરે છે. તેને મળીને ખુશ થશે. ‘
કેતુની મમ્મીએ આજે તેને ભાવતી બધી રસોઈ બનાવી. કેતુ ઉઠ્યો એટલે કહે,
‘આજે ક્રિના તને મળવા આવવાની છે. તારા વગર એને વર્ગમાં ગમતું નથી. એને ખબર નથી તને શું થયું છે.’
કેતુ બોલ્યો,’મમ્મી તું ચિંતા નહી કરતી. ‘
કેતુ, નાહી ધોઈને તૈયાર થયો. છેલ્લી વાર તેઓ જ્યારે પર્યટન પર ગયા હતા ત્યારે ફેરિયા પાસેથી લીધેલા ગોગલ્સ ચડાવ્યા. પપ્પાની કેપ કાઢી અને માથા પર પહેરી લીધી. ગળામાં રૂમાલ બાંધ્યો. મમ્મી તો કેતુને જોઈને અવાચક થઈ ગઈ. બધું દુઃખ, દર્દ ભુલી કેતુને ગળે લગાવ્યો. સવારનો નાસ્તો કરી કેતુ વરંડામાં બેસી ક્રિનાની રાહ જોવા લાગ્યો.
ક્રિના આવવાની છે. દર્દ અડધું ગાયબ ! આંખોમાં ક્રિના ને જોવાની અને મળવાની તમન્ના.
બરાબર બાર વાગે ક્રિના મમ્મીની સાથે આવી. કેતુની મમ્મીએ બધું કામ પુરું કર્યું હતું, જેથી ક્રિના અને તેની મમ્મી સાથે આરામથી વાત થાય.
ક્રિના કેતુને જોઈને ખુબ ખુશ થઈ. ‘ અરે કેતુ, તું કેટલો સરસ લાગે છે’.
કેતુ ,’તારી રાહ જોઈને બેઠો છું’. ક્રિનાને જોઈને કેતુ ઉત્સાહમાં આવી ગયો.
રવીવારને દિવસે બપોરના સમયે કેતુએ આવા વેશ કેમ કાઢ્યા હશે. એકદમ બોલૉ ઉઠી,
‘અરે આજે આપણે ક્યાં પર્યટન પર જવાનું છે ? તું તો જુહુ બીચ ગયા ત્યારે જેવો લાગતો હતો એવો આજે લાગે છે’. શાળાએ કેમ આવતો નથી, મને તારા વગર વર્ગમાં ગમતું નથી. તું માનીશ તારી બેસવાની જગ્યા પર હું મારો નાસ્તાનો ડબ્બો મુકું છું’.
‘અરે પગલી બસ સોમવારથી આવીશ’.
જમવાના ટેબલ પર પણ જ્યારે કેતુએ ચશ્મા અને કેપ ન કાઢ્યા તો અચાનક ક્રિના ઉભી થઈ, એક હાથે ચશ્મા અને બીજા હાથે કેપ કાઢી લીધા. કેતુ ને જોઈ પાષાણની મૂર્તિ થઈ ગઈ. જમ્યા વગર મા અને દીકરી ઘરે પહોંચ્યા.
સોમવારે અવારે ક્રિનાના માથા પર પણ ‘કેપ’ હતી.
પ્રતિસાદ આપો