ટુંટીયુંવાળીને ખૂણામાં બેઠી હતી. આડી પડે તો આખો દી’ ખાંઉ ખાંઉ થાય. શું કરવું તેનું ભાન
હોય તો ને ? કોને ખબર હતી ઘડપણમાં આવા હાલ પણ થઈ શકે ? કહેવાય છે. ‘ જવાની, જવાની’!
પણ જવાનીના જોશમાં ક્યાં કોઈ ,કોઈને ગાંઠે છે ? બસ પોતાના તોરમાં સહુને મગતરાં સમજે છે !
‘ઈચ્છા’ પણ ઓછી ન હતી. નગરશેઠની પત્ની, ગુસ્સો તો નાકને ટેરવે બેઠે હોય. નોકર ચાકરને વાતે
વાતે ધમકાવતી.
નગરશેઠ ખૂબ સંસ્કારી અને નરમ હતાં. તેમને સર્વગુણ સંપન્ન કહેવામાં તલભર પણ અતિશયોક્તિ
ન હતી. સમાજમાં તેમના નામના સિક્કા બોલાતાં. જ્યારે ઈચ્છા શેઠાણીથી સહુ સો ગજ દૂર રહેતાં.
તેમનો પડ્યો બોલ ઝિલાવો જોઈએ. પલભરનો વિલંબ તે સાંખી ન શકતાં. આરે બાળકોને પણ
ઘડીભરમાં પઈના કરી મૂકતાં. માત્ર પતિદેવ આગળ તેમનું કાંઇ ચાલતું નહી ! તેમના મુખ પરની
ચમક દમક તેમને આંજી દેતી. ઘણિવાર શેઠ ટોકતાં,’આટલો બધો ગુસ્સો સારો નહી’?
ત્યારે છણકો કરતાં, ‘તમે ચૂપ રહો, આટલા મોટા ઘરનો કારભાર ચલાવવો સરળ નથી ‘.
‘તમને આમાં કાંઇ ગતાગમ ન પડે’ !
‘તમારી ચાંચ આમાં ન ડૂબે’ !
‘તમારી વાતમાં હું માથું મારું છું ? તમે વચ્ચે કાંઈ બોલશો નહી’.
ઈચ્છા પરણી ત્યારે ૧૫ વર્ષની હતી. એની બાળપણની ઈચ્છાઓને સાકાર કરવાનો સમય પામી
હતી.દેખાવમાં ચાંદને શરમાવે તેટલી સુંદર હોવાને કારણે નગરશેઠના ઘરની વહુ બની. તેની
ઈચ્છાઓને કોઈ લગામ ન હતી.. નાથજી શેઠના માતાજીએ ઈચ્છાને સુંદર ર્રીતે કેળવી. નગરશેઠના
ઘરનાં રીત રિવાજ સમજાવ્યા. માણસો પાસે કામ કરાવવાની કળા શિખવી. તેમને સહુ ઈજ્જત
આપતા. તેમનું વર્તન સહજ હતું. મુખ પર દમામ ભારે હતો. હૈયું હોલાનું હતું.
સાસુમા હતા ત્યાં સુધી ઈચ્છા ડાહી ડમરી વહુ તરિકે રહી. જ્યારે તેમનો સ્વર્ગવાસ થયો તેના બીજા
દિવસથી આખે આખી ઈચ્છા બદલાઈ ગઈ. સસરાજી પાંચ વર્ષે પહેલાં ગયા હતા એટલે નગરશેઠ
તેના પતિ થઈ ગયા હતા. નાથજી શેઠના રગમાં ખાનદાની લોહી વહેતું. તેમાં તેમના માતાજી ખૂબ
સંસ્કારી હતાં. નાથજી શેઠમાં સુઝબુઝ સારી હતી. ઈચ્છાની કોઈ મરજી ચાલતી નહી.
જેવા માતુશ્રી ગયા કે શેઠાણી બની ગઈ. તેના સ્વભાવને કારણે છોકરાંઓ પણ ગણકારતાં નહી. નાથજી
શેઠના બધા પ્રયત્નો નાકામ રહ્યા. આખરે ભગવાન ભરોસે છોડી પોતાના કામકાજમાં વ્યસ્ત રહેતાં. દિવસો
કોઈના એક સરખા જતા નથી. અંહી તો વર્ષોના વહાણા વાયા. બાળકોને નગરશેઠ્ની પ્રવૃત્તિમાં કોઈ રસ ન
હતો. બન્ને પરણીને અમેરિકા ભેગા થઈ ગયા. બેથી ત્રણ વર્ષે એકાદ આંટો ભારત મારતા. પિતાજીનો પ્યાર
તેમને ખેંચી લાવતો. માની ઉદ્ધતાઈ તેમને ગમતી નહી. પણ મા સમજતી નહી.
જવાની જવાની, બુઢાપાએ ધીરે રહીને ડૅરા તંબુ તાણ્યા. નાથજી શેઠને હવે કામકાજમાં રસ ન હતો. પૈસા
હતા એટલે વાંધો આવે તેવું ન હતું. કરકસરથી રહેવા લાગ્યા. કામ કરવાવાળાં માણસોની સંખ્યા ઘટાડી.
ઈચ્છાબાને કામ કરવું ગમતું નહી પણ શું થાય ? એમાં નાથજી શેઠ બિમાર પડ્યા. પૈસા પાણીની જેમ વપરાયા.
ખાતાં તો કુબેરના ભંડાર પણ ખૂટી જાય. લાખ પ્રયત્ન કર્યા પણ શેઠનો જાન બચાવી ન શક્યા.
બાળકો અમેરિકાથી આવ્યા, સમાજમાં પ્રતિષ્ઠાને કારણે બધી લૌકિક ક્રિયા કરી પાછા જતા રહ્યા. શેઠની સેવા
ચાકરી કરતાં ઈચ્છાબા પોતે ઘસાઈ ચૂક્યા હતા. તબિયત નબળી થઈ ગઈ હતી. જવાનીમાં કરેલા અત્યાચારને
કારણે કોઈ તેમને ત્યાં કામ કરવા રાજી નહતું. નાથજી શેઠ તો ઝલાં- ઝલાં માં ગયા. ઈચ્છાબાના હાલ ભુંડા
થયા બાળકોએ પૈસાની સગવડ કરી આપી પણ કહેવાય છે,’પૈસાને કૂતરાં પણ નથી સુંઘતાં’ !
બસ ખૂણામાંથી ખાંસવાનો અવાજ સંભળાય છે !
તું ભલે મને અડધે રસ્તે છોડી,છેહ દઈ ગયો !*
સપ્તપદીના ફેરા વખતે આપેલો વાયદો,’ હું મરતે દમ તક પાળીશ. ‘
અભિમાનમાં ચકચૂર જવાની નો સાથ ખાંસી નિભાવે ?
પ્રતિસાદ આપો