અર્પિતા કોલેજના ત્રીજા વર્ષમાં હતી.આ વર્ષે ભાઈના લગ્ન લેવાયા હતા. એના મનમાં
આનંદના ફુવારા ઉડતા, હૈયામાં ઉમંગ માતો ન હતો.રોજ મમ્મી પાસે આવીને શાંતિથી
જાતજાતના નવા તરંગ અને તુક્કા કહી સંભળાવતી. ખૂબ લાડલી બહેન હતી.
વાજતે ગાજતે ઘરમાં ભાભી આવી. ભાભી ખુબ શુશીલ હતી. ભલેને અર્પિતા પોતાનું
ધાર્યું કરતી હોય, ભાભી તેમાં જરાય ખરાબ ન લગાડતી. તે સમજી ગઈ હતી કે અર્પિતા
તેના પતિની લાડલી નાની બહેન છે. ભાભી શાણી હતી , નણંદબાને લાડ કરતી જેને
કારણે તેનું ઘરમાં સમ્માન થતું. અર્પિતાએ ભાભીના થતા માનપાન નિહાળ્યા હતા.
પ્યારમાં ફટવેલી અર્પિતાએ આમાનું કશું શિખવાનો પ્રયત્ન ન કર્યો.
ત્રણેક વર્ષ પછી પાછાં શરણાઈના સૂર ગુંજી રહ્યા. અર્પિતા બહેન પ્યાર કરી બેઠાં.
અર્પિતા, અમોલની થવા ચાલી. અમોલ તેનો કોલેજકાળનો મિત્ર હતો. ક્યારે પ્રેમ થઈ
ગયો ખબર પણ ન પડી. અમોલ અર્પિતાના પિતાની સરખામણીમાં થોડો ઓછો ધનિક
હતો. એક વાતમાં હમેશા માનતો, “વચને કિં દરિદ્રતા”. જેને કારણે અર્પિતાને અંદાઝ ન
હતો કે અમોલ ખરેખર કઈ પરિસ્થિતિમાં રહે છે ! આમ પણ અર્પિતા બિનદાસ હતી.
લગ્ન પછી, તેને હકિકતને અપનાવતા વાર લાગી. ઘરમાં ભાભી અને મા સથે કરતી હતી
એવું વર્તન કરી ન શકાય. પણ આદતથી મજબૂર અર્પિતાને સંયમ રાખતાં ખૂબ મુશ્કેલી
નડી. અમોલની મા, વહુ નવી હતી એટલે ખાસ કશું બોલતી નહી,.મનમાં બધુ સમઝતી.
અમોલના મમ્મીનું મૌન અર્પિતાને તેમની કમજોરી જણાઈ.
અમોલના પિતાજીને નોકરી પર અકસ્માત નડ્યો હતો એટલે પથારીવશ હતા. વાંક શેઠનો
હતો, એટલે હોસ્પિટલનો ખર્ચ પણ આપ્યો અને ઘેર બેઠાં જીવે ત્યાં સુધી આખો પગાર મળે
એવું કોર્ટ દ્વારા નક્કી થયું હતું. ખાધે પીધે સુખી હતા, હવે અમોલ પણ કમાતો હતો. અર્પિતાના
લગ્ન તાજા થયેલા હતા એટલે થોડો વખત જીંદગીની મઝા માણવામાં મશગુલ હતી.
અમોલના પિતાજીની હાલતને કારણે તેના મમ્મી સરલા બહેન ખુબ મૃદુ હતાં. તેમને ખબર હતી,
અમોલ માતા અને પિતાને ખૂબ ચાહે છે. અર્પિતાને પરણી તે સુખી થાય તેવી તેમની મનોકામના
હતી. પિતા તો નરમ તબિયતને કારણે ઉઠવાના પણ ન હતા અને જીંદગીના બાકીના દિવસો
ગૌરવભેર જીવે એ સરલાબહેનની અંતરની ઈચ્છા હતી. કાલની પરણેલી વહુ આ પરિસ્થિતિ
કોઈ પણ હિસાબે સમજી ન શકે એ તેઓ જાણતા હતાં.
સરલાબહેન ખૂબ સંસ્કારી અને માયાળુ હોવાને કારણે અર્પિતા તેમનો ગેરલાભ પણ લેતી. ‘બોલે
તો બે ખાય’ એકદમ મૌન રહેતા. પૂછે તેનો જવાબ. અમોલ ,મા સાથે હોય ત્યારે પેટ છૂટી વાત
કરતો. સરલાબહેન ક્યારેય એક અક્ષર પણ અર્પિતા વિષે બોલતા નહી. અર્પિતા જાણતી હતી
પોતાનો અયોગ્ય વહેવાર, હંમેશા તેને ડર રહેતો મમ્મી અમોલને ફરિયાદ કરશે તો ?
સંસારમાં ચારે તરફથી જાત જાતના સમાચાર મળતા. સરલાબહેનને થતું આવા હાલ મારા પરિવારના
ન થાય તે જોવાની જવાબદારી મારી છે. “સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે”, એ વાક્ય સાંભળિ સાંભળીને
એમના કાન પાકી ગયા હતા. અધુરામાં પુરું સાલસ સ્વભાવને કારણે પોતાની મા તેમજ પતિની મા
બન્નેનો અઢળક પ્રેમ માણી ચૂક્યા હતા,
એવામાં અમોલના પિતાજીનો સ્વર્ગવાસ થયો. સરલાબહેને સ્વમાન પૂર્વક તેમની ઈચ્છા અનુસાર
ક્રિયા કરી. અર્પિતાને ગમ્યું તો નહી પણ અમોલ અને મા વચ્ચે કશું બોલી નહી. જેમ જેમ દિવસો અને
મહિના વિતતા ગયા તેમ તેમ અર્પિતાને સાસુના વર્તન માટે વિચાર કરવાની તક સાંપડી.
આખરે પોતાની ભૂલ જણાઈ. ભૂલની માફી માગે તે બીજા. સરલાબહેનને તેના વર્તનમાં ફરક જણાયો.
પોતાનું સ્વમાન ગૌરવભેર સચવાયું અને શાંતિથી જીવી રહ્યા.
પ્રતિસાદ આપો