વડીલોનો વાંક

22 03 2021

  ઉમર થઈ એટલે હમેશા વડીલોનો વાંક ?  આ વાક્ય,’ આજકાલ’ હવામાં ઘુમરાય છે. ઠંડૅ કલેજે વિચાર કરવાનો સમય કોની પાસે છે ? ખેર, વડીલો જો પોતાની ખેરિયત ચાહતા હો, તો, “મૌનં પરં ભૂષણં” ની નિતિ અખત્યાર કરજો. વગર વાંકના ટિપાઈ જશો. આ વાત માત્ર આપણા માટે સત્ય છે એવું નથી. આજે મારી એક ફ્રેંચ મિત્ર ગાડીમાં ઘરે મૂકવા આવી ,એણે પણ મોઢા પર તાળુ મારી ચાવી ફેંકી દેવાનું ઇશારતથી સમજાવ્યું !   બાળપણમાં “વડીલોના વાંકે” કરીને સરસ ગુજરાતી ભાંગવાડીનું નાટક જોયું હતું.  એ સમયે સ્ત્રીનું પાત્ર પુરૂષો ભજવતા. ‘ગીતા” પર હાથ મૂકીને સોગન ખાઈ કહું છું,’ તેનો એક પણ અક્ષર યાદ નથી’. પછી નાટકના સંવાદ તો ક્યાંથી યાદ હોય. આજે અચાનક બાળપણ અને જુવાની હાથતાળી દઈને વિદાય થઈ ગઈ છે. માનો ન માનો વડીલના પાત્રની ભૂમિકા સહજ અને સરળતા પૂર્વક નિભાવવાનો મનોમન સંકલ્પ કર્યો છે. બાળકો આને સમજે, યા માને કે ન માને કોઈ ફરક પડતો નથી. જ્યાં સુધી આપણે વફાદારી પૂર્વક કામ કરતા હોઈએ પછી કોઈના સહી સિક્કાની શું જરૂર ? પછી તે ભલે ને પરિવાર પણ કેમ ન હોય !

‘વડીલ હોવું એ જો વાંક હોય તો તે મેં કર્યો છે’ !

વડીલ થયા એટલે જાણે નાટકનો અંતિમ અંક ચાલુ થયો.  જો કે વડીલ વાંકમાં ન આવે એવું માની લેવું યોગ્ય નથી. તેનું પણ યોગ્ય કારણ છે. ‘તેમને એમ છે કે અનુભવને કારણે ,મને બધી ખબર છે’. આ ૨૧મી સદી છે, રોજ નવા વિચાર કમપ્યુટર પર જોવા મળે છે. આપણા અનુભવ અને બુદ્ધી આપણા સુધી સિમિત રાખવાની.

શરીરના અંગોની શી વાત કરવી.

મુખ્ય કારણ કાન ગયા હોય કાનપૂર .

યાદદાસ્ત  જીવનની ‘યાદવા સ્થળી’માં ઝઝુમીને ક્યાંક તેજીલી બની હોય કાં ઘાયલ થઈ હોય !

“બાય પાસ ” કરાવી એટલી ગાડીનું નવું એંજીન અને જૂની ગાડી.

કેન્સર થયું એટલે “સ્ત્રીનું’ અંગ કાઢી નાખ્યું.

કાનમાં મૂકાવ્યું હોય  “હિયરિંગ એઈડ”.

આંખમાં ઉતરાવ્યો”મોતિયો”.

દાંતમાં પુરાવ્યું “સોનું”.

માથામાં “કાળાના ધોળા કર્યા યા નકલી વાળ પહેર્યા”.

હાથમાં આવ્યો વા,કે ‘ઓસ્ટિયોપરોસિસ’.

પગમાં બદલાવ્યા “બન્ને ઘુંટણ”.

એક “મુત્રાશય ” (કિડની) કામ ન કરતું હોવાથી કાઢી નાખ્યું.

બાળકો થયા પછી, ‘ગર્ભાશય’ને વિદાય આપી.

હવે જો ઘરના વડીલની આવી સ્થિતિ થાય ત્યારે વાંક ન પડે તો જ નવાઈ લાગે.

વડીલો પાસેથી ઘણું શિખતી. બાળપણમાં ભલે તોફાની હતી પણ શિખવા માટે આંખ અને કાન હમેશા ખુલ્લા રહેતા. જો કે એ બૂરી આદત આજે ખર્યું પાન થઈ  છતાં એટલી જ જોરદાર છે. એક ઠેકાણે વાંચ્યું હતું, જે દિવસથી વ્યક્તિ માનવા લાગે કે મને બધું આવડે છે. હવે કશું શિખવાનું બાકી નથી રહ્યું ! ખેલ ખતમ. તમારું શેષ જીવન વ્યર્થ જશે! બા અને દાદી ગામથી આવતા. તેમની પાસેથી ધીરજના પાઠ ભણતી. મંદીરના મુખ્યાજી બારસને દિવસે ‘સીધુ’ લેવા આવતા. મમ્મીની કેળવણી એવી હતી કે ‘સીધુ’ ખૂબ સરખી રીતે આપવું.  કોઈ પણ કાર્ય હોય, ખૂબ ચોકસાઈ પૂર્વક કરવું. પિતાજીના પૂ. મામા દેશમાંથી આવતા,દિલમાં હમદર્દીનું સામ્રાજ્ય છવાઈ જતું.

રોજ બગિચામાં લટાર મારવા જવું. ફૂલ, પાન, અને ફળ સાથે વાતો કરવી. ભમરાના સમાચાર પૂછવા. ખરી પડૅલાં પાનની વેદના જાણવી. આકાશમાં નિખરી ઉઠેલાં રંગોની લહેજત માણવી. સહુનો વિચાર આવતો, આમાં મારા મનનો કે ઉમરનો શું વાંક ? વાંક માત્ર એટલો જ કે ગામ ગપાટા ન મારતાં ,સારા પુસ્તક વાંચુ.  ગામની પટલાઈ ન કરતાં, જાત સાથે દોસ્તી બાંધું . નવરાશની પળોમાં સૂવા અથવા ફોન ઉપર ‘ચેટ’ કરવા કરતાં શિલાઈ કે ભરત કામ કરું. કુદરત સાથે તો જાણે જનમ જનમ નો નાતો ન હોય.

વડીલથી આવું બધું થાય ? પેલા ચંપક ભાઈ તો રોજ સવારે મંદીરે જાય દર્શન કરવા. આખા ગામની પંચાત કરે અને નવા સમાચારને મીઠું ,મરચું ઉમેરી ગપગોળા ફેલાવે. મને ગમે આકાશ સામે નિરખી તેના નિતનવા રૂપનું મધુરું દર્શન કરવાનું. નભમાં તારા કેટલા છે તે ગણવાનું. આકાશમાં પૂનમની રાતે ચંદ્રમા સાથે ગોષ્ઠી કરવાની.

વળી બાજુમાં રહેતી સરલા બેઠી બેઠી આખો દિવસ ફાક્યા કરે. ઉપરથી કહે, ‘આ ઉમરે મારાથી બહુ ખવાતું નથી’ !

પેલા બેરિસ્ટર મિ. ગોપાલનાથની હું પ્રશંશક હતી. લગભગ ૮૦ વર્ષની ઉમર હશે. સવારના પહોરમાં લટાર મારવા નિકળે. આરામથી ઉગતો સૂરજ નિહાળે. આંખ બંધ રાખીને ધ્યાનમાં બેસે કે ભૂતકાળમાં ડૂબકી લગાવે તે આજ સુધી હું જાણી શકી નથી.  પૈસા પાત્ર હતા એટલે રામજી ચા અને નાસ્તો લાવે. આરામથી વરંડામાં બેસીને આનંદથી તેની મોજ માણે. બાળકોને તેમની જીંદગી હોય ! જેને જ્યારે સમય મળે ત્યારે પિતાજીની ખબર પૂછે. બે વર્ષ પહેલાં ટુંકી માંદગીમા પત્ની વિદાય થઈ, પછી શાંત થઈ ગયા હતા.

તેમનો મનગમતો સમય સાંજના ચાર વાગ્યા પછીનો બગિચામાં બેઠા હોય અને જુવાનિયાઓ તેમની સલાહ લેવા આવે.  જુવાનિયા પોતાની મુશ્કેલીઓ જણાવે. સહુને પ્રેમથી સમજાવે. જરૂરિયાત વાળાને છુપી મદદ કરતાં પણ ન અચકાય. આમ ઉમરને શોભાવે અને શાન બઢાવે તેવી જીંદગી જીવે.  કોણે શું આપ્યું કે શું કર્યું તેનાથી અલિપ્ત.

પેલા જાડૅજા સાહેબ.ઉગતા સૂરજનું મધુરું ગાન સાંભળી પોતાના બેસુરા રાગે તેમાં સૂર પુરાવે. આ એમનો વાંક,’  દીકરો આવીને કહેશે, તમને કેટલી વાર કહ્યું સવારના પહોરમાં રાગડા ન તાણો” !

નીચી મુંડી રાખી ભૂલ કબૂલ કરી લે.’ હવે ધ્યાન રાખીશ, મનમાં ગણગણીશ’.

આમ શું વડીલ થયા એટલે મનગમતું કરવાની છૂટ નહી ? માત્ર બધું જુવાનિયા કહે તેમ જ કરવાનું ? વડીલો ને પોતાની મરજીથી જીવવાનો હક્ક ખરો કે નહી ? જુવાનિયા ભૂલી જાય છે, વડીલો પણ એક દિવસ જુવાન હતા. ઉમર, એ તો માત્ર આંકડા છે. હા, શરીરને તેની અસર જણાય તે કુદરતી છે. બાકી આ મન અને દિલમાં ઉમંગ તો રતિભાર ઓછા થતા નથી. “મરવાના વાંકે, વડીલ થયા પછી બચેલી જીંદગી ન જીવાય “.

જ્યાં સુધી હાથમાં ‘પેલી રેખા’ જણાય છે ત્યાં સુધીના શ્વાસ તો આ ધરતી પર પૂરા કરવાના ને ?

એક વાત કરીશ તો તમારા રૂંવાડા ઉભા થઈ જશે. બે વર્ષ પહેલા મુંબઈ ગઈ હતી.

‘ભાભી, પેલા બાજુવાળા કિર્તનકાકા કેમ છે?’

‘અરે એ તો ગુજરી ગયા.’

‘ ભાભીએ કહ્યું તો ખરું, પણ બે આંખમાં ઝળઝળિયા આવી ગયા. ‘

‘શું થયું ભાભી. તેમની તો તબિયત સારી હતી, હસમુખા હતા.’

‘અરે તું સાંભળીશ, તો તારા કાન તારું કહ્યું નહી માને.’

તને ખબર છે, એકનો એક દીકરો હતો. જૂની જગ્યા વેચી નવો બ્લોક લીધો ઘરમાં જગ્યા તો ઘણી હતી. બ્લોક દીકરાના નામ પર લીધો હતો. દીકરી ના પાડતી રહી પણ તેમણે સાંભળ્યું નહી. તો પણ પોતાની પાસે ૨૦ લાખ રોકડા હતા. રહેવાનું તો વહુ અને દીકરા સાથે જ હોય ને. ઘરમાં નોકર હતો. તે તેમનું ધ્યાન રાખતો. દીકરો ઓફિસે જાય પછી રોજ ઘરમાં કટકટ ચાલુ થાય.

‘હવે આ ઉમરે ખાવાના ધખારા છોડો’.

“આટલું બધું ખાશો ને ઝાડા થશે તો’ ?

જાતજાતના વાગબાણ રોજ છૂટે. હવે પેટ તો સહુને હોય. ભરાય તેટલું ખાવા તો જોઈએ કે નહી ?

એક દિવસ તબિયત સારી ન હતી ને નોકર પાસે મોસંબી મગાવી રસ કાઢવાનું કહ્યું. બસ ,ઘરમાં ધમપછાડા ચાલુ થઈ  ગયા. કંટાળીને વહુ કીટી પાર્ટીમાં ગઈ ત્યારે બારીએથી ભૂસકો માર્યો.

હવે,  આ વડીલોનો વાંક શું ?

ઘણિવાર જુવાનિયા ,જુવાનીના તોરમાં બધો વાંક વડીલોનો જુએ તે સારું ન કહેવાય.

વડીલો મોટું મન રાખે અને બાકીની જીંદગી શાંતિથી ગુજારે. જો કે ઘણા વડીલ ઘરની વાતો બહાર બધાને કરતા ફરે છે તે સારું ન કહેવાય.  તેમણે ધીરજ અને સહનશિલતા કેળવવા જરૂરી છે. વાણીનો વ્યર્થ વિનિયોગ ન કરવો. તેના કરતા મૌન વ્રત અને ધ્યાનની આદત પાડવી.

“વડીલ”ની ઉપાધી ખૂબ મહેનત પછી પ્રાપ્ત થાય છે. આખી જીંદગીના કાર્યનું એ સુંદર મધુરું, મીઠું “ફળ” છે.

સંસ્કારી બાળકો વડીલોને ખૂબ પ્રેમથી સનમાન આપે છે. વડીલોની આમન્યા જાળવે છે.  વડીલોનો ‘વાંક’ નહી તેમની આગવી પ્રતિભા નિહાળી હરખાય છે. તેમણે ‘જીંદગીભર  બાળપણમાં આપેલા સંસ્કારની’ પ્રશંશા કરે છે.

જે ઘરમાં વડીલ ઈજ્જતભેર જીવે છે એ ઘર મંદીર સમાન છે.  વડીલોનું કરેલું ઉપાર્જન હરખભેર વાપરવામાં આખા કુટુંબને ગર્વ થાયછે. બાળકો પર સુંદર સંસ્કાર પડે છે. એક વાત યાદ આવી ગઈ.

જીગર જ્યારે દસ વર્ષનો થયો ત્યારે ગેરેજમાં વારે વારે જતો હતો. મમ્મી વિચાર કરે, ગાડી તો નથી ચલાવતો ને ? માત્ર દસ વર્ષનો હતો એટલે કૂતુહલ થયું.  ડ્રાઇવર આવે કે તરતજ તેને શાળામાં મૂકવા જાય છે. શું કામ ફોગટના આંટા મારતો હશે. જો પૂછે તો ગલ્લા તલ્લાં મારે. એક દિવસ તેની નજર ચૂકવીને તેની પાછળ ગેરેજમાં ગઈ. જોઈને તે આભી થઈ ગઈ. જીગર આ  ‘બધું શું ભેગું કરે છે ?’

‘શેની વાત કરે છે મમ્મી’.

‘આ કોડિયાનો ઢગલો’.

જીગર જોતો હતો, મમ્મી રોજ કોડિયામાં દાદીને ચા અને છાશ આપતી. તેણે પોતે એક વખત પ્રયત્ન કર્યો પણ ભાવ્યું નહતું.

અરે મમ્મી, તું કેમ સમજતી નથી, દાદી ૮૫ વર્ષની થઈ. હવે કેટલા વર્ષ? તેમના ગયા પછી જ્યારે તું એ રૂમમાં આવીશ ત્યારે તને એ બધુ કામમા અવશે ને ?

યાદ રાખજો આવી પરિસ્થિતિમાં ન મૂકાવવું પડૅ તેનો ખ્યાલ રાખજો. બાળકો ધાર્યા કરતા ખૂબ હોંશિયાર હોય છે !

કદાચ વદીલોનો વાંક પડે ને તો પણ ઉદાર દિલ રાખી જવા દેવું જોઈએ. શું બાળપણમાં તમારા કોઈ વાંક ન હતા. કેટલીયે વાર મમ્મીએ પપ્પાજીથી અને પપ્પાએ મમ્મીજીના મારથી તમને બચાવ્યા હતા. અરે જમવા બેસતા ત્યારે કલાક થતો. ક્યારેય માતા કે પિતાએ તમારા પર ગુસ્સો કર્યો હતો. તમને સાઈકલ શિખવાડવા પપ્પા તમારી પાછળ કેટલું દોડ્યા હતા ? બીજ ગણિત આવડતું ન હતું, સમજાવવા પપ્પાજીએ કેટલી રાતોના ઉજાગરા કર્યા હતા.

વડીલના આશિર્વાદ હમેશા લો નહી કે  તેમના –  – જોવાના !


ક્રિયાઓ

Information

One response

23 03 2021
Rajul Kaushik

વાસ્તવિકતાનું શબ્દચિત્ર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: