હલચલ

25 03 2021

આજે સવારથી ઘરમાં હલચલ થઈ રહી હતી. મોના વિચારી રહી, આજે ખાસ શું છે ? અરે, સૂરજ તો પૂર્વમાંથી જ ઉગ્યો છે ! પેલો કાગડો કા કા કરતો બારીએ આવીને રોટલીની આશાએ બેઠો છો. નાનો પૌત્ર કબૂતરને ચણ નાખી તાળીઓ પાડીને ઉછળી રહ્યો છે. પેલી ઢીંગલી જેવી દીકરી પોતાનું કૂતરું બગલમાં દબાવી ઘરમાં દોડા દોડ કરી રહી હતી. સવાર હોય કે સાંજ હોય, જાગતી હોય કે સૂતી હોય તેનું કૂતરું હમેશા તેની બગલમાં જ રહેતું.

તો પછી ફરક ક્યાં છે ? મોના વિચારી રહી પણ સમજવામાં ન આવ્યું. મોનાને આદત પડી ગઈ હતી. કારણ વગર કોઈ પ્રશ્ન કરવો નહી. નિરાલીને પ્રશ્ન સાંભળવો ન ગમતો . તો પછી ઉત્તરની અપેક્ષા શાને રાખવી.

દીકરો અમન અને દીકરી અનન્યા ખૂબ પ્રેમ ભર્યા વાતાવર્ણમાં ઉછર્યા હતા. પૈસાની રેલમછેલ ભલે ન માણી હોય પ્રેમની ગંગામાં સદા તરતા હતાં. પેલી અનન્યા તો પરણીને આલોક સાથે અમેરિકા જતી રહી. દર બે વર્ષે આવતી અને મમ્મી , પાપા તેમજ ભાઈ ભાભીને ખુશ કરી પાછી જતી. સસુરાલ પણ મુંબઈમાં જ હતું એટલે આલોકના માતા પિતાને ભરપૂર પ્રેમ આપી પ્યાર પામતી.

અમનના લગ્ન પછી બે વર્ષ બાદ તેના પિતાજી પ્લેન અકસ્માતમાં વિદાય થયા હતા. મોનાએ પોતાનો મોટો ફ્લેટ અમનને આપી નાના ફ્લેટમાં જવાની મરજી બતાવી તો આલોક ખૂબ નારાજ થયો.

‘મમ્મી તને આવો વિચાર આવ્યો જ કઈ રીતે’?

નિરાલીએ ન બોલવામાં નવ ગુણ માન્યા. જો કે તેના અંતરમાં હતું , ‘ જો મમ્મી એકલા રહેવા જાય તો ખોટું શું છે ‘? કિંતુ બોલીને પોતાની સોનાની જળ પાણીમાં નાખવા માગતી ન હતી. સ્ત્રી, બીજી સ્ત્રીની ભાવના અને મનનિ ઈચ્છા જલ્દી જાણિ શકે છે. પુરુષો એ બાબતમાં ‘બુદ્ધુ’ હોય છે.

ખેર, ફેંસલો લઈ જ લીધો છે પછી કંઈ બોલવાનું બાકી રહ્યું નહી . અમન માને ખૂબ પ્યાર કરતો. માત્ર પ્યાર કરતો એટલું જ નહી વખતો વખત જતાવતો પણ ખરો. નિરાલી તેના હૈયાનો હાર હતી જેણે બે સુંદર જોડિયા બચ્ચા આપી જીવનમાં બહાર લાવી હતી. મોના બન્ને બાળકોનું દિલથી જતન કરતી.

નિરાલી સાસુને ક્યારેય માનો દરજ્જો આપી ન શકી. ઘણિવાર તેના વર્તનમાં લાગતું કે મોના, માત્ર અમનની મમ્મી છે. મોનાએ કોઈ એવો દાવો રાખ્યો પણ નહી. ઉદાર દિલ અને મોટું મન રાખીને રહેતી. તેને થતું, હું હવે કેટલો સમય છું. ગમે તેમ નિરાલી આ ઘરની રાણી છે.

અમન પોતાની કારકિર્દીમાં કૂદકે અને ભુસકે આગળ વધી રહ્યો હતો.. તે હમેશા માનતો, માતા અને પિતાની કાળજી અને પ્યારને કારણે આ

સ્થિતિએ પહોંચવામાં સફળ થયો હતો. તેની સફળતાને આજે બિરદાવવામાં આવી હતી.

નિરાલી, સાંજના તમે સહુ ઓબેરોય પહોંચી જજો. હું સિધો ત્યાં આવી જઈશ. નિરાલીએ સ્મિત સહિત હા પાડી. હવે મોનાને એમ કે મારે તો જવાનું હોય જ. નિરાલીના મનમાં શું હતું તેની એને જરા પણ ખબર ન હતી. મોનાએ અમને ગયા મહિને આપેલી સાડી પહેરવા કાઢી હતી. સાડી ભલે અમન પસંદ કરે પણ કાયમ નિરાલીને આગળ કરી તેને યશ અપાવતો.

નિકળવાના સમય સુધી નિરાલીએ મમ્મીને કશું જ કહ્યું નહી. મોનાને ગંધ આવી ગઈ હતી. નિરાલી તેના રૂમમાં આવી, ‘મમ્મીજી તમારું રાતનું ખાવાનું માઈક્રોવેવમાં મૂક્યું છે. માત્ર ગરમ કરીને જમી લેજો.’

મોનાને થયું શું મને આ પ્રસંગે લઈ જવાનું અમને નહી કહ્યું હોય. પણ મૌનં પરમ ભૂષણં, માં માનતી હોવાથી કશું બોલી નહી. બાળકો અને નિરાલીને જતા જોઈ રહી.

આ બાજુ એમની ગાડી કંપાઉંડની બહાર નિકળી અને મોનાની આંખો કાબૂ ગુમાવી બેઠી. આંસુ રુકવાનું નામ લેતા નહી. જે પુત્ર એની આંખનો સિતારો છે એની આવી તરક્કી અને થતું માન સનમાન જોવાની તેની ઈચ્છા હોય એમાં જરા પણ અતિશયોક્તિ ન હતી.’ માનું દિલ છે ને’ ?

ખેર, આરામ ખુરશીમાં બેસી ગીતા વાંચવાનો પ્રયત્ન કરી રહી. મનોમન કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરી રહી, ‘પ્રભુ, શામાટે આસક્તિ રાખવી. દીકરો અને તેનો પરિવાર ખુશ રહે’. દીકરો સફળતાની સીડી ચડી ઉપર પહોંચ્યો એ એની કાર્ય દક્ષતા પૂરવાર કરે છે. ક્યારે આંખો મિંચાઈ ગઈ ખબર પણ ન પડી.

અચાનક કર્ણપ્રિય અવાજ કાને પડ્યો. ‘અરે, મમ્મી તમે કેમ અંધારામાં બેઠા છો? ચાલો જલ્દી તૈયાર થઈ જાવ. તમે ભૂલી ગયા આજે મારું સનમાન થવાનું છે. મહારાષ્ટ્રના ગવર્નર આવવાના છે. તારા દીકરાને માન આપવા’.

હા, બેટા મેં તારી અને નિરાલીની વચ્ચે થતી વાત સાંભળી હતી. પણ બેટા મારા જેવા ઘરડી વ્યક્તિની ત્યાં શું કામ ?

‘મમ્મી, તું શું બોલે છે ! તેનું તને ભાન છે. તારા અને પપ્પાજી વગર હું આ સ્થાને પહોંચી શક્યો હોત ખરો ‘?

મોના. દીકરાનું વચન સાંભળી લહેરાઈ ઉઠી. હા બેટા હું દસ મિનિટમાં તૈયાર થઈ જઈશ.

ઓબેરોય હોટલ પર મોનાનો હાથ પકડીને અમન જ્યારે સભાગ્રહમાં દાખલ થયો ત્યારે સહુ તાળીઓના ગડગડાટ વચ્ચે મા અને દીકરાનું અભિવાદન કરી રહ્યા. અમનના બાળકો દોડીને દાદીને ભેટી પડ્યા. નિરાલી, મનમાં લજવાઈ પણ મ્હોં ઉપર હાસ્ય વિખેરી તાળીથી બધાની જેમ સ્વાગત કરી રહી !


ક્રિયાઓ

Information

One response

27 03 2021
Bhavana Patel

Realistic ad nice, Enjoyed it.🙂👌👌

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: