ઘરના ઘાતકી

12 04 2021

આ ‘શબ્દો’ વિષે કશું લખવું એ, હાથના કંગન માટે આરસી જેવું છે. દુનિયામાં જીવવા માટૅ કોઈ પણ વિપરિત પરિસ્થિતિ હોય, પહોંચી વળાય ! ખિસામાં પૈસા હોય કે ન હોય, શિંગ ,ચણા ખાઈને જીવી શકાય ! સૂવા માટે માથે છાપરું, ઘર કે મહેલ હોય કે ન હોય, ફુટપાથના બાંકડા પર લાંબી તાણી શકાય ! પોતાની આવડત પ્રમાણેની નોકરી હોય કે ન હોય, મજદૂરી કરી રોટલો રળી શકાય ! પણ ઘરના જ્યારે વેરી બને ત્યારે આખું કુટુંબ ફનાફાતિયા થઈ જાય.

વિચાર કરો કુટુંબમાં એક ગદ્દાર પાકે તો  કુટુંબના સહુને રસ્તા પર રઝળતા કરી શકવા સમર્થ છે. સ્વાર્થી મનોવૃત્તિ , ધંધાના ચોપડામાં ગોટાળા, માતા કે પિતાના બેંકના ખાતામાં  સહી દાખલ કરવી. બસ પતી ગયું. આખા કુટુંબની ઈજ્જત અને સુખ સાહબીને પૂર્ણ વિરામ આવી જાય. ભલેને એક માતાને ચાર બાળકો હોય, એક આવો નબિરો હોય તો પૂરતો છે. ઈશ્વર કરે ને કોઈના કુટુંબમાં આવા નબિરા ન પાકે. પણ જ્યારે આવે ત્યારે ઘરની કેવી દુર્દશા થાય એ વર્ણવવું ખૂબ કઠિન છે.

બસ આવું કાંઈક અમુલખ શેઠના કુટુંબમાં બન્યું હતું. જેવું નામ તેવી દોમદોમ સાહ્યબી તેમના ઘરમાં હતી. સહુથી મોટો દીકરો અમોલ બાપાનો પડ્યો બોલ ઝિલતો. માનો પણ ખૂબ લાડલો હતો. ઘરનો કુળ દીપક હતો. કેમ ન હોય ? વળી પત્ની પણ ખૂબ સંસ્કારી મળી હતી. ખાનદાન કુટુંબની ગર્ભ શ્રીમંત કુટુંબમાંથી આવતી હતી. નાની બે નણંદ અને એક દિયર હતો. દિયર સહુથી નાનો હતો. લગભગ આઠ વર્ષનો જ્યારે અવનિ પરણીને આવી ત્યારે. ઘરમાં બધાના દિલ જીતી લીધા હતાં.

બે બહેનો જોડિયા હતી. એકદમ સરખી દેખાય. ઘરનાને પણ તકલિફ પડે ઓળખવામાં. જેને કારણે શયતાનિયત એક કરે અને સજા બીજી ભોગવે. મમ્મી અને પપ્પાને સતાવવામાં ખૂબ દિલચશ્પી હતી. અમોલ હોંશિયાર હતો. એણે કાંઈક અલગતા બે બહેનોમાં શોધી કાઢી હતી એટલે એ થાપ ન ખાતો. નાનો આલાપ આ બધાથી મુક્ત હતો. એને તો ઘરમાં બધા ‘દુધ પૌંઆ’માં ગણી લેતાં. ભાભી લાડ કરતી જેને કારણે થોડો બગડૅલો પણ હતો. મમ્મીને તો એમ કે મારી વહુ સારી છે, દિયરને પ્રેમથી રાખે છે.

આલાપ અને અમોલ વચ્ચે લગભગ ૧૫ વર્ષનો તફાવત હતો. અમોલ મોટો તેથી પિતા બધી વાત તેને કરતા. આલાપ તો તેને જાણે પોતાનું બાળક ન હોય તેમ લાગતું. આલાપ પણ ભાઇ અને ભાભીની ખૂબ ઈજ્જત કરતો.આમ વર્ષોના પાણીના રેલાની જેમ પસાર થઈ ગયા.

ટીના અને મીના ભણવામાં ખૂબ પારંગત હતી. તેમાંય નાની મીના જે માત્ર પાંચ મિનિટ જ નાની હતી, તેને ભગવાને ‘મગજની જગ્યાએ કમપ્યુટર’ બેસાડ્યું હતું. ટીના લાખ પ્રયત્ન કરે તેની બરાબરી ન કરી શકે. આખરે હાર માની લીધી. બન્ને સાથે એક જ વર્ગમાં હોવાને કારણે ટીના, મીનાની સલાહ માનતી, મીના કાયમ વર્ગમાં પ્રથમ આવે. ટીના માંડ દસ કે અગિયારમાં નંબરે પહોંચે. ગમે તે હોય બન્નેને એકબીજા વગર પલભર પણ ન ચાલે. હવે તો કોલેજના પગથિયા સાથે ચડ્યા. ટીના એન્જીનિયરિંગમાં ગઈ મીનાને ડોક્ટર બનવું હતું. અમુલખ બધા બાળકોની પ્રગતિ જોઈ હરખાતા.

અમોલ અને અવનિ બે બાળકોના માતા પિતા બની ચૂક્યા હતા. બન્ને બહેનોએ પોતાનું ભણતર પુરું કર્યું, બસ તેમના હાથ પીળા કરવાની ધમાલમાં સહુ પરોવાઈ ગયા. નસિબ કેવા સુંદર બે જોડિયા ભાઈઓને આ બન્ને બહેનો પસંદ પડી ગઈ. રંગે ચંગે લગ્ન પતાવીને બહેનોને સાસરે વિદાય કરી. અમુલખને બન્ને દીકરીઓ આંખની કીકી સમાન વહાલી હતી.

તેમને વિદાય કર્યા પછી તેની તબિયત નાદુરસ્ત થઈ ગઈ. પુરૂષ હમેશા લાગણિ પ્રદર્શિત કરવામાં કંજૂસ રહ્યો છે. અમુલખ પોતાનો દીકરીઓ પ્રત્યેનો પ્રેમ દબાવી રહ્યો. જેને કારણે ધંધામાં એકાદ ભૂલ કરી બેઠો. અમોલ આ સમયે બાલકો સાથે બહારગામ ગયો હતો. આવ્યો ત્યારે ખબર પડી. ખૂબ મોડું થઈ ગયું હતું.  આલાપ તો અમેરિકામાં ભણી રહ્યો હતો. તેને કશી ખબર ન હતી.

ટીના અને મીનાને ખબર પડી. માતા અને પિતાને સાંત્વના આપી. આ બાજુ આલાપને મોકલાતા પૈસા અચાનક બંધ થઈ ગયા. અમુલખથી આ કારમો ઘા સહન ન થઈ શક્યો. એને લકવાનો હુમલો આવ્યો અને સંપૂર્ણ પણે પથારીવશ થઈ ગયો. અમોલ, આલાપ અને ટીના તેમજ મીનાની મમ્મી હંસાબાએ ક્યારેય ધંધાના કામમાં માથુ માર્યું ન હતું. તેમેને અવનિ પર વિશ્વાસ હતો. અવનિએ અમોલને વિશ્વાસમાં લીધો.

અરે, ‘સાંભળો છો”?

“હા, બોલ શું કહે છે’?

‘પપ્પાએ કરેલી ભૂલને કારણે ધંધામાં મોટી ખોટ આવી છે. બ્ન્ને બહેનો તો પરણીને સાસરે જતી રહી. આપણા બાળકોનો તો વિચાર કરો “?

‘અમોલને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. પપ્પાના રાજમાં દોમ દોમ સાહ્યબી ભોગવી હતી. આજે જ્યારે વખત સાથ ન આપતો ત્યારે નજર ફેરવી લેવાની’!

અવનિ તો બસ પુંછડું પકડીને બેઠી હતી. ” મારી તેમજ આપણા બાળકોની ચિંતા તમે નહી કરો તો કોણ કરશે’?

અમોલ માથું ખંજવાળી રહ્યો. અવનિનો અવાજ ગુસ્સામાં જરાક મોટો થઈ ગયો હતો.  આ વાત અમુલખના કાને પડી ગઈ. સહુથી પ્રથમ કામ અમોલે આલાપને પૈસા અમેરિકા મોકલવાના બંધ કર્યા. અમુલખ આઘાત સહન ન કરી શક્યો. બસ ચાર દિવસમાં ઉંઘતા અમુલખને મૃત્યુએ પોતાની પાસે બોલાવી લીધો. હવે ધંધામાં આડુ અવળું કર્યું પછી અમુલખતો શાંતિની નિંદ પામી ગયા.

અમોલને માથે આભ ટૂટી પડ્યું. પોતાના અને બાપાના કારનામાને કારણે હાલત કફોડી થઈ. અવનિને આજે અચાનક પોતાના બાળકો યાદ આવ્યા. હજુ બધા નાના હતા. ઘરની જવાબદારી એના માથે હતી. સાસુમાના બધા ઘરેણા સગેવગે કરી દીધા. પોતાના નામનું બેંકમાં લોકર ખોલાવી બે ચાર વસ્તુ રાખી બધી નવા લોકરમાં મૂકી આવી. જેમાં પોતાની અને તેના પતિની સહી ચાલતી હતી.

અમોલને આ પસંદ ન આવ્યું પણ,’ કોની માએ સવાશેર સુંઠ ખાધી છે કે બૈરીની હા માં હા ન મિલાવે ” ! નીચી મુંડી રાખીને જેમ ચાલે છે તેમ ચાલવા દીધું. પત્નીના હુકમથી નાના આલાપને અમેરિકા પૈસા મોકલવાના બંધ. આલાપ ડાહ્યા માતા અને પિતાનો દીકરો હતો પહેલેથી સંયમ હોવાને કારણે પૈસા બચાવ્યા હતા અને ‘યુનવર્સિટીમાં નોકરી’ કરી કમાતો પણ હતો. હવે તેણે એકદમ ખર્ચો ઓછો કર્યો.

હંસાબા ઘરની વાતમાં બહુ માથુ મારતા નહી. પોતાના મોટા પુત્રને ‘રામ’ ગણતા. હવે આ રામ ક્યારે રાવણમાં ફેરવાઈ ગયો તેનો તેમને અંદાઝ પણ ન હતો.

અમોલે નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી. જીવનની નગ્ન હકિકતથી વાકેફગાર થયો. સ્વીકારી જીવનમાં નાસીપાસ નહી થવાનો

દૃઢ નિશ્ચય કર્યો !


ક્રિયાઓ

Information

One response

13 04 2021
Vimala Gohil

ઘરના જ્યારે વેરી બને ત્યારે આખું કુટુંબ ફનાફાતિયા થઈ જાય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: