ડાબોડી

15 04 2021

વાંચવામાં આવ્યું કે ડાબોડી લોકો ખૂબ હોંશિયાર હોય છે. જમણે હાથે કામ કરતાં વધારે ચડિયાતા. ભાઈ વહેમની પણ કોઈ હદ હોય કે નહી? હવે આઈનસ્ટાઇન અને ન્યૂટન ડાબોડી હતા, એટલે શું બધા ડાબોડી એવા હોંશિયાર થવાના?

મને ડાબા કે જમણા હાથ વડૅ કામ કરનાર તરફ કોઈ પક્ષપાત નથી. હાથ, હાથનું કામ કરે. તેને અને મગજને કોઈ સીધો સંબંધ ખરો? હા, ડાબુ મગજ ,જમણી તરફના શરીરનું સંચાલન કરે છે. ડાબી બાજુનું મગજ ,જમણી બાજુના શરીરનું. શાળાના અભ્યાસ દરમ્યાન આપણે સહુ ભણ્યા હતાં.

એક મજાનો પ્રસંગ અમારા કુટુંબમાં હમેશા બનતો. બે ભાઈઓ બહાર જમવા જઈએ ત્યારે સાથે જ બેસે. મોટો ડાબોડી અને નાનો જમણા હાથેથી બધું કામ કરે. ખુરશી પર હમેશા વિચારીને બેસે, નહી તો બન્નેના હાથ ભટકાય અને પછી ભાઈઓની થાય મારામારી.

‘તેં મને કોણી મારી’.

‘તું અંદર રાખને’.

‘તને ખબર નથી હું ડાબા હાથે ખાંઉ છું’?

‘તો તું બહાર હાથ આવે તેમ કેમ નથી બેસતો’?

ધીરજથી હું કહું,’ ચાલો બન્ને જણા હાથ મિલાવો અને જગ્યા બદલો’.

વાતનું વતેસર થાય તે પહેલા બન્નેને ઠંડા પાડી દઈએ, એટલે મામલો બિચકતો અટકી જાય.

મારી મમ્મી નાના હતા ત્યારે જમણા હાથ પર ભાર મૂકતી. પશ્ચિમના સંડાસ તો આજે આવ્યા. યાદ છે ને આપણા જૂના અને જાણિતા સંડાસ.

ડાબા હાથવાળા મારા દીકરાની બુદ્ધિ સતેજ છે કે નહી તે જાણવા કરતાં મારે મારી બુદ્ધિ  સતેજ અને તિક્ષ્ણ રાખવી પડે ! બન્ને બાળકો માટે કાંઇ પણ ખરીદવા જાંઉ તે વખતે સદા યાદ રાખવાનું મોટાને માટે ડાબા હાથે વપરાય તેવી વસ્તુ લેવી. નહી તો બદલાવવા મારે જ પાછો ધક્કો ખાવો પડે.

બેઝબોલ રમતી વખતે એને માટે ‘ગ્લવ’  જમણા હાથનો લેવાનો. એ ડાબા હાથે બોલ ફેંકે અને જમણા હાથે પકડે.

ડાબા હાથે લખે , ડાબા હાથે જમે. જમવાની તેને હજાર વાર ના પાડી પણ માને નહી. હવે તેનો પણ શું વાંક કાઢવો. એ ‘ડાબોડી ‘ છે.

મને એમ લાગે છે તે ડાબોડી હશે કારણકે તેનું જમણું મગજ જરા વધારે પડતું સતેજ હશે. આ મારું અનુમાન છે. સાચું હોઈ શકે તેની કોઈ બાહેંધરી હું આપતી નથી !એક વસ્ત મેં ખાસ નોંધી છે. આપણા ગુજરાતીઓનું સહુથી વધુ મનગમતું ફરસાણ કયું ? વિચારો, જવાબ ખૂબ સરળ છે.

‘ભજીયા અને બટાટા વડા’.

હવે આ કહેવા પાછળનો મુદ્દો ખૂબ રમુજી છે. જે ડાબોડી હોય તે ભજીયા જમણા હાથે મૂકી શકે. તળાઈ રહે એટલે કાઢવા માટે ડાબે હાથે ઝારો પકડૅ અને કાઢે. સમજ્યા કે વિગતે બતાવું ! ભજીયા મૂકતા હાથ ખરડાય પણ ડાબે હાથે કાઢે એટલે તેમનો ઝારો ક્યારે ગંદો નો થાય ! આ તો થઈ રસોડાની રાણીની વાત. પેલા રાજાને કેમ વિસરાય ?

મારા પતિદેવ ખુદ ડાબોડી હતા. એમને હું જે પણ કાંઇ કહું તો મારે અરીસામાં બતાવવું પડે. મારી સાડીમાં પીન નાખવાનું તેમને હિમાલય ચડવા જેટલું કપરું લાગે. એમના માથામાં તેલ ઘસી દંઉ તે ખૂબ ગમે . પાછા કહે ડાબે હાથે કરને તો એ બાજુનું મગજ પણ ઠંડુ થાય.

હું કહેતી, ‘હું જમણે હાથે બન્ને બાજુ સરસ મસાજ કરી દઉં છું’ પણ તેઓ માને જ નહી !

મારી સાથે ભણતી સુલુ જ્યારે પરણવા બેઠી ત્યારે હસ્ત મેળાપ વખતે ડાબો હાથ આગળ ધર્યો. સુકેતુ મૂછમાં મલકાયો. ‘અરે પગલી લગ્ન વખતે તો જમણો હાથ મારા હાથમાં આપ.’ સુકેતુ બરાબર જાણતો હતો સુલુની પ્રવીણતા ઉપર તો વારી ગયો હતો. ઘણિવાર વિચારતો આટલી બધી આવડત તેનામાં કેવી રીતે ઠાંસી ઠાંસીને ભરી છે. સુલુ હસી પડી , ડાબો હાથ પાછો ખેંચ્યો અને જમણો હાથ સુકેતુના હાથમાં સરકાવ્યો. ગોર મહારાજ જ્યારે તેના પર ઉપરણો વીંટી રહ્યા હતા ત્યારે  બે હાથના મિલાપને કારણે ઉદભવેલા સ્પંદનોના અહેસાસે તેનું મુખ રાતુચોળ થઈ ગયું હતું.

જો કે ઘણી વ્યક્તિઓ એવી હોય છે બન્ને હાથે એક સરખું કામ કરી શકે. પણ એવું જવલ્લે જોવા મળે.

ડાબા હાથમાં ખંજવાળ આવે તો માનવામાં આવે છે કે ,’લક્ષ્મીની મહેરબાની વરસે’. જમણા હાથમાં આવે તો કેમ નહી ? મારા મત પ્રમાણે ડાબોડીઓની મહત્વતા વધારવા માટે આપણે ગુજરાતીઓએ આવું અર્થ ઘટન કર્યું છે.

પેલી રેશ્માને જોવા રાહિલ આવ્યો ત્યારે ખૂબ ગમ્મત થઈ હતી. રેશ્મા અને રાહિલ કોલેજમાં સાથે ભણતા હતા. રાહિલની મમ્મીને રેશ્મા ખૂબ ગમી ગઈ હતી. મળતાવડી પણ એવી કે વાત ન પૂછો. રેશ્માના ઘરમાં પણ દાદા અને દાદી હતા. તેને સંયુક્ત પરિવારનો શોખ હતો. હવે ૨૧મી સદીમાં આવી વિચારધારા ધરાવતી વ્યક્તિ દીવો લઈને શોધવા જઈએ તો પણ ન મળે.

રેશ્માને રાહિલ ખૂબ સારી રીતે ઓળખતો હતો. રાહિલના મમ્મી જાણતા હતા. પણ રેશ્માને ત્યાં કોઈને ખબર ન હતી. રેશ્માને ડર હતો કે જો મમ્મી અને પપ્પા જાણશે કે રાહિલ બ્રાહ્મણ નથી અને જૈન છે તો ?

રાહિલના પપ્પા અને મમ્મી સાથે આવ્યા હતા. રેશ્માના મમ્મી અને પપ્પા સહુને મળી પ્રભાવિત થયા. બધા સાથે ટેબલ ઉપર ગોઠવાયા હતા. ગરમા ગરમ નાસ્તા આવી રહ્યા હતા. રેશ્મા સહુને આપવા ઉઠી. આદત પ્રમાણે ડાબા હાથે પિરસતી હતી. રેશ્માના મમ્મી બોલ્યા, ‘બેટા, ડાબા હાથે ન પિરસાય”!

સાહિલના મમ્મી બોલી ઉઠ્યા, ‘મને રેશ્મા એટલે તો ખૂબ ગમે છે, તે પણ મારી જેમ ડાબોડી છે ‘.

‘તમને કેવી રીતે ખબર’ ?

‘રેશ્મા તો અમારે ત્યાં છેલ્લા છ મહિનાથી આવે છે. મને તેની ઘણી આદતની ખબર છે’.

બોલ્યા પછી થયું કે ,’કાચુ કપાઈ ગયું ‘!

રેશ્માના મમ્મીએ વાત ખૂબ સહજતાથી લીધી. મહેમાનોના ગયા પછી, રેશ્મા પોતાના રૂમની બહાર ન નિકળી.

ખબર હતી સવાર સુધીમાં મમ્મીનો પારો ઉતરી જશે. ‘ ભાંડો ફૂટી ગયો !

અરે ભાઈ ‘ડાબોડી હોય કે જમણોડી’, શું ફરક પડે છે ? ડાબોડી હોય તેનું જમણું મગજ ખૂબ કસાયેલું હોય . બધું સરખું જ છે ને . મૂકો ને પંચાત .

હું તો ડાબોડી નથી . તમે છો ?


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: