આ જીવન **********

17 04 2021

રોજ સવારે નોકરી પર જવાનું. સાંજના છ વાગે છૂટીને સિધા ઘરે આવવાનું. છેલ્લા દસ વર્ષથી આ કાર્યક્રમ નક્કી હતો.સૂરજને થતું ,ધરતી આખો દિવસ ઘરમાં એકલી હોય. હું ઘરે પહોંચુ અને અમે બન્ને સાથે બેસીને ચા પીએ. તેની આંખોમાં આનંદનો સમુદ્ર હિલોળાં લેતો જણાય. સૂરજને પણ ,જાણે ધરતીને જુએ ને દિવસ ભરનો બધો થાક તેમજ કંટાળો દુમ દબાવી ભાગતો લાગે.

નોકરીને કારણે બન્ને પોતાનું ગામ છોડીને અંહી આવ્યા હતાં. જો કે ગામ ન કહેવાય ,સૂરત તો શહેર છે. સૂરજને પોતાની ગમતી નોકરી મળી વડોદરા ! વડોદરામાં કોઈ સગા કે સંબંધી મળે નહી. ધરતી વિચારે તેને પોતાને ગમતું કોઈ કામ મળી જાય તો સમય સારી રીતે પસાર થાય. ધરતી ખૂબ હોંશિયાર છે. ગમે તેવું કામ તેને કરવુ નથી. શનિવાર કે રવીવારે સૂરજ ઘરે હોય ત્યારે કામ કરવું ન હોય. સવારે સૂરજ જાય પછી કામે જવું હોય અને સાંજે સૂરજ આવે તે પહેલાં ઘરે પાછા આવવાનું .

આટલી બધી શરતો મંજૂર હોય તો આપણા ધરતી બહેન નોકરી પર જાય ! આમને આમ દસ વર્ષ નિકળી ગયા.  સારી રીતે વડોદરામાં ઠરીઠામ થયા હતા.  ઘર પણ અલકાપુરીમાં લઈ લીધું હતું. વરસમાં બે વાર સહુને મળવા સૂરત જતા. જ્યારે અનુકૂળ હોય ત્યારે બન્નેના માતા અને પિતા પણ આવતા.

રોજની જેમ આજે સૂરજ ઉમળકાભેર ઘરે આવ્યો. અચંબો થયો. દરવાજા પર ગોદરેજનું તાળું લટકતું હતું. તેના પગ જ્યાં ઉભો હતો ત્યાં ખોડાઈ ગયા. દિમાગમાં વિચારોનો વાવંટોળ ઉમટ્યો. મગજ બહેર મારી ગયું. સારા નરસા બધા વિચારો ધસી આવ્યા.

આવા સમયે સારા વિચાર ઓછા આવે. ખોટા વિચાર મનનો કબજો લઈ લે !

રોજ સૂરજના આવવા ટાંકણે ધરતી રાહ જોઈને ઉભી જ હોય ! ગેસ ઉપર ચાનું પાણી ઉકળતું હોય.  સૂરજ આવે એટલે દૂધ ઉમેરીને ચાની પત્તી નાખે. બન્નેને જરા પણ કડક ચા ભાવે નહી. ધરતી નાનપણમાં ‘અ ગુડ કપ ઓફ ટી’. નામનો પાઠ ભણી હતી. ચા નાખીને ઉકાળવાની નહી. ઢાંકી દેવાની. આજે સૂરજના આવવાના સમયે દરવાજા પર મોટું ગોદરેજનું તાળું લટકતું જોઈ સૂરજને, ‘પહેલો વિચાર આવ્યો, ધરતી મઝામાં તો છે ને ” ?

પૂછવું પણ કોને ? ચાર વર્ષથી અંહી રહેતા હતા, આજુબાજુ વાળા સાથે ,કેમ છો થી આગળ ખાસ સંબંધ હતો નહી. છતાં પણ હિંમત કરીને બાજુના ઘરવાળાનું બારણું ઠોક્યું.  આધેડ ઉમરના બહેને બારણું ખોલ્યું.

‘પેલા જુવાનિયાઓ  બાજુમાં રહે છે’.

એ બહેનનું ધ્યાન ન હતું કે, આ ભાઈ પોતે જ ત્યાં રહે છે.

અંતે સૂરજ બોલ્યો, ‘માસી હું જ બાજુમાં રહું છું. આજે મારી પત્ની ઘરે નથી તમને ખબર છે, ક્યાં ગઈ છે’?

‘માફ કરજો ભાઈ મેં તમને ઓળખ્યા નહી.  મારા ધારવા પ્રમાણે સવારના દસ વાગ્યા પછી મને બાજુમાં કોઈ ચહલ પહલ થઈ હોય તે યાદ નથી’.

સૂરજને એટલો તો વિશ્વાસ બેઠો કે ધરતી  દસ વાગ્યા સુધી ઘરે હતી. વધુ કોઈ સમાચાર મળવાની આશા ન હતી તેથી ઘરે ગયો. સારું હતું કે તેની પાસેના ચાવીના ઝુડામાં ગોદરેજના તાળાની ચાવી હતી. ઘર ખોલીને અંદર ગયો. ઠંડુ પાણી પીધું. વિચારે ચડી ગયો, કોને ફોન કરવો ?

તેને સો ટકા ખાત્રી હતી, ‘ધરતી તેને ફોન ઉપર જણાવ્યા વગર ક્યાંય જાય નહી’ !

પાણી પીધું એટલે મગજ જરા શાંત થયું. તે જાણતો હતો, ધરતી શાક અને ફળ લેવા ક્યાં જાય છે.  બ્યુટી પાર્લર ક્યાં આવ્યું. વાળ કપાવવા કયા સલોનમાં જાય છે. પોતાના સ્કૂટર પર બેઠો સહુ પ્રથમ બ્યુટી પાર્લરમાં ગયો. તેની બ્યુટીશ્યનને સૂરજ ઓળખતો. અંદર જઈને તપાસ કરી કે ,ધરતી આવી હતી .

રોઝીએ  હા પાડી, મેમે સાહેબા તો સવારે સાડા અગિયારે આવ્યા હતા. ત્યાંથી હેર સલાનમાં ગયો, તેણે પણ કહ્યું કે એક વાગે ધરતી ત્યાં આવી હતી. સરસ હેર સ્ટાઈલ કરી હતી. ધરતી ખૂબ ખુશ હતી તેને રોજ કરતા વધારે ટીપ મળી હતી.

બપોરના સમયે શાક બજારમાં ગિર્દી ઓછી હોય એટલે શાકવાળા પસે ગઈ હશે એમ ધારી ત્યાં આવ્યો. શાકવાળી તો શેઠને જોઈને ખુશ થઈ ગઈ.

‘બાબુજી, દો બજેસે શાકકી દો થેલિયાં રખકે ભાભી કહાં ગઈ ? અભી તક વાપસ લેને નહી આઈ હૈ. આપ લે જાઈએ. ‘

હવે આકાશના પેટમાં તેલ રેડાયું.  અત્યાર સુધી તો બધી કડી બરાબર ગોઠવાઈ, હવે શું ?

સૂરજ રસ્તાની વચ્ચોવચ સ્કૂટર સાથે ઉભો રહી ગયો. આજુબાજુની મોટર અને બસવાળાએ ખૂબ હોર્ન માર્યા ત્યારે ભાન આવ્યું. ચિંતા તેના આખા મુખ પર ફરી વળી હતી. તેના દીદારના કોઈ ઠેકાણા ન હતા. હાર્યો, થાક્યો, ભૂખ્યો ઘરે પાછો ફર્યો. શું કરવું ? તેનું દિમાગ બહેર મારી ગયું હતું. સોફા પર ઢગલો થઈને પડ્યો.

ધરતી શાકવાળાને થેલી આપી ફળવાળાને ત્યાં ઉભી હતી, ત્યાં એનો વર્ષો જૂનો મિત્ર પવન મળ્યો.

વાતમાં ને વાતમાં પાંચ વાગી ગયા. સમયનું ભાન રહ્યું નહી. આજે તે ફોન પણ ઘરે ભૂલી ગઈ હતી. પવન તેનો શાળાનો મિત્ર હતો. જુવાનીમાં પગરણ માંડ્યા ત્યારે ધરતીને તેના તરફ યૌવન સહજ લાગણિ થઈ ગઈ હતી. અચાનક પવને કહ્યું ,’ ચાલ ધરતી જૂની વાતો યાદ કરીને આપણને બન્ની ગમે તેવું સિનેમા જોવા જઈએ.

ધરતી વર્તમાન ભૂલી ભૂતકાળમાં સરી પડી. લાગણિનું પૂર આવે ત્યારે તેમાં ભલભલાં ઘસડાઈ જાય. એ જ હાલ ધરતીના થયા. ધરતી ,’આજે અચાનક’ ભૂતકાળના દિવસોમાં ખેંચાઈ ગઈ. પવન તેને દિવસ રાત સ્વપનામાં હેરાન કરતો હતો. પવનમય ધરતી આજે આટલા વર્ષો પછી એ લાગણિમાં તણાઈ ગઈ. અણસમજનો એ પ્રેમ આજે ફરીથી ધરતીને વળગી પડ્યો. પવન સાથે નવું આવેલું  ‘પહેલી મુલાકાત’  સિનેમા જોવા બેસી ગઈ. સિનેમા પુરું થયું ને ધરતી વાસ્તવિકતામાં આવીને પટકાઈ. સૂરજ યાદ આવ્યો.

‘પવન, તને ખબર છે, સૂરજ મારી કેટલી રાહ જોતો હશે?’

ખરેખર ! પવને વાત હસવામાં કાઢી. તે ખોટી આશામાં હતો કે ધરતી હજુ તેને ચાહે છે ! પવન ખોટા ભ્રમમાં હતો ! વાસ્તવિકતાથી અજાણ. ધરતીના વર્તમાનથી અપરિચિત ! શું આ એ જ ધરતી હતી  ? ખોટો ફાંકો ન રાખ ! ધરતી સૂરજ વગર ન રહી શકે !

ધરતીને ખૂબ અફસોસ થયો. પણ હાય, જે થવાનું હતું તે થઈ ગયું. પવનથી છૂટી પડીને ધરતી રિક્ષામાં બેઠી. સૂરજની આંખો આખે રસ્તે તેને ઢુંઢતી હોય એવું લાગ્યું. તેને મનોમન ખૂબ અફસોસ તયો ! ‘આજે અચાનક ‘,આ શું કરી બેઠી ?

ઘરે પહોંચી. બારણામાં ‘ગોદરેજનું તાળું’ લટકતું હતું ! તેનું દિલ ધક ધક કરી રહ્યું ! અવાજ એટલો જોરદાર હતો કે બે હાથે કાન બંધ કર્યા, ત્યાં પાછળથી ***************

ન કોઈ પ્રશ્ન, ન કોઈ ઉત્તરની અભિલાષા !


ક્રિયાઓ

Information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: