બ્રાન્ડી જ્યારે પણ મળે ત્યારે મધુરા હાસ્યથી વાત ચાલુ કરે. આજે મારાથી કહ્યા વગર ન રહી શકાયું , ‘હાય બ્રાન્ડી તું મોટાભાગની વ્હાઈટ અમેરિકન લેડીથી ખૂબ જુદી છે’ !
મને આદત પ્રમાણે હસીને કહે , ‘તને કેમ એવું લાગ્યું’ ?
એક તો તારા મુખ પર મધુરું સ્મિત હમેશા રેલાયેલું હોય. બીજું ‘તું બધાની સાથે પ્રેમથી વાત કરે છે’. પેલી ડેબી જો ? લીન્ડા તો એમ જ માને છે કે તે બધાની બોસ છે. જુડી તો કાયમ દુનિયાભરનો ભાર માથે લઈને ફરતી હોય. અમે બધા ૬૫થી ઉપરની ઉમરવાળા હતા. ગાર્ડનમાં બધા સાથે વોલિન્ટિયર વર્ક કરીએ.
બ્રાન્ડીની વાત જ નિરાળી. મારી સાથે તેને ખૂબ ફાવે. ઘરે આવી તો કહે, ‘અરે હું તો પહેલી વાર કોઈ ઈન્ડિયનના ઘરે આવી છું.” તારું ઘર ખૂબ સરસ છે. તારી ઘર ગોઠવવાની કળા એકદમ જુદી છે. એને આદુ, એલચી અને ફુદીનાવાળી ચા અને ખારા બિસ્કિટ ખવડાવ્યા તો જલસો પડી ગયો.
એવું સરસ ગાર્ડન છે કે જોઈને મનડું ખુશ થઈ જાય. જો કે મને બધા અંગ્રેજી શબ્દો યાદ ન રહે એટલે હું બહુ બોલું નહી . માત્ર સાંભળવાનું કામ કરું. ભારે કામ થાય નહી. જે થાય તે કરું. તેઓએ મને આપણા ભારતિય શાકભાજી ઉગાડવા માટે જગ્યા આપી છે. તમે નહી માનો, પાપડી, ચોળી, તુવેર, ગુવાર અરે આ વખતે તો આપણા ભારતની પીળી કાકડીનો છોડ પણ ઉગ્યો છે.
બ્રાન્ડી મને હસીને કહે પ્રવિણા , મેં આખી જીંદગી એક કંપનીના પ્રેસિડ્ન્ટ તરિકે કામ કર્યું છે. આખી દુનિયાના લોકો સાથે મારે કામ કરવાનું હતું. મારા મત પ્રમાણે આપણે બધા મનવો છીએ. મીઠાશથી બોલવામાં સામેવાળાનું દિલ જીતાય છે. મને સારી રીતે ઓળખતી હોવાને કારણે કહે,” યાદ છે તેં એકવાર કહ્યું હતું, આખી દુનિયાના માનવી સમાન છે. માત્ર બહારનો રંગ અલગ છે”.
‘અરે, તને હજુ યાદ છે’ ?
અમેરિકનો ખૂબ ખુલ્લા દિલના અને પ્રેમ પૂર્વક વાત કરતા જણાયા. હા, તેમાં અપવાદ હોય તેની ના નહી. મને અને બ્રાન્ડીને ખૂબ ફાવતું. દર અઠવાડિયે મળતા. બગિચામાં ઉગતા શાકભાજી બનાવી સહુને ચખાડવા લઈ જતી. ભાર દઈને સહુને જણાવ્યું હતું,’ મહેરબાની કરીને કોઈ પણ શાક સડવા દેશો નહી. આપણે સહુ તેના સાક્ષી છીએ ઉગતાં કેટલો સમય લાગે છે. મહેનત પણ ખૂબ પડે છે’.
આજે સવારે બ્રાન્ડી મને તેની ગ્રાન્ડ ડોટર સાથે મળી. જીનીના મમ્મી અને પપ્પા બન્ને નોકરી પર હોય એટલે ઉનાળામાં હું જીનીને બધા ક્લાસમાં લઈ જાંઉ . સમર કેંપમાં પણ લેવા મૂકવા જવાની જવાબદારી હું હસતા મોઢે નિભાવું છું. મને કહે આપણા બાળકોને .’તેમના બાળકો નાના હોય ત્યારે જરૂર હોય”.
શું ફરક છે ? આપણા અને તેમના ખ્યાલ કેટલા મળતા છે !
મારા કાન પર મને વિશ્વાસ ન પડ્યો. મોટાભાગના ભારતિયો માનતા હોય છે, અમેરિકનોને પોતાના કુટુંબ પ્રત્યે પ્રેમ નથી હોતો’! તેઓ ખૂબ સ્વાર્થી હોય છે !
આપણો એ ખૂબ ખોટો ભ્રમ છે. એ લોકો પણ આપણા જેવા માનવીઓ છે.
ચાલો મારી વાત આગળ ચલાવું.
આજે મને કહે ,’ચાલ આપણે આજે ઈન્ડિયન રેસ્ટોરન્ટમાં જમવા જઈએ’ !
મેં કહ્યું ,’મારે ત્યાં આવ તને ભાવે તે બનાવીશ’. એ બહાને આપણે સાથે થોડો સમય ગાળીશું.’ તેને આપણી આદુ, ફુદીનો, લીલી ચા અને માસાલાવાળી ચા ખૂબ ભાવતી હતી. એના માન્યમાં ન આવ્યું કે ચામાં દૂધ નખાય ?
તેણે હા પાડી.
વાતમાં ને વાતમાં મને કહે ,’તું એકલી રહે છે’ ?
મેં કહ્યું હા,’ મારો મોટો દીકરો અંહીથી પાંચ માઈલ દૂર રહે છે. નાનો થોડો દૂર છે પણ હાઈવે લઈને જવામાં વાંધો આવતો નથી.’
મારાથી પૂછ્યા વગર ન રહેવાયુ, ‘તું પણ એકલી રહે છે ને’?
એનો જવાબ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ.
‘ના , હું મારા દીકરા સાથે રહું છું’ !
મિત્રો એક વાત યાદ રાખવી, ‘ માણસ માત્ર સહુ સરખાં.’ દેશ અને કાળ ફક્ત ચામડીનો રંગ બદલી શકે. સ્વભાવ નહી. હા,
આપણિ અને તેમની જીવવાની પદ્ધતિ અલગ, સંસ્કાર અલગ, જીવન તરફ અવલોકનની દૃષ્ટિ અલગ બાકી આપણા સહુના
લોહીનો રંગ લાલ છે. દુઃખ અને દર્દની ભાવના એક સરખી મહેસુસ કરીએ છીએ. આનંદની લાગણિ પણ સમાન છે. આંખમાંથી
વહેત આંસુનો રંગ અલગ નથી !