પંતુજી

સોનલ જ્યારે શાળામાં ભણતી હતી ત્યારે પણ તેને “પંતુજી” શબ્દ પ્રત્યે નફરત હતી. આજે તો જો કે
આ શબ્દ ચલણમાં નથી. એને તો અમેરિકા આવ્યે ૨૦ વર્ષ થઈ ગયા હતાં. ભારતની શાળા અને
શિક્ષકોથી સાવ અજાણ હતી. આજે આ શબ્દ ક્યાંથી દિમાગમાં ધસી આવ્યો અને સોનલના મનમાં
ઉલ્કાપાત થઈ ગયો.

‘સોનલ, શાળાએ જવાનો સમય થઈ ગયો છે.’

‘તારે હજુ નહાવાનું બાકી છે’.

‘સોનલ શાળાના થેલામાં પુસ્તકો બરાબર લીધા કે નહી ‘ ?

‘ઘરકામ કર્યું હતું તે પણ મને બતાવ્યું નથી.’

‘તારા શાળાના કપડાંને ઈસ્ત્રી મારીને તૈયાર મૂક્યા છે’.

‘બરાબર જો શાળાનો બિલ્લો તારા નાસ્તાના ડબ્બાની બાજુમાં છે’.

આવા વાક્યો દ્વારા સોનલની  સવાર પડતી. લાડકી હતી. સોનલ પંદર વર્ષની થઈ પછી સંજુનું
આગમન થયું હતું. આખા કુટુંબમાં તે એક જ દીકરી હતી એટલે તે ખૂબ લાડ પામતી. સંજુના
આગમન પછી તો ભાવ ઔર વધ્યા. ખેર ભણવામાં હોંશિયાર સોનલ શાળામાં શિક્ષકોની પણ
લાડલી.
સોનલ ઉપર વર્ગની બધી છોકરીઓ નારાજ રહેતી. આમાં સોનલનો વાંક ક્યાં હતો? સોનલ
ખૂબ વિચારતી. તેની મિઠાશ સહુને સ્પર્શી જતી.તેને પણ બહેનપણીઓ ખૂબ ગમતી. મોટે
ભાગે બધી છોકરીઓ તેનાથી દૂર રહેવાનો વ્યર્થ પ્રયત્ન કરતી. પણ પરિસ્થિતિ એવી આવતી
કે સોનલ પાસે આવતા અને તેની મદદ માગતા.

પટેલ સર કહેતા, ‘ સોનલ , તારે બધાનું ઘરકામ તપાસવાનું. ‘

શાહ સર તેને  ગણિતની એક્કો માનતા. સોનલે દરરોજ બોર્ડ ઉપર દાખલો ગણીને બતાવવાનો.

શાહ સરને બોલવામાં તકલિફ હતી, તેથી સોનલ તેમનો જમણો હાથ હતી. શાહ સરની ભૂલ કદાચ

થાય પણ દાખલો ગણતા સોનલની ભૂલ  ન થાય !

સોનલને સંસ્કૃત ન ગમે. પંડ્યા સર ખૂબ મહેનત કરે પણ વ્યાકરણ ગોખવાનું, રામઃ  રામૌ રામાઃ.

એવા નિયમો ગોખવા ન ગમે. તો પણ પંડ્યા સર હસીને કહે, ૫૦ માર્ક્સ લાવીશ તો પણ ઘણું.

સોનલને ખૂબ ખરાબ લાગતું પણ શું કરે ? ભલે તેને સંસ્કૃતમાં વ્યાકરણ ન ફાવતું કિંતુ સંસ્કૃત

વાંચવામાં તકલિફ પડતી નહી. તેના ઉચ્ચારણ શુદ્ધ રહેતા. તેનો મીઠો અવાજ હોવાને કારણે

શ્લોક ગાતા તેને ફાવતું.

આમ સોનલ ખૂબ હોંશથી ભણતી. બધા શિક્ષકો તેમજ શિક્ષિકાઓને માન પૂર્વક નિહાળતી.

તેના વર્ગનો દિલિપ કાયમ સર માટે ‘પંતુજી’ શબ્દ વાપરે. જેને કારણે તેને દિલિપ સાથે ઉભે ન

બનતું. દિલિપને સોનલ ખૂબ ગમતી. હવે આમ તેમની સાપ અને નોળિયા જેવી દોસ્તી હતી.

જો દિલિપ મારી સાથે દોસ્તી રાખવી હોય તો ‘પંતુજી’ શબ્દ તારે મારી સામે નહી વાપરવાનો.

તને ખબર છે, તેઓ આપણી પાછળ કેટલી મહેનત કરે છે. આપણને સારા નાગરિક બનાવવા

ખૂબ ઉત્સુક છે.  તું આવો શબ્દ તેમને માટે વાપરે તે ઉચિત નથી.

દિલિપને લાગતું સોનલની વાત સાવ સાચી છે. તેને ઘરે ભણાવવા પાંચાલ સર આવતા, ભણાવવામાં
ખૂબ કુશળ હતા.  કિંતુ દિલિપ મન દઈને ભણતો નહી. જેને કારણે દિલિપના પિતાજી તેમને ‘પંતુજી’
કહેતાં. દિલિપે આ શબ્દ પકડી લીધો. પોતાનો વાંક છે જાણતો હતો. તેઓ શાળામાં  ભણાવવામાં
ખૂબ કુશળ હતા એટલે તો તેમને ઘરે ભણાવવા રાખ્યા હતા.
નિશાળમાં માસ્તરની નોકરીને બહુ મહત્વ અપાતું નહી. એ વાત સોનલને ખૂબ ખુંચતી. તેને મન
શિક્ષકો બાળકોના ઘડતર માટે પાયા સમાન હતા.જેને કારણે સોનલની પ્રગતિ સારી થઈ હતી.
સહુનું પ્રોત્સાહન તેને આગળ વધવામાં સહાય કરતું. તેને  શિક્ષકો અને શિક્ષિકાઓ પ્રત્યે ખૂબ
આદરભાવ રહેતો.
અચાનક એક દિવસ પાંચાલ સરની દીકરી બિમાર પડી. તેમની પાસે પૈસા થોડા ઓછા હતા. દિલિપના
પિતાજી પાસે માંગ્યા, ‘ મારે અત્તયારે પૈસાની ખૂબ જરૂર છે. તમે આવતા મહિનાના પગારમાંથી કાપી
લેજો’.

બસ ત્યારથી દિલિપના પિતાજીને તેમના પરથી માન ઉતરી ગયું હતું. આ એ સમયની વાત છે જ્યારે

શાળામાં શિક્ષકોને પગાર બહુ મળતો નહી. મહેનત ખૂબ કરવાની વિદ્યાર્થિઓને ઘરે ભણાવવા જાય

તો તેમના માતા અને પિતા પૈસા આપવામાં કચ કચ કરે.

સોનલ સુખી ઘરની દીકરી હતી. દિવાળી આવે , પોતાની વર્ષગાંઠ આવે ત્યારે શિક્ષકોને , ‘ગુરૂ’ સમજી

પગે લાગતી અને સુંદર ભેટ સોગાદોથી નવાજતી.

એ દિલિપ આજે લગભગ ૧૭ વર્ષ પછી હ્યુસ્ટનમાં મળ્યો. અચાનક ગેલેરિયા મોલમાં બે જણા સામ સામે

ભટકાયા. સોનલ આગ્રહ કરીને  દિલિપને પોતાની ઘરે લઈ ગઈ. જૂની વાતો કરતા બન્ને ધરાતા ન હતા.

ભલું થજો સોનલના પતિદેવ સાહિલ, ધંધાના કામે ભારત ગયા હતા. સરસ મજાનું જમીને બન્ને બેકયાર્ડમાં

આવ્યા. સ્વિમિંગ પુલ જોઈને દિલિપ બોલ્યો,’ તું હજુ સ્વિમિંગ કરે છે’ ?

‘મને અને મારા પતિ બન્નેને શોખ છે’.

અચાનક દિલિપ બોલ્યો , ‘એક વાત કહું ?’

એટલે તો તને આગ્રહ કરીને ઘરે લાવી. કેટલા વર્ષોની વાત ભેગી થઈ છે. શાળા અને કોલેજ છોડ્યા પછી
હું પરણીને અમેરિકા આવી ગઈ. કોઈ મિત્રો સાથે સંપર્ક રહ્યો નથી. બોલ કાંઈ એવી વાત કરજે જે યાદગાર
બની જાય. વળી પાછા ક્યારે મળીશું કોને ખબર ?’
સોનલ સારું થયું તે મને આપણી મુલાકાત યાદગાર બને તેવી વાત કરવાનો મોકો આપ્યો. મારા દિલમાં
ધુંધવાતી વાત સાંભળવા તારા જેવું યોગ્ય પાત્ર નથી. બાળપણની આપણિ દોસ્તી અને મારો અભિગમ
તું બરાબર જાણે છે.
સોનલને વિસ્મય થયું એવું તો શું બન્યું હશે ? ઘણા વર્ષો પછી દિલિપ મળ્યો હતો. યાર, ‘જે કહેવું હોય
તે કહે . આપણી મૈત્રી હું આજે પણ ખૂબ પ્રેમ પૂર્વક યાદ કરું છું.  સાહિલ તારા વિષે બધું જાણે છે. જો
તારા દિલનો ભાર હળવો થતો હોય તો નિશ્ચિંત રહેજે.

‘અરે, તને પાંચાલ સર યાદ છે? મને ઘરે ભણાવવા આવતા હતાં ?’

‘હા’.બરાબર , તને ઘરે ભણાવવા પણ આવતા હતા. ‘

‘જેમને તું મને ન ગમતા શબ્દ,’પંતુજી’ કહીને સંબોધતો હતો . તે જ ને ?

તેઓ મને એકવાર મુંબઈના એન.સી.પી.એ માં મળ્યા હતા. હું તો તેમને બરાબર ઓળખી ગયો હતો.

તેમની સાથે વાત શરૂ કરી. અચાનક કહે, ‘અરે, તું દિલિપ મહેતા તો નહી ‘? મેં હા પાડી. વાતમાં ને

વાતમાં કહે, ‘તમે સારી પ્રગતિ કરી છે.’ કહીને મારા ખૂબ વખાણ કર્યા. ઉપરથી એમ પણ કહ્યું, ‘જે

વિદ્યાર્થી બાળપણમાં તોફાની હોય છે. તેઓનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બને છે.’

‘જી’.તેમનો મારા પ્રત્યેનો આદર જોઈ મને પણ ગમ્યું. ‘

મેં તેમને મારું કાર્ડ આપ્યું, આગ્રહ પૂર્વક કહ્યું સમય મળ્યે જરૂરથી મારે ત્યાં આવજો. ‘

એ વાત મારા દિમાગમાંથી નિકળી ગઈ હતી. અચાનક છ એક મહિના પછી રવીવારની સાંજે હું

અને દીના ચા નાસ્તો કરી રહ્યા હતા, ત્યાં બારણાની ઘંટી વાગી. નોકરે બારણું ખોલી આવનાર

મહેમાનને દિવાનખાનામાં બેસાડ્યા.

‘હું અને દીના બહાર આવ્યા.’

પાંચાલ સરને  ઘરમાં સોફા પર બેઠેલા જોઈ નવાઈ પામી ગયો. દીનાને ઓળખાણ આપી તેમની
સરભરા કરવા માટે કહ્યું. અમે ખૂબ વાતો કરી.
દીનાએ પણ મારા ગુરૂજી સમજીને ખૂબ આદર પૂર્વક તેમની સરભરા કરી. તેમમુખ પર સંતોષની
રેખાઓ અંકાઈ ગઈ. પોતાનો વિદ્યાર્થી આટલો સફળ થાય એ જોઈને ગર્વ પણ થયો. એક મિનિટ
કહી હું મારા બેડરૂમમાં ગયા. આખી મુલાકાત દરમ્યાન મારું દિમાગ વિચલિત હતું.

‘આજે પાંચાલ સર ને કેટલા પૈસા આપું તો તેમને માથે કોઈ આપત્તિ હોય તો દૂર કરી શકું. તેઓ

જરૂર કોઈ આપત્તિમાં હશે એટલે મારે દ્વારે આવ્યા છે. એ વગર એમનું આવવાનું પ્રયોજન શું

હોઈ શકે ? મારા પિતાજીનો પંતુજી શબ્દ દિમાગમાં ઝબકી ગયો. મારું મોઢું મલકાઈ ગયું.  ‘

આ વિચારોને કારણે ,’હું ખુલ્લા દિલથી તેમને મળ્યાનો આનંદ માણી શકતો ન હતો. યંત્રવત સંવાદ

ચાલતા હતા. મારું દિમાગ આંકડો મુકરર કરવામાં વ્યસ્ત હતું ‘.

લગભગ દોઢ કલાક થયો. હું રાહ જોતો હતો કે ક્યારે બોલે અને તેમને મારી ઉદારતા બતાવું.

‘ચાલો તો, તમને મળ્યાનો ખૂન આનંદ થયો. તમારી આવી સુંદર પ્રગતિ જોઈને દિલ ઠર્યું. આશિર્વાદ

રૂપે એક પરબિડિયુ ખિસામાંથી કાઢી દીનાને આપ્યું’ મારા તરફથી આશિર્વાદ સમજજો બેટા’ !

કાપો તો લોહી ન નિકળે એવા મારા હાલ હતા.

ક્યારેય આપણિ શાળાના શિક્ષકોનું અવમૂલ્યન ન કરશો. આપણે ત્યારે તેમને “ગુરુ” માનતા હતા.

આજે પણ તેમના પ્રત્યે આદરભાવ છલકાય છે.

‘સોનલ, તેમને વિદાય આપીને હું પોસ પોસ આંસુએ રડ્યો. જેમને ‘પંતુજી’ કહેતો હતો એ તો મુઠ્ઠી

ઉંચેરા માનવી નિકળ્યા. મને મારી જાત ઉપર નફરત જેવું થઈ ગયું. આવો વાહિયાત વિચાર મને

આવ્યો કઈ રીતે ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: